શ્રીમાની વ્યાવહારિક બુદ્ધિમત્તા

ગૃહસ્થ ભક્તોના સંસારમાં બેદરકારી કે અસ્તવ્યસ્તતા શ્રીમાને ન ગમતી. પોતાના બધા સંતાનો માટે આ જ એક મુખ્ય શીખામણ હતી – ભગવાનનો જ સંસાર છે અને અહીં એમણે આપણને જે કાર્યમાં રાખ્યા છે એના પર આધાર રાખીને એ કાર્ય પૂરેપૂરું સારી રીતે સંપન્ન કરવાના સતત પ્રયાસ કરવા જોઈએ. ભક્તોને શ્રીમા ઉપદેશ આપતાં: ‘દુ:ખકષ્ટ હોય તો શ્રીઠાકુરને પોકારો, તેઓ રસ્તો બતાવશે.’ પોતાના કર્તવ્યથી ભાગનારા વ્યક્તિ માટે શ્રીમા દુ:ખ પ્રગટ કરીને કહેતાં: ‘શ્રીઠાકુરને તો પોતાના ધોતિયાની યે પડી ન હતી, પરંતુ મારા માટે કેટલી બધી ચિંતા કરતા!’ તેઓ કહેતાં કે શ્રીઠાકુર એમની ખૂબ સંભાળ લેતા. ક્યાં રહેશે, ખાવાપીવા, પહેરવાનું કેવી રીતે ચાલશે એ માટે ચિંતિત બનીને શ્રીઠાકુર પોતાના ખાસ ખાસ ભક્તોને કહેતા: ‘કેમ ભાઈ, છસો સાતસો રૂપિયા હોય તો ગામડામાં એક સ્ત્રીનું ગુજરાન ચાલી શકે ને!’ શ્રીમાએ કહ્યું હતું: ‘શ્રીઠાકુરે એ માટે કેટલાક રૂપિયાની વ્યવસ્થા પણ કરી દીધી હતી.’ શ્રીમાને એક દિવસ ઠાકુરે પૂછ્યું: ‘વારુ, પેલા રૂપિયા ક્યાં રાખ્યા છે?’ શ્રીમાએ કહ્યું: ‘મસાલાની હાંડીમાં.’ શ્રીઠાકુર વ્યગ્ર થઈને બોલ્યા: ‘રૂપિયા શું આમ રખાય!’ થોડા રૂપિયા ભેગા થયા હતા (કહેવાય છે કે છસો સાતસો રૂપિયા ભેગા થયા હતા). પછી આ પૂંજી બલરામ બોઝની જમીનદારીના દફતરમાં જમા થઈ હતી અને શ્રીમાને વ્યાજના રૂપે દર મહિને ૬ રૂપિયા મળતા. આ વિશે પોતાને માટેની શ્રીઠાકુરની ચિંતાનો ઉલ્લેખ કરીને શ્રીમા હસતાં હસતાં કહેતાં: ‘જુઓને ભાઈ, એમની ઇચ્છાથી કેટલા રૂપિયા આવે છે ને જાય છે.’ કામારપુકુરમાં વહેંચણીમાં શ્રીમાને શ્રીઠાકુરનું ઘર મળ્યું હતું; શ્રીઠાકુરે એમને એ ઘર ન છોડવાનું તેમજ એ ઘરને સુરક્ષિત રાખવાનું કહ્યું. એમણે સદૈવ એ ઘરને વ્યવસ્થિત સમારકામ કરી-કરાવીને સુરક્ષિત રાખ્યું. તેઓ પોતાના અંતિમ દિવસોમાં એ ઘરમાં રહી ન શક્યાં. જ્યારે એ ઘર ખાલી રહેતું ત્યારે પોતાના કામારપુકુરના દર્શનાર્થી શિષ્યોને ત્યાં રાતવાસો કરવા કહેતાં. સદૈવ પરમાત્મામાં મન રાખનારાં, ત્યાગના જીવતાં જાગતાં મૂર્તિમંત સ્વરૂપ એવાં આ અદ્‌ભુત સંન્યાસિનીનાં વ્યાવહારિક સંસાર જ્ઞાન અને વર્તનને જોઈને આશ્ચર્યચકિત થઈ જવાતું. દેહધારી જીવને કેવી રીતે સંસારયાત્રા કરવી જોઈએ એ શીખવવા માટે એમણે આ દેહ ધારણ કર્યો હતો એવું લાગે છે. એમણે પોતે જ બધું કરીને એ બતાવી દીધું કે કોઈ પણ કાર્ય કરીએ ત્યારે સોળ આના મન લગાડીને કરવું. એમણે એમ પણ શીખવ્યું કે જેમ સંસારની એક માત્ર સારવસ્તુ શ્રી ભગવાનનું ભજન પૂર્ણ મનોયોગથી એકાગ્રચિત્તે કરવું જોઈએ એવી જ રીતે સંસારને અસાર સમજીએ છતાં પણ જ્યાં સુધી આ દેહ છે ત્યાં સુધી તેનું સારી રીતે રક્ષણ કરવું જોઈએ. બને ત્યાં સુધી બીજા કોઈને દુ:ખકષ્ટ પહોંચાડ્યા વિના સમજી વિચારીને જીવનયાત્રાનો નિર્વાહ કરવો જોઈએ.

શ્રીમાની વ્યવહારકુશળતાનું પ્રથમ દૃષ્ટાંત

અગાઉ લખ્યા પ્રમાણે કોઈ સંતાનનો સેવા માટે વિશેષ આગ્રહ જોઈને શ્રીમાએ મૂલ્યવાન વસ્ત્રો પાછળ પૈસા ન ખર્ચીને સાધુભક્તોની સેવા માટે અનાજ આપતી જમીન ખરીદી લેવા કહ્યું હતું. મામાના ઘર સાથે સંલગ્ન કોલુપુકુરના કિનારે આવેલ જમીનના ટૂકડાના વેંચાણની વાત હતી. એ જમીન સો રૂપિયા કે તેટલી રકમમાં લેવાની ચર્ચા થઈ અને ભક્તે ખુશીથી રૂપિયા પણ મોકલાવી દીધા. પરંતુ પાછળથી વેંચનારનો વિચાર બદલ્યો અને એ જમીન વેંચવા તૈયાર ન થયો. શ્રીમાએ થોડા દિવસો પછી આ વિશે થોડુંઘણું જાણતા હતા એવા એક ભક્તસંતાનને આમ લખ્યું: ‘બેટા, જમીન ખરીદવાનું તો હવે ન થયું. રૂપિયા હાથમાં રહે તો વપરાય જાય એટલે કોઆલપાડામાં કમોદ ખરીદવા કેદારને મોકલાવી દીધા છે; આ વખતે કમોદ ઘણી સસ્તી છે. જ્યારે જરૂરત પડશે ત્યારે કમોદ વેંચીને રૂપિયા મળી જશે. એમાં થોડાંક ઉમેરીને કમોદ ખરીદવા બસ્સો રૂપિયા પૂરા કરી દીધા છે.’ સુવિધા અનુસાર જમીન ન મળવાથી એની ખરીદી થઈ ન શકી. પરંતુ થોડા સમય પછી જ્યારે એ કમોદનો ઉપયોગ થયો ત્યાં સુધીમાં એનો ભાવ ચારગણો વધી ગયો હતો. પછીથી શ્રીમાની કૃપાથી જયરામવાટીમાં એમની અને સાધુ ભક્તોની સેવા માટે ચોખા ઉપજાવતી જમીનની વ્યવસ્થા થઈ ગઈ.

શ્રીમાની વ્યવહારકુશળતાનું બીજું દૃષ્ટાંત

જયરામવાટીમાં નવું મકાન બનવાથી ગ્રામપંચાયતે એના પર ચોકીદાર ટેકસ લગાવ્યો હતો. શ્રીમાની અનુપસ્થિતિમાં પહેલે વર્ષે એક શિષ્ય સંતાને જે એ સમયે ત્યાં હતા તેણે ચાર રૂપિયા વાર્ષિક ટેકસ ભરી પણ દીધો. એના પછીના વર્ષે શ્રીમા ગામમાં જ હતાં. ટેકસ લેવા માટે આવતા શ્રીમાએ ત્યાં હાજર શિષ્યસંતાનને ટેકસ બંધ કરવા માટે આદેશ આપ્યો અને શ્રીમાએ એમને કહ્યું : ‘અત્યારે હું અહીં છું, ભલે ટેકસના પૈસા દઈ દીધા હોય, પરંતુ પછીથી જે સાધુ-બ્રહ્મચારી રહેશે એને તો લગભગ ભિક્ષા માગીને ખાવું પડે. તે પૈસા ક્યાંથી લઈ આવશે. ટેકસ બંધ કરવાનો પ્રયાસ કરો.’ તેને માટે શ્રીમાએ વિશેષ વિનંતી સાથે પોતાને નામે એક અરજી લખાવીને એ શિષ્યસંતાનને પ્રેસિડન્ટ પાસે મોકલ્યો. એ વરસે ભલે ટેકસ આપવો પડ્યો પણ હવે પછીથી ટેકસ ભરવો નહીં પડે એવું વચન મળ્યું. બીજે વરસે ફરીથી શ્રીમાએ યોગ્ય સમયે એક શિષ્યસંતાનને ગ્રામ્ય પંચાયતમાં મોકલીને ટેકસ બંધ થયો કે કેમ એ વિષે તપાસ કરાવી.

શ્રીમાની વ્યવહારકુશળતાનું ત્રીજું દૃષ્ટાંત

પ્રત્યેક વર્ષે જે સમયે આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે ચોખા, દાળ, ગોળ વગેરે- સસ્તી અને સારી મળતી હોય, એ સમયે શ્રીમા એ બધું ખરીદી લેવાની વ્યવસ્થા કરતાં. વરસાદ પહેલાં બળતણના લાકડાં લઈ રાખવાં, ઘરબારની મરામત પણ કરાવી લેવી, છજાંબજાં વગેરે ઠીક કરી લેવાં, આ બધાં કામ તેઓ વ્યવસ્થિત રીતે કરાવી લેતાં. પછી તેઓ છાણમાંથી છાણા થાપતાં. કોઈ વસ્તુ નિરર્થક ન જાય તેનો તેઓ ખ્યાલ રાખતાં. પાર્સલ પેકેટના કાગળ વગેરેને પણ સંભાળીને રખાવતાં, એને લીધે એનો સમયાનુસાર ઉપયોગ થઈ શક્તો. શાકભાજી તથા ફળની છાલ, ભાતનું ઓસામણ વગેરે ગાયને અપાય છે કે કેમ તેનું તેઓ ધ્યાન રાખતાં. ગરીબ દુ:ખી કોઈ ન આવે અને બચેલું અન્ન નાશ ન પામે એટલે તે પણ ગાયને ખવડાવી દેવાય એની વ્યવસ્થા કરતાં. આ બધાં કાર્યોમાં ગોલાપમાની સતર્કદૃષ્ટિ અને સુવ્યવસ્થાની પ્રશંસા કરતાં મા બીજાને બોધજ્ઞાન આપવા માટે કહેતાં. ‘ગોલાપ મારી કોઈ ચીજવસ્તુ બગડવા નહીં દે.’ શેરડીના છોતલાંને પણ સૂકવી રાખશે, જે અગ્નિ પ્રગટાવવામાં કામ આવી શકે છે.’

શ્રીમાના પત્રો : થોડું વધારે તથ્ય

એમના શિષ્યસંતાન પ્રત્યેક મહિને અને કેટલાક તો વચ્ચે વચ્ચે શ્રીમાની સેવા માટે પૈસા મોકલતા રહેતા. માસ્ટર મહાશય દર મહિને નિયમિતરૂપે દસ રૂપિયા મોકલતા, ક્યારેક ક્યારેક વધુ પણ ખરા. મનિઓર્ડર કુપનમાં એ લોકો પોતાનું નિવેદન લખતા અને પ્રણામ પણ પાઠવતા. શ્રીમા એ બધાના સુયોગ્ય ઉત્તર અપાવતાં. શ્રીમાના અંગૂઠાનું નિશાન જોઈને અને એમના શુભાશીર્વાદ મેળવીને બધાને વિશેષ તૃપ્તિ અને આનંદ થતાં. એકવાર એક નાની બાળકીએ શ્રીમાને પત્ર લખ્યો અને એની સાથે સ્વરચિત ‘માની સ્તુતિ’ નામની કવિતા પણ મોકલી. કેટલાંય કામમાં વ્યસ્ત હોવાને લીધે શ્રીમાને આ પત્રનો પ્રત્યુત્તર આપવામાં મોડું થયું. એ દરમિયાન પેલી બાલિકાએ એક વધુ પત્ર લખીને શ્રીમાને એમનો પહેલો પત્ર અને કવિતા મળી છે કે નહીં એ શ્રીમા પાસેથી જાણવા માગ્યું. શ્રીમાએ આ પત્ર સાંભળીને મૃદુ હાસ્ય સાથે કહ્યું : ‘પ્રશંસા સાંભળવા ઇચ્છે છે.’ તરત જ જવાબ પાઠવ્યો. કવિતા મળવાના ખબર, તેની પ્રશંસા કરતો અને પ્રસન્નતા વ્યક્ત કરતો તેમજ શુભાશીર્વાદ પાઠવતો પત્ર લખાવ્યો.

એક ભક્ત નિત્ય પૈસા મોકલાવે છે અને દૂર રહેવા છતાં પણ શ્રીમાને ત્યાં આવતો જતો રહે છે. શ્રીમાના ઘરના કામકાજ માટે અને ભક્ત સંતાનો માટે પણ પોતાની શક્તિ પ્રમાણે ખર્ચ કરે છે. શ્રીમા અને એમના મકાન માટે એ ભક્તનું આંતરિક આકર્ષણ જોવા મળે છે. એ જ્યાં નોકરી કરે છે એનાથી એને વધુ પગાર મળતો નથી, એટલે પૂરાં સંતોષ સાથે પૈસા ન ખર્ચી શકવાથી તેને ક્ષોભ થાય છે. એણે શ્રીમાને એક પત્ર લખીને જણાવ્યું કે, એક બીજી નોકરી મળવાની સંભવના છે, એમાંથી વધારે પગાર મળશે. તે આ નવી નોકરી માટે પ્રયત્ન કરે કે ન કરે એમ એણે પૂછાવ્યું. જે નોકરીમાં અત્યારે છે તેમાં જો કે આવક ઓછી છે પણ ઘણાં વખતથી એમાં હોવાને કારણે બધાંની સાથે એની ઓળખાણ છે ને એટલે સુખ અને શાંતિથી એનો સમય પસાર થઈ રહ્યો છે. નવી નોકરીમાં આવક વધશે અને પોતાની ઇચ્છા પ્રમાણે, રૂપિયા વાપરી શકશે. પણ એને એ ભય છે કે કોણ જાણે કેવા લોકો સાથે કામ કરવું પડશે. એનાથી ક્યાંક દુ:ખ અને અશાંતિ વધી નહીં જાય? આ બધી ચિંતા એના મનમાં હતી. તેણે શ્રીમાનો અભિપ્રાય જાણવાની વિનંતી કરી. શ્રીમાએ બરાબર પત્ર સાંભળ્યો, એના પર વિચાર કર્યો અને પછી કહ્યું : ‘જે આવક છે એમાં શ્રીઠાકુરની કૃપાથી બધું સારું ચાલે છે; રૂપિયા પૈસા માટે નવા સ્થાને જઈને અજાણ્યા લોકોની વચ્ચે વળી પાછા દુ:ખ અશાંતિ વધી ન જાય (એ જોવું), સંતોષ રાખીને જ્યાં છો ત્યાં જ પડ્યા રહેવું બરાબર લાગે છે. એ પ્રમાણે લખી નાખજો.’

શ્રીમાના એક શિષ્ય સંતાને લખ્યું કે પોતે લગ્ન નહીં કરે અને ત્યાગપથ પર જીવન વિતાવવા માટે દૃઢસંકલ્પ કરેલ છે. પરંતુ એના પિતા એના પ્રચંડ વિરોધી છે અને તેઓ અનેક ઉપાયો કરીને તેને સંસાર તરફ ખેંચી રાખીને તેમાં ડુબાડી દેવાના પ્રયત્ન કરી રહ્યા છે. પત્રની કરુણ ગાથા સાંભળીને શ્રીમાનું હૃદય ગળી ગયું. અશ્રુપૂર્ણનેત્રે કહેવા લાગ્યાં : ‘જુઓ તો, બાપ બનીને દીકરાના માથે કુહાડી મારવા ઇચ્છે છે, છોકરાનો સર્વનાશ કરવા ઇચ્છે છે. છોકરો દુ:ખમાં આ બધું લખી રહ્યો છે.’ શ્રીમાએ એ છોકરાને આશ્વાસન સાથે આશીર્વાદ આપતો પ્રત્યુત્તર પાઠવ્યો. એમની કૃપાથી છોકરાની બધી વિપત્તિ દૂર થઈ. ધીરે ધીરે પિતાની બુદ્ધિમાં પરિવર્તન આવ્યું. તેઓ પુત્ર પર પ્રસન્ન થયા અને એના ધર્મપથમાં સહાયક બન્યા તેમજ પુત્રે પણ પોતાના વૃદ્ધ પિતાની પ્રાણપણે સેવા-શુશ્રૂષા કરીને શેષ સમયે એમના સ્નેહ અને શુભાશીર્વાદ પ્રાપ્ત કર્યા.

એક સજ્જને પત્રમાં લખ્યું કે, તેઓ વૃદ્ધ બ્રાહ્મણ છે. પોતાના જે પુત્રને એમણે ભણાવી ગણાવીને મનુષ્ય બનાવ્યો, જેના પર એમણે એવો ભરોસો રાખ્યો કે બે પૈસા કમાઈને તે એમની સારસંભાળ લેશે. એણે થોડા દિવસ પહેલાં માતાજી પાસેથી દીક્ષા લીધી છે અને સંન્યાસી બનવાના ઉદ્દેશ્ય સાથે પોતાનાં માતા-પિતાનો ત્યાગ કરીને એક આશ્રમમાં ચાલ્યો ગયો છે. એમની જન્મદાતા મા શોકથી પથારીવશ થઈ ગઈ છે. તેઓ પોતે વૃદ્ધ અને અસહાય છે અને એમને આંખે ઓછું દેખાય છે. એમણે પત્રમાં અત્યંત કરુણ ભાષામાં પોતાની રામકહાણી લખી હતી અને પુત્રને પાછો અપાવવા પ્રાર્થના કરી છે. પત્ર સાંભળીને શ્રીમાએ દુ:ખ પ્રગટ કર્યું અને કહેવા લાગ્યાં : ‘અરેરે! કોણ જાણે એ વૃદ્ધ બ્રાહ્મણ કેટકેટલા શાપ દેતો હશે! શાપ દેવાની જ વાત છે ને? કેટલાં કષ્ટ સહન કરીને, કેટકેટલાં આશા અને વિશ્વાસ સાથે છોકરાને માનવ બનાવ્યો અને હવે એ અચાનક ભાગી ગયો!’ વૃદ્ધ બ્રાહ્મણને ઘણી સાંત્વના દેતો પ્રત્યુત્તર લખાવ્યો. શ્રીમાએ એમને જણાવ્યું કે એ વિશે તેઓ પોતે કંઈ જાણતા નથી, છોકરાએ એમને કંઈ બતાવ્યું નથી. તે પોતાની ઇચ્છાથી જ સંન્યાસી થયો છે. હવે તેઓ શું કરે, આ બાબતમાં એમનો કોઈ દોષ નથી. ભગવાન સમક્ષ કરુણા ભાવે પ્રાર્થના કરવા માટે જણાવ્યું અને વધુમાં લખ્યું કે, ભગવાન અવશ્ય એમની રક્ષા કરશે; એટલે તેઓ પોતાની આ ખોટી ચિંતાનો ત્યાગ કરે. પછીથી શ્રીમા પત્ર લેખક-સંતાનને (સ્વામી સારદેશાનંદ) સંબોધન કરીને બોલ્યાં : ‘બેટા! આ મૂરખ છોકરા અચાનક આવું કેમ કરી બેસે છે. એનાથી તેઓ પોતાનાં માબાપને પણ કષ્ટ પહોંચાડે છે અને પોતે પણ દુ:ખ સહન કરે છે! થોડા સમય સુધી આશ્રમમાં આવતાંજતાં રહેવું જોઈએ; થોડો સમય સાધુઓ સાથે રહેવું જોઈએ. એનાથી ધીમે ધીમે માબાપથી સહન થઈ જાય છે, એનાથી આ છોકરાની મતિગતિ કેવી છે એ એમની સમજમાં આવી જાય છે. પછી એ છોડીને ચાલ્યો જાય તો પણ મનમાં એટલું બધું દુ:ખ કે માઠું લાગતું નથી.’ શ્રીમાના એ શિષ્યને ત્યારે ભલે એના ઘરે પાછા ફરવું પડવું હોય પણ થોડો સમય માતપિતાની નજીક રહીને ધીરે ધીરે એમની સંમતિ મેળવીને સંસારત્યાગ કર્યો. જ્યાં સુધી એ લોકો જીવતાં રહ્યાં તે એમના કુશળક્ષેમ પૂછતો રહ્યો, વચ્ચે વચ્ચે એમને મળવા પણ જતો અને આ રીતે સ્નેહપ્રેમનો સંબંધ એણે બરાબર જાળવી રાખ્યો. 

શ્રીમાના એક વિશેષ શિષ્યે પોતાના કોઈ કાર્યની સફળતા માટે શ્રીમાના શુભાશીર્વાદ માટે પ્રાર્થના કરી. એમણે ઘણા વખત પહેલાં શ્રીમાના ગામે જઈને એમની પાસેથી દીક્ષા લીધી હતી. ત્યાર પછી તે એકવાર જયરામવાટી આવ્યો હતો અને શ્રીમાનાં શ્રીચરણ સમીપ રહીને સ્વરચિત મનોહર ગીતોથી શ્રીમાના મનનું રંજન કર્યું હતું. તે અનેક રીતે શ્રીઠાકુરના જીવનસંદેશના પ્રચાર-પ્રસારના કાર્યમાં લાગી ગયો હતો. પોતાના આ કાર્યમાં સફળતા પ્રાપ્ત કરવાની આશા સાથે શ્રીમાની પાસે શુભાશીર્વાદની પ્રાર્થના કરી હતી. શ્રીમાએ પત્ર સાંભળ્યો, પોતાના સ્નેહાશિષ પાઠવ્યા અને ‘શ્રીઠાકુરની કૃપાથી તમારી ઇચ્છા પૂર્ણ થાઓ.’ એમ લખાવ્યું પણ ખરું. ત્યાર પછી લેખક સંતાનને કહેતા હોય એવી રીતે મૃદુ સ્વરે કહ્યું : ‘એમની ઇચ્છાથી જ બધું થશે.’

ઢાકામાં આવેલ રામકૃષ્ણ મિશનના કેટલાંક ભક્તોના નામ સાથે એક છપાયેલો પત્ર જયરામવાટી આવ્યો. એમાં શ્રીમાને પૂર્વબંગ (આજનું બાંગ્લાદેશ) લઈ જવાનું આયોજન થઈ રહ્યું છે એમ સૂચવ્યું હતું. કોઈ ભક્તે જ્યારે આ વાત શ્રીમા સમક્ષ ઉપાડી ત્યારે શ્રીમાએ એ વિશે પોતાની અજ્ઞતા પ્રગટ કરીને હસતાં હસતાં કહ્યું: ‘ફંડ-ફાળો ભેગો કરશે ને?’ અને એ પત્રનો ઉદ્દેશ્ય ખરેખર આવો જ હતો, શ્રીમાના પ્રવાસનો ખર્ચ ઊભો કરવા માટેનો. શ્રીમાની આવી સૂક્ષ્મ દૃષ્ટિ જોઈને શિષ્ય તો આશ્ચર્ય સાથે નીરવ થઈ ગયો. શ્રીમા કહેવા લાગ્યાં : ‘બેટા! સામાન્ય લોકો તો તમાશામાં જ મસ્ત રહે છે! માત્ર તમાશો અને તમાશો જ! અને વળી ફંડ-ફાળા! જુઓને શ્રીઠાકુરની સાથે એક નવો તમાશો ઊભો થયો છે!’ મોટાભાગના ભક્તો શ્રીમાને પોતપોતાના પ્રાંત-પ્રદેશમાં લઈ જવા માટે અંતરની અભિલાષા રાખતા અને સમયે સમયે તેઓ વિશેષ આગ્રહ કરીને એવું આયોજન કરવાની ચેષ્ટા પણ કરતા; પરંતુ એમની આ ઇચ્છા પૂર્ણ થવી એ ઘણું કઠિન કાર્ય હતું. શ્રીમાને વિનંતી કરતાં તેઓ કહેતાં : ‘બેટા! હું શું જાણું! ઠાકુરની જેવી ઇચ્છા, જ્યાં જ્યારે રાખે!’ વધુ આગ્રહ થાય તો તેઓ કહેતાં : ‘શરત્‌ને પૂછો!’ અને શરત્‌ મહારાજ (સ્વામી સારદાનંદ) કંઈક કહેતાં જ નહીં. એમણે કેટલાં દુ:ખ કષ્ટ વેઠીને ‘ઉદ્‌બોધન’નું મકાન બનાવ્યું હતું, મનમાં એવી તીવ્ર ઇચ્છા હતી કે શ્રીમાને ત્યાં રાખીને એમની સેવા કરે, પણ તે જ સહજમાં પૂર્ણ થતી ન હતી.

શ્રીમાની દીક્ષાદાનવિધિની અપૂર્વતા

ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચતુર્વર્ગ-ચાર પુરુષાર્થના નામે પ્રસિદ્ધ છે બાળપણથી જ આપણને શિક્ષણ આપવામાં આવે છે કે આ ચાર પુરુષાર્થની પ્રાપ્તિ એ જ માનવજીવનનો ઉદ્દેશ્ય છે. સાધારણ મનુષ્ય આ શબ્દોને સાંભળે તો છે પણ એના મર્મને એ જરાય સમજી શક્તો નથી. તે મનમાં ને મનમાં વિચારતો રહે છે કે સુખશાંતિથી જીવન વિતાવવું એ જ જીવનનો ઉદ્દેશ્ય છે અને આ ઉદ્દેશ્યની પૂર્તિ માટે એમના બધાં પ્રયત્નો અને પુરુષાર્થો થતા રહે છે. માતપિતા બાળપણથી જ પોતાનાં દીકરીદીકરાઓને કેવી રીતે રહેવાથી એ લોકો સુખશાંતિથી રહી શકશે એની કેળવણી આપે છે. પરંતુ અફસોસ! કેટલા લોકો સુખશાંતિથી જીવન વિતાવી શકે છે? સંસારમાં અનેક વિદ્વાન, બુદ્ધિમાન મહાન લોકો જોવા મળે છે. તેઓ પણ લોકોને સુખશાંતિ પ્રાપ્ત કરવા માટે ભિન્ન ભિન્ન માર્ગો બતાવે છે. પરંતુ પોતાના દુર્ભાગ્યને કારણે સાધારણ મનુષ્ય એમના ઉપદેશોને પૂર્ણ રીતે કાર્યમાં પરિણત કરવામાં અશક્ત હોવાને લીધે તેઓ બધા સુખશાંતિ મેળવી શકતા નથી.

શ્રીમા પાસે ઘણાં સ્ત્રીપુરુષો આવતાં. એમાં શંકા નથી કે તેઓ સુખશાંતિ મેળવવાની ઇચ્છાથી જ આવતાં. અને એવું જોવા મળતું કે શ્રીમા પણ એમના મનોભાવને જાણીને એમની માનસિક અવસ્થા પ્રમાણે અલગ અલગ વ્યવસ્થા-સૂચન કરતાં. આધ્યાત્મિક રાજ્યમાં એને ગુરુશિષ્યસંબંધ અને દીક્ષાદાનના નામે ઓળખાય છે. શ્રીમાનું દીક્ષાદાન પણ વિચિત્ર હતું. સંસારમાં આપણે લોકો બાહ્યઆડંબર ઐશ્વર્ય જોઈને મોટાં મોટાં કાર્યોના માપદંડ નક્કી કરીએ છીએ. એટલે દીક્ષાનું કાર્ય પણ સાધારણત: સમારોહના રૂપે થતું હોય છે. શ્રીમાના શિષ્યસંતાન પણ જો કે સૌ પ્રથમ તો આ પ્રકારના થોડા ઐશ્વર્ય ભાવ સાથે દીક્ષા માટે આગળ આવે છે. આમ હોવા છતાં પણ એમના કાનમાં જેવા શ્રીમાના ‘બેટા! આવ.’ સ્નેહભર્યા શબ્દો પ્રવેશે કે તરત જ એમનો બધો ઐશ્વર્યભાવ દૂર થઈ જતો અને તેઓ ક્યારેય ન અનુભવેલા માધુર્યના રાજ્યમાં પ્રવેશી જતા. પથ ભૂલેલા દિગ્ભ્રમિત સંતાન શ્રીમાને મેળવતા અને એમનો સુખશાંતિ મેળવવાનો માર્ગ ખુલ્લો થઈ જતો. તમે મા છો, હું સંતાન છું- એવો નિત્યસંબંધ જાણીને હૃદય આનંદથી પ્રફુલ્લિત થઈ જતું. પછી દુ:ખ, કષ્ટ અને ત્રિતાપ જ્વાલા ક્યાં રહેવાનાં! સંતાન એક ક્ષણે જ માતૃસ્નેહની ભીતરથી જે અપાર્થિવ વસ્તુ મેળવતા તે એમના જીવનપથનું પાથેય બની જતી અને સદાને માટે એ સંચિતવસ્તુ બની જતી. પ્રારબ્ધ કર્મ સંસાર સમુદ્રમાં એને ગોથાં ખવરાવતાં હતાં, અહીંતહીં ફેંકાઈ રહ્યા હતા, સ્મૃતિ વિભ્રમિત થઈ ચૂકી હતી- એવું લાગતું હતું કે જાણે કોઈ આશા-કિનારો નથી. પરંતુ જેવો ‘બેટા! આવ.’ એવો સુમધુર, સ્નેહ ભરપૂર સ્વર ગૂંજી ઊઠતો કે તરત જ પ્રાણમાં શક્તિ આવી જતી અને આવી અભયવાણી અંતરમાં ઝંકૃત થઈ ઊઠતી : ‘ભય શું? જુઓ, શ્રીમા હાથ પસારી રહી છે, તેઓ પોતાના ખોળામાં લઈ લેશે.’ શ્રીમાની માધુર્યઘનમૂર્તિમાં ક્યાંય કોઈ આડંબર ન હતું. સંતાનોને રમકડાં દેવા, નવરાવવા, પહેરાવવા, જમાડવા જેવું જ હતું દીક્ષા દેવાનું કાર્ય, અત્યંત સહજ સરળ વાત હતી. શ્રીમા પોતાના સંતાનોને આટલું શીખવી દેતાં : ભગવાનને કેવી રીતે પોકારવા, એમનું ક્યાં રૂપે ધ્યાન કરવું, તેઓ આપણા કોણ છે, એમની સાથે આપણો ક્યો સંબંધ છે વગેરે. બસ આજ તો દીક્ષા હતી. શ્રીમાની અદ્‌ભુત દીક્ષા પ્રણાલિ જેમણે જેમણે જોઈ છે તેઓ અમારી આ વાતનો મર્મ બરાબર સમજી શકે છે.

(ક્રમશ:)

Total Views: 62

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.