(નવેમ્બર ૦૪ થી આગળ)

શ્રીમાનો મુસલમાન પુત્ર ડાકુ અમજદ ઘણો ગરીબ છે. ભરણપોષણ થતું નથી એટલે ચોરી કરે છે. આ ભયંકર ડાકુ એકવાર મજૂરના રૂપે શ્રીમા પાસે આવીને એમના સ્નેહનો સ્વાદ ચાખી ગયો છે. વચ્ચે વચ્ચે આવતો રહે છે. શ્રીમા પોતાના બીજા સંતાનોની જેમ જ એને પણ સ્નેહ આપતાં રહે છે. અમજદના પ્રાણપણની ઝંખના છે કે શ્રીમાની સેવા કરું, એમને કંઈક આપું, એટલે વચ્ચે વચ્ચે શાકભાજી કે જે કંઈ પણ મળે તે લઈને શ્રીમા પાસે આવે છે. આવી સામાન્ય ચીજવસ્તુઓ લઈને શ્રીમા પાસે જતાં તેને અત્યંત સંકોચ થાય છે એને શ્રીમાના ચરણોમાં રાખીને એકબાજુએ છાનોમાનો ઊભો રહે છે. શ્રીમા અત્યંત સ્નેહથી આ બધું સ્વીકારે છે અને કેટલી તો પ્રશંસા કરે છે! જ્યારે અમજદ શ્રીમાને ઘરે જતો ત્યારે કેટલા બધા ભય અને સંકોચથી, નિસ્તેજ ચહેરા સાથે જાણે કે એના પગમાં મણ મણ જેટલો ભાર ન જડી દીધો હોય તેમ જતો. પરંતુ શ્રીમાના પ્રેમસ્નેહને પામીને, ખાઈપીઈને, મોઢામાં પાન ચાવતો ચાવતો બહાર નીકળતો ત્યારે એના ચહેરા પણ કેટલી બધી પ્રસન્નતા રહેતી! એની છાતી કેવી ફુલાયેલી રહેતી! કોઆલપાડાના ગરીબ ખેડૂત ભક્ત તથા જયરામવાટીના કેટલાક લોકો જ્યારે પોતાના ખેતરમાં ઉત્પન્ન થયેલ સામાન્ય ચીજવસ્તુઓ લાવીને શ્રીમાને દેતાં ત્યારે શ્રીમા કેટલા સ્નેહપૂર્વક આ બધું સ્વીકારતાં અને એના બદલામાં એમને અનુપમ પ્રેમસ્નેહની સાથે કોઈને કોઈ ચીજવસ્તુ, પ્રસાદી કે ફળમીઠાઈ વગેરે પણ આપતાં.

શ્રીમા મૂલ્યવાન ચીજવસ્તુઓ કે ફળમીઠાઈને બદલે દૈનંદિન ઉપયોગમાં આવતી ચીજવસ્તુઓ વધારે પસંદ કરતાં. કોઆલપાડાના સ્વામી કેશવાનંદ મહારાજ ભક્તોને સુચના આપે છે કે એમણે જો કંઈ પણ દેવું હોય તો રોજેરોજ કામમાં આવતી ચીજવસ્તુઓ શ્રીમાને દેવી. એકવાર આવી સૂચના મેળવીને બરિસાલનો એક શિષ્ય કેરોસીનનું એક પીપ લઈને આવ્યો. શ્રીમા જોઈને કેટલાં રાજી થયાં! પુત્રોના હૃદયમાં જન્મનારી સેવાની કામના શ્રીમા સદૈવ પૂર્ણ કરતાં. તેઓ વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ લાવતાં અને પોતાને કોઈ આવશ્યકતા ન હોવા છતાં પણ શ્રીમા એ લોકોની તૃપ્તિ અને કલ્યાણ માટે જ બધું સ્વીકારી લેતાં. ભક્તો સાડીઓ ઘણી આપતાં. શ્રીમાને સાડીની બહુ ઓછી જરૂરત રહેતી, કારણ કે તેઓ જે સાડીઓ પહેરતાં તે સાવધાનીપૂર્વક પહેરતાં અને ચાલે ત્યાં સુધી ચલાવતાં, સાડી થોડીઘણી ફાટી જાય તો એને સીવીને પહેરતાં. કેટલીયેવાર ભક્તો જે વસ્ત્રો લાવતાં તેને પોતાના શરીર ઉપર લપેટી લેતાં અથવા એનો સ્પર્શ કરીને તેને પ્રસાદી બનાવી દેતાં. પોતાના બીજા સંતાનોને અથવા આવશ્યકતા પ્રમાણે અને ગરીબદુ:ખીને એ બધું આપી દેતાં. ફળમીઠાઈ પણ શ્રીઠાકુરને અર્પણ કરીને બીજાને વહેંચી દેતાં. તેઓ પોતાના જીભના આગલા ભાગથી જ એનો સ્પર્શ કરી લેતાં. ખાવા-પહેરવામાં એમનો વ્યવહાર સદૈવ અત્યંત સંકોચશીલ અને સંયમી રહેતો. કોઈ ભક્ત શ્રીમાને પ્રસાદ આપવા ઘણો આગ્રહ કરે છે. શ્રીમાએ એક સંદેશ (મીઠાઈ) હાથમાં લઈને શ્રીઠાકુરને દૃષ્ટિભોગ રૂપે અર્પણ કરીને પોતાની જીભથી સ્પર્શી લીધો અને પછી ભક્તને આપતાં તેઓ સ્નેહપૂર્વક કહેતાં: ‘લે, બેટા, પ્રસાદ ખાઈ લે!’ 

શેકેલા પૌઆનું ચવાણું

એક ભક્ત શ્રીઠાકુર-માનાં જન્મસ્થાનોનાં દર્શન કરીને કલકત્તા પાછા આવી રહ્યા છે. શ્રીમા ત્યારે ‘ઉદ્‌બોધન’માં હતાં. નવાસનના ભક્તોએ એ ભક્તોની સાથે ‘ભાવદિઘી’ નામની જગ્યાના કેટલાક મૂળા આપ્યા છે. શ્રીમાને કઠણ માટીમાં થતાં આ મૂળા ઘણા ભાવે છે. તેઓ જ્યારે જયરામવાટીમાં રહેતાં ત્યારે ભક્તો એમને આ મૂળા આપી આવતાં. પણ અત્યારે તેઓ દેશમાં નથી એટલે એ મૂળા આપવાનું સૌભાગ્ય આ વખતે નથી મળવાનું એમ વિચારીને તેઓ ઘણા દુ:ખી થાય છે. જ્યારે એમણે સાંભળ્યું કે એક ભક્ત કલકત્તા પાછા જઈ રહ્યા છે એટલે મૂળાનો સમય ન આવવા છતાં અને પૂરા ન પાક્યા હોવા છતાં જેમ તેમ કરીને અહીં તહીં શોધીને થોડાક સારા કહી શકાય એવા મૂળા એકઠા કર્યા. પ્રયત્નપૂર્વક બાંધીને આ મૂળા ભક્તને આપ્યા. ભક્ત આરામબાગ થઈને ચાંપાડાંગા જઈને માર્ટિનની ગાડી પકડશે. કલકત્તાથી આવતી વખતે શ્રીમાએ કહ્યું હતું કે વહુ (મણિબાબુની મા)ને મળી લેજો. એટલે ભક્ત આરામબાગથી વાયુગ્રામ થઈને મણિબાબુના ઘરે ગયા. મણિબાબુના માના આનંદનો પાર નથી, એમાંય વિશેષ કરીને ‘એમને મળીને જજો’ એવું શ્રીમાનું કહેવું સાંભળીને ખૂબ આનંદ થયો. એમણે કેટલીયે પ્રકારની ભોજનસામગ્રી રાંધીને ભક્તને જમાડ્યા. તેઓ શ્રીમા માટે એમને ખૂબ ભાવતી ખાવાની વાનગી બનાવી આપે એટલે એમને ત્યાં જ એક રાતવાસો કરવાનું કહ્યું. મણિબાબુના માએ સાંભળ્યું હતું કે હાલમાં શ્રીમાની તબીયત સારી નથી રહેતી અને એમને વાતરોગનું કષ્ટ રહે છે. આ સાંભળીને એમને નજરે જોવા માટે મણિબાબુના માનાં પ્રાણ તલસવા લાગ્યાં. પરંતુ છોકરી માંદી હતી એટલે અત્યારે જઈ શકાય તેમ ન હતું. એટલે તેઓ ભક્તની સાથે શ્રીમા માટે કંઈક મોકલવા ઇચ્છતાં હતાં. શ્રીમા માટે કોઈક ચીજવસ્તુ લઈ જવી એ પણ પરમ સૌભાગ્યની વાત છે. ભક્તે એનો સહર્ષ સ્વીકાર કર્યો. તેણે પોતાના પૂર્વપરિચિત મિત્ર મણિબાબુની સાથે શ્રીઠાકુર-માની ચર્ચા કરતાં કરતાં રાત ત્યાં જ વીતાવી અને બીજે દિવસે સવારે કલકત્તા જવા નીકળી પડ્યા. જતી વખતે મણિબાબુની માએ એને કાળજીપૂર્વક બાંધેલ એક બિસ્કિટનું ડબલું દીધું. ભક્ત સંધ્યાસમયે ઉદ્‌બોધન પહોંચ્યા. જઈને જોયું તો શ્રીમા પથારીમાં સૂતાં છે. વાતરોગનું દુ:ખ સહી રહ્યાં છે અને સેવિકા દવાથી માલીશ કરી રહી છે. શ્રીમા ભક્તને જોઈને ઘણા પ્રસન્ન થયાં. તેઓ બેઠાં થયાં. કુશળ સમાચાર પૂછ્યાં. ભક્તે ઉત્તરમાં જયરામવાટી, કામારપુકુર અને બીજાં સ્થળોનાં ભક્તોના કુશળ સમાચાર કહ્યા અને એમણે પાઠવેલા પ્રણામને સ્વીકારવાનું કહ્યું. તેમજ મૂળાનો નાનો પૂળો અને બિસ્કિટનું ડબલું શ્રીમાના હાથમાં મૂક્યાં. મૂળાને જોઈને શ્રીમાને કેવો આનંદ થયો! જાણે કે એ ઘણી દુર્લભ ચીજવસ્તુઓ ન હોય! પછી નાની બાલિકાની જેમ આનંદથી અધીર બનીને એમણે ડબલું ખોલ્યું અને એ જોઈને કેવો તો આનંદ અનુભવ્યો! શ્રીમાનો આવો આનંદ જોઈને ભક્તને પણ કુતૂહલ થયું કે ડબલામાં શું છે! જ્યારે જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે એ બહુમૂલ્ય વસ્તુ છે ‘પૌઆનું ચવાણું’.

બીજી એક સમયની વાત છે, ત્યારે પણ શ્રીમા ‘ઉદ્‌બોધન’માં હતાં. કામારપુકુરથી પાછા ફરતી વખતે એક ભક્ત ઠાકુરના પોતાના હાથે વાવેલા આંબાની કેરી અને કોઆલપાડા આશ્રમમાંથી થોડા પરવળ લઈને શ્રીમા પાસે આવ્યા. આ બધી વસ્તુઓ લઈને શ્રીમા ખૂબ પ્રસન્ન થયાં. કેરી અધપાકી હતી, એનો પણો બનાવીને શ્રીઠાકુરને ભોગ ધર્યો. એ વખતે એ ભક્ત વિષ્ણુપુરમાં સ્વર્ગસ્થ સુરેશ્વરબાબુને ઘરે થઈને આવ્યો હતો. ત્યાંના ભક્તોએ ભોજન માટે પાતળ દીધી. વિષ્ણુપુરની પાતળ ઘણી સારી હોય છે. અડદની પાતળી દાળ પણ એમાંથી નીકળી જતી નથી, શ્રીમાને એ ખૂબ પસંદ. ભક્તોએ આપેલી ચીજવસ્તુથી જેમ કોઈ બાળક રમકડું કે લાડું મેળવીને ખુશ થાય તેમ શ્રીમા પ્રસન્ન છે. આવી બધી સામાન્ય ચીજવસ્તુઓ લઈને શ્રીમા ખૂબ સંતોષ અનુભવતાં અને બીજી કેટલીક મૂલ્યવાન ચીજવસ્તુઓ આવતી પણ શ્રીમા એ તરફ નજરેય ન નાખતાં એ જોઈને ઘણાને આશ્ચર્ય થતું. શ્રીમા કહેતાં પણ ખરાં : ‘વસ્તુની કીમતમાં ભાઈ, શું છે? જે દે છે તેના અંતરમાં એક આકર્ષણભર્યો પ્રેમ કે એની ભક્તિ જોવી જોઈએ.’

‘પીઠે’ની ઘટના

એક શિષ્ય અવારનવાર શ્રીમાના ઘરે અનેક પ્રકારની ચીજવસ્તુઓ લાવતો. એ વસ્તુઓ ભેગી કરવામાં એને ઘણો શ્રમ કરવો પડતો, ક્યારેક બીજાની પાસે હાથ પણ લંબાવવો પડતો. એના મિત્રોમાંથી કેટલાકને આ પસંદ ન હતું. તેઓ જાણતા હતા કે શ્રીમાને આ બધું પસંદ નથી, તેઓ તો ઘણા અલ્પપ્રમાણમાં જ લે છે. બાકીનો મોટો ભાગ બીજા લોકોને મળે છે. એટલે એ લોકો વ્યંગ કરવામાં પણ ચૂકતા નહિ. પણ આ શિષ્ય એવો હતો કે સમયે સમયે શ્રીમાને ખવડાવવા માટે સારી સારી વાનગીઓ તૈયાર કરીને કે કરાવીને લઈ જતા. શ્રીમા ખૂબ રાજી થતાં. શ્રીઠાકુરને ભોગ ધરાવીને સંતાનોને પેટ ભરીને પ્રસાદ ખવડાવતા, પોતાના મુખેથી થોડો સ્પર્શ કરી લેતા અને એ વસ્તુની ઘણી પ્રસંશા કરતાં. મિત્રોની ટીકાથી ભલે પેલો શિષ્ય પોતાના કાર્યથી અટક્યો નહિ. છતાંયે એવું લાગે છે કે એના મનમાં થોડોક ક્ષોભ તો થયો હશે. એક દિવસ શ્રીમાના ઘરે તે ચીજવસ્તુઓ લઈ ગયો. એને આવી રીતે પરિશ્રમ અને કષ્ટ સાથે દરવખતે આટલી ચીજો ઉપાડીને લઈ જતો જોઈને ત્યાં ઉપસ્થિત લોકોમાંથી કેટલાકે દુ:ખ પ્રગટ કરીને કહ્યું: ‘આટલું કષ્ટ શા માટે ઉઠાવે છે?’ પરંતુ શ્રીમાએ એનો પક્ષ લીધા વિના શિષ્ય તરફ કરુણાપૂર્ણ નેત્રોથી જોયું અને ગદ્‌ગદ કંઠે કહ્યું: ‘ભક્ત જો ન આપે તો ભગવાનને કોણ દેશે, બેટા?’ શિષ્યનું હૃદય અત્યંત પુલકિત બન્યું અને તે વિભિન્ન સામગ્રી લઈને પહેલાં કરતાં પણ વધારે વખત શ્રીમાની પાસે આવવા લાગ્યો. પરંતુ થોડા જ દિવસો પછી એક મોટી મુસિબત આવી પડી. તેણે શ્રીમાને ખવડાવવા માટે એક ભક્તની મદદથી અત્યંત સુગંધિત અને શ્રેષ્ઠ ચોખા બહુ દૂરથી મંગાવીને ભેગા કર્યા અને એક ભક્તિવાન મહિલા દ્વારા સરસ મજાનું ‘પીઠું’ તૈયાર કરાવ્યું. બપોર પછી જ્યારે તે આ બધું લઈને રવાના થયો ત્યારે એક બ્રાહ્મણ ભક્તે બતાવ્યું કે શ્રીમા વિધવા બ્રાહ્મણી છે, નિયમ અને આચારપૂર્વક રહે છે, તેઓ રાતે ચોખાની બનાવેલી વાનગી ખાશે નહિ. શિષ્ય પર તો જાણે વજ્રપાત થયો. તેની આંખમાં અંધારાં આવી ગયાં. તે ઊંડા વિચારમાં પડી ગયો. બીજા લોકોએ પણ કહ્યું કે એ બધું ન લઈ જવું એ સારું રહેશે; (લઈ જવામાં) પોતાને ય તકલીફ અને શ્રીમાના મનને પણ દુ:ખ થાય. ઘણું વિચારીને શિષ્યે નક્કી કર્યું કે શ્રીમા માટે તૈયાર કરેલી વાનગીને શ્રીમા પાસે જ લઈ જઉં. એમની ઇચ્છા પ્રમાણે જે કરવું હોય તે કરે. તે ચિંતિત અને દુ:ખી હૃદયે પીઠું લઈને સાત માઈલ પગે ચાલીને સંધ્યા સમય પહેલાં જયરામવાટી આવી પહોંચ્યો. શ્રીમા સામે એ બધી સામગ્રી રાખીને એણે ડરતાં ડરતાં પોતાના હૃદયની અભિલાષા વ્યક્ત કરી. શ્રીમાએ શાંતભાવે બધું સાંભળ્યું. શિષ્યે અશ્રુભરી આંખે શ્રીમાને બતાવ્યું કે કેટલાય દિવસથી એની એક તીવ્ર ઇચ્છા હતી કે શ્રીમા આ પીઠું પોતાના મોંમાં મૂકે. શ્રીમા સહર્ષ બોલ્યાં: ‘બેટા, જરૂર મોંમાં મૂકીશ. તું આટલે દૂરથી આ બધું ઉપાડીને લાવ્યો. કેટલી મહેનત, કષ્ટ ઉઠાવીને આ બધું તૈયાર કરાવ્યું અને મોકલ્યું. રાતે શ્રીઠાકુરને ભોગ ધરાવીને પછી ખાઈશ. તું એની ચિંતા ન કરતો.’ ત્યાર પછી ત્યાં હાજર એક શિષ્યને ઉદ્દેશીને તેમણે હસતાં હસતાં કહ્યું: ‘સંતાનો માટે મારે કોઈ નિયમ-કાનૂન બરાબર નથી પળાતા.’ શિષ્યોનાં હૃદય આનંદથી ભરાઈ ગયાં. રાતે એમણે પેટ ભરીને પીઠાનો પ્રસાદ મેળવ્યો. શ્રીમાએ પણ પેટ ભરીને ખવડાવ્યું. સંતાનનું ખાવું એ જ શ્રીમાનું ખાવું છે ને! શ્રીમા સંતાન માટે જ ખાય છે ને!

શ્રીમાનાં ચરણચિહ્‌ન

એક શિષ્યને ભાનુફોઈ માટે ઘણી લાગણી. ફોઈ શ્રીમાના શિષ્યસંતાનોને ‘દાદા’ કહીને બોલાવતાં. તેઓ શ્રીમાનાં ફોઈ હતાં એટલે શ્રીમાના સંતાનો એમના પ્યારા ‘લાતી’ (નાતી – ભત્રીજા) હતા. આ ભત્રીજાઓને ફોઈ એકાંતમાં શિખામણ આપે છે: ‘છોકરાઓ શ્રીમાનાં ચરણની છાપ લે છે. તમે પણ વ્યવસ્થા કરી લેજો.’ શિષ્યએ શ્રીમાનો સંપર્ક કર્યો અને શ્રીમાએ સંમતિ આપી દીધી. થોડા દિવસો પછી એક શીશીમાં લાલ રંગ અને થોડા સાદા રુમાલ લઈને શિષ્ય આવ્યો અને શ્રીમાને અનુરોધ કર્યો. દુર્ગાપૂજા મહોત્સવની રજા પડવાની હતી. શ્રીમાએ શિષ્યને સમજાવતાં કહ્યું: ‘જો બેટા, દુર્ગાપૂજા મહોત્સવની રજા હમણાં જ પડશે, ઘણાં ભક્તો આવશે, પગમાં રંગ લગાડેલો જોઈને એ બધા શું વિચારશે? તમે આ બધું મારી પાસે રાખી જાઓ. થોડા દિવસ પછી સુવિધા થાશે ત્યારે હું જ છાપ પડાવીને રાખીશ.’ પછી મંદસ્મિત સાથે મનોમન કહ્યું: ‘છોકરાઓ પ્રણામ કરવા આવશે અને પગ સામું જોઈને વિચારશે કે શ્રીમાએ શું અળતો લગાવ્યો છે!’ (વિધવાઓ માટે આ નિષેધ છે) શિષ્ય રંગની શીશી અને રુમાલ શ્રીમાના હાથમાં દઈને નિશ્ચિંત થયો. થોડા દિવસો વીત્યા. શિષ્ય આ ઘટના લગભગ ભૂલી ગયો. એક દિવસ તે આવ્યો, બપોરે પ્રસાદ લીધો અને બપોર પછી શ્રીમાને પ્રણામ કરીને વિદાય લઈને જવા માટે તે બહાર નીકળ્યો. શ્રીમા એ સમયે મોટા મામાના ઘરે રહેતાં હતાં. થોડું આગળ જઈને શિષ્યે ફરીને જોયું તો શ્રીમા પાછળ પાછળ આવે છે. શિષ્યે વિચાર્યું કે તેઓ કદાચ ઘાટ પર જશે. એટલે તે એકબાજુએ હટીને શ્રીમા તરફ મોં રાખીને ઊભો રહ્યો. શ્રીમાએ મંદ સ્વરે હસતાં હસતાં કહ્યું: ‘બેટા!’ કોઈ જોઈ ન જાય એટલે શ્રીમા મુખ્ય દરવાજાની આડમાં ઊભાં હતાં. પોતાની સાડીમાં છુપાવેલ એક નાનું પડીકું કાઢીને શિષ્યના હાથમાં દેતાં કહ્યું: ‘બેટા! લે આ તારી વસ્તુ.’ શિષ્યના હૃદયના થડકારા વધી ગયા, એને કંઈ સમજાયું નહિ, પરંતુ પડીકું ખોલીને એણે અચરજથી જોયું તો એમાં પોતાની એ જ ઇચ્છિત વસ્તુ, ચિરપવિત્ર ચરણકમળની છાપ છે! હૃદયે શીતળતાભરી શાંતિ અનુભવી. શિષ્યે આનંદથી તેને માથા પર લગાડીને હૃદય સરસું ચાંપી દીધું. એણે શ્રીમાને પ્રણામ કર્યા અને શ્રીમા પ્રસન્ન મુખે આશીર્વાદ આપીને ઘરે પાછાં ફર્યાં. એ સમયે શ્રીમાના ઘરના દરવાજે કેટલાક ભક્તો હતા, એટલે જ શ્રીમાએ બધાની સામે એ પડીકું બહાર ન કાઢ્યું. એમણે છુપાવીને શિષ્યના હાથમાં એની પ્રિય ઇચ્છિત વસ્તુ આપી દીધી. શિષ્યે પછીથી સાંભળ્યું કે શ્રીમાએ નલિનીદીદીની મદદથી ચરણચિહ્‌ન પડાવ્યાં હતાં. એક દિવસ નલિનીદીદીએ શિષ્ય ને ઠપકો આપતાં કહ્યું હતું: ‘તમે એ કેવો રંગ લાવ્યા હતા? રક્ત જેવો! લોકો શું કે’ત! એટલે જ તો અળતો ઘસીને રંગ બનાવવો પડ્યો.’ શિષ્ય તો પદચિહ્‌ન પામીને પુલકિત બન્યો. દીદીનો ઠપકો પણ એને મીઠો લાગ્યો. એના મનમાં થયું: ‘હે મા, હવે વધુ ભૂલાવાય તો પણ ભૂલીશ નહિ, તમારાં આ લાલ ચરણોને મેં જોયાં છે.’

શ્રીમાના અંગોનું બંધારણ

શ્રીમાની હથેળીઓ રક્તાભ હતી. એમની હથેળીઓને જોવાનો સુઅવસર ઘણાને મળ્યો. પગના તળિયાંથી પણ લાલ હથેળીઓ જાણે કે સ્થલપદ્મની આભા. એમના શરીરની સ્વસ્થતા દરમિયાન તેમની કૃપાથી કોઈ કોઈને પગના તળિયાંનું દર્શન સદ્‌ભાગ્યે થયું હતું. માથાના વાળ ઘાટા, લાંબા, ચમકતા કાળા રંગના જાણે કે રેશમના પાતળા દોરા જેવા હતા. આગળનો ભાગ થોડોક વંકાયેલો હતો. સુગઠિત મુખમંડળ પર તલના ફૂલની જેમ સુદીર્ઘ નાસિકાનો અગ્રભાગ શોભાયમાન લાગતો. એમનાં નેત્ર પ્રશાંત, સ્થિર અને કરુણાભર્યાં હતાં. એ નેત્રો બધાંના અંતરમાં સદૈવ કૃપા વરસાવતાં. લલાટ ઉજ્જ્વળ અને પ્રશસ્ત હતું. મુખમંડળ પર પ્રસન્નતા રમતી રહેતી. એને જોતાં જ ચિત્ત શાંત થઈ જતું. દેહનો શ્યામગૌર વર્ણ પહેલાં ઉજ્જ્વળ હતો પણ અંતિમ વર્ષોમાં મ્લાન થઈ ગયો. શરીરના અવયવ દીર્ઘ હતા. હાથ અને પગ અપેક્ષા કરતાં લાંબા હતા. તેઓ ડાબી બાજુએ થોડું નમીને ધીમે ધીમે ચાલતાં.

ત્યાર પછી ઘૂંટણના વાએ તેમને પકડી લીધાં હતાં. એમના કાકા ઈશ્વરચંદ્ર અવિવાહિત હતા. એમણે પોતાના સમગ્ર મનપ્રાણથી પોતાની આ લાડકી ભત્રીજીને નાનેથી મોટી કરી હતી. ત્યાર બાદ જ્યારે ભક્તગણ શ્રીમાનાં ચરણોમાં મસ્તક રાખીને પ્રણામ કરતાં ત્યારે કાકાથી એ સહન ન થતું. એમની આ નયનતારા ભત્રીજીના પગનો રોગ એથી ક્યાંક વધી ન જાય એમને એવી ચિંતા થતી. કાકાના મૃત્યુથી શ્રીમાને ઘણો શોક થયો અને તેઓ ખૂબ રડ્યાં. ત્યારબાદ શ્રીમાના શિષ્યોની સંખ્યા જેમ જેમ વધતી ગઈ તેમ તેમ અનેક પ્રકારનાં કષ્ટ, ઉપદ્રવ એમને સહન કરવાં પડ્યાં. ભક્તિના અતિરેકમાં કેટલાક લોકો એમનાં ચરણ પર પોતાનું માથું લોટતા. એનાથી શ્રીમાને ઘણું દુ:ખકષ્ટ થતું અને તેઓ ના પણ પાડતાં. કેટલાક લોકો આ વાત માની જતા અને સચેત બની જતા, પણ કેટલાક ભક્તો ભક્તિની અતિશયતામાં આ વાત ન માનતા. શ્રીમા માનવશરીરે માનવી હતા, લૌકિક વ્યવહાર અને રીતિરિવાજ પાળીને ચાલતાં. કોઈ ભક્ત જ્યારે એમના ચરણોમાં તુલસીપત્ર કે બિલ્વપત્ર અર્પણ કરવા ઇચ્છતાં ત્યારે સશંક બનીને એમ કરવાની ના પાડતાં. ઉદ્‌બોધનમાં કોઈ આવો હઠાગ્રહ કે ઉપદ્રવ ન કરે તેના પર ગોલાપમા સદૈવ નજર રાખતાં. જયરામવાટીમાં પણ સેવકસેવિકાઓએ સચેત રહેવું પડતું. શ્રીમા સ્વયં સમય વિશેષ જોઈને એમને સચેત કરી દેતાં. અબોધ સંતાનો માટે કેટલીયે યાતનાઓ સહી આ જનનીએ દેહ ધારણ કરીને! શ્રીમામાં જો આ સહનશીલતા ન હોત તો સંતાનોનું આવું પાલન-પોષણ સંભવ ન બનત.

સંતાનો પ્રત્યેનું વાત્સલ્ય

શ્રીમાનો સંતાનો પ્રત્યેનો આ વાત્સલ્યભાવ એમના વયસ્ક શિષ્યોને પણ શિશુ બનાવી દેતો. તેઓ પોતાની ઉંમર, વિદ્યા, બુદ્ધિ, બધું ભૂલીને શ્રીમાની પાસે એક નાના બાળકની જેમ વર્તતા. પૂજ્ય શરત્‌ મહારાજ (સ્વામી શારદાનંદજી)ને શ્રીમાના ઘરે બાળકની જેમ રંગરસ, આનંદવિનોદ, વ્યંગ-મશ્કરી, વગેરે કરતાં જોઈને એવું લાગતું કે શું આ જ ઉદ્‌બોધનના હિમાલય સમી ગંભીર મૂર્તિ તથા રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી સ્વામી શારદાનંદ છે! એક યુવાન શિષ્યની જમણા હાથની આંગળી કપાઈ ગઈ જેથી એને ખાવામાં ઘણું દુ:ખકષ્ટ થતું હતું. તે ડાબા હાથે ચમચાથી જેમ તેમ ખાય છે એ જોઈને શ્રીમાનું હૃદય ગળી ગયું. તેમણે પોતે જ એને પાસે બેસાડીને જમાડ્યો. જ્યાં સુધી આંગળી સાજી ન થઈ ત્યાં સુધી તે યુવાન, અશાંત, દુર્ઘર્ષ છોકરો પણ નાના બાળકની જેમ બેસીને શ્રીમાના હાથે પરમતૃપ્તિ સાથે ભોજન લેતો.

શ્રીમાના બે શિષ્ય બાલસખા છે. પરસ્પર ઘણો પ્રેમભાવ છે. શ્રીમા આ બધું જાણે છે. જ્યારે એ બંને શ્રીમાના ઘરે મળતા ત્યારે શ્રીમા બહારના લોકો વધારે પ્રમાણમાં ન હોય ત્યારે એ બંનેને પોતાના દરવાજાની પાસે બેસાડીને એક જ થાળીમાં જમવાનું દેતાં અને આનંદથી પોતાને હાથે જ પીરસતાં. એ બંને પણ સહોદર શિશુની જેમ બેસીને વાતચીત કરતાં કરતાં પરમ તૃપ્તિ સાથે ધીમે ધીમે ભોજન કરતા. શ્રીમા ઉંબરાનો ટેકો લઈને ઊભાં ઊભાં જોતા રહેતાં અને પૂછતાં: ‘શું લેશો? કઈ વાનગી સારી લાગી? પેટ ભરીને ખાઓ. થોડું વધુ આપું?’ વગેરે. અને તેઓ પણ પોતાની એ વખતની ઉંમર વગેરે ભૂલીને ખરેખર નાના બાળક જ બની જતા.

એક દિવસ ખીર બનાવી છે. બંને ભાઈઓ એક જ થાળીમાં ખાય છે. મધ્યાહ્‌ન વીતવામાં છે. શ્રીમાએ શ્રીઠાકુરને ભોગ ધરીને જલદી જલદી એમને ખાવાનું આપ્યું છે. ગરમ ખીર મોટી થાળીમાં પીરસી છે. તેઓ ખાય છે એ શ્રીમા જોઈ રહ્યાં છે. એમની સાથે વાતો કરી રહ્યાં છે અને ‘ખીર ગરમ છે’ એમ કહીને વારંવાર ખીર લાવીને થોડી થોડી પીરસે છે. શ્રીમાને થયું કે છોકરાઓ સંકોચ અનુભવે છે, પેટ ભરીને ખાતાં નથી. એટલે તેઓ ઝડપથી પાસે આવ્યાં અને થાળી ઉપાડીને ખીર નજીક હાથ લાવીને ખીર બતાવીને કહેવા લાગ્યાં: ‘ખીર ખાઓ. પેટ ભરીને ખાઓ.’ એવું લાગ્યું જાણે કે શ્રીમા પોતાના હાથે લઈને ખીર ખવડાવી દેશે. યુવાન છોકરાઓએ તૃપ્તિ સાથે પેટ ભરીને ખાધું. આ જોઈને શ્રીમા ઘણા પ્રસન્ન થયાં અને કહેવા લાગ્યાં: ‘બધા સારી રીતે જમી લો.’

(ક્રમશ:)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.