પંદરમી – સોળમી સદીના પ્રખ્યાત ઈટેલિયન કલાકાર માઈકલ એન્જેલોનું અદ્‌ભુત શિલ્પ છે – ‘પાએના’. એ વિશાળ શિલ્પકૃતિમાં ઈસુની માતા મેડોના મૃત ઈસુના મસ્તકને પોતાના ખોળામાં રાખી બેઠાં છે અને ઈસુની કાયા લંબાયેલી પડી છે. મેડોનાના મુખ પર કરુણાના, વત્સલતાના અનન્ય ભાવો ઝરતા દેખાય છે. જગતભરની કલાકૃતિઓમાં માઈકલ-એન્જેલોના આ ભાવનિર્ઝર શિલ્પનું ઘણું ઊંચું સ્થાન છે. માતા મેરી માતૃત્વની પરમ વાત્સલ્યમૂર્તિ રૂપે કંડારાયાં છે.

શ્રીરામકૃષ્ણ પરમહંસનાં પત્ની શ્રીમા શારદામાએ એ શિલ્પ જોયું જ ન હતું પણ, તેઓ પરમ વાત્સલ્યમૂર્તિ હતાં. ભૂતમાત્ર પ્રત્યે એ માતૃભાવે જ જોતાં. પોતે ભલે એક પણ બાળકને જન્મ આપ્યો ન હતો પણ જગતના બધા જીવો જાણે કે પોતાની કૂખે ઉછરેલાં સંતાનો હોય તેવો એમનો સ્વાભાવિક અભિગમ હતો; એમનો અણુ એ અણુ માતૃવાત્સલ્યથી જ ઊભરાતો હતો.

રામચંદ્ર મુખોપાધ્યાય અને શ્યામાસુંદરીદેવીની એ દીકરી શારદાનું લગ્ન થયું ત્યારે એ પાંચ વર્ષની બાલિકા હતી. એના પતિ હતા એનાથી પૂરાં સત્તર વર્ષ મોટેરા. આ વયના તફાવત ઉપરાંત પતિ સાંસારિક દૃષ્ટિએ બીજી વિચિત્રતા પણ ધરાવતા હતા. એને ભક્તિનું, સાધનાનું ભૂત એવું તો વળગ્યું હતું કે પોતાની જાતને પણ એ ભૂલી જતા હોય ત્યાં પત્નીની યાદ એમને શાની આવે? આખરે કદી ન બોલાવતા પત્ર પણ ન લખતા અને મૌખિક સંદેશો પણ નહીં મોકલતા એ પતિ પાસે શારદાદેવી ઓગણીસ વર્ષની યુવતી થયાં ત્યારે અભિસારિકાની માફક સામે ચાલીને ગયાં.

એ સાધક પતિએ લગ્ન વેળા ૧૮૫૮માં શારદાનો હાથ ઝાલ્યો હતો. એમના એ સ્પર્શની કંઈ અસર હશે? નવ વર્ષ પછી પોતે માંદા પડીને પોતાને ગામ કામારપુકુર ગયા હતા ત્યારે એમનાં ભાભીનાં બોલાવ્યાં શારદા સાસરે ગયાં હતાં ત્યારે તેમનું વય ચૌદ વર્ષનું – સંસારની સમજણ ઉંબરે ઊભનારનું પણ માંદા પતિની સેવામાં પત્નીત્વ કરતાંય માતૃત્વ જ વધારે પ્રગટ થયેલું હતું. પાંચ વર્ષ પછી, ૧૮૩૨ના ફાગણ માસમાં સામે ચાલીને અભિસારિકા બનીને ભલે એ પતિ પાસે દક્ષિણેશ્વર ગયાં હતાં પરંતુ ત્યાં ગયા પછીયે એમનો માતૃત્વનો અંકુર જ ખીલી ઊઠ્યો હતો.

એક રાતે પતિના પગ દબાવતાં એમણે પતિને પ્રશ્ન કર્યો હતો : ‘હું તમારી શું થાઉં?’ પળનાયે વિલંબ વિના પતિએ ઉત્તર આપ્યો હતો : ‘મને જન્મ દેનાર જે મા નોબતખાનામાં વિરાજે છે, જે મા મંદિરમાં વિરાજે છે તે જ મા અત્યારે મારા પગ દબાવી રહી છે.’

શ્રીરામકૃષ્ણના આ શબ્દોએ શારદાદેવીના સુષુપ્ત માતૃત્વને જાણે કે સુદૃઢ કરી દીધું. એમના માતૃત્વની મંદાકિની ત્યારથી સતત વહેતી રહી, એ વિશાળ ગંગા બની અને નાતજાતના કોમધર્મના, લિંગના, દેશવિદેશના, કોઈ પણ ભેદભાવ વગર સૌને વાત્સલ્યોદકનું અમૃતપાન એ કરાવતી રહી.

શ્રીરામકૃષ્ણ જે તે વ્યક્તિના હાથના સ્પર્શવાળી વસ્તુને અડી શકતા નહીં. પોતાના ચારિત્ર્ય માટે કુખ્યાત એવી એક સ્ત્રી કાલીમંદિરમાં દાસી તરીકે કામ કરતી હતી. નોબતખાનેથી શ્રીરામકૃષ્ણના ભોજનની થાળી લઈને શારદાદેવી નીકળ્યાં ત્યાં એ આવી ચડી અને ‘લાવો, મા, ઠાકુરની થાળી હું મૂકી આવું’, બોલી તેણે શારદામાએ હથેળી પર ધારણ કરેલી થાળી એમના હાથમાંથી લઈ લીધી અને ઝડપથી ચાલીને શ્રીરામકૃષ્ણને ઓરડે જઈને રોજને નિયત સ્થાને થાળી મૂકી બોલી : ‘ઠાકુર, આ તમારું ભાણું’ અને આટલું બોલીને એ મંદિર તરફના દરવાજામાંથી મંદિરના ચોગાનમાં ઊતરી ગઈ.

તરત જ પાછળને જે દરવાજેથી એ પ્રવેશી હતી તે દરવાજેથી શારદાદેવી દાખલ થયાં તો જમવા બેસવાને બદલે રીસાઈને બેઠેલા બાળકની જેમ રામકૃષ્ણ એક તરફ બેઠેલા દેખાયા. શારદાદેવીના સવાલના ઉત્તરમાં એ બોલ્યા: ‘તમે જાણો છો કે જેના તેના હાથનું અડેલું હું ખાઈ શકતો નથી. એનું ચારિત્ર્ય સારું નથી. એ તમને ખબર છે તે છતાં તમે એની સાથે થાળી શા માટે મોકલાવી?’ શ્રીરામકૃષ્ણના અવાજમાં રોષ અને રીસ બંને હતાં. શારદાદેવીએ ઉત્તરમાં કહ્યું : ‘મેં એની સાથે થાળી મોકલાવી જ નથી. હું જાતે જ થાળી લઈને આવતી હતી ત્યાં, એ અચાનક આવી ચડી અને મને કહે, ‘મા, લાવો ઠાકુરની થાળી હું લઈ જઉં?’ એમ કહીને મારા હાથ પરથી થાળી એણે લઈ લીધી. મને મા કહેનારને હું રોકી શકતી નથી.’

શ્રીરામકૃષ્ણે ફરી એ બાઈના ચારિત્ર્યનો ઉલ્લેખ કર્યો તો ઉત્તરમાં શારદામાએ માતૃત્વનું પોત પ્રકાશિત કરતાં કહ્યું : ‘માને મન બધાં જ બાળકો સરખાં. જે ગંદું, ગોબરું, માંદું તેનું ધ્યાન મા વધારે રાખે.’ માતૃત્વ વિશેનું કોઈપણ પુસ્તક નહીં વાચનાર એ નિરક્ષર, ગ્રામનારીના આ શબ્દોએ શ્રીરામકૃષ્ણ સમક્ષ શારદાદેવીનું માતૃસ્વરૂપ પ્રગટ કરી દીધું. અને ‘તમે જેમ મારા પ્રભુ છો તેમ સૌના પ્રભુ છો’, એ શબ્દોએ અંતિમ મહોર મારી દીધી. શ્રીરામકૃષ્ણ તરત જમવા બેસી ગયા.

શ્રીરામકૃષ્ણનો એક શિષ્ય ગોપાલ ગુરુ કરતાંયે દાયકો મોટેરો હતો. શારદાદેવી એનાં પણ ‘મા’ હતાં તો નરેન, રાખાલ, તારક, શરત, શશી, બાબુરામ, હરિપ્રસન્ન, ગંગાધર, નિરંજન, યોગિન વગેરેનાં ‘મા’ જ હોય તેમાં કશું આશ્ચર્ય નથી. આ પુત્રો પ્રત્યેના એમના વાત્સલ્યે શ્રીરામકૃષ્ણની ઉપરવટ જઈને આ શિષ્યોને વાળુટાણે એ પેટ ભરીને જમાડતાં. ‘બેત્રણ રોટલીથી છોકરાઓ વધુ જમે તો ધ્યાનમાં બેસવા માટે એ વહેલા ઊઠી શકે નહીં’, એમ માનતા પતિને એમણે કહ્યું હતું, ‘ના, મારાથી મારા દીકરાઓને ભૂખ્યા નહીં રખાય. એમની આધ્યાત્મિક પ્રગતિની જવાબદારી મારી’, આમ કહી અપત્યવાત્સલ્યનું ઉત્તમ ઉદાહરણ તેમણે પૂરું પાડ્યું હતું. શ્રીરામકૃષ્ણે પણ આ બાબત સ્વીકારવી પડી હતી.

પોતે જેમને પ્રથમ મંત્રદીક્ષા આપી હતી તે યોગિન – સ્વામી યોગાનંદ – મા પ્રત્યે એટલાં આદર દાખવતા કે એમણે કદી માની સન્મુખે જઈ માના ચરણસ્પર્શ કર્યા જ ન હતા, પરંતુ મા ચાલી ગયા પછીની માની ચરણધૂલિને એ પોતાને મસ્તકે લગાડતા. એમના અકાળ અવસાન પછી એમના ગુરુભાઈ ત્રિગુણાતીતાનંદે માના સેવકનું સ્થાન લીધું હતું. કલકત્તાથી જયરામવાટી જતાં પ્રવાસનો અંતિમ તબક્કો ગાડામાં બેસીને પ્રવાસ કરવો પડતો. મા ગાડામાં બેઠાં હતાં અને ત્રિગુણાતીતાનંદ ગાડાની પડખે પડખે ચાલી રહ્યા હતા. એ લાંબા પ્રવાસમાં અંધારાના ઓળા ઊતર્યા હતા અને મા ઝોકે ચડી ગયાં હતાં ત્યારે રસ્તામાં કંઈ નાળું આવ્યું. ગાડાખેડૂ ચીલો તપાસવા માટે નીચે ઊતર્યો. પાછો ગાડા પાસે આવી એ બોલ્યો : ‘એક તરફનો ચીલો બરાબર છે પણ બીજું પૈડું પસાર થશે ત્યારે એક હાથનો ખાડો થઈ ગયો છે.’

ત્રિગુણાતીતાનંદ કહે : ‘કંઈ વાંધો નહીં. હું ત્યાં સૂઈ જઉં છું. તું મારી ઉપરથી ગાડું લઈ લેજે.’

પણ ગાડું અટકી ગયું તેથી અને આ વાર્તાલાપના અવાજથી મા જાગ્રત થઈ ગયાં અને ગાડું શા માટે ઊભું રહી ગયું તે પૂછવા લાગ્યાં. ત્રિગુણાતીતાનંદ કંઈ કહે તેની પહેલાં ગાડાવાળાએ પેલા નાળામાં પડેલા ખાડાની અને ગાડું ગોથું ન ખાય તે માટે ત્રિગુણાતીતાનંદે સૂચવેલા ઉપાયથી વાત કહી સંભળાવી. કદીયે ઉગ્ર ન થતાં મા જરા ઊંચે સાદે ત્રિગુણાતીતાનંદને કહેવા લાગ્યાં : ‘દીકરા, આવું સાહસ કરવાનો વિચાર કરતાં પહેલાં તને કંઈ બીજું મનમાં સૂઝ્યું નહીં શું? આમ ગાડું તારી ઉપરથી ચાલે અને તને કંઈ થયું તો હું મા, જગતને મોઢું કેવી રીતે બતાવત? હું ચાલીને પેલી તરફ જઉં છું. ગાડું આસ્તેથી સેરવી લો.’ આ હતી પુત્રની માતૃભક્તિ અને માની પુત્રવત્સલતા.

ભગવાં પહેર્યાં વગર સંસારનો કામકાંચનનો- ત્યાગ કરનાર માને એમની અનાથ ભત્રીજી રાધુએ સંસારને ખીલે બાંધ્યાં હતાં. પણ માનું માતૃવાત્સલ્ય સ્વાર્થગંધ વિના ત્યાં સોળે કળાએ પ્રગટ્યું હતું. બીજા ભાઈ પ્રસન્નકુમારની બે દીકરીઓ માકુનલિનીએ માનું સંસાર-વર્તુળ વિસ્તાર્યું હતું. એ ભત્રીજીઓમાં માની લોકોત્તરતા જોવા જાણવાની સમજનો અભાવ હતો. રાધુની પાગલ મા સાથેના એમના ઝઘડા માને પીડા આપતા પણ એ ઝઘડાઓના તમાશા મા તીરે ઊભાં રહી જોતાં પણ કદી પક્ષકાર ન બનતાં. અને પોતાનો અંતકાળ પાસે આવતો ભાળી તેમને પોતાની નજરથી દૂર કરી ચૂક્યાં હતાં.

મધરાત પછી નાટકમાં અભિનય આપીને શરાબના નશામાં ચકચૂર બનીને આવતા અભિનેતા પદ્મવિનોદનાં પણ એ મા હતાં અને એ કથોરે સમયે બારણું ખોલી, કઠેડામાં આવી પદ્મવિનોદની દર્શનની અભિલાષા માએ પૂર્ણ કરી હતી ત્યારે ધન્યતા અનુભવતો એ પદ્મવિનોદ શેરીની ધૂળમાં આનંદથી આળોટવા મંડ્યો હતો.

પોતાનાથી દાયકો મોટેરા નટ, નાટ્યકાર, દિગ્દર્શક ગિરીશનાં પણ એ ‘સાચાં મા’ હતાં. મા પાસે જયરામવાટી જતા ગિરીશ પ્રથમ કામારપુકુર ગયા હતા અને ત્યાંથી પગે ચાલતા જયરામવાટી જતાં, વચ્ચે આવતા પુકુરમાં માથાબોળ નાહીને એ ભીનાં વસ્ત્રે જ મા પાસે ગયા હતા. એ નગરવાસીની તમામ જરૂરિયાતો એ નાના ગામડામાં શારદામાએ પૂરી પાડી હતી અને એની પથારીની ચાદર તથા ઓશિકાનો ગલેફ રોજ મા જાતે જ ધોતાં. ગિરીશ પર આટલી વાત્સલ્ય વર્ષા વરસાવ્યા છતાં, એની પ્રકૃતિથી પૂરાં વાકેફગાર માએ એની સંન્યાસદીક્ષાની આગ્રહભરી માગણી સ્વીકારી ન હતી.

જયરામવાટીની નજીકના ગામે કલકત્તેથી નિવૃત્ત થઈને આવેલા શ્રીરામકૃષ્ણના કોઈ શિષ્ય અવારનવાર માને કંઈ ને કંઈ વસ્તુ મોકલતા. એમની કામવાળી બાઈ મા પાસે જતી તો મા એની પાસેથી ચીજવસ્તુ લઈને એ બાઈને બારોબાર કાઢી ન મૂકતાં. એ બાઈને એ પ્રેમપૂર્વક જમાડતાં, રાતે પોતાને ત્યાં સુવાડતાં અને બીજે દિવસે રવાના કરતાં. એક વાર એ બાઈ રાતે માની ઓસરીમાં સૂતી હતી અને અચાનક પેશાબ થઈ જતાં પોતાની સાડી અને ઓસરી એણે ગંદી કરી મૂકી. બ્રાહ્મમુહૂર્તે જ ઊઠી જનાર માએ ઓસરીમાં આવતાં આ જોયું. એમણે એ બાઈને જગાડી. એને સાફસૂથરી કરી. એની ગંદી સાડી ધોઈ ને બીજી સાડી પહેરવા આપી. એ ગંદી ઓસરીને જાતે સાફ કરી અને ત્યાં લીંપીને બધું ચોખ્ખું કરીને એ બાઈને વહેલી રવાના કરી દીધી જેથી પોતાની ભત્રીજીઓના ખોફનો ભોગ એ ન બને.

અમજદ નામનો એક મુસલમાન હતો. કામ મળે ત્યારે એ કામ કરતો અને કામ ન મળે ત્યારે એ ચોરીચપાટી પણ કરી લેતો. એકાદબે વાર જેલમાં પણ એ જઈ આવ્યો હતો. માનું ઘર બંધાતું હતું ત્યારે એ મજૂરીએ આવતો. એને અને બીજા કડિયામૂલીઓને બપોરનું ખાવાનું માને ત્યાં જ રહેતું. એ મુસલમાન હોઈ એને પંગતથી જરા આઘો બેસાડવામાં આવતો બધા જમવા બેસે ત્યારે પોતાના ઓરડાને બારણે ઊભાં રહી મા ધ્યાન રાખે. માની ભત્રીજી નલિની અતિ ધર્મચૂસ્ત હતી. અમજદની પત્રાવળીમાં એણે આઘેથી રોટલીનો ઘા કર્યો.

‘નલિની, મારા દીકરાઓને કેમ પીરસાય? લાવ મને બધું. મારા દીકરાને હું પીરસીશ.’ આમ કહી અમજદની પાસે આવીને એને માથે ફેરવી મા એ એને આગ્રહ કરી જમાડ્યો અને પછી એની એઠી પતરાવળી પણ માએ ઉપાડી અને ત્યાં અબોટ પણ માએ જાતે કર્યું. માને જાતિધર્મના ભેદ ન હતાં.

પરદેશીઓને મ્લેચ્છ જ ગણાતા ત્યારે સ્વામી વિવેકાનંદની વિદેશી શિષ્યાઓ કુમારી માર્ગરેટ નોબલ – ભગિની નિવેદિતા- કુ.મેક્લેઓડ, સિસ્ટર ક્રિસ્ટિન વગેરેનું માએ કેટલા તો પ્રેમપૂર્વક સ્વાગત કર્યું હતું. નિવેદિતા મા સાથે થોડા દહાડા રહ્યાં હતાં, મા સાથે જમતાં અને મા સાથે જ સૂતાં. માના માતૃત્વને દેશ ધર્મનાં બંધન ન હતાં.

સને ૧૮૯૦માં કલકત્તા છોડતી વખતે સ્વામી વિવેકાનંદ પોતાની જનેતાને મોઢું દેખાડવા ગયા ન હતા પણ શારદામાના આશીર્વાદ લેવા ગયા હતા. એમણે પૂછ્યું, ‘નરેન, તું તારી મા પાસે ગયો છો કે નહીં?’ તો એમને જવાબ મળ્યો હતો, ‘મા, તમે જ મા છો. પછી બીજે ક્યાં જવું?’ મા કેવળ વિવેકાનંદનાં, યોગાનંદનાં કે, ત્રિગુણાતીતાનંદનાં જ મા ન હતાં. એ સમસ્ત રામકૃષ્ણ સંઘનાં જનની હતાં.

જયરામવાટીમાં એમને ઘેર રહેતી બિલાડીનાં પણ એ મા હતાં. રસોડામાં જઈને એ કંઈ ઢોળેફોડે ને ખાઈ જાય તો બીજાંઓ એને વઢતાં અને એકવાર એક બ્રહ્મચારી એ બિલાડી પર એટલો ગુસ્સે થઈ ગયેલો કે એની પૂંછડીએથી એને પકડી એને ગોળગોળ ઘૂમાવી. એ બિલાડી માને ખોળે જઈને શાતા પામી.

માતૃત્વનું આ અનન્ય ઉદાહરણ હતું. સારનાથથી પાછાં વળતી વખતે સ્વામી બ્રહ્માનંદે ગાડી બદલાવી અને જતી વેળા મા બેઠાં હતાં તે એક્કામાં પોતે બેઠા. એ એક્કાને અકસ્માત થયો અને સ્વામી બ્રહ્માનંદ વગેરે બહાર ફેંકાઈ ગયા. સારે નસીબે કોઈને ગંભીર ઈજા ન થઈ. આ ખબર માને પડતાં એ ખૂબ કચવાયાં અને બોલ્યાં, ‘મારા પરની ઘાત મારા દીકરાએ લઈ લીધી.’ આવું હતું એમનું અપત્ય વાત્સલ્ય.

પૂરું સંયમી જીવન ગાળવાને કારણે પોતાની પુત્રીને ‘મા’ કહેનાર બાળક જન્મશે નહીં એમ એમની માતા શ્યામાસુંદરીએ કચવાટ વ્યક્ત કર્યો હતો ત્યારે એમના જમાઈ શ્રીરામકૃષ્ણે કહ્યું હતું : ‘તમારી દીકરીને મા કહેનારાં એટલાં બધાં લોકો મળશે કે એમના કાન પાકી જશે.’ સદાના સત્યભાષી રામકૃષ્ણદેવનું આ વચન અર્ધું સાચું પડ્યું હતું. પૂજ્ય શારદામાને ‘મા’ કહેનાર અસંખ્ય સંતાનો સાંપડ્યાં હતાં – પણ, એ સંબોધનથી એમના કાન કદી પાક્યા ન હતા. એમની પાછલી અવસ્થામાં કોઈએ પ્રશ્ન કર્યો હતો. ‘મા, ઠાકુર પ્રત્યે આપનો ભાવ ક્યો હતો?’ પળનાયે વિલંબ વિના માએ કહ્યું હતું, ‘હું એમને સંતાનભાવે જોતી.’

માને રૂવે રૂવે માતૃત્વ ઝરતું તેનો આથી વિશેષ પુરાવો શો હોઈ શકે?

Total Views: 71

One Comment

  1. Kamlesh Nakrani May 20, 2023 at 2:20 pm - Reply

    માંનું વાત્સલ્ય અપરંપાર છે. આ લેખ વાંચતી વખતે પણ માંની પ્રેમભક્તિમાં ડુબી જવાય છે.

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.