(ઓગસ્ટ ૨૦૦૪ થી આગળ)

રાગ અને રાગિણી

પહેલાં કહેવાઈ ગયું છે કે કેટલાક સૂર, ગમક, મૂર્છના તથા ગિટકરી, સંયોગી, રોહી, અવરોહી આદિ ક્રમોમાં વિન્યસ્ત થઈને એક એક રાગરાગિણીની સૃષ્ટિ રચાય છે; અર્થાત્‌ કોઈ એક વિશેષ રાગમાં જે બધા સૂર પ્રયુક્ત થાય છે એ જ સૂર વિવિધ પ્રકારે વિન્યસ્ત થઈને રાગ ઉત્પન્ન કરે છે. રાગ તથા રાગિણીઓ ત્રણ ભાગોમાં વહેંચાયેલ છે. જેમ કે ઔડવ, ષાડવ અને સંપૂર્ણ. જે રાગમાં સાતેય સૂર લાગે છે તે સંપૂર્ણ છે, જેમાં છ સૂર લાગે છે તે ષાડવ છે અને જેમાં પાંચ સૂરનો ઉપયોગ થાય છે તે ઔડવ છે. ધારો કે એક સંપૂર્ણ રાગ છે, જેમ કે ‘ભૈરવ’. એમાં સાતેય સૂર યોજાય છે. હવે આપણે અંકશાસ્ત્રથી જાણીએ છીએ કે આ સાતેય સૂરોને – ૭ x ૬ x ૫ x ૪ x ૩ x ૨ x ૧ = ૫૦૬૦ પ્રકારે સજાવી શકાય છે. આ રીતે બીજા અનેક પ્રકારના તાલ છે. પ્રત્યેક તાલમાં આવી રીત યોજવામાં આવે તો કૂલ મળીને એની સંખ્યા એટલી અધિક થઈ જાય છે કે કોઈ વ્યક્તિ એક રાગને પોતાના એક જીવનમાં પૂરી રીતે સમાપ્ત કરી ન શકે.

શાસ્ત્રકારોએ બધા રાગોને પુરુષ માનીને રાગિણીઓની એમની સ્ત્રીના રૂપે કલ્પના કરી છે. સામાન્યત: લોકો છ રાગ તથા છત્રીસ રાગિણીઓનો ઉલ્લેખ કરે છે, પરંતુ આ વિષયમાં પણ ઘણા મતભેદ છે. સામાન્ય રીતે આ બધાને રાગ કહીને ઉલ્લેખવામાં આવે છે, જેવા કે ભૈરવ, શ્રી, માલકોષ, વસંત, મેઘ, નટનારાયણ. એ ઉપરાંત શાસ્ત્રકારોએ સમસ્ત રાગ-રાગિણીઓને સમયવિશેષ તથા કાલવિશેષ પર ગાઈ શકાય એવાં બતાવ્યાં છે. વર્ષાકાળે મલ્હાર વગેરે રાગિણીઓ સારી લાગે છે; વસંતકાળે બહાર, વસંત વગેરે. એના પ્રતિપક્ષમાં અનેક લોકો કહે છે કે કેવળ અભ્યાસવશ જ એવું લાગે છે. અર્થાત્‌ તે તે સમયે જે જે રાગ રાગિણી સાંભળતાં સાંભળતાં એક ટેવ પડી ગઈ છે. એ કારણે તે એ સમયે સારો લાગે છે. કાળ તથા રાગની વચ્ચે કોઈ વિશેષતા નથી. પરંતુ આપણને તો લાગે છે, એવું સ્પષ્ટ રીતે જોવામાં આવે છે કે વાતાવરણમાં નૈસર્ગિક પરિવર્તનની સાથે મનના ભાવોમાં પણ પરિવર્તન આવે છે અને મનના ભાવો પ્રમાણે કોઈ કોઈ સૂર સારા લાગે છે. આ રીતે સ્પષ્ટ રૂપે એવું પ્રતિત થાય છે કે આ પ્રકારે રાગ-રાગિણીઓનું વિભાજન અત્યંત પ્રકૃતિસંગત તેમજ સ્વાભાવિક છે. આજકાલનાં ગીતો આવા પ્રકારના બધા ભાવ ઉત્પન્ન નથી કરી શકતા એનાં અનેક કારણ જોવા મળે છે. પ્રથમ તો કદાચ રાગ રાગિણી શુદ્ધ રૂપે ગવાતાં ન હોય, બીજું જે રાગિણીઓ વગેરેથી જે ભાવોનું વ્યક્ત થવાનું ઉચિત છે તેને પૂર્ણ રૂપે ઊલટાવી દેવામાં આવે છે, જેમ કે ખમ્બાજ એક આદિરસની રાગિણી છે, એમાં એક કરુણરસનું ગીત રચ્યું. સામાન્યત: જે રાગરાગિણીઓને દિવસ-રાતના જે જે સમયે ગાવું યોગ્ય છે તે બતાવેલ છે: 

પ્રભાતે – ભૈરવ, લલિત, જોગિયા, આશા, વિભાસ, તોડી, ભૈરવી, આલૈયા, બંગાલી, બિલાવલ ઇત્યાદિ. મધ્યાહ્‌ને – સારંગ, ગૌડ સારંગ ઇત્યાદિ. બપોરપછી – મુલતાની, ભીમપલાસી, વરવા, પીલૂ ઇત્યાદિ. સાંજે – શ્રી, પૂર્વી, ગૌરી, પૂરિયા ઇત્યાદિ. રાત્રીના પ્રારંભે – યમનકલ્યાણ, કેદાર, હમીર, બાગેશ્રી, કાનડા ઇત્યાદિ. મોડી રાત્રે – બહાર, વસંત, બિહાગ ઇત્યાદિ.

તાલ – આ પહેલાં જેમ સ્વરસંયોગ વિશે કહેવાયું છે, તાલ સંબંધે પણ સારા પ્રમાણમાં એ જ નિયમો છે. જેવી રીતે સ્વરનું મૂળ શ્રુતિ છે, તેવી રીતે તાલનું મૂળ માત્રા છે. આ સમસ્ત માત્રાઓને એકત્ર કરીને તાલની સૃષ્ટિ રચાય છે. કોઈ તાલમાં સંભવ છે કે ચાર તો કેટલાકમાં છ વગેરે માત્રાઓનો ઉપયોગ થાય છે. આ કારણે માત્રાના નિયમ એક જ પ્રકારના હોવા છતાં પણ અર્થાત્‌ બધા તાલમાં એક જ વજનની માત્રાનો ઉપયોગ થવા છતાં પણ એમની વચ્ચે ભેદ જોવા મળે છે. જેમ કે બે તાલ-કૌવાલી અને એકતાલ.

ચર્મયંત્રના અંગ વિશેષથી ઊઠતા શબ્દોને – તા, દિન્‌, ધિન્‌, ધા, તા, કેટે, તેટે, થુન, ઘેડે, નાક્‌, ગદિ, ઘેને વગેરે નામોથી ઉલ્લેખવામાં આવ્યા છે.

(ક્રમશ:)

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.