તોફાનવાળો દિવસ ખરાબ નથી, પરંતુ જે દિવસે આપણે ઈશ્વરની કથાવાર્તા ન કરીએ તે દિવસ જ ખરેખર ખરાબ છે. માત્ર પરમેશ્વર પ્રત્યેનો પ્રેમ જ સાચી ભક્તિ છે; બીજા કોઈ પણ માણસ માટેનો પ્રેમ, પછી તે ભલે ગમે તેટલો મહાન હોય છતાં પણ તે ભક્તિ નથી, અહીં ‘પરમેશ્વર’ એટલે ઈશ્વર, કે જેના વિશેની ભાવના તમે પશ્ચિમના લોકો વ્યક્તિરૂપ ઈશ્વરનો જે અર્થ કરો છો તેનાથી વિશેષ છે. ‘‘જેમાંથી આ વિશ્વ ઉત્પત્તિ પામે છે, જેમાં એ સ્થિતિ કરે છે અને જેની અંદર તે લય પામે છે તે ઈશ્વર છે. તે ઈશ્વર નિત્ય, પવિત્ર, સર્વ પ્રત્યે દયાળુ, સર્વશક્તિમાન અને નિત્ય મુક્ત, સર્વજ્ઞ, ગુરુઓનો ગુરુ અને પોતાને સ્વભાવે જ અનિર્વચનીય પ્રેમસ્વરૂપ છે.’’

ભક્તિયોગમાં પ્રથમ આવશ્યક્તા છે સચ્ચાઈપૂર્વક અને આતુરતાથી ઈશ્વરની જરૂર જણાય એ. આપણને તો ઈશ્વર સિવાય બધું જોઈએ છીએ, કારણ કે આપણી સામાન્ય ઇચ્છાઓ બાહ્ય જગતથી સંતોષાય છે. જ્યાં સુધી આપણી જરૂરિયાતો આ ભૌતિક જગતની મર્યાદાની અંદર સમાઈ રહેલી છે, ત્યાં સુધી ઈશ્વરની આપણને કશી જ જરૂર લાગતી નથી; માત્ર જ્યારે આપણને આપણા જીવનમાં સખત પ્રહારો મળ્યા હોય અને આ દુનિયાની સઘળી વસ્તુઓથી નિરાશ થઈ બેઠા હોઈએ, ત્યારે જ કંઈક વધુ ઉચ્ચ વસ્તુની જરૂરિયાત આપણને જણાય છે, અને ત્યારે આપણે ઈશ્વરને શોધીએ છીએ.

ભક્તિ વિનાશક નથી; તે આપણને એમ શીખવે છે કે આપણી બધી જ શક્તિઓ મુક્તિ મેળવવાનાં સાધનો બનવાં જોઈએ, આપણે તે બધીને ઈશ્વરાભિમુખ કરવી જોઈએ; અને જે પ્રેમ ક્ષણિક ઇન્દ્રિયભોગના વિષયો પાછળ વેડફી નાખવામાં આવે છે તે ઈશ્વર પ્રત્યે વાળવો જોઈએ.

ધર્મ વિશેનો તમારો પશ્ચિમનો ખ્યાલ અને ભક્તિ વચ્ચે આટલો તફાવત છે કે ભક્તિમાં ભયનું તત્ત્વ બિલકુલ સ્વીકારાતું નથી; ભક્તિમાં કોઈ એવું ‘સત્ત્વ’ સ્વીકારાતું નથી કે જેને શાંત કરવું કે રીઝવવું પડે. એવા પણ ભક્તો છે કે જેઓ ઈશ્વરને પોતાના બાળક તરીકે ભજે છે, જેથી આદરયુક્ત ભય કે સન્માનની લાગણી પણ ન રહે. સાચા પ્રેમમાં ભય કદી પણ ન હોય; અને જ્યાં સુધી જરા સરખો પણ ભય રહે ત્યાં સુધી ભક્તિનો આરંભ પણ ન થાય. ભક્તિમાં ઈશ્વર પાસે માગણી કરવાની કે બદલો મેળવવાની વાતને કોઈ સ્થાન નથી. ઈશ્વર પાસે કંઈ પણ માગવું તે ભક્ત માટે ઈશ્વરાપરાધ છે. ભક્ત આરોગ્ય, લક્ષ્મી કે સ્વર્ગપ્રાપ્તિ માટે સુધ્ધાં પ્રાર્થના નહિ કરે.

જેણે ઈશ્વરને ચાહવો છે, જેણે ભક્ત થવું છે, તેણે આ બધી ઇચ્છાઓનું પોટલું બાંધીને દરવાજા બહાર મૂકી દેવું જોઈએ, અને પછી જ ઈશ્વરના દરબારમાં દાખલ થવું જોઈએ. પ્રકાશના ક્ષેત્રમાં જે દાખલ થવા ઇચ્છે છે, તેણે પોતે દરવાજામાં દાખલ થાય તે પહેલાં ‘દુકાનદારીના ધર્મ’નું પોટલું વાળીને ફેંકી દેવું જોઈએ. એમ નથી કે તમે જેની પ્રાર્થના કરો તે ન મળે; મળે તો બધુંય. પણ આ માગવું એ પામર, હલકટ અને એક ભિખારીનો ધર્મ છે. ‘‘ગંગાકિનારે રહેવા છતાં જે પાણી માટે નાનો કૂવો ખોદે, તે મૂર્ખ છે. હીરાની ખાણ પાસે આવ્યા છતાં જે માણસ કાચના મણકાની શોધ કરે, તે પણ ખરેખર મૂર્ખ છે.’’ આરોગ્ય, ધનસંપત્તિ અને ભૌતિક સુખો માટેની પ્રાર્થના તે ખરી ભક્તિ નથી; તે હલકામાં હલકા પ્રકારનાં કર્મો છે. ભક્તિ એથી વિશેષ ઉચ્ચ તત્ત્વ છે. આપણે રાજાધિરાજના દરબારમાં દાખલ થવાનો પ્રયાસ કરીએ છીએ; આપણે ભિખારીના વેશમાં ત્યાં જઈ ન શકીએ. કોઈ શહેનશાહની તહેનાતમાં આપણે હાજર થવું હોય તો ભિખારીનાં ચીંથરાં પહેરીને જઈ શકશું? જરૂર નહીં.

(‘સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા સંચયન’ પૃ.૪૭૮-૭૯)

Total Views: 97

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.