(સપ્ટેમ્બર, ૨૦૦૪ના અંકથી આગળ)

નેધરલેન્ડથી અમે સવારના ૮-૩૦ વાગ્યે રવાના થયા. રસ્તામાં થેપલા-મમરાનો નાસ્તો કરતાં કરતાં, ભજન સાંભળતાં સાંભળતાં, રસ્તામાં આવતાં નાનાં રમણીય ગામડાં જોતાં જોતાં બપોર પછી કાર દ્વારા જર્મનીના બીન્દ-વાઈદ (Bindeweide) નામના નાના ગામડે પહોંચી ગયા. જર્મનીના ભક્તજનો મળીને એક વેદાંત સેન્ટર ચલાવતા હતા. હવે રામકૃષ્ણ સંઘનું એ ઔપચારિક કેન્દ્ર બની ગયું છે. લગભગ ૧૫-૨૦ ભક્તોએ અમારું સ્વાગત કર્યું. મને કલ્પના પણ નહોતી કે આટલા લોકો ત્યાં હાજર હશે. પછી ખબર પડી કે સેન્ટરના સેક્રેટરી શ્રીમતી લીલી ચક્રવર્તી (જેઓ જર્મન વિદુષી છે.) દ્વારા બીજે દિવસે ૨ મેના રોજ રવિવાર હોવાથી એક આધ્યાત્મિક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલાક ભક્તો એક દિવસ વહેલાં આવી પહોંચ્યા હતા, કારણ કે દૂર-દૂરથી આવતા ૨-૩ કલાકો લાગી જાય અને સવારમાં પહોંચવામાં વિલંબ થાય.

આટલા બધા લોકો ખાધા વગર અમારી રાહ જોઈ રહ્યા હતા એટલે તરત જ હાથ મોઢું ધોઈ જમવા બેઠા. અહીં પણ જમવાનું શરૂ કરતાં પહેલાં ‘ब्रह्मार्पणम्’નો શ્લોક બોલાય છે અને શ્રીમા શારદાદેવી ના અંતિમ સંદેશ (જો શાંતિ જોઈતી હોય તો..) જર્મન ભાષામાં બોલવામાં આવે છે.

હોલેન્ડના કેન્દ્રના ભવન કરતાં અહીંનું ભવન મોટું છે. ત્રણ માળનું મકાન છે, જૂના મકાનનું નવસંસ્કરણ કરવામાં આવ્યું છે. હેઠળના માળે રસોડું, વિશાળ ડાઈનિંગ હોલ, ઓફિસ, પુસ્તકાલય, લેકચર હોલ છે. પહેલે માળે શિબિરમાં જોડાવા માગતા અતિથિઓના નિવાસ માટે આઠ-દશ ઓરડાઓ છે અને બીજે માળે – (સૌથી ઉપરના માળે) ૧૫૦ બેઠકવાળો એક વિશાળ પ્રાર્થના ખંડ છે, બાજુમાં સંન્યાસીઓના રહેવા માટે એક નાનો ઓરડો છે. ભોંયતળિયે સ્ટોરરૂમ, લોન્ડ્રી, વર્કશોપ છે. ભવનના પાછળના ભાગમાં લગભગ એક એકર જમીન સાથે એક નાનું મકાન છે, જેમાં મનોહર શોભાવાળાં વૃક્ષો હતાં. સેન્ટરની આસપાસ પાઈનનાં અને દેવદારનાં ઊંચાં વૃક્ષોનું ગીચ જંગલ છે. અત્યંત રમણીય સ્થળ. જાણે માયાવતી (હિમાલય) આવી પહોંચ્યા!

તે દિવસે સાંજે ભક્તોના અનુરોધથી ભારત, રામકૃષ્ણ મિશનની પ્રવૃત્તિઓ અને પોરબંદરકેન્દ્ર વિશે વાતો કરી. ભક્તોમાં મોટા ભાગના ભારતીય મૂળના જર્મનીના રહેવાસીઓ હતા. થોડા જર્મન ભક્તો પણ હતા. શ્રીમતી લીલી ચક્રવર્તી મારા દરેક વાક્યનું જર્મન ભાષાંતર કરતાં હતાં. સંધ્યા આરતી (ખંડન ભવ બંધન.) ધ્યાન અને ભજન પછી ભક્તોને ગુજરાત ભૂકંપ રાહત કાર્યની અને શ્રીમા શારદાદેવીની વિડિયો ફિલ્મો બતાવી.

૨ મેના રોજ સવારના ભક્તોએ નાસ્તા પહેલાં સવારના ૬ થી ૭ સુધી પ્રાર્થના-મંદિરમાં સુંદર ભજનગાન અને સ્તુતિ પાઠ થયાં. સવારના દશ થી એક વાગ્યા સુધી આધ્યાત્મિક શિબિરના પ્રથમ સત્રમાં ભક્તોના આગ્રહથી ‘સ્ટ્રેસ મેનેજમેન્ટ’ અને ‘વ્યાવહારિક વેદાંત’ પર વાતો કરી. લગભગ ૨૦-૨૫ જિજ્ઞાસુઓ હતા. તેમણે વિદ્વતાપૂર્ણ પ્રશ્નો પૂછ્યા. એક પ્રોફેસરે તો પ્રશ્નોની હારમાળા રજૂ કરી. અહીં ઘણાનો મુખ્ય પ્રશ્ન ‘શાંતિ કેવી રીતે મળે?’ એ જ હતો. બપોરના ૩ થી ૫ વાગ્યાના સત્રમાં ‘ધ્યાન’ વિશે ચર્ચા કરી અને બધાંએ સાથે મળી ધ્યાન કર્યું. ઉદો સોબાઈક (Udo Sobiech) નામનો એક જર્મન યુવક રસપૂર્વક બધું સાંભળી રહ્યો હતો, તે સેન્ટર સાથે ઘણાં વર્ષોથી સંકળાયેલ છે. ફિલ્મલાઈનથી પણ સંકળાયેલ હોવાથી તેણે સમસ્ત કાર્યક્રમની વિડીયો શુટિંગ કરી અને પાછળથી તેની વિડીયો કેસેટો બનાવી. ભોજન કરતી વખતે તે મારી પાસે બેસી ગયો અને ભાંગી-તુટી અંગ્રેજીમાં બોલવા લાગ્યો, ‘વાહ સ્વામીજી, આ કેવું સરસ! તમે ય આત્મા અને હું ય આત્મા!’ મેં કલ્પના પણ નહોતી કરી કે દૂર જર્મનીમાં મને આવા નિષ્ઠાવાન ભક્તોનો મેળાપ થશે. તેઓની ભક્તિથી હું અભિભૂત થઈ ગયો. વ્યક્તિગત માર્ગદર્શન સમયે એક ભારતીય-મહિલાએ પોતાના આધ્યાત્મિક અનુભવોની વાતો કરી – કેવી રીતે તેણે લગભગ ૨૫ વર્ષો પહેલાં રામકૃષ્ણ મઠ-મિશનના દશમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ પાસેથી મંત્રદીક્ષા મેળવી હતી, કેવી રીતે તેમના વિશે દિવ્ય દર્શન જાગૃત અવસ્થામાં પ્રાપ્ત કર્યું હતું, કેવી રીતે શ્રીમા શારદાદેવીના દર્શન કર્યાં હતાં. દેઈતલીન્દ કલોપમેન નામની એક જર્મન વૃદ્ધ મહિલા સાથેનો પરિચય પણ આહ્‌લાદક નીવડ્યો. તેમણે સ્વામી નિખિલાનંદજી દ્વારા અંગ્રેજીમાં લિખિત શ્રીમા શારદાદેવીના જીવન ચરિત્ર પુસ્તકનો જર્મન અનુવાદ કર્યો હતો. આ મુક્ત અનુવાદ હતો તેથી પ્રકાશકોએ તે અનુવાદ પરત કર્યો અને ફરીવાર એ જ પુસ્તકનો અનુવાદ શબ્દશ: કરવાનું કહ્યું. આટલા સખત પરિશ્રમનું આવું પરિણામ આવ્યું એટલે તેઓ હતાશ થઈ ગયા, છતાં તેમણે ફરીવાર અનુવાદ કાર્ય શરૂ કર્યું. આ કાર્ય ૨ વર્ષ ચાલ્યું. તેમણે ભાવ વિભોર અવસ્થામાં મને જણાવ્યું કે આ બે વર્ષો સુધી શ્રીમા શારદાદેવીની સૂક્ષ્મ ઉપસ્થિતિનું ભાન તેમને નિરંતર રહ્યું. હું મનોમન આ વૃદ્ધ મહિલાને વંદી રહ્યો.

સાંજના લગભગ છ વાગ્યે આધ્યાત્મિક શિબિર પૂર્ણ થયા બાદ કેટલાક ભક્તો પાછા જવાના હતા. સેન્ટરના ભવનની સામે સામુહિક ફોટા લીધા. સંધ્યા આરતી, ધ્યાન અને ભોજન બાદ રાતના ભક્તો સાથે ગોષ્ઠિ થઈ. આ પ્રસંગે ત્યાંની જીવનશૈલી અને વર્તમાન પરિસ્થિતિ વિશે પણ જાણવા મળ્યું. એક ગુજરાતી ભક્ત મહિલાએ જણાવ્યું કે તે ઘણાં વર્ષોથી જર્મનીમાં રહે છે અને પરિવારના એક માત્ર પુત્રને અવિવાહિત સંબંધ છે. વળી તેમને એક સંતાન પણ છે! ત્યાં લોકો વિવાહ કરતાં ડરે છે. વૈવાહિક સંબંધ અલ્પકાલીન હોય છે, તલાકનું ખર્ચ વિવાહ કરતાં વધારે થાય! તે ભક્ત મહિલાએ કહ્યું ‘શું કરું?’ બધે અહીં આવું જ છે, એટલે નથી ગમતું તો ય સ્વીકારી લેવું પડે છે, ‘મનમાં થયું આના કરતાં આપણો દેશ અનેક ગણો સારો – હજુ સુધી પરિવાર જીવન તો જળવાઈ રહ્યું છે. જો કે આપણા દેશની યુવાપેઢી પાશ્ચાત્ય સંસ્કૃતિના અંધ અનુકરણમાં પડી ગઈ છે તેથી આપણા દેશમાં પણ આવી સામાજિક પરિસ્થિતિ સર્જાઈ જાય તો નવાઈ નહિ.

પાશ્ચાત્ય દેશના લોકો ભારતીય સંસ્કૃતિ અને અધ્યાત્મ પ્રત્યે, વેદાંત પ્રત્યે આકર્ષણ અનુભવે છે ને સ્વાભાવિક છે તે હવે સમજાયું. મને સ્મરણ થઈ આવ્યું જર્મનીના ફ્રેંક ઝેઝનનું વ્યાખ્યાન. ઈ.સ. ૧૯૯૩માં સ્વામી વિવેકાનંદ શિકાગો ધર્મસભા શતાબ્દીની ઉજવણીના ભાગરૂપે કલકત્તામાં નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં ઓલ ઈન્ડિયા કન્વેન્શન યોજાયું હતું જેમાં લગભગ દશ હજાર પ્રતિનિધિઓ રૂપે ભાગ લીધો હતો અને ૨૦ દેશોના લગભગ ૨૦૦ વક્તાઓએ સંબોધન કર્યું હતું. જર્મનીના વેદાંત સેન્ટરના પ્રતિનિધિઓ રૂપે આવેલા શ્રી ફ્રેંક ઝેઝને સફેદ લેંઘો અને ઝભ્ભો પહેર્યા હતા અને મોટી દાઢી રાખી હતી. તેમણે કહ્યું, ‘હું અહીં ભારતમાં નેતાજી ઈન્ડોર સ્ટેડિયમમાં આવીને ગર્વ અને હર્ષની લાગણી અનુભવું છું કારણ કે તમે જાણો છો કે નેતાજી સુભાષચંદ્ર બોઝ અમારા દેશ જર્મનીમાં આવ્યા હતા પોતાના દેશની સ્વાધીનતાની શોધમાં. આજે અમે જર્મનીથી અહીં ભારત આવ્યા છીએ – નેતાજી સ્ટેડિયમમાં આવ્યા છીએ પોતાના આત્માની શોધમાં; કારણ કે આત્માનું જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન આ પુણ્યભૂમિ ભારતમાં જ સરળતાથી પ્રાપ્ત થાય છે.’ આ પછી તેમણે ઉમેર્યું, ‘ફક્ત અમને એક જ વાતનો રંજ છે. અમે છેલ્લાં ત્રીસ વર્ષોથી અનૌપચારિક રીતે એક વેદાંત સેન્ટર ચલાવી રહ્યા છીએ અને વારંવાર રામકૃષ્ણ મિશનને વિનંતી કરીએ છીએ કે આને ઔપચારિક કેન્દ્ર બનાવો અને એક વેદાંતી સંન્યાસીને મોકલાવો. પણ અમારી આ માગણી હજુ સંતોષાઈ નથી.’ આ પછી એમણે આશ્ચર્યજનક વાત કહી: ‘હવે અમે હતાશ થઈ ગયા છીએ એટલે નક્કી કર્યું છે કે અમો પોતે સંન્યાસીનું નિર્માણ કરીશું. એક જર્મન યુવતી હાલ સગર્ભા છે, તે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ પુસ્તક જર્મન ભાષામાં વાંચી રહી છે. એ રાત દિવસ પ્રાર્થના કરી રહી છે કે તેનું સંતાન એવું જન્મે કે પછીથી સંન્યાસી બને કારણ કે અમારા દેશને અત્યારે વેદાંતી સાધુની જરૂર છે.’ મેં એમના વિશે પૂછપરછ કરી તો જાણવા મળ્યું કે તેઓ હાલ ઈટાલીના પ્રવાસે ગયાં છે મારી તેમને મળવાની ઇચ્છા અધૂરી રહી ગઈ. એ રીતે સ્વામી વિવેકાનંદજીએ કીલ યુનિવર્સિટીમાં પ્રોફેસર પોલ ડાયસન સાથે સમય ગાળ્યો હતો તે અને હિટલરનાં બર્લિન શહેરને જોવાનો લોભ પણ સમયના અભાવમાં જતો કરવો પડ્યો.

ત્રીજી મેના રોજ સવારના લગભગ ૮-૩૦ વાગ્યે સામૂહ પ્રાર્થના-ધ્યાન પછી અને ચા-નાસ્તો પતાવી હું અને ભોગીભાઈ કાર દ્વારા ફ્રાન્સ જવા રવાના થયા. અન્ય એક કારમાં શ્રીમતી લીલી ચક્રવર્તી અને અન્ય ભક્તો અમને છેક કોલોન શહેર સુધી વળાવવા આવ્યા. કોલોનમાં રેલ્વે સ્ટેશનની ઠીક સામે જ રાઈન નદીના કિનારે એ ઐતિહાસિક ભવ્ય ચર્ચ અવસ્થિત છે જેની મુલાકાત સ્વામી વિવેકાનંદજીએ ઈ.સ. ૧૮૯૬માં લીધી હતી. ૧૪૪ મીટર લાંબા, ૧૫૭ મીટર ઉંચા અને ૬૧૬૬ ચોરસ મીટરના વિસ્તારમાં પથરાયેલ આ વિશાળ ગોથિક ચર્ચનો શિલાન્યાસ ઈ.સ. ૧૨૪૮માં થયો હતો.

આ પહેલાં ઈ.સ. ૧૧૬૪માં આર્કબિશપ રેનાલ્ડ વોન ડેશેલ ત્રણ બુઝુર્ગો (ઈસુ ખ્ર્રિસ્તના જન્મ વખતે જે ત્રણ વાઈઝમેન આવ્યા હતા) ની કબરો લાવ્યા હતા. ચોથી શતાબ્દી પછી આ જ જગ્યાએ કેટલાંય ચર્ચોનું નિર્માણ થતું રહ્યું છે. એટલે આધ્યાત્મિક તરંગો આ વિશાળ ચર્ચની ભવ્યતા અને મહાનતામાં ઉમેરો કરી રહ્યા હતા, સોનામાં સુગંધ ભળે તેમ! સદ્‌ભાગ્યથી અમે પહોંચ્યા ત્યારે જ પ્રદર્શનનો સમય શરૂ થઈ રહ્યો હતો. અમે અંગ્રેજી ભાષાના ગાઈડ લીધા. ગાઈડ વગર અનેક વિગતોથી અજાણ રહી જાત. કોઈ પણ મહાન સ્થળ કે પર્યટનના સ્થળ પર માર્ગદર્શકની આવશ્યક્તા આધ્યાત્મિક સાધનાના ‘ગુરુ’ જેટલી છે એ સમજાયું. દોઢ કલાક આ પ્રમાણે વ્યતીત કરી અમે ફ્રાન્સ જવા રવાના થયા. જર્મનીના ભક્તો અમને A-4 રસ્તો મૂકીને પાછાં ગયાં. અને અમે A-4 રસ્તામાં આગળ વધ્યા. પણ જેમ જેમ આગળ વધતાં ગયાં, તેમ તેમ રસ્તો ખોટો તો નથી આવી ગયો ને? એવી ચિંતા થવા લાગી. ફ્રાંસ જવા માટેનું રસ્તામાં ક્યાંય સાઈનબોર્ડ જ ન દેખાય! એ વિશાળ રાજમાર્ગો પર કાર ન તો ધીમી કરીને કોઈને પૂછી શકાય કે ન તો ઊભી રાખી શકાય! બસ જે રસ્તો પકડ્યો એમાં આગળ વધવું પડે. જ્યારે સર્વિસ સ્ટેશન આવે ત્યારે જ કાર ઊભી રહી શકે. આખરે એક સર્વિસ સ્ટેશન આવ્યું! ત્યાં અમે પૂછ્યું તો જાણવા મળ્યું કે અમે રસ્તો A-4 તો ઠીક જ હતો પણ બિલકુલ ઊંધી દિશામાં આગળ વધી રહ્યાં હતાં. અને એથી અમારું ગંતવ્ય સ્થળ દૂરને દૂર થતું જતું હતું! ફરી ૪૦ માઈલ પાછાં ગયાં અને પછી ફ્રાન્સનો રસ્તો પકડાયો! અને અમે રાત્રે નવ વાગ્યે ફ્રાન્સના વેદાંત સેન્ટરમાં પહોંચ્યા. સેન્ટરના અધ્યક્ષ સ્વામીજી અમારી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.

આ કેન્દ્ર પેરિસથી લગભગ ૪૦ કિ.મી. દૂર ગ્રેટ્‌ઝમાં આવેલું છે. અહીંનું કેન્દ્ર ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. ૧૯૩૭માં સ્વામી સિદ્ધેશ્વરાનંદજી અહીં આવેલા અને તેમણે નિયમિત પ્રાર્થના, જપ ધ્યાન, અભ્યાસ સત્સંગ વગેરે પ્રવૃત્તિઓ શરૂ કરી હતી. પછી ૧૯૪૮માં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના આ આશ્રમની સ્થાપના થઈ ત્યારે સ્વામી રિતજાનંદજી અધ્યક્ષ હતા. હાલ સ્વામી વીતમોહાનંદજી અધ્યક્ષ છે. ઉપરાંત સ્વામી ગંગાનંદજી (મૂળ ઈરાનના મુસ્લિમ) અને સ્વામી દેવાત્માનંદજી (મૂળ જર્મન) પણ આ વેદાંત સેન્ટરમાં રહે છે. આ ત્રણ સ્વામીજીઓ ઉપરાંત સાત-આઠ અન્ય ભક્તો પણ રહે છે. એક ડચ યુવતી જેનું નામ ‘શારદા’ પાડવામાં આવ્યું છે તે પણ ત્યાં રહે છે. તે શ્રીકૃષ્ણ ભગવાનની અનન્ય ભક્ત છે. એક અમેરિકન યુવક હ્યુસ્ટન પણ રહે છે. એક અલ્જેરિયન નિગ્રો યુવક ગૌશાળાની દેખરેખ કરે છે, તેનું નામ ‘રામજી’ રાખવામાં આવ્યું છે. અહીં વહેલી સવારના ધ્યાન અને સાંજે ‘ખંડન ભવ બંધન’ આરતી થાય છે. જો કોઈ વિશેષ કાર્યક્રમ હોય તો જ બહારથી લોકો આવે છે. અહીં રસોઈ કરવાના, ડીશ ધોવાના વારા આવે છે. જમવાની પદ્ધતિ પણ અહીં વિશિષ્ટ પ્રકારની છે પહેલાં ‘બ્રહ્માર્પણમ્‌’ બોલાય અને પછી જ પીરસવાનું શરૂ થાય અને પીરસ્યા પછી સ્વામી વીતમોહાનંદજી હાથ ઊંચા કરી બેનાપાતી (Bena Pati) કહે, (એટલે કે સારી રીતે જમજો એમ કહે) પછી બધા જમવાનું શરૂ કરે. જમવાનું પણ ફ્રેંચ સ્ટાઈલથી લેવાનું હોય છે જેમાં પહેલાં આપવામાં આવે કાચાં શાકભાજી, સલાડ વગેરે. આ પૂરું કર્યા પછી બીજી વખતે દાળ ભાત, રાંધેલું શાક, બ્રેડ વગેરે આવે. એ પછી ત્રીજી વખતેમાં વિભિન્ન પ્રકારનાં ચીઝ, બટર વગેરે આવે અને છેલ્લે ડેઝર્ટરૂપે કોઈ પ્રકારની મિઠાઈ કે હલવો આવે. બપોરે બંગાળી ભક્ત મિ. સેન ત્યાં આવી ચડ્યા. તેમને ખબર પડી કે પોરબંદરથી સ્વામીજી આવ્યા છે. એટલે તેઓ ખાસ મળવા માટે આવ્યા હતા કારણ કે તેમને દ્વારકા જોવાની ઇચ્છા હતી. મેં એમને કહ્યું: ‘તમે પોરબંદર આવી જાવ.’ ત્યાંથી દ્વારકા – સોમનાથ વગેરેનાં દર્શનની વ્યવસ્થા થઈ જશે. પોરબંદર તો શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજીનું ગામ છે, જ્યાં સ્વામી વિવેકાનંદ ચાર મહિના રહ્યા હતા એ ભોજેશ્વર બંગલામાં અત્યારે રામકૃષ્ણ મિશનની શાખા ચાલી રહી છે તમે જરૂર આવો. તેમની જાણે કે મોટી ચિંતા દૂર થઈ. અને મને તેમની કારમાં સમગ્ર પેરિસનું વિહંગાલોકન કરાવવાની ઇચ્છા દર્શાવી. યુરોપમાં કાર પાર્કીંગની સમસ્યા ઘણી જ વિકટ છે એટલે એમની કારમાં બેઠા બેઠા જ નોસ્ત્રેદામ, નેપોલિયનની કબર વગેરે પેરિસના અનેક સ્થળોનું દૂરથી દર્શન કર્યું.

સ્વામી વિવેકાનંદ પેરિસમાં જે ભવનોમાં રહ્યા હતા તે જોવાની મારી ઘણી ઇચ્છા હતી. મિસ્ટર સેન વચલો રસ્તો કાઢીને સ્વામીજી ફ્રાંસિસ લેગેટના અતિથિ રૂપે જ્યાં રહ્યા હતા તે ભવનમાં લઈ ગયા. શ્રી સેને મને અને શ્રીમતી સેનને કારમાંથી ઊતારીને દસેક મિનિટમાં પાછા ફરશે એમ કહીને ગયા. શ્રીમતી સેન મને ભવનમાં લઈ ગયા. ત્યાં અત્યારે મોટો ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. અહીં ફ્રેંચ ભાષા ચાલે એટલે સેને જ બધી વાતચીત કરી અને આ સાથે મારું અંગ્રેજી ભાષાનું ગુમાન ઓગળી ગયું. યુરોપના અન્ય દેશોમાં પણ અંગ્રેજીનું જ્ઞાન કામમાં ન આવે. આ પળે મને ખ્યાલ આવ્યો કે સ્વામી વિવેકાનંદને પોરબંદરના એડમિનિસ્ટ્રેટર શ્રી શંકર પાંડુરંગ પંડિતે કહ્યું હતું: ‘સ્વામીજી, તમારી પ્રતિભાને આ દેશમાં કોઈ નહિ સમજી શકે. તમારે વિદેશમાં જવું જોઈએ.’ પછી ઉમેર્યું: ‘તમે વિદેશમાં જાઓ ત્યારે ફ્રેંચ ભાષા શીખવી આવશ્યક થઈ પડશે. હું તમને ફ્રેંચ ભાષા શીખવીશ.’ તેઓ અનેક ભાષાઓ જાણતા હતા. સ્વામીજીને ફ્રેંચ ભાષા શીખવી. સ્વામીજીએ કલકત્તામાં આલમબજાર મઠના પોતાના ગુરુભાઈઓને ફ્રેંચ ભાષામાં પત્ર લખીને આશ્ચર્યચકિત કરી મૂક્યા હતા. ૧૯૯૬ની પેરિસ કોંગ્રેસમાં પોતાનું ભાષણ આપતી વખતે ફ્રેંચ ભાષાનું જ્ઞાન સ્વામીજીને ઘણું ઉપયોગી થઈ પડ્યું. શ્રીમતી સેને ફ્રેંચમાં વાત કરીને સ્વામી વિવેકાનંદ કયા ઓરડામાં કેટલો સમય રહ્યા હતા વગેરે વિશે પૂછ્યું પણ એ લોકોએ તો સ્વામીજીનું નામ પણ સાંભળ્યું ન હતું. આ શોધકાર્યની જવાબદારી શ્રીમતી સેનના માથે નાખી અમે બહાર નીકળ્યા. બહાર નીકળતા પહેલાં ઉપરના માળે આવેલ હોલ જોયો. અહીં સ્વામીજીએ કેટલાંય ભાષણો આપ્યાં હતાં. એ હોલ જોઈને મેં રોમાંચની લાગણી અનુભવી. પછી મિસ્ટર બોયર સાથે સ્વામીજી જે ભવનમાં રહ્યા હતા તે જોવા ગયા. આ ભવનમાં સ્વામીજી જે ઓરડામાં રહ્યા હતા એ જોવાની મારી તીવ્ર ઇચ્છા હતી. પણ અમારા દુર્ભાગ્યે ભવનનો મુખ્ય દરવાજો જ બંધ હતો. અહીં સલામતીની ચુસ્ત વ્યવસ્થા હોય છે કે જેથી અજાણ્યો માણસ અંદર પ્રવેશી ન શકે. પહેલેથી આ સ્થળ જોવાની પરવાનગી માગી હોય તો દરવારની પાસે એક વ્યવસ્થા હોય છે અને એ પ્રમાણે કાર્ડ ફેરવો કે દરવાજો ખૂલી જાય. અમારી પાસે આવી પરવાનગી ન હતી. અમારે આ ભવનના વ્યવસ્થાપક ગેરહાજર હોવાથી બહારથી જ જોઈને સંતોષ માનવો પડ્યો. મને પાછા વળવાની ઇચ્છા ન થઈ. કોણ જાણે કેમ, મેં દરવાજાને જોરથી ધક્કો માર્યો અને દરવાજો ખૂલી ગયો. શ્રીમતી સેન આભા બની ગયાં. જાણે સીમ સીમ ખૂલ જા જેવું થઈ ગયું. અંદર લિફ્‌ટ સુધી આવ્યા પણ લિફ્‌ટ ચાલુ થાય નહિ કારણ કે અમારી પાસે કાર્ડ ન હતું. સામે નોટિસ બોર્ડ પર કોન્ટ્રાન્કટરનું સરનામું ફોન લખ્યાં હતાં તે શ્રીમતી સેનને નોંધવાનું કહ્યું. એમનો સંપર્ક કરીને પાંચમા માળે સ્વામીજી રહ્યા હતા ત્યાં સ્વામીજીની તસવીર રાખીને તેની સ્મૃતિ સાચવવાની અમે વાતચીત કરતાં હતાં ત્યાંના વ્યવસ્થાપક આધેડ વયના મહિલા બહાર નીકળ્યાં. અમને જોઈને જાણે ભૂત ન જોયું હોય તેમ તેઓ હેબતાઈ ગયાં! તેમણે પૂછ્યું: ‘તમે લોકો અંદર આવ્યા કેવી રીતે? અમે કહ્યું કે અમે મુખ્ય દરવાજેથી આવ્યા છીએ પણ તેઓ તે માની ન શક્યાં. તેમને માટે તો આ એક ચમત્કાર જેવું લાગ્યું. પછી અમે ત્યાંથી તરત જ ચાલતી પકડી.

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.