આપણા દેશમાં પ્રાચીન કાળથી સઘળી વિદ્યાઓ સંસ્કૃતમાં જ હોવાથી વિદ્વાન વર્ગ તેમજ સામાન્ય જનતા વચ્ચે અફાટ અંતર પડી ગયું છે. ભગવાન બુદ્ધથી શરૂ કરીને ચૈતન્ય અને શ્રીરામકૃષ્ણ સુધીના, જગતના કલ્યાણ અર્થે ઊતરી આવેલા તમામ મહાન પુરુષોએ સામાન્ય લોકોને તેમની પોતાની ભાષામાં જ ઉપદેશ આપ્યો છે. અલબત્ત વિદ્વત્તા એક ઉત્તમ વસ્તુ છે; પરંતુ જે ભાષા કઠિન અને દુર્બોધ છે, અસ્વાભાવિક અને કેવળ કૃત્રિમ છે, તે સિવાયના બીજા કોઈ માધ્યમ દ્વારા શું વિદ્વત્તા પ્રદર્શિત ન થઈ શકે? લોકભાષામાં શું કલાને અવકાશ નથી? સ્વાભાવિક ભાષાને ત્યજીને કૃત્રિમ ભાષા ઊભી કરવાનો શો અર્થ છે? જે ભાષા તમે ખુદ તમારા ઘરમાં બોલવા સારુ ટેવાયેલા છો તે ભાષામાં શું તમારાં વિદ્વત્તાપૂર્ણ સંશોધનોને તમે વિચારી શકતા નથી? તો પછી જ્યારે તમે તેને ધોળા ઉપર કાળામાં મૂકવા બેસો છો ત્યારે આવી વિચિત્ર અને ભારેખમ ભાષા શા માટે વાપરો છો? જે ભાષામાં તમે તમારા મનમાં તત્ત્વજ્ઞાન તથા વિજ્ઞાનનો વિચાર કરો છો. તેમ જ જે ભાષામાં જાહેરમાં બીજા લોકો સાથે ચર્ચા કરો છો, તે જ ભાષા શું તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનને માટે લખાણમાં વાપરવા જેવી નથી? જો તે લેખનની ભાષા ન હોય તો તે સત્યોને તમારા મનમાં અને બીજાઓની સાથેની વાતોમાં તે જ ભાષામાં કેવી રીતે વિચારી શકો છો? જે ભાષામાં આપણે આપણી જાતને કુદરતી રીતે વ્યક્ત કરીએ છીએ, જેમાં આપણા ક્રોધ, દુ:ખ કે પ્રેમ ઇત્યાદિ દર્શાવીએ છીએ, તેનાથી વધારે યોગ્ય બીજી કોઈ ભાષા હોઈ ન શકે. આપણે તે વિચારને વ્યક્ત કરવાની તે પદ્ધતિને, શબ્દોની તે પસંદગીને અને બીજાં બધાંને વળગી રહેવું જોઈએ. બોલવાની એ ભાષાના જેટલું જોમ, એટલું લાઘવ અને વ્યક્ત કરવાની એટલી શક્તિ, અથવા તમને ગમે તેવો વળાંક લેવાની એટલી યોગ્યતા કોઈ પણ કૃત્રિમ ભાષામાં હોઈ શકે નહિ. ભાષા પોલાદ જેવી શુદ્ધ બનાવવી જોઈએ; તમને ગમે તે રીતે તેને વાળો કે મરડો પણ પાછી એવી જ થઈ જવી જોઈએ; એક ઘાએ પથ્થરના બે ટુકડા કરી નાખે છતાં તેની ધાર બૂઠી ન થાય તેવી જોઈએ. સંસ્કૃતની ધીમી અને આડંબરપૂર્ણ ગતિનું માત્ર એટલાનું જ અનુકરણ કરીને આપણી ભાષા કૃત્રિમ બનતી જાય છે. ભાષા રાષ્ટ્રની પ્રગતિનું મુખ્ય સાધન અને સૂચક ચિહ્‌ન છે… ભાષા એ વિચારોનું વાહન છે. સૌથી અગત્યના છે વિચારો; ભાષા તો પછી આવે… ભાષા કલા અગર સંગીત કંઈ અર્થ વ્યક્ત ન કરે અને નિર્જીવ હોય, તે તો જરાય સારું નથી. હવે તેઓ સમજશે કે રાષ્ટ્રીય જીવનમાં જેટલું વધારે બળ રેડો તેટલા જ પ્રમાણમાં ભાષા, કલા, સંગીત વગેરે બધાં, વિચારો અને જીવનથી સમૃદ્ધ તથા સહજ સંસ્કારરસમાં થઈ ઊઠશે. રોજબરોજના વ્યવહારના માત્ર બે જ શબ્દો જેટલા વિશાળ અર્થનું સૂચન કરશે, તેને તમે બે હજાર જેટલાં વિશેષણોમાં શોધવા જશો તો પણ નિરર્થક નીવડશે. 

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા’, ભાગ -૮, પૃ.૧૧૧-૧૨-૧૩)

Total Views: 92

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.