ગુરુ એક એવું વાહન છે કે જેના દ્વારા આધ્યાત્મિક શક્તિ તમને આપવામાં આવે છે. ઉપદેશ કોઈ પણ માણસ આપી શકે; પણ અધ્યાત્મ શક્તિ તો શિષ્ય અને ગુરુ દ્વારા જવી જોઈએ, અને તે જ ફળીભૂત થાય. શિષ્યોનો અંદરોઅંદરનો સંબંધ ભાઈ ભાઈ જેવો હોય છે, અને ભારતમાં કાયદાથી આ સ્વીકારાયેલો છે. ગુરુ પોતાના પૂર્વગુરુઓ પાસેથી પરંપરા દ્વારા મેળવેલી વિચારશક્તિ એટલે કે મંત્રનો શિષ્યમાં સંચાર કરે છે; ગુરુ સિવાય કંઈ પણ થઈ શકે નહીં. (તેમ ન હોય તો) હકીકતમાં મહાભય ઉત્પન્ન થાય છે. સામાન્યત: ગુરુ સિવાયનો કરેલો આવો યોગાભ્યાસ કામોત્તેજક બને છે, જ્યારે ગુરુ હોય તો તેવું ભાગ્યે જ બને છે. પ્રત્યેક ઇષ્ટનો એક મંત્ર હોય છે. ઇષ્ટ એટલે વિશિષ્ટ ઉપાસક માટેનો આદર્શ: મંત્ર તેને વ્યક્ત કરનારો બહારનો શબ્દ છે. શબ્દ (મંત્ર)નો નિરંતર જપ આદર્શને દૃઢપણે સ્થિર કરવામાં સહાયક છે. ઉપાસનાની આ રીત આખા ભારતમાં તમામ સાધકોમાં પ્રચલિત છે.

ખરો ગુરુ તે છે કે જેના દ્વારા આપણને આપણી આધ્યાત્મિક પરંપરા મળે છે. સાચો ગુરુ એક એવી નહેર છે કે જેના દ્વારા આધ્યાત્મિક પ્રવાહ આપણામાં વહેવા લાગે છે, જે સમગ્ર આધ્યાત્મિક જગત સાથે જોડનારી કડી સમાન છે. વ્યક્તિમાં અતિશય શ્રદ્ધા રાખવામાં નિર્બળતા અને મૂર્તિપૂજાની વૃત્તિ પેદા કરવાનું વલણ રહેલું છે; પણ ગુરુ પ્રત્યેનો ગાઢ પ્રેમ ઝડપી વિકાસ શક્ય બનાવે છે, અંતરમાં રહેલા ગુરુ સાથે તે આપણને જોડે છે. જો તમારા ગુરુમાં ખરું સત્ય હોય, તો તેની તમે પૂજા કરજો; તે ગુરુભક્તિ તમને જલદી સર્વોચ્ચ સ્થિતિએ પહોંચાડશે.

શ્રીરામકૃષ્ણની પવિત્રતા બાળકના જેવી હતી. પોતાના જીવનમાં તેમણે કદી પૈસાનો સ્પર્શ કર્યો ન હતો; અને કામવાસનાનો તો તેમણે સમૂળગો નાશ કરી નાખ્યો હતો. ભૌતિક વિજ્ઞાન શીખવા માટે મહાન ધર્મોપદેશકો પાસે ન જશો; તેમની સમગ્ર શક્તિ આધ્યાત્મિક બાબતમાં રોકાઈ ગયેલી હોય છે. શ્રીરામકૃષ્ણમાં માનવી મરી ગયો હતો, માત્ર ઈશ્વર જ રહ્યો હતો. પાપ ખરેખર તેઓ જોઈ શકતા ન હતા; તેઓ અક્ષરશ: ‘પાપ જોવા કરતાં વધુ શુદ્ધ દૃષ્ટિવાળા હતા.’ આવાં થોડા સાધુપુરુષોની પવિત્રતા જ આ દુનિયાને ટકાવી રાખે છે. જો તે બધા મરી જાય અને દુનિયાનો ત્યાગ કરે, તો દુનિયાનો નાશ થઈ જાય. તેઓ પોતાના અસ્તિત્વ માત્રથી જગતનું કલ્યાણ કરે છે. તેઓ પોતે તે જાણતા પણ નથી હોતા; તેઓ તો માત્ર જીવે છે એટલું જ.

(સ્વામી વિવેકાનંદ સંચયન – પૃ.૪૭૫, ૪૭૯-૮૦)

Total Views: 107

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.