(ગતાંકથી આગળ)

મંગલસિંહ : એક સંક્ષિપ્ત પરિચય

મહારાજા મંગલસિંહ (ઈ.સ. ૧૮૫૯-૧૮૯૨) પંદર વર્ષની ઉંમરે ૧૮૭૪માં અલવર રાજ્યની ગાદી પર આવ્યા. પછીના વર્ષે એમણે શિક્ષણ મેળવવા અજમેરની મેયો કોલેજમાં પ્રવેશ મેળવ્યો. ૧૮૭૭માં ૧૮ વર્ષની ઉંમરે એમનાં લગ્ન કિશનગઢનાં રાજકુમારી સાથે થયા. એમને રાજ્યશાસનના બધા અધિકારો સોંપી દેવામાં આવ્યા. એમના બીજાં લગ્ન રતલામનાં રાજકુમારી સાથે ૧૮૭૮માં થયા. એમનાથી ૨૪ જૂન, ૧૮૮૨ના રોજ મહારાજાના ઉત્તરાધિકારી રૂપે રાજકુમાર જયસિંહનો જન્મ થયો. ૧૮૮૯માં મહારાજાને મહારાવની ઉપાધિ મળી. અલવરથી લગભગ ૩૫ કી.મી. દૂર આવેલા સરિસ્કાના સુપ્રસિદ્ધ અભ્યારણ્યના કિનારે એમનો એક ભવ્ય રાજપ્રાસાદ છે. આ રાજમહેલમાં અંગ્રેજો સાથે રહીને તેઓ જંગલમાં શિકાર કરવા જતા. આજે પણ આ મહેલમાં મોટે ભાગે વિદેશી યાત્રીઓ જ રોકાય છે. સ્વામીજીના પરિભ્રમણ સમયે સંપર્કમાં આવેલા અનેક રાજાઓમાં રાજા મંગલસિંહ સર્વપ્રથમ હતા. ૨૨ મે, ૧૮૯૨ના રોજ ૩૪ વર્ષની ઉંમરે નૈનિતાલમાં એમનું અવસાન થયું. 

મહારાજાની શંકાનું સમાધાન

દીવાન સાહેબનો પત્ર મળતાં મહારાજા રાજધાનીમાં આવ્યા અને તત્કાળ દીવાનજીની હવેલીમાં ગયા. સ્વામીજીને સંદેશો મોકલ્યો. સ્વામીજી હવેલીમાં આવતાં જ મહારાજાએ અત્યંત શ્રદ્ધા સાથે એમને પ્રણામ કર્યા અને એમનું સ્વાગત કરીને આસન આપ્યું. મહારાજાએ સ્વામીજીને પહેલો પ્રશ્ન પૂછ્યો: ‘સ્વામીજી મહારાજ, મેં સાંભળ્યું છે કે આપ અનન્ય વિદ્વાન છો. તમે આ રીતે ભટકતાં ફરો છો એને બદલે એવું ન કરીને સહજ રીતે ત્રણ-ચાર હજાર રૂપિયા કમાઈ શકો. તો પછી આપ આ રીતે શા માટે ઘૂમતાં ફરતાં રહો છો?’ પ્રત્યુત્તરમાં સ્વામીજીએ કહ્યું: ‘મહારાજશ્રી, રાજકારભાર છોડીને અંગ્રેજોની સાથે રહેવું અને શિકાર કરવા જવું એ આપને એટલું બધું કેમ ગમે છે, એ વિશે તમે મને કંઈ કહી શકશો?’ રાજા મંગલસિંહે થોડો વિચાર કરીને કહ્યું: ‘આ શા માટેનો જવાબ હું નહિ આપી શકું. પણ હા, એટલું ખરું કે મને સારું લાગે છે.’

રાજા મંગલસિંહ જ્યાં સુધી સ્વામીજીના પ્રશ્નના ઉત્તરનો વિચાર કરી રહ્યા હતા ત્યાં સુધી એમના કર્મચારીઓ ભયભીત બની ગયા. એનું કારણ એ હતું કે સ્વામીજીએ મહારાજાને આવો પ્રશ્ન કર્યો એ થોડુંક મોટું સાહસકાર્ય થઈ ગયું હોય એવું સૌને લાગ્યું હતું. પરંતુ રાજાનો સહજભાવનો ઉત્તર સાંભળીને બધા સમજી ગયા કે એમના માલિક આ પ્રશ્નથી નારાજ થયા નથી.

સ્વામીજીએ કહ્યું: ‘એ જ રીતે આ ફકીરી અદામાં પરિભ્રમણ કરવું મને પણ સારું લાગે છે.’ વળી મહારાજા મંગલસિંહે ફરીથી પૂછ્યું: ‘સ્વામીજી મહારાજ, બધા લોકો જે આ મૂર્તિપૂજા કરે છે એના પર મને જરાય શ્રદ્ધાવિશ્વાસ નથી. તો મારી કેવી ગતિ થશે?’ સ્વામીજીએ થોડીક નારાજી પ્રગટ કરીને કહ્યું: ‘શું આપ આ મશ્કરીમાં તો નથી કહી રહ્યા ને?’ એ સાંભળીને મંગલસિંહે કહ્યું: ‘ના, ના, સ્વામીજી, હું મશ્કરી નથી કરતો. હું આ કાષ્ટ, માટી, પાશાણ અને પથ્થર વગેરેની ઉપાસના કરી શક્યો નથી. તો શું મને સદ્‌ગતિ મળશે કે નહિ?’ સ્વામીજીએ પ્રત્યુત્તરમાં કહ્યું: ‘જેની જેવી શ્રદ્ધા કે વિશ્વાસ એને માટે એ જ સારું.’ 

સ્વામીજીનો આવો ઉત્તર સાંભળીને ત્યાં ઊભેલા બધા લોકો અત્યંત ક્ષુબ્ધ બન્યા. એ બધા મૂર્તિપૂજામાં દૃઢ શ્રદ્ધાવિશ્વાસ ધરાવતા હતા અને કૃષ્ણભક્ત હતા. તેમાંથી અનેક લોકોએ પોતાની નજરે સ્વામીજીની કૃષ્ણભક્તિ તથા એકદિવસ સ્વામીજીને વિહારીજી સમક્ષ પ્રેમવિભોર બનીને લોટતાં લોટતાં અશ્રુજળ વહાવતાં પણ જોયા હતા. એટલે બધાના મનમાં એ પ્રશ્ન ઊભો થયો કે સ્વામીજીએ આવી વાત કેમ કરી?

એ દરમિયાન સ્વામીજીએ સામેની દીવાલ પર મહારાજાની એક છબિ લગાડેલ જોઈ. એક માણસને એ છબિ ઉતારી લાવવા માટે આદેશ આપ્યો. એ છબિને હાથમાં લઈને સ્વામીજીએ પૂછ્યું: ‘વારુ, આ કોની છબિ છે?’ દીવાન રામચંદ્રજીએ કહ્યું: ‘મહારાજાની છબિ છે.’ સ્વામીજીએ ફરીથી રામચંદ્રજીને કહ્યું: ‘સારુ, હવે હું આપને આ છબિ પર થૂંકવાની વિનંતી કરું છું. આપ સૌમાંથી કોઈ પણ આ છબિ પર થૂંકે. એનું કારણ એ છે કે આ છબિ તો કેવળ એક કાગળના ટૂકડા સિવાય બીજું કાંઈ નથી. એના પર તમે થોડું થૂંકો તો શો વાંધો છે?’

દીવાન રામચંદ્ર તો બરાબર મુશ્કેલીમાં ફસાઈ ગયા. સ્વામીજીની વાત પર બધા લોકો અવાક્‌ બનીને એક બાજુએ મહારાજાના મુખ તરફ અને બીજી બાજુએ સ્વામીજી તરફ જોવા લાગ્યા. સ્વામીજીના ચહેરા પર ના ભ્રકુટિભાવમાં કોઈ પરિવર્તન ન હતું અને તેઓ રામચંદ્રને એ છબિ પર થૂંકવા વારંવાર કહી રહ્યા હતા.

દીવાન રામચંદ્રે વિસ્મિતભાવે કહ્યું: ‘સ્વામીજી, આ શું? આ તો મહારાજાની છબિ છે! અને આપ આ શું કહો છો?’ સ્વામીજીએ તેના પ્રત્યુત્તરમાં કહ્યું: ‘એ બરાબર છે, પણ મહારાજા તો એની અંદર નથી. આ તો એક કાગળનો ટુકડો જ છે. એમાં ન તો મહારાજાનું માંસ છે કે ન હાડકાં કે ન લોહી. એમનો સ્વભાવ એમની વાતો વગેરેમાંથી કંઈ પણ એમાં નથી. આ તો એક કાગળનો ટૂકડો જ છે અને એ કાગળના ટુકડા પર મહારાજાની છાયા છે. આ છાયાને કારણે જ તમે લોકો વિચારો છો કે જો હું એના પર થૂંકું તો એનાથી આપ સૌના મનમાં દુ:ખ થશે અને એનાથી મહારાજનું અપમાન પણ થશે. આપ સૌને લાગે છે કે આ છબિ પર થૂંકવું એટલે મહારાજા પર જ થૂંકવું; એમનું અપમાન કરવું. આ જ વાત છે ને?’

દીવાન રામચંદ્રે ઊંડો શ્વાસ નાખીને કહ્યું: ‘વાત તો એ જ છે.’ હવે સ્વામીજી મહારાજા મંગલસિંહ તરફ ફર્યા અને કહેવા લાગ્યા: ‘મહારાજ, આ બધા લોકો આપના ભક્ત – સેવક છે. આ કાગળના ટુકડામાં તમારાં હાડ-માંસ-રક્ત-ચર્મ, હાવ-ભાવ-સ્વભાવ વગેરે કંઈ પણ નથી; અને આ કાગળ તમારી જેમ કોઈ આદેશ પણ નથી કરી શકતો. આમ હોવા છતાં પણ આ બધા લોકો આપના ભક્ત છે એટલે તેઓ આ છબિમાં તમારી છાયામાત્ર હોવાને કારણે એ કાગળના ટુકડાને પણ તમારી સમાન જ માને છે. એને જોવાથી એ સૌને તમારી યાદ આવી જાય છે એટલું જ નહિ પણ એમાં આપ જ છો એવું એમને લાગે છે. એટલે જ મેં એ છબિ પર થૂંકવાની ઇચ્છા વ્યક્ત કરી પણ એ બધા આટલા ગભરાઈ ગયા. મહારાજશ્રી, આવી રીતે જે ભક્તગણ જે દેવીદેવતાની પથ્થરની કે ધાતુની મૂર્તિ બનાવીને તેમની પૂજા કરે છે તેઓ ધાતુ કે પથ્થરની પૂજા નથી કરતા. હું આટ-આટલા સ્થળે ફર્યો છું અને મેં જોયું છે કે ક્યાંય કોઈ પણને ‘હે પાષાણ, હું તમારી પૂજા કરું છું તમે મારા પર પ્રસન્ન થાઓ’ કે ‘હે ધાતુ, હું તમારી પૂજા કરું છું તમે મારા પર રાજી થાઓ’ આમ કહીને પૂજા કરતા મેં કોઈને જોયા નથી. બધા એ ચિન્મય પ્રભુની જ પૂજા કરે છે. આવી ધાતુ કે પાષાણની મૂર્તિ જોઈને એ જ ચિન્મય કૃષ્ણની સ્મૃતિ આવે છે, એ જ મૂર્તિને જોઈને ભક્તગણ પોતપોતાના ઈષ્ટને મનમાં લાવે છે અને એમની જ પૂજા કરે છે. આમ હોવા છતાં પણ આપશ્રીએ જો ક્યાંય કોઈને પથ્થર કે ધાતુને સંબોધીને પૂજા કરતાં જોયા હોય તો કહો, પણ હું એ વિશે જાણતો નથી.’

મહારાજા એકાગ્ર ચિત્તે આ બધી વાતો સાંભળતા હતા. સ્વામીજીનું કથન પૂરું થતાં એમણે બે હાથ જોડીને કહ્યું: ‘ના, સ્વામીજી મહારાજ! એવું મેં ક્યાંય નથી જોયું. આ બધા વિશે આટલા દિવસો સુધી હું કંઈ સમજતો-જાણતો ન હતો. આજે આપે મને જ્ઞાનચક્ષુ બક્ષ્યાં છે. હે મહારાજ, તો મારી ગતિ કેવી થશે? આપ મારા પર કૃપા કરો અને બતાવો.’ સ્વામીજીએ કહ્યું: ‘કૃપા તો માત્ર પ્રભુ જ કરી શકે અને એ કરે છે પણ ખરા. એમને કહો, એમને જ પોકારો, તેઓ અવશ્ય કૃપા કરશે.’ આમ કહીને સ્વામીજીએ ત્યાંથી વિદાય લીધી. તેઓ ચાલ્યા ગયા પછી રાજા થોડીવાર સુધી નિસ્તબ્ધ બની રહ્યા અને પછી કહ્યું: ‘દીવાનજી, આવા મહાત્મા પુરુષ મેં ક્યારેય જોયા નથી. શું તમે તમારે ત્યાં એમને થોડા દિવસ રાખશો?’ દીવાનજીએ કહ્યું: ‘મહારાજ, રોકવાનું કહી ન શકું. ઘણા તેજસ્વી પુરુષ છે. છતાંય પ્રયાસ કરી જોઈશ.’

દીવાન રામચંદ્રે સ્વામીજીને ઘણો અનુરોધ કર્યો અને સ્વામીજી એમના ઘરે ત્રણ-ચાર દિવસ રહ્યા. પરંતુ ત્યાં નિવાસ કરતાં પહેલાં એમણે આટલું કહી દીધું: ‘દીવાનજી, જે બધા લોકો હંમેશાં મારી પાસે આવે છે એ બધા અબાધિત રૂપે અહીં આવીને મને સ્વેચ્છાપૂર્વક મળી શકે તો આપને ત્યાં બે-ચાર દિવસ રહેવામાં મને કોઈ વાંધોવિરોધ નથી. પરંતુ એમણે પૂર્વમંજૂરી કે વિનંતીપૂર્વક મારી પાસે આવવું પડે તો હું લાચાર છું અને તમારે ત્યાં નહિ રહી શકું.’ દીવાન રામચંદ્ર સ્વામીજીની વાત સાથે સહમત થયા અને સ્વામીજી એમને ત્યાં આવ્યા.

સ્વામીજીના ઉપદેશોથી અનેક લોકોનાં જીવનનું આમૂલ પરિવર્તન થયું હતું. બધાં એમને એટલા બધા ચાહવા લાગ્યા કે બીજે સ્થળે જવાનો સ્વામીજીએ પ્રસ્તાવ કર્યો ત્યારે મોટા ભાગના લોકોના મુખ ઝંખવાઈ ગયા. તેઓ કહેવા લાગતા: ‘મહારાજ, દયા કરીને થોડા વધુ દિવસ અહીં રહો. આપનાથી અલગ થવાની ઇચ્છા થતી નથી.’ સ્વામીજીનું હૃદય તો ફૂલથી પણ કોમળ હતું એટલે એમનું ત્યાંથી જવાનું ન થયું. આમ છતાં પણ અહીં આ રીતે રહેતાં લગભગ એક મહિનો વીતી ગયો.

એક વૃદ્ધ દરરોજ સ્વામીજી પાસેથી કૃપા પામવા પ્રાર્થના કરતા અને સ્વામીજી એને કહેતા: ‘કૃપા તો માત્ર પ્રભુ જ કરી શકે છે, મારી તો કઈ ક્ષમતા છે? આપ એમને જ શરણે જાઓ.’ એ વૃદ્ધને તેઓ જે જે કર્મ કે અનુષ્ઠાન કરવા કહેતા એ બધું એ વૃદ્ધ ન કરતાં અને દરરોજ આવીને આવી જ પ્રાર્થના કરતા રહેતા. એક દિવસ એ વૃદ્ધને દૂરથી આવતા જોઈને સ્વામીજીએ કહ્યું: ‘આજે એમને વિદાય આપવી પડશે.’ આટલું કહીને તેઓ ત્યાં સ્થિર થઈને બેસી ગયા. એ દરમિયાન પેલા વૃદ્ધ સજ્જન પણ ત્યાં આવીને સ્વામીજીને પ્રણામ કરીને બેસી ગયા. તેમને અનેક પ્રશ્ન પૂછવા લાગ્યા પણ સ્વામીજીએ તેનો કોઈ પ્રત્યુત્તર ન આપ્યો. બીજા અનેક લોકો જે રીતે એમની સાથે વાતચીત કે વાર્તાલાપ કરતા હતા એવી જ રીતે ઉન્મુખ બનીને જોયું કે સ્વામીજી ઉત્તરમાં એક પણ શબ્દ બોલતા નથી. ઘણા લોકો વાત શું છે અને કેવી છે એ ન સમજીને પાછા ચાલ્યા ગયા. લગભગ એક કલાક થઈ ગયો. સ્વામીજી એ જ ભાવમાં બેઠા છે અને પેલા વૃદ્ધ વચ્ચે વચ્ચે એમને કહે છે: ‘મહારાજ, મારા માટે કંઈક કરી દો. આપ નહિ કરો તો મારું કંઈ નહિ થાય. બાપજી, આપ કૃપા કરીને મારા માટે કંઈક કરો.’ સ્વામીજી એ જ ભાવમાં બેઠા રહ્યા, કોઈ પ્રત્યુત્તર નથી મળતો. પેલા વૃદ્ધ થોડી વાર સુધી આ રીતે પ્રાર્થના કરતા રહ્યા અને અંતે હારીને સ્વયં નારાજ થઈને બડબડતાં બડબડતાં ત્યાંથી ચાલ્યા ગયા. વૃદ્ધના ચાલ્યા ગયા પછી તરત જ સ્વામીજી બાળકની જેમ ખડખડાટ હસી પડ્યા. ત્યાં ઉપસ્થિત બીજા લોકો પણ હસવા લાગ્યા. એમનો આ અદ્‌ભુત વ્યવહાર જોઈને એક વ્યક્તિએ પૂછ્યું: ‘બાપજી, આ વૃદ્ધ પ્રત્યે આપે એટલી બધી કઠોરતા કેમ દાખવી?’

પ્રશ્ન કરનાર એક યુવાન હતો. સ્વામીજીએ સ્નેહપૂર્વક એને કહ્યું: ‘ભાઈ, હું તમારા સૌ માટે પ્રાણ સુધ્ધાં અર્પણ કરવા તૈયાર છું. તમે લોકો બાળક છો એટલે હું જે કહું તેને પ્રાણપણે કરવાનો પ્રયાસ કરશો અને એને પૂર્ણ પણ કરી શકશો. પરંતુ આ લોકો તો વૃદ્ધ છે, જીવનનો પોણા સોળ આના ભાગ સંસારના એક કીટ બનીને વીતાવ્યો છે. હવે હું એમને જે કંઈ ઉપદેશ આપું તેનો એક તલભાર (આચરણ) પણ નહિ કરે; આમાં પુરુષકાર (માનવીએ કરવાનો સાચો પુરુષાર્થ) જરાય નથી. જેમનામાં ઉદ્યમ નથી એમના પર શું ભગવાન કૃપા કરે ખરા? અર્જુન પોતાનો પુરુષાર્થ ગુમાવીને કાપુરુષ બની ગયો. એટલે શ્રીકૃષ્ણે ગીતામાં ઉપદેશ આપીને એનામાં રહેલા પુરુષાર્થને જાગ્રત કર્યો અને સ્વધર્મકર્મમાં નિયોજિત કરી દીધો. જેનામાં પુરુષાર્થ નથી તે તમોગુણી છે. તમોગુણીથી શું ધર્મપાલન થાય છે ખરું? એમણે પુરુષાર્થનો આશ્રય લઈને રજોગુણી બનવું પડશે. સ્વધર્મનું પાલન અને નિષ્કામ કર્મ કરતાં કરતાં સત્ત્વગુણી બન્યા પછી ધર્મપાલન થાય છે. જો ગૃહસ્થ પોતાના ધર્મનું પાલન ન કરી શકે, કોઈ પણ પ્રકારના નિષ્કામ કર્મનું અનુષ્ઠાન ન કરી શકે તો એમનામાં નિવૃત્તિ-વૈરાગ્ય કેવી રીતે આવે? પ્રવૃત્તિ ન હોય તો શું અંતે નિવૃત્તિ આવે ખરી? એ વૃદ્ધ નિવૃત્તિ ચાહે છે અને આ બાજુએ પ્રવૃત્તિના કોઈ પણ કાર્યનું અનુષ્ઠાન કરવા તૈયાર નથી, એ ઘોર તમોગુણી છે. જે ચોર બનીને ચોરી કરી શકે છે, એનામાં પણ પુરુષાર્થ છે એટલે એનામાં પણ નિવૃત્તિ આવે છે. એક દિવસ જ્યારે તેનામાં જ્ઞાનનો ઉદય થશે ત્યારે તેને દીનાનાથની કૃપા મળશે. 

સંસ્કૃત અધ્યયન તથા ઇતિહાસલેખનની આવશ્યકતાઓ

જે યુવકો સ્વામીજી પાસે સદૈવ આવતા એ બધાએ સ્વામીજીના ઉપદેશ પ્રમાણે સંસ્કૃત ભણવાનું શરૂ કર્યું. વચ્ચે વચ્ચે સ્વામીજી પોતે પણ એમને ભણાવતા. તેઓ સંસ્કૃત વિદ્યાની સાથે પાશ્ચાત્ય વિજ્ઞાનનો અભ્યાસ કરવા પર પણ ભાર દેતા. એનું કારણ આપતાં તેઓ કહેતા કે આ દેશમાં વિજ્ઞાન સંમત ઇતિહાસ નથી જ; અને અંગ્રેજી ભાષામાં જે આધુનિક ઇતિહાસ ઉપલબ્ધ છે તેમાં વિશેષ રૂપે આપણા અધ:પતનનું ચિત્ર અંકિત કર્યું છે. આપણે લોકો એ વાંચીને વધારે ને વધારે નિર્બળ અને અધ:પતિત થઈ રહ્યા છીએ. વેદ-પુરાણ વગેરે શાસ્ત્રોનું વૈજ્ઞાનિક પદ્ધતિએ અનુસંધાન કરીને આપણે વાસ્તવિક ઇતિહાસ પ્રસ્તુત કરવો પડશે. અંગ્રેજ વિદ્વાનોના પ્રયાસોથી જે થોડાંઘણાં સંશોધનો થયાં છે એ બધાં પક્ષપાતના દોષથી પરિપૂર્ણ છે, કારણ કે એ લોકો આપણાં ધર્મ, આચાર-વ્યવહાર, વગરેને જરાય સમજતા નથી અને એમાં માનતા પણ નથી. આ કારણે એ બધા સંશોધનો નિરપેક્ષભાવે નથી થયાં. એમાં અનેક અતીત વિષયો જોડાયેલા છે. આ બધું આપણા લોકોનું કાર્ય છે, આપણે જ કરવાં જોઈએ, તો જ વિશુદ્ધ અને ક્ષતિરહિત ઇતિહાસ બનવાની સંભાવના રહે છે. જો કે અંગ્રેજ વિદ્વાનોએ આ વિષય પર આપણને પથપ્રદર્શન પૂરું પાડ્યું છે, પરંતુ જો નિરપેક્ષભાવે આપણે એ બધાં તત્ત્વોના શોધન માટે પ્રયાસ ન કરીએ અને કેવળ એમની જેમ – એક આંધળાની માફક પરિચાલિત બનીએ તો એનાથી આપણા સર્વનાશની સંભાવના વધારે છે.

‘વસ્તુત: વૈદિક કાળથી લઈને બુદ્ધદેવના ૧૦૦૦ વર્ષ પછીના સમયગાળાનો કોઈ ધારાવાહિક ઇતિહાસ મળતો નથી. પરંતુ આજે વિજ્ઞાનની મદદથી કેટલાય દેશોના લુપ્ત ઇતિહાસનો ઉદ્ધાર થયો છે અને થઈ રહ્યો છે. આપણા એ લુપ્ત ઇતિહાસના ઉદ્ધારમાં પ્રત્યેક ભારતવાસીએ પ્રયત્નશીલ બનવું જોઈએ. જેમ કોઈના બાળકનું અપહરણ થઈ જાય ત્યારે મમતા અને અધ્યવસાય સાથે એ અપહૃત બાળકને છોડાવવા દોડધામ કરે છે એવી જ રીતે પ્રત્યેક હિંદુ સંતાને પણ એવી જ મમતા અને અધ્યવસાય સાથે ભારતના એ લુપ્ત ગૌરવચિત્રનો પુનરુદ્ધાર કરવો પડશે. આપણા માટે રાષ્ટ્રિય કેળવણી મેળવવાનો ઉપાય થઈ શકશે, એ પ્રકારની રાષ્ટ્રિય કેળવણી ચાલુ રહેવાથી ક્રમશ: રાષ્ટ્રિયતાનો વિકાસ થશે.’

સ્વામીજી આ યુવકોને પોતાના પ્રાણની જેમ ચાહતા અને આવી પ્રેરણાદાયી વાતોથી તેઓ એ યુવકોને સંસ્કૃત ભાષા ભણવા પ્રેરતા અને પ્રવૃત્ત કરતા. એમની આ બધી વાતો એક ભવિષ્યવાણી જેવી લાગે છે.

(ક્રમશ:)

Total Views: 66

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.