(ઈ.સ. ૧૮૯૩માં અમેરિકાના શિકાગો નગરમાં આયોજિત સર્વ-ધર્મ-મહાસભામાં જઈને પોતાનું ઐતિહાસિક વ્યાખ્યાન આપ્યું તે પૂર્વે સ્વામી વિવેકાનંદ એક અકિંચન પરિવ્રાજક સ્વરૂપ ઉત્તર-પશ્ચિમ ભારતનું વ્યાપક ભ્રમણ કરેલું હતું. આ લેખમાળામાં પ્રસ્તુત છે- વિવિધ સ્રોતોમાંથી સંકલિત કરવામાં આવેલું અને કેટલાંક નવીન તથ્યોયુક્ત તેમના રાજસ્થાન પરિભ્રમણ તથા ત્યાંના લોકો સાથેના તેમના હળવામળવાનું રોચક વિવરણ) – સં.

(ગતાંકથી આગળ)

શંભુનાથજીના મકાન પર

અહીં સ્વામીજી દરરોજ પ્રાત: કાલમાં ઊઠીને સ્નાન તથા ધ્યાનાદિ કર્યા પછી લગભગ નવ વાગે પોતાના ખંડમાંથી બહાર આવતા. તેઓ દરરોજ જોતાં કે દશપંદર માણસો અને કેટલીક વખત તો પચ્ચીસ-ત્રીસ માણસો તેમની પ્રતીક્ષા કરી રહ્યા હોય. આ લોકોમાં શિક્ષિત – નિરીક્ષર, વિદ્વાન-મૂર્ખ, શૈવ-વૈષ્ણવ, શિયા-સુન્ની, યુવાનો-વૃદ્ધો – બધા પ્રકારના લોકોનો સમાવેશ થતો હતો. બપોર સુધી ત્યાં લોકો હાજર રહેતા હતા. તેમાં ઊંચા-નીચાનો કોઈ ભેદભાવ નથી રહેતો. એમાં સ્વામીજીની વાણીને વિરામ મળતો ન હતો. શ્રોતાઓમાંથી જેની ઇચ્છા થાય તે પૂછી લેતા હતા. સ્વામીજી શાંતિથી બધા પ્રશ્નો સાંભળતા અને તેમના મર્મસ્પર્શી ઉત્તરો સાંભળીને બધાને સંતોષ થતો હતો.

માનો કે સ્વામીજી ભાવવિભોર થઈને તીવ્ર વૈરાગ્ય, જ્ઞાનમાર્ગ કે ભક્તિમાર્ગની વાતો કરી રહ્યા હોય, ત્યાં વચ્ચેથી કોઈ તક ઝડપી લઈને પૂછી લેતું : ‘મહારાજ, આપનું શરીર કઈ જાતિનું છે?’

સ્વામીજી તત્કાળ ઉત્તર આપે, ‘શરીર કાયસ્થ છે.’

થોડીવાર પછી સંભવ છે કે કાંઈ પૂછી બેસે, ‘બાબાજી મહારાજ, આપ ભગવાં વસ્ત્રો કેમ પહેરો છો?’

બાબાજી ઉત્તર આપે, ‘આ વેશ ભિક્ષુકનો છે, તેથી સફેદ કપડાં હોય તો ગરીબ લોકો ભિક્ષા માગે છે. હું પોતે જ ભિક્ષુક છું, મોટે ભાગે તેમને આપવા માટે મારી પાસે એક પૈસો પણ નથી હોતો. તેથી કોઈ માગે ને હું ન આપી શકું તો મનમાં સંતાપ થાય છે. પરંતુ ભગવાં કપડાં જોઈને તે લોકો સમજી જાય છે કે આ પણ આપણામાંનો એક છે, તો પછી એની પાસેથી શું માગવું?’

બીજી જ ક્ષણે તેમનો તે જ તત્ત્વજ્ઞાનનો પ્રવાહ વહેવા લાગતો. જ્ઞાનનો પ્રવાહ ચાલુ જ હોય, ત્યાં સંભવ છે કે કદાચ મા કાલીની કૃપા અને મહિમાનો પ્રસંગ તેમાં આવી જાય. તેમના પ્રાણ આકુળવ્યાકુળ થઈ ઊઠે અને સ્વામીજીના મુખમાંથી કોઈ વાત જ ન નીકળે. બસ ઉચ્ચ સ્વર ‘મા, મા’- નો ધ્વનિ જ નીકળવા લાગે. તે જ મધુર સ્વર ક્રમશ: કરુણ થઈને અંતરમાં વિલીન થઈ જાય. સર્વાંગ સ્થિર થઈ જાય અને પછી તેમની લાલઘૂમ આંખોમાંથી વેગપૂર્વક પ્રેમનાં આંસુ ટપકવા લાગે શ્રોતાઓના પ્રાણ પણ પીગળવા લાગે અને તેઓ પોતાનાં આંસુમાં ડૂબકાં ખાવા લાગે.

થોડીવાર પછી બધા સ્થિર નીરવ અને ચિત્રમાં દોરેલા હોય તેવા સ્વામીજીની સામે જોતા રહે. આવા પ્રસંગે સ્વામીજીએ પુન: ગાવાનું શરૂ કર્યું, તેમનો મધુરકંઠ-પ્રવાહની સાથે તેમનાં નેત્રોનાં સ્નિગ્ધ વારિએ બધા લોકોમાં ભગવદ્‌-અનુરાગની ધારાને છોડી મૂકી પછી એકાદ ક્ષણ પછી ભિન્ન ભિન્ન દેશોની જુદી જુદી વાતો સાથે હસીમજાકના માધ્યમથી અપૂર્વ ઉપદેશ દેવા લાગ્યા.

બપોરના સમયે ગૃહસ્વામી પંડિતજીએ સ્વામીજીને ભોજન માટે બોલાવ્યા. સ્વામીજી બધાની વિદાય લઈને ભોજન માટે ગયા. બાકીના લોકો પણ બધા મધ્યાહ્‌ન ભોજન માટે પોતપોતાને ઘરે ચાલ્યા ગયા.

ભોજન પૂરું થયા પછી સ્વામીજીએ બહાર આવીને જોયું કે નજીકના મહોલ્લાના લોકો આવીને એમની રાહ જોઈ રહ્યા છે. જોતજોતામાં પહેલાની પેઠે જ ભીડ ભેગી વહેવા લાગી. સ્વામીજી કહેવા લાગ્યા. આપણા દેશમાં લાંબા સમયથી મહા સામ્યવાદ વિદ્યમાન છે. આ સામ્યવાદે જ અકબર બાદશાહના હૃદય પર પ્રભુત્વ જમાવી લીધું હતું. આથી બાદશાહ દર બુધવારે એક ધર્મસભાનું આયોજન કરતા. તેમાં હિંદુ, મુસલમાન, પારસી (ઝરથુસ્તી), ખ્ર્રિસ્તી વગેરે સંપ્રદાયોના શ્રેષ્ઠ લોકોને એકઠા કરીને આપસ આપસમાં તત્ત્વચર્ચા કરવાનું કહેતા અને પોતે તે ચર્ચાનું સાર-તત્ત્વ હૃદયમાં ઉતારતા.

 કોઈ કોઈવાર ચર્ચા દરમ્યાન એકબીજા સાથે વિવાદ ઊભો થઈ જતો. તે વખતે બાદશાહ પોતે જ મધ્યસ્થ થઈને કલહને શાંત કરતા. બધા સંપ્રદાયોના કલ્યાણ માટે અનેક હિંદુ ધર્મશાસ્ત્રોનો અનુવાદ પણ બાદશાહે તે સમયની રાજભાષા (ફારસી)માં કરાવ્યો હતો.

એક દિવસ બાદશાહે પોતાની માતા પાસેથી સાંભળ્યું કે ખ્ર્રિસ્તી લોકોના કોઈ એક દેશમાં કોઈક માણસ એક કૂતરાના ગળામાં કુરાન બાંધીને તેને નગરમાં ફેરવ્યો હતો. પોતાના ધર્મગ્રંથના આ પ્રકારના અપમાનનો બદલો લેવા માટે પોતાના પુત્રને બોલાવીને ખ્ર્રિસ્તી ધર્મના શાસ્ત્રનું એ જ રીતે અપમાન કરવા રાજમાતાએ અનુરોધ કર્યો, બાદશાહે માતાને સમજાવી કે કોઈ મૂર્ખ માણસે આપણા ધર્મશાસ્ત્રનું અપમાન કર્યું હોય,તો એ માટે અકબર શાહની માતાએ પણ એ જ રીતે હલકું કામ કરવું યોગ્ય નથી. જેવી રીતે મારા માટે મારો ધર્મ આદર તથા પૂજાની વસ્તુ છે, તેવી જ રીતે અન્ય લોકો માટે તેમનો પોતાનો ધર્મ પણ આદર અને પૂજાની વસ્તુ છે. જે માણસે આ વાત ન સમજીને આવું ભૂલભરેલું આચરણ કર્યું, તે માણસ મૂર્ખ છે. પરંતુ જે માણસે આ વાત સમજી લીધી છે, તે ભલા કઈ રીતે આવું કાર્ય કરે?’

પુત્રની આ મહાન ભાવનાને હૃદયમાં ન ઉતારી શકતી સામ્ર્રાજ્ઞીએ અકબર દ્વારા પોતાની આજ્ઞાનું પાલન કરાવવા માટે હઠ પકડી. આખરે બાદશાહે કહ્યું : ‘માતા, મેં કદાપિ આપની આજ્ઞાની અવહેલના કરી નથી. પરંતુ આજે આપે મને એમ કરવા લાચાર બનાવી દીધો છે. હું જીવતો છું, ત્યાં સુધી મારા દ્વારા કોઈપણ ધર્મનું અપમાન નહીં થઈ શકે.’ આથી

સબસે બસિએ સબસે રસિએ સબકો લીજિએ નામ ।
હોં જી, હોંજી કરત રહિએ, બૈઠિએ અપને ઠામ ॥

અર્થાત્‌ આપણી પોતાની નિષ્ઠા આપણા ઈષ્ટ ધર્મ (કે દેવ) પર જાળવી રાખીને આપણા પોતાના ધર્મમાં દૃઢ રહીને, બધાની સાથે રસાસ્વાદ માણવો જોઈએ અને વાર્તાલાપ કરવો એ સારું કામ છે. કેમકે બધા ધર્મો સત્ય છે અને બધા ધર્મો ભગવાન સુધી પહોંચવાનાં માર્ગો છે. પરંતુ આપણા પોતાના ધર્મને સારી રીતે સમજ્યા વિના અન્ય ધર્મોની ચર્ચા કરવાથી ખરાબ ફળ સિવાય બીજું કોઈ સારું ફળ નહીં મળે.

શ્રીરામકૃષ્ણે પહેલાં પોતાના, ધર્મની સાધના કરી અને તે પછી અન્ય ધર્મોની સાધના કરીને જોયું કે બધાનો ઉદ્દેશ એક જ છે-

ઈશ્વરની પ્રાપ્તિ

સ્વામીજી જ્યારે દરરોજ સાંજે ફરવા માટે નીકળતા ત્યારે કમ સે કમ દશબાર માણસો તેમની સાથે થઈ જતા. અહીંતહીં ટહેલ્યા પછી બધા લોકો સાંજ પડ્યે પાછા ફરતા. સાંજે જ બધાને પોતપોતાના કામકાજમાંથી છુટ્ટી મળતી હતી. આથી તે સમયે જ લોકોની સંખ્યા વધારેમાં વધારે રહેતી.

એક વખત સ્વામીજીએ આવા ભ્રમણમાંથી પાછા ફરીને બંગાળી કીર્તન ગાાવનું શરૂ કર્યું. અને બધાને પોતાની સાથે ગાવાનું કહ્યું. આ રીતે બેચાર દિવસ ચાલ્યા પછી બધા લોકો તેમની સાથે સમૂહ સ્વરમાં સારી રીતે બંગલા કીર્તન ગાઈ શક્તા હતા, વચ્ચે વચ્ચે નૃત્ય પણ થઈ જતું હતું. રાજપુતાના વૈષ્ણવ-પ્રધાન ક્ષેત્ર છે અને કૃષ્ણ-વિષયક ભજનો સૌને ખૂબ પ્રિય હોય છે. આથી સ્વામીજી એક દિવસ ગાવા લાગ્યા (ભાવાર્થ)

હું શરીર પર ભગવાં વસ્ત્ર ધારણ કરીને
શંખના કુંડલ પહેરીને, યોગિનીના વેશમાં, જઈશ એ પ્રદેશમાં
જ્યાં નિષ્ઠુર હરિ વાસ કરે છે.
હું મથુરા નગરનાં ઘરઘરમાં જઈને
યોગિની બનીને તેમને શોધીશ;
અને જો કોઈ ઘરમાં, પ્રાણસખા મળી જશે
તો મારી સાડીથી (આંચલસે) તેને બાંધી દઈશ.
હું મારા પ્રિયતમને, સ્વયમેવ બાંધી દઈશ.
કોઈ એને રાખી શકશે નહીં.
જો કોઈ એને રોકશે, તો હું પ્રાણત્યાગ કરીશ.
અને નારીહત્યાનું પાપ એને લાગશે.

થોડો વખત અટકી જઈને સ્વામીજીએ આ ભજનનું તાત્પર્ય સમજાવ્યું અને ફરીથી ગાવા લાગ્યા. ગાતાં ગાતાં વહેતી અશ્રુધારાને લીધે તેમના ગાલ ભીના થઈ ગયા. શ્રોતાઓની આંખો પણ આંસુથી ભરાઈ ગઈ હતી. બધાની નજર તે જ મહાપુરુષ પર સ્થિર થઈ ગઈ હતી. કોઈ કોઈ શ્રોતા વિચાર કરી રહ્યો હતો કે બાબાજીને ચોક્કસ વૃંદાવન-ચંદ્ર (શ્રીકૃષ્ણ)ના દર્શન થતાં રહેતાં હશે. ત્યારે જ તેઓ આટલા ભાવવિભોર અને આટલા ભાવુક થઈ ઊઠે છે. નહીંતર તો અમે લોકો પણ ક્યાં એને પુકારતા નથી, પરંતુ અમારામાં આવી તન્મયતા નથી આવતી. તો વળી બીજા શ્રોતાના મનમાં વિચાર ચાલતો હતો :- આ જ તો ઈશ્વરની વિભૂતિ છે. આમને ઈશ્વરની પ્રાપ્તિ થઈ ગઈ છે. ગાતાં ગાતાં સ્વામીજીનો સ્વર પણ કરુણ બની ગયો. હૃદયના આવેગને લીધે કંઠ રુંધાવા લાગ્યો, શરીર જડ બની ગયું હોય એમ સ્થિર થઈ ગયાં મુખમંડલ પતિપ્રણા નારીના જેવું બની ગયું; જાણે કે પ્રાણપ્રિયના સ્પર્શથી રોમાંચિત થઈ ઊઠ્યું હોય.

કૃષ્ણ-વિષયક આ ભજનો બધાને એટલાં પ્રિય લાગતાં હતાં કે એક-બે ભજનો તો કોઈ કોઈને લાંબા સમય સુધી યાદ રહી ગયાં હતાં. ક્રમશ: રાતના અગિયાર વાગ્યા સુધી અને ક્યારેક તો અડધી રાત સુધી આવો જ આનંદ ચાલુ રહેતો. કોઈને સમજાતું ન હતું કે સમય કઈ રીતે પસાર થઈ ગયો. રાતે તેમની પાસેથી વિદાય લઈને જતી વેળાએ માર્ગમાં બધા લોકો આના વિષે જ ચર્ચા કરતા. કોઈ કહેતા : ‘બાબાજી કેવા આનંદમય વ્યક્તિ છે. તેમના મુખ પર હંમેશાં હાસ્ય જ રહે છે.’ કોઈ બીજું બોલી ઊઠતું : ‘મહાશય, શ્લોકોનું આવું સુંદર ગાન – મેં કોઈને મોઢે કદાપિ સાંભળ્યું નથી.’ કોઈ ત્રીજો કહેતો : ‘સ્વામીજીના કંઠમાં- ‘નાદ’ છે. આપે જોયું ને કે આટલા બધા લોકો તેમને કેવા તંગ કરે છે, પણ તેમનામાં નારાજગી જ જોવા મળતી નથી. કેટલા લોકો મૂર્ખની પેઠે ઊલટાસૂલટા પ્રશ્નો પૂછે છે, પણ તેઓ બધાને ઉત્તરો આપે છે. મહાશય, જો હું તેમને ઠેકાણે હોઉં તો નારાજ થઈ જઉં.’ તો પછી બીજો કોઈ કહેતો. એમનામાં ક્રોધ વગેરે નથી, સિદ્ધપુરુષ છે. નહીં તો જુઓને આપણા મનમાં એ જ વિચાર આવે છે કે આપણે ક્યારે તેમની પાસે જઈશું.’

બંગાલનાં નગરોની સરખામણીમાં રાજપુતાનાનાં નગરોમાં ઉચ્ચ શિક્ષણ ધરાવતા લોકોની સંખ્યા ખાસી અલ્પ છે. તેના ગ્રામીણ વિસ્તારમાં તો અંગ્રેજી ભણેલા લોકો પ્રાય: નહિવત છે. તોય એકલદોકલ એવા રાજકીય કર્મચારીઓ મળી આવે છે. સંસ્કૃતના જાણકાર પંડિતોની સંખ્યા પણ બહુ જ ઓછી છે. રાજધાની અલવરમાં જે એકબે આવા લોકો હતા, તે બધા જ સ્વામીજી પાસે આવતાં જતા તેમના ભક્તો બની ગયા હતા. પરંતુ સ્વામીજી અશિક્ષિત-નિર્ધનોનું વિશેષ માન જાળવતા હતા. તો પણ પ્રત્યેક વ્યક્તિને લાગતું કે તે જ સ્વામીજીનો વિશેષ સ્નેહી છે.

મૌલવી સાહેબની ભિક્ષા

આ રીતે થોડાક દિવસો પસાર થઈ ગયા, તે પછી પેલા મૌલવી સાહેબના મનમાં પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ કે હું સ્વામીજીને મારે ઘરે લઈ જઈને તેમને ભિક્ષા આપું. તેમણે વિચાર કર્યો : ‘સ્વામીજી તો દરવેશ છે, તેમનામાં જાતિ-બાતિનો ભેદભાવ નથી, પરંતુ તેઓ રહે છે પંડિતજીને ઘરે. આથી ક્યાંક પંડિતજીને કોઈ આપત્તિ ન થાય.’ આમ વિચાર કરતા કરતા તેઓ દરરોજની જેમ જ એક દિવસ સંધ્યા સમયે સ્વામીજીનાં દર્શન કરવા ગયા.

ત્યાં જે લોકો હાજર હતા, તેમની સમક્ષ મૌલવી સાહેબ પંડિતજીને સંબોધન કરતાં કહ્યું : ‘પંડિતજી, આવતીકાલે બાબાજી મહારાજ આ અધમની ઝૂંપડીએ ભિક્ષા લેશે. એવી વ્યવસ્થા કરવામાં આવશે કે આપને કોઈ મુશ્કેલી ન પડે. બેઠકખાનાનો બધો માલસામાન બહાર કઢાવી નાખવામાં આવશે. ઝાડું – પોતા કર્યા પછી બ્રાહ્મણ દ્વારા એને ધોવડાવી નાખીશ- બ્રાહ્મણને ઘેરથી પિત્તળનાં વાસણ મંગાવીને બ્રાહ્મણને હાથે જ રસોઈ બનાવડાવીશ. સ્વામીજી જઈને એ રૂમમાં બેસીને સેવા ગ્રહણ કરશે અને આ અધમ યવન આખો વખત દૂર ઊભો ઊભો જોયા કરશે અને પોતાની જાતને ધન્ય માનશે.’

મૌલવી સાહેબે હાથ જોડીને એવી હૃદયની નમ્ર્રતાપૂર્વક ઉપર્યુક્ત વાતો કહી કે ત્યાં રહેલા બધા લોકો હસી પડ્યા અને પંડિતજીએ પણ પ્રેમપૂર્વક તેમના હાથ પોતાના હાથમાં પકડી રાખીને કહ્યું : ‘સ્વામીજી દરવેશ છે. તેમના માટે ભલા નાતજાતના ભેદો કેવા! ત્યાગી મહાત્માઓ માટે તો આ બધી બાબતો માટે વિચાર જ કરવાનો હોતો નથી. આપે આ બધું કરવાની કાંઈ જરૂર નથી. મને તો કોઈ આપત્તિ હોઈ શક્તી નથી; તેમ છતાં આપ પોતાની ઇચ્છા મુજબ જે વ્યવસ્થા કરવા ચાહો તે ખુશીથી કરી શકો છો.’ બધા લોકો એક અવાજે મૌલવી સાહેબની ભક્તિ અને સાચી દીનતાની પ્રશંસા કરવા લાગ્યા. પંડિતજીએ ફરીથી કહેવા માંડ્યું : ‘આ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે તો મને પણ આપના ઘર ખાવામાં કોઈ આપત્તિ નહીં રહે. વળી સ્વામીજી તો – છે મુક્ત પુરુષ; તેમને તો કાઈ બાધા આવવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી.’ બધા લોકો ખૂબ હસ્યા અને મૌલવી સાહેબ પણ આનંદમાં આવી ગયા.

આ વિસ્તારમાં હિંદુઓનો મુસ્લિમો સાથે એવો સદ્‌ભાવ છે કે કોઈ મુસલમાન મિત્રને ઘરે જઈને શેતરંજી પર બિછાવવામાં આવેલા ઉત્તમ બિછાના પર એક સાથે બેસે છે અને પોતાની ઉપસ્થિતિ દરમ્યાન મુસલમાન મિત્રના તે જ બિસ્તર પર બેસીને ભોજન વગેરે કરવામાં કોઈ આપત્તિ વ્યક્ત કરતું નથી. આથી પૂર્વોક્ત વ્યવસ્થાની બાબતમાં પંડિતજીને કશું વાંધા જેવું ન લાગ્યું. મૌલવી સાહેબે નિર્મલ-દિલ સાધુ-સેવા કરી. મૌલવી સાહેબ આ મહાપુરુષની આ રીતે સેવા કરી છે, તે જોઈને અન્ય ઈશ્વરાનુરાગી મુસલમાનો પણ તે જ રીતે સાધુ-સેવા કરવા માટે ખૂબ આગ્રહપૂર્વક સ્વામીજીને પોતપોતાને ઘેર લઈ જવા લાગ્યા.

આ રીતે અનેક લોકો સ્વામીજીનાં દર્શન, સાંનિધ્ય તથા ઉપદેશોથી કૃતાર્થ થયા. કેટલાયે વિદ્વાનો તથા નિરક્ષરો, ધનિકો તથા નિર્ધન, વૃદ્ધો તથા યુવકો અને કેટલાય ભિન્ન ભિન્ન ધર્મો તથા રુચિના લોકો આવ્યા અને બધાને તેમની પાસેથી નવજીવનનો સ્વાદ મળ્યો. તે સમય, દરમ્યાન સ્વામીજીએ કેટલાક વિશેષ ભાગ્યશાળી લોકોને દીક્ષા પણ પ્રદાન કરી હતી.

દીવાન રામચંદ્રના નિવાસસ્થાને

બંગાળમાં ધનિક અથવા ઉચ્ચ પદ પર રહેલા લોકોને પોતાથી ઓછા પૈસાવાળા અથવા નીચી પારીના લોકોને ઘરે જવામાં કોઈ પ્રકારનું અભિમાન પ્રાય: જોવામાં આવતું નથી. પરંતુ અહીં માનના ભયથી અથવા કોઈ બીજા કારણવશ ધનિક અથવા ઉચ્ચ પદસ્થ વ્યક્તિ નિર્ધન કે નિમ્ન પદસ્થ વ્યક્તિને ઘરે જતી પ્રાય: જોવામાં આવતી નથી. આથી જ પંડિત શંભુનાથજી કરતા અધિક ઉચ્ચપદસ્થ લોકો સ્વામીજીને નિમંત્રિત કરીને પોતપોતાને ઘરે લઈ જતા અને તેમની સેવા કરતા.

ક્રમશ: એક પાસેથી બીજા પાસે એમ પસાર થતી થતી સ્વામીજીની ચર્ચા અલવર રાજ્યના દીવાન મેજર રામચંદ્રના કાન સુધી ગઈ અને એક દિવસ તેઓ પણ સ્વામીજીને નિમંત્રણ આપીને પોતાને ઘરે લઈ ગયા.

અલવરના મહારાજા મંગલસિંહજી (શાસનકાળ-૧૮૭૪-૧૮૯૨) રાજ્યના કાર્યમાં ધ્યાન-દેવા કરતાં ત્યાંના અંગ્રેજ સેના-નિવાસમાં રહીને અંગ્રેજો સાથે બેઠકઊઠક રાખીને તે લોકોની સાથે શિકાર પર જવાનું વધારે પસંદ કરતા હતા. અંગ્રેજો સાથે વધારે પડતા હળવા-મળવાના ફલસ્વરૂપ, રાષ્ટ્રીય શિક્ષા-દીક્ષાવિહીન વ્યક્તિમાં જે દોષો ઉત્પન્ન થાય છે, તે દોષો મંગલસિંહજીમાં પણ આવી ગયા હતા. આને લીધે ઉચ્ચ પદસ્થ નિષ્ઠાવાન હિંદુ રાજકર્મચારી મનમાં ને મનમાં દુ:ખ અનુભવી રહ્યા હતા. સ્વામીજીના સંપર્કમાં આવ્યા પછી દીવાન રામચંદ્રે વિચાર કર્યો કે મહારાજાની મતિ-ગતિ સુધારવા માટે આ એક બહુ જ મોટો સુવર્ણ અવસર આવી પહોંચ્યો છે.

મહારાજા તે સમયગાળામાં બેત્રણ ગાઉ દૂર સેલસટમાં આવેલા એક નિર્જન મહેલમાં નિવાસ કરી રહ્યા હતા. દીવાને આગલે દિવસે મહારાજાને પત્ર દ્વારા જાણ કરી : ‘અહીં એક મહાન વિદ્વાન સંન્યાસી પધાર્યા છે. અંગ્રેજી ભાષા પર તો તેમનો એવો કાબૂ છે કે તેમને જોઈને હું વિસ્મયમાં પડી ગયો છું. આપશ્રીને તેમની સાથે વાતચીત કરવાથી નિ:સંદેહ સંતોષ થશે.’

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.