‘સ્વામીજી! હિંદુ ધર્મનો પ્રચાર પશ્ચિમના દેશોમાં કરવાનું આપશ્રીને ક્યાંથી સૂઝયું?’ ‘મારે તો અનુભવ લેવો હતો. મારા ખ્યાલ મુજબ આપણા રાષ્ટ્રીય અધ:પતનનું મુખ્ય કારણ આપણે બીજી પ્રજાઓ સાથે છૂટથી હળતાભળતા નથી એ છે; કહો કે એ એક જ કારણ છે. બીજાઓની સાથે વિચારની  આપલે કરવાની આપણને કદી તક મળી નથી; આપણે કૂપમંડૂકવૃત્તિવાળા થઈ ગયા હતા.’ ‘ભારતવર્ષના પુનરુધ્ધાન માટે આપ શું કરવા ધારો છો?’ ‘હું માનું છું કે આમજનતા પ્રત્યેની આપણી ઉપેક્ષા એ રાષ્ટ્રનું મોટું પાપ છે, અને આપણા પતનનું એ એક કારણ છે. ભારતની સામાન્ય જનતા જ્યાં સુધી સુશિક્ષિત નહિ બને, તેને સારી રીતે ખાવા પીવાનું નહિ મળે, અને સારી રીતે તેની સંભાળ નહિ લેવાય ત્યાં સુધી કેવળ રાજકારણ દ્વારા થતા બધા પ્રયત્નો નિરર્થક નીવડશે. આમજનતા આપણા શિક્ષણ સારુ પૈસા આપે છે; આપણા મંદિરો તેઓ બાંધે છે; પરંતુ બદલામાં તેમને લાતો મળે છે. એ લોકો લગભગ આપણા ગુલામ જેવા થઈ ગયા છે. જો ભારતનો ઉદ્ધાર કરવો હોય તો આપણે તેમને માટે કાર્ય કરવાનું છે. શરૂઆતમાં પ્રચારકો તરીકે નવયુવકોને તૈયાર કરવા સારુ હું બે મધ્યસ્થ સંસ્થાઓ સ્થાપવા ઇચ્છું—એક મદ્રાસમાં અને બીજી કલકત્તામાં. કલકત્તાનું કેન્દ્ર શરૂ કરવા માટે મારી પાસે ફંડ છે; અંગ્રેજ મિત્રો મારા હેતુને માટે પૈસા આપશે.

‘નવયુવકો પર, અત્યારની પેઢી પર મને શ્રદ્ધા છે; તેનામાંથી જ મારા કાર્યકરો આવશે. સિંંહની શક્તિથી તેઓ આખા પ્રશ્નને હલ કરશે. મેં એ યોજના આખી ગોઠવી રાખી છે, અને મારું આખું જીવન મેં એ યોજનાને અર્પણ કર્યું છે. જો હું સફળ નહિ થાઉં તો મારા પછી વધુ સારી વ્યક્તિ આવીને એ સફળ કરશે; હું પ્રયત્ન કરવામાં જ સંતોષ માનીશ. તમારી પાસે પ્રશ્ન છે લોકોના હક્ક તેમને પાછા આપવાનો. દુનિયાએ ભાગ્યે જ જોયો હશે એવો મહાનમાં મહાન ધર્મ તમારો છે, છતાં લોકોને તમે નકામી ચીજો આપો છો. તમારી પાસે પાતાળઝરણું વહી રહ્યું છે છતાં તમે તેમને ખાબોચિયાનું પાણી પાઓ છો. તમારો મદ્રાસી ગ્રેજ્યુએટ કોઈ હલકા વર્ગના માણસને અડકશે નહિ, પણ પોતાના શિક્ષણને માટે તેની પાસેથી પૈસા પડાવવા માટે તૈયાર રહેશે. હું આરંભમાં આધ્યાત્મિક તેમ જ વ્યવહારિક બંને પ્રકારનું શિક્ષણ જનતાને આપી શકે તેવા પ્રચારકો તૈયાર કરવા સારુ આ બે સંસ્થાઓ સ્થાપવા માગું છું. આ પ્રચારકો એક પછી એક નવાં નવાં કેન્દ્રોમાં ફેલાતા જશે, અને એમ કરતાં કરતાં આખરે આપણે સમગ્ર ભારતને આવરી લઈશું. મુખ્ય વાત એ છે કે ઈશ્વરમાં શ્રદ્ધા હોવા પહેલાં પણ, માણસને પોતાનામાં શ્રદ્ધા હોવી જોઈએ. પરંતુ મુશ્કેલી એ છે કે દિનપ્રતિદિન આપણે આપણામાંથી શ્રદ્ધા ખોઈ બેસતા જઈએ છીએ. સુધારકોની સામે મારો વાંધો આ છે. જુનવાણી હોવા છતાં સનાતનીઓમાં વધુ આત્મશ્રદ્ધા અને વધુ બળ છે; પરંતુ સુધારકો તો કેવળ યુરોપિયનોના હાથમાં રમકડાં જેવા બની રહ્યા છે અને તેમની ખુશામત કરી રહ્યા છે. અન્ય દેશોની સામાન્ય જનતાની સરખામણીમાં આપણી સામાન્ય જનતા દેવ જેવી છે. આ ભારત જ એક એવો દેશ છે કે જ્યાં ગરીબાઈ ગુનો ગણાતો નથી. આપણા લોકો તન-મનથી સુંદર છે, પણ આપણે તેમનો ધિક્કાર અને તિરસ્કાર કરી કરીને તેમની આત્મશ્રદ્ધા ખોઈ નખાવી છે; તેઓ એમ માનતા થઈ ગયા છે પોતે જન્મથી જ ગુલામ છે. તેમને હક્ક આપો, અને તે તેમને અદા કરવા દો. અમેરિકન સંસ્કૃતિનો આ જ મહિમા છે. નમેલા અંગે, ભૂખ્યા પેટે, તથા એક નાની લાકડી અને કપડાનું પોટલું લઈને વહાણમાંથી તાજા ઊતરેલા આઈરીશ-મેનને, અમેરિકામાં થોડા મહિના રહ્યા પછીની તેની સ્થિતિ સરખાવી જુઓ. એ હિંમતથી અને ટટાર ચાલતો થયો હશે. જે દેશમાંથી તે આવ્યો છે  ત્યાં એ ગુલામ હતો; જે દેશમાં તે આવ્યો છે ત્યાં તે એક ભાઈ છે. ‘શ્રદ્ધા રાખો કે આત્મા અમર, અનંત અને સર્વશક્તિમાન છે. શિક્ષણના મારા આદર્શમાં શિક્ષકની સાથેનો અંગત સંપર્ક— ગુરુગૃહવાસ આવે છે. શિક્ષકના અંગત જીવન સાથેના સંપર્ક સિવાય શિક્ષણ સંભવે નહિ. તમારી યુનિવર્સિટીઓ જુઓ. પચાસ વરસની હયાતી દરમિયાન તેમણે શું કરી બતાવ્યું છે? એક પણ મૌલિક શક્તિવાળો માણસ તેમણે ઉત્પન્ન કર્યો નથી. તે કેવળ પરીક્ષા લેનારી સંસ્થાઓ છે. સમગ્ર જનતાના કલ્યાણ માટે આત્મભોગની ભાવના હજી આપણી પ્રજામાં વિકસી નથી.’

(ભાગ. ૮, પૃ.૩૧-૩૭)

Total Views: 274

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.