ગુજરાત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદે તત્કાલીન ગુજરાતના અમદાવાદ શહેરના સાક્ષર વિદ્વાન શ્રી લાલશંકર ઉમિયાશંકર ત્રવાડીની મુલાકાત લીધી હતી. જેની વિગતવાર ચર્ચા આપણે ઓગસ્ટના અંકમાં કરી ગયા છીએ. મંદિર, દેરાસરો અને મસ્જિદોથી ભરેલા અમદાવાદ શહેરમાંના પોતાના નિવાસ દરમિયાન સ્વામીજીએ જૈનધર્મનો ઊંડો અભ્યાસ કર્યો હતો. એ સમયે ત્યાં અનેક જૈન પંડિતો વસતા હતા; ઘણી વખત સ્વામીજી સાથે તેઓ જૈન ધર્મ વિશે ઊંડી ચર્ચા પણ કરતા. આમ લગભગ ૧૧ દિવસ અમદાવાદમાં ગાળી ત્યાંથી વઢવાણ બાજુ સ્વામીજીએ પ્રયાણ કર્યું. વઢવાણમાં થોડાક દિવસો ગાળી ત્યાં રાણકદેવી-મંદિરનાં દર્શન કરી, ભારતીય સંસ્કૃતિમાં વિવાહ સંસ્કાર-સંબંધની ઉદાત્તતાના વિચારો કરતા કરતાં સ્વામીજી એક સાંજે લીંબડી પહોંચ્યા. ત્યાં ગામની બહાર એક સાધુની જગ્યામાં તેઓ ઉતર્યા. થોડા સમય બાદ તેમને ખબર પડી કે આ એક વામમાર્ગીઓનો અડ્ડો છે. તેમણે સ્વામીજીને ઓરડામાં પૂરી દીધા. સ્વામીજી સમયસૂચકતાથી કંઈ બોલ્યા નહિ પણ એક છોકરા સાથે લીંબડીના ઠાકોર સાહેબ પર સંદેશ મોકલ્યો. ઠાકોર સાહેબે સ્વામીજીને છોડાવ્યા અને પોતાના મહેલમાં જ ઉતારો આપ્યો.

લીંબડીના ઠાકોર સાહેબ યશવંતસિંહજીનો જન્મ ૨૩મી મે ૧૮૫૯ ને સોમવારે થયો હતો. તેમના પિતાજીનું નામ શ્રી ફતેહસિંહજી હતું. જાન્યુઆરી, ૧૮૬૨માં તેમના પિતાશ્રીના અવસાન પછી માત્ર અઢી વર્ષની ઉંમરે જ તેઓ રાજ્યાસન પર બેઠા હતા. તેના વતી તેઓના માતુશ્રી હરિબાએ અમુક સમય રાજ્યનો કારભાર ચલાવ્યો. ખાનગી શિક્ષક પાસેથી ગુજરાતી અને અંગ્રેજી ભાષાનું જ્ઞાન મેળવ્યા પછી ૧૮૭૧માં તેઓશ્રી રાજકોટની રાજકુમાર કોલેજમાં વિદ્યાભ્યાસ માટે આવ્યા હતા. બાલ્યાવસ્થાથી જ તેઓ ધર્મનિષ્ઠ અને નીતિવાન હતા. તેમણે વિદ્યાભ્યાસની સાથે અંગ કસરતની કેળવણી પણ લીધી હતી. પોતાની વિદ્વત્તા, તીવ્રબુદ્ધિ અને વિવેકપણાથી તેમણે પ્રિન્સિપાલ રોસ્ટર મેકનોટન તેમજ એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર ડોક્ટર બ્યૂલરની પ્રશંસા પણ મેળવી હતી. ૧૮૭૬માં પોતાના પ્રિન્સિપાલ સાથે તેઓ યુરોપના પ્રવાસે ગયા હતા. કાઠિયાવાડના રાજવીઓમાંથી યુરોપનો પ્રવાસ કરવામાં સૌ પ્રથમ પહેલ એમણે જ કરી હતી. આ પ્રવાસમાં ઈંગ્લેન્ડ, સ્કોટલેન્ડ, ફ્રાંસ વગેરે ઘણા દેશોની મુલાકાત લઈને ત્યાંના લોકોની રીતભાત, ઉદ્યોગ, કાયદાકાનૂન વગેરે બાબતોનો અભ્યાસ કર્યો હતો. જ્યાં જ્યાં તેઓ ગયા ત્યાં ત્યાં તેમને બહુ માન મળ્યું અને વર્તમાન પત્રોએ પણ તેમના ગુણોની ઘણી પ્રશંસા કરી હતી. તેમણે ૧૮૭૬માં મુંબઈમાં મેટ્રિકની પરીક્ષા પાસ કરી. નૃપતિ મંડળમાં મેટ્રિક પાસ કરનાર સર્વ પ્રથમ ઠાકોર સાહેબ જ હતા. ૧૮૭૬ના ડિસેમ્બરમાં મુંબઈથી લીંબડી આવ્યા પછી ત્યાંના આસિસ્ટંટ પોલિટિકલ એજન્ટની સાથે રાજ્યનો કાર્યભાર સંભાળ્યો અને ટૂંક સમયમાં રાજકાજમાં સારી કુશળતા પણ મેળવી. તેમણે લોકોના કલ્યાણ માટે મહેસુલ ખાતામાં અને ન્યાયખાતામાં સુધારા કરી પ્રજાપ્રિય રાજા તરીકે ખ્યાતિ મેળવી હતી. ૧૮૮૫માં તેમને ‘લેજિસલેટિવ કૌન્સિલ’માં મેમ્બર તરીકે મુંબઈ સરકારે દાખલ કર્યા હતા. કાઠિયાવાડના નૃપતિ મંડળ તરફથી મહારાણી વિક્ટોરિયાને આમંત્રણ પાઠવવાનું કાર્ય પણ ઠાકોર સાહેબ અને મોરબીના વાઘજી સાહેબે કર્યું. જેનો મહારાણી વિક્ટોરિયાએ સ્વીકાર કર્યો અને ઠાકોર સાહેબને ‘કે.સી.આઈ.ઈ.’નો માનવંતો ખિતાબ આપ્યો. અમેરિકાના પ્રેસિડેન્ટ ક્લિવલેન્ડે વોશિંગ્ટનના વ્હાઈટ હાઉસમાં અતિથિ તરીકે તેમને સત્કાર્યા હતા.

ઠાકોર સાહેબ યશવંતસિંહજીને કોઈ સંતાન ન હતું. તેઓ સ્વભાવથી જ આધ્યાત્મિક વલણ ધરાવતા હતા. ધર્મ અને ફિલસૂફી વિશેના પુસ્તકો વાંચવામાં તેઓ ઘણો સમય વ્યતીત કરતા. તેમણે રામાયણ, મહાભારત, યોગવાશિષ્ઠ, મનુસ્મૃતિ, ભર્તૃહરિના ગ્રંથો, તેમજ મિલ, હર્બર્ટ સ્પેન્સર, શેક્સપિયર, મિલ્ટન અને સ્માઈલ્સ જેવા પાશ્ચાત્ય દાર્શનિકોના ગ્રંથો વાંચ્યા હતા. વળી, જ્યારે સ્વામીજી લીંબડી પધાર્યા તેના થોડા દિવસ પૂર્વે જ તેમના નાના ભાઈનું અવસાન થયું હતું. એટલે તેઓ અધ્યાત્મ અને દર્શનની કથાઓ સાંભળવા ખૂબ આતુર રહેતા. સ્વામીજી પાસેથી મંત્રદીક્ષા મેળવી તેઓ સ્વામીજીના શિષ્ય બન્યા. એ સમયે ગોવર્ધન મઠના શંકરાચાર્ય પણ ત્યાં જ હતા અને તેઓ ખૂબ રાજી થયા. સ્વામીજી સાથે તેઓશ્રીએ પંડિતોની હાજરીમાં સંસ્કૃતમાં ઘણી લાંબી ચર્ચા કરી હતી. થોડા દિવસો રહી સ્વામીજીએ જ્યારે લીંબડી છોડ્યું ત્યાં સુધીમાં તો લીંબડી અદ્‌ભુત આધ્યાત્મિક વાતાવરણના રંગે રંગાઈ ચૂક્યું હતું.

૧૮૯૨માં પ્રથમ ચાર મહિના ગુજરાતમાં વીતાવ્યા પછી સ્વામીજી મુંબઈ પૂના થઈ ઉનાળો ગાળવા મહાબળેશ્વરની મુલાકાતે આવ્યા. ૨૬-૪-૯૨ના રોજ વડોદરાથી એક પત્રમાં સ્વામીજીએ લખ્યું છે : ‘આજે સાંજે હું મુંબઈ જઈ રહ્યો છું.’ એના પરથી લાગે છે કે તેઓ વડોદરાથી મુંબઈ થઈને ૨૮મીએ મહાબળેશ્વર પહોંચ્યા હશે. સ્વામીજીના જીવનચરિત્રમાં લખ્યું છે કે એક દિવસ મહાબળેશ્વરના રાજમાર્ગ પર લીંબડીના ઠાકોર સાહેબની મુલાકાત એમની સાથે અચાનક થઈ ગઈ અને તેઓ સ્વામીજીને આગ્રહ કરીને પોતાના નિવાસ સ્થાને લઈ આવ્યા. પછીથી સ્વામીજી દ્વારા ૨૨ ઓગસ્ટ ૧૮૯૨ના રોજ હરિદાસ વિહારીદાસ દેસાઈના નામે લખાયેલ પત્ર પરથી લાગે છે કે ખરેખર આ ભેટ અપ્રત્યાશિત જ હતી. સ્વામીજીએ લખ્યું હતું: ‘મારા જણાવ્યા પ્રમાણે મહાબળેશ્વરમાં મને લીંબડીના ઠાકોર સાહેબ પાસે આશ્રય મળી ગયો છે. શંકર પાંડુરંગે જે કંઈ લખ્યું હતું, હું એ ઉદ્ધૃત કરું છું, ‘મને એ જાણીને આનંદ થયો કે આપને ત્યાં લીંબડીના ઠાકોર સાહેબ મળ્યા છે, નહિ તો આપ માટે ઘણી મુશ્કેલીઓ થાત, કારણ કે મરાઠી લોકો ગુજરાતીઓ જેટલા ઉદાર નથી.’’

૧૮૯૬માં પ્રકાશિત શ્રી વસંતજી રાઘવજી જોશી દ્વારા લિખિત ‘શ્રી યશવંત જીવનચરિત્ર’ નામના ગુજરાતી ગ્રંથમાં ઠાકોર સાહેબની નોંધપોથીના બહુ વિસ્તૃત ઉદ્ધરણો આપ્યાં છે.એનાથી જાણવા મળે છે કે તેઓ ૨૪ એપ્રિલે જ મહાબળેશ્વર પહોંચ્યા અને ૨૫ તારીખે એમણે નોંધપોથીમાં સ્વામીજીના વિચારોનો ઉલ્લેખ શરૂ કરી દીધો છે. તો શું સ્વામીજી ૨૫ તારીખે ત્યાં પહોંચી ચૂક્યા હતા? જો એમ હોય તો એમના વડોદરાથી લખેલ પત્રની દિનાંકમાં ભૂલ હશે અથવા એ પણ સંભવ છે કે ઠાકોર સાહેબે પોતાની યાદશક્તિને આધારે સ્વામીજીના વિચારોનો ઉલ્લેખ કર્યો હોય!

મહાબળેશ્વરમાં ઠાકોર યશવંતસિંહજી સાહેબ સાથે સ્વામીજીએ એક મહિનાથી પણ વધારે સમય વિતાવ્યો હતો. ત્યાંના બીજા સ્થળોની પણ સ્વામીજીએ મુલાકાત લીધી હોય એ સંભવ છે. મરાઠી સાહિત્ય સમ્રાટ શ્રી નરસિંહ ચિંતામન કલેકર દ્વારા એવો સંકેત મળે છે કે એ ગરમીના દિવસોમાં વિભિન્ન સ્થળોએથી આવેલ અનેક બુદ્ધિજીવી લોકો પણ સ્વામીજીના સાથે ચર્ચામાં ભાગ લેતા હતા.

અગાઉ કહ્યા પ્રમાણે ઠાકોર યશવંતસિંહજીની જીવનીમાં ઉદ્ધૃત એમની નોંધપોથીમાં ૨૫ એપ્રિલ થી ૧૪ જૂન સુધી સ્વામીજીનો ઉલ્લેખ તથા એમની સાથે થયેલ ચર્ચાઓનું વિવરણ જોવા મળે છે. એમાંથી અધિકાંશ મહાબળેશ્વરમાં થતા અંતિમ થોડા દિવસોની ચર્ચાઓ સંભવત: પૂનામાં થઈ હતી.

અહીં સ્મરણીય છે કે આ વિવરણમાંથી સ્પષ્ટપણે જાણી શકાતું નથી કે આમાં ક્યા વાક્ય સ્વામીજીના અને ક્યા વાક્ય ઠાકોર સાહેબના પોતાના છે. સંભવ છે કે પ્રતિદિનની ચર્ચા પછી ઠાકોર સાહેબ પોતાની સમજણ શક્તિથી પોતાની ભાષામાં તેને લિપિબદ્ધ કરતા હશે. મૂળ ગ્રંથમાંથી ઉદ્ધૃત કરતી વખતે અમે એને સમયાનુક્રમે સજાવી લીધી છે. આ ગ્રંથના પ્રાસંગિક અંશ અહીં આપીએ છીએ:

‘૨૪ એપ્રિલ, ૧૮૯૨ના દિવસે ઠાકોર સાહેબ શ્રી યશવંતસિંહજી બહાદુર મહાબળેશ્વર આવ્યા. ત્યાં તેઓ ત્રણ માસ રોકાયા. એ સમયે ત્યાં એમનું સ્વામી વિવેકાનંદ સાથે મિલન થયું તથા એમની સાથે અનેકવાર આત્મજ્ઞાનની ચર્ચા કરવાનો અવસર પણ મળ્યો.’

૨૫ એપ્રિલ ૧૮૯૨ની નોંધ પોથીમાં લખ્યું છે: ‘પ્રકૃતિ અનાદિ છે, શુદ્ધ ચૈતન્યરૂપ પુરુષ (પરમાત્મા) પણ અનાદિ છે. પ્રકૃતિ દ્રવ્યનાં તત્ત્વોનો શુદ્ધ ચૈતન્યરૂપ પુરુષ સાથે સંપર્ક થવાથી આ શુદ્ધ ચૈતન્યરૂપ પરમાત્માની ઇચ્છાથી અગમ અલૌકિક મહાચિત્તશક્તિ ઉત્પન્ન થાય છે. એવું થવાથી પ્રકૃતિ અથવા શક્તિ (જેને કેટલાક તત્ત્વવેત્તા મિશ્રિત ચૈતન્ય પણ કહે છે) અને શુદ્ધ ચૈતન્ય (ચિન્માત્ર) ભળવાથી જીવાત્માની સૃષ્ટિ થાય છે. સ્વામી દયાનંદજીએ જીવ, ઈશ્વર તથા માયા – આ ત્રણેયને અનાદિ કહ્યા છે. પણ સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે પ્રકૃતિ એવં પુરુષ – એ બે જ અનાદિ છે. એના જ યોગથી કાર્યકારણનું સ્વરૂપ સ્થિર થયું છે અને એને જ જીવ કહેવો ઉચિત ગણી શકાય. મોહલુબ્ધ થવું પ્રકૃતિનું અને કેવળ સાક્ષીભૂત રહેવું પુરુષનું લક્ષણ છે. અને બંને લક્ષણ જીવનમાં જોવા મળે છે. જીવમાં મોહલુબ્ધતા રૂપી દોષને જોઈને એને પ્રકૃતિ-પુરુષથી ભિન્ન – અનાદિ માનવા ઉચિત નથી. કારણ કે એમાં સાક્ષીભૂત થઈને નિર્લિપ્ત નિર્વિકાર રહેવા યોગ્ય શુદ્ધતાનાં તત્ત્વો પણ જોવા મળે છે. એમ હોવાથી જીવાત્મા મોહલુબ્ધતાને ત્યજીને અર્થાત્‌ પ્રકૃતિ રૂપી મહામાયાના આવરણથી મુક્ત થઈ પોતાની શુદ્ધતાના તત્ત્વોને કારણે જ્ઞાનથી પરમાત્મા કે સચ્ચિદાનંદ સ્વરૂપમાં વિલીન થઈ શકે છે. આનો અર્થ એ છે કે પોતાના સાચા સવરૂપને ઓળખીને પરમાત્માને પામી શકાય છે.’

૨૮ એપ્રિલ, ૧૮૯૨ની નોંધપોથીમાં સૌ પ્રથમ મનુષ્ય અને પ્રાણીઓ વચ્ચેની ચલનક્રિયાઓ અને એની પ્રેરક શક્તિ વિશે ચર્ચા પછી અંતે નિષ્કર્ષ રૂપે લખ્યું છે: ‘મનુષ્યદેહમાં આવ્યા પછી જીવ જો મૃત્યુપર્યંત સંસારમાં આસક્તિ વધારતો રહે તો તે ઉત્તરોત્તર પુનર્જન્મ પ્રાપ્ત કરતો રહે છે. સંસારના ક્ષણભંગુર સુખોની આસક્તિનો સમૂળ નાશ થયા વિના જન્મમરણના ચક્રને રોકી શકાતું નથી. જેને નરદેહ મળ્યો છે અર્થાત્‌ જેને વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે તેને એવી રીતે સંસારનું કાર્ય કરવું જોઈએ કે જેનાથી પરમાર્થ સિદ્ધિમાં બાધા ન આવે. તાત્પર્ય એ છે કે સંસારનું કાર્ય કરતાં કરતાં પણ એનાથી વિરક્ત અને નિર્વિકાર રહીને આત્મા-પરમાત્માના વાસ્તવિક સ્વરૂપને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. આ જ સાચા પુરુષાર્થ અર્થાત્‌ મોક્ષનું સાધન છે.’

ઠાકોર સાહેબે ૪ તથા ૫ મેનું વિવરણ એક સાથે લિપિબદ્ધ કર્યું છે જે આ પ્રમાણે છે: ‘પુનર્જન્મ પર થયેલી ચર્ચાના વિષયમાં ચોથા દિવસે પણ મેં ખૂબ વિચાર કર્યો અને એને સંબંધિત ઘણા પુસ્તકોનું અવલોકન પણ કર્યું. એથી પુનર્જન્મના વિષયમાં હું એ નિર્ણય પર પહોંચ્યો છું કે ઐહિક દૃષ્ટિથી જોઈએ તો પુનર્જન્મ છે અને પારલૌકિક દૃષ્ટિથી જોઈએ તો નથી. બીજા શબ્દોમાં કહીએ તો આત્મિક દૃષ્ટિથી પુનર્જન્મ છે અને આધ્યાત્મિક દૃષ્ટિથી નથી.’ તે પછી પુનર્જન્મ પર ખૂબ જ વિસ્તૃત ચર્ચાઓ જોવા મળે છે.

૮ મે, ૧૮૯૨ની નોંધપોથીમાં લખ્યું છે: ‘વેદમાં જ્ઞાન, કર્મ અને ઉપાસના – આ ત્રણ મુખ્ય કાંડ છે. સૃષ્ટિનો ક્રમ દીર્ઘકાલ સુધી એક સમાન ચાલતો રહે અને મનુષ્ય માત્રમાં અન્ય પ્રાણીઓની અપેક્ષાએ જે વિશેષતા છે તેના ઉપયોગ માટે વેદમાં આ ત્રણ કાંડ પ્રદર્શિત થયા છે.’

આ વિષય પરની ચર્ચા પછી ૧૧ મે, ૧૮૯૨ની નોંધમાં છે : ‘આહાર, નિદ્રા, ભય અને મૈથુન – સાધારણ જ્ઞાનના આ પ્રકાર બધા પ્રાણીઓમાં જોવા મળે છે. પરંતુ મનુષ્યમાં જે વિશેષ જ્ઞાન પ્રાપ્ત થયેલું દેખાય છે એના ઉપયોગ માટે રજસ્‌, તમસ્‌ અને સત્ત્વ આ ત્રણ ગુણોની પણ જરૂર છે.’ તે પછી આ ગુણોથી પ્રેરાઈને સૃષ્ટિમાં વિભિન્ન વર્ણોના ક્રમવિકાસ વિશે સાંખ્યશાસ્ત્ર તેમજ યજુર્વેદમાંથી ઉદ્ધરણો તારવીને ચર્ચા કરવામાં આવી છે. અને અંતે સાર રૂપે નોંધ કરી છે : ‘વેદ ઈશ્વરપ્રેરિત સત્યજ્ઞાન હોવાથી તથા ઉપરોક્ત પ્રકારે ત્રણેય ગુણો પણ મનુષ્યમાં વિશેષ જ્ઞાનથી પ્રેરિત હોવાથી, પૃથ્વીના દરેક દેશના લોકોમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર – આ ચાર પ્રકારના વર્ણોની વ્યવસ્થા હોવી જોઈએ અને એવું છે પણ ખરું. પણ આપણા દેશમાં જે અનેક જાતિઓ બની ગઈ છે તે કૃત્રિમ છે અને હરેક પ્રકારે મનુષ્યોની ઉન્નતિમાં બાધક છે.’

૧૨ મે, ૧૮૯૨ની નોંધપોથીમાં આ પ્રમાણે લખ્યું છે: ‘કાલે થયેલી ચર્ચાથી એ પણ સિદ્ધ થઈ ગયું છે કે પૂર્વ કાળમાં જાતિ ગુણકર્મ અનુસાર પ્રચલિત હતી. આજે બ્રાહ્મણને ત્યાં જન્મેલો વ્યક્તિ બ્રાહ્મણ અને ક્ષત્રિયને ત્યાં જન્મેલો વ્યક્તિ ક્ષત્રિય કહેવાય છે. હવે ગુણ-કર્મની તરફ ધ્યાન દેવામાં નથી આવતું, તેથી ઉત્તમ વિષયોની તરફ ઇચ્છા તથા પ્રયત્ન ન રહેવાને કારણે આર્યો દરેક પ્રકારે અધમ અવસ્થાને પ્રાપ્ત થયા છે અને થતા જાય છે.’ આ વાત સમજાવતાં ઉદાહરણો આપ્યાં પછી ચર્ચાના અંતે લખ્યું છે: ‘પૂર્વ કાળમાં બ્રાહ્મણના શૂદ્ર તથા ક્ષત્રિયના વૈશ્ય – આ પ્રકારે ગમે તે વર્ણમાં જન્મ લેવા છતાં પણ ગુણ કર્મ અનુસાર જાતિમાં પરિવર્તન કરી શકાતું હતું. આ વિષય પર મનુસ્મૃતિમાં પણ એવી જ વાત કહેવામાં આવી છે:

શૂદ્રો બ્રાહ્મણતામેતિ બ્રાહ્મણશ્ચૈતિ શૂદ્રતામ્‌ ।
ક્ષત્રિયાજ્જાતમેવં તુ વિદ્યાદ્વૈશ્ચાત્તથૈવ ચ ॥ (૧૦.૫)

‘શૂદ્રો બ્રાહ્મણત્વને પ્રાપ્ત કરે છે અને બ્રાહ્મણ પણ શૂદ્રત્વને પ્રાપ્ત કરે છે. આ પ્રકારે ક્ષત્રિય તથા વૈશ્યકુળમાં જન્મેલાઓના વિષયમાં પણ સમજવું.’

૧૩ મે, ૧૮૯૨ની નોંધ મુજબ : ‘કારણ વિના કાર્ય થવું કદાપિ સંભવ નથી. અને કારણને જાણ્યા વિના કાર્યનું જ્ઞાન થવું પણ સંભવ નથી.’ તે પછી પુરુષ, પ્રકૃતિ, બ્રહ્માંડ અને સૃષ્ટિતત્ત્વ વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

૧૭ મે, ૧૮૯૨ના રોજ અહિંસા વિશે વિસ્તૃત ચર્ચા થઈ હતી : ‘અહિંસા પરમો ધર્મ: – અહિંસા પરમ ધર્મ છે. પણ કેવળ પશુપક્ષી આદિ જીવોનો વધ ન કરવો એ જ માત્ર અહિંસાનું તાત્પર્ય નથી. અહિંસાનો સ્પષ્ટ અર્થ શ્રી વેદવ્યાસે આ પ્રકારે કર્યો છે – સર્વથા સર્વદા સર્વભૂતાનાં અનભિદ્રોહ: અહિંસા જ્ઞેયા – એથી એ સ્પષ્ટ સમજી શકાય છે કે પશુપક્ષી તથા અન્ય જીવજંતુઓમાં વિશેષ જ્ઞાન ન હોવાથી એની સાથે દ્રોહ કરવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. દ્રોહનો અર્થ છે શત્રુતા અને દુર્ભાવ. આ પ્રકારે દુન્યવી તથા ધાર્મિક કાર્યોમાં કોઈ પણ મનુષ્યો પ્રત્યે દ્વેષ કે દુર્ભાવ ન રાખવો એને જ અહિંસા કહી છે. મહર્ષિ મનુએ માનવ ધર્મના દસ લક્ષણ બતાવ્યા છે, જે માનવમાત્રને સમજવા તથા મનન કરવા યોગ્ય છે:

ધૃતિ ક્ષમા દમોઽસ્તેયં શૌચમિન્દ્રિયનિગ્રહ: ।
ધીર્વિદ્યા સત્યમક્રોધો દશકં ધર્મલક્ષણમ્‌ ॥ (૬.૧૨)

ધૈર્ય, ક્ષમા, મન: સંયમ, ચોરી ન કરવી, પવિત્રતા, ઇન્દ્રિયોનો નિગ્રહ, જ્ઞાન, આત્મવિદ્યા, સત્ય અને ક્રોધ ન કરવો એ ધર્મનાં દશ લક્ષણ છે.’ આ બધા ગુણો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે.

૧૮ મે, ૧૮૯૨ની નોંધપોથીમાં લખ્યું છે: ‘અધર્મના લક્ષણ વિશે વિવેચન થયું. ધર્મના દસ લક્ષણોથી વિપરિત જે આચરણ છે તે અધર્મ છે. અધર્મ ત્રણ પ્રકારના હોય છે – કાયિક, વાચિક, માનસિક.’

૨૩ મે, ૧૮૯૨ની નોંધમાં આવું લખાણ છે: ‘તમસ્‌, રજસ્‌ તથા સત્ત્વ આ ત્રણ ગુણોના પ્રભાવથી મનુષ્યોના ભિન્ન ભિન્ન સ્વભાવ બને છે.’ ઉપરોક્ત વિષય પર વિસ્તૃત ચર્ચા કર્યા બાદ અંતે લખ્યું છે: ‘જેને ઐહિક સુખની તૃષ્ણા નથી, જે પોતાનો દેહ તથા સુખને અનિત્ય અને અશાશ્વત માને છે, જે સ્થૂળ શરીરને નશ્વર સમજી પોતાના વાસ્તવિક ચૈતન્યાત્મક શરીરને જાણે છે, હર્ષ-શોકના પ્રસંગો પણ જેની ઉદાસીનવૃત્તિને વિચલિત નથી કરી શકતા, જેનું મન કોઈ પણ પરિસ્થિતિમાં વિક્ષિપ્ત નથી થતું; તે મુક્ત અર્થાત્‌ જીવન્મુક્ત કહેવાય છે.

૯, ૧૦, ૧૧ જૂન આ ત્રણેય દિવસની વિસ્તૃત ચર્ચાના નિષ્કર્ષમાં લખ્યું છે: ‘સ્વામી શ્રી વિવેકાનંદના શાસ્ત્રજ્ઞાનથી મારા મનમાં આનંદ સાથે આશ્ચર્ય થયું છે. શાસ્ત્રોના વિષયોમાં મારું જે જ્ઞાન હતું, તેમાં તેમની સાથે ચર્ચા કર્યા બાદ યથેષ્ટ વૃદ્ધિ થઈ છે. વેદોના ૬ અંગ કહેવાતા ષટ્‌ શાસ્ત્રોના વિષયમાં જાણકારીને લિપિબદ્ધ કરતા મને પરમ આનંદ થાય છે. (૧) કપિલમુનિનું સાંખ્ય શાસ્ત્ર (૨) શ્રી ગૌતમમુનિનું ન્યાયશાસ્ત્ર (૩) શ્રી કણાદ મુનિનું વૈશેષિકસૂત્ર (૪) શ્રી પતંજલિ ઋષિનું યોગશાસ્ત્ર (૫) શ્રી જૈમિનાચાર્યની પૂર્વમીમાંસા (૬) બ્રહ્મમીમાંસા અથવા ઉત્તરમીમાંસા જેમાં બાદરાયણકૃત બ્રહ્મસૂત્રના વિષયમાં દિગ્દર્શન કરાવ્યું છે. આ ષટ્‌શાસ્ત્રો મનન કરવા યોગ્ય છે.’

આ ષટ્‌શાસ્ત્રો પર ગહન ચર્ચા કર્યા બાદ ૧૩ જૂન, ૧૮૯૨ના રોજ બ્રહ્મસૂત્ર પર શંકરાચાર્ય, રામાનુજ આદિ આચાર્યોના મત વિશે તુલનાત્મક વિવેચનની નોંધ મળે છે. ઠાકોર સાહેબશ્રી યશવંતસિંહજીની નોંધપોથીમાંથી પ્રાપ્ત ઉપરોક્ત સુદીર્ઘ લખાણોથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે સ્વામીજી એ દિવસોમાં કેવા ગૂઢ દાર્શનિક વિષયોની ચર્ચા અને મીમાંસામાં સમય ગાળતા હતા.

ઠાકોર સાહેબ જેવા ગુજરાતના ઘણા સુસંસ્કૃત રાજવી તેમજ અન્ય વિદ્વાનોના સંપર્કમાં સ્વામીજી આવ્યા હતા તેની વિગતવાર ચર્ચા હવે પછીના અંકમાં કરીશું.

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.