ભારતમાં જ નહિ પણ જે સમગ્ર વિશ્વમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારા તરીકે ઓળખાય છે તે સનાતન વેદાંત ધર્મનું એક નવવિધાન છે. સ્વામી વિવેકાનંદના શબ્દોમાં ‘આ નવવિધાનના પ્રેરક ભગવાન શ્રીરામકૃષ્ણદેવ ભૂતકાળના સર્વ મહાન યુગધર્મપ્રવર્તકોનું નવસંસ્કરણ પામેલું પ્રકટ સ્વરૂપ છે.’ ૧૯મી સદીના છેલ્લા દાયકાઓમાં અને ૨૦મી સદીના પ્રારંભમાં ભારતમાં થયેલ આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક, ખાસ કરીને સાહિત્ય અને કલાના ક્ષેત્રમાં થયેલા નવપ્રસ્થાનમાં આ ભાવધારાનું મહત્ત્વનું પ્રદાન છે. 

શ્રીરામકૃષ્ણદેવ પોતાની અલૌકિક અંતર્દૃષ્ટિ દ્વારા નરેન્દ્રનાથ (સ્વામી વિવેકાનંદ) સાથેની પહેલી જ મુલાકાતમાં સમજી ગયા કે તેના જેવો ઉચ્ચ અધિકારી આધ્યાત્મિક રાજ્યમાં વિરલ હોય છે. શ્રીરામકૃષ્ણદેવ એ પણ જાણતા હતા કે અનેક કાળની એકઠી થયેલી ગ્લાનિને દૂર કરીને સનાતન ધર્મને યુગપ્રયોજન સાધનારો બનાવીને તેનું સંસ્થાપન કરવાના જે કાર્ય માટે શ્રીજગદંબાએ પોતાને નીમેલા છે, તેમાં ખાસ સહાય કરવા માટે જ નરેન્દ્રનાથે જન્મ ધારણ કર્યો છે. ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ના રચયિતા અને સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી સારદાનંદ નરેન્દ્રનાથ સાથેની પોતાની પહેલી મુલાકાત વખતે થયેલી સાહિત્ય વિષયક એક રસપ્રદ ચર્ચાને વાગોળતા લખે છે: 

‘અમારા સાહિત્યપ્રેમી મિત્ર, એ યુવક (નરેન્દ્રનાથ)ની જોડે અંગ્રેજી તથા બંગસાહિત્ય વિશે જે ચર્ચામાં લાગી ગયેલા, તે અમે સાંભળવા લાગ્યા. ઊંચી કોટિનું સાહિત્ય વાસ્તવિકપણે ભાવપ્રકાશક હોવું જોઈએ એ બાબતમાં બંનેએ ઘણે ભાગે એકમત થઈને ચર્ચાની શરૂઆત કરી, પણ તે છતાં માનવજીવનનાં ગમે તે પ્રકારના ભાવને પ્રદર્શિત કરનારી રચનાને સાહિત્યનું નામ આપવું યોગ્ય છે કે નહિ, એ વિશે બંનેમાં મતભેદ ઊભો થયો. અમને યાદ આવે છે ત્યાં લગી, તમામ પ્રકારના ભાવોને પ્રગટ કરનાર કૃતિને સાહિત્યની શ્રેણીમાં મૂકવાનો પક્ષ અમારા મિત્રે લીધેલો, અને યુવક (નરેન્દ્રનાથ) એ પક્ષનું ખંડન કરીને એમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો કે, સારા કે ખરાબ કોઈપણ પ્રકારના ભાવને વાસ્તવિકપણે રજૂ કર્યા પછી પણ જો એ રચના સુરુચિસંપન્ન અને કોઈક જાતના ઉચ્ચ આદર્શને પ્રસ્થાપિત કરનાર ન બને, તો એની ગણના કદી પણ ઉચ્ચકોટિના સાહિત્યમાં કરી શકાય નહિ. પોતાના પક્ષના સમર્થન માટે યુવકે (નરેન્દ્રનાથે) ત્યારે ‘ચોસર’થી માંડીને તે જેટલાં પણ પ્રસિદ્ધ અંગ્રેજી તથા બંગાળી સાહિત્યનાં પુસ્તકો છે તે બધાંનો ઉલ્લેખ કરીને એક પછી એકને લઈને દેખાડવા લાગ્યો કે એ બધાંએ એ પ્રમાણે કરીને જ સાહિત્યજગતમાં અમરત્વ પ્રાપ્ત કરેલું છે. ઉપસંહારમાં યુવકે કહેલું કે, ‘સારા અને ખરાબ તમામ પ્રકારના ભાવો અનુભવવા છતાં પણ, મનુષ્ય પોતાના અંતરના અમુક આદર્શને પ્રગટ કરવાના જ પ્રયત્નો સદા કરતો આવ્યો છે. એ વિશિષ્ટ આદર્શની અનુભૂતિ અને અભિવ્યક્તિને લીધે જ માણસ માણસની અંદર આટલો બધો ગુણવત્તાનો ફેર પડે છે. જોવામાં આવે છે કે, સાધારણ માણસ રૂપરસાદિના ભોગોને નિત્ય અને સત્ય માનીને એની પ્રાપ્તિને જ હંમેશા જીવનનો ઉદ્દેશ્ય ઠરાવીને નિશ્ચિંત થઈ બેઠો છે. They idealize what is apparently (ઉપલક નજરે જે ખરું જણાય છે તેને જ આદર્શ કરી મૂકે છે.) પશુઓની અને એમની વચમાં નહિ જેટલો જ ફરક હોય છે. એમના દ્વારા ઉચ્ચ કક્ષાનું સાહિત્ય કદી પણ સર્જાય નહિ.

બીજી એક શ્રેણીના એવા મનુષ્યો છે કે જે પહેલી નજરે કાયમી જણાતા ભોગસુખો વગેરેની પ્રાપ્તિ કરીને સંતુષ્ટ ન રહી શકવાથી ઊંચા ને ઊંચા આદર્શોની હૃદયમાં અનુભૂતિ કરી બધા બાહ્ય વિષયોને એ જ બીબામાં ઢાળવાના પ્રયાસોમાં મંડ્યા રહે છે. They want to realize the ideal. આ પ્રકારના માણસો જ સાચા સાહિત્યનું સર્જન કરતા રહે છે. એ પ્રકારના માણસોમાંથી પણ જે લોકો વળી સર્વોચ્ચ આદર્શને અવલંબીને એને જીવનમાં ઉતારવા માટે દોટ મૂકે છે, તેમને તો ઘણું કરીને સંસારની બહાર નીકળી જઈને ઊભા રહેવું પડે છે. એવા આદર્શને જીવનમાં પૂર્ણપણે ઉતારતાં એક ફક્ત દક્ષિણેશ્વરના પરમહંસદેવને જ જોયા છે – તેથી જ તેમના ઉપર શ્રદ્ધા રાખું છું.’ (શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ – ૫, પૃ.૯૧-૯૨)

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારામાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ હંમેશાં કેન્દ્ર સ્થાને રહ્યું છે. શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશ સૌ પ્રથમ ૧૮૮૯માં તેમની મહાસમાધિ બાદ ‘પરમહંસેર ઉક્તિ’ (પરમહંસના ઉપદેશ) એ શીર્ષક હેઠળ બંગાળીમાં એક પુસ્તક પ્રગટ થયું હતું. શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત (શ્રી મ.)એ લખેલ આ પુસ્તક ત્રણ ભાગમાં પ્રગટ થયેલ જેનો છેલ્લો ભાગ ૧૮૯૨માં પ્રગટ થયો હતો. સ્વામી વિવેકાનંદે પ્રથમ ભાગ વાંચીને ‘શ્રી મ.’ને પત્રમાં લખી જણાવ્યું, ‘તમે શ્રીઠાકુરને યોગ્ય રીતે પ્રસ્તુત કર્યા છે.’ પરંતુ કેટલાક વર્ષ પછી શ્રી ‘મ.’ને એમ લાગ્યું કે તેમાં શ્રીરામકૃષ્ણ સાથેની વાતચીતના પ્રસંગો પણ ઉમેરવા જોઈએ. તેથી તેમણે પુસ્તકને એક નવો જ આકાર આપ્યો. આની હસ્તપ્રતને સૌ પ્રથમવાર સાંભળનાર શ્રી શ્રીમા શારદાદેવી હતાં. તેમણે એક પત્ર દ્વારા શ્રી‘મ.’ને જણાવ્યું હતું: ‘તમારા મુખે તેનું વાચન સાંભળતી વખતે જાણે હું શ્રીઠાકુરને જ સાંભળતી હોઉં તેવું લાગેલું.’ શ્રીમાની પ્રેરણા અને આશીર્વાદથી શ્રી ‘મ.’એ કથામૃતને અંગ્રેજીમાં લખવાનું શરૂ કર્યું અને ૧૮૯૭ થી ચેન્નઈથી પ્રગટતાં ‘બ્રહ્મવાદિન’માં અને કોલકાતાના અંગ્રેજી માસિક ‘The Dawn’માં છપાયું. પણ શ્રીરામકૃષ્ણ તો બંગાળીમાં બોલતા તો પછી આ બધું પ્રથમ બંગાળીમાં શા માટે પ્રગટ ન કરવું? એ વિચારથી શ્રી ‘મ’એ શ્રેણીબદ્ધ લેખો બંગાળીમાં પ્રગટ કર્યા. ઠાકુરના એક શિષ્ય અને ‘ઉદ્‌બોધન’ બંગાળી સામયિકના તંત્રી સ્વામી ત્રિગુણાતીતાનંદે અત્યાર સુધીમાં બંગાળીમાં પ્રગટ થયેલા બધા લેખો એકઠા કરીને તેને પુસ્તકાકારે ‘શ્રી શ્રીરામકૃષ્ણ કથામૃત’ના શીર્ષક હેઠળ ૧૯૦૨ના શ્રીઠાકુરના જન્મદિવસે પ્રકાશિત કર્યા. પછીથી ગ્રંથાકારે તે છપાય તેની બધી જવાબદારી શ્રી ‘મ’ એ પોતે પોતાના ઉપર લઈ લીધી. સંપૂર્ણ કથામૃતનાં પાંચ પુસ્તક બન્યાં. પહેલો ભાગ ૧૯૦૨માં, બીજો ૧૯૦૪માં, ત્રીજો ૧૯૦૮માં અને ચોથો ૧૯૧૦માં એમ ચાર ભાગ પ્રકાશિત થયા. પાંચમો ભાગ ૧૯૩૨માં તેમના મૃત્યુ પહેલાં થોડા સમય પૂર્વે તેમણે પૂરો કર્યો અને તેમના મૃત્યુ બાદ અઢી મહિને તેનું પ્રકાશન થયું.

શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાએ સમગ્ર ભારત વર્ષ પર અને વિશ્વના અસંખ્ય દેશોમાં એક પ્રભાવક અસર પાડી હતી અને આજે પણ એ અસરની પ્રભાવક્તા એવી ને એવી જોવા મળે છે. ૨૦મી સદીના પ્રથમ દસકાથી જ ગુજરાતી ભાષામાં ઘણા લેખકોએ રામકૃષ્ણ-વિવેકાનંદની વાણીને ગુજરાતમાં લાવવાનું શ્રેયકાર્ય કર્યું છે.

૧૮૯૧-૯૨માં ગુજરાતના પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે ગુજરાતના તત્કાલીન મહાન લેખકો શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી, શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા, શ્રી મન:સુખરામ ત્રિપાઠીની સાક્ષાત્‌ મુલાકાત લીધી હતી. ગુજરાતની મહાન હસ્તીઓ જેવી કે મહારાજા સયાજીરાવ ગાયકવાડ, લીંબડીના સર જશવંતસિંહજી, ભૂજ તેમજ ભાવનગરના તત્કાલીન મહારાજાશ્રી અને શ્રી હરિદાસ બિહારીદાસ દેસાઈ, રાવબહાદુર મણિલાલ જશભાઈ, વગેરેને મળ્યા હતા. આને કારણે વિશ્વધર્મપરિષદમાં ૧૮૯૩માં પ્રસિદ્ધિ પામ્યા અને વિશ્વવિખ્યાત થયા તે પહેલાં જ ગુજરાતી સાહિત્ય પર રામકૃષ્ણ વિવેકાનંદ ભાવધારાની પ્રભાવક અસર પડી હશે એવું અનુમાન કરવું અસ્થાને નથી. ગુજરાતી લેખકો, અનુવાદકો તેમજ સાહિત્યકારોએ રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને પોતાના સાહિત્યકાર્ય દ્વારા કેવી રીતે પોષ્યા છે તેનું એક ટૂંકું સર્વેક્ષણ કરવાનો પ્રયાસ આપણે કરીશું.

અંગ્રેજોના આગમન પછી જ ભારતમાં વર્તમાનપત્ર દ્વારા સમાચાર ફેલાવવાની પ્રથા શરૂ થઈ. ઈ.સ.૧૮૧૮માં લોર્ડ,કેરી અને માર્શમેન નામના ત્રણ પાદરીઓએ બંગાળીમાં સૌ પ્રથમ દેશી વર્તમાનપત્ર શરૂ કર્યું, પણ પ્રથમ ભારતીય સામયિક તો રાજા રામમોહનરાયનું ‘સંવાદ કૌમુદી’ હતું. થોડા જ મહિના પછી મુંબઈમાં ‘મુંબઈ સમાચાર’ સાપ્તાહિક ઈ.સ. ૧૮૨૨માં શરૂ થયું અને ઈ.સ. ૧૮૪૦માં ‘મુંબઈ સમાચાર’ દૈનિક થયું. એ ગુજરાતી પત્રકારત્વના ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના કહેવાય. ઈ.સ.૧૮૯૩ની શિકાગોમાં યોજાયેલ વિશ્વધર્મપરિષદમાં આપેલ વ્યાખ્યાનોની નોંધો તેમજ ૧૮૯૭માં ભારતમાં દિગ્વિજયી સ્વામી વિવેકાનંદના ભવ્ય સ્વાગતના સમાચારો ‘મુંબઈ સમાચાર’માં પ્રસિદ્ધ થયેલા. પણ સ્વામી વિવેકાનંદની મહાસમાધિ (૪, જુલાઈ, ૧૯૦૨) પછી ‘મુંબઈ સમાચાર’ના ૮, જુલાઈ, ૧૯૦૨ના અગ્રલેખમાં સ્વામી વિવેકાનંદના જીવનનું ટૂંકું વૃતાંત પ્રસિદ્ધ થયું હતું.

 એ જમાનામાં શુદ્ધ ગુજરાતી ભાષાનો નમૂનો ઈચ્છારામ સૂર્યરામ દેસાઈના ‘ગુજરાતી’ સાપ્તાહિકે પૂરો પાડ્યો હતો. ૧૮૫૩માં સુરતમાં જન્મેલા ઈચ્છારામ દેસાઈએ અંગ્રેજી ૬ ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો પણ એમને સાહિત્યમાં નાનપણથી જ રસ હોવાથી તેઓ મુંબઈ સમાચારમાં પ્રૂફરીડરની કામગીરી બજાવતાં બજાવતાં એક ઉચ્ચકોટિના પત્રકાર, નવલકથાકાર તથા સંપાદક બન્યા. મુંબઈમાં મિત્રો અને સાક્ષરોની સહાયથી તેમણે ૧૮૮૦માં ‘ગુજરાતી’ સાપ્તાહિક શરૂ કર્યું અને અનેક અડચણો વચ્ચે પણ તેમણે તે ૧૯૧૨માં તેમના મૃત્યુપર્યંત ચલાવેલું. દેશભક્તિ સાથે શુદ્ધ સાહિત્ય સેવાના આદર્શને વરેલા આ સાપ્તાહિકે ઘણી પ્રસિદ્ધિ મેળવી હતી.

આ જ ગુજરાતી માસિક સાથે સંકળાયેલા શ્રેષ્ઠ ગુજરાતી નવલકથાકાર અને કવિ નારાયણ વિસનજી ઠક્કુર હતા. ગુજરાતીનો અભ્યાસ શાળામાં કર્યા પછી ખાનગીમાં અંગ્રેજી સંસ્કૃત ઉપરાંત પારસી, ઉર્દૂ, મરાઠી અને બંગાળી ભાષાનો પણ તેમણે અભ્યાસ કર્યો હતો. જીવનના અંતિમ દિવસોમાં સંન્યાસ લીધા પછી તેમણે જગન્નાથપુરીમાં નિવાસ કર્યો. વાચનના અત્યંત શોખને કારણે તેમણે સંખ્યાબંધ પુસ્તકો વાચ્યાં અને વસાવ્યાં હતાં અને સાથે સાથે અવિરત લેખનની પ્રવૃત્તિ પણ ચાલુ જ હતી. તેમણે મરાઠી, હિંદી, ઉર્દૂ અને બંગાળીમાંથી ઘણા પુસ્તકોના અનુવાદ કર્યા હતા. તેમનું ગદ્ય ચિત્રાત્મક સંસ્કૃત તથા ફારસી શબ્દોથી ખીચોખીચ એક જ ઘાટીમાં બંધાયેલું હતું. તેમણે ઇતિહાસ, ધર્મ અને તત્ત્વજ્ઞાનને લગતાં ઘણા બધાં પુસ્તકોનું અનુવાદકાર્ય સંપન્ન કર્યું હતું. તેમાં ઈચ્છારામ સૂર્યરામ દેસાઈએ સ્થાપેલા ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા ૧૯૧૧થી પ્રકાશિત ‘વિવેકાનંદ વિચારમાળા’ (૬ ભાગોમાં)નો સમાવેશ થાય છે. આ ભગીરથ કાર્ય કરવા તેઓ કેવી રીતે પ્રેરાયા હતા એનો ઉલ્લેખ તેમણે ‘વિવેકાનંદ વિચારમાળા’ના પ્રથમ ભાગની ભૂમિકામાં આ શબ્દોમાં કર્યો છે:

‘સ્વામી વિવેકાનંદનાં વ્યાખ્યાનો અને લેખો એવાં અદ્‌ભુત અને અલૌકિક હોવાથી તેમના વાચનનો લાભ ગુર્જર વાચકોને પણ મળે અને તેના યોગે ગુર્જર દેશવાસીઓના હૃદયમાં સ્વામીશ્રીના વિચારોનો સુપ્રકાશ વિસ્તરે, એવા શુભ ઉદ્દેશથી જ પ્રસ્તુત ‘વિવેકાનંદ વિચારમાળા’ને ગુર્જર ગિરામાં પ્રકટ કરવાનું સાહસ કરવામાં આવ્યું છે અને એનો ગુર્જરીય વાચક સમાજમાં અંત:કરણપૂર્વક આદર થશે જ એવો દૃઢ નિશ્ચય છે.

સ્વ. સ્વામી વિવેકાનંદે કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ, એ વિશાળ વ્યાખ્યાનમાલિકા ઉપરાંત વેદાંત અને અન્ય શાસ્ત્રીય વિષયોનાં પ્રતિપાદક બીજાં પણ અનેક વ્યાખ્યાનો ભિન્ન ભિન્ન સ્થળે આપેલાં છે. તેમજ ‘પ્રબુદ્ધ ભારત’, ‘બ્રહ્મવાદિન’ આદિ અંગ્રેજી માસિક પત્રો તથા ‘ઉદ્‌બોધન’ આદિ બંગાળી માસિક પત્રોમાં કેટલાંક પત્રો તથા લેખો પણ લખેલા છે. સારાંશ કે, સ્વામીશ્રીએ પોતાના દેહાંત પર્યંતના કાળમાં જેટલાં વ્યાખ્યાનો આપ્યાં છે અને જેટલા લેખો લખ્યા છે, તે સર્વ ગુર્જર ભાષામાં પ્રકટ કરવાનો ‘ગુજરાતી પ્રેસ’નો ઉદ્દેશ અને નિશ્ચય છે. સ્વામીશ્રીનાં એ વ્યાખ્યાનો અને ભાષણોનો સમુદાય એટલો વિશાળ છે કે, તે સર્વનો સંગ્રહ એક જ ગ્રંથમાં પ્રકટ થવો અશક્ય હોવાથી તેને ‘વિવેકાનંદ વિચારમાળા’નું સમૂહવાચક નામ આપીને, અનુક્રમે એક એક પુષ્પ રૂપે પ્રકટ કરવાની વ્યવસ્થા કરવી પડી છે. અંગ્રેજીમાં પણ સ્વામીશ્રીનાં વ્યાખ્યાનો અને લેખોનો સમુદાય બે ત્રણ સ્થળેથી એવા રૂપમાં જ પ્રકટ કરવામાં આવ્યો છે. અર્થાત્‌ ‘વિવેકાનંદ વિચારમાળા’નું આ પ્રથમ પુષ્પ વાચકોના કરકમળમાં અર્પણ કરવાને આજે અમે ભાગ્યશાળી થયા છીએ અને અલ્પ અવકાશમાં દ્વિતીય પુષ્પ પણ અમે અર્પી શકીશું એવી આશા રાખીએ છીએ. દ્વિતીય પુષ્પના મુદ્રણકાર્યનો પણ આરંભ થઈ ચૂક્યો છે.’

ઈ.સ. ૧૯૧૧માં જ ગુજરાતીમાં ‘વિવેકાનંદ વિચારમાળા’ના પ્રકાશનનું ભગીરથ કાર્ય શરૂ થયું એ ગુજરાતી સાહિત્યના ઇતિહાસમાં એક નોંધપાત્ર ઘટના કહેવાય. આ પહેલાં અદ્વૈત આશ્રમ, માયાવતીએ ૧૯૦૭થી અંગ્રેજીમાં ‘ધ કંપ્લીટ વર્ક્‌સ ઓફ સ્વામી વિવેકાનંદ’ – (માયાવતી મેમોરિયલ એડિશન) એ નામે પ્રથમ તબક્કે ચાર ભાગોમાં ગ્રંથમાળા પ્રકાશિત થવા લાગી. હાલ આ ગ્રંથમાળાના અંગ્રેજીમાં નવ ભાગ પ્રસિદ્ધ થઈ ચૂક્યા છે. છેલ્લો નવમો ભાગ ૧૯૯૭માં પ્રસિદ્ધ થયો છે. એવું અનુમાન કરી શકાય છે કે કોઈ પણ ભારતીય ભાષામાં એક ગ્રંથમાળા આકારે સ્વામી વિવેકાનંદ સાહિત્યનું પ્રકાશન કરવાનો પ્રયત્ન આ ગુજરાતી ‘વિવેકાનંદ વિચારમાળા’ના પ્રકાશન પૂર્વે ભાગ્યે જ થયો હશે. 

‘વિવેકાનંદ વિચારમાળા’ના બીજા ગ્રંથની ભૂમિકામાં અનુવાદક શ્રી નારાયણ વિસનજી ઠક્કુર આ પ્રમાણે લખે છે:

‘પ્રસ્તુત ‘વિવેકાનંદ વિચારમાળા’ના પ્રકાશન પૂર્વે મહારાષ્ટ્રીય ભાષામાં સ્વામી વિવેકાનંદના કેટલાક લેખોના છૂટા છવાયા અનુવાદ પ્રકટ થયા હતા અને ગુજરાતીમાં પણ તેવા એક બે પ્રયત્ન થયા હતા. પરંતુ મરાઠીમાંના કેટલાક લેખો તો અપૂર્ણ રહી ગયા હતા અને ગુર્જર પ્રયત્ન આગળ વધ્યો નથી. પરંતુ પ્રસ્તુત ‘વિચારમાળા’ના પ્રકાશન પછી સર્વથી પ્રથમ અલાહાબાદના ઈંડિયન પ્રેસે ‘વિવેકાનંદ લેખમાલિકા’ને હિંદી ભાષામાં પ્રકટ કરવાનો પોતાનો વિચાર વ્યક્ત કર્યો અને કર્મયોગ આદિ એક બે લેખો પ્રસિદ્ધ પણ કર્યા. અદ્યાપિ તેનો એ પ્રયત્ન વિશેષ પરિપક્વ દશાને પ્રાપ્ત થયો નથી. તેમ જ ‘સ્વામી વિવેકાનંદ યાંચે સમગ્ર ગ્રંથ’ એ નામથી ઈ.સ. ૧૯૧૨ થી મહારાષ્ટ્રીય ભાષામાં એક માલિકા મુંબઈ કર્ણાટક પ્રેસમાંથી છપાઈને બહાર પડવા માંડી છે અને તેના અત્યાર સુધીમાં એક ૧૯૧૨માં અને એક ૧૯૧૩માં મળી સોળ પેજી સાઈઝના લગભગ ત્રણ ત્રણસો પાનાંના, બે ભાગ પ્રકટ થઈ ચૂક્યા છે; તેમજ ગુજરાતીમાં મારા વિદ્વાન મિત્ર રા. મોહનલાલ દલીચંદ દેશાઈ, બી.એ.એલ.એલ.બી. હાઈકોર્ટ વકીલે સ્વામીનાં પત્રોનો ગુજરાતી અનુવાદ કર્યો છે અને તે પણ પ્રકાશમાં આવી ચૂક્યો છે; અને એ જ પત્રોનો બીજો અનુવાદ રા. ભગુભાઈ ફતેચંદ કારભારીએ (પ્રથમભાગ) છપાવીને પ્રકટ કર્યો છે. કદાચિત પ્રસ્તુત ‘વિચારમાળા’ જ એ પ્રયત્નશીલ પુરુષોને એ પ્રયત્નમાં પ્રેરવામાં કારણીભૂત થઈ હોય, તો તે પણ બનવા યોગ્ય છે. માત્ર રા. ભગુભાઈનો આ દિશામાંનો પ્રયત્ન આના કરતાં પ્રથમનો હતો, પણ તે અધૂરો રહી ગયો હતો, તેની આના યોગે પુનર્જાગૃતિ તો અવશ્ય થયેલી હોવી જ જોઈએ. અસ્તુ, ગમે તે કારણ કિંવા ગમે તે ભાવથી વિભૂતિમત્સત્ત્વ સ્વામી શ્રી વિવેકાનંદના ગહન વિચારોને જાણવાનો હિંદી, મહારાષ્ટ્રીય અને ગુજરાતી ભાષા બોલનારી પ્રજાને એ અનુવાદો દ્વારા અલભ્ય લાભ મળવા માંડ્યો છે, એ એક અતિશય આનંદનો વિષય છે. આ સર્વમાં કોનો પ્રયત્ન ઉત્તમ, કોનો મધ્યમ અને કોનો અધમ છે; એના વિવેચન કિંવા નિર્ણયનું આ સ્થાન નથી, અને પ્રસ્તુત અનુવાદકનું તે કર્તવ્ય નથી. મર્મજ્ઞ વાચકો પોતે જ એનો તુલનાત્મક નિર્ણય કરવા સમર્થ છે. માત્ર એટલું જણાવવાની આવશ્યકતા છે કે, ‘ગુજરાતી પ્રેસે’ સ્વામી વિવેકાનંદનાં સમસ્ત વ્યાખ્યાનો અને લેખોનો સંગ્રહ, બહુ જ ઉત્તમ બાહ્યાભ્યંતર સ્વરૂપમાં, આ પ્રસિદ્ધ થયેલા બે ભાગ જેટલા લગભગ સાત કે આઠ ભાગમાં છપાવીને પ્રકટ કરવાનો જે નિશ્ચયાત્મક પ્રયત્ન આરંભ્યો છે, તેવો ભગીરથ પ્રયત્ન બીજા કોઈથી ભાગ્યે જ કરી શકાશે.’

ઈ.સ. ૧૯૧૧માં પ્રકાશિત થયેલ ‘વિવેકાનંદ વિચારમાળા’ના પહેલા ભાગમાં સ્વામી વિવેકાનંદનું સંક્ષિપ્ત જીવનચરિત્ર, કર્મયોગ, ભક્તિયોગ, મારા ગુરુદેવ, તેમજ અન્ય પંદરેક વ્યાખ્યાનોનો સમાવેશ થાય છે. ૧૯૧૩માં પ્રકાશિત થયેલ બીજા ભાગમાં રાજયોગ, પ્રેમયોગ, સ્વામી વિવેકાનંદના પત્રો, વેદાંત તત્ત્વજ્ઞાન, વેદાંત અને સાંખ્ય અને અન્ય પ્રકીર્ણ ઘણા વિષયોનો સમાવેશ થાય છે. ૧૯૧૪માં પ્રકાશિત થયેલ ત્રીજા ભાગમાં જ્ઞાનયોગ પરના ૨૧ પ્રવચનોનો સમાવેશ થાય છે. ૧૯૧૪માં પ્રકાશિત થયેલ ચોથા ભાગમાં શિકાગોની ધર્મપરિષદમાંનાં વ્યાખ્યાનો, સાંખ્યદર્શન, હિંદુધર્મ, સંભાષણો અને સંવાદ, પત્રો, તેમજ અન્ય પ્રવચનોનો સમાવેશ થાય છે. ૧૯૧૬માં પ્રકાશિત થયેલ પાંચમા ભાગમાં કર્મરહસ્ય, પ્રશ્નોત્તરી, પત્રો, કવિતાઓ, અન્ય પ્રવચનો અને કેટલાક પ્રકીર્ણ વિષયો, ઇત્યાદિનો સમાવેશ થાય છે. ૧૯૧૬માં જ છઠ્ઠો ભાગ છપાય છે એવો ઉલ્લેખ પાંચમા ભાગમાં મળે છે. પણ હાલ એ ગ્રંથ ઉપલબ્ધ નથી. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાને ગુજરાતી લેખકો, અનુવાદકો તેમજ સાહિત્યકારોએ પોતાના સાહિત્યકાર્ય દ્વારા કેવી રીતે પોષ્યા છે તેની વિગતવાર ચર્ચા હવે પછીના અંકોમાં કરીશું.

(ક્રમશ:)

Total Views: 95

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.