શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજને રામકૃષ્ણ આશ્રમ, રાજકોટની ભાવાંજલિ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘વિવેક હોલ’માં ૭મી મે ૨૦૦૫ ને શનિવારે રામકૃષ્ણ મઠ અને મિશનના ૧૩મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની શ્રદ્ધાંજલિ સભાનો કાર્યક્રમ સવારે ૧૦-૩૦ થી ૧૨-૦૦ સુધી યોજાયેલ હતો.

કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. ત્યાર પછી સ્વામી સર્વસ્થાનંદે મહારાજશ્રીના સંક્ષિપ્ત જીવન દ્વારા ઘણી મહત્ત્વની અને પ્રેરક વાતો કરી હતી. રામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજીએ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદ મહારાજના જીવન અને ઉપદેશ તેમજ તેમના આચરણની કેટલીક વાતો કરીને સામાન્ય જન અને પ્રબુદ્ધ માનવની વાતો કરી હતી. તેમની અનુકંપાશીલ હૃદયમાંથી વહેતી કરુણા અને પ્રેમના પ્રવાહની વાત કરી હતી.

અમદાવાદ કેન્દ્રના શ્રી કલ્યાણ બેનરજીએ મહારાજશ્રીની સાદગી, વિદ્વતા અને સર્વ પ્રત્યેના સમભાવની વાત કરી હતી. ભુજ કેન્દ્ર સાથે જોડાયેલ શ્રી બકુલેશ ધોળકિયાએ મહારાજશ્રી સાથેની પ્રથમ મુલાકાત તેમજ પ્રેરક અને પ્રવાહી વાક્‌છટ્ટાની વાત કરી હતી. એસ.એન.કે. સ્કૂલના સંવાહક શ્રી કિરણ પટેલે ભાવવાહી અંગ્રેજી કાવ્ય દ્વારા મહારાજશ્રીને ભાવાંજલિ આપી હતી. શ્રી ગુલાબભાઈ જાનીએ મહારાજશ્રીના પુનિત અને મહાન વ્યક્તિત્વની વાત કરી હતી. શ્રી ગિરીશભાઈ મારુએ મહારાજશ્રીની સહજ સરળતા અને એમના અદ્‌ભુત વાણીપ્રવાહની વાત કરીને ભાવાંજલિ આપી હતી. શ્રી દુષ્યંતભાઈ પંડ્યાએ મહારાજશ્રીના જૂના સંસ્મરણો તાજા કરીને, કરાંચીથી માંડીને અત્યાર સુધીની મહારાજશ્રી સાથે થયેલી વિશેષ રૂબરૂ મુલાકાત તેમજ પત્રવ્યવહારની ચર્ચા કરીને એમના અદ્‌ભુત ગ્રંથો ‘મેસેજ ઓફ ઉપનિષદ’ અને શ્રીમત્‌ ભગવદ્‌ગીતા અને અન્ય પુસ્તકોનું ગુજરાતી ભાષાંતર કરવાની એમને તક મળી એ શ્રીઠાકુર, શ્રીમા અને મહારાજશ્રીની કૃપાનું પરિણામ છે એમ તેમણે કહ્યું.

કાર્યક્રમને અંતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ભાવિકજનોએ મૌન ઊભા રહીને મૌન પ્રાર્થના દ્વારા મહારાજશ્રીને ભાવાંજલિ અર્પી હતી. શ્રી જીતુભાઈ અંતાણી અને સાથી મિત્રોના રામકૃષ્ણ શરણમ્‌ના કરુણ ઘેરા સ્વર સાથે સભા પુરી થઈ હતી. ઉપસ્થિત ભાવિકજનોને પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમના ઉપલક્ષ્યમાં શ્રીરામકૃષ્ણ મંદિરમાં સવારના ૫ વાગ્યાથી ૧૦ સુધી મંગલ આરતી, વૈદિક મંત્રોચ્ચાર, ભજન, વિશેષ પૂજા અને હવનનું આયોજન થયું હતું.

લીંબડી, વડોદરા અને પોરબંદરમાં શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજને શ્રદ્ધાંજલિ

પૂજ્યપાદ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજી મહારાજની સ્મૃતિમાં તમામ કેન્દ્રોની જેમ લીંબડી ખાતે પણ તા. ૭-૫-૨૦૦૫ ને શનિવારે વિશેષ પૂજા, ભજન, હવન, ભોગ વિગેરે કાર્યક્રમો યોજાયેલ જેમાં અંદાજે ૨૫૦ જેટલા ભક્તો સામેલ થયેલ. ભક્તોને અંતમાં પ્રસાદનું વિતરણ કરાયેલ હતું. તેમજ ૩૫૦ જેટલા દરિદ્રનારાયણોને તેમના સ્થળ ઉપર જઈને જમાડેલ અને સાંજે વિશેષ સભામાં મહારાજશ્રીને ભાવાંજલિ અપાયેલ હતી. આવી જ શ્રદ્ધાંજલિસભાઓ તા. ૭-૫-૨૦૦૫ના રોજ પોરબંદરમાં અને તા. ૮-૫-૨૦૦૫ ના રોજ વડોદરામાં યોજાઈ હતી. આવી જ રીતે ગુજરાત રાજ્યના અમદાવાદ, ગાંધીનગર, ભૂજ, આદિપુર વગેરે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને વરેલાં કેન્દ્રોએ પણ શ્રીમત્‌ સ્વામી રંગનાથાનંદજીની સ્મૃતિમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કર્યું હતું.

સુનામી પીડિતની વહારે શ્રીરામકૃષ્ણ મઠ-મિશન

તામીલનાડુ : ચેન્નઈ મઠ દ્વારા કાંચીપૂરમ્‌ અને નાગપટ્ટીનમ્‌ જિલ્લાના વિવિધ સ્થળોએ સુનામી પીડિત લોકોને ૩૦ હજાર ખમીસ, ૭૧૬ સ્કૂલ કીટસનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આંદામાન : પોર્ટબ્લેર કેન્દ્ર દ્વારા સુનામી પીડિત લોકોમાં ૩૭ કિલો દૂધનો પાવડર, ૫ કિલો બેબી ફુડ, ૩૮ ધોતિયા, ૬૬ લુંગી, ૯૩૮ ખમીસ, ૯૫ ચડ્ડી, ૧૦૨૦ સાડી, ૨૬૨ કમીઝ-સલવારના સેટ, ૨૯૫ મેક્સી તથા ૨૦૩ બનીયન, ૧૨૦ પાટલુન, ૧૨૧ ગમછા, ૪ ચાદર, (મોટી શેતરંજી), ૧૪૮ ચાદર, ૧૪ ધાબળાં, ૬ મચ્છરદાની અને ૪૬ સેટ વાસણનું વિતરણ પોર્ટબ્લેર અને તેની આજુબાજુના વિસ્તારના અસરગ્રસ્ત લોકોને આપવામાં આવ્યા હતા.

સુનામી પુનર્વસન કાર્ય

રામકૃષ્ણ મઠ, ચેન્નઈ અને રામકૃષ્ણ આશ્રમ, કલાડીએ માચ્છીમારોના પુનર્વસન માટે આ પ્રમાણે વિતરણ કાર્ય કર્યું હતું.

ચેંગલપટ્ટુ જિલ્લાના ૪ ગામના માચ્છીમારોને ૧૭ હોડીઓ, ૨૧ ફીશીંગનેટ આપી હતી અને એ દ્વારા ૮૫ કુટુંબને પોતાનો વ્યવસાય પુન: શરૂ કરવાની તક મળી છે. કુદાલોર જિલ્લાના ૩ ગામના માચ્છીમારોને ૫૭ હોડીઓ, ૨૨ ફીશીંગનેટ, ૧૦૪ જમીનના પ્લોટ આપવામાં આવ્યા છે અને એના દ્વારા ૩૮૨ કુટુંબોને રોજીરોટી સાંપડી છે. કાંચીપુરમ જિલ્લાના ૩ ગામડા કન્યાકુમારી ૧ ગામડાના ૨૯ માછીમારોને ૨ હોડીઓ આપવામાં આવી છે અને તેના દ્વારા ૧૧૭ કુટુંબીઓને સહાય મળે છે. નાગપટ્ટીનમ જિલ્લાના ૮ ગામડાના માચ્છીમારોને ૨૪૦ હોડીઓ, ૧૧ ફીશીંગ બોટ, ઉપરાંત ૩૧ શીવણ મશીન અને વિકલાંગને એક સાઈકલ આપવામાં આવી છે. એના દ્વારા ૪૮૪ કુટુંબોને સ્વરોજગારી મળી છે. આ ઉપરાંત કન્યાકુમારીના કોલાચેર ગામમાં ૨ બાઈસીકલ આપવામાં આવી છે.ઉપર્યુક્ત સેવા કાર્ય રામકૃષ્ણ મઠ ચેન્નઈ દ્વારા થયું હતું.

કેરાલાના રામકૃષ્ણ આશ્રમ, કાલાડી દ્વારા એર્નાકુલમ જિલ્લાના કોચીન પાસેના ગામમાં ૧ યંત્ર હોડી, ૯૦૦ કિલો ફીશીંગ નેટ, ૧૬ હોડીઓનું વિતરણ કાર્ય થયું હતું. એનાથી ૧૮૭ કુટુંબોને લાભ મળ્યો છે. શ્રીલંકાના બાટીકોલોઆ કેન્દ્ર દ્વારા ૩૫ સાઈકલો, ૯ ફાઈબર ગ્લાસની બોટ, ૧૪ શીવણ યંત્રનું વિતરણ થયું છે.

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા જલધારા યોજના

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના સોંઠા ગામે તા. ૧૪-૫-૨૦૦૫ ને શનિવારે તથા લીંબડી તાલુકાના ધલવાણા ગામ ખાતે તા. ૧૫-૫-૨૦૦૫ ને રવિવારે જલધારા યોજના હેઠળ તળાવ ગાળવાનો કાર્યક્રમ યોજાઈ ગયો. અગાઉ ૨૩ ગામમાં આવી કામગીરી બાદ આ અનુક્રમે ૨૪ તથા ૨૫ મા ગામને જલધારા યોજનાનો લાભ મળશે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ

વાર્ષિક મહોત્સવ – ૨૦૦૫

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ ૧૧ જૂન, શનિવારથી ૧૯ જૂન, રવિવાર સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમના ‘વિવેક’ના સભાગૃહમાં નીચે પ્રમાણે યોજાશે.

સવારના કાર્યક્રમો

૧૧ થી ૧૫ જૂન,૨૦૦૫, દરરોજ સવારે ૭.૩૦ વાગ્યે સ્વામી ત્યાગાત્માનંદ દ્વારા શ્રીરામચરિત માનસ રહેશે. ૧૬-૧૭ જૂન, સવારે ૭.૩૦ વાગ્યે સ્વામી સત્યરૂપાનંદ દ્વારા ગીતામાં વર્ણવેલ મુક્તપુરુષનાં લક્ષણો પર પ્રવચન રહેશે. ૧૬ જૂન, સવારે ૯ થી ૧ સુધી ‘વિદ્યાર્થીઓનો સર્વાંગીણ વિકાસ અને શિક્ષકોનું કર્તવ્ય’ વિશે એક શિક્ષણ સેમિનાર અગાઉથી નોંધાયેલ શિક્ષકો માટે યોજાયો છે. ૧૮-૧૯ જૂનના રોજ સવારે ૮ થી ૧૨ અગાઉથી નોંધાયેલ ભક્તજનો માટે આધ્યાત્મિક શિબિર યોજાઈ છે.

સાંજના કાર્યક્રમો

૧૧ થી ૧૩ જૂન, દરરોજ સાંજે ૭.૦૦ વાગ્યે સ્વામી દિવ્યવ્રતાનંદનાં ભજનો. ૧૪,જૂન, એસ.એન. કણસાગરા વિદ્યાલયના છાત્રો, તેમજ ૧૫,૧૬ જૂન, સાંજે ૭.૦૦ વાગ્યે જોધપુરના ડો. રાજેન્દ્ર વૈષ્ણવનાં ભજનો યોજાશે. ૧૭ જૂન, સાંજે ૬.૩૦ વાગ્યે ‘આજના યુગ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’ પર સ્વામી ત્યાગાત્માનંદ, સ્વામી ધ્રુવેશાનંદ, સ્વામી નિખિલેશ્વરાનંદ તથા શ્રી નરેશવૈદ્યનાં પ્રવચન રહેશે. ૧૮ જૂન, સાંજે ૬.૩૦ વાગ્યે ‘આધુનિક યુગ માટે શ્રીમાનો સંદેશ’ પર સ્વામી ત્યાગાત્માનંદ, સ્વામી ધ્રુવેશાનંદ, સ્વામી નિખિલેશ્વરાનંદ તથા શ્રી નરેશવૈદ્યનાં પ્રવચન રહેશે. ૧૯ જૂન, સાંજે ૬.૩૦ વાગ્યે ‘શ્રીરામકૃષ્ણ-જીવન અને સંદેશ’ પર મઠ-મિશનના સંન્યાસીઓ દ્વારા પ્રવચન રહેશે.

Total Views: 54

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.