ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસે ઈ.સ. ૧૯૧૧થી ‘વિવેકાનંદ વિચારમાળા’ના છ ભાગ પ્રસિદ્ધ કર્યા હતા એ વિશે આપણે આ પહેલાંના સંપાદકીયમાં વિગતવાર ચર્ચા કરી ગયા છીએ.

આ પહેલાં પણ ઈ.સ. ૧૮૯૯ થી સ્વામી વિવેકાનંદના સાહિત્યમાંથી ગુજરાતી અનુવાદ ગુજરાતી પ્રજાજનો સમક્ષ મૂકવા પ્રયત્નો થતા રહ્યા હતા. આવા ઉદાત્ત પ્રયાસોમાં ‘પ્રજાબંધુ’ સાપ્તાહિકના સ્થાપક અને આદ્યતંત્રી શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ અનુવાદ કાર્યમાં આપેલું પ્રદાન ઉલ્લેખનીય છે. શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ બેરિસ્ટર જીવનલાલ વ્રજરાય દેસાઈના સહકારથી અંગ્રેજી વિભાગવાળું ગુજરાતી સાપ્તાહિક શરૂ કરવાનો નિર્ધાર કર્યો અને ૧૮૯૮ની ૬ઠ્ઠી માર્ચે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ થયું. શ્રી ભગુભાઈએ વ્યક્ત કરેલા આ સદ્‌વિચારો પાછળ સ્વામી વિવેકાનંદના ઉપદેશો એક પ્રેરક બળ રૂપે રહ્યા છે. એમણે સ્વામી વિવેકાનંદનાં લખાણો વાંચ્યાં હતાં એટલું જ નહિ પણ એમણે એને પચાવવાનો પણ એટલો જ પ્રયત્ન કર્યો. આ વાચન અને મનન પછી તેઓ સ્વામીજીના વિચારોને ગુજરાતી વાચકો સમક્ષ મૂકવા પ્રેરાયા હતા. તેઓ પોતાના સાપ્તાહિકના અગ્રલેખમાં આમ કહે છે : ‘આ પત્ર નૂતન છે, એ નૂતન લોહીનું છે પણ ઉચ્છેદક વિચારનું નથી. તે નૂતન પદ્ધતિનું છે પણ યોગ્યાયોગ્ય વિચારનિર્ણયનો એટલે વિવેકવૃત્તિનો કદી ત્યાગ કરનાર નથી; તે નૂતન પ્રારંભનું છે પણ ‘આરંભે શૂર’ બની પછી નૂર ગુમાવવા માટે કાંઈ નિર્મ્યું નથી… કરવાનું બહુ છે પણ કરનારા થોડા છે… પોતાના દેશબંધુઓ સર્વે બાબતનું જ્ઞાન મેળવતા થાય, એ મેળવીને નિશ્ચયવાળા અને નિડર બની પ્રયત્નશીલ થાય એ પ્રકારના લેખ આ નૂતન પત્રમાં તેના યોજક પ્રગટ કરતા રહેશે.’ (ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ, ભાગ ૮, પૃ. ૪૩૬-૩૭, વર્ષ : ૧૯૮૪)

સ્વામી વિવેકાનંદની પ્રેરણાથી જુલાઈ, ૧૮૯૫માં શરૂ થયેલા ‘બ્રહ્મવાદિન’; સપ્ટેમ્બર, ૧૮૯૬માં ‘પ્રબુદ્ધ ભારત’ નામનાં અંગ્રેજી માસિકો તથા ૧૮૯૯માં શરૂ થયેલ બંગાળી માસિક ‘ઉદ્‌બોધન’ના હેતુઓ પરથી શ્રી ભગુભાઈને પ્રેરણા મળી હોય એવું સ્પષ્ટપણે દેખાય છે. 

૧૮૧૨માં ફરદૂનજી મર્ઝબાન નામના પારસી સદ્‌ગૃહસ્થે ગુજરાતી લિપિ સાથે સૌ પ્રથમવાર પ્રિન્ટીંગ પ્રેસ સાથે એક પ્રકાશન ગૃહ શરૂ કર્યું. પણ તેમાં મોટે ભાગે પર્શ્યન ભાષાના ગુજરાતી અનુવાદો પ્રસિદ્ધ થતા. ૧૮૭૦માં સૌ પ્રથમવાર મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેયે ધાર્મિક સાહિત્યના ગુજરાતી પ્રકાશન માટે અમદાવાદમાં એક પ્રિન્ટીંગ પ્રેસ સ્થાપ્યો. તે પછી ૧૮૮૪માં ઇચ્છારામ સૂર્યરામ દેસાઈનો ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ અને ૧૮૮૮માં એન.એમ. ત્રિપાઠી એન્ડ સન્સનો પ્રેસ મુંબઈ ખાતે શરૂ થયા. અમેરિકાના ન્યૂયોર્ક શહેરમાં ઈ.સ. ૧૮૯૫-૯૬ના શિયાળામાં સ્વામી વિવેકાનંદે આપેલાં વ્યાખ્યાનોના આધારે ઓગસ્ટ, ૧૮૯૬માં અંગ્રેજીમાં પ્રથમવાર પ્રગટ થયેલ પુસ્તક ‘રાજયોગ’નો શ્રીભગુભાઈ ફતેહચંદ કારભારીએ કરેલ ગુજરાતી અનુવાદ ૧ એપ્રિલ, ૧૮૯૯ના રોજ મહાદેવ રામચંદ્ર જાગુષ્ટેના અમદાવાદના પ્રેસમાંથી ‘રાજયોગ’ના નામે પ્રકાશિત થયો હતો. આ પહેલાં ફેબ્રુઆરી, ૧૮૯૬માં ‘કર્મયોગ’ની અંગ્રેજી આવૃત્તિનું પ્રકાશન થયું હતું. એ જ રીતે ‘હિંદુઈઝમ’ નામના અંગ્રેજી પુસ્તકનું પ્રકાશન પણ એ સમય દરમિયાન થયું હતું. ગુજરાતી વાચકોનું એ પરમ સદ્‌ભાગ્ય છે કે આ બંને પુસ્તકોનો ગુજરાતી અનુવાદ ‘રાજયોગ’ના ગુજરાતી પ્રકાશનના સમયગાળામાં થયો હતો. આનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને જુલાઈ, ૧૯૦૧ના ‘પ્રબુદ્ધ ભારત’ના આ પુસ્તકોના અવલોકનમાંથી મળી રહે છે :

‘‘પ્રજાબંધુ’ના આદ્યસ્થાપક અને તંત્રી શ્રી ભગુભાઈ ફતેહચંદ કારભારીએ ‘કર્મયોગ’, ‘રાજયોગ’, ‘હિંદુઈઝમ’ નામનાં સ્વામી વિવેકાનંદનાં ત્રણ પુસ્તકોનો ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે પ્રસિદ્ધ કર્યો એ દરેકની એક એક પ્રત અમને મળી છે અને અમે એનો સાભાર સ્વીકાર કરીએ છીએ. આપણા દેશમાં કોઈ પણ વિદ્વાન માણસ સ્વામીજીનાં લખાણોનો પોતપોતાની પ્રાદેશિક ભાષામાં અનુવાદ કરવાનું કાર્ય કરે તો એમણે પોતાના પ્રદેશના લોકોની મોટી સેવા કરી ગણાય. આનું કારણ એ છે કે આપણા દેશના લોકોનો ઘણો નાનો ભાગ એમનાં મૂળ લખાણોને વાંચવા સક્ષમ છે.’ 

ઉપર્યુક્ત પુસ્તકો ઉપરાંત શ્રી ભગુભાઈ કારભારીએ ‘પ્રબુદ્ધ ભારત’, ‘બ્રહ્મવાદિન’ અને ‘ઉદ્‌બોધન’માં પ્રસિદ્ધ થયેલ સ્વામીજીના ૭૦ જેટલા પ્રેરણાદાયી પત્રોનો અનુવાદ પણ ઈ.સ. ૧૯૧૨માં ગુજરાતી વાચકો સમક્ષ મૂકીને એક મહાન સેવાકાર્ય કર્યું છે. આ જ રીતે સસ્તું સાહિત્ય કાર્યાલય દ્વારા ‘સ્વામી વિવેકાનંદના પત્રો’નો શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈ એ કરેલ ગુજરાતી અનુવાદ ૧૯૧૨માં બહાર પડ્યો. મોહનલાલ દેસાઈ મધ્યકાલિન જૈન ઇતિહાસના ઊંડા અભ્યાસુ હતા. તેમણે લખેલ જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ (૧૯૩૨) પૃષ્ઠ ૧૦૦૦, અને જૈન ગુર્જર કવિઓ ત્રણભાગ (૧૯૨૬-૪૪) પૃષ્ઠ ૪૦૬૧ પ્રખ્યાત છે.

ગયા અંકમાં આપણે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના બંગાળી પ્રકાશનના ઇતિહાસ વિશે વિગતવાર ચર્ચા કરી ગયા છીએ. સૌ પ્રથમવાર ૧૯૦૭માં ‘બ્રહ્મવાદિન’ ઓફિસ, મદ્રાસ (ચેન્નઈ)માંથી માસ્ટર મહાશયે કરેલ અંગ્રેજી અનુવાદ બહાર પડ્યો હતો. આ ગ્રંથમાં કથામૃતના વિવિધ ભાગોના ચયન કરેલા અંશો હતા. આ જ ગ્રંથને શ્રી ‘મ’એ ફરીથી સંવર્ધિત કર્યો તેમજ સુધાર્યો, તેનું પુન: મુદ્રણ ડિસેમ્બર, ૧૯૧૧માં રામકૃષ્ણ મઠ, ચેન્નઈએ પ્રસિદ્ધ કર્યું હતું.

સુપ્રસિદ્ધ વિદ્વાન અને વકીલ તેમજ મહાત્મા ગાંધીના પરિવાર સાથે ઘરોબો ધરાવતા રાજકોટના શ્રી કેવળરામ માવજી દવેએ ગુજરાતી ભાષી વાચકો સમક્ષ શ્રીરામકૃષ્ણ કથામૃતના અંશો ‘ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના સદ્‌વચન’ એ નામે મૂકવાનો અનન્ય પ્રયાસ કર્યો છે અને ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પ્રકાશનમાં આ એક મહત્ત્વની ઐતિહાસિક પહેલ છે, એમ આપણે કહી શકીએ. આ ગ્રંથ એમણે ઈ.સ. ૧૯૧૩માં રાજકોટના દામોદર દાસ પ્રિન્ટીંગ હાઉસ દ્વારા છપાઈને પ્રસિદ્ધ થયો હતો. એના કુલ પૃષ્ઠ ૩૫૬માં ૧૫ ખંડનો સમાવેશ થયો હતો. 

‘ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસના સદ્‌વચન’ ગ્રંથની પ્રસ્તાવનામાં શ્રી કેવળરામ માવજી દવેએ લખ્યું છે: ‘ગુજરાતીમાં ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનાં જીવન અને સદ્‌બોધ કેટલાક લેખકોએ કટકે કટકે છાપ્યાં છે, પરંતુ પૂર્ણ છપાયેલ નહિ અને તે ગ્રંથ મારા વાંચવામાં આવ્યો ત્યારથી જ મને એવી પ્રબળ ઇચ્છા થઈ કે આ ગ્રંથનો તરજુમો ગુજરાતી જાણકાર પ્રજા માટે બહાર પડે તો વધારે સારું… હું સન ૧૯૧૧ના ફેબ્રુઆરી માસમાં કલકત્તામાં ગયો હતો ત્યારે શ્રીયુત્‌ મહેન્દ્રનાથ ગુપ્ત જેમણે આ ગ્રંથ અંગ્રેજીમાં રચી દુનિયાને આભારી કરી છે તેને મળ્યો અને તેમની પરવાનગી માગી જે તેમણે ખુશીથી આપી. પણ ત્યાર બાદ તા. ૧૪મી મે સન ૧૯૧૧નો કલકતાથી લખેલ તેમનો પત્ર મને મળ્યો જેમાં નીચે લખી શરતો મંજૂરી સાથે જોડવા પોતાની ઇચ્છા બતાવી જે મેં ઘણી ખુશીથી કબૂલ કરી: (૧) આ ચોપડીનું ખર્ચ કાઢતાં વેચાણથી જે નફો થાય તે બનારસમાં અદ્વૈતાશ્રમમાં ઠાકુર શ્રીરામકૃષ્ણની સેવામાં વાપરવા માટે બેલૂર મઠમાં ટ્રસ્ટીઓને સોંપવો.(૨) દરેક નવી આવૃત્તિ પ્રગટ થતી વખતે ગ્રંથ કર્તા મ. (મહેન્દ્ર) અથવા તેના પ્રતિનિધિની પરવાનગી લેવી. (૩) પુસ્તકનું મુખપૃષ્ઠ તેમ રહેવા દેવું. માત્ર મ. ને બદલે શ્રી મ. (મહેન્દ્ર) લખવું. (૪) તરજુમો છપાવતી વખતે ખાતરી આપવી કે તરજુમો બરાબર છે.

આ ગ્રંથના ઉપયોગીપણા વિશે કંઈપણ બોલવું એ નકામું છે કેમ કે સ્વામી વિવેકાનંદે પોતાના બે કાગળોમાં જે કહ્યું છે તેથી ઊંચો મત કોઈ દર્શાવી શકે નહિ. તે બે કાગળો ગ્રંથ કર્તાની પ્રસ્તાવના તરીકે જ પ્રસિદ્ધ થયેલ છે.

મને પરવાનગી મળ્યા બાદ મારી તંદુરસ્તી ખરાબ થઈ ગઈ તેને લીધે તરજુમો કરવામાં કેટલીક ઢીલ થઈ છે તેને માટે વાચક વર્ગની તથા ગ્રંથ કર્તાની ક્ષમા માગું છું.

મારા મિત્ર પોરબંદર હાઈસ્કૂલના પહેલા આસીસ્ટંટ માસ્તર રા. રા. દેવશંકર મોહનજી પંડ્યાને ભાષાંતરની શૈલી ફેરવી સરળ ભાષામાં સુધારવા કામ સોંપ્યું. જે તેમણે પોતાથી બની શક્યું તેટલું કર્યું બાકી શૈલી સુધારવામાં, લખવામાં, પ્રૂફો સુધારવામાં વગેરે દરેક બાબતોમાં મારા કેટલાક મિત્રોએ જે મારા તરફના તેમના પ્રેમને લીધે જે મદદ કરી છે તેમનો આ જગ્યાએ અંત:કરણપૂર્વક આભાર માની આ પ્રસ્તાવના સંપૂર્ણ કરું છું. (અષાઢ સુદ ૨, વિ.સંવત, ૧૯૬૯, હાલારી સં. ૧૯૭૦)

ઈ.સ. ૧૯૧૪માં ‘શ્રીરામકૃષ્ણ વાક્‌સુધા’ભાગ-૧, પૃ.૯૬,ના અનુવાદ કર્તા હતા દ્વિવેદી જયશંકર અંબાલાલ છાંગાકર. શ્રીમાન જોષીએ પ્રયોજેલ મહારાજા શ્રી ગાયકવાડના નામે બે આનાની કીમતવાળી પુસ્તિકાની એક પુસ્તકમાળા પ્રસિદ્ધ કરી હતી. આ પુસ્તિકામાં શ્રીરામકૃષ્ણ પરમહંસના વાર્તાલાપો હતા. અને આ વાર્તાલાપોથી એ સમયે ગુજરાતી લોકો અજાણ હતા. એટલે વડોદરા રાજ્યે શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોને સંક્ષિપ્ત રૂપે બહાર પાડવામાં મહત્ત્વનું પ્રદાન કર્યું છે. પુસ્તકમાળા રૂપે આવી પુસ્તિકાઓના વધુ ભાગ બહાર પડ્યા હશે એવું અનુમાન કરી શકીએ.

શ્રીછગનલાલ નારણજી મેસરીએ ઈ.સ. ૧૯૧૩માં ‘કામિની અને કાંચન’ (ભાગ ૧ થી ૮) નામની નવલકથા લખી હતી. આ નવલકથામાં શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના કામિની કાંચન વિશેના નૈતિક અને આધ્યાત્મિક વિચારોને વાચા મળી છે.

કેવળરામ માવજી દવેના ઉપર્યુક્ત પ્રશંસનીય કાર્ય પછી સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલયે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને અન્ય પ્રકાશનોમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે એ વિશે આપણે વિગતે વિચારીશું. સર્વ પ્રથમ તો ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પ્રકાશન અંગે જ આપણે પ્રકાશ પાડીશું.

રામકૃષ્ણ-વિવેકાનંદ અને વેદાંત સાહિત્યના પ્રકાશનમાં ભગીરથ પ્રયાસો કરીને સિંહફાળો આપનાર સંસ્થા છે – સસ્તુ સાહિત્ય કાર્યાલય, અમદાવાદ. એમના પુરસ્કરતા અને પ્રેરક હતા સ્વામી ભિક્ષુ અખંડાનંદ. સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યલયનું પ્રકાશન કાર્ય શરૂ થયું એની પાછળ એક સરસ મજાની ઘટના સંકળાયેલી છે. એ ઘટના આવી છે: ગુજરાતી પ્રિન્ટીંગપ્રેસ, મુંબઈનાં પ્રકાશનો સામાન્ય રીતે વ્યાપારી ધોરણે થતાં અને એમનાં પુસ્તકોની કીંમત પ્રમાણમાં ઘણી ઊંચી રહેતી. ભીક્ષુ અખંડાનંદજીએ ‘ભગવદ્‌ ગીતા’ની કીંમત ઘણી ઊંચી જોઈને ઘણો આઘાત અનુભવ્યો. એમણે આ પુસ્તક પ્રકાશનનું એક મિશન કાર્ય હાથમાં લીધું કે જે લોકોને સામાન્ય રીતે સસ્તાભાવે પુસ્તકો આપી શકે. ૧૯૦૭ થી ‘સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય’ દ્વારા ઘણાં ઉપયોગી પુસ્તકો એમની રાહબરી હેઠળ પ્રગટ થયા. આવાં પુસ્તકોમાં મોટે ભાગે ધર્મ, આયુર્વેદિક ઔષધો, આત્મકથાઓ કે ભાષાંતરો વગેરે રહેતા. એમાં લેખકના વળતરથી માંડીને બીજા બધા ખર્ચ કરકસરથી કરવામાં આવતા. ત્યાર પછી સસ્તુ સાહિત્ય કાર્યાલયે વાર્ષિક લવાજમના દર ભરીને ‘વિવિધ ગ્રંથમાળા’ને નામે એક પુસ્તકમાળાની યોજના અમલમાં મૂકી. આ યોજના દ્વારા આ પુસ્તકો છપાય તે પહેલાં જ પૂર્વ ગ્રાહક બનાવીને તેની પાંચ હજાર જેટલી પ્રતો વેંચાઈ ગઈ. આજે પણ લોકો આ ‘સસ્તુ સાહિત્ય કાર્યાલય’ને માન-સન્માનની દૃષ્ટિએ જુએ છે.

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૧, ઈ.સ. ૧૯૧૮માં બહાર પાડ્યો હતો. તેનો ગુજરાતી અનુવાદ શાહપોર, સુરતના શ્રી નર્મદાશંકર બાલાશંકર પંડ્યાએ કર્યો હતો. તેઓ પછીના જીવનકાળમાં સંન્યાસ ગ્રહણ કરીને સ્વામી સેવાનંદજીના નામે ઓળખાતા હતા. આ ગ્રંથના નિવેદનમાં સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય દ્વારા ‘વિવિધ ગ્રંથમાળા’નું પ્રકાશન કાર્ય આઠમા વર્ષમાં પ્રવેશે છે એવા ઉલ્લેખ સાથે આમ નોંધ કરી છે: ‘આ ગ્રંથ દ્વારા એક એવા મહાત્માની ઉપદેશ કથા રજૂ થાય છે કે જેઓ વર્તમાન યુગમાં એક આધ્યાત્મિક આદર્શ હતા. એ મહાન પુરુષનું સંક્ષિપ્ત જીવન આ પછીના પૃષ્ઠોમાં અપાયું છે. વિસ્તૃત જીવન યથાસંયોગ નીકળશે… શ્રીયુત્‌ મહેન્દ્રનાથ ગુપ્ત ગૃહસ્થાશ્રમી છતાં વૃત્તિથી એક સંન્યાસી જેવા ગુણવાન અને જીજ્ઞાસુ હતા. તેઓની હાજરીમાં પરમહંસજી સમક્ષ જે કંઈ ચર્ચા વગેરે થતું તેની નોંધ તૈયાર કરી લેતા. તેમની નોંધ કેવી સંપૂર્ણ છે તે આ પુસ્તકના વાચનથી સમજાશે જ. પરમહંસજી જેવા અસામાન્ય મહાત્માના ઉપદેશોની આવી ઉત્તમ નોંધ પૂરી પાડીને શ્રીયુત્‌ મહેન્દ્રનાથે જીજ્ઞાસુ વર્ગ પર મોટો ઉપકાર કર્યો છે… અનુવાદ કરાવવા માટે બંગાળી પુસ્તકો તેમજ પરમહંસના જીવનચરિત્રનાં પુસ્તકો પાંચ-છ વર્ષથી મંગાવી રખાયાં હતાં. જેમાંથી ‘કથામૃત’ના અનુવાદનું કાર્ય બે-એક વર્ષ પર (૧૯૧૬થી) શરૂ કરવામાં આવ્યું હતું. જેનો પૂર્વ ભાગ આ પુસ્તકના રૂપમાં સાદર થાય છે. ઉત્તર ભાગ પણ ઘણું કરીને આવતા વર્ષમાં જ નીકળશે… શ્રીયુત્‌ નર્મદાશંકર બાલાશંકર પંડ્યાએ આ પુસ્તકનો અનુવાદ કાળજીથી અને સમયસર તૈયાર કરીને મોકલ્યો; તેમજ બન્યું ત્યાં સુધી કવિતાના અનુવાદ કવિતામાં જ ઉતાર્યા, તેના માટે તેમને સપ્રેમ ધન્યવાદ આપવામાં આવે છે.’ 

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૧ના કુલ ૫૮૭ પૃષ્ઠમાં ૩૩ ખંડનો સમાવેશ થાય છે.

૧૯૧૯માં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૨ બહાર પડ્યો. આ ગ્રંથમાં ૧૫ ખંડનો સમાવેશ થાય છે. ભાગ પહેલો અને બીજો એક વર્ષમાં વેંચાઈ જતાં તે બંનેની ૪૮ ખંડવાળી એક સંયુક્ત આવૃત્તિ ઈ.સ. ૧૯૨૪માં બહાર પાડવામાં આવી. ઈ.સ. ૧૯૪૦, ૧૯૪૪, ૧૯૬૩, ૧૯૭૩ અને ૧૯૮૦માં એમ અત્યાર સુધીમાં કુલ પાંચ આવૃત્તિ બહાર પાડવામાં આવી છે. મૂળ બંગાળી ‘કથામૃત’ના પાંચ ભાગમાંથી ત્રણ ભાગનો અનુવાદ આ સંયુક્ત આવૃત્તિમાં સમાવાયો છે. તે પછી જાન્યુઆરી ૧૯૪૭માં મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના ચોથા ભાગમાંથી ૧ થી ૯ ખંડ નો ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ વાર્તાલાપ-૧’ તરીકે પ્રકાશિત થયો. છ મહિના પછી એટલે કે જુલાઈ ૧૯૪૭માં ઉપરોક્ત બંગાળી પુસ્તકના બાકીના ખંડ – ૧૦ થી ૩૩ – નો ગુજરાતી અનુવાદ ‘શ્રીરામકૃષ્ણ વાર્તાલાપ-૨’ તરીકે પ્રકાશિત થયો. મૂળ બંગાળી ભાગ ૪નો ગુજરાતી અનુવાદ શ્રી રત્નેશ્વર ભવાનીશંકર ભટ્ટે કર્યો હતો.

શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદે પણ મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના પ્રથમ ત્રણ ભાગોનો ગુજરાતી અનુવાદ ઈ.સ. ૧૯૪૯ થી પ્રકાશિત કરવાનું સુકાર્ય આરંભ્યું. આ નૂતન ગુજરાતી અનુવાદની વિશિષ્ટતા વિશે પ્રથમ ભાગના નિવેદનમાં પ્રકાશકે લખ્યું છે : ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના બંગાળી ભાષામાં ૫ ભાગ પ્રસિદ્ધ થયા છે. સસ્તુ સાહિત્ય, અમદાવાદ તરફથી તેના પહેલાં ત્રણ ભાગ ગુજરાતીમાં પ્રસિદ્ધ થયા છે અને ગુજરાતની જનતાને તે સુપરિચિત છે. આ આવૃત્તિની વિશિષ્ટતા એ છે કે આ ભાષાંતર બંગાળીનું અક્ષરશ: ભાષાંતર છે અને આ રીતે તે પ્રથમવાર પ્રગટ થાય છે.’

શ્રીરામકૃષ્ણ આશ્રમ, પંચવટી, નાસિકના સ્વામી ચૈતન્યાનંદજીએ મૂળ બંગાળીમાંથી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું અક્ષરસ: ભાષાંતર કર્યું હતું. આ અનુવાદની બીજી વિશિષ્ટતા છે કે મૂળ બંગાળી પદ્યોનું અનુવાદકે છંદોબદ્ધ પદ્ય રૂપે જ ભાષાંતર કર્યું છે.

શ્રીરામકૃષ્ણ સેવાસમિતિએ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૧, ઈ.સ. ૧૯૪૯ની બુદ્ધજયંતીના પાવનકારી દિવસે બહાર પાડ્યો હતો. આ ભાગમાં શ્રીરામકૃષ્ણદેવનું સંક્ષિપ્ત જીવન ચરિત્ર અને પ્રથમ ૧૮ ખંડ તથા પરિશિષ્ટના કુલ મળીને ૩૪૫ પૃષ્ઠ હતાં. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૨ સ્વામી વિવેકાનંદ જયંતીના દિવસે ૩૦મી જાન્યુઆરી, ૧૯૫૧માં બહાર પડ્યો હતો, જેમાં ૧ થી ૨૭ ખંડ તથા પરિશિષ્ટના કુલ મળીને ૪૧૬ પૃષ્ઠ હતા. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ-૩, ૨૬ જૂન ૧૯૫૧માં બહાર પડ્યો હતો, જેમાં ૨૬ ખંડ તથા પરિશિષ્ટના કુલ ૪૫૨ પૃષ્ઠ હતા.

સન ૧૯૨૬માં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને તત્કાલીન સંઘના વ્યવસ્થાપક શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજે રાજકોટની મુલાકાત લીધી. એ વખતે અહીંના અગ્રણી નાગરિકો એમને મળ્યા અને રાજકોટ ખાતે કેન્દ્રની સ્થાપના કરવાની વાત એમની સમક્ષ મૂકી. પરિણામે સને ૧૯૨૭માં મોરબીના મહારાજા શ્રીલખધીરસિંહજીની ઉદાર સખાવતના પરિણામે રાજકોટમાં આવેલા મોરબી ઉતારાના મકાનમાં શ્રીરામકૃષ્ણ આશ્રમનો પ્રારંભ થયો. સમય જતાં રાજકોટના ઠાકોર સાહેબ શ્રી ધર્મેન્દ્રસિંહજીએ પ્રતીક મૂલ્ય લઈને આશ્રમનું કાયમી નિવાસસ્થાન બનાવવા માટે જમીનનો પ્લોટ આપવાનું સૌજન્ય દાખવ્યું. આજે આ પ્લોટ ઉપર આશ્રમમાં મકાનો ઊભાં છે. સને ૧૯૩૪માં અત્યારના મકાનમાં આશ્રમનું સ્થળાંતર કરવામાં આવ્યું.

શ્રીરામકૃષ્ણ તેમજ સ્વામી વિવેકાનંદના ઉદાર વિચારોનો સમાજના સર્વ સ્તરમાં બહોળો પ્રચાર થાય તે માટે શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યનાં ગુજરાતી ભાષાંતરો પ્રગટ કરવાની યોજના આશ્રમની શરૂઆતથી જ હતી અને તે દિશામાં શક્તિ પ્રમાણે પ્રવૃત્તિ ચાલતી હતી. પરંતુ સને ૧૯૬૨માં જ્યારે સમગ્ર ગુજરાતમાં વ્યાપક રીતે સ્વામી વિવેકાનંદ શતાબ્દી જયંતી ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું ત્યારે બીજી પ્રવૃત્તિઓ કરતાં સ્વામીજીના સમગ્ર સાહિત્યનું ગુજરાતી ભાષાંતર પ્રગટ કરીને તેના બહોળા પ્રચાર ઉપર જ વધારેમાં વધારે ભાર મૂકવામાં આવ્યો. સમાજની સર્વ કક્ષામાં આ સાહિત્ય સહેલાઈથી પહોંચે અને સમગ્ર પ્રજાને પ્રેરણાદાયી નીવડે તે માટે સ્વામી વિવેકાનંદ સાહિત્યની પણ ગ્રંથમાળા બહાર પાડવામાં આવી.

તે પછી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ના નવા પ્રકાશન માટે જૂના ભાષાંતરમાં આવશ્યક પરિવર્તનો અને સુધારણા કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું. ખાસ કરીને શ્રીરામકૃષ્ણદેવના રોજબરોજના ઉપદેશોનો સંપૂર્ણ સંગ્રહ તારીખવાર ગોઠવવામાં આવેલો હોવાથી આ ગ્રંથ શ્રીરામકૃષ્ણદેવના જીવનચરિત્રની આબેહૂબ છબિ જેવો છે. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની આ ક્રમબદ્ધ સમય તારીખવાળી પ્રમાણિત આવૃત્તિ મે, ૧૯૬૫માં બે ભાગોમાં રાજકોટ આશ્રમના અધ્યક્ષ સ્વામી ભૂતેશાનંદજીએ પ્રકાશિત કરી. આ ગ્રંથની પ્રસ્તાવનામાં તેઓશ્રી લખે છે :

‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નું ભાષાંતર દુનિયાની કેટલીક મુખ્ય મુખ્ય ભાષાઓમાં થઈ ગયું છે. કેટલાક પાશ્ચાત્ય મનીષીઓએ તો આ ગ્રંથને બાઈબલની કક્ષામાં મૂક્યો છે. એ બતાવે છે કે એ ગ્રંથમાંની શ્રીરામકૃષ્ણની વાણી માનવજાતને આધ્યાત્મિક માર્ગે કેટલી બધી સહાયક અને પ્રેરણાદાયક બની છે. તે જ પ્રમાણે ભારતમાં પણ એ ગ્રંથનો અનુવાદ ઘણી ભાષાઓમાં થયો છે. ગુજરાતીમાં પણ તેનો અનુવાદ આ અગાઉ એક બે સ્થળેથી પ્રસિદ્ધ થયો છે. પરંતુ તેમાં ભાષાંતર મૂળ બંગાળી સાથે સરખાવતાં કેટલેક સ્થળે મૂળને યથાર્થ રીતે અનુસરતું જણાતું નથી. તથા તે સંપૂર્ણ પણ નથી.

આ ગ્રંથમાં એ બધી ત્રુટિઓ દૂર કરવાનો યથાશક્તિ પ્રયાસ કરવામાં આવ્યો છે. તે ઉપરાંત આ ગ્રંથમાં પ્રસંગોની ગોઠવણી ઐતિહાસિક ક્રમ પ્રમાણે રાખવામાં આવી છે. એથી શ્રીરામકૃષ્ણની ભક્તો સાથે થયેલી આખા દિવસની વાતચીત આમાં એકસાથે સળંગ અને સમગ્રપણે વાંચવા મળે છે. અગાઉનાં બીજાં ભાષાંતરોમાં એમ ન હોવાથી એક જ દિવસની વાતચીત ચાર કે પાંચ ભાગમાં વહેંચાઈ ગઈ છે. એથી ઐતિહાસિક ક્રમ જળવાતો ન હતો. આમાં એ દૃષ્ટિ મુખ્ય રાખી છે. વળી અગાઉનાં પ્રકાશનોમાં પ્રકરણો, કે જે ઘટનાઓ અને વિષય પ્રમાણે જોઈએ, તે તેમ ન હતાં. આ ગ્રંથમાં પ્રકરણો ગોઠવતી વખતે એ વસ્તુ પણ લક્ષ્યમાં લેવાઈ છે. તે સાથે તુલનાત્મક સંશોધનથી રજૂઆતમાં તથા અનુવાદમાં વિશેષ ચોક્કસતા આવી છે.

વળી વાચકોને વિશેષ આનંદદાયક એ થશે કે આ ગ્રંથના મૂળ બંગાળીમાં લેખક શ્રી ‘મ’ને મુખેથી આ ‘કથામૃત’ પ્રથમ સાંભળીને પરમહંસદેવ શ્રીરામકૃષ્ણની પત્ની મા શ્રીશારદામણિદેવીએ આપેલા અભિપ્રાય અને આશીર્વાદનો પ્રાચીન પત્ર પણ મેળવીને આ ગ્રંથમાં મૂકવામાં આવ્યો છે.

આ બધાં કારણોને લીધે આ ગ્રંથ ઐતિહાસિક દૃષ્ટિને વફાદાર, વધારે માહિતીપૂર્ણ, વધારે સમૃદ્ધ અને વધારે ચોક્કસ બન્યો છે.

અમે આશા રાખીએ છીએ કે ગુજરાતી વાચક-વર્ગની આધ્યાત્મિક તૃષા છિપાવવામાં આ ગ્રંથ અમૂલ્ય સહાય-રૂપ નીવડશે.

આ ગ્રંથના પ્રકાશન માટે પરિશ્રમ ઊઠાવનાર અનુવાદક સ્વામી ચૈતન્યાનંદ તથા હસ્તલિખિત પ્રતને તપાસી જવા માટે શ્રી રામનારાયણ ના. પાઠક અમારા ધન્યવાદને પાત્ર છે.

વળી મૂળ બંગાળી ગ્રંથ ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ (પાંચ ભાગમાં)નો અનુવાદ કરીને પ્રકાશિત કરવાની પરવાનગી માટે ગ્રંથના મૂળ લેખક શ્રી ‘મ’ યાને સ્વ. મહેન્દ્રનાથ ગુપ્ત તથા તેમના ઉત્તરાધિકારી શ્રી અનિલ ગુપ્તના અમે ઋણી છીએ. તેમજ શ્રીરામકૃષ્ણ સેવા સમિતિ, અમદાવાદ – એમણે તેમના પ્રસિદ્ધ થયેલ અનુવાદનો ઉપયોગ કરવાની પરવાનગી આપી તે માટે અમે તેમનો પણ આભાર માનીએ છીએ.

છેવટે, આ ગ્રંથને સુંદર રીતે છાપીને આકર્ષક અને મોભાદાર ઉઠાવ આપવા માટે નવજીવન કાર્યાલયના સંચાલકોને અમે ધન્યવાદ આપીએ છીએ.’

તે પછી જાન્યુઆરી, ૧૯૮૩માં એનું બીજું સંસ્કરણ અને માર્ચ, ૧૯૯૪માં ત્રીજું સંસ્કરણ પ્રકાશિત થયું હતું. આનુષંગિક વિવિધ તસવીરો સાથેની ‘શ્રીરામકૃષ્ણ કથામૃત-સંચયન’ નામની સસ્તાદરની સંક્ષિપ્ત આવૃત્તિ જાન્યુઆરી, ૨૦૦૫માં પ્રકાશિત થઈ છે. મૂળ બંગાળી કથામૃત સાથે પૂરેપૂરી સરખામણી કરીને જે વધારે સામગ્રી મળી તેનો પણ આ આવૃત્તિમાં સમાવેશ કર્યો છે. હવે થોડા જ સમયમાં ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ની બધી સામગ્રી સાથે વધુ પ્રમાણભૂત, સુયોગ્ય તસવીરોવાળી નવી આવૃત્તિ બહાર પડવાની છે.

હવે પછીના સંપાદકીયમાં રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવધારાનાં અન્ય પ્રેરણાદાયી પુસ્તકો અને ગ્રંથોના પ્રકાશનનો ઇતિહાસ તેમજ ગુજરાતી સાહિત્યકારો અને તેમની સાહિત્યરચનાઓ પર પડેલા પ્રભાવ વિશે આપણે વિગતવાર ચર્ચા કરીશું.

Total Views: 72

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.