હિન્દી માસિક પત્રિકા ‘વિવેક જ્યોતિ’માં સ્વામી વિદેહાત્માનંદજીએ લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામીજીના પરિભ્રમણનો ઉદ્દેશ્ય

સ્વામી વિવેકાનંદના આ ધરતી પરના અવતરણ તથા સંચરણ વિશે પોતાના ઉદ્‌ગાર વ્યક્ત કરતાં એમનાં અમેરિકન શિષ્યા ભગિની ક્રિસ્ટીને લખ્યું છે : ‘સમયના સુદીર્ઘ અંતરાલ પછી ક્યારેક ક્યારેક નિ:સંદિગ્ધ રૂપે કોઈ અન્ય લોકમાંથી આવેલ એક પરિવ્રાજક વ્યક્તિ આપણી ધરતી પર આવી પહોંચે છે. આ પરિવ્રાજક એ સુદૂર રહેલા ક્ષેત્રનાં મહિમા, શક્તિ તથા દીપ્તીનો થોડોઘણો અંશ આ દુ:ખપૂર્ણ જગતમાં લાવે છે. આ મર્ત્યલોકના ન હોવા છતાં પણ તેઓ મનુષ્યની વચ્ચે રહે છે, ફરે છે. તેઓ જાણે કે એક તીર્થયાત્રી છે. એ અજનબી માનવ એક રાતવાસો આ ધરતી પર કરે છે. તે આસપાસના લોકોના જીવન સાથે પોતાને સંબંદ્ધ કરી શકે છે. એમના હર્ષ અને વિષાદના ભાગીદાર બને છે. એમની સાથે સુખી અને દુ:ખી પણ બને છે. પરંતુ આ બધાની વચ્ચે તેઓ કોણ છે, ક્યાંથી આવ્યા છે અને અહીં આવવાનો એમનો ઉદ્દેશ્ય કયો છે, એ બધું ક્યારેય ભૂલતા નથી! તેઓ ક્યારેય પોતાના દિવ્યત્વને ભૂલી જતા નથી. તેઓ મહાન, તેજોમય તથા મહા મહિમામય આત્મા છે એવું સદૈવ યાદ રાખે છે… જેણે એમને જન્મ દીધો છે એ દેશ મહાન છે. એ સમયે પૃથ્વી પર જે લોકો જીવંત હતા તે પણ ધન્ય છે અને જેમને એમનાં શ્રીચરણમાં બેસવાનું સૌભાગ્ય સાંપડ્યું તેઓ ત્રણ ગણા ધન્ય છે!’

સ્વામીજીએ પોતાની યુવાવસ્થામાં જ એક પરિવ્રાજક રૂપે અનેક વર્ષો સુધી ભારતના ઉત્તર, પશ્ચિમ તેમજ દક્ષિણ વિસ્તારનું પરિભ્રમણ કર્યું હતું. એ સમયે અનેક સ્થળોને એમની ચરણરજ પામીને ધન્ય બનવાનું સૌભાગ્ય સાંપડ્યું હતું અને અનેક લોકો એમના સંપર્કમાં આવીને ધન્ય બન્યા. એમણે પોતાના બહુમૂલ્ય અલ્પકાલીન જીવનનો આટલો મહત્ત્વપૂર્ણ અંશ આ રીતે પરિભ્રમણમાં શા માટે વીતાવ્યો હશે?

ભગવાન શ્રીરામકૃષ્ણે કહ્યું હતું કે માનવે જો આત્મહત્યા કરવાની હોય તો એને માટે નખ કાપવાની એક નાની નયણી જ પૂરતી છે. પણ બીજાને મારવા માટે એને ઢાલ તલવાર વગેરેથી સુસજ્જ થવું પડે છે. મનુષ્યે પોતે આત્મજ્ઞાન પ્રાપ્ત કરવા માટે થોડું જ્ઞાન પૂરતું થઈ પડે છે. પરંતુ જેમણે જગદ્‌ગુરુ કે યુગાચાર્યની ભૂમિકા પૂર્ણ કરવાની હોય તો, વિશ્વમાં જ્ઞાનના આલોકનો વિસ્તાર કરવાનો હોય તો, વિચારક્ષેત્રમાં ક્રાંતિ લાવવી હોય તો અને સમાજને અભિનવ પથ દર્શાવવાનો હોય તો બધા વિષયોનું અને વિશેષ કરીને સમકાલીન સભ્યતા-સંસ્કૃતિનું પ્રત્યક્ષ તેમજ યથાર્થ જ્ઞાન પ્રાપ્ત કરવું એ અત્યંત આવશ્યક છે.

સ્વામી વિવેકાનંદ વર્તમાન વિશ્વને એક અભિનવ દિશાનિર્દેશ કરવાના હેતુથી અવતર્યા હતા. એટલે એને માટે બધા વિષયોનું સર્વાંગીણ જ્ઞાન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરવો એ સહજ સ્વાભાવિક હતું. સર્વ પ્રથમ એમણે પોતાના વિદ્યાર્થી જીવનકાળમાં કોલેજનું શિક્ષણ મેળવતી વખતે અંગ્રેજી તેમજ સંસ્કૃત ભાષામાં પ્રાપ્ય વિશ્વના સંપૂર્ણ જ્ઞાનને આત્મસાત્‌ કરી લીધું. ત્યાર પછી ભગવાન શ્રીરામકૃષ્ણનાં ચરણોમાં બેસીને ભારતની સનાતન આધ્યાત્મિક પરંપરા પ્રમાણે સાધના કરીને એમણે નિર્વિકલ્પ સમાધિ દ્વારા બ્રહ્મતત્ત્વની પ્રાપ્તિ કરી તેમજ અંતે પોતાના દેશનાં સભ્યતા-સંસ્કૃતિ તથા સામાજિક જીવનનું પ્રત્યક્ષ અવલોકન કરીને, તેમનું સટીક મૂલ્યાંકન કરવાના હેતુ સાથે પરિવ્રાજકના રૂપે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણભારતનું સુદીર્ઘ પરિભ્રમણ કર્યું.

રામકૃષ્ણ મઠની સ્થાપના અને પ્રારંભિક યાત્રાઓ

૧૮૮૬ના ઓગસ્ટમાં પોતાના ગુરુદેવ ભગવાન શ્રીરામકૃષ્ણદેવની મહાસમાધિ પછી એમનો શિષ્યગણ એકત્ર થઈને કલકત્તાના વરાહનગરમાં આવેલ એક ર્જીણશીર્ણ મકાનમાં રહેવા લાગ્યો. ૧૮૮૮ના પ્રારંભ સુધી સ્વામીજી વધારે વખત બહાર ન ગયા. ૧૮૮૭માં સ્વાસ્થ્ય સુધારવા માટે વૈદ્યનાથ ધામ તથા અનેકવાર સીમૂલતલા ગયા હતા. ૧૮૮૮ના ઓગસ્ટમાં તેઓ અયોધ્યા થઈને વૃંદાવન ગયા. ૧૮૮૯માં તેઓ શ્રીરામકૃષ્ણના જન્મસ્થાન કામારપુકુર ગયા હતા.

ત્યાર પછી એમનું પરિવ્રાજક જીવન પ્રત્યેનું આકર્ષણ તીવ્રતર થતું ગયું. અને ૧૮૯૧ના પ્રારંભમાં લગભગ ૨ વર્ષથી વધુ અવધિ સુધી, ૧૮૯૩ના મેમાં અમેરિકા જતાં પહેલાંના સમય સુધી સ્વામીજીએ નિરંતર પરિભ્રમણ કર્યું હતું. એ દરમિયાન વિભિન્ન પ્રાંતોના અસંખ્ય લોકો સાથે એમને સંપર્ક થયો. આ લોકોમાં સુપ્રસિદ્ધ રાજનીતિજ્ઞો, સમાજસુધારકો, વેદવેદાંતના વિદ્વાનો, સુવિખ્યાત ગાયકો અને વાદકો, ધર્માચાર્યો, રાજામહારાજા પણ હતા. આ દિવસો દરમિયાન ક્યારેક તેઓ અસ્પૃશ્ય લોકોની ઝૂંપડીમાં રહેતાં તો ક્યારેક કોઈ રાજાના મહેલમાં પણ ખરા. આ રીતે તેઓ બધી જાતના અનુભવો મેળવી રહ્યા હતા. સ્વામીજીની સાથે ચર્ચા કરીને, વિચારોનું આદાનપ્રદાન કરીને અનેક લોકોના મનમાં વર્ષોથી બદ્ધમૂળ થયેલ અંધવિશ્વાસને એક મોટો આંચકો લાગ્યો અને જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું. આ દરમિયાન અનેક રોચક તેમજ પ્રેરક ઘટનાઓ ઘટી. આ બધી ઘટનાઓ તથા ચર્ચાઓનું જો યથાવત્‌ વિવરણ મળી શકે તો તેનાથી અનેક ખંડોનો એક અભૂતપૂર્વ ગ્રંથ તૈયાર થાત. પરંતુ દુર્ભાગ્યવશ સ્વામીજીના જીવનના એ કાળની સુવિસ્તૃત જાણકારી આપણને મળતી નથી. આ વિશે સ્વામીજીની જીવનકથા લખનાર સુપ્રસિદ્ધ શ્રી સત્યેન્દ્રનાથ મજુમદાર લખે છે : ‘એમના ભારત પરિભ્રમણ વિશે આપણે કેટલીયે વાતો જાણતા નથી, કારણ કે એમણે કોઈ દરરોજની રોજનીશી લખી નથી. પછીથી અહીંતહીં એમની કેટલીક વાત સાંભળીને અથવા જે વ્યક્તિઓ સાથે એમને મુલાકાત થઈ હતી એમની પાસેથી ઘટનાઓ સાંભળીને બની શકે તેટલું એને લિપિબદ્ધ કરી લેવામાં આવ્યું છે. એને પરિણામે ક્યાંક ક્યાંક ભૂલભ્રાંતિ ચોક્કસ રહી જવાની. પછીથી થયેલા પ્રત્યેક સંસ્કરણમાં મેં આ ભૂલોને સુધારવાનો યથાશક્ય પ્રયાસ કર્યો છે.’ (વિવેકાનંદ ચરિત, નાગપુર, નવીન સંસ્કરણ, ૨૦૦૧ પૃ.૮૬) ઉપર્યુક્ત ઉદ્ધરણથી સ્વામીજીના પશ્ચિમ ભારતના પરિભ્રમણનું સવિસ્તાર વિવરણ નથી મળતું એની વાત સ્પષ્ટ થઈ જાય છે. 

હવે પ્રશ્ન એ ઊભો થાય છે કે સ્વામીજીએ પોતાના પરિવ્રાજક જીવનનો આટલો સુદીર્ઘ અંશ પશ્ચિમ ભારતમાં જ શા માટે ગાળ્યો? એમણે આ વિસ્તારને આટલું મહત્ત્વ કેમ આપ્યું?

વિશ્વનાં વિભિન્ન સ્થાનોનું પરિભ્રમણ ન કરીને, પોતાના જ સ્થાનમાં સમગ્ર જીવન વિતાવનાર વ્યક્તિ કુપમંડૂક બની જાય છે. તે આત્મમુગ્ધ બનીને વિચારવા લાગે છે કે મારું સર્વકંઈ સારું, ઉત્તમ કે શ્રેષ્ઠ છે અને અન્ય સ્થળના લોકોના આચાર-વિચાર નિકૃષ્ટ છે. શ્રી શચીન્દ્રનાથ બસુની સાથે સ્વામીજીના એક વાર્તાલાપના વિવરણમાં આ વિશે એક નવો દૃષ્ટિકોણ સાંપડે છે. એમણે સ્વામીજીની સાથે પોતાના વાર્તાલાપના કેટલાક અંશ પોતાના એક પત્રમાં આપ્યા છે. તેઓ લખે છે : ‘આગલે દિવસે (૭ નવેમ્બર, ૧૮૯૭ ના રોજ) મેં જઈને જોયું તો સ્વામીજી બેઠા હતા… તેઓ કહેતા હતા : બંગાળમાં જેવી શાકભાજી બને છે તેવી બીજે ક્યાંય બનતી નથી. પરંતુ એટલું ચોક્કસ કે ઉત્તમ પશ્ચિમ – રાજપુતાનામાં ભોજનની વ્યવસ્થા સારી હોય છે. મેં કહ્યું: ‘મહારાજ, તે લોકોને શું ખાવાનું જ્ઞાન છે? દરેક શાકમાં ખટાશ નાખે છે.’

સ્વામીજીએ કહ્યું: ‘તમે બાળક જેવી વાત કરો છો. બે-ચાર લોકોના ઉદાહરણ લઈને જ શું તમે આખી જાતિ વિશેના નિષ્કર્ષ પર પહોંચી જશો? સભ્યતા તો એ લોકોના દેશમાં જ હતી. બંગાળમાં શું એ કોઈ કાળમાં હતી ખરી? એ વિસ્તારમાં મોટા લોકોના ઘરે ખાઓ તો તમારો ભ્રમ દૂર થઈ જાય… અને તમારો પુલાવ વળી છે શું? ઘણા સમય પહેલાં ‘પાક રાજેશ્વર’ ગ્રંથમાં પલાન્નનો ઉલ્લેખ જોવા મળે છે; મુસલમાનોએ આપણી નકલ કરી છે. અકબરના આઈન-એ-અકબરીમાં સવિસ્તર વર્ણન છે કે હિંદુઓમાં પલાન્ન વગેરે કેવી રીતે રાંધવામાં આવે છે અને બંગાળમાં ભલાં સભ્યતા ક્યારે થઈ! હું તમને સર્વદા કહું છું – કન્યાકુમારીથી આલમોડા સુધી જો એક સીધી રેખા ખેંચવામાં આવે તો એનો પૂર્વભાગ સાવ અનાર્ય છે, અસભ્ય છે, વર્ણ પણ કાળા ભૂત જેવો, અને વળી પાછો વેદ વિરોધી. લાજપ્રથાવાળો, વિધવાઓને બાળી નાખવી જેવી અનાર્ય પ્રથાઓ, કુલગુરુ… અને પશ્ચિમ તરફ નજર કરો તો સભ્ય, આર્ય, પૌરુષપૂર્ણ – કેવા આશ્ચર્યની વાત છે આ!.. પશ્ચિમી વિભાગના પુરુષો ઘણા સુંદર, સ્ત્રીઓ બધી રૂપવતી, બધાં ગામ સ્વચ્છતાના નમુના, ખૂબ સ્વાસ્થ્યકર અને સમૃદ્ધ છે. ધર્મ પણ જુઓ બંગાળમાં તો કંઈ નથી. (સ્મૃતિર આલોય સ્વામીજી (બંગલા) પ્રથમ સંસ્કરણ, પૃ.૧૮૫)

સ્વામીજીનું તાત્પર્ય એ હતું કે પશ્ચિમ ભારતમાં આર્યસંસ્કૃતિ તથા વૈદિક ધર્મ આજે પણ સુપ્રતિષ્ઠિત અને જીવંત છે. જ્યારે પૂર્વ ભારતમાં તે પોતાનાં મૂળિયાં જમાવી શક્યો નથી. સ્વામીજીના જીવનકાળમાં પણ આસામ, બંગાળ તથા પૂર્વીય ક્ષેત્રમાં પતનશીલ બૌદ્ધધર્મના પ્રભાવથી તંત્રમંત્ર તથા વામાચારનો સારો એવો પ્રભાવ હતો અને સનાતન વૈદિક પરંપરા લુપ્ત થઈ ચૂકી હતી. એટલે થોડીઘણી બચેલી આર્ય પરંપરાને જોવી કે સમજવી એ સ્વામીજીએ વર્ણવેલા પ્રદેશમાં ભ્રમણ કરવાનું એક કારણ હતું. સ્વામીજીના રાજસ્થાન પ્રવાસનું સારા એવા પ્રમાણમાં વિવરણ મળે છે. પરંતુ એમાં પણ અનેક સ્થાનોએ પૂરેપૂરી જાણકારીનો અભાવ છે. આ બાજુએ પાછલાં પચાસ વર્ષો દરમિયાન એના સંબંધી ઘણી સામગ્રી પ્રકાશમાં આવી છે. આ સામગ્રીમાંથી કેટલીક તત્કાલીન પત્ર-પત્રિકાઓમાંથી પ્રાપ્ત થાય છે અને કેટલીક વાતો આપણે વિભિન્ન ગ્રંથોમાં અહીંતહીં વિખરાયેલા રૂપે મળી જાય છે. અહીં અત્યાર સુધી જેટલી જેટલી સામગ્રી ઉપલબ્ધ થઈ શકી છે તથા જે સામગ્રી પહેલાંથી ઉપલબ્ધ છે એ બધાના આધારે અમે સ્વામીજીના આ પરિભ્રમણના એક કાલાનુક્રમિક ઐતિહાસિક અહેવાલ પ્રસ્તુત કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

એકાકી પરિભ્રમણની ગાથા

૧૮૯૧ના પ્રારંભમાં સ્વામીજીએ પોતાના ગુરુભાઈઓનો સંઘ પૂર્ણ રૂપે ત્યજી દીધો. મહાનગરી દીલ્હીમાં પણ આ વિચ્છેદ થયો. ત્યાર બાદ અમેરિકા માટે પ્રસ્થાન કરતાં પહેલાંના સમય દરમિયાન કોઈ પણ ગુરુભાઈ એમના પરિભ્રમણમાં સાથી ન બન્યા. આમ તો આ પરિભ્રમણ દરમિયાન કોઈ ને કોઈ ગુરુભાઈ એમને શોધી કાઢતા. ક્યારેક ક્યારેક અણધારી રીતે એમની સાથે મુલાકાત થઈ પણ જતી. પરંતુ હર વખતે તેઓ એમને વિશેષ રીતે સમજાવી ફોસલાવીને અલગ સ્થાને મોકલી દેતા અને વળી પોતાનું નામ વગેરે પણ બદલી નાખતા. એટલે આમ એકાએક એમને શોધવા એ સહજ ન હતું.

સ્વામીજીની જૂની બંગાળી જીવનકથા (૧.૧૩૮-૩૯)માં પ્રમથનાથ બસુ લખે છે: ‘સ્વામીજીના પરિવ્રાજક જીવનનો ઇતિહાસ ઘણો અદ્‌ભુત છે. તેઓ યથાસંભવ પોતાની અતુલ વિદ્યાબુદ્ધિને છુપી રાખીને એક સાધારણ સાધુની જેમ પરિભ્રમણ કરતા. એટલે સુધી કે એમને જોઈને કે એમની સાથે વાતચીત ચર્ચા કર્યા પછી પણ કોઈ પણ વ્યક્તિ એ ન સમજી શકતી કે તેઓ અંગ્રેજીનો એક અક્ષર પણ જાણે છે કે નહિ. તેઓ વારંવાર પ્રતીક્ષા કરતાં કહેતા: ‘કોઈની પાસેથી ભીક્ષા નહિ માગું. આપ મેળે આવી જાય એ જ ગ્રહણ કરીશ.’ એના પરિણામે વચ્ચે વચ્ચે એક પછી એક એમ પાંચ દિવસો સુધી એમણે ઉપવાસ પર રહેવું પડ્યું હતું. આ વાત એમના પોતાના મુખે જ સાંભળવા મળી છે. કેટલાય દિવસ તેઓ રસ્તાની પાસે આવેલ ર્જીણ દેવાલય કે ધર્મશાળા કે જંગલ-ઝાડીઓ તેમજ પર્વતગુફામાં ગાળતા. વળી એવાય દિવસો ગયા કે જ્યારે માથું ટેકવા માટે જગ્યા ન મળી અને એમને ખુલ્લા આકાશની નીચે વર્ષા તથા મેદાનમાં વરસતી ઝાંકળ કે પ્રચંડ ધૂપથી અગ્નિના તીખારા જેવી તપ્ત રેતીના ઢગલા પર સમય વીતાવવો પડ્યો. એમની પાસે પહેરવા માટે ભગવું ધોતિયું, ભગવું ગંજી, હાથમાં દંડ, કમંડલ અને પાથેય રૂપે ગીતાની એક પ્રત હતી. આ રીતે તેઓ રાજોપમદીપ્ત, વિશાળ નયનવાળા, અનુપમકાંતિવીરવપુ, સંન્યાસી ભીક્ષાન્ન ગ્રહણ કરતા અને તીર્થભ્રમણ માટે ‘નારાયણ હરિ’ કહીને દ્વારે દ્વારે વિચરણ કરતા.’

અમેરિકામાં પણ એકવાર ‘મારું જીવન અને કાર્ય’ વિષય પર બોલતાં સ્વામીજીએ પોતે પણ પોતાના પરિવ્રાજક અવસ્થાના દિવસોના કેટલાક અનુભવો સંભળાવતાં આમ કહ્યું હતું: ‘અમે લોકોએ આખા ભારતનું ભ્રમણ કર્યું અને એ પ્રયત્ન કર્યો કે અમારા વિચાર અને આદર્શને એક નિશ્ચિત રૂપ મળી જાય. દસ વીસ વર્ષ વીતી ગયાં પણ પ્રકાશનું કિરણ ન દેખાયું. હજારોવાર નિરાશા આવી. પરંતુ આ બધાની વચ્ચે આશાનું એક કિરણ સર્વદા બની રહ્યું અને એ હતું લોકોનો ઉત્કટ પારસ્પરિક સહયોગ, અમારો અરસપરસનો પ્રેમ… અને એ મુશ્કેલીના દિવસોમાં એ જ એક વાત અમારા સૌમાં હતી તેમજ એના જ બળ પર અમે હિમાલયથી કન્યાકુમારી તથા સિંધુ થી બ્રહ્મપુત્ર સુધી પરિભ્રમણ કર્યું… દસ વર્ષ વીતી ગયાં પણ પ્રકાશ ન લાધ્યો. આ બાજુએ સ્વાસ્થ્ય દિવસે ને દિવસે ક્ષીણ થતું ગયું. શરીર પર એની અસર પડ્યા વગર ન રહી શકે. ક્યારેક રાતના નવ વાગ્યે એક વાર ખાઈ લીધું તો વળી ક્યારેક સવારે આઠ વાગ્યે ખાઈને ચલાવી લેવાનું. બીજી વાર તો બે દિવસ પછી ખાવા મળ્યું અને ત્રીજીવાર તો ત્રણ દિવસ પછી. અને આમ હર વખતે નિતાંત લૂખુંસૂકું, શુષ્ક-નિરસ ભોજન. મોટે ભાગે પગે ચાલતા હિમશિખરો પર ચઢતા, ક્યારેક ક્યારેક તો દસ દસ માઈલ પહાડ પર ચઢતા જ રહેતા અને તે પણ કેવળ એટલા માટે કે એક ટાણાનું ભોજન મળી જાય. બતાવો તો ખરા! ભીખારીને કોણ પોતાનું સારું ભોજન આપે છે. અને વળી સૂકો રોટલો જ ભારતમાં એમનું ભોજન છે અને કેટલીયેવાર એ લોકો સૂકા રોટલા કે રોટલી વીસ વીસ, ત્રીસ ત્રીસ દિવસ માટે ભેગી કરીને રાખી લે છે અને જ્યારે તે ઈંટના જેવી સખત બની જાય ત્યારે તેમાંથી ષડ્‌રસ વ્યંજનનો ઉપભોગ પ્રાપ્ત થાય છે. એકવારનું ભોજન મેળવવા માટે મારે ઘરે ઘરે ભીખ માગતાં ફરવું પડતું અને વળી રોટલો એવો તો સખત કે ખાતાં ખાતાં મોમાંથી લોહી વહેવા મંડે. સાચું કહું એવી રોટલીથી તમે પોતાના દાંત તોડી શકો છો. હું તો રોટલીને એક પાત્રમાં રાખતો અને એમાં નદીનું પાણી નાખી દેતો. આ રીતે મહિનાઓ વિતાવવા પડ્યા અને ચોક્કસપણે આ બધાનો પ્રભાવ સ્વાસ્થ્ય પર પડતો હતો. (વિવેકાનંદ સાહિત્ય ૧૦.૧૨-૧૩)

પોતાના પરિવ્રાજક જીવનની વાતો પોતે બહુ કહેતા નહિ. ક્યારેક ક્યારેક વાતચીતમાં એકાદ બે ઘટનાઓ વ્યક્ત થઈ જતી. એકવાર એક શિષ્યને એમણે અન્યમનસ્કભાવે કહ્યું: ‘અરે, કેટલા કષ્ટોમાં દિવસો પસાર થયા છે! એકવાર સતત ત્રણ દિવસ સુધી ભોજન ન મળવાથી માર્ગમાં મૂર્છિત થઈને પડ્યો હતો. જ્યારે ભાન આવ્યું ત્યારે જોયું તો આખું શરીર વરસાદના પાણીથી પલળી ગયું છે. પલળી જવાથી શરીર થોડું સ્વસ્થ લાગતું હતું. એ વખતે ઊઠીને ધીમે ધીમે પગે ચાલ્યો અને એક આશ્રમમાં પહોંચી થોડું ખાઈ લીધું ત્યારે પ્રાણ બચ્યા.’ 

સ્વામીજીની પરિવ્રાજક અવસ્થાના દિવસોના કષ્ટ વિશે એમના નાના ભાઈ મહેન્દ્રનાથ દત્તે જે કંઈ એમના મુખે સાંભળ્યું હતું એને નિમ્નલિખિત શબ્દોમાં લિપિબદ્ધ કર્યું છે : ‘લંડન નિવાસ સમયે એક દિવસ ઈ.ટી. સ્ટર્ડીને પોતાની પરિવ્રાજક અવસ્થાની વાત કહેતાં સ્વામીજીએ કહ્યું હતું: એ દિવસોમાં એમના મનનો ભાવ અત્યંત કષ્ટદાયી થઈ ગયો હતો. જીવંત મૃત્યુ કોને કહે છે, એનો તેઓ પ્રતિક્ષણ અનુભવ કરતા હતા. અનાહાર તો હતા જ, માથું ટેકવાની જગ્યા પણ ન હતી અને સ્થળે સ્થળે ભીક્ષા માગતાં માગતાં તેઓ પાગલની જેમ ફર્યા કરતા… આ બધાની સાથે પાછળ પોલીસ પણ રહેતી. આ બાજુએ ગામેગામ ફરી વળીને એમણે જોયું હતું કે બધા લોકો અન્નના અભાવે હાહાકાર મચાવી રહ્યા છે. તેઓ કેટલા દુ:ખકષ્ટમાં દિવસો ગુજારે છે! પોતાને પણ ભગવાન મળ્યા નથી અને બીજાને માટે પણ કંઈ ન કરી શક્યા. વગેરે વિભિન્ન વાતો તેઓ કહેવા લાગ્યા.’ (બંગલા ગ્રંથ ‘વિશ્વપથિક વિવેકાનંદ’, પૃ.૧૯૪-૯૫) 

રાજસ્થાનના પ્રવેશદ્વાર – દિલ્હી તરફ

પોતાના પરમપ્રિય ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી સાથે બિહાર, ઉત્તરપ્રદેશ તેમજ હિમાલયના કેટલાંક તીર્થોમાં પરિભ્રમણ કર્યા પછી સ્વામીજી ઋષિકેશમાં માંદા પડ્યા અને પહેલાં ત્યાં તથા ત્યાર પછી મેરઠમાં એમના અનેક ગુરુભાઈ ભેગા થયા. ત્યાં ગુરુભાઈઓ સાથે સારો એવો સમય ગાળ્યા પછી સ્વામીજીએ બધાની વિદાય લીધી અને હવે પછી એકાકી પરિભ્રમણ કરવાનો સંકલ્પ કરીને દિલ્હી તરફ પ્રસ્થાન કર્યું.

હિંદુ-મુસલમાનની પ્રાચીન રાજધાની દિલ્હી ભૂતકાળથી જ અનેક સ્મૃતિઓને પોતાના વક્ષમાં સમાવીને આજે પણ વિશ્વના હજારો પર્યટકોને આકર્ષી રહી છે. યુરોપીય મહાદ્વીપમાં રોમ નગરની જેમ જ ભારતીય ઉપમહાદ્વીપમાં દિલ્હી પણ સભ્યતાની ખાણ મનાય છે. નગરના વિગતગૌરવનું સ્મરણ કરીને સ્વામીજીનું મન ભાવપૂર્ણ બન્યું. દિલ્હીમાં શેઠ શ્યામલ દાસે સન્માનપૂર્વક એમને પોતાને ઘરે રાખ્યા. થોડા દિવસો પછી એમનો પરિચય ત્યાંના સુપ્રસિદ્ધ ડોક્ટર હેમચંદ્ર સેન સાથે થયો. સ્વામીજીની સાથે ‘ધર્મ’ વિષયક કેટલાય પ્રશ્નો પર ડોક્ટર સાહેબના તર્કવિચારો થયા અને અંતે તેઓ સ્વામીજીની અગાધ વિદ્વત્તા અને બુદ્ધિમત્તા પર અત્યંત મુગ્ધ થઈ ગયા.

ગુરુભ્રાતાગણ મેરઠમાં એમને વિદાય આપીને ત્યાં વધારે દિવસો રોકાઈ ન શક્યા. દસ દિવસ પછી ગુરુભાઈઓએ મેરઠથી દિલ્હી આવીને સ્વામીજીને સહજ રીતે ખોળી કાઢ્યા. પરંતુ એ સમયે એમના મનમાં નિર્જનભ્રમણની ઇચ્છા અત્યંત પ્રબળ બની ચૂકી હતી. દિલ્હીના કેટલાક દિવસોના એકાંતવાસથી એમણે ઘણું સુખ અનુભવ્યું. એમને પોતાના અંત:કરણમાં એવો બોધ થઈ રહ્યો હતો કે કોઈ ઉચ્ચશક્તિ એમને નિ:સંગ પરિભ્રમણ કરવા ખેંચી રહી હોય, જાણે કે કોઈ આદેશ દઈ રહ્યું હોય કે આમ-આમ કરો.

ભગવાન શ્રીરામકૃષ્ણે સ્વામીજીને જે મહાન કાર્યભાર સોંપ્યો હતો એ પૂર્ણ કરવાનો સમય આવી ચૂક્યો છે કે નહિ એ જાણતા હતા. તથા ભગવાનનો પ્રત્યક્ષ આદેશ મેળવવામાં, એમની સાથે ભ્રમણ કરનાર ગુરુભાઈઓનો સંગ એક બાધારૂપ છે એ જોઈને એમણે વિચાર્યું, ‘મારે ગુરુભાઈઓની માયા છોડવી પડશે. એકલા જ પરિભ્રમણ કરવું પડશે. નહિ તો આ લોકોના બીમાર થવાથી મારા એકાકી ચિત્તમાં એમના માટે વધુ ચંચળતા આવે છે જે એક મોટું વિઘ્ન છે. તપસ્યાના પથની બધી બાધાઓને દૂર કરવી પડશે.’ એ જ આદેશ મેળવવા માટે એમનાં મનપ્રાણ સદૈવ ઉત્કંઠિત રહેતા હતા. વિભિન્ન પ્રદેશોમાં વિભિન્ન અવસ્થાઓમાં ભ્રમણ કરતાં કરતાં ભારતીય જીવનની અનંત સમસ્યાઓના સમાધાનનો પ્રયાસ જ ઈશ્વરીય આજ્ઞાની પ્રાપ્તિની તપસ્યા માનીને, એમણે ગુપ્ત રૂપે એકલા ભારતના અનેક સ્થળોનું પરિભ્રમણ કરવાનો સંકલ્પ કર્યો હતો.

એટલે ગુરુભાઈઓને મળવાથી સ્વામીજીના હૃદયમાં ઘણો આનંદ થયો પરંતુ પોતાના કાર્યમાં તેઓ બાધક બને એ આશંકાથી તેમણે કૃત્રિમ કોપનો આશ્રય લઈને એમને દૃઢસ્વરે કહ્યું: ‘જુઓ ભાઈ, મેં તમને પહેલેથી જ કહ્યું છે કે હું એકલો રહેવા ઇચ્છું છું. મેં તમને એ પણ કહી રાખ્યું છે કે મારી પાછળ પાછળ ન આવો. એ જ વાત ફરીથી કહું છું કે મારી સાથે કોઈ રહે એમ હું ઇચ્છતો નથી. હું હમણાં દિલ્હી છોડીને જઉં છું, કોઈ મારી પાછળ ચાલવાનો કે નીકળવાનો પ્રયત્ન ન કરે. કોઈ મને શોધવાનો પણ પ્રયાસ ન કરે. તમે લોકો મારી વાતોનું પાલન કરો એમ હું ઇચ્છું છું. હું બધા જુના સંબંધોને તોડવા માગું છું. પહાડ, જંગલ, મરુભૂમિ અથવા નગરમાં પછી ભલે ગમે તે હોય અને ગમે તેવી મુસીબત આવે પણ હું મારી પોતાની ઇચ્છા મુજબ પરિભ્રમણ કરીશ. હું નીકળું છું. મારી ઇચ્છા છે કે હરકોઈ પોતાની બુદ્ધિ પ્રમાણે સાધનામાં લાગી જાય.’

ગુરુભ્રાતાગણને ખ્યાલ હતો કે સ્વામીજીએ જે ઉદ્દેશ્યની પૂર્તિ માટે જન્મ લીધો છે તેને પૂરો કરવા એમનું હૃદય વ્યગ્ર બની ગયું છે. સ્વામીજી એમના ગુરુદેવ શ્રીરામકૃષ્ણના માર્ગદર્શન હેઠળ જ ચાલે છે અને જગદંબાની ઇચ્છાથી તેઓ નિ:સંગ થવા વ્યાકુળ છે. એટલે ભારી હૃદયે એ લોકોએ સ્વામીજી પાસેથી વિદાય લીધી. એક એક કરીને તેઓ ત્યાંથી નીકળી ગયા. સ્વામી શારદાનંદજી તથા સ્વામી કૃપાનંદ ઈટાવા તરફ ગયા. સ્વામી બ્રહ્માનંદ તેમજ સ્વામી તુરીયાનંદ પંજાબ તરફ નીકળી પડ્યા અને સ્વામી અખંડાનંદે વૃંદાવન તરફ રવાના થવા માટે પહેલેથી જ સ્વામીજી સાથે થોડી ચર્ચા પણ કરી લીધી હતી.

સ્વામી અખંડાનંદજી પોતાની બંગાળી ભાષામાં લખેલ ‘સ્મૃતિકથા’ (તૃતીય સંસ્કરણ, પૃ.૬૦)માં લખે છે : ‘સ્વામીજીના દિલ્હી માટેના પ્રસ્થાન વખતે મેં કહ્યું, ‘તમારા જ અનુરોધથી હું મારું પોતાનું મધ્યએશિયાદર્શન સ્થગિત કરીને વરાહનગર મઠ પાછો ફર્યો હતો અને હવે તમે જ મને ત્યજીને નીકળી રહ્યા છો!’ સ્વામીજીએ કહ્યું: ‘ગુરુભાઈઓની સાથે રહેવાથી તપસ્યામાં સારા પ્રમાણમાં વિઘ્ન આવે છે. જુઓને, તમારી માંદગીને કારણે હું ટિહરી (હિમાલય)માં તપસ્યા કરી ન શક્યો. ગુરુભાઈઓની માયા કાપ્યા વિના મારાં સાધનભજન નહિ થાય. જ્યારે પણ હું વિચારું છું કે તપસ્યા કરીશ ત્યારે શ્રીઠાકુર એક ને એક બાધા ઊભી કરી દે છે. હવે હું એકલો જ નીકળીશ. જ્યાં ક્યાંય હું રહીશ ત્યાંની કોઈનેય સૂચના નહિ આપું.’ તેના ઉત્તરમાં મેં કહ્યું: ‘તમે જો પાતાળમાં ચાલ્યા જાઓ તો ત્યાંથી પણ હું તમને શોધી ન કાઢું તો મારું નામ ગંગાધર નહિ.’

(ક્રમશ:)

Total Views: 60

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.