વૃદ્ધ યથાર્થબાબુ અવિરત રડતાં રડતાં બધી વાતો કહીને પોતાની મર્મવેદના થોડી હળવી કરવા લાગ્યા. શ્રીમા પણ મૌન રહીને બધી વાતો સાંભળવા લાગ્યા. વચ્ચે વચ્ચે બસ એકાદ બે વાર વિલાપ, ક્રંદન અને શોકના નિ:શ્વાસ ઊઠતા. વૃદ્ધ કહેવા લાગ્યા: ‘પત્ની તો શોકમાં ગાંડા જેવી થઈ ગઈ છે. પોતાના ઉદરે તો કોઈ સંતાન ન હતું. ભત્રીજાને ખોળે બેસાડીને મોટો કર્યો, લગ્ન કરાવ્યાં, સુખનો સંસાર રચ્યો અને એના પર કેટકેટલાં આશા-વિશ્વાસ રાખ્યાં! છોકરો પણ સુપાત્ર નીકળ્યો. બધાં કામ સમજી જાણીને અત્યંત સુંદર રીતે કરતો અને સંસાર ચલાવતો. અમે લોકો પણ એના પર બધું છોડી દઈને નિશિ્ંચત બનીને સમય ગાળતા હતા. કોઈ પણ પ્રકારની ચિંતા ન હતી. અચાનક બીમાર પડીને યુવાન પુત્રનું મૃત્યુ થયું. હવે વળી પાછો સંસારનો બધો બોજો બધી જવાબદારીઓ મારા પર આવી પડી છે.’

હૃદયની જ્વાલા જ્યારે થોડીઘણી ઓછી થઈ ત્યારે વૃદ્ધ ફરી કહેવા લાગ્યા: ‘એટલે આપની પાસે દોડી આવ્યો છું. વિચાર્યું કે શ્રીમા પાસે જવાથી શાંતિ મળશે, બળતરા વિષાદ કંઈક અંશે શાંત થશે.’ અને ખરેખર વૃદ્ધે હૃદયનો ભાર હલકો થતો અનુભવ્યો. શ્રીમાએ પોતે જ એ શોકાગ્નિને ખેંચી લીધો. શ્રીમાએ શોક પ્રગટ કરતાં કહ્યું: ‘સારા હતા, સંસારમાં કોઈ બોજો માથે ન હતો, નિશિ્ંચત બનીને સુખથી ખાતા ફરતા દિવસો પસાર કરતા હતા. હવે વળી પાછું બધું માથે આવી પડ્યું.’ વૃદ્ધે અત્યંત આક્રંદ સાથે કહ્યું: ‘એક બાજુએ પત્ની શોકમાં પાગલ છે, બીજી બાજુએ છોકરાની નવયુવાન સ્ત્રી છે, કચ્ચાંબચ્ચાં છે, એ બધાં ઉપરાંત સંસારનો બોજો, ઘરબાર, ગાય-બળદ, ખેતીવાડી એ બધું મારે જ સંભાળવાનું છે. જે બધું છોડીને નિષ્ફિકર થઈ ગયો હતો એ જ સંસાર વળી પાછો મારા ખભે આવી પડ્યો છે!’ શ્રીમાએ પણ ઘણી સહાનુભૂતિ પ્રગટ કરતાં કહ્યું: ‘જુઓ ભાઈ! વૃદ્ધાવસ્થામાં ફરીથી સંસાર માથે આવી પડ્યો.’ યથાર્થબાબુ પોતાના હૃદયને ઠીક ઠીક પ્રમાણમાં હળવું કરીને પ્રણામ કરીને વિદાય થયા. શ્રીમા ત્યારે પણ એવી જ રીતે સ્થિર દૃષ્ટિએ બેઠાં રહ્યાં. હાથમાં રહેલી સાવરણી પાસે જ હતી, માથા પરનો સાડલાનો છેડો ખસી ગયો હતો; જમીન પર પગ લાંબા કરીને એકબાજુએ થોડા નમીને ડાબો હાથ જાણે કે જમીન પર ટેકવીને, એના પર પોતાના ખંભાનું વજન રાખીને, જમણો હાથ ખોળામાં રાખીને, શ્રીમા અન્યમનસ્ક ભાવમાં બેઠાં જ રહ્યાં. શું વિચારી રહ્યાં હશે? થોડીવાર પછી દીર્ઘ નિ:શ્વાસ સાથે તેઓ કહેવા લાગ્યા: ‘વૃદ્ધાવસ્થામાં યથાર્થના ખભે સંસાર આવી પડ્યો.’ એક શિષ્ય આ બધું જોઈ રહ્યો હતો. તેને સંબોધીને થોડું અટકીને વળી કહેવા લાગ્યાં: ‘વૃદ્ધાવસ્થામાં યથાર્થના ખભે સંસાર આવી પડ્યો.’ સંસારના બોજા પ્રત્યે શ્રીમાનો આવો ઊંડો નિરાશાજનક ભાવ અને પેલા વૃદ્ધ પ્રત્યે તેમની સહાનુભૂતિ જોઈને શિષ્યના મનમાં પ્રશ્ન ઊઠ્યો: ‘શું મૃત્યુશોકના કરતાં પણ સંસારનો ભાર વહન કરવો કઠિન છે?’ શિષ્યની ઉંમર નાની છે અને સંસારનો ભાર કેવો હોય તે એ ન સમજી શક્યો. એમ છતાં પણ શ્રીમાની ઉદ્વિગ્નતા જોઈને તેને લાગ્યું કે એ ખરેખર દુ:સહ્ય છે. એટલે શ્રીમાને પોતાના સંતાનનાં સંસાર બંધન કપાઈ જતાં ત્યારે તેમને ઘણો આનંદ થતો. ‘લાખ પતંગોમાંથી જ્યારે કપાય બે-એક પતંગ; તાળી વગાડી વગાડીને હસો છો, તમે કરો છો આનંદ.’

શ્રીમાની ત્યાગપ્રિયતા અને બાંકૂનું દૃષ્ટાંત

સંસારનો ત્યાગ કરનારા પ્રત્યે શ્રીમાને કેટલું આકર્ષણ રહેતું એનો ખ્યાલ અહીં આપેલી આ ઘટનામાં મને જોવા મળ્યો હતો:

શ્રીમાની એક પિતરાઈ બહેનનો છોકરો બાંકૂ (બંકીમ) અત્યંત સુમધુર કંઠવાળો હતો. નાનપણથી જ ગાવા વગાડવામાં એને રુચિ હતી. થોડો મોટો થયો કે તરત જ બાંકૂએ પ્રયત્નપૂર્વક ગાવાનું શીખી લીધું અને રામાયણ ગાવાનો આરંભ કર્યો. ધીમે ધીમે એણે એક રામાયણ મંડળી બનાવી લીધી અને ધંધાદારી કીર્તનકારોની જેમ પૈસા લાવવા માંડ્યો. સુગાયક ભાવુક બાંકૂ ચામર ઢોળતાં ઢોળતાં પગમાં નૂપુર બાંધીને નાચતાં નાચતાં જ્યારે પોતાના સુલલિત સ્વરે શ્રીરામનામ ગાતો અને લીલાકીર્તન કરતો ત્યારે શ્રોતાઓનાં મનપ્રાણ મુગ્ધ થઈ જતાં. સારા રામાયણના ગાયક રૂપે બાંકૂનું નામ થોડા જ દિવસોમાં ચોતરફ ફેલાવા માંડ્યું. બાંકૂનો જન્મ જયરામવાટીથી થોડાક ગાઉ દૂર પુકુર નામના ગામમાં થયો હતો. નાની ઉંમરથી જ પોતાના મામાના ઘરે જયરામવાટીમાં એ આવતો જતો. એની માને કોઈ સગો ભાઈ ન હતો. ત્યાં એની માસી અને નાની રહેતાં હતાં અને માના સંબંધી ભાઈબહેન અને અનેક મામા-મામી પણ હતાં. શ્રીમા સંબંધમાં તેની માસી થતાં. નાનપણથી જ માતા વિનાના બાંકૂ પ્રત્યે શ્રીમાને વિશેષ સ્નેહભાવ હતો. તેના મધુર કંઠનું ગીત શ્રીમાને ખૂબ ગમતું. શ્રીમાના ઘરે પણ બાંકૂનું રામાયણગાન થયું હતું.

બાંકૂ જયરામવાટીમાં આબાલવૃદ્ધ બધાનું પ્રિયપાત્ર અને સ્નેહભાજન હતો. તે ત્યાં હંમેશાં આવતો જતો. એની રામાયણગાનની પ્રસિદ્ધિ જ્યારે સારી એવી પ્રસરી ગઈ ત્યારે એક દિવસ બાંકૂ બધું છોડીને ચાલ્યો ગયો. ઘણા દિવસો સુધી કોઈને એના કંઈ ખબર-અંતર ન મળ્યા. એક દિવસ સવારે નાનું એવું ગામ જયરામવાટી અચાનક આનંદ ઉલ્લાસથી ભરાઈ ગયું. બાળકો, વૃદ્ધો, સ્ત્રીઓ, બધાં સતીશ વિશ્વાસના ઘર તરફ ચાલી નીકળ્યાં. શું થયું! જાણવા મળ્યું કે સતીશ વિશ્વાસ સવારે શૌચ કરવા નદી તરફ ગયા ત્યારે અચાનક ત્યાં બાંકૂને જોયો અને તેને સમજાવી ફોસલાવીને પોતાને ઘરે લઈ આવ્યા છે. બાંકૂ તો સાધુ થઈ ગયો છે! આ સમાચાર સાંભળીને શ્રીમા પણ સતીશ વિશ્વાસના ઘરે ચાલી નીકળ્યાં. લોકોએ શ્રીમાને ક્યારેય મામાના ઘર સિવાય બીજા કોઈના ઘરે આવી રીતે જતાં જોયા ન હતા. આજે એમને સતીશ વિશ્વાસના ઘરે જતાં જોઈને એમનો એક શિષ્ય પણ કુતૂહલ સાથે એમની પાછળ પાછળ ચાલવા લાગ્યો. શિષ્યને બાંકૂ સાથે પહેલેથી ઘનિષ્ઠ સંબંધ હતો. ઘણા દિવસો પછી બાંકૂને જોવાનો મોકો મળે છે એટલે તેને પણ અંતરમાં પ્રસન્નતા થતી હતી. સતીશ વિશ્વાસના ઘરની ભીતરનું આંગણું ગામના લોકોથી ભરેલું હતું. પૂજ્ય ભાનુફોઈ પણ ત્યાં હતાં. સતીશ એમનો ભત્રીજો હતો. જો કે ભાનુફોઈ બીજા મકાનમાં રહેતાં હતાં પરંતુ ભોજન સતીશને ત્યાં જ લેતાં. શ્રીમાને જોઈને આનંદિત હૃદયે ભાનુફોઈ મોટા અવાજે બોલી ઊઠ્યાં: ‘સતીશ, અરે સતીશ! આજે તો તારા સદ્‌ભાગ્યનો દિવસ છે. સ્વયં મા તારે ઘર આવ્યાં છે! જલદી આસન લઈ આવ, જા જલદી આસન લઈ આવ. શ્રીમાને પ્રણામ કરીને બેસાડ!’

સતીશનાં પત્ની ઘરનું આંગણું લીંપતાં હતાં. ઊંચી ઓસરીમાં જ લીંપણ થયું હતું. સુદક્ષ ગૃહિણી દ્વારા સુંદર મજાના હાથની છાણ-માટી ભેગાં કરીને થયેલી સુંદર મજાનું લીંપણ કાચા મકાનને સવારના સમયે કેવી શોભા આપે છે અને મનની ભીતર પવિત્રતા અને શુદ્ધિનો કેવો ભાવ ઉત્પન્ન કરે છે એ તો તેઓ જ જાણે છે કે જેઓ ગામડામાં રહે છે અને જેમણે આ બધું ઘણી સારી રીતે નીરખ્યું છે. વિશ્વાસનાં પત્ની દોડી આવ્યાં અને હાથ ધોઈને એક સુંદર મજાના ગાલીચાનું આસન લાવીને ઓસરીમાં બીછાવી દીધું. પતિપત્ની પ્રસન્ન હૃદયે હાથ જોડીને શ્રીમાને બોલાવીને લઈ ગયા અને આસન પર બેસાડીને એમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને એમના શુભાશીર્વાદ મેળવ્યા. શ્રીમા ગોબરથી લીંપેલ સ્વચ્છ સુંદર ઓસરીની કોરે પૂર્વ તરફ મોં રાખીને, પગ નીચે લટકાવીને બેઠાં છે. ખોળામાં બંને હાથ રાખ્યા છે. ઝીણી લાલ કિનારવાળી સફેદ સાડી પહેરી છે, થોડી લાજ પણ દેખાય છે. તેમનું મુખમંડળ પ્રસન્ન છે, કેટલાંક ગૂંચળાવાળા વાળ છાતીની જમણી બાજુએ લટકી રહ્યા છે. જોવાથી એવું લાગે કે લક્ષ્મી સ્વયં સદ્‌ભાગી ગૃહસ્થને દરવાજે બેઠાં હોય એવી રીતે શ્રીમા બેઠાં છે. પોતાની શોભા પ્રસરાવતો પાસે જ આવેલ ધાન્યથી ભરેલો ભંડાર એમના આગમનની સૂચના આપી રહ્યો છે.

અહીં વળી એક બીજા દિવસનું હૃદયંગમ દૃશ્ય મારા સ્મૃતિપટલ પર આવી રહ્યું છે – હેમંતકાળ હતો, શ્રીમા સવારમાં બહારથી પ્રાત:કર્મ પતાવીને ઝાકળથી ભીના પગે પાછા ફરી રહ્યાં હતાં. સૂકાં રજકણ પગની તળિયે ચોંટી ગયાં છે. થોડીવાર પહેલાં જ ઘરની જૂની નોકરાણી, અમારાં શશી માસી, ઘરની અંદરનું પ્રવેશદ્વાર રોજની જેમ નિયમ પ્રમાણે લીંપીને હમણાં જ ગઈ હતી. દરવાજાની પાસે આવીને દરવાજો ખોલવા માટે શ્રીમા ઊભાં છે. ધક્કો મારવાથી જ દરવાજો ખૂલી ગયો અને એમણે અંદર પ્રવેશ કર્યો. એ સમયે એમનાં ભીનાં અને ધૂળવાળાં બંને શ્રીચરણોની ઉંબરે એટલી સુંદર મજાની છાપ પડી ગઈ કે એ અનુપમ શોભાને હું જોવા લાગ્યો; જાણે કે સ્વયં લક્ષ્મીજી હમણાં હમણાં જ ઘરમાં પ્રવેશ્યાં છે!’

નાનપણમાં જ લક્ષ્મીપૂજાના દિવસે પોતાના ઘરના પ્રવેશ દ્વાર પર રચેલી રંગોળી જોઈ હતી. એમાં નાનાં નાનાં શુભ પદચિહ્‌ન દોરવામાં આવ્યાં હતાં. એ પદચિહ્‌ન દેવીના ગૃહપ્રવેશના પરિચાયક ગણાય છે. આજના આ પદચિહ્‌ન પણ બરાબર એના જેવાં જ હતાં! પેલાં દોરેલાં પદચિહ્‌ન તો ભક્તહૃદયનાં કલ્પનાચિત્ર જ હતાં! પણ આ તો હતાં યથાર્થ! ચિત્તને હરિ લેનારા આ પદચિહ્‌નોએ નેત્રોને મોહપાશમાં બાંધી લીધાં અને મારું હૃદય પુલકિત બની ગયું. ગોપીઓએ યમુના તટ પર આવાં જ પદચિહ્‌નોને જોઈને ધરતીના આનંદ-રોમાંચનો અનુભવ કર્યો હતો. ધરતી, તું ખરેખર ભાગ્યવાન છો! ખરેખર તમે વસુમતી છો! પણ અરેરે! જોતજોતામાં આ આનંદ-રોમાંચ વિષાદમાં પરિણત થઈ જશે. પળવાર ભરમાં જ આ ધરણી શોભા મહામાયાના ગર્ભાકાશમાં વિલીન થઈ જશે અને તે ક્ષુદ્ર જીવનાં સ્થૂળચક્ષુઓથી અગોચર થઈ જશે! હવે કરવુ શું? આ પદચિહ્‌નના રક્ષણનો કોઈ ઉપાય છે જ નહિ? ના, શોધ્યું શોધ્યું પણ ઉપાય ન સૂઝ્યો. વિષણ્ણ હૃદયે પદરજ મસ્તકે અને છાતીએ લગાડી. મનમાં થોડી શાંતિ થઈ, ચિત્ત પ્રફુલ્લ પ્રસન્ન થયું. ત્યારે ભીતરમાંથી વીજળીના ચમકારાની જેમ બોધજ્ઞાન થયું કે લીલામયી પોતાનાં લીલામય સુંદર ચરણકમળોને આશ્ચિત ભક્તોના હૃદયમાં સદાને માટે અંકિત કરી દે છે; ‘ચરણનખમાં કોટિ શશીનું મૃદુલ હાસ, કરે શ્યામા હૃદયકંદરામાં પ્રકાશ.’

સતીશ વિશ્વાસના ગૃહદ્વારે શ્રીમા બેઠાં છે. સામે આવીને બાંકૂએ ભક્તિભાવપૂર્વક એમનાં ચરણોમાં પ્રણામ કર્યા અને નતમસ્તકે ઊભો રહ્યો. બાંકૂને જોઈને શ્રીમા અત્યંત પ્રસન્ન થયાં. સ્નેહાશીષ આપતાં આપતાં આનંદથી વારંવાર કહેવા લાગ્યાં: ‘બાંકૂ સાધુ થઈ ગયો, સારું કર્યું, સાધુ થઈ ગયો, સારું કર્યું!’ બાંકૂએ મૌનવ્રત લીધું છે. માથા પર લાંબી જટા છે. શરીર પર કફની ધારણ કરી છે અને પગમાં પાદુકા છે. એક હાથમાં પીતળનું કમંડળ છે અને બીજા હાથમાં યોગદંડ. ગામનાં છોકરા-છોકરીઓ ચોતરફ ઘેરીને દેકારો મચાવી રહ્યાં હતાં. શ્રીમા આવતાં જ એને એક બાજુ કરી દેવાયાં. બાંકૂની પોતાની માસી ભાવિની દેવી (અમારા લોકો માટે ભાવી માસી) નિ:સંતાન બાળ વિધવા છે. પુત્રતુલ્ય બાંકૂને આ સંન્યાસીના રૂપમાં જોઈને વિલાપ કરે છે. ગામની અનેક સ્ત્રીઓ બાંકૂને જોઈને આશ્ચર્યચકિત બની ગઈ છે અને હવે અશ્રુપૂર્ણ નયને એને જોતાં જોતાં શોકભર્યા નિ:શ્વાસ કાઢી રહી છે. ઘણા પુરુષો પણ આવી ગયા છે. ભિન્ન ભિન્ન લોકોના ભિન્ન ભિન્ન મત છે. પરંતુ આટલો સુંદર મજાનો રામાયણગાનનો વ્યવસાય છોડીને બાંકૂનો આ બાઉલ વેશ ધારણ કરવો અને સંન્યાસ સ્વીકારવો એ કોઈનેય ગમતો નથી. એક માત્ર શ્રીમા જ તેની પ્રશંસા કરી રહ્યાં છે. શ્રીમા કહે છે : ‘સાધુ થઈ ગયો, ઘણું સારું કામ કર્યું! આ હાડમાંસના માળખામાં છે શું? અહીં જુઓને.. હું આ વાના રોગથી મરી રહી છું. આ દેહમાં છે શું? કોના માટે આટલી બધી માયા? બે દિવસ પછી બધું ખતમ થઈ જશે. બાળી નાખ્યા પછી દોઢ શેર રાખ! દોઢ શેર રાખ સિવાય બીજું કંઈ નથી! બાંકૂ સાધુ બન્યો છે, ભગવાનને પથે ગયો છે, ઘણું સારું કર્યું, ઘણું સારું કર્યું.’ મા પ્રસન્ન હૃદયે બાંકૂની પ્રશંસા કરી રહ્યાં છે અને તેને આશીર્વાદ આપી રહ્યાં છે. અહીં હાજર બધા લોકો ચૂપ છે અને ગંભીર બનીને બધું સાંભળે છે. થોડીવાર પછી બાંકૂને પોતાને ત્યાં આવવાનું કહીને શ્રીમા ઘરે પાછા ફર્યાં. સાથે આવેલા શિષ્યને કહ્યું: ‘બાંકૂને લઈ આવ.’ એ બંને મિત્ર ઘણા લાંબા સમય પછી મળ્યા અને તેથી એમને વિશેષ આનંદ થયો. એક બીજાના હાથ પકડીને શ્રીમાની પાછળ પાછળ ચાલવા લાગ્યા.

ઘરે આવીને શ્રીમાએ પોતાના હાથે ફળ સુધારીને એક પાત્રમાં સજાવ્યાં અને પોતાના શિષ્ય સંતાનના સાથે બાંકૂને જલપાન માટે મોકલ્યાં. બપોરનું ભોજન લેવા માટે તેને કહ્યું. બપોરે ભોજન કરતી વખતે તેને માએ જેટલા દિવસ રોકાવાની ઇચ્છા હોય એટલો વખત ત્યાં જ રહેવાનું અને ભોજન લેવાનું પણ કહ્યું. બાંકૂની તબિયત ખરાબ થઈ ગઈ હતી. શ્રીમાની સ્નેહપૂર્ણ સંભાળથી તે સ્વસ્થ થવા લાગ્યો અને એના દિવસો અત્યંત આનંદ અને નિશિ્ંચતતામાં પસાર થવા લાગ્યા. મૌનવ્રતવાળો હોવા છતાં પણ વચ્ચે વચ્ચે માની સાથે બે-ચાર વાત પણ કરી લેતો અને પોતાના પૂર્વપરિચિત મિત્ર સાથે પણ કોઈ ન હોય ત્યારે ક્યારેક વાતચીત કરી લેતો. બાંકૂ પોતાનામાં મસ્ત રહેતો. સવાર-સાંજ પોતાના સુમધુર કંઠે ગાઈને બધાને આનંદિત કરતો, પરંતુ તે બાઉલોમાં પ્રચલિત ગીત જ ગાતો. એનું સ્વાસ્થ્ય કંઈક સારું થયું. બધા વિચારતા હતા કે તે અહીં જ રહી જશે. પરંતુ એક દિવસ સવારમાં કોઈને ય કહ્યા વિના ક્યાંક ચાલ્યો ગયો.

બાંકૂ હતો ત્યારે શ્રીમાના ઘરે એક ગાયક ભક્ત આવ્યા હતા. એક દિવસ સાંજે એમણે શ્રીઠાકુર વિષય ભજન ગાયાં. બધાં શ્રીઠાકુર મહિમાના ભાવભર્યાં ભજન હતાં. એમના તથા બીજાના આગ્રહથી બાંકૂએ પણ ભજન ગાયાં અને એ પણ પોતાના સ્વયંના ભાવમાં ડૂબી જઈને. શ્રીમા પોતાના ઓરડાની ઓસરીમાં બેસીને ભજન સાંભળી રહ્યાં હતાં. એમની વાતો પરથી અમને લાગ્યું કે બાંકૂનું ગાન એમને અત્યંત હૃદયસ્પર્શી લાગતું હતું. પાસે જ બેઠેલા શિષ્ય સંતાનને ઉદ્દેશીને તેઓ બોલ્યાં: ‘બાંકૂ ઘણું સારું ગાય છે, બધાં આત્મતત્ત્વનાં ભજન છે.’ બહાર જો કોઈ ઉપરછલો ભાવ હોય તો માત્ર શબ્દોનો ભાવ શ્રીમાના હૃદયને વિશેષ સ્પર્શી ન શકતો. એમને તો ભીતરનું આકર્ષણ, વસ્તુ પ્રત્યેની મૂળ ભાવ દૃષ્ટિ અને તત્ત્વજ્ઞાનનો પ્રકાશ વધુ આનંદ આપતો.

શ્રીમાની સંન્યાસીઓમાં શ્રદ્ધા: બીજું દૃષ્ટાંત

શ્રીમાની સાધુભક્તિ વિષય એક બીજી ઘટના પણ યાદ આવે છે : એક દિવસ સંધ્યા સમય પછી એક શિષ્ય શ્રીમાને પત્ર વાંચી સંભળાવતો હતો. શ્રીમા જમીન પર આસન નાખીને પોતાના પગ લાંબા કરીને બેઠાં હતાં. સામે જ ફાનસ જલતું હતું. શિષ્ય શ્રીમાની પાસે જ બેસીને માથું નીચે રાખીને પત્ર વાંચી રહ્યો હતો. અચાનક એની નજર થોડે દૂર ચાલ્યા જતા એક મોટા કાનખજૂરા પર પડી. એ મા તરફ જઈ રહ્યો હતો. એને જોતાં જ શિષ્યને લાગ્યું કે ક્યાંક માને કરડી ન લે. જેવો જોયો તેવો જ જોરથી લાત મારી. શ્રીમાએ મરેલા જીવ તરફ કરુણાભર્યાં નયને જોતાં ધીમે અવાજે કહ્યું: ‘સાધુના પગના પ્રહારથી પ્રાણ ગયા!’ જાણે એની સદ્‌ગતિ થઈ ગઈ હોય એવી રીતે તેઓ બોલ્યાં. પોતાનામાં સાધુત્વ કેટલું છે એ શિષ્ય બરાબર જાણતો હતો આમ છતાં પણ શ્રીમાની કૃપાદૃષ્ટિ અને શુભેચ્છાથી એ કાનખજૂરાને સદ્‌ગતિ નિશ્ચિત મળશે એ વાત તે બરાબર સમજી ગયો. સાથે ને સાથે સાધુત્વ પ્રત્યે શ્રીમાને કેટલી શ્રદ્ધા છે, કેટલો બધો વિશ્વાસ છે એ વિશે પણ વિચારવા લાગ્યો.

બીજીવાર એક વખતે શ્રીમા ઘરમાં ન હતાં. એવામાં બે હિંદી ભાષી સાધુઓ ભીક્ષા લેવા આવ્યા. એક શિષ્યે પૂરતું સીધું આપીને વિદાય કર્યા. ત્યાં હાજરમાંથી કેટલાક કહેવા લાગ્યા કે એ સાધુ-બાધુ નથી, ધંધાદારી ભીખારી છે, સાધુનું ભગવું વસ્ત્ર પહેરીને લોકોને ધૂતે છે. વળી એક કહેવા લાગ્યો: ‘એ બધાં તો શિયાળિયાં મારનારા છે. દિવસે સાધુનો સ્વાંગ રચીને ભીખ માગે છે અને રાતે શિયાળિયાં મારીને ખાય છે.’ આવા ‘શિયાળિયાં મારનારા’ ખરેખર છે જ, ઉત્તર ભારતમાં જોવા મળે છે. શિષ્યે જવાબ આપ્યો: ‘ગમે તે હોય, શ્રીમાના ઘરે આશા સાથે આવ્યા હતા, ખાલી હાથે પાછા વાળવા બરાબર ન ગણાય.’ એ બંને પૂરતો સીધો-સામાન મેળવીને ખુશ થતાં ચાલ્યા ગયા. થોડા દિવસો પછી જ્યારે શ્રીમા સમક્ષ આ પ્રસંગની વાત નીકળી ત્યારે સીધો આપવાની વાત પર સંતોષ પ્રગટ કરતાં એમણે કહ્યું: ‘જુઓ બેટા, ગમે તે હોય સાધુના વેશમાં તો આવ્યા હતા ને? એમને દેવાથી સાધુની જ સેવા થઈ ગણાય.’

કામારપુકુરમાં રહેતી વખતે શ્રીમાએ પોતે જ એક ઓરિસ્સાના સાધુ માટે ઝૂંપડી બનાવી દીધી હતી. એ જ્યારે માંદો પડ્યો ત્યારે એની ભીક્ષા અને સેવાની વ્યવસ્થા પણ પોતે જ કરી દીધી. કાશી તીર્થયાત્રા વખતે ત્યાંના પ્રાચીન સાધુ, તોતાપુરીના ગુરુભાઈ ચમેલીપુરીને ઠંડીના દિવસોમાં ધાબળો પણ આપ્યો હતો. શ્રીમા જે રીતે સાધુ સંન્યાસીઓ પ્રત્યે શ્રદ્ધાપૂર્વ વર્તન વ્યવહાર દાખવતાં એ જ રીતે પોતાની સાથે રહેનારાને સાધુભક્તિનો ઉપદેશ પણ આપતાં. શ્રીમા એમની સાથે રહેનારા લોકો સાધુઓ પ્રત્યે શ્રદ્ધાભક્તિભર્યો વહેવાર રાખે અને એમના કામમાં કોઈ પણ પ્રકારની અવગણના કે અવમાનનાનો ભાવ ન આવે એનું સદૈવ ધ્યાન રાખતાં. સામાન્ય ખામી જોતાં જ તેને એ જ ક્ષણે સુધારી લેતાં. રાધૂ વગેરેને પણ સાધુઓને ભક્તિપૂર્વક પ્રણામ કરવાનું કહેતાં. બાહ્ય ત્યાગી સંન્યાસીઓ પ્રત્યે જે શ્રદ્ધાભક્તિનો ભાવ રાખીને ચાલવા માટે શ્રીમા પોતાના શિષ્યોને ઉપદેશ દેતા એવો જ ભાવ આંતરિક ત્યાગી અને નિષ્ઠાવાન ગૃહસ્થભક્તો પ્રત્યે પણ રાખવાનું કહેતાં.

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.