(ગતાંકથી આગળ)

જગદ્ધાત્રીપૂજાની ઝલક

છોકરાઓને એક જ થાળમાં બાળકની જેમ ખાતાં જોઈને શ્રીમાને ઘણો આનંદ થતો. બાંકુરાના દુષ્કાળના સેવાકાર્યમાંથી રજા લઈને જગદ્ધાત્રીપૂજાના ઉપલક્ષ્યમાં કેટલાક શિષ્યો શ્રીમાના ઘરે આવ્યા છે. પૂજાના સમયે છોકરાઓ હાજર છે. શ્રીમાને ઘણો આનંદ થાય છે. છોકરાઓમાંથી કેટલાક ઘણું સારું ગાઈ પણ શકે છે. તેઓ અત્યંત ઉત્સાહપૂર્વક આનંદ ઉલ્લાસથી ભજન ગાઈ રહ્યા છે. અંતરના ભાવને ઉલેચીને તેઓ માતૃસંગીતનું ગાન કરે છે. શ્રીમા કામકાજ કરતાં કરતાં છોકરાઓનાં ભજનગીત સાંભળે છે. એક શિષ્ય અત્યંત મધુર સ્વરે ગાય છે: 

માનાં દર્શન કરું એવી ચિંતા કરે ન કોઈ;
એ છે શું મારી તમારી માતા કે મા સર્વની.
ગીત ઘણું હૃદયસ્પર્શી છે. વિશેષ કરીને એનું આ નીચેનું પદ ઘણું ચિત્તાકર્ષક છે:
છોકરાના મુખે શ્રીમાની રટણા, સાંભળવા એ ભવરાણી,
ઊભાં છે દ્વાર આડે, રખે છોકરા જોઈ બોલાવે એને.

મધુર કંઠે વહેતી, તાલલયના સમન્વયવાળી, સુમધુર સ્વરલહરીઓ શ્રીમાના હૃદયને સ્પર્શી ગઈ. એક છોકરાએ અંદરથી આવીને બતાવ્યું કે શ્રીમા દરવાજાની પાછળ બેસીને અપલક નયને ગીતો સાંભળી રહ્યાં છે. આ સાંભળીને ગાયક અને બીજા સંતાનોના પ્રાણ ધબકી ઊઠ્યા; વિશેષ કરીને આ પદ વારંવાર વિલંબિત રીતે ગવાતું હતું. પૂજા સમાપ્ત થયા પછી શ્રીમાએ જગદ્ધાત્રીદેવીને પુષ્પાંજલિ આપીને પ્રણામ કર્યા. ભક્તગણે પણ પ્રણામ કર્યા. મધ્યપૂજા, ભોગ-આરતી પછી બધાએ પ્રસાદીના સિંદૂર અને ચંદનનું તિલક કર્યું અને પ્રસાદ લેવા બેઠા. ભોગરાગનું મોટું આયોજન થયું છે. શ્રીમા આડમાં બેસીને છોકરાઓ ખાય છે એ જોઈ રહ્યાં છે, વારંવાર ‘આ આપો, તે આપો’ કહી રહ્યાં છે. પૂજા સમાપ્ત થયા પછી શ્રીમા જ્યારે જગદ્ધાત્રીને પુષ્પાંજલિ આપીને ગળામાં સાડીનો છેડો લપેટીને પ્રણામ કરીને મૂર્તિ તરફ એકીનજરે જોતાં હાથ જોડીને ઊભાં હતાં. એ સમયે એ ઉદ્‌ભાસિત મુખમંડળ ભક્તોનાં હૃદયને જગદ્ધાત્રીની મૂર્તિ કરતાં વધુ આકર્ષી રહ્યું હતું. જ્યારે શ્રીમા તંત્રધારક, પિતૃવંશના કુલગુરુને ભક્તિપૂર્વક પ્રણામ કરતાં ત્યારે તેઓ સંકોચપૂર્વક હાથ જોડીને એમને પ્રતિપ્રણામ કરતાં ગળગળા કંઠે કહેતા: ‘મા, તમે પણ આ શું કરો છો?’

પૂજાને બીજે દિવસે સવારે શ્રીમાએ અલ્પાહારની અદ્‌ભુત વ્યવસ્થા કરી છે. કામારપુકુરથી ત્યાંની સુખ્યાત જલેબી મગાવી છે. ઠાકુરને એનો ભોગ ધરાવીને તે પ્રસાદ અને ઘણા મમરા એક પાત્રમાં મૂક્યા છે. બધા છોકરા એક સાથે ખાશે. શ્રીમાનો અભિપ્રાય જાણીને છોકરાઓનો હૃદયોલ્લાસ વધી ગયો. બધાં બાળકો એક પાત્રમાં ખાય છે અને શ્રીમા એકબાજુ આડમાં બેસીને બધું જુએ છે. એ વર્ષે કાલીમામાના બેઠક ખંડમાં પૂજા થઈ હતી. મામાના કબજાવાળું એ જૂનું બેઠક ખાનું ભક્તોનું નિવાસસ્થાન બન્યું.

શ્રીમાએ પૂજા ગ્રહણ કરી

શ્રીમા પોતાને છુપાવીને સંપૂર્ણ રીતે એક સામાન્ય ગ્રામ્યનારી જેવું જીવન જીવવાનો પ્રયત્ન કરતાં, છતાં પણ અનુગત ભક્તોની પાસે એમનું પોતાનું સ્વરૂપ ક્યારેક ક્યારેક પ્રગટ થઈ જતું. એવું પણ જોવા મળતું કે શ્રીમા એ સદ્‌ભાગીઓ પર એમની ઇચ્છા પ્રમાણે કૃપા કરીને એમણે દીર્ઘકાળથી પોષેલી અભિલાષાને પૂર્ણ કરી રહ્યાં છે. રાધૂના વિવાહ સમયે એક ભક્તે આહારનિદ્રાને વિસારે પાડીને તનમનથી પરિશ્રમ કર્યો હતો. એની એકાંતિક નિષ્ઠા અને ભક્તિથી શરત મહારાજ (સ્વામી સારદાનંદ) ખૂબ પ્રસન્ન થયા. વિવાહને બીજે દિવસે રાતે બધાં કાર્ય પૂરા થઈ ગયાં પછી જ્યારે બધા લોકો વિરામ કરતાં કરતાં પરસ્પર વાતચીત કરતા હતા તે સમયે શરત મહારાજે એ ભક્તના અદ્‌ભુત સેવાકાર્યની પ્રશંસા કરતાં કહ્યું: ‘જો ભાઈ, આ સમયે જો તું ૧૦૮ કમળ એકઠાં કરીને શ્રીમાનાં ચરણોમાં અંજલિ આપી શકે તો તારા પોતાનાં પરિશ્રમ અને સેવાની પરિપૂર્ણતા પ્રાપ્ત કરી શકીશ.’ ભક્ત પણ હતો અદ્‌ભુત. શરત મહારાજની વાત સાંભળીને તે બીજાને કાંઈ પણ બતાવ્યા વિના છાનોમાનો બહાર નીકળી ગયો અને અહીંતહીં તરતપાસ કરીને ૧૦૮ કમળફૂલ એકઠાં કરીને લાવ્યો. આવીને એણે શ્રીમાની પાસે પોતાના હૃદયની અભિલાષા વ્યક્ત કરી. આજે દયામયી જનની પણ પોતાના એકનિષ્ઠ ભક્ત પ્રત્યે પરમ દયાળુ બનીને આસન પર બેઠાં છે. તેની ઇચ્છામુજબ એમણે પૂજા ગ્રહણ કરી, પોતાના સ્નેહભર્યા આશીર્વાદ આપ્યા તેમજ તેના મનની તીવ્ર ઇચ્છા પૂર્ણ કરી. એમનો માનવજન્મ ધન્ય બન્યો. ક્યારેક ક્યારેક વિશેષ દિવસોમાં કોઈ કોઈ સંતાનની ઇચ્છા પૂર્ણ કરવા શ્રીમા વિશેષ રૂપે પૂજા સ્વીકારતાં. સંતાનોના આગ્રહથી ક્યારેક ભોજનનાં નિયમ પણ તૂટી જતાં. શ્રીમા હંમેશાં ઉકળેલા ચોખાનો ભાત ખાતા અને એ એમને અનુકૂળ આવતા. જયરામવાટીના મંદિરમાં તથા બાગબજાર, કલકત્તામાં આવેલ શ્રીમાના ઘરે, ઉદ્‌બોધનમાં આજે પણ ઉકળેલા ચોખાનો અન્નભોગ ધરાય છે. આમ તો વિધવા બ્રાહ્મણ સ્ત્રીઓ આવા ઉકળેલા ચોખાનો ભાત ખાય નહિ. 

શ્રીમાની ભક્તવત્સલતા અને એમના પત્રો

સંન્યાસી અને ગૃહસ્થ, બધા પર શ્રીમાનો પ્રેમ એકસરખો રહેતો. ગૃહસ્થ ભક્તોનાં છોકરા-છોકરીઓ  જ્યારે શ્રીમાની પાસે આવતાં ત્યારે ક્યારેય એવું ન લાગતું કે એમના પ્રત્યે કોઈપણ પ્રકારનું ભેદભાવભર્યું આચરણ થાય છે કે પ્રેમમાં ક્યાંક કોઈપણ પ્રકારની ઊણપ રહે છે. શ્રીમાનાં સહાનુભૂતિ અને સંવેદના એમના દુ:ખભર્યા સંસારની યાત્રામાં આવનારી ભીતરની દુ:ખવેદનાની જ્વાલા ઓછી કરી દેતાં અને એમનાં મન આનંદ ઉત્સાહથી ભરી દેતાં. શ્રીમા ઘણા ભક્તોના ઘરના, પરિવારના, નોકરી વગેરે સાંસારિક પરિસ્થિતિઓના ખબરઅંતર લેતાં. તેઓ કોઈ સમસ્યાપૂર્ણ વાત કહે તો ધ્યાનપૂર્વક શ્રીમા સાંભળતાં અને સુયોગ્ય કર્તવ્યનો નિર્દેશ આપતાં. દૂરદૂર રહેનારા ઘણા શિષ્યગણ શ્રીમાને હંમેશાં ચિઠ્ઠી કે પત્ર લખીને પોતાની પરિસ્થિતિ જણાવતા અને દુ:ખવિપત્તિમાં એમના ઉપદેશ અને આશીર્વાદની પ્રાર્થના પણ કરતા. શ્રીમાની પાસે સંન્યાસી અને ગૃહસ્થ બંને પ્રકારના ભક્તોનાં ઘણાં પત્રચિઠ્ઠીઓ આવતાં. શ્રીમા એ ચિઠ્ઠીપત્ર ધ્યાનપૂર્વક સાંભળતાં અને પોતે પોતાના મુખે એમનો જવાબ લખાવતાં. શ્રીઠાકુરના અંતરંગ શિષ્યગણ તેમજ વિશિષ્ટ સજ્જ્નો કોઈ વિશેષ કાર્યના આરંભ સમયે આશીર્વાદ મેળવવા પત્ર લખતા. આ દીન-સંતાનને (લેખકને) આવા અનેક પત્ર જોવાનું સદ્‌ભાગ્ય મળ્યું હતું. એ સમયે થોડીઘણી પણ બુદ્ધિ હોત તો એ અમૂલ્ય પત્રરત્ન ચોક્કસપણે સંગૃહીત થઈને સુરક્ષિત રહેત. પણ હવે થાય શું? અજ્ઞાનને લીધે આ બધું હાથમાં હોવા છતાં પણ જાળવી ન શક્યો.  પોતાના જ હાથે આ પત્રોનો નાશ કરી નાખ્યો. અત્યારે મનમાં ઘણો અફસોસ થાય છે. સ્મૃતિના સહારે કેટલાક પત્રોની સારભૂત વાત યાદ કરવાનો પ્રયત્ન અહીં કર્યો છે: 

(૧) પૂજ્યપાદ રાજા મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ના શ્રીમાનાં ચરણકમળમાં ભક્તિપૂર્વક દંડવત્‌ પ્રણામ નિવેદન કર્યા પછી અત્યંત વિનમ્રભાવે ભુવનેશ્વરમાં મઠ સ્થાપન માટે અનુમતિની યાચના અને એ માટે શુભ આશીર્વાદની પ્રાર્થના માટે લખેલો પત્ર મળ્યો. તેના પ્રત્યુત્તરમાં શ્રીમાએ સંતોષ વ્યક્ત કર્યો તેમજ શ્રીઠાકુરની કૃપાથી શુભકાર્ય સંપન્ન થાય તે માટે શુભ આશીર્વાદ પાઠવ્યા.

(૨) પૂજ્યપાદ બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદજી) માંદા પડ્યા છે. તેઓ સ્વાસ્થ્યલાભ માટે દેવઘર હતા. ત્યાંથી શ્રીમાનાં શ્રીચરણોમાં સાષ્ટાંગ પ્રણામ નિવેદન તથા સ્નેહાશીર્વાદની પ્રાર્થના કરતો એક પત્ર એમણે લખ્યો. એમાં હૃદયનો ભાવાવેગ અને આકુળતા ભરપૂર હતાં. તેના ઉત્તરમાં એમની માંદગી માટે શ્રીમાએ દુ:ખ પ્રગટ કર્યું અને ઉદ્‌વેગભાવે શ્રીઠાકુરની સમીપ મંગલ કામના કરી. 

(૩) પૂજ્ય શરત મહારાજનો પત્ર આવ્યો છે શ્રીમાના પત્ર પ્રમાણે કોઈ કામ માટે જયરામવાટીમાં થોડા રૂપિયા મોકલવાની વાત હતી. મહારાજે ગણેન મહારાજને શ્રીમાને રૂપિયા મોકલવા માટે કહ્યું અને પછી ગણેન મહારાજે કેટલા રૂપિયા મોકલ્યા છે એ વાત પૂરેપૂરી જાણી લીધા પછી જ તેઓ નિશ્ચિંત થયા. જયરામવાટીમાં રૂપિયાની જરૂર ન પડવાને લીધે શ્રીમાએ પણ આ રૂપિયા અંગે કોઈને કંઈ પૂછ્યું નહિ. થોડા દિવસો પછી ગણેન મહારાજે બતાવ્યું કે રૂપિયા તો નથી મોકલાવ્યા. એમણે ભ્રમવશ કહી દીધું કે મોકલી દીધા છે. આ બાબતનો શરત મહારાજને ખયાલ આવતાં તેઓ ઘણા ઉદ્વિગ્ન થઈ ગયા અને એમણે ચિંતિત બનીને અત્યંત શોક પ્રગટ કરીને દયાર્દ્રભાવે શ્રીમાને પત્ર લખીને પોતાના અપરાધને માફ કરવા પ્રાર્થના કરી. તેના ઉત્તરમાં શ્રીમાએ રૂપિયાની જરૂરત ન હોવાનું જણાવીને તેમજ પૈસા ન મોકલ્યા એ શ્રીઠાકુરની ઇચ્છા પ્રમાણે બરાબર થયું, એમ લખ્યું. એની સાથે અભય અને આશીર્વાદ પણ પાઠવ્યા.

(૪) પૂજ્ય બલરામબાબુના પુત્ર રામબાબુની વિસ્તૃત પત્રાવલિ દ્વારા પોતાની માતાની અંતિમ બીમારી, દેહત્યાગ, શ્રાદ્ધાદિ કર્મોનું વિસ્તારથી વર્ણન તથા શ્રીમા પાસે સ્નેહ આશીર્વાદની પ્રાર્થના કરી. તેના ઉત્તરમાં શ્રીમાએ દુ:ખ પ્રગટ કર્યું અને શ્રાદ્ધાદિ વ્યવસ્થિત સંપન્ન થાય એ માટે આશીર્વાદ આપ્યા. ત્યાર પછી શ્રાદ્ધ વગેરે બરાબર થયાં તે જાણીને સંતોષ વ્યક્ત કર્યો.

(૫) માયાવતીથી લખાયેલ સ્વામી પ્રજ્ઞાનંદજીના બધા પત્રો. ઉદ્‌બોધનમાં સ્વામી પ્રજ્ઞાનંદ અને એમના સહોદરા સુધીરાદેવી શ્રીમાનાં વિશેષ સ્નેહ અને કૃપાલાભનું સૌભાગ્ય પામીને એમના પ્રત્યે આકર્ષાયાં હતાં. માયાવતીથી વિગતવાર પત્ર લખીને તેઓ શ્રીમા સમક્ષ પોતાના હૃદયની આકાંક્ષા પ્રદર્શિત કરતા અને એમની પાસે સ્નેહ અને આશીર્વાદની પ્રાર્થના કરતા. એમના પત્રોમાં માયાવતીનું સૂક્ષ્મતા સાથેનું સુંદર વર્ણન પણ હોય. એક પત્રમાં લખ્યું હતું: રાત્રે આશ્રમમાં વાઘ આવે છે, વાઘની ગર્જના સંભળાય છે. આ સાંભળીને શ્રીમાને ઘણાં ભયચિંતા થયાં. માયાવતીથી એમણે શ્રીમાના નવા મકાનમાં વાવવા માટે ડાલિયા (એક પ્રકારના ફૂલ)નાં બીજ મોકલ્યાં હતાં. એક પત્રમાં રમાદેવી અને સુરમાદેવી નામની બે ભોટિયા બહેનોની ભક્તિની પ્રશંસા કરી હતી. એ બહેનોએ પોતાના હાથે તૈયાર કરીને એક સુંદર ગાલીચાનું આસન પણ મોકલાવ્યું હતું.

(૬) શ્રીઅરવિંદ ઘોષનાં ધર્મપત્નીનો એક વિસ્તૃત પત્ર આવ્યો હતો. એમાં એમણે પોતાના પતિ વિશે વિસ્તારપૂર્વક લખ્યું હતું. શ્રીમાનાં શ્રીચરણોમાં આશ્રિતા એવાં આ ભક્તમહિલાએ શ્રીમાની સેવા માટે થોડા રૂપિયા પણ મોકલ્યા હતા.

એ સમયે દેશની દશા અત્યંત સંકટજનક હતી. ક્રાંતિકારીઓના દમન માટે પ્રયત્નશીલ બ્રિટિશ સરકારનો અમાનુષી અત્યાચાર લોકોમાં ભય ફેલાવી રહ્યો હતો. ચારે તરફ પોલીસની તીક્ષ્ણ નજર રહેતી. રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ પણ પોલીસની શંકાના શિકાર બન્યા. કોઆલપાડા અને જયરામવાટી પર પોલીસની સતત નજર રહેતી. આ વિસ્તાર મેલેરિયાથી ગ્રસ્ત, દુર્ગમ હતો. અહીં અભણ ગરીબ લોકો રહેતા. સ્વસ્થ, સબળ, દેશપ્રેમી યુવકોને કેદમાં રાખવાની વ્યવસ્થા સરકારે આવા વિસ્તારમાં કરી હતી. આ વિસ્તારનાં લગભગ બધાં થાણાંમાં આવા બંદી યુવાનો જોવા મળતા. એમાં શ્રીમાના સ્નેહાશીર્વાદ મેળવનાર યુવાનો પણ હતા. શ્રીમાનું મન એમને માટે ઘણું આકુળ અને વ્યગ્ર રહેતું. એમાંથી કેટલાક સુવિધા પ્રમાણે પત્ર પણ લખતા. એ પત્રો પર પોલીસનો સિક્કો જોઈને શ્રીમાને ખ્યાલ આવી જતો.  શ્રીમા ઘણીવાર સુધી એ પત્રને હાથમાં રાખીને એના પરના સિક્કાને અશ્રુપૂર્ણ નયને જોતાં. ક્યારેક બે-એક વાક્યમાં એમની ભીતરની રૂંધાયેલી વેદના બહાર નીકળતી.

(૭) શ્રીમા પાસે કોઈ ઉકેલ મળવાની આશાએ ભક્તોના પત્રોમાં ક્યારેક ક્યારેક કઠિન સમસ્યાઓનો ઉલ્લેખ થતો. શ્રીમા સુયોગ્ય ઉત્તર આપતાં. એવા પત્રોની થોડી જાણકારી આપવાનો હું હવે પ્રયત્ન કરીશ.

એક ભક્ત મહિલાએ લખ્યું હતું કે એમના પતિને સંસાર હવે સારો નથી લાગતો. તેઓ નાનાં નાનાં બાળકો સાથે પત્નીને પિયર મોકલી દેવા માગે છે. પોતે સંસાર છોડીને સાધુ બનવા ઇચ્છે છે. પત્રની વાત સાંભળતાં જ શ્રીમા દુ:ખથી અધીર બની ગયાં અને બોલી ઊઠ્યાં: ‘જુઓ તો ખરા, કેવો અન્યાય! એ બીચારી નાની ઉંમરની છોકરી કચ્ચાંબચ્ચાં લઈને ક્યાં જાય અને શું કરે?’ પછી શ્રીમા દૃઢ સ્વરે બોલ્યાં: ‘એમને સંસારત્યાગ કરવા માટે મના કરીને લખો કે પહેલાં બાળકોનું પાલનપોષણ કરે અને એમને મોટાં કરે. કામકાજ કે નોકરી કરીને રૂપિયા પૈસા કમાય અને એ બધાંની રહેવાખાવાની સુયોગ્ય વ્યવસ્થા કરે ત્યાર પછી બધું જોયું જશે.’

(૮) બીજાએકે લખ્યું કે તે જ્યાં નોકરી કરે છે ત્યાં ખોટું બોલવું પડે છે એટલે તે નોકરી છોડી દેવાની ઇચ્છા કરે છે. સાંસારિક બોજાને કારણે એ નોકરી છોડી શકતો નથી, ભરણપોષણનો કોઈ બીજો ઉપાય નથી. આવી મનોમૂંઝવણમાં શું કરવું ને શું ન કરવું એ ન સૂઝવાથી એ ભક્તે શ્રીમા પાસે ઉપદેશ-આદેશની પ્રાર્થના કરી. શ્રીમાએ પત્રની વિગત સાંભળીને ભક્ત માટે ચિંતિત બનીને થોડીવાર વિચાર કર્યો. પછી પોતાના આ લહિયાને (લેખકને) કહ્યું: ‘એને લખી નાખ કે નોકરી ન છોડે.’ નાની ઉંમરનો લહિયો શ્રીમા આવો આદેશ કેમ આપે છે એ વિશે વિચારવા લાગ્યો. એનું કારણ એ હતું કે તે સન્માર્ગે જવા ઇચ્છે છે. લખવામાં થોડો ખચકાટ અનુભવ્યો. શ્રીમાએ એને સમજાવીને કહ્યું: ‘આજે એક સામાન્ય અસત્ય બોલવામાં એને ભય લાગે છે પરંતુ નોકરી છોડી દીધા પછી તંગી અને મુશ્કેલીમાં પડીને ચોરી-ચપાટી કરવામાં પણ એને ભય નહિ લાગે.’ આ અંતિમવાત ચોરી-ચપાટી કરવામાં પણ એને ભય નહિ લાગે, મુશ્કેલીમાં પડીને. શ્રીમાએ ખેદ સાથે બે ત્રણવાર ફરી ફરીને કહી. શ્રીમાની દૂરદૃષ્ટિ અને સંતાનની સુરક્ષા માટેનો આગ્રહ જોઈને આ લેખક આશ્ચર્યમાં પડી ગયો.

(૯) અન્ય એક ભક્તે આમ લખ્યું હતું: એમના ઘરમાં શ્રીઘઠાકુર અને શ્રીમાની છબિ આસન પર વિરાજેલ છે. નિત્યપૂજા, ભોગ, આરતી થાય છે અને છોકરા-છોકરીઓ એ બધું કરે છે. એક દિવસ એમની નાની પુત્રીએ આરતી કરીને ભૂલથી દીવાને લાકડાના આસન નીચે રાખી દીધો. એને લીધે કપડું સળગ્યું અને શ્રીઠાકુર માની છબિઓ પણ બળીને ખાક થઈ ગઈ. એ લોકો એનાથી ખૂબ ભયભીત અને સંત્રસ્ત બની ગયા છે. શ્રી મા પાસે આશીર્વાદની પ્રાર્થના કરે છે. ઘટના જાણીને શ્રીમાને દુ:ખચિંતા થયાં. તેમણે કહ્યું: ‘પૂજા, આરતી આ બધું ઘણું કઠિન. સાવધાનીપૂર્વક કરવું પડે. આ કામ મઠ-આશ્રમમાં જ શોભે. નહિ તો શું હું સંધ્યા સમયે ધૂપદીપ ન ફેરવું!!’ વારંવાર અફસોસની લાગણી પ્રગટ કરીને શ્રીમાએ એ લોકોને આશ્વાસન, અભયવચન અને આશીર્વાદ પાઠવ્યાં. સાથે ને સાથે ભવિષ્યમાં સાવધાની રાખવાનું જણાવ્યું.

(ક્રમશ:)

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.