(ગતાંકથી આગળ)

અલવર રાજ્યમાં એકાકી પ્રવેશ

સ્વામીજી એ દિવસોમાં પોતાના જીવનના ઉદ્દેશ્યની સિદ્ધિ માટે ખૂબ વ્યાકુળ રહેતા. સંભવત: એમને એ પૂરો ખ્યાલ હતો કે એમના જીવનનો શુભકાળ આવી પહોંચ્યો છે અને એની તૈયારી માટે ઓછામાં ઓછો સમય બાકી રહ્યો છે. એ વિરાટ અજ્ઞાત કાર્ય માટે એમના હૃદયદેવતા શ્રીરામકૃષ્ણે હવે એમને અકિંચન તેમજ એકાકી પરિભ્રમણ કરવા માટે અનુપ્રાણિત કર્યા હતા. સ્વામીજીએ પોતાનાં ગુરુભાઈઓના અંતિમ બંધનથી મુક્તિ મેળવીને જાણે કે શાંતિનો શ્વાસ લીધો. હવે તેઓ સ્વાધીન, મુક્ત અને સ્વૈરવિહારી હતા. એમને ભગવાન બુદ્ધની આ ઉક્તિઓ યાદ આવી ગઈ : 

સીહો’વ સદ્દેસુ અસન્તસન્તો, વાતો’વ જાલમ્હિ અસજ્જમાનો । પદુમં’વ તોયેન અલિપ્પમાનો, એકો ચરે ખગ્ગવિસાણકપ્પો ॥ ચાતુદ્દિસો અપ્પટિઘો ચ હોતિ, સન્તુસ્સમાનો ઇતરીતરેન । પરિસ્સયાનં સહિતા અછમ્મી, એકો ચરે ખગ્ગવિસાણકપ્પો ॥ (સુત્તનિપાત, ૩/૩૭,૮)

‘જેમ સિંહ કોઈ અવાજથી ભયભીત નથી થતો,વાયુ જેમ કોઈ જાળમાં નથી ફસાતો, કમળપત્ર જેમ અલિપ્ત રહે છે જળથી; તું પણ તેમ નિર્ભય ગેંડાની જેમ એકાકી વિચરણ કર. કોઈ ભય વિના, બધાથી ઉદાસીન બનીને, કોઈ ચોક્કસ પથ વિના, બેપરવાહ બનીને આગળ ધપ.’

આ શબ્દોથી અનુપ્રાણિત, દંડ, કમંડળધારી પરિવ્રાજક સંન્યાસી સ્વામીજી બધા સંબંધોને ત્યજીને, બધાં બંધનોને કાપી નાખીને, બધી સીમાઓ તથા ભયના ભાવોને ધુત્કારીને, હૃદયમાં એકાકી વિચરણ કરવાની આકાંક્ષા સાથે ઉત્તર ભારતને છોડીને એક ગેંડાની જેમ એકાકી બનીને રાજપૂતાના તરફ આગળ વધ્યા.

અજ્ઞાતવાસની ગાથા

રાજપૂતાના એટલે ઇતિહાસની ક્રીડાભૂમિ, સૌંદર્યની લીલાભૂમિ, પ્રાચીન સરસ્વતી નદી તથા વૈદિકઋષિની પુણ્યભૂમિ, પુષ્કર જેવાં તીર્થો અને પૃથ્વીરાજ ચૌહાણ તથા મહારાણા પ્રતાપ જેવાં રણબાંકડા વીરોની વીરભૂમિ! મીરા જેવા ઈશ્વર પ્રેમમાં દીવાના બનેલ સંતોની ધર્મભૂમિ! પદ્મિની જેવી વિરાંગનાઓ તથા સતીઓના તેજથી દિપ્ત ધન્યભૂમિ! આ ભૂમિના સ્મરણ માત્રથી મનમાં કેટકેટલા વિવિધ ભાવોની સ્ફુરણા થવા લાગે છે. એક પછી એક ન જાણે કેટલાય વીર રાજપૂત રાજાઓએ આ ભૂમિ પર શાસન કર્યું અને પોતાના લોહીનું આખરી ટીપું રહી જાય ત્યાં સુધી પરાજય ન સ્વીકાર્યો. ગુરુભાઈઓના પ્રેમથી મુક્ત થયા પછી હવે સ્વામીજીએ આ મહાન ભૂમિ, રાજપૂતાનામાં પ્રવેશ કર્યો.

આ રીતે ૧૮૯૧ના પ્રારંભથી એમનો અજ્ઞાતવાસ શરૂ થયો. ત્યારથી એમનો પોતાના ગુરુભાઈઓ સાથેનો સાથ છૂટ્યો તે સાથ ફરી પાછો લગભગ છ વર્ષો પછી ૧૮૯૭ના પ્રારંભકાળમાં તેઓ અમેરિકાથી પાછા ફર્યા પછી મિલનમાં પરિણમ્યો અને તેઓ એકસાથે નિવાસ કરવા લાગ્યા. ના પાડવા છતાં પણ સ્વામી અખંડાનંદજીએ એમનો પીછો કર્યો અને ક્યારેક એમને મળતા પણ ખરા. આ ઉપરાંત સ્વામી ત્રિગુણાતીતાનંદજી સાથે એકવાર તેમજ સ્વામી અભેદાનંદ સાથે બેત્રણ વાર મુલાકાત થઈ હતી. પણ આપણે એને અપવાદ જ ગણવા જોઈએ. સ્વામી અખંડાનંદજી એમને શોધતાં શોધતાં રાજસ્થાન તથા ગુજરાતમાં ક્યાંક પહોંચ્યા અને એમને સાંભળવા મળ્યું કે સ્વામીજી થોડા દિવસ પહેલાં અહીંથી ચાલ્યા ગયા હતા. આ રીતે એમને સ્વામીજીના આ સમયના પરિભ્રમણની કેટલીક ઘટનાઓની જાણકારી મળી પછીથી સ્વામીજીએ પણ પોતાના ગુરુભાઈઓને પોતાના એ પરિવ્રાજક કાળની કેટલીક ઘટનાઓ સંભળાવી. એ દિવસોમાં સ્વામીજીની જેમની જેમની સાથે મુલાકાત થઈ હતી એમનામાંથી પણ કોઈ કોઈએ પોતાની મુલાકાત તથા પોતાના વાર્તાલાપનું વિવરણ આપ્યું અને લિપિબદ્ધ પણ કર્યું. મુખ્યત્વે આ સામગ્રી સ્વામીજીના આ ભ્રમણ તેમજ અજ્ઞાતવાસના પર્વના વિવરણનો મૂળ આધાર છે.

સ્વામીજીના રાજસ્થાન-પરિભ્રમણ (ફેબ્રુઆરી થી ડિસેમ્બર, ૧૮૯૧)નું વિશ્લેષણ કરીએ તો એક વાત ખાસ ધ્યાનમાં આવે છે કે અન્ય પ્રદેશ વિસ્તારોની તુલનામાં રાજસ્થાનના મોટા ભાગના સ્થાનોમાં એમનો નિવાસ સારા પ્રમાણમાં લાંબો રહ્યો. સામાન્ય રીતે એનો આનુમાનિક કાળ પ્રમાણ આવો છે : અલવર – લગભગ સાત સપ્તાહ, (૭ ફેબ્રુઆરી થી ૩૧મી માર્ચ); જયપુર – લગભગ બે સપ્તાહ (૧ થી ૧૪ એપ્રિલ); કિસનગઢ – અજમેર – પુષ્કર – લગભગ બે સપ્તાહ  (૧૪ એપ્રિલ થી ૨૭ એપ્રિલ); આબુ – લગભગ અગિયાર સપ્તાહ (૨૮ એપ્રિલથી ૧૪ જુલાઈ); જયપુર- લગભગ એક સપ્તાહ (૨૬ જુલાઈથી ૩ ઓગસ્ટ); ખેતડી – લગભગ અગિયાર સપ્તાહ (૭ ઓગસ્ટથી ૨૭ ઓક્ટોબર); જયપુર-અજમેર – લગભગ છ સપ્તાહ (૧ નવેમ્બર થી ૧૫ ડિસેમ્બર)

Total Views: 58

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.