મારા ગુરુદેવના જીવનમાં કઠોર તપસ્યાને ફળે પ્રબળ અને અણિશુદ્ધ પવિત્રતા આવી ગઈ; સાધારણ મનુષ્યના જીવનમાં જે વિવિધ મથામણો હોય છે તે બધીનો તેમનામાંથી નાશ થઈ ગયો. જિંદગીના પોણા ભાગ સુધી તેમણે સખત તપસ્યાઓ દ્વારા જે આધ્યાત્મિક સંપત્તિ એકત્ર કરી હતી, તે હવે માનવ જાતિમાં વહેંચવા માટે તૈયાર હતી; એટલે પછી તેમણે પોતાનું પ્રચારનું કાર્ય આરંભ્યું. તેમની શિક્ષણપદ્ધતિ તથા તેમનો ઉપદેશ વિલક્ષણ પ્રકારનાં હતાં. અમારા દેશમાં સૌથી અધિક આદર અને સન્માન ગુરુને આપવામાં આવે છે; અમારી એવી શ્રદ્ધા હોય છે કે ગુરુ સાક્ષાત્‌ ઈશ્વર જ છે. એટલો આદરભાવ અમારાં માતાપિતા માટે પણ અમને નથી હોતો. માતાપિતા તો આપણને માત્ર જન્મ જ આપે છે, પરંતુ ગુરુ તો આપણને મુક્તિનો માર્ગ દેખાડે છે. આપણે ગુરુનાં જ સંતાન છીએ, એમના માનસપુત્રો છીએ. કોઈ અસાધારણ મહાપુરુષ પાસે હજારોની સંખ્યામાં હિંદુઓ એકઠાં થાય છે અને દર્શન માટે ચોમેર ભીડ જમાવે છે. મારા ગુરુદેવ પણ એક એવા જ મહાપુરુષ હતા. પરંતુ તેમને તો ખ્યાલ પણ ન હતો કે પોતાને માન અને પ્રતિષ્ઠા મળવાં જોઈએ; તેમને જરા જેટલો પણ ખ્યાલ ન હતો કે તેઓ એક મોટા ગુરુ છે. તેમને તો એમ જ હતું કે જે કંઈ થઈ રહ્યું છે તે બધું જગન્માતા જ કરાવી રહી છે, પોતે કંઈ જ કરતા નથી. તેઓ સદા એમ જ કહેતા: ‘જો મારા મુખમાંથી કોઈ સારી વાત નીકળી હોય તો તે જગદંબાના જ શબ્દો છે, હું પોતે કંઈ કહેતો નથી.’ પોતાના દરેક કાર્યના સંબંધમાં તેમને આવો જ વિચાર આવતો અને પોતાની મહાસમાધિ સુધી તેમની આ ભાવના અચળ રહી. મારા ગુરુદેવ કોઈ શિષ્યોને શોધવા ગયા નહોતા. તેમનો સિદ્ધાંત હતો કે મનુષ્યે પહેલાં ચારિત્ર્યવાન બનવું જોઈએ તથા આત્મજ્ઞાન મેળવવું જોઈએ; ફળ તે પછી આપોઆપ મળી જાય છે. તેઓ હંમેશાં આ દૃષ્ટાંત આપ્યા કરતા: ‘કમળ ખીલે છે કે તરત જ મધમાખીઓ મધ લેવા સ્વયં તેની પાસે હાજર થાય છે; એ જ રીતે જ્યારે તમારું ચારિત્ર્યરૂપી કમળ પૂરેપૂરું ખીલી ઊઠશે ત્યારે ફળ આપોઆપ જ તમને મળી જશે.’ આપણા બધાંને માટે આ એક બહુ મોટો ઉપદેશ છે. મારા ગુરુદેવે આ ઉપદેશ મને સેંકડો વાર આપ્યો છે, પરંતુ તેમ છતાં હું વારંવાર એ ભૂલી જાઉં છું.

વિચારોની અદ્‌ભુત શક્તિને ઘણાં થોડા લોકો સમજે છે. જો કોઈ મનુષ્ય કોઈ ગુફામાં પેસીને પોતાની જાતને પૂરી દઈને એકાંતમાં નિરંતર એકાગ્ર ચિત્તે કોઈ ગહન તથા ઉદાત્ત વિષય પર મનન કરતો રહે, અને એ જ દશામાં પોતાના પ્રાણ તજી દે, તો તેના એ વિચારોના તરંગો ગુફાની દીવાલોને ભેદીને ચારે તરફના વાતાવરણમાં ફેલાઈ જાય છે, અને છેવટે આખીયે મનુષ્યજાતિમાં તે પ્રવેશે છે. વિચારોની આવી અદ્‌ભુત શક્તિ છે. માટે પોતાના વિચારોનો બીજાઓમાં પ્રચાર કરવા માટે ઉતાવળ કરવાની જરૂર નથી. પહેલા આપણે બીજાને કંઈ આપી શકીએ એવી યોગ્યતા મેળવવી જોઈએ. જેની પાસે આપવાનું કંઈક પણ છે, તે જ જ્ઞાનનો પ્રચાર કરી શકે. કારણ કે ઉપદેશ આપવો એ કેવળ શાબ્દિક વ્યવહાર નથી, તેમજ બીજાની સમક્ષ પોતાના મત રજૂ કરવા એ પણ નથી. એનો અર્થ છે ભાવસંચાર. જેમ હું તમને એક ફૂલ આપી શકું છું એ જ રીતે, તેનાથી પણ વધારે પ્રત્યક્ષ રૂપમાં, ધર્મ પણ આપી શકાય છે. અને આ વાત અક્ષરશ: સત્ય છે. આ ભાવના ભારતવર્ષમાં તો અતિ પ્રાચીન કાળથી જ વિદ્યમાન છે અને પાશ્ચાત્ય દેશોમાં જે ‘ઈશ્વર દૂતોની ગુરુ શિષ્ય પરંપરા’ (Apostolic succession)નો મત પ્રચલિત છે, તેમાં પણ આ ભાવનાનું દૃષ્ટાંત મળી આવે છે. એટલા માટે પ્રથમ આપણે ચારિત્ર્યવાન થવું જોઈએ. સૌની સમક્ષ સૌથી મોટું કર્તવ્ય એ જ છે. સત્યનું જ્ઞાન પહેલાં તમને પોતાને હોવું જોઈએ અને તે પછી જ તમે તે બીજા અનેકને શીખવી શકો. બલકે એ લોકો પોતે જ તે શીખવા આવશે. મારા ગુરુદેવની આ જ શૈલી હતી. તેમણે કદી કોઈ બીજાની ટીકા કરી નથી. હું વર્ષો સુધી તેમની સાથે રહ્યો છું. પરંતુ તેમને મુખે કદી કોઈ બીજા સંપ્રદાયની નિંદા મેં સાંભળી નથી. બધા સંપ્રદાયો પ્રત્યે તેમનો સમાન સદ્‌ભાવ હતો; અને તે બધાંમાંનો સમન્વય ભાવ તેમણે શોધી કાઢ્યો હતો. મનુષ્ય જ્ઞાનમાર્ગી, ભક્તિમાર્ગી, યોગમાર્ગી અથવા કર્મયોગી હોઈ શકે છે. જુદા જુદા ધર્મોમાં, આ વિભિન્ન ભાવોમાંથી કોઈને કોઈ એક ભાવનું પ્રાધાન્ય જોવામાં આવે છે; જો કે આ ચારે ભાવોનો વિકાસ એક જ મનુષ્યમાં જોવામાં આવે એવું પણ બને. ભવિષ્યની માનવજાતિમાં આ બનવાનું છે. એ જ મારા ગુરુદેવની ધારણા હતી. તેમણે કોઈને ખરાબ કહ્યા નથી; ઊલટું બધામાં સારાપણું જ જોયું છે.

(‘મારા ગુરુદેવ’ – પૃ.૩૧-૩૩)

Total Views: 111

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.