૧૬ ફેબ્રુઆરી ૨૦૦૫ના રોજ કોલકાતામાં યોજાયેલ સાર્ક પરિષદમાં સ્વામી જિતાત્માનંદે આપેલ અંગ્રેજી પ્રવચનનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

આ સાર્ક પરિષદ એ અત્યંત મહત્ત્વની અને સૂચક ઘટના છે. ૬૦ વર્ષ પહેલાં જો આવી પરિષદ યોજાઈ હોત તો આ બધા સાર્ક દેશો અવિભક્ત ભારતમાં જ હોત. ૧૯૪૭માં મળેલી આઝાદી સાથે આ અવિભાજિત ભારતનું બે રાષ્ટ્રમાં વિભાજન થયું. ૧૯૭૧માં તેમાંથી ત્રણ રાષ્ટ્ર થયાં. આ કૃત્રિમ સીમાડાથી જાણે કે સાર્ક દેશોના સગા ભાઈઓ વિભાજિત થયા છે. પરંતુ હિંદુ, બૌદ્ધ, ઈસ્લામ અને ઈસાઈ વચ્ચેની એકતા અને ભ્રાતૃભાવનાની સાંસ્કૃતિક ધરોહર જેવી આધારશિલા તો એક ની એક જ રહી. મારી દૃષ્ટિએ આ પરિષદ દ્વારા આપણા પ્રાચીન વેદકાલીન ઋષિઓએ ભાવિ ભારત વિશે સેવેલ સ્વપ્ન – ‘યત્ર વિશ્વ ભવતિ એકનીડં’ – ‘જ્યાં વિશ્વ બને પંખીનો માળો’ – આજે સાકાર થતું હોય તેવું લાગે છે.

વૈશ્વિકીકરણ અને તેના પડકારો

આ વૈશ્વિકીકરણ શાશ્વત બનવાનું છે. આજે એક રાષ્ટ્રમાં બનેલી ઘટનાનો પડઘો સમગ્ર વિશ્વમાં સંભળાય છે. કોઈ પણ રાષ્ટ્ર પોતાના પાડોશી રાષ્ટ્રની અવહેલના કરી ન શકે. આ આદર્શથી વિરોધાભાસી નીતિઓ અપનાવનાર રાષ્ટ્રો નિર્બળ બન્યાં છે. એને લીધે પોતાની આયાતો ઘટાડી છે અને પોતાના પાડોશીઓને નીચે ઉતારી પાડીને તેમની સાથેના સંબંધોને પણ નબળા બનાવી દીધા છે. એટલે જ આધુનિક અર્થશાસ્ત્રમાં આજે એક નવો શબ્દ ઉદ્‌ભવ્યો છે : ‘બેગર ધાય નેબર – બિચારો ભીખારી તારો પાડોશી (બને)’.

માનવતાનો આ આદર્શ લીગ ઓફ નેશન્સ કે યુનો કે વિશ્વવ્યાપાર સંઘનો મુદ્રાલેખ બન્યો તે પહેલાં આધુનિક ભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદે ૧૮૯૭માં ભારતીય લોકોને રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચેની એકતા અને ધર્મ ધર્મ વચ્ચેની સંવાદિતાના આધારે આવનારી ભાવિ વૈશ્વિક સંસ્કૃતિ આપી હતી. આ અભિનવ ભાવિ વૈશ્વિક સંસ્કૃતિની ભવિષ્યવાણી એમણે ૧૮૯૭માં ભાખી હતી.

આ વૈશ્વિકીકરણના યુગમાં સાર્ક દેશો અગ્નિ એશિયાના વ્યાઘ્રોની નજીક છે અને એકબીજા પર આ રાષ્ટ્રો પોતાનો પ્રભાવ પાડે છે. જ્યારે આ અગ્નિ એશિયામાં વ્યાપારિક મહોત્થાનનું મોજું આવ્યું ત્યારે તેનું ‘પૂર્વ એશિયા ચમત્કાર’ના નામે સૌએ અભિનંદ્યુ. એને લીધે આ વિભાગના રાષ્ટ્રોમાં એક એક નવી શ્રદ્ધા ઉદ્‌ભવી. અર્થશાસ્ત્રમાં ૨૦૦૧માં નોબેલ પારિતોષિક મેળવનાર જોસેફ સ્ટીગલીટ્‌ઝે લખ્યું છે: ‘છેલ્લા ત્રણ દાયકાથી પૂર્વ એશિયાએ વધુ ઝડપી વિકાસ સાધ્યો છે એટલું જ નહિ પરંતુ વિશ્વના વિકસિત કે અર્ધવિકસિત કે અલ્પવિકસિત કોઈ પણ રાષ્ટ્ર કે વિભાગ કરતાં એણે ગરીબીને ઘટાડવામાં ઘણું વધુ સારું કામ કર્યું છે. અને આ વિભાગ વધારે સુસ્થિર પણ બન્યો છે.’ અને વળી ૨ જુલાઈ ૧૯૯૭માં જ્યારે થાઈલેન્ડની મુદ્રા થાઈ-બહા્‌તનું અવમૂલ્યન થયું ત્યારે કોઈનેય એ ખ્યાલ ન હતો કે મહામંદીને કારણે થયેલું આ મુદ્રાઅવમૂલ્યન એશિયામાંથી રશિયા અને લેટિન અમેરિકાના દેશોમાં પણ વ્યાપી જશે અને સમગ્ર વિશ્વ માટે એક પડકાર રૂપ બની જશે.

થાઈલેન્ડના આ મહાન મુદ્રાસ્થિતિપતનને કારણે એશિયાના રાષ્ટ્રોના આર્થિક સંસ્થાનોની કપરી ટીકા થઈ. એ સંસ્થાનોને સડેલા, ત્યાંની સરકારોને લાંચરુશ્વતની ખદબદતી વર્ણવી અને એની સુધારણા માટે સંપૂર્ણ કાયાપરિવર્તનની વાત આવશ્યક છે એમ કહેવામાં આવ્યું. આ ટીકાકારો આ વાતથી અજાણ હતા કે પશ્ચિમના વ્યાપારભોગવાદના ગાંડપણથી ઘેલી બનેલ અને પોતાના સાંસ્કૃતિક મૂલ્યોથી દૂર ભાગેલ અહીંની થોડી વ્યક્તિઓના લોભે આ મહાવિનાશ નોતર્યો હતો. આવશ્કતાની પૂર્તિ કરી શકાય છે પણ લોભને ક્યારેય સંતોષી ન શકાય. અને એને પરિણામે એ દરેક ઉદ્યોગવ્યાપાર સંસ્થાનોનું અકાળ મૃત્યુ લાવી મૂકે છે. આ કટોકટી પછી તરત જ ‘એશિયા વિક’ નામના સમાચાર પત્રે આ વ્યક્તિગત લોભે આ મહાવિનાશ નોતર્યો તેના વિશે લખ્યું હતું. થાઈલેન્ડના આ મુદ્રાઅવમૂલ્યને આપણી સમક્ષ એક ઐતિહાસિક બોધપાઠ રજૂ કર્યો છે: ‘ઉપભોક્તાવાદના ગાંડપણ સાથે મૂડીવ્યાપાર બજારનું ઉદારીકરણ જ્યારે કોઈ પણ જાતના ટીકાટીપ્પણ કે પરીક્ષણ વગર સ્વીકારવામાં આવ્યું એટલે તે યુગજુની અગ્નિ એશિયાના દેશોની સાંસ્કૃતિક ધરોહરની સાથે ટકરાવાની જ અને એને લીધે મહાવિપત્તિ ખાબકવાની જ.’

સનાતન સાંસ્કૃતિક મૂલ્યોની ખેવના કર્યા વિના વધુ ને વધુ રોકાણ કરો અને તેના વહેલાં સારાં ફળ મેળવો આ છે ‘મૂડી વ્યાપારનું ઉદારીકરણ’. આ ઉદારીકરણને અગ્નિએશિયાના દેશોમાં ૮૦ના દાયકાના અંતિમ કાળે અને ૯૦ના દાયકાના પ્રારંભમાં લાદી દેવામાં આવ્યું. જોસેફ સ્ટીગલીટ્‌ઝ કહે છે : ‘હું માનું છું કે આ જાતની મૂડી રોકાણની ઉદારતા એ જ આ મહાઅધ:પતનનું એક સૌથી મોટું અગત્યનું પાસું છે.’ આંતરરાષ્ટ્રિય નાણાભંડોળ પોતાની નીતિઓ લાદી શકે પરંતુ તે માનવમાંથી વહેતા અસ્વાભાવિક લોભને રોકી શકતું નથી. કોઈપણ વ્યક્તિને આ મહાલોભમાંથી ઉપર લઈ જનાર પાસું છે નૈતિક આધ્યાત્મિક સંસ્કૃતિ અને એ પાસું બીજાની સેવા દ્વારા પોતાના જીવનમાં સંતોષ અને પૂર્તિ લાવે છે.

જેમ થાઈલેન્ડની મુદ્રા પરિસ્થિતિની જેમ વિશ્વના બજારોમાં પણ એક કે બીજી રીતે કોઈ ને કોઈ પછડાટ આવી પણ તેના પરનો પુન: અંકુશ આશાનું એક કિરણ બની ગયું. બીજો જાદુઈ ચમત્કાર સર્જ્યો શ્રદ્ધા અને આત્મવિશ્વાસે. એશિયાના દેશો એ આર્થિક કટોકટીમાંથી પાર ઊતર્યા કારણ કે તેમને આંતરરાષ્ટ્રિય નાણાભંડોળનાં કોઈ સલાહસૂચનને કાને ન ધર્યું. તેઓ પોતાના સમર્પણભાવ અને અથાક પરિશ્રમ પર અડગ ઊભા રહ્યા. એની સાથે બીજો ‘પૂર્વ એશિયાનો ચમત્કાર’ સર્જાયો. પૂર્વ એશિયાના દેશોએ જે કંઈ કર્યું હતું તે હતું અત્યંત મોટા પ્રમાણમાં બચત અને સારું એવું રોકાણ. વિદેશી સહાયની આશા અપેક્ષા રાખ્યા વિના લોકોએ પોતાનાં રાષ્ટ્રજનો માટે ખંત અને પ્રેમથી કામ કર્યું.

આર્થિક શ્રેષ્ઠતા માટે જે તે રાષ્ટ્રસરકારની ભૂમિકા

પરંતુ ‘આ જાદુઈ ચમત્કાર’ જે તે રાષ્ટ્રના શાસક એટલે સરકારે ભજવેલી મહત્ત્વની ભૂમિકાને આભારી પણ હતો. ધનાઢ્ય રાષ્ટ્રોએ પોતાના ગ્રાહક ઉપભોક્તાવાદી સોસાયટીઓની સહાયથી પોતાની અત્યંત પ્રબળ ઉપભોક્તાવાદી ટેવોને કારણે આટલા દરે અને આટલી સારી રીતે ક્યારેય બચત કરવાની સુવ્યવસ્થા કેળવી નહિ. સરકારની નીતિઓએ કેળવણીનો પ્રચાર-પ્રસાર અને જ્ઞાનની ઉચ્ચગ્રાહીતાના ઉમેરણ દ્વારા એશિયાના રાષ્ટ્રોને ઉપર્યુક્ત બંને બાબતોને સમાંતર રીતે કરવાની શક્તિ મળે તેવું મહત્ત્વનું પ્રદાન કર્યું.

બચતના ઉચ્ચદરના અને સરકારના શિક્ષણ ક્ષેત્રમાં કરેલ રોકાણ તેમજ રાજ્ય દ્વારા સુચિત ઔદ્યોગિક નીતિએ – આ બધાએ સાથે મળીને જે તે રાજ્ય કે રાષ્ટ્રનું એક આર્થિક ઊર્જાગૃહ રચી દીધું. ૩૦ વર્ષ પહેલાં એશિયાના રાષ્ટ્રોમાં ઓછી કીમતવાળી અને બેસનારની કેડ ભાંગી નાખતી હજારો રીક્ષા બજારમાં મૂકી દીધી. આજે એ કોઈ પણ વિદેશથી આવનાર પ્રવાસી યાત્રાળુ માટે આ રીક્ષામાં ટોળાબંધ બેઠેલા માણસોની તસવીર લેવાનું એક સાધન બની ગયું છે.

વિકસિત રાષ્ટ્રોના સ્વાર્થને લીધે વૈશ્વિકીકરણ ટીકાપાત્ર બન્યું છે

સુવિકસિત ઔદ્યોગિક દેશોએ સમગ્ર વિશ્વમાં લાવી મૂકેલી અસમાનતાઓની સામે સિએટલ અને વોશિંગ્ટનની વિશ્વ-વ્યાપાર-સંસ્થાની પરિષદોમાં વૈશ્વિકીકરણની સામે ‘ભીખારી તારો પાડોશી’ના વલણને લીધે વિકસતા દેશોમાં પોતાની નીપજોને વેંચવા માટે બજારો ઊભા કરવાની ફરજ પાડી છે. પરંતુ આ વિકસિત રાષ્ટ્રોએ વિકાસશીલ રાષ્ટ્રોના ઉત્પાદનો જેવાં કે કાપડ અને ખેત ઉત્પાદનને માટે એમણે પોતાની બજારો બંધ કરી દીધી છે. નવેમ્બર, ૨૦૦૧ની દોહાની પરિષદમાં વિકસિત રાષ્ટ્રો આ મતભેદ, પીડા અને ફરિયાદની ચર્ચા કરવા માટે સંમત થયા. અને આ વિશ્વવ્યાપારનીતિમાં જે અસમાનતાઓ હતી તેને ઊલટાવવામાં આવી. દોહાની પરિષદમાં જે વિશેષ ક્ષેત્રોની સચિંત નોંધ લેવામાં આવી હતી તે હતો બૌદ્ધિક સંપદાધિકાર. ઉરુગ્વેના ચર્ચાવિચારણાના અંતિમ તબક્કે એ સ્પષ્ટ થયું કે સંશોધનોમાં સૌથી વધારે અગત્યનો કાચો માલ એ જ્ઞાન કે બુદ્ધિ છે. વધુ બૌદ્ધિક સંપદાધિકાર આ કાચામાલની કીમતમાં ઘણી વૃદ્ધિ કરી શકે છે. ગરીબોને માટે જીવનરક્ષણ દવાના ઈન્કારની અસર કે પ્રભાવની ચિંતા ગરીબ રાષ્ટ્રોને વધારે હતી. આ બાબતે ધીમે ધીમે દક્ષિણ આફ્રિકામાં એઈડ્‌ઝની દવાની સુવિધાના સંદર્ભમાં આંતરરાષ્ટ્રિય કક્ષાએ ધ્યાન ખેંચ્યું.

ઉરુગ્વેની પરિષદમાં સ્થાપિત થયું કે બૌદ્ધિક સંપદાધિકાર એ વિશ્વના અર્થકારણ પર ઘણો મહત્ત્વનો પ્રભાવ પાડે છે. જ્ઞાન કે બુદ્ધિ તેમાં ચાવી રૂપ ભાગ ભજવે છે. પરંતુ જ્યારે આંતરરાષ્ટ્રિય ક્ષેત્રે ખૂબ વિકાસ પામેલાં રાષ્ટ્રો દક્ષિણ આફ્રિકાના એઈડ્‌ઝના દર્દીઓને દવાનો ઈન્કાર કરે ત્યારે પરિસ્થિતિ વધારે બિહામણી બને છે. ઔષધીય નકલખોરી પણ શોધી કાઢવામાં આવી. આંતરરાષ્ટ્રિય ઔષધ નિર્માણ સંસ્થાનો પૂર્વ યુરોપના દેશોના જ્ઞાન સંપદાને આધારે પૈસા રળી ખાય છે. આ પૂર્વ એશિયાના રાષ્ટ્રો પાસે આવી બીજાને આંતરરાષ્ટ્રિય અદાલતોમાં લડવા માટેની પૂરતી ધનસંપદા પણ નથી. આજે પ્રારંભિક આઘાતોની અનુભૂતિ પછી એક એવી સમજણ આવી છે કે પ્રણાલીગત જીવનપદ્ધતિ અને માનવીઓ જ્યારે વૃદ્ધિ પામતા પડકારોને ઝીલવા ધીમા હોય ત્યારે ધીમું ધીમું અને ક્રમે ક્રમે આવતું વૈશ્વિકીકરણ સૌથી વધારે ઉત્તમ બની રહે છે. વૈશ્વિક સંપર્ક સામંજસ્યની ગતિ પણ બહુ જ અગત્યની છે. વધુ ક્રમિક રીતે ચાલતી પ્રક્રિયા એટલે કે પેલા પ્રણાલીગત સંસ્થાઓ અને માનકો દ્વારા થતી પ્રક્રિયા. આ પ્રક્રિયા દ્વારા નવા બજારબળથી અભિભૂત થયા વિના વૈશ્વિકીકરણ અને તેના નવા પડકારોને વધુ સારી રીતે પ્રતિભાવ આપી શકે છે તેમજ તેને સ્વીકારી પણ શકે છે.

જ્ઞાનશ્રેષ્ઠતા સ્પર્ધાને દૂર કરે છે

પ્રાણીઓનું સ્પર્ધાત્મક વિશ્વ ‘સૌથી શ્રેષ્ઠનો બચાવ’ એટલે કે ‘અસ્તિત્વ માટેની મથામણ એટલે એક બીજાને મારી નાખવા’. પ્રથમ અને બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ડાર્વિનના આ સિદ્ધાંતને અનુસરીને માનવપ્રજાએ વિશ્વને સંપૂર્ણ વિનાશના આરે મૂકી દીધું. આજે જ્ઞાનની વિસ્તૃતિ અને વિશાળ પ્રસારને લીધે જે કોઈ પણ રાષ્ટ્ર પાસે આ જ્ઞાનની સમૃદ્ધિ વધુ હશે તે વૈશ્વિક સ્પર્ધામાં આગળ વધી જશે અને સફળ થશે એ બાબત સ્પષ્ટ થઈ છે. પરંતુ એશિયાના રાષ્ટ્રો અને એમાંય ખાસ કરીને સાર્કના દેશોએ જ્ઞાનશ્રેષ્ઠતા અને સખત પુરુષાર્થની પડખે ઊભા રહ્યા છે. બાંગ્લાદેશના સુપ્રસિદ્ધ અર્થશાસ્ત્રી મહંમદ યુનુસે પશ્ચિમમાંથી કરોડો ડોલરના પ્રકલ્પોની ભીખ માગી નહિ. પરંતુ બાંગ્લાદેશના ગરીબ કુટુંબોની લાખો મહિલાઓ દ્વારા પ્રત્યેક પાસેથી રૂપિયા પાંચનું ભંડોળ એકઠું કરીને એક આર્થિક ઉત્ક્રાંતિ સર્જી છે. અમર્ત્ય સેનને પ્રાચીન એશિયન મૂલ્યો પર આધારિત કલ્યાણકારી અર્થશાસ્ત્ર – માનવ સમૂહો માટેના અર્થશાસ્ત્રના વિકાસના સિદ્ધાંતોને વળગી રહ્યા અને તેમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું. ભારતના નારાયણ મૂર્તિ ‘ઈન્ફોસિસ્‌’ અને અઝિઝ પ્રેમજીના ‘વિપ્રો’એ એવું વિશાળ કોમ્પ્યુટર સામ્રાજ્ય રચ્યું છે કે જે બીલ ગેઈટ્‌સના માઈક્રોસોફ્‌ટને પણ પડકારી શકે છે. એમ.એસ. સ્વામીનાથને ભારતના ખેડૂતોને કેળવણીથી કેળવીને અને માછીમારોને ઈન્ટરનેટ અને કોમ્પ્યુટર દ્વારા વિશ્વ બજારમાં માલ મૂકવા માટે કેળવીને એક ક્રાંતિ સર્જી છે.

સફળતા અને સામર્થ્ય માટે આપણા સાંસ્કૃતિક મૂલ્યો તરફ પાછા વળો

યુરોપના સામ્યવાદની નિષ્ફળતા અને ચીનના મૂડીવાદી પરિવર્તનની નિષ્ફળતાએ એક સર્વસામાન્ય બાબત સાબિત કરી દીધી છે : જ્યારે જ્યારે કોઈ પણ રાષ્ટ્ર કે સંસ્કૃતિ-સભ્યતા પોતાની મૂળ સાંસ્કૃતિક ધરોહરના મૂળિયાં ઉખેડી નાખીને અને સમગ્ર વૈશ્વિક સમાજને એક કોરાણે મૂકીને કોઈ રાજકીય કે આર્થિક ધ્યેય સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે ત્યારે તે મહાવિનાશ કે અધ:પતન નોતરે છે. ૧૮૯૭માં નવભારતના નિર્માતા સ્વામી વિવેકાનંદે ભારતીયોને ચેતવણી આપતાં આ શબ્દો ઉચ્ચાર્યા હતા : ‘જો તમે આધ્યાત્મિકતાને ત્યજીને, એને એક બાજુ હડસેલીને પશ્ચિમની ભૌતિકવાદી સભ્યતા તરફ આંધળી દોટ મૂકશો તો તેનું પરિણામ એ આવશે કે તમે ત્રણ પેઢીમાં એક નેસ્તનાબૂદ જાતિ બની જશો.’ ૧૯૯૩માં પિટર ડ્રકરે આમ લખ્યું હતું: ‘ભારત એક અસીમ અકબંધ શક્તિઓનો સ્રોત છે.’ ૧૯૯૫માં વિશ્વ વ્યાપાર સંઘના નિયામક પિટર સુધરલેન્ડે જી-૭ (વિશ્વના સાત મહાન આર્થિક ક્ષમતાવાળાં રાષ્ટ્રો – અમેરિકા, કેનેડા, જર્મની, જાપાન, ફ્રાંસ, બ્રિટન અને ઈટાલી) ને વિસ્તારવાનું આહ્‌વાન આપ્યું છે. આવાં રાષ્ટ્રોના સંઘમાં ત્રીજા વિશ્વના આંતરદૃષ્ટિવાળાં વધુ વિકાસશીલ રાષ્ટ્રોનો સમાવેશ કરવો જોઈએ. એમાંય ભારત આજે વૈશ્વિક ઉન્નતિમાં એક તંદુરસ્ત સ્પર્ધા કરી રહ્યું છે. આજે ૨૦૦૫માં જર્મની, ફ્રાંસ કે ઈટાલી જેવાં રાષ્ટ્રોથી ભારત ઘણી રીતે આગળ વધી ચૂક્યું છે. તેનું કારણ એ છે કે ભારત ઉદારીકરણવાળું રાષ્ટ્ર તો બન્યું છે પણ પશ્ચિમના પ્રભાવમાંથી મુક્ત રહીને પોતાની સાંસ્કૃતિક ધરોહરને જાળવી રાખીને તે પોતાની ભૂમિ પર સદ્ધર બનીને સખત પરિશ્રમ કરી રહ્યું છે. ભૌતિકવાદી, વૈજ્ઞાનિક, નૈતિકતાવિહોણા અને પશ્ચિમની સંસ્કૃતિના રંગે રંગાઈને સ્વાતંત્ર્ય પછીનું આપણું ભારતનું રાજકારણ રાષ્ટ્રિય પુનરુત્થાનના કાર્યમાં લાગી પડ્યું. આનું પરિણામ ઘણી રીતે દુ:ખદ બની ગયું. દિલ્હી, મુંબઈ જેવા મોટા શહેરોમાં નશીલા પદાર્થોને લેનારની સંખ્યામાં થતી વૃદ્ધિ અને એમાંય ખાસ કરીને યુવાનોમાં; ગરીબોની અવગણના કરીને રાષ્ટ્રના ભોગે વ્યક્તિગત રીતે સંપત્તિ મેળવવાનો અનહદ લોભની થતી વૃદ્ધિ આજે સૌને માટે દુ:ખદ બની ગયાં છે. ૧૯૯૦માં ભારત અને ચીન વિશે પિટર ડ્રકરે આમ લખ્યું હતું: ‘ભારત અને ચીનના સુધારકોએ વૈલક્ષણ્યથી અનુભવ્યું કે તેમણે પોતાના દેશની સંસ્કૃતિમાં પરિવર્તન લાવવું પડશે. એનું પરિણામ માત્ર હતાશા, ઘર્ષણ, મનોમૂંઝવણ અને વર્તનમાં કશાય પરિવર્તનનો અભાવમાં આવ્યું.’ આ ઝડપથી બદલતી જતી દુનિયાની આ માગોને શેની જરૂર છે? એ વિશે પિટર ડ્રકર કહે છે: ‘આજે જરૂર છે વર્તનમાં પરિવર્તનોની’. પરંતુ આવાં પરિવર્તનો સંસ્કૃતિમાં પરિવર્તનો લાવવાથી આવવાના નથી… સંસ્કૃતિ એટલે વિલક્ષણ રીતે દૃઢાગ્રહી અને વિરોધ સામે ટકી રહેનાર શક્તિ. તત્કાલીન સંસ્કૃતિ પર આધારિત હોય એવાં વર્તન-પરિવર્તન સાર્થક બને છે.

(ક્રમશ:)

Total Views: 64

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.