(ગતાંકથી આગળ)

એમ સાંભળ્યું છે કે જ્યારે શ્રીમા વૃંદાવનમાં હતાં ત્યારે શ્રીઠાકુરના આદેશથી એમણે યોગીન મહારાજ (સ્વામી યોગાનંદ)ને સર્વપ્રથમ સંન્યાસદીક્ષા આપી હતી. ત્યાર પછી એમના કૃપાસ્રોતે નિરંતર પ્રવાહિત બનીને ઘણાને પાવન કર્યા છે. શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યવૃંદ પોતાની પાસે આવનારા પ્રિય આત્મજનો તથા એવી જ રીતે શ્રીઠાકુરના જૂના ગૃહસ્થ ભક્તો પણ પોતાના આત્મીયજનોને અને જિજ્ઞાસુ લોકોને શ્રીમા પાસે દીક્ષા લેવા મોકલતા રહેતા. એક બીજા પાસેથી સાંભળીને કેટલાક બીજા લોકો પણ શ્રીમાની કૃપા પામીને ધન્ય બન્યા. દૈવયોગે પણ કેટલાકે એમની કૃપા મેળવી હતી. આપણે અહીં શ્રીમાના અંતિમ દિવસોમાં બનેલી કેટલીક ઘટનાઓનો ઉલ્લેખ કરીશું. સાધારણ રીતે નિત્યપૂજા પછી શ્રીમા દીક્ષાર્થીઓને પરમ સ્નેહથી બોલાવીને બેસાડતાં, એમની પાસે સામાન્ય આચમન, શ્રીઠાકુરનું સ્મરણ અને આત્મસમર્પણ કરાવીને દીક્ષા વિશે બે-એક વાતો પૂછીને મંત્ર આપતાં તેમજ ગુરુ-ઈષ્ટની ઓળખાણ કરાવી દેતાં. ત્યાર પછી દીક્ષાર્થીની પૂજાદક્ષિણા વગેરે ગ્રહણ કરીને શુભાશીષ આપતાં. સમર્થ શિષ્યસંતાન જૂના ભક્તોના નિર્દેશ પ્રમાણે શ્રીમા માટે યથાશક્તિ વસ્ત્ર, ફળ, મિષ્ટાન્ન વગેરે લાવતા. જેના અંતરમાં જેવી સાધનાભક્તિ રહેતી તે પ્રમાણે તેઓ ખર્ચ કરતા. એ વિશે શ્રીમાનો કોઈ નિર્દેશ ન હતો. ગરીબ, અસમર્થ સંતાનોને વધુ ખર્ચ કરવાની તેઓ ના પાડતાં. એટલું જ નહિ ક્યારેક કોઈ ખર્ચ કર્યા વિના જ દીક્ષા મળી જતી. ભક્તિ, આત્મસમર્પણ જ વાસ્તવિક પૂજા છે, સાચી દક્ષિણા છે!

શ્રીમાનો શિષ્યવૃંદ – પ્રથમ દૃષ્ટાંત

શ્રીમાના એક શિષ્ય-સંતાન શિક્ષક છે. તેઓ પોતાના એક પ્રિય વિદ્યાર્થીને લઈને શ્રીમાનાં દર્શને આવ્યા છે. વિદ્યાર્થીની ઉંમર વધારે નથી, હજુ કિશોર છે, યૌવનના ઉંબરે પગ છે. સ્વભાવ-ચરિત્ર સારાં છે, તે ભક્તિમાન અને સુશીલ છે; માસ્ટર મહાશય એને ખૂબ ચાહે છે, ચહેરો પણ ઘણો સુંદર છે. શ્રીમાનાં દર્શને જઈને એણે શ્રીમા પાસે કૃપા માટે પ્રાર્થના કરી. શ્રીમાએ એને જોઈને સંતોષ અનુભવ્યો અને એની આકાંક્ષા પૂર્ણ કરીને તેને દીક્ષા આપી. છોકરાની ઉંમર ઓછી જોઈને કે કોઈ બીજું કારણ પણ હોઈ શકે, શ્રીમાએ દીક્ષા પછી એને સંબોધન કરતાં કહ્યું: ‘બેટા, તને નામ દીધું છે, ભક્તિપૂર્વક એનો જપ કરજે. અધિકારી બનજે, પછીથી બીજ મળશે.’ ભક્તિભાવવાળા શિષ્યે થોડા સમય પછી બીજમંત્ર પ્રાપ્ત કર્યો. પછીના જીવનમાં ક્રમશ: બ્રહ્મચર્ય અને સંન્યાસ ગ્રહણ કર્યા પછી એણે હિમાલયમાં રહીને સાધન-ભજન કર્યા હતા અને એ રીતે પોતાના માનવજીવનને ધન્ય બનાવીને અંતે માતૃલોકમાં ચિરપ્રસ્થાન કર્યું. 

શ્રીમાનો શિષ્યવૃંદ – બીજું દૃષ્ટાંત

જયરામવાટીથી થોડા ગાઉ દૂર નીચલા વર્ણનો એક યુવાન શ્રીમાના મહિમાને સાંભળીને એમની કૃપા પ્રાપ્ત કરવા અત્યંત ઇચ્છુક બન્યો. એ સમયે સામાજિક વિચારની દૃષ્ટિએ ઉચ્ચવર્ણની સામે તે નીચલાવર્ણનો અછૂત હતો, પણ એમનો પરિવાર શ્રદ્ધાભક્તિવાળો, સન્માન્ય અને ધનવાન હતો. એ પ્રદેશમાં એની નામના હતી. અનેક લોકો એ યુવકને વિદ્વાન, બુદ્ધિમાન અને કર્મકુશળ વ્યક્તિના રૂપે જાણતા હતા. શ્રીમાના એક સંન્યાસી સંતાન સાથે એને ઓળખાણ હતી. એમના દ્વારા તેણે પોતાના અંતરની ઇચ્છા શ્રીમાનાં શ્રીચરણોમાં નિવેદિત કરી. શ્રીમા તેની આંતરિક આકાંક્ષા અને ભક્તિભાવની વાત જાણીને પ્રસન્ન થયાં અને એમણે એ યુવકની અભિલાષા પૂર્ણ કરવાની ઇચ્છા પણ પ્રગટ કરી. પરંતુ જયરામવાટીના લોકોને આ વાતનો ખ્યાલ આવતાં એક મોટું સામાજિક આંદોલન ઊભું થવાની અને નકામો વિવાદ-દેકારો થવાની સંભાવના હતી. વળી એક બીજો પણ ડર હતો કે આ બાજુએ એ યુવકના પરિચિત અને વિશેષ કરીને એની પોતાની જાતિના લોકો પણ રહેતા હતા. એ લોકો આ સાંભળીને જ દોડતા આવતા અને ટોળું એકઠું થઈ જતું. આવી વિકટ પરિસ્થિતિમાં શું કરવું – એક બાજુએ ભક્તની અભિલાષા પૂર્ણ કરવાની છે અને બીજી બાજુએ સમાજમાં પ્રચલિત પરંપરાની વિરુદ્ધ આચરણ છે. જટિલ સમસ્યા હતી. ઘણું વિચારીને શ્રીમાની અનુમતિ પ્રમાણે નક્કી થયું કે યુવક રાતે આવીને નજીકના કોઈ સગાને ઘરે રોકાશે અને પ્રાત:કાળ થતાં જ શ્રીમાના ઘરમાં આવશે. એના પરિચિત સાધુ રાતે જ શ્રીમાને ત્યાં રહેશે. સવારે યુવકના આવતાં જ ઉપર્યુક્ત સંન્યાસી તેને લઈને શ્રીમાનાં ચરણોમાં હાજર થાય અને એ સમયે શ્રીમા એ ભક્ત પર કૃપા વરસાવશે. આ પ્રમાણે બધી વ્યવસ્થા કરવામાં આવી અને ચોક્કસ દિવસે સવારે પેલા યુવકના આવતાં જ શ્રીમાએ એના પર કૃપા કરીને એને દીક્ષા આપી. એ ભક્તની ઘણા દિવસની અંતરની ઇચ્છા પૂર્ણ થઈ, એનું જીવનસાર્થક બન્યું. કોઈનેય આ વાતનો ખ્યાલ ન આવ્યો. જે બે-એક લોકોને આ વાતનો ખ્યાલ આવ્યો તેઓ તો શ્રીમાની આવી અદ્‌ભુત લીલા સર્વદા નજરે નિહાળતા એટલે એમને માટે આ કોઈ વિસ્મયની વાત ન હતી.

જો કે એ ભક્તના મનમાં પોતાના જાતિકૂળને લીધે સંકોચ અને સંશય હતો પરંતુ જ્યારે તેણે શ્રીમાનો અત્યંત સ્નેહપૂર્ણ વ્યવહાર જોયો અને ત્યાં ઉપસ્થિત અન્ય સંતાનોની જેમ જ તેને પણ શ્રીમાએ કોઈપણ જાતના ભેદભાવ વગર એને સ્વીકારી લીધો છે એવો અનુભવ કર્યો કે તરત જ એનો સંકોચ અને સંશય અદૃશ્ય થઈ ગયા. એનું અંતર આનંદથી ભરાઈ ગયું. શ્રીમાના હાથે પ્રસાદ મેળવીને, પૂર્ણ મનોરથ બનીને એણે એમની ચરણધૂલિ માથે ચડાવી. શ્રીમાના સ્નેહાશીર્વાદ ગ્રહણ કરીને તેણે હર્ષપૂર્વક વિદાય લીધી.

શ્રીમાનો શિષ્યવૃંદ – ત્રીજું દૃષ્ટાંત

એક મા-બાપવિહોણો બાળક ઘણાં દુ:ખકષ્ટોમાં ઊછરીને મોટો થયો. દુર્ભાગ્યે નાની ઉંમરમાં જ કોઈ અસાધ્ય રોગને કારણે તે વિકલાંગ બની ગયો. સારી રીતે ચાલી ન શકતો, બોલી ન શકતો, ઉચ્ચારણ અસ્પષ્ટ થતાં, બોલતાં બોલતાં જીભ અટકી જતી. ઉચ્ચકુળમાં જન્મ લેવા છતાં પણ વિશેષ અભ્યાસ પણ ન થયો. કોઈ પૂર્વસંચિત પુણ્યના ફળ સ્વરૂપે એક ભક્ત સાથે એને પરિચય થયો. ભક્તે શ્રીઠાકુરની વાતો કહીને એ એમના અંતરના ભક્તિભાવને વધાર્યો. થોડા સમય પછી શ્રીઠાકુરની પુણ્ય લીલાભૂમિ દક્ષિણેશ્વર અને એમના શિષ્યસંતાનોનાં દર્શનની ઇચ્છા પ્રબળ બનતાં તેણે પ્રયાસ કરીને રસ્તા માટેની ખર્ચી ભેગી કરી. સુદૂર આસામમાં આવેલ પોતાના વતનને છોડીને કલકત્તામાં આવ્યો. અહીં એમની મુલાકાત શ્રીમાની કૃપા મેળવનાર બે-ત્રણ ભક્તજનો સાથે થઈ અને એમની સાથે વાતચીત કરતાં તેણે શ્રીમાના અપારસ્નેહની વાતો સાંભળી. કલકત્તા આવીને એણે જાણ્યું કે શ્રીમા ઉદ્‌બોધનમાં રહે છે. તેના હૃદયમાં શ્રીમાનાં દર્શન કરવાની આકાંક્ષા પ્રબળ બની ગઈ. પણ એના જેવા દુર્ભાગી, દુ:ખી માણસ માટે ઉદ્‌બોધનમાં શ્રીમાનાં દર્શન થવા એ કઠિન સમસ્યા હતી. છતાંયે તે નિરાશ ન થયો. શ્રીઠાકુર અને શ્રીમાનાં ચરણોમાં પ્રાર્થના કરતાં કરતાં તે બનતા પ્રયાસો કરવા લાગ્યો. તેનો શુભદિન આવવામાં વાર ન લાગી. શ્રીમાનાં દર્શનની અનુમતિ મળી ગઈ. શ્રીમાનાં ચરણસમીપ પહોંચીને એનું હૃદય ભરાઈ આવ્યું. એના હૃદયની રુદ્ધ વેદના આજે આંસું બનીને શ્રીમાની સમીપ વહેવા લાગી. શ્રીમા પાસેથી સ્નેહ અને સાંત્વના પામતાં જ તેણે પોતાના દુર્ભાગ્યની રામકહાણી તૂટીફૂટી વાણીમાં અને અચકાતાં સ્વરે પણ વિગલિત હૃદયે શ્રીમા સમક્ષ પ્રગટ કરી. શ્રીમાએ એની આ દુ:ખગાથા સાંભળીને એના પ્રત્યે વિશેષ સ્નેહભાવ પ્રગટ કર્યો. એનાથી એને થોડો વિશ્વાસ મળ્યો અને દીક્ષા મેળવવાની પોતાના હૃદયની અભિલાષા શ્રીમા સમક્ષ અત્યંત પ્રાર્થનાભાવે રજૂ કરી. શ્રીમા પ્રસન્નતાપૂર્વક રાજી થયાં. યોગ્ય સમયે એની મનોકામના પૂર્ણ થઈ અને તેના દુ:ખી જીવનમાં સુખનો સંચાર થયો. ધીરે ધીરે તેને ભીતર અને બહાર સમૃદ્ધિ દેખાવા લાગી. શુભદિન આવ્યા અને એની દુ:ખભરી ચિંતાઓ દૂર થઈ. કૃપામયીની કૃપાથી અન્નવસ્ત્ર અને રહેઠાણની સમસ્યા તો દૂર થઈ પણ સાથે ને સાથે અધ્યાત્મ રાજ્યમાં પ્રવેશ કરવા તેનામાં પ્રબળ આગ્રહ અને સાધનભજન પ્રત્યેની નિષ્ઠા જોવામાં આવતી. કાલાંતરે ક્રમશ: બ્રહ્મચર્ય અને સંન્યાસ ગ્રહણ કરીને તેનું જીવન સાર્થક થયું.

શ્રીમાનો શિષ્યવૃંદ – ચોથું દૃષ્ટાંત

શ્રીમાના એક બીજા ભક્ત સંતાન કુલગુરુ પાસેથી દીક્ષા લઈને દીર્ઘકાળથી સાધનભજનમાં મગ્ન રહ્યા, છતાં એમને મનની શાંતિ મળતી ન હતી. શ્રીઠાકુરમાં એમને અગાધ ભક્તિ અને શ્રદ્ધા હતાં. શ્રીઠાકુરના શિષ્યો અને એમાંય વિશેષ કરીને શ્રી ‘મ’ સાથે એમને વિશેષ પરિચય હતો અને શ્રી ‘મ’ પણ એને ખૂબ ચાહતા. અનેક આઘાત-પ્રત્યાઘાતોએ એમનું જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું. અંતે નિરુપાય બનીને દુ:ખકષ્ટ સાથે તેઓ જયરામવાટી ગયા અને શ્રીમાનાં ચરણોમાં શરણાગતિ સાધી. જ્યારે શ્રીમાને ખ્યાલ આવ્યો કે એમની દીક્ષા તો થઈ ગઈ છે ત્યારે પહેલાં તો એમને દીક્ષા આપવા માટે રાજી ન થયાં. પરંતુ પછીથી એમનો આગ્રહ અને એમની અસહાય દશાની વાત જાણીને શ્રીમાએ કૃપાપૂર્વક ફરીથી દીક્ષા આપી. શ્રીમાનાં દર્શન, કૃપા અને સ્નેહ પામીને એમનું હૃદય આનંદથી ભરપૂર ભરાઈ ગયું. જયરામવાટી અને કામારપુકુરમાં શ્રીઠાકુરના સમયના લોકોને મળીને એમની લીલાઓ સાથે સંલગ્ન સ્થળોનાં દર્શન કરીને તે ભક્ત વિશેષ પુલકિત થયા. એમના જીવનમાં સ્પષ્ટ પરિવર્તન જોવા મળતું. પહેલાં તેઓને કોઈ કિનારો મળતો ન હતો પણ હવે એ કિનારો એમને મળી ગયો. એમણે નિષ્ઠાપૂર્વક સુનિર્દિષ્ટ પ્રણાલીનું અનુસરણ કરીને સાધનભજન શરૂ કર્યાં. પાછળથી તેઓ અધ્યાત્મરાજના ઉચ્ચશિખરે પહોંચ્યા. એમનાં જીવન અને ક્રિયાકલાપે ઘણાનાં દુ:ખમય જીવનને સુખમય બનાવ્યું. 

શ્રીમાની કૃપાના અન્ય દૃષ્ટાંત

અહીં એક વાત કરવી આવશ્યક છે. કુલગુરુ પાસે દીક્ષા ગ્રહણ કરીને જે ફરીથી શ્રીમા પાસે દીક્ષા લેતા ત્યારે શ્રીમા એમને પોતાના પૂર્વગુરુ પ્રત્યે શ્રદ્ધા રાખવા ખાસ કહેતાં. પૂર્વગુરુનું સન્માન જળવાઈ રહે તેમજ પૂર્વગુરુ દાન દક્ષિણા, ભેટ વગેરેથી વંચિત બની જાય એવી સામાજિક પરંપરાનો લોપ ન થાય એ વાતનું વિશેષ સ્મરણ રાખવા પણ કહેતાં. સંભવ હોય ત્યાં સુધી શ્રીમા સામાજિક નિયમ કે આચારને માનીને જ ચાલતાં, તેમજ શાસ્ત્ર અને શાસ્ત્રીય વ્યવહારો પ્રત્યે પણ શ્રદ્ધા રાખતાં. કુલગુરુ, પુરોહિત, પંડાઓ, બ્રાહ્મણ, પંડિતો પ્રત્યે સન્માનભર્યો વ્યવહાર તેમજ તે બધા પ્રત્યે રીતિ પ્રમાણે શ્રદ્ધાપૂર્વક દક્ષિણા અને પ્રણામી દેવાનું શ્રીમાના જીવનમાં સર્વદા જોવા મળતું.

શ્રીમાની વિશેષ કૃપા મેળવનાર એક ભક્ત સંતાનના મુખે સાંભળ્યું છે કે તેઓ દીક્ષા માટે આગ્રહ તો ધરાવતા ન હતા એટલું જ નહિ પણ એ વિશે એમણે ક્યારેય વિચાર્યું પણ ન હતું. પૂર્વજન્મના પુણ્યોના પરિણામે એમને ‘ઉદ્‌બોધન’માં શ્રીમાનાં દર્શનનો લાભ મળ્યો અને એ વખતે શ્રીમાના કોઈ એક બીજા ભક્તે એમને દીક્ષા માટે પ્રેર્યા અને તે પ્રમાણે બધી વ્યવસ્થા થઈ ગઈ. શ્રીમાએ એમના પર અહૈતુકી કૃપા કરી અને ત્યાર પછી એમના જીવનમાં પરિવર્તન આવ્યું. શ્રીમાની કૃપા મેળવ્યા પછી ધીમે ધીમે એમને પોતાના મહિમાનો પરિચય થયો અને બધી કામ-વાસનાનો પરિત્યાગ કરી શ્રીમાને ઈહલોક અને પરલોક – બંનેના અવલંબનરૂપ માનીને એમની સેવા અને ચિંતન-મનનને જ પોતાના જીવનનું વ્રત બનાવી દીધું. જ્ઞાનભક્તિનું બીજ રોપીને તેને સ્નેહ અને મમતાથી પોષતાં અને એના બદલામાં શ્રીમા કોઈ અપેક્ષા ન રાખતાં.

એક ભક્ત નાની ઉંમરમાં જ સંસારનો ત્યાગ કરીને એક આશ્રમમાં સાધુ થઈ ગયા. આશ્રમમાં તો કઠોર પરિશ્રમ કરવો પડે. ખાવા રહેવાનું દુ:ખ તો હતું જ, એમાં વળી આશ્રમના અધ્યક્ષ પણ સમયે સમયે કઠોર શાસનનો પરિચય આપતા. છતાં પણ આશ્રમના અધ્યક્ષ સૌનું મંગલ જ ઇચ્છે છે એમ માનીને આવાં દારૂણ કષ્ટ સહેતાં સહેતાં સારા એવા દિવસો પસાર કર્યા. પરંતુ જ્યારે આશ્રમના નિયમકાનૂન અને તેનાં કામકાજ એને માટે સાવ અસહ્ય બની ગયા ત્યારે કાશી જવાનો નિશ્ચય કરીને તેઓ ત્યાંથી નીકળી પડ્યા. નાની ઉંમરથી જ એમને ઠાકુર પ્રત્યે ભક્તિભાવ હતો. એટલે જ કાશી જતાં જતાં તેઓ વર્ધમાનમાં ઊતર્યા અને શ્રીઠાકુરના જન્મસ્થાન કામારપુકુરનાં દર્શન કરવા ગયા. શ્રીમાને જોઈને અને એમની અપાર સ્નેહમમતા પામીને એ દુ:ખી સંતાનનું હૃદય દ્રવી ઊઠ્યું; અને રડતાં રડતાં તેણે પોતાના દુ:ખની વાત સંભળાવી. સંતાનના દુ:ખથી શ્રીમાનાં નેત્રમાંથી આંસું સરવા લાગ્યાં. તેને આશ્વાસન આપીને શ્રીમાએ અભય પ્રદાન કર્યું તથા અયાચિત કૃપા કરીને એને દીક્ષા આપી અને હંમેશાંને માટે અતૂટ સ્નેહપાશમાં બાંધી લીધા. એ ભક્ત એ વિસ્તારમાં દીર્ઘકાળ સુધી રહ્યા અને સદૈવ માતૃચરણનાં દર્શન અને સેવાનો સુયોગ પ્રાપ્ત કરીને તથા શ્રીમાનાં સ્નેહમાધુર્યરસનું પાન કરીને તેમણે પોતાનો જન્મ સાર્થક કરી લીધો.

શ્રીમાના વિદ્યાર્થી ભક્ત

શ્રીઠાકુરના જન્મસ્થાનથી થોડે દૂર એક ઉચ્ચ વિદ્યાલય હતું. તેના આચાર્યે તેમજ સહાયકો માંથી કોઈને કોઈએ શ્રીમા પાસેથી દીક્ષા લીધી હતી. એ લોકો વચ્ચે વચ્ચે જયરામવાટી આવીને શ્રીમાનાં દર્શન કરતા. એમના ઘણા વિદ્યાર્થીઓ પણ આ વાત જાણતા હતા. સંસ્કારવશ એક બાળકની ભીતર શિક્ષકો પ્રત્યેનાં શ્રદ્ધાભક્તિની સાથે ધર્મભાવનાં બીજ અંકુરિત થયાં. એમણે જાણી લીધું કે શિક્ષકો ક્યાં અને કોની પાસે જાય છે? આ બધી વાતો જાણ્યા પછી તે શ્રીઠાકુર પ્રત્યે ઘણો આકર્ષાયો. ધીમે ધીમે તેણે શ્રીમા વિશે પણ જાણી લીધું. પરંતુ આચાર્ય મહોદય ઘણા કડક હતા. તેમને સમજ્યા જાણ્યા વિના માત્ર બીજાની દેખાદેખીથી નાના નાના છોકરાઓ ધર્મકર્મ કરે એ પસંદ ન હતું. એટલે એ વિદ્યાર્થી છાનોમાનો શ્રીઠાકુર વિશેનાં પુસ્તકો વાંચતો અને મિત્રો સાથે એની ચર્ચા પણ કરતો. નવાસનમાં આવેલા આશ્રમના એક બ્રહ્મચારીને એણે કહ્યું: ‘મારામાં શ્રીઠાકુરની છબિ પાસે રાખવાનું સાહસ નથી એટલે આશ્રમમાં શ્રીઠાકુરને જોઈ જોઈને મારી ભીતર અંતરમાં એવું કરી લીધું છે કે જ્યારે મારા મનમાં એમનાં દર્શનની ઇચ્છા થાય ત્યારે હું એમને નીહાળી લઉં છું.’ સૌભાગ્યવશ શ્રીમાની કૃપા પ્રાપ્ત એક સાધુ સાથે એ વિદ્યાર્થીને પરિચય થયો અને એ પરિચય ઘનિષ્ઠ બની ગયો. એક દિવસ કોઈને બતાવ્યા વિના સાધુઓની સાથે તે શ્રીમા પાસે ગયો. એમનાં દર્શન કર્યાં અને એમને પ્રણામ પણ કર્યા. ભક્તિભાવવાળા આ બાળકવિદ્યાર્થીને જોઈને શ્રીમાએ એના પરિચય વિશે પૂછપરછ કરી. જ્યારે શ્રીમાને ખબર પડી કે તે બાળક પોતાના એક દીક્ષિત ભક્તનો વિદ્યાર્થી છે ત્યારે તેઓ તેના પર વિશેષ પ્રસન્ન થયાં અને સ્નેહપ્રેમ પ્રગટ કરતાં એને ખાવા માટે પ્રસાદ પણ આપ્યો. એનાથી આ છોકરાનું મન આનંદથી ભરાઈ ગયું. સાથે ને સાથે એના મનની એક આશંકા એને સતાવવા લાગી, તે વિચારવા લાગ્યો કે ક્યાંક એમની શાળાના શિક્ષક શ્રીમા પાસે આવીને એના આગમનની વાત જાણી ન લે અને જાણશે તો તે અત્યંત ક્રોધે ભરાશે. તેણે પોતાની ચિંતા બીજા સાધુઓ સમક્ષ વ્યક્ત કરી. એ લોકોએ શ્રીમાને વિનયપૂર્વક જણાવ્યું કે આ બાળકના આવવાની વાત ક્યારેય પરસ્પરની વાતચીતમાં પણ પેલા શિક્ષકોની સામે ન નીકળે એ જોવું. શ્રીમાએ મૃદુ હાસ્ય સાથે અભય પ્રદાન કર્યું અને ત્યારે પેલા વિદ્યાર્થીનું મન નિશ્ચિંત થયું. શ્રીમાનાં સ્નેહમમતા પામીને તેનું એમની પાસે આવવા જવાનું વધવા લાગ્યું અને થોડા જ સમયમાં એણે શ્રીમાની કૃપા મેળવી. તેનું ચરિત્ર, તેનો વ્યવહાર અને તેની કાર્યતત્પરતાથી તરત જ જયરામવાટીમાં શ્રીમાના ઘરમાં બધાની સાથે એ વિદ્યાર્થીની ઘનિષ્ઠતા વધી ગઈ. એના પ્રત્યે શ્રીમાને પણ વિશેષ સ્નેહભાવ ઉદ્‌ભવ્યો. ત્યાર પછી જ્યારે શિક્ષકોને શ્રીમા પ્રત્યેની તેની ભક્તિનો તથા તેના પ્રત્યેનો શ્રીમાનો વિશેષ સ્નેહભાવનો ખ્યાલ આવ્યો ત્યારે તેઓ પણ ખૂબ ખુશી થયા.

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.