શ્રીરામકૃષ્ણ આૄશ્રમ, રાજકોટમાં વાર્ષિક મહોત્સવની ભવ્ય ઉજવણી

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં ‘વિવેક’હોલમાં તા. ૧૧ જૂન થી ૧૯ જૂન સુધી વાર્ષિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું.

૧૧ જૂન, શનિવારથી ૧૫ જૂન, બુધવાર સુધી સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના અધ્યક્ષ, રામાયણના પ્રખર વિદ્વાન સ્વામી ત્યાગાત્માનંદજી મહારાજ દ્વારા ‘રામ ચરિત માનસ’ પરનાં વિશેષ વ્યાખ્યાનોનું આયોજન થયું હતું. ‘રામ ચરિત માનસ’ પરનાં એમનાં અભ્યાસપૂર્ણ, ભાવભક્તિપૂર્ણ અને તત્ત્વચર્ચાથી સભર વ્યાખ્યાનો ભાવિકજનોએ માણ્યાં હતાં.

૧૧ જૂન થી ૧૩ જૂન સુધી દરરોજ સાંજે ૭.૦૦ વાગ્યે રામકૃષ્ણ સંઘના સુખ્યાત સંગીતજ્ઞ સ્વામી દિવ્યવ્રતાનંદજી મહારાજનાં વિવિધતાસભર અને ભગવાન શ્રીરામકૃષ્ણદેવે ગાયેલાં બંગાળી ભજનોના સંગીતનો કાર્યક્રમ ભક્તોએ મનભરીને માણ્યો હતો.

૧૪મી જૂને સાંજે ૭ થી ૯ સુધી શ્રી કિરણભાઈ પટેલની નિશ્રામાં એસ.એન. કણસાગરા વિદ્યાલયના શિક્ષક વૃંદ દ્વારા રજૂ થયેલ સામુહિક ભજનસંગીતની લહેરોથી ભાવિકો અનેરા આનંદમાં ડૂબી ગયા હતા.

૧૫મી અને ૧૬મી જૂને સાંજે ૭.૦૦ વાગ્યે રાજસ્થાનની જોધપુર યુનિવર્સિટીના સંગીત વિભાગના અધ્યક્ષ ડો. રાજેન્દ્ર વૈષ્ણવના શાસ્ત્રીય સંગીતના સૂરે મઢાયેલાં, ભાવભક્તિ, શરણાગતભાવના, સમર્પણ-ત્યાગ-વૈરાગ્ય અને પ્રભુ માટેની હૃદયની ઊંડી આરતના ભજનો ભક્તજનોએ મનથી માણ્યાં હતાં. 

૧૬મી અને ૧૭મી જૂને સવારે ૭.૩૦ વાગ્યે રામકૃષ્ણ મિશન, રાયપુરના સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજનાં ‘ગીતામાં વર્ણવેલ મુક્ત પુરુષનાં લક્ષણો’ વિશે સૌ કોઈને ગળે ઊતરી જાય તે રીતે અને ગીતાને જીવનમાં જીવવાની ઇચ્છા થાય તેવાં પ્રેરક પ્રવચનો જિજ્ઞાસુ ભક્તોએ માણ્યાં હતાં. 

૧૬ જૂન, ગુરુવારે સવારે ૮.૩૦ થી ૧.૦૦ રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્યો માટે ‘વિદ્યાર્થીઓના સર્વાંગિણ વિકાસમાં આચાર્યોની ભૂમિકા’ એ વિષય પર સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી ત્યાગાત્માનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, જિલ્લાશિક્ષણાધિકારીશ્રી વી.બી. ભેંસદળિયા, શ્રી ગુલાબભાઈ જાની, પારુલબહેન દુબે, કવિતાબહેન સૂદે પોતાનાં પ્રેરક પ્રવચનો આપ્યાં હતાં. આચાર્યોના પ્રતિભાવો પણ દાદ માગી લે તેવા હતા. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. જેમાં ૩૦૦ જેટલા આચાર્યોએ ભાગ લીધો હતો. શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિદ્યાર્થીના વ્યક્તિત્વ વિકાસ’નાં વિવિધ પાસાંની ચર્ચા કરીને સૌને મંત્રમુગ્ધ બનાવી દીધા હતા.

૧૭ જૂને શુક્રવારે સવારે ૮.૩૦ થી ૧.૦૦ રાજકોટ જિલ્લાની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો માટે ‘વિદ્યાર્થીઓના સર્વાંગિણ વિકાસમાં શિક્ષકોની ભૂમિકા’ એ વિષય પર ઉપર્યુક્ત સંન્યાસીઓ ઉપરાંત ભાવનગર યુનિવર્સિટીના ઉપકુલપતિ પ્રો. નરેશ વેદ અને કુસુમબહેન પરમારે પોતાનાં પ્રવચનો આપ્યાં હતાં. કાર્યક્રમનો પ્રારંભ રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓના વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. જેમાં ૩૦૦ જેટલા શિક્ષકોએ ભાગ લીધો હતો. આ બંને શિબિરમાં સ્વામી દિવ્યવ્રતાનંદજી મહારાજ, ડો. રાજેન્દ્ર વૈષ્ણવ અને જીતુભાઈ અંતાણીનાં ભજનોને ભાવિકોએ ભાવથી માણ્યાં હતાં.

૧૮ જૂન અને ૧૯ જૂન, સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ સુધી અગાઉથી નોંધાયેલા ભક્તજનો માટેની આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૪૦૦ જેટલા ભાવિકોએ ભાગ લીધો હતો. ભક્તજનોને સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી ત્યાગાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી સર્વસ્થાનંદજી, સ્વામી માયાતીતાનંદજીએ સંબોધ્યા હતા. અને પુષ્પાબહેન મહેતાએ ‘માતૃચરણે’માંથી તથા પ્રકાશભાઈ હાથીએ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી વાચન કર્યું હતું. શિબિરના પ્રારંભમાં સ્વામી ચિત્તપ્રભાનંદજીએ આરતી, પુષ્પાંજલિ અને નૈવેદ્ય અર્પણ કર્યા પછી બધા ભક્તજનોને મંત્રોચ્ચાર સાથે પુષ્પાંજલિ અર્પણ કરાવી હતી. સ્વામી દિવ્યવ્રતાનંદજી અને અન્ય બ્રહ્મચારી સંન્યાસીઓ દ્વારા બંને દિવસના કાર્યક્રમની શરૂઆતમાં પહેલા દિવસે શ્રીમા નામસંકીર્તન અને બીજે દિવસે શ્રીરામકૃષ્ણનામ સંકીર્તન રજૂ થયાં હતાં અને ભાવિકોએ આ બંને સંકીર્તનો ઝીલ્યાં હતાં; વચ્ચે વચ્ચે સ્વામી દિવ્યવ્રતાનંદજી તથા જીતુભાઈ અંતાણીનું ભજનસંગીત સૌનું આકર્ષણ બની ગયું હતું. પ્રશ્નોત્તરીના રસપ્રદ કાર્યક્રમમાં શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજીએ ભાવિકોના આધ્યાત્મિક સિદ્ધિ અને માનસિક એકાગ્રતા તથા શાંતિપ્રાપ્તિ માટેના પ્રશ્નોના ઉત્તર ઉદાહરણો સાથે અને હૃદય સોંસરવા ઊતરી જાય તે રીતે આપ્યા હતા.

૧૭, ૧૮ અને ૧૯ જૂન, એ ત્રણેય દિવસ સાંજના ૬.૩૦ વાગ્યે અનુક્રમે ‘આજના યુગ માટે સ્વામી વિવેકાનંદનો સંદેશ’; ‘આધુનિક યુગ માટે શ્રીમાનો સંદેશ’; ‘શ્રીરામકૃષ્ણ – જીવન અને સંદેશ’ વિશે સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી ત્યાગાત્માનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, જ્યોતિબહેન થાનકી, પ્રો. નરેશ વેદ, શ્રીબકુલેશભાઈ ધોળકિયાએ જિજ્ઞાસુઓને સંબોધ્યા હતા. 

આ ત્રણેય દિવસ સ્વામીજી, શ્રીશ્રીમા તથા શ્રીઠાકુરના જીવનપ્રસંગો અને એમના અનન્ય ઉપદેશની આજના યુગમાં પ્રાસંગિકતા વિશે વિશદ ચર્ચા થઈ હતી. તેમાંય શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિશ્વની મહાન વિચારક્રાંતિઓના તત્ત્વચિંતકો અને મનોવૈજ્ઞાનિકોના અભિગમોનો સવિસ્તર ઇતિહાસ આપીને તેના પરિપ્રેક્ષ્યમાં સ્વામી વિવેકાનંદનાં ઋષિત્વ, ઈશત્વની સવિગત ચર્ચા કરીને ભાવિકોને ૪૫ મિનિટ સુધી જકડી રાખ્યા હતા અને સ્વામીજીને મુલવવાની નવી દૃષ્ટિ એમણે આપી હતી. શ્રીમાના જીવનની આધ્યાત્મિકતા, એમનું જગદંબાપણું – એમની આદ્યાશક્તિની વાત એમણે ભાવિકજનો સમક્ષ મૂકી હતી. શ્રીઠાકુરનાં ત્યાગ, તપશ્ચર્યા અને કામિની-કાંચનથી સદૈવ દૂર રહેવાના આદર્શને ભાવિકો સમક્ષ વિવિધ ઉદાહરણો આપીને સૌને ગળે ઊતરી જાય તે રીતે તેમણે ચર્ચા કરી હતી.

જાહેર સભા પહેલાં ૬.૩૦ થી ૭.૦૦ સુધી શ્રીમત્‌ સ્વામી દિવ્યવ્રતાનંદજી અને જીતુભાઈ અંતાણી તથા એમના સાથીમિત્રોનું ભજનસંગીત પણ ભાવિકજનોએ માણ્યું હતું. 

રાયપુરમાં સ્વામી વિવેકાનંદની વિશાળ પ્રતિમાનું અનાવરણ

છત્તિસ ગઢ રાજ્યના પાટનગર રાયપુરનું સ્થાન સ્વામી વિવેકાનંદના જીવનમાં ઘણું મહત્ત્વનું છે. પોતાના જન્મસ્થળ કોલકાતા પછી એમણે એક જ સમયગાળામાં સૌથી વધારે સમય રાયપુર શહેરમાં ગાળ્યો હતો. પોતાની તરુણાવસ્થામાં તેમના માતપિતા અને ભાઈ બહેનો સાથે બુદા તલાવની બાજુમાં આવેલ અને બુદેશ્વર શિવમંદિરની બાજુમાં આવેલ અત્યારે ‘વિવેકાનંદ સરોવર’ નામે ઓળખાતા પોતાના ઘરમાં – ૧૮૭૭ થી ૧૮૭૯ – બે વર્ષ જેટલો સમય વીતાવ્યો હતો. સ્વામી વિવેકાનંદની ૧૨૫મી જન્મજયંતી મહોત્સવના ઐતિહાસિક પ્રસંગે છત્તિસ ગઢ રાજ્યની રાજ્યસરકાર અને રાયપુરના મ્યુનિ. કોર્પોરેશને આ વિવેકાનંદ સરોવરની વચ્ચે સ્વામીજીની ધ્યાનસ્થ મુદ્રાની ભવ્ય અને વિશાળ પ્રતિમા એમની સ્મૃતિ રૂપે મૂકવાનું નક્કી કર્યું. ૧૬ એપ્રિલ, ૨૦૦૫ના રોજ સવારે ૬.૩૦ વાગ્યે ભૂતપૂર્વ વડાપ્રધાનશ્રી અટલબિહારી બાજપાઈએ વિશાળ ભાવિકજનો અને શહેરના મહાનુભાવોની ઉપસ્થિતિમાં બુદપારા વિસ્તારમાં ‘વિવેકાનંદ સરોવર’ની વચ્ચે આવેલ સ્વામી વિવેકાનંદની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. ભીલાઈના શિલ્પકાર શ્રી જે.એમ. નેલ્સને સ્વામીજીની ધ્યાનસ્થ મુદ્રાવાળી આ પ્રતિમાનું નિર્માણ કર્યું હતું. ૬૦ ટન સિમેન્ટ કોંક્રીટવાળી આ પ્રતિમા ૩૧ ફૂટ ઊંચી છે અને ૬ ફૂટ ઊંચા અને ૨૨ ચો.ફૂટના ક્ષેત્રફળવાળા પ્લેટફોર્મ પર આ પ્રતિમાને મૂકવામાં આવી છે. આ મહાકાય પ્રતિમા પાછળ ૧૦ લાખ રૂપિયા વપરાયા છે. શ્રી અટલબિહારી બાજપેયીએ બટન દબાવીને પ્રતિમાનું અનાવરણ કર્યું હતું અને લોકોએ સ્વામીજીની આ અનાવૃત્ત પ્રતિમાને નિહાળી હતી. પ્રતિમાની આગળના ભાગમાં બે રંગીન ફૂવારાઓનું દૃશ્ય અદ્‌ભુત હતું. આકાશ તરફ પાણી ફેંકતા ફૂવારાઓ અને ૯૩ ફૂટ ઊંચે આવેલ વિદ્યુત પ્રકાશપુંજે આજુ બાજુના વિસ્તારને રંગીન વારિરાશી અને પ્રકાશથી ભરી દીધો, એ દૃશ્ય અદ્‌ભુત હતું. 

આ પ્રસંગે રાજ્યના રાજ્યપાલ શ્રી કે.એન. શેઠ, મુખ્યમંત્રશ્રી ડો. રમણસિંઘ, ધારાસભાના અધ્યક્ષ શ્રી પ્રેમ પ્રકાશ પાંડે, ગૃહમંત્રીશ્રી બ્રિજમોહન અગ્રવાલ, પંચાયત અને ગ્રામવિકાસ ખાતાના મંત્રીશ્રી અજય ચંદ્રાકર, મેયર શ્રી સુનિલ સોની, મ્યુ. કમિશ્નરશ્રી અશોક અગ્રવાલ, મ્યુ. કોર્પો.ના અધ્યક્ષ રતન દાગ, રાજ્યના મુખ્ય સચિવશ્રી એ. કે. વિજય વર્ગીય, ડી.જી.પી. શ્રી ઓ.પી. રાઠોડ, તેમજ સ્વામી સત્યરૂપાનંદજી, સ્વામી શુદ્ધાત્માનંદજી અને બીજા અગ્રણીઓ અને નાગરિકો આ પ્રસંગે ઉપસ્થિત હતા.

રામકૃષ્ણ મિશન, લીંબડીનું ‘શ્રીરામકૃષ્ણ જલધારા’નું વહેતું અમીઝરણું

ચિકિત્સા સેવા, નેત્રયજ્ઞ, ગરીબોને અન્નવસ્ત્રની સહાય, વિદ્યાર્થીસન્માન, શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના જન્મજયંતી પ્રસંગે પ્રેરણાદાયી કાર્યક્રમો જેવાં અનેગ ક્ષેત્રોમાં રામકૃષ્ણ મિશન, લીંબડીનું કાર્ય ઘણું પ્રશંસનીય રહ્યું છે. 

એમાંય ઝાલાવાડની લૂખીસૂકી ધરતીમાં ગ્રામ્યજનોને પીવાના પાણી માટે વેઠવી પડતી અસહ્ય મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને ‘દરિદ્ર દેવો ભવ, દુ:ખી દેવો ભવ’ની ભાવનાને વરેલા રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી અને એમના અંતેવાસી સંન્યાસીઓ, બ્રહ્મચારીઓ અને ભાવિકજનો તેમજ ઉદાર દિલે દાન આપતા દાનવીરોની સહાયથી ઝાલાવાડની ધરતીના લોકોની તૃષાને તૃપ્ત કરવા છેલ્લાં બે વર્ષથી આ સંસ્થાએ ‘શ્રીરામકૃષ્ણ જલધારા પરિયોજના’નું ભગીરથ કાર્ય ઉપાડી લીધું છે. ઝાલાવાડના લોકોએ પાણીના સ્રોત માટે મહદંશે પ્રકૃતિ પર આધાર રાખવો પડે છે. એમાંય દર બીજે ત્રીજે વરસે આવતા દુષ્કાળ એમને માટે પીડાદાયી નીવડે છે. ઝાલાવાડના ગામડાંનાં અનેક બહેનો માઈલો સુધી ચાલીને પીવાનું પાણી મેળવે છે. નર્મદાના જળ પૂરતા પ્રમાણમાં આ પ્રજાજનોના ઘર સુધી પહોંચે ત્યાં સુધી અને ત્યાર પછી પણ ગ્રામ્યજનોને નિર્મળ પેયજળ મળી રહે તે માટે આ જલધારા યોજનાનું કામ ચાલુ રહેવું જોઈએ. 

એને લીધે વરસાદના પાણીનો સંગ્રહ થાય, એને નિરર્થક વહી જતું અટકાવાય તો ઘર અને ખેતી બંને માટે આ યોજના આશીર્વાદ રૂપ નીવડી શકે તેમ છે. આવી લોક કલ્યાણકારી યોજના માટે લોકજાગૃતિ, લોકસહકાર અને ઉદારદિલના દાતાઓની સહાય અનિવાર્ય બની રહે છે. સૌના સહિયારા પ્રયાસોથી જ આવી યોજનાઓ સાકાર થાય તો પોતાના કલ્યાણ માટેની યોજનામાં લોકોની પણ કાયમી રસરુચિ જળવાઈ રહે. ‘સહવીર્યં કરવાવહે’ની ભાવનાથી ચાલતાં આ સુકાર્ય દ્વારા કૂવાઓ ઊંડા ગાળવા, બોર રિચાર્જ કરવા, તળાવ ઊંડાં કરવાં અને નવાં તળાવ ગાળવા અને બાંધવાનું કાર્ય ચાલે છે. આ યોજનામાં ગ્રામજનો પરિશ્રમદાન પણ આપે છે. 

આ સર્વકલ્યાણ કરનારા સુકાર્ય માટે ઘણી નાણાકીય વ્યવસ્થાની જરૂર રહે છે. જલધારાના ત્રણેય પ્રકલ્પ માટે નિર્ધારિત ખર્ચનો અંદાજ આ પ્રમાણે છે:

કૂવા માટે – રૂપિયા પચાસ હજાર

તળાવ માટે – રૂપિયા એક લાખ પચાસ હજાર

બોર માટે – રૂપિયા બે લાખ પચાસ હજાર

ઉદારદિલના દાનવીરો, લોકહિતાય જીવન જીવતા દાની સદ્‌ગૃહસ્થો અને જાહેર સેવાભાવી ટ્રસ્ટ્‌સના ટ્રસ્ટીશ્રીઓને આ માનવકલ્યાણના કાર્યમાં પોતાનો હાથ લંબાવવા અમારી નમ્ર વિનંતી છે. દાન આપનાર દાતાઓની તખતી પણ મૂકવામાં આવશે.

દાનની રકમ રોકડ / ચેક કે ડ્રાફ્‌ટ દ્વારા ‘રામકૃષ્ણ મિશન, શ્રીરામકૃષ્ણ નગર, લીંબડી, જિ. સુરેન્દ્રનગર (ગુજરાત) પીન – ૩૬૩ ૪૨૧’ એ સરનામે અને ‘રામકૃષ્ણ મિશન, લીંબડી’ના નામે મોકલવા અમારી વિનંતી છે. દાનનો સાભાર સ્વીકાર કરીને તેની પહોંચ આપવામાં આવશે. સંસ્થાને અપાયેલા દાનની રકમ આવકવેરાની કલમ ૮૦(જી) હેઠળ કપાતને પાત્ર છે.

Total Views: 63

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.