અલવરના અનુરાગી ભક્તો

અલવરમાં સાત સપ્તાહના પ્રવાસ દરમિયાન સ્વામીજીને ત્યાંના ઘણા લોકો સાથે ઘણો સારો પરિચય થયો હતો. દુર્ભાગ્યે આપણે એમાંથી કેટલાંકના જ નામ અને એમની સાથે જોડાયેલ ઘટનાઓથી પરિચિત છીએ.

અમારી જાણ પ્રમાણે અલવરમાં સ્વામીજીના સંપર્કમાં આવેલા લોકોનાં નામ આ પ્રમાણે છે – મહારાજ મંગલસિંહ, દીવાન બહાદુર મેજર રામચંદ્ર, ડો. ગુરુચરણ લશ્કર, લાલા ગોવિંદ સહાય તથા એમના ભાઈઓ, બીજા ગોવિંદ સહાય, પંડિત શંભુનાથ, હરબક્ષ, મૌલવી સાહેબ, બે અંગ્રેજ કમાંડર, રામસનેહી, એક વૃદ્ધા.

અલવરથી વિદાય થયા પછી સ્વામીજીએ લાલા ગોવિંદ સહાયને નામે ૧૮૯૧ થી ૧૮૯૪માં જે પાંચ પત્રો લખ્યા હતા તે પણ આંશિક રૂપે જ પ્રકાશિત થયા છે. વળી, એમાંથી મોટા ભાગનો મૂળભાગ નાશ પામ્યો છે. પછી સ્વામી અખંડાનંદજીએ પણ ખેતડીમાં રહેતા હતા ત્યારે અમેરિકામાં સ્વામીજી સાથે પત્ર વ્યવહાર કર્યો હતો. પણ એ પત્રોમાં પણ ઉપર્યુક્ત નામોનો ઉલ્લેખ થયો નથી. એ નામોનો ઉલ્લેખ ન થવાનું કારણ એ છે કે એ સમયે એમાંથી અનેક લોકો જીવતા હતા અને જીવતા લોકોનાં નામ તથા એને વિશે કોઈ વ્યક્તિગત સૂચનાનો ઉલ્લેખ કે તેનું પ્રકાશન ઉચિત ગણાતું ન હતું. આમ હોવા છતાં પણ જેમનો નામોલ્લેખ મળે છે એમાંથી કેટલાક વિશે જેમ કે રાજા મંગલસિંહ વિશેની માહિતી આ પહેલાં આપી દીધી છે. કેટલાક વિશે જાણકારી પ્રાપ્ત નથી જેમ કે પંડિત શંભુનાથજી. એ સિવાયના બાકીના બીજા બધા વિશે ઉપલબ્ધ સૂચના માહિતી અમે અહીં રજૂ કરીએ છીએ.

લાલા ગોવિંદ સહાય વિજયવર્ગીય

લાલા ગોવિંદ સહાય (૧૮૬૬-૧૯૨૫) આગ્રા કોલેજમાંથી એફ.એ.ની કેળવણી પ્રાપ્ત કરીને અલવર રાજ્યના મંગલાસર રેજિમેન્ટમાં હેડક્લાર્ક હતા. કહેવાય છે કે સ્વામીજી પોતાના અલવરના પ્રવાસ દરમિયાન દરરોજ સાંજે પોતાના અનુરાગી યુવકો સાથે કંપની બાગ (હાલ પુરજનવિહાર) નામના ઉદ્યાનમાં ફરવા જતા. અહીં જ ગોવિંદ સહાયે સ્વામીજીનાં દર્શન કર્યાં અને એમની સાથે પરિચય પણ થયો. એમણે સ્વામીજીને પોતાને ઘરે આવવાનું આમંત્રણ પણ આપ્યું. સ્વામીજીના કોઈ કોઈ પત્ર પરથી એમના ભાઈઓ વગેરે સહિત પૂરા પરિવાર સાથે એમને ગાઢ પરિચય હતો એવો સંકેત મળે છે. તેઓ એમને ત્યાં કેટલીક વાર ભોજન લેવા ગયા હોય એ સંભવ છે. પરંતુ કોઈ પણ જૂના લેખ કે ગ્રંથમાં એમના નિવાસ સ્થાને સ્વામીજી રહ્યા હોય એવો ઉલ્લેખ મળતો નથી.

અલવરમાં લાલા ગોવિંદ સહાયનું મકાન આજે વિવેકાનંદ ચોકડી પાસે, માલખેડા ગેટની પાછળ, અશોક ટોકિઝ નજીકની ખટીક પાડીની ગલીમાં આવેલું છે. સ્વામીજીની જીવનકથાઓમાં જો કે લાલા ગોવિંદ સહાયનો કોઈ ઉલ્લેખ જોવા મળતો નથી. આમ છતાં પણ એવું લાગે છે કે સ્વામીજીના અલવર પ્રવાસના દિવસોમાં એમની વચ્ચે વિશેષ ઘનિષ્ઠ સંબંધ હતો. મંત્રદીક્ષા લઈને તેઓ સ્વામીજીના શિષ્ય પણ થયા.

સ્વામીજી અલવરથી વિદાય થયા ત્યાર પછી પણ ગોવિંદ સહાયે એમની સાથે પત્ર વ્યવહાર દ્વારા સંબંધ જોડી રાખ્યો. સ્વામીજીએ એમને લખેલા કુલ પાંચ પત્રોના અંશ સ્વામીજીની ગ્રંથાવલીમાં મળે છે: એક અજમેરથી, બે માઉન્ટ આબૂથી અને બે શિકાગોથી. આ બધા પત્રો અમે અહીં આપીએ છીએ.

પહેલો પત્ર

અજમેર, ૧૪ એપ્રિલ ૧૮૯૧

પ્રિય ગોવિંદ સહાય,

… પવિત્ર અને નિ:સ્વાર્થ બનવાનો પ્રયત્ન કરો. સમગ્ર ધર્મ એમાં જ રહેલો છે… સસ્નેહ,

વિવેકાનંદ

બીજો પત્ર

આબૂ પહાડ, ૩૦ એપ્રિલ ૧૮૯૧

પ્રિય ગોવિંદ સહાય,

અલવરમાં તમે લોકો કુશળ હશો એવી આશા રાખું છું. આ આબુનું સ્થાન અત્યંત સુંદર છે, પણ અહીં પીવાનું પાણી ઘણું ખરાબ છે. હું અહીં (વેક્સિનેશન ઓફિસર) ના મુખ્ય લહિયા શ્રીયુત્‌ મુરારીલાલના ઘરે છું. તેઓ તમારા દાક્તર બાબુના ખાસ મિત્ર છે અને એ કારણે જ એમણે મને ઘણી કાળજીથી રાખ્યો છે. દાક્તર બાબુને આ વાત કહેજો અને એમને મારાં સ્નેહસ્મરણ અને આશીર્વાદ પાઠવજો. તમારા દાક્તર બાબુ ખરેખર એક ઉત્કૃષ્ટ સજ્જન માણસ છે. (આ ભાગ સ્વામીજીની ગ્રંથાવલીમાં નથી. પરંતુ સૌભાગ્યવશ શ્રી શ્રમણક લિખિત ‘અલવરે સ્વામી વિવેકાનંદ’ એ શીર્ષક હેઠળ લખાયેલ બંગાળી લેખમાંથી આ ભાગ અહીં આપ્યો છે.)

શું તમે લોકોએ પેલા બ્રાહ્મણ બાળકનો યજ્ઞોપવીત વિધિ પૂરો કર્યો કે કેમ? શું તમે સંસ્કૃતનો અભ્યાસ કરી રહ્યા છો? કેટલી પ્રગતિ થઈ છે? આટલા દિવસોમાં પહેલો ભાગ તો જરૂર પૂરો થઈ ગયો હશે એવી મારી આશા છે. તમારા બંને ભાઈઓ કેમ છે? નિયમિત રૂપે શિવપૂજા કરી રહ્યા છો ને? જો ન કરી રહ્યા હોય તો એ કરવાનો પ્રયાસ કરો. ‘પહેલા તમે લોકો ભગવાનના રાજ્યનું અન્વેષણ કરો બાકીનું જે કંઈ આવશ્યક છે એ બધું એની મેળે જ આવી જશે.’ પહેલા ઈશ્વરપ્રાપ્તિનો પ્રયાસ કરો પછી ધનમાન વગેરે બધું મળી રહેશે.. બંને કમાંડર સાહેબોને મારા હાર્દિક નમસ્કાર કહેજો; ઉચ્ચ પદાધિકારી હોવા છતાં પણ એમણે મારા જેવા ગરીબ ફકીરની સાથે અત્યંત સહૃદયતાપૂર્વક વ્યવહાર કર્યો હતો.

વત્સ, ધર્મનું રહસ્ય સિદ્ધાંતોમાં નથી પરંતુ એની સાધનામાં રહેલું હોય છે. ભલા થવું અને ભલાં કાર્ય કરવાં એમાં જ પૂરેપૂરા ધર્મનું રહસ્ય છે. જે કેવળ ‘હે પ્રભુ હે પ્રભુ’ની રટણા લગાવે છે, એટલું જ નહિ પરંતુ જે પરમપિતાની ઇચ્છનુસાર કાર્ય કરે છે, તે જ સાચો ધાર્મિક છે.

અલવરના રહેવાસી યુવકો, તમે બધા સારા છો. અને હું આશા રાખું છું કે થોડા જ સમયમાં તમારામાંથી કેટલાય પોતાના સમાજનાં આભૂષણ અને જન્મભૂમિ માટે વરદાન સિદ્ધ થશો.

સસ્નેહ,
વિવેકાનંદ

પુનશ્ચ – ક્યારેક ક્યારેક જો તમારે સંસારમાં થોડાઘણા આઘાત સહન કરવા પડે તો એનાથી વિચલિત ન થતા, મુહૂર્તભરમાં જ તે દૂર થઈ જશે અને બધે સારાંવાનાં થઈ જશે.

ત્રીજો પત્ર

આબૂ પહાડ,
૧૮૯૧

પ્રિય ગોવિંદ સહાય,

મનની ગતિ ભલે ગમે તે દિશામાં હોય, તમે નિયમિત રૂપે જપ કરતા રહેજો. હરબક્ષને કહેજો કે પહેલા ડાબી નાસિકા ત્યાર પછી જમણી અને વળી પાછી ડાબી – એ ક્રમે તે પ્રાણાયામ કરતા રહે. વિશેષ પરિશ્રમ સાથે સંસ્કૃતનું અધ્યયન કરો.

સસ્નેહ,
વિવેકાનંદ

* * *

હવે અહીં એમણે શિકાગોથી લખેલા પત્ર પ્રસ્તુત છે. એવું જણાય છે કે એમણે લખેલા લગભગ બધા પત્ર અત્યાર સુધીમાં નાશ પામ્યા છે. કેવળ એકજ પત્રની મૂળ પ્રત અત્યારે પણ શ્રી ગોવિંદ સહાયના પૌત્ર શ્રી રાજારામ મોહન ગુપ્તા પાસે જળવાઈ રહી છે. અમને માહિતી છે ત્યાં સુધી આ પત્ર હજુ સુધી ક્યાંય પણ પૂરેપૂરો પ્રકાશિત થયો નથી. એટલે અમે એ પત્ર અહીં આપીએ છીએ. એમાં ત્રાંસી લીટીમાં લખેલો અંશ હજુ સુધી સ્વામીજીની ગ્રંથાવલીમાં અપ્રકાશિત રહ્યો છે.

* * *

ચોથો પત્ર

જી.ડબલ્યુ. હેય્‌લ
શિકાગો, સંયુક્ત રાજ્ય અમેરિકા,
૧૮૯૪

પ્રિય ગોવિંદ સહાય,

એક વર્ષથી પણ વધારે સમય પહેલાં ખેતડીમાં અંતિમવાર મને તમારા સમાચાર મળ્યા હતા. વત્સ, હું આશા રાખું છું કે આ દરમિયાન તમે અને તમારા ભાઈ-ગંગાસહાય તથા દુર્ગાસહાય કુશળ મંગલ હશો.

કોલકાતાના મારા ગુરુભાઈઓ સાથે તમારો પત્ર વ્યવહાર થાય છે કે નહિ? શું તમારી નૈતિક તથા આધ્યાત્મિક દૃષ્ટિએ અને જાગતિક વિષયોમાં ઉન્નતિ થઈ રહી છે કે કેમ? રાજપુરોહિત ગોવિંદ સહાયના શું ખબર-અંતર છે? અલવરના મારા બધા મિત્રોને મારાં સ્નેહ તથા આશીર્વાદ પાઠવજો. હું હંમેશાં એમને આશીર્વાદ આપું છું, ક્યારેય ભૂલતો નથી.

અલવર તથા ત્યાંના આપણા બધા મિત્રો વિશે મને બધું લખજો.

તમે સંભવત: સાંભળ્યું હશે કે હું કેવી રીતે એક વર્ષથી વધારે સમયથી અમેરિકામાં હિંદુધર્મનો પ્રચાર-પ્રસાર કરી રહ્યો છું. હું અહીં ક્ષેમકુશળ છું. જેટલી ઝડપથી અને જેટલીવાર ઇચ્છો, તમે મને પત્ર લખી શકો છો.

સ્નેહાશીષ સાથે,
વિવેકાનંદ

(Exact copy of the letter, partly printed in CW 6.281-2)

Dear Govind Sahay,

The last heard of you was more than a year ago in Khetri. Well my son hope you have been doing well all this time and your brothers Ganga Sahay & Durga Sahay.

Do you keep any correspondence with my Gurubhais of Calcutta?

Are you progressing morally, spiritually and in your worldly affairs? What about Govind Sahay the raj purohit? Give my love & blessing to all my friends in Alwar. I always bless them & never for- get them.

Write to me all about Alwar and our friends there. Perhaps you have eard how more than a year I have been preaching Hindu religion in America. I am doing very well here. Write to me as soon as you can and as often as you can.

Yours with blessings,
Vivekananda

C /o. G.W. Hale, Chicago,
United States of America.

 

પાંચમો પત્ર

સંયુક્ત રાજ્ય અમેરિકા,
૧૮૯૪

પ્રિય ગોવિંદ સહાય,

… પ્રામાણિકતા જ શ્રેષ્ઠ નીતિ છે અને ભલાઈ કરનારો જ અંતે ખાટે છે.. વત્સ, હંમેશાં આ વાત યાદ રાખજો કે હું ભલે ગમે તેટલો કામમાં વ્યસ્ત રહું, દૂરસુદૂર અને કેટલાય ઉચ્ચવર્ગના લોકો સાથે પણ કેમ ન રહું, પણ હું પોતાના પ્રત્યેક મિત્ર – ભલે એમાંથી કોઈ ગમે તેટલી સામાન્ય સ્થિતિનો પણ કેમ ન હોય – ને માટે પણ સદૈવ પ્રાર્થના કરતો રહું છું, આશીર્વાદ આપતો રહું છું અને એમને યાદ પણ કરતો રહું છું.

આશીર્વાદ સાથે,
વિવેકાનંદ

*** 

ત્યાર પછીના વર્ષે સ્વામીજીએ લંડનથી ૧૩ નવેમ્બર ૧૮૯૫ના રોજ ખેતડીમાં રહેતા પોતાના ગુરુભાઈ સ્વામી અખંડાનંદને લખ્યું હતું: ‘રાજપૂતાનામાં એક કેન્દ્ર ખોલવાનો ખાસ પ્રયત્ન કરજો. જયપુર કે અજમેર જેવા કોઈ મુખ્ય સ્થળે તે હોવું જોઈએ. ત્યાર પછી અલવર, ખેતડી વગેરે શહેરોમાં એનાં શાખા કેન્દ્ર સ્થાપજો… અલવરમાં મારા કેટલાય શિષ્યો છે. એમનું ધ્યાન રાખજો.’ આ વિશે સ્વામી અખંડાનંદજી પોતાની બંગાળી કૃતિ ‘સ્મૃતિ કથા’ (પૃ.૧૨૫)માં આમ લખે છે: ‘અલવરમાં સ્વામીજીના જે ભક્ત શિષ્ય હતા, સ્વામીજીએ મને એ લોકોની એક સમિતિ બનાવવાનું લખ્યું હતું. આ હેતુથી હું આઠ દસ દિવસ સુધી સ્વામીજીના શિષ્ય ગોવિંદ સહાયને ઘેર રોકાયો. ત્યાં એક સાપ્તાહિક સભા શરૂ કર્યા પછી હું દિલ્હીની યાત્રાએ ઉપડ્યો.’

આનાથી સિદ્ધ થાય છે કે સ્વામી અખંડાનંદજી એમના મકાનમાં રહ્યા હતા. પરંતુ સ્વામીજીએ એમના ઘરમાં ક્યારેય નિવાસ કર્યો હોય એવો ઉલ્લેખ મળતો નથી. નિમંત્રણ મળતાં ભોજન વગરે માટે ક્યારેક ક્યારેક એમને ઘરે ગયા હશે ખરા.

રામશાસ્ત્રીનો લેખ

અલવર નિવાસી શ્રી રામશાસ્ત્રીએ લખેલ ‘મત્સ્ય પુરીમાં સ્વામી વિવેકાનંદ’ એ શીર્ષક હેઠળ દિલ્હીની ‘સાપ્તાહિક હિંદુસ્તાન’ પત્રિકામાં ૧૦ ડિસેમ્બર, ૧૮૮૯ના અંકમાં એક લેખ પ્રસિદ્ધ થયો હતો. તેઓ વર્ણવે છે કે મહાભારતકાળની મત્સ્યપુરી જ આજની અલવરનગરી છે. એમના આ શોધપરક લેખમાં આવી મહત્ત્વપૂર્ણ બાબતો આવે છે – ડો. લશ્કરે સ્વામીજીને જે ઓરડામાં ઉતારો આપ્યો હતો તેમાં સ્વામીજીની ધર્મચર્ચા સવારથી માંડીને બપોર સુધી ચાલતી. આ ક્રમ હજુ થોડા દિવસ ચાલુ રહ્યો અને ઓરડો નાનો પડવા માંડ્યો. ડો., મૌલવી, મંગલાંસર રેજિમેન્ટના લાલા ગોવિંદ સહાય એ સમસ્યાનો ઉકેલ શોધવા આગળ આવ્યા. સૌના આગ્રહથી સ્વામી વિવેકાનંદ લાલા ગોવિંદ સહાયના ઘરે ગયા. ત્યાં એમની દિનચર્યા વહેલી સવારથી શરૂ થતી. સવારે નવ વાગ્યે એમની અને આગંતુકો વચ્ચે જીવન અને અધ્યાત્મ પર ચર્ચા શરૂ થતી. સ્વામીજી અહીં આવેલા લોકોના પ્રશ્નોનો વિદ્યુતગતિએ સહજ ઉત્તર આપતા… સાંજે ઇજનેર સાહેબ તથા બીજાની સાથે વાતચીત કરતાં ટહેલતા. રાતના વળી પાછી ધર્મચર્ચા થતી.

એક અન્ય સમાચારપત્ર ‘રાજસ્થાન પત્રિકા’ના ૧૨ જાન્યુઆરી ૨૦૦૪ના અંકમાં પ્રકાશતિ ‘યુવ સંન્યાસીનો મુકામ’ નામના લેખમાં શ્રી ગોવિંદ સહાયના પૌત્ર શ્રીરાજારામ મોહન ગુપ્તાના વક્તવ્યના આધારે દર્શાવ્યું છે કે એમના દાદા અને સ્વામીજીની મુલાકાત તત્કાલીન કંપનીબાગ (હાલના પુરજન વિહાર)માં થઈ અને એમની વચ્ચે ઘનિષ્ઠતા એટલી વધી ગઈ કે સ્વામીજી ૧૮૯૧ અને ૧૮૯૭માં એમ બંને સમયે કુલ મળીને સૌથી વધારે ૧૦ દિવસ સુધી એમના ઘરમાં રહ્યા હતા. આ તથ્યનું કોઈ બીજા અન્ય સ્રોતમાંથી સત્યાપન થતું નથી. એટલે એના પર વિશ્વાસ કરી શકાય નહિ.

હરબક્ષ ફોજદાર

માઉન્ટ આબૂથી સ્વામીજીએ ગોવિંદ સહાયને પોતાના બીજા પત્રમાં હરબક્ષ માટે પણ પ્રાણાયામ સંબંધી કેટલાક નિર્દેશ લખ્યા છે. એ સમયે તેઓ અલવરના જેલ અધીક્ષક તથા હાકિમ જાગીર હતા. એમના નામે વસેલ હરબક્ષ મહોલ્લામાં દીવાન રામચંદ્રની જૂની હવેલી છે. આ હવેલીમાં સ્વામીજીની મંગલસિંહ સાથે મુલાકાત થઈ હતી.

અન્ય પરિચિત

‘રાજસ્થાન પત્રિકા’ના પૂર્વોક્ત લેખ તથા એક અન્ય સમાચાર પત્રમાં પ્રકાશિત શ્રી અનુરાગ વિજયવર્ગીયના એક લેખ પ્રમાણે સ્વામીજી પંસારી બજારના કોઈ મોહન ભોલાના મકાનમાં પણ રહ્યા હતા. સંભવત: આ એ જ મકાન હતું કે જેમાં ડો. ગુરુચરણ લશ્કર વિશે પછીથી કોઈ જાણકારી કે માહિતી મળતી નથી. આબૂથી પોતાના પત્રમાં સ્વામીજીએ બંને કમાંડર સાહેબનો ઉલ્લેખ કર્યો છે, કદાચ એ અંગ્રેજો હશે.

અલવરના પછીના રાજા જયસિંહ

સ્વામી વિવેકાનંદે હિમાલયમાં સ્થાપેલા માયાવતીના અદ્વૈત આશ્રમે ૧૯૨૨માં એક હિંદી માસિક ‘સમન્વય’નું પ્રકાશન શરૂ કર્યું. બે વર્ષ પછી આશ્રમના સંચાલકોએ એક યુવાન સંન્યાસી સ્વામી નિખિલાનંદજીને એના પ્રચાર માટે તથા સહાયતા માટે ધન એકઠું કરવા ભારતના વિભિન્ન પ્રદેશોમાં મોકલ્યા. આ યાત્રા દરમિયાન તેઓ ૧૯૨૪માં અલવર પહોંચ્યા. એ માસિક ‘સમન્વય’ના માર્ચના અંકમાં (પૃ.૧૩૮-૪૦)માં આ પ્રમાણે સૂચના પ્રકાશિત થઈ હતી:

વિવિધ વિષય સ્વામી નિખિલાનંદની યાત્રા

માયાવતી અદ્વૈત આશ્રમ તરફથી સ્વામી નિખિલાનંદજીની યાત્રાની વાત ‘સમન્વય’ના પાઠકો પહેલેથી જ જાણી ગયા. ગ્વાલિયર, ધૌલપુર અને આગ્રા થઈને તેઓ અલવર પધાર્યા. શ્રીમાન મહારાજા સાહેબે એમનું સુયોગ્ય સ્વાગત કર્યું. ‘સમન્વય’ના પ્રચારાર્થે રૂપિયા ૨૦૦૦નું દાન આપીને એમણે પોતાના ઉદાર હૃદયનો પરિચય કરાવ્યો. આ સહાયતા માટે અદ્વૈત આશ્રમના અધ્યક્ષ આપના અત્યંત કૃતજ્ઞ છે. ગુણગ્રાહી મહારાજાના પત્રનો અહીં આપેલો આ અનુવાદ ‘સમન્વય’ના વાચકોને અવશ્ય આનંદ આપશે.

સેવામાં,
સ્વામી નિખિલાનંદજી
રામકૃષ્ણ મિશન (બન્સૂર કેમ્પ)

અલવર રાજપૂતાના,
કેમ્પ બન્સૂર,
ફેબ્રુઆરી, ૨૪

પૂજ્યવર સ્વામીજી,

પ્રણામ.

જે હેતુથી આપ મારા પ્રદેશમાં પધાર્યા છો એનાથી મને સાચી અનુભૂતિ થઈ છે. આ ઉદ્દેશ્ય મહાન છે અને સાથે ને સાથે બધા ભારતપ્રેમીઓની હૃદયપૂર્વકની સહાયતા તેમાં ભળવી જોઈએ.

હું સમજું છું કે આપનો ઉદ્દેશ એક હિંદી સામયિકના પ્રચારાર્થે સહાયતા મેળવવાનો છે. આ સામયિકમાં આપ સ્વામી વિવેકાનંદજીના અપૂર્વ ગ્રંથોનો હિંદી અનુવાદ પ્રકાશિત કરવા ઇચ્છો છો. મહાનુભાવ સ્વામીજીમાં મને કેટલી શ્રદ્ધા છે – એમનો અને એમના ઉપદેશોનો હું કેટલો બધો ઋણી છું – એ હું શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. મને અનેકવાર ઇચ્છા થઈ છે કે એમના અને એમના ગુરુદેવ પરમહંસ રામકૃષ્ણજીના બધા ઉપદેશ, જેમનો અંગ્રેજીમાં જેવો ઉત્કૃષ્ટ સંગ્રહ થયો છે તેવો જ સંગ્રહ આપણી ભાષા હિંદીમાં સામાન્ય જનતા માટે સુલભ બનવો જોઈએ; અને એમાંય જ્યારે હિંદી ઘણી ઝડપથી ભારતની રાષ્ટ્રભાષા બનવા લાગી છે અને મને આશા છે કે એક દિવસ તે રાષ્ટ્રભાષાનું સ્થાન પ્રાપ્ત કરશે.

આપ આ જ ઉદ્દેશથી આવ્યા છો. આ કાર્યમાં મારી સંપૂર્ણ સહાનુભૂતિ છે એમ કહેવાની જરૂર નથી. મારી હાર્દિક અભિલાષા છે કે આપને રાજપૂતાના તથા રાજરજવાડાઓમાં મોકલીને રામકૃષ્ણ મિશનની ઉદ્દેશ્ય પૂર્તિમાં હું મદદગાર નીવડું. સ્વામી વિવેકાનંદ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા હું આપને આ ૨૦૦૦ રૂપિયાની નાની રકમ મોકલું છું. આપ મારા પ્રદેશમાંથી સવિશેષ સહાયતા મેળવશો એવી હું આશા સેવું છું.

એક મહાન ઉદ્દેશ્યની પૂર્તિ માટે આપ નીકળ્યા. તેમાં મારા આ પત્રથી કોઈ વિશેષ સહાયતા મેળવવા આપ એનો ઉપયોગ કરી શકો છો. જો કોઈ સહૃદયી મિત્રમાંથી કોઈ મહાશય એ વાંચીને આપને મદદ કરી શકે તો હું મારા વતી એમનો ઋણી રહીશ.

આપના મહાકાર્યમાં ઉદાર હાથ લંબાવનાર,

સાચો સુભાકાંક્ષી
(સ્વ હસ્તાક્ષરમાં) જયસિંહ

સ્વામીજીના શિષ્યા સ્થાનીય મિત્ર મિસ. જોસેફાઈન મેક્લાઉડ પણ અલવરના મહારાજા જયસિંહ સાથે ઘણો સારો પરિચય ધરાવતાં હતાં. પોતાના ૯ ડિસેમ્બર ૧૯૨૪ના એક પત્રમાં મેક્લાઉડે આમ લખ્યું છે: ‘આજે મેં ફરીથી પત્ર લખીને અલવરના મહારાજાને સ્વામીજીના જન્મદિવસ ઉત્સવ માટે ૧૭ જાન્યુઆરીનું (મઠમાં આવવાનું) નિમંત્રણ મોકલ્યું છે. યુવાન સ્વામી નિખિલાનંદ સાથે જેમને ઘણો સાચો પરિચય છે અને જેમણે સવામીજીના ગ્રંથોને હિંદીમાં પ્રકાશિત કરવા માટે રૂપિયા ૨૦૦૦ આપ્યા છે તેઓ આ વખતે અહીં છે. કેવો મધુર અને તેજસ્વી સ્વભાવ છે એમનો! એવું જણાય છે કે અલવરના મહારાજા માઉન્ટ આબૂમાં એક મોટો મહેલ બનાવે છે અને એને માટે જમીન ખરીદવામાં જ એમણે લાખો રૂપિયા ખર્ચી નાખ્યા છે. હું એમની સાથે પરિચિત થવા ઘણી ઉત્સુક છું, કારણ કે મને લાગે છે કે એમનામાં સ્વામીજીનો અગ્નિ પ્રજ્વલિત થઈ ચૂક્યો છે. એમના પિતાએ જ તો સ્વામીજીને પૂછ્યું હતું: ‘આ બધી મૂર્તિઓ અને પ્રતિમાઓની શી આવશ્યકતા છે? અને સ્વામીજીએ એમના દીવાન તરફ ઉન્મુખ થઈને કહ્યું હતું: ‘મહારાજાના આ ચિત્રને નીચે મૂકો અને એના પર થૂંકો.’ દીવાને કહ્યું: ‘મહારાજની ઉપસ્થિતિમાં ભલા હું આમ કેમ કરી શકું?’ સ્વામીજીના વારંવારના અનુરોધ છતાં દીવાને વારંવાર એમ કરવાનો ઇન્કાર કર્યો એટલે સ્વામીજીએ કહ્યું: ‘આ તો મહારાજા નથી, એ તો કેવળ એનું એક ચિત્ર માત્ર છે, તે સ્વયં નથી.’ ત્યારે મહારાજાને ખ્યાલ આવ્યો કે મૂર્તિ આપણને ઈશ્વરનું સ્મરણ કરાવે છે એટલે તે પૂજ્ય છે.’

(ક્રમશ:)

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.