રામકૃષ્ણ મિશન – વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’ના જાન્યુઆરી ૨૦૦૫ના અંકમાં પ્રસિદ્ધ થયેલ ‘સમાચાર અને સૂચનાએં’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી વિવેકાનંદનાં દર્શન કરનાર અંતિમ વ્યક્તિની મહાસમાધિ

૧૪ જુલાઈ, ૨૦૦૪ના રોજ ૧૨૯ વર્ષના, ત્રણ ત્રણ શતાબ્દિઓને જોનાર રાષ્ટ્રસંત સંન્યાસી સ્વામી કલ્યાણદેવજી મહારાજ મહાસમાધિમાં વિલીન થઈ ગયા. એમનો જન્મ મુઝફ્‌ફરનગર જિલ્લાના મુંડભર ગામના નિવાસી ફેરુદત્તનાં ધર્મપત્ની ભોઈદેવીના કુખે નનિહાલ બાગપત જિલ્લાના કોતાના ગામમાં ૨૧મી જૂન ૧૮૭૬ના દિવસે થયો હતો. એમનું નામ પડ્યું કાલૂરામ. બાળપણ મુંડભરમાં જ વીત્યું.

ધર્મપ્રત્યેનો અભિગમ

બાળપણમાં કાલૂરામને બૂઢાનામાં પોતાના ફૈબા સૂરજીને ત્યાં જવાનું થયું. એમના ફૂવા બુલ્લા ભગત ત્યાંના મોટા જમીનદાર હતા. ઘરમાં કોઈ મણા ન હતી પણ સંતાનના અભાવે એમનું મન ઉદ્વિગ્ન રહેતું. એટલે એમણે ભગવાનની ભક્તિ અને સંતસેવામાં મન લગાડી દીધું. બુલ્લા ભગતની સાધુ સેવાની ખ્યાતિ એટલી ફેલાઈ ગઈ કે એમના દ્વારે સાધુ સંતોનો હંમેશાં મોટો પડાવ રહેતો. એમને ત્યાં દરરોજ સવારસાંજ રામકથા તેમજ ભજનકીર્તન થતાં અને ત્યારબાદ પ્રસાદ વિતરણ પણ થતું. આ બધું જોઈને કાલૂરામને ઘણો આનંદ થતો. તે વહેલી સવારે નાહી ધોઈને તૈયાર થઈ જતો અને ફૂવાની પાસે લાકડાના સિંહાસન પર બેસીને ધ્યાનપૂર્વક કથા સાંભળતો. નાનપણથી જ સાંભળેલા રામાયણના પ્રસંગોની કાલૂરામના હૃદય પર ઘેરી અસર પડી અને રામાયણમાં નિરુપિત ચરિત્ર જ એમને માટે આદર્શ બની ગયો. એક દિવસ તેઓ પોતાના ફૂવાનું ઘર છોડીને સાધુ-સંતોની સાથે નીકળી પડ્યા. એ સમયે એમના શરીર પર એક લંગોટી અને સુતરાઉ ચાદર સિવાય કંઈ ન હતું.

ખાલી હાથ અને ઉઘાડા પગે ભિક્ષાટન કરતા અને માર્ગ પૂછતાં પૂછતાં કાલૂરામ અયોધ્યા પહોંચી ગયા. અહીં તેમની મુલાકાત સ્વામી રામદાસ સાથે થઈ. એમણે અક્ષરજ્ઞાન આપ્યું. હવે તેઓ રામાયણનું હિંદી ભાષાંતર પોતે જ વાંચી શકતા. અયોધ્યામાં જ એમને હરિદ્વાર તીર્થ વિશે માહિતી મળી. કેટલાક દિવસ અયોધ્યામાં રહ્યા અને ત્યાર પછી તેઓ હરિદ્વાર જવા ઉપડ્યા. હરિદ્વાર પહોંચ્યા પછી તેઓ ત્યાંના કેટલાય આશ્રમોમાં આવતાં-જતાં રહેતા. અહીં તેઓ કથાકીર્તન સાંભળતા, સાધુ-મહાત્માઓની સંગતી કરતા અને ભૂખ લાગે એટલે ભિક્ષા માગીને ખાઈ લેતા. આ જ દિવસો દરમિયાન એમણે ખેતડી જઈને સ્વામી વિવેકાનંદનાં દર્શન કર્યાં તથા એમની પાસેથી ઉપદેશ પણ મેળવ્યો.

ખેતડીથી પાછા હરિદ્વાર આવ્યા પછી એમના મનમાં કોઈ ગુરુ પાસેથી દીક્ષા લેવાની પ્રબળ ઇચ્છા જાગી. પોતાના માટે યોગ્ય ગુરુની શોધમાં કાલૂરામ હૃષીકેશમાં આવેલ મુનિની રેતમાં પહોંચ્યા. અહીં તેમની મુલાકાત સ્વામી પૂર્ણાનંદજી સાથે થઈ. સરળ અને નિર્મળ હૃદયના પૂર્ણાનંદજીએ કાલૂરામની પ્રાર્થના સ્વીકારી. કાલૂરામની સેવાપરાયતતા જોઈને એમણે ૧૯૦૦માં એમને સંન્યાસની દીક્ષા આપી અને તેમને સ્વામી કલ્યાણદેવ એવું નામ આપ્યું. ત્યાર પછી ગુરુજીના આદેશ પ્રમાણે ઉત્તરાખંડમાં જ રહીને ઘોર તપસ્યા કરી. તદુપરાંત તેઓ વિવિધ પ્રકારનાં લોકકલ્યાણનાં કાર્યો પણ કરતા. એ દિવસોમાં એમણે શરૂ કરેલ એ ‘સેવાયજ્ઞ’ એમના સુદીર્ઘ જીવનકાળના લગભગ સો વર્ષ સુધી સતત ચાલતો રહ્યો.

સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત

ખેતડીમાં સ્વામી વિવેકાનંદ સાથે થયેલી એમની મુલાકાત એ એમના જીવનની એક યુગાન્તરકારી ઘટના હતી. ઈ.સ. ૧૮૯૭ના નવેમ્બર માસના ઉત્તરાર્ધમાં ૧૦ દિવસ સુધી સ્વામીજી દહેરાદૂનમાં રહેતા હતા. ત્યાંથી દિલ્હી, અલવર થઈને જયપુર પહોંચીને એમણે ત્યાંના ખેતડીહાઉસમાં નિવાસ કર્યો. જયપુરથી ૯ ડિસેમ્બરના રોજ ઘોડા પર તેમજ ગાડીઓમાં બેસીને પોતાના ગુરુભાઈઓ અને શિષ્યો સાથે ૧૨ ડિસેમ્બરના રોજ રાજાના અતિથિ રૂપે તેઓ ખેતડી પહોંચ્યા. ત્યાંના મહારાજાના ‘સુખમહલ’ નામના ઉદ્યાનભવનમાં એમના ઉતારાની વ્યવસ્થા કરવામાં આવી અને અહીં તેઓ ત્રણ અઠવાડિયાં રોકાયા હતા.

સ્વામી કલ્યાણદેવજી એ સમયે ૨૦ વર્ષીય યુવક કાલૂરામના રૂપે સંભવત: હરિદ્વારમાં રહેતા હતા. એમણે જ્યારે સાંભળ્યું કે વિશ્વવિખ્યાત સ્વામીજી દહેરાદૂનથી દિલ્હી, અલવર તથા જયપુર થઈને ખેતડી જઈ રહ્યા છે તો એમના મનમાં સ્વામીજીને મળવાની વિશેષ ઉત્કંઠા થઈ. તેથી તેઓ જયપુર તરફ ચાલી નીકળ્યા. ત્યાં પહોંચીને ‘ખેતડીહાઉસ’માંથી સૂચના મળી કે સ્વામીજી ખેતડી માટે નીકળી ગયા છે અને ત્યાંથી જોધપુર, અજમેર વગેરે સ્થળે થઈને બીજા માર્ગથી પાછા કલકત્તા જશે. એ દિવસોમાં ખેતડી જવા માટે વધારે સાધન ઉપલબ્ધ ન હતા. યુવાન કાલૂરામ ચાલીને ત્યાં જવા નીકળી ગયા.

ખેતડીના એક ઉદ્યાનભવનમાં તેમની સ્વામી વિવેકાનંદ સાથે મુલાકાત થઈ. ‘અમર ઉજાલા’ દૈનિકના ૧૪ ઓક્ટોબર, ૨૦૦૩ના અંકમાં પ્રકાશિત થયેલ એક મુલાકાતમાં ૧૨૭ વર્ષના સ્વામી કલ્યાણદેવને પૂછવામાં આવ્યું: ‘ગામડે ગામડે જઈને સમાજસેવા કરવાની પ્રેરણા આપને ક્યાંથી મળી?’ એમણે જવાબ આપ્યો: ‘સન ૧૮૯૩ (?)માં ખેતડી (રાજસ્થાન)માં સ્વામી વિવેકાનંદ સાથે એમની મુલાકાત થઈ હતી. એમણે કહ્યું હતું કે ભગવાનનાં દર્શન કરવાં હોય તો ગરીબની ઝૂંપડીમાં જવું અને ઈશ્વરને પામવા હોય તો ગરીબ, અસહાય અને દીન-દુ:ખીઓની સેવા કરવી. સેવામાં જ ઈશ્વરને મેળવવાનો એવો મંત્ર મળ્યો કે હું એને ક્યારેય ભૂલી ન શક્યો.’

એક અન્ય વિવરણ પ્રમાણે એમની મુલાકાત દરમિયાન સ્વામીજીએ કાલૂરામ સાથે કેટલીક બીજી વાતો પણ કરી હતી. સ્વામીજીએ કહ્યું હતું : ‘(૧) ભગવાનનાં દર્શન ગરીબની ઝૂંપડીમાં થશે. (૨) ભગવાનનાં બે પુત્ર છે – ખેડૂત અને મજુર. (૩) જ્યારે તમે સવારે ઊઠીને ઘરથી નીકળશો તો તમારા કાને બે પ્રકારના અવાજ પડશે – એક તો મંદિરના ઘંટારવનો અને બીજો ‘હાય રામ, હું મર્યો!’ એવો તડપતા કણસતા દુ:ખીઓનો અવાજ. પહેલાં તમે કણસતા દીનદુ:ખી લોકો પાસે જાઓ અને પોતાની શક્તિ અનુસાર એમનાં દુ:ખ દૂર કરવાનો પ્રયાસ કરો. ત્યાર પછી તમે મંદિરમાં જજો.’ સ્વામીજીની વાતોએ બ્રહ્મચારી કાલૂના મન પર અમીટ છાપ પાડી અને થોડા સમય પછી સંન્યાસ લીધા બાદ તેઓ આ પહેલાના સો વર્ષથી પણ વધુ સમય ગામડે ગામડે પગે ચાલીને, જઈને દીનદુ:ખી, નિર્ધન, ખેડૂત અને મજુરની સેવા કરતા રહ્યા.

સંસ્થાઓના સંસ્થાપક

આશરે ૧૦૦ વર્ષના પોતાના સક્રિય કાર્યકાળ દરમિયાન સમગ્ર માનવસમાજ અને વિશેષ કરીને ગ્રામીણ સમાજના કલ્યાણાર્થે એમણે પશ્ચિમી ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ, રાજસ્થાન, દિલ્હી તથા દેશના અનેક પ્રાંતોમાં રાષ્ટ્રિય મહત્ત્વની લગભગ ૩૦૦ જેટલી સંસ્થાઓ સ્થાપી છે. એમાં મુખ્ય છે – ટેકનિકલ શિક્ષણકેન્દ્ર, આર્યુવેદિક મેડિકલ કોલેજ, માધ્યમિક શાળા, નવોદય વિદ્યાલય, કન્યા વિદ્યાલય, જુનિયર હાઈસ્કૂલ, પ્રાથમિક શાળા, ચિકિત્સાલય અને ઔષધાલય, નેત્રચિકિત્સાલય, સંસ્કૃત પાઠશાળા, ઉદ્યોગશાળા, આંબેડકર છાત્રાલય, ધર્મશાળાઓ, બહેરાંમૂગાં-અંધવિદ્યાલય, યોગપ્રશિક્ષણ કેન્દ્ર, વૃદ્ધાશ્રમ, નબળી ગાયો માટે પાંજરાપોળ, અનાથાલય, શહીદ સ્મારક તેમજ અનેક ધાર્મિક આધ્યાત્મિક કેન્દ્રનો સમાવેશ થાય છે.

એમણે સ્થાપેલ શિક્ષણ સંસ્થાઓમાં બધાં જાતિધર્મનાં ગરીબ-અમીર, બાળક-બાલિકાઓ શિક્ષણ-પ્રશિક્ષણ મેળવે છે. સેંકડો સંસ્થાઓના સ્થાપક હોવા છતાં પણ એમાંથી કોઈપણ સંસ્થામાં તેઓ પદાધિકારી ન બન્યા. એ ઉપરાંત એમણે બાળકલ્યાણ, નારીકલ્યાણ, સ્વદેશી પ્રચાર, અસ્પૃશ્યતા નિવારણ, દારૂબંધી, પર્યાવરણ સુરક્ષા, સાંપ્રદાયિક એકતા, તેમજ બાળવિવાહ નાબૂદી માટે ઘણું કાર્ય કર્યું છે.

પ્રાચીન તીર્થોનો જિર્ણોદ્ધાર

સમાજ સેવા ઉપરાંત એમણે કેટલાંય ધાર્મિક તથા ઐતિહાસિક સ્થળોનો જિર્ણોદ્ધાર પણ કરાવ્યો હતો. મેરઠથી ૬૦ કી.મી. ઉત્તરમાં આવેલ શ્રીમદ્‌ ભાગવતના પ્રવક્તા પરમહંસ શુકદેવની સ્મૃતિઓ સાથે સંલગ્ન પ્રાચીન તીર્થ શુકતાલ (જિલ્લો મુઝફ્‌ફરનગર)નો એમણે જિર્ણોદ્ધાર કરાવ્યો હતો અને ત્યાં ‘શુકદેવ આશ્રમ સેવાસમિતિ’ની સ્થાપના કરી. કૌરવ-પાંડવની રાજધાની (જિલ્લો મેરઠ) હરિયાણાનાં અનેક તીર્થોનો જિર્ણોદ્ધાર કરાવ્યો હતો.

દરિદ્ર નારાયણના પૂજારી

૧૨૭ વર્ષની ઉંમરે પણ ‘અહર્નિશં સેવામહે’નો સંકલ્પ કરીને તેઓ દરિદ્ર નારાયણની સેવામાં પોતાના જીવનની એકેએક પળ સાર્થક બનાવવામાં મગ્ન રહ્યા. એમને કોઈ રોગશોક કે ચિંતાનો ભય ન હતો. એમનું જીવન એટલું સરળ સહજ હતું કે વહેલી સવારના પાંચ વાગ્યાથી રાતના દસ વાગ્યા સુધી એમનાં દ્વારે દીનદુ:ખી, નિર્ધન તથા સામાન્ય વર્ગના લોકોની ભીડ જામતી. એ બધા લોકોનાં દુ:ખદર્દ તથા સમસ્યાઓની વાતો સહાનુભૂતિ અને ધ્યાનપૂર્વક સાંભળતા અને એમને પૂરું સન્માન આપીને તત્પરતા સાથે એમના પ્રશ્નોનો યોગ્ય ઉકેલ પણ કરતા.

ઈ.સ. ૧૯૧૫માં તેઓ મહાત્મા ગાંધીને મળ્યા હતા; પંડિત મદન માલવિયા, ડો. રાજેન્દ્ર પ્રસાદ, પંડિત જવાહારલાલ નહેરુ, ડો. સંપૂર્ણાનંદ, શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવી વિભૂતિઓનો પણ એમને સંપર્ક રહ્યો હતો. ૧૯૮૨માં એમને ‘પદ્મશ્રી’ તેમજ ૨૦૦૦માં ‘પદ્મવિભૂષણ’ની ઉપાધિથી નવાજમાં આવ્યા હતા. ૨૦૦૨માં મેરઠ વિશ્વવિદ્યાલય દ્વારા ‘ડી.લીટ’ની માનદ ઉપાધિથી એમનું સન્માન થયું હતું. ૨૦૦૨માં તત્કાલીન પ્રધાનમંત્રીશ્રી અટલબિહારી બાજપેયીએ એમના સન્માનમાં પ્રકાશિત ‘ત્રણ સદીના યુગદૃષ્ટા – સ્વામી કલ્યાણદેવ’ એ શીર્ષક હેઠળ એમના અભિનંદન ગ્રંથનું લોકાર્પણ કર્યું હતું.

Total Views: 56

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.