(ગતાંકથી આગળ)

સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ ભગવાન બુદ્ધ પછી વેદાંતના શ્રેષ્ઠ ઉપદેશક શંકરાચાર્યે સર્વપ્રથમવાર બતાવ્યું હતું કે સત્ય એક તેમજ અનંત છે અને માનવી વિવિધ સાધનાપથો દ્વારા એ સત્યને પામી શકે છે. સ્વામીજીએ કહ્યું છે: ‘વેદાંત ફિલસૂફીના સૌથી મહાન આચાર્ય હતા શંકરાચાર્ય. નક્કર તર્ક દ્વારા તેમણે વેદોમાંથી વેદાંતનાં સત્યો તારવ્યાં, અને તેમના પર તેમણે પોતાનાં ભાષ્યોમાં ઉપદેશેલી જ્ઞાનની અદ્‌ભુત વિચારપદ્ધતિ રચી. બ્રહ્મની વિરોધી લાગતી સઘળી વ્યાખ્યાઓનો તેમણે સમન્વય સાધ્યો અને દર્શાવ્યું કે માત્ર એક જ અનંત સત્ય છે.’ (સ્વા.ગ્રં.મા. ૯ : ૯૭)

સ્વામીજીએ સ્પષ્ટપણે કહ્યું છે કે જ્યારે રાજાઓએ પુરોહિતોના એકાધિકારને ટેકો આપ્યો ત્યારે ભારત ક્ષુદ્ર અને નિર્બળ બન્યું અને મોગલ આક્રમણખોરોનો શિકાર બની ગયું. બૌદ્ધધર્મ સ્વીકારી પછીથી બળવો કરેલ તુર્કોએ બ્રાહ્મણોની આ ઉચ્ચાધિકાર માટેની એક હથ્થુ સત્તાને પોતાના પગતળે કચડી નાખી. આમ હોવા છતાં પણ આ નવવિજય પ્રાપ્ત કરનાર શક્તિ સમગ્ર ભારત પર પોતાનું શાસન સ્થાપી ન શકી અને એમાંય ખાસ કરીને દક્ષિણ ભારતમાં. એટલે જ મોગલ શાસન દરમિયાન પણ દક્ષિણ ભારત હિંદુધર્મની કરોડરજ્જુ સમા વૈદિક શિક્ષણનું મુખ્ય કેન્દ્ર-સ્થાન બની રહ્યું. સ્વામીજી કહે છે : ‘વળી આ દક્ષિણમાં જ પેલા અદ્‌ભુત સાયણાચાર્યનો જન્મ થયો હતો. તેની શક્તિથી મુસલમાનો હાર્યા અને ‘બુક્ક’ રાજા રાજગાદી પર રહ્યો. તેની કુનેહભરી સલાહથી વિદ્યાનગરનું રાજ્ય સ્થિર બન્યું અને તેની જ રાજ્યનીતિને પરિણામે દક્ષિણમાં શાંતિ અને સમૃદ્ધિ આવી. જેની અસામાન્ય પ્રતિભા અને અસાધારણ શ્રમનું પરિણામ સમગ્ર વેદનું ભાષ્ય છે.’ (સ્વા.ગ્રં.મા. ૮ : ૧૪૩)

સ્વામીજીએ કહ્યું હતું કે ભારતના ઇતિહાસની આ કટોકટીના કાળે મહાન ધર્મસુધારકોના સમૂહે ભારતની આધ્યાત્મિકતાની શક્તિને ભાવાત્મક રીતે સંરક્ષી રાખી. તેઓ આ શક્તિની વાત આવા પ્રેરણાત્મક શબ્દોમાં કરે છે: ‘પરંતુ, મનુષ્યજાતિના ઈતિહાસમાં અનન્ય એવી પ્રાણશક્તિ એ પ્રજામાં છે ને, એ, કદાચ, અપ્રતિકારકમાંથી આવે છે. અપ્રતિકાર મોટામાં મોટું બળ છે. નમ્ર્રતા અને સાલસત્તામાં મોટામાં મોટું બળ રહેલું છે. કર્મમાં છે તેના કરતાં ભોગવવામાં વધારે મોટું બળ છે. બીજાને ઈજા પહોંચાડવા કરતાં, પોતાના આવેગોનો સામનો કરવામાં ઘણું વધારે બળ રહેલું છે. એ પ્રજાની બધી કઠિનાઈઓ, બધાં દુર્ભાગ્યો અને ઉત્કર્ષમાં, એમાં જ એ પ્રજાનું ધ્રુવપદ રહ્યું છે. પોતાના પડોશીઓનાં ગળાં કાપવાને સરહદ બહાર કદી ન ગઈ હોય તેવી એ એક જ પ્રજા છે. એ ગૌરવની બાબત છે. જે જાતિ કોઈને ઈજા પહોંચાડવા કદી દેશ બહાર ન ગઈ હોય અને, જેનું એકમાત્ર કાર્ય માનવજાતને પ્રકાશ આપવાનું, વિશુદ્ધ કરવાનું અને બેય આપવાનું રહ્યું છે અને કદી લૂંટવાનું રહ્યું નથી તે, હિંદુ જાતિનો વંશ જ હોવાનું પામતાં હું દેશભક્ત બનું છું.’

‘ભારત એ જ પ્રાચીન ભૂમિ છે કે જ્યાં જ્ઞાન બીજા કોઈ પણ દેશમાં પ્રયાણ કરતાં પહેલાં સ્થિર નિવાસ કરીને રહ્યું હતું; આ એ જ આર્યાવર્ત છે કે જેની આધ્યાત્મિક્તાનું પ્રતિનિધિત્વ જાણે કે સાગર સરખી ધસમસતી સરિતાઓ ભૌતિક ભૂમિકાઓ પર કરી રહી છે; આ એ જ ભારત છે, જ્યાં પુરાતન નગાધિરાજ હિમાલય હિમના થર ઉપર થર ચડાવીને ઊંચો જતો જતો પોતાનાં તુષારમંડિત શિખરો વડે ખુદ આકાશનું રહસ્ય ભેદવાનો જાણે કે પ્રયત્ન કરી રહ્યો છે; આ એ જ ભારતભૂમિ છે, જેની ધરતીને જગતમાં થઈ ગયેલા મહાનમાં મહાન ઋષિઓના પાવનકારી ચરણોનો સ્પર્શ થયેલો છે. માનવીની પ્રકૃતિ વિશેની તેમ જ આંતર જગત વિશેની ખોજ પહેલવહેલી આ ભૂમિમાં થઈ. આત્માના અમરત્વનો સિદ્ધાંત, જગન્નિયંતા તરીકે ઈશ્વરના અસ્તિત્વનો સિદ્ધાંત, પ્રકૃતિમાં તેમ જ મનુષ્યમાં ઈશ્વર વ્યાપી રહેલો છે એવો સિદ્ધાંત સૌ પહેલાં આ ભૂમિમાંથી જ ઊઠયા; ધર્મના અને ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શો તેમના સર્વોચ્ચ શિખરે આ ભૂમિમાં જ પહોંચ્યા. જ્યાંથી આધ્યાત્મિક્તા અને ફિલસૂફીએ વારંવાર ભરતીનાં મોજાંની પેઠે બહાર ધસી જઈને દુનિયાને તરબોળ કરી મૂકી તે ભૂમિ આ છે; અને માનવજાતિની અધ:પતિત પ્રજાઓમાં ચેતના અને જોમ પૂરવા અર્થે આવી ભરતી ફરી એક વાર જ્યાંથી ઊઠવી જોઈએ તે ભૂમિ પણ આ જ છે. આ એ જ ભારતવર્ષ છે, જે સદીઓના આઘાતો, સેંકડો પરદેશી આક્રમણો તેમ જ રીતભાતો અને રિવાજોની સેંકડો ઊથલપાથલો સામે ટક્કર ઝીલીને ઊભો છે. આ એ જ ભૂમિ છે, જે અદમ્ય જોમ અને અવિનાશી જીવન લઈને દુનિયા પરના કોઈ પણ પહાડ કરતાં વધુ મજબૂત થઈને ઊભેલી છે. એનું જીવન આત્મા સરખા જ સ્વભાવનું, અનાદિ, અનંત અને અવિનાશી છે’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૫૯) 

સ્વામીજીએ એ વાતનો પણ નિર્દેશ કર્યો છે કે હિંદુ પ્રજાના સમગ્ર ઇતિહાસમાં ક્યારેય ખંડન કે વિનાશનો પ્રયત્ન થયો નથી, પ્રયત્ન થયા છે મંડનના, સર્જનના. તેઓ આ વિશે કહે છે : 

‘આપણા દેશમાં સંખ્યાબંધ સુધારકો થઈ ગયા છે, જેવા કે – શંકરાચાર્ય, રામાનુજાચાર્ય, મધ્વાચાર્ય અને ચૈતન્યદેવ. આ સઘળા મહાન સુધારકો હતા; તેમનું કાર્ય સદા રચનાત્મક હતું. પોતાના જમાનાના સંજોગો પ્રમાણે તેઓ સુધારણા કરી ગયા.’ (સ્વા.ગ્રં.મા. ૮ : ૩૦)

ઉત્તર ભારતમાં મુસ્લિમ શાસનકાળ દરમિયાન રામાનંદ, કબીર, દાદુ, ચૈતન્ય કે નાનક દ્વારા સ્થપાયેલ ધર્મ સંપ્રદાયોની ફિલસૂફીઓ એકબીજાથી અલગ અલગ હોવા છતાં તેઓ બધા માનવ માનવની એકતામાં માનતા હતા. આમ હોવા છતાં પણ સ્વામીજીની દૃષ્ટિએ આ બધાની શક્તિ ભારતના સામાન્ય જનસમૂહ પરના ઇસ્લામના ઝંઝાવાતી આક્રમણ અને વિજયને ખાળવામાં જ વેડફાઈ ગઈ અને નવી વિચારસરણીને તેમજ નવી આકાંક્ષાઓને ઉદ્‌ભવ આપનારું ઘણું ઓછું કાર્ય કરી શક્યા. શ્રી ચૈતન્યે બંગાળના ધાર્મિક નિરુત્સાહને ખંખેરી નાખ્યો અને તત્કાલીન પૂરતો ભારતના બીજા પ્રદેશોના ધાર્મિક જીવન સાથે સૂરતાલ મેળવવામાં સફળતા મેળવી. ઉત્તરમાં ગુરુગોવિંદ સિંહની સર્જનાત્મક અને ભાવાત્મક પ્રતિભાએ શીખોની રાજકીય એકતા ઊભી કરી દીધી. આમ, વૈદિક ધર્મના પુનર્જીવન માટેના અનેક પ્રયત્નો હોવા છતાં પણ આપણે ભારતીય ઇતિહાસના એક સૌથી વધારે ગાઢ તમસકાળમાં પ્રવેશી ગયા.

ત્યાર પછી વળી પાછો કોલાહલ અને ધમાચકડીનો જમાનો આવ્યો. મિત્રો અને દુશ્મનો, મોગલ સામ્રાજ્ય અને તેના વિનાશકો, અને ત્યાર પછી ફ્રેંચ અને અંગ્રેજ જેવા શાંતિચાહક વિદેશી વેપારીઓ આ બધી લડાઈના બખેડામાં સામેલ થયા અને અંતે ભારતના ઇતિહાસમાં સર્વપ્રથમવાર અંગ્રેજોના ભારત પરના કબજા દ્વારા વૈશ્યવર્ગની સર્વોચ્ચતાએ દર્શન દીધાં. બ્રિટિશ શાસન દરમિયાન આપણી પ્રાચીન વૈદિક સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટે કેટલાંય ધર્મ-આંદોલનો દ્વારા થયેલા અનેક પ્રયાસો વિશે વાત કરતાં સ્વામીજીએ આ બધાંનું તારણ કાઢતાં તેમને ‘મરેલા અને મરતાં લોકોનો અવાજ’ અને તે પણ ‘નવા સંપ્રદાયો માત્ર જીવવાની યાચના જ કરનારા’ કહ્યા છે. સ્વામીજીએ એમ પણ કહ્યું કે એક બાજુએ હિંદુ ધર્મની સામાન્ય જનસમૂહોને કચડી નાખતી રૂઢિજડતા, ભયંકર રૂઢિચુસ્તતા અને બીજી બાજુએ પશ્ચિમના અને વૈદિક કાળના આદર્શોના સંઘર્ષમાંથી જન્મેલ હિંસક સંઘર્ષવાળા સમાજ સુધારકોનું આંદોલન હતું. આ ધર્મ સુધારણાનું આંદોલન યુરોપિયનોના હાથનું પ્યાદું બની ગયું અને એમણે મહાન વૈદિક સંસ્કૃતિનો વિનાશ નોતર્યો.

સ્વામીજીએ સાચી રીતે એ બાબતનો નિર્દેશ કર્યો હતો કે એશિયા અને એમાંય વિશેષ કરીને ભારતમાં જાતિજ્ઞાતિની સમસ્યાઓ, ભાષાઓની સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ, રાષ્ટ્રિય મુસીબતો આ બધાં ધર્મશક્તિની એકતા આગળ ઓગળી ગયાં. એટલે જ આધ્યાત્મિકતાના એક સમાન આદર્શ હેઠળ સૌને એક કરવાનું કાર્ય જ ભારતનું ભાવિ ઘડશે. તેમણે કહ્યું છે : 

‘આપણે જાણીએ છીએ કે ભારતીય માનસને ધાર્મિક આદર્શો કરતાં વધુ ઊંચું બીજું કંઈ નથી. ભારતીય જીવનનો આ મુખ્ય સૂર છે. અર્થાત્‌ આપણે ઓછામાં ઓછા પ્રતિકારની દિશામાં જ કામ કરી શકીએ. ધર્મનો આદર્શ એ સર્વોચ્ચ આદર્શ છે. એ માત્ર સાચું છે એટલું જ નહિ, ભારતની બાબતમાં તો કાર્ય કરવાનો એ એક જ શક્ય ઉપાય છે. પ્રથમ આ આદર્શને મજબૂત બનાવ્યા વિના બીજી કોઈ પણ રીતે કરેલું કાર્ય નિષ્ફળ નીવડવાનું. એટલા માટે, ભાવિ ભારતને ઘડવા અર્થે યુગોના ખડકમાંથી કોરી કાઢવાનું પહેલું પગથિયું આ ધર્મની એકતા છે.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૬૧)

સ્વામીજીએ ભારતના પુનરુત્થાન કે પુનર્જાગરણ માટે આધ્યાત્મિકતાને જ મહત્ત્વની ગણી હતી એવું નથી પરંતુ ભારતને એક વૈશ્વિક જીવનકાર્ય છે અને તે તેણે પૂરું કરવાનું છે. તેમણે કહ્યું છે : ‘તમારે દુનિયાને જે શીખવવાનું છે તે આ આધ્યાત્મિકતા છે. સામેથી આપણે પોતે કંઈ શીખવાનું છે? દુનિયા પાસેથી આપણે કંઈ જાણવાનું છે? હા, કદાચ આપણે થોડુંક ભૌતિક જ્ઞાન મેળવવું પડશે, તંત્ર ચલાવવાની તથા તેને યોજવાની શક્તિ પ્રાપ્ત કરવી પડશે, નાનામાં નાનાં ઉપાદાનોમાંથી સારામાં સારાં પરિણામ આવે એવી રીતે શક્તિનો ઉપયોગ કરવાનું જ્ઞાન મેળવવું પડશે. પરંતુ જો કોઈ માણસ આ ભારતમાં ‘ખાઓ, પીઓ અને મોજ કરો’નો આદર્શ શીખવવા માગે, જો કોઈ માણસ આ ભૌતિક જગતને ખુદ ઈશ્વરમાં ફેરવી નાખવા તૈયાર થાય, તો જાણજો કે એ જૂઠો છે. આ પવિત્ર ભૂમિમાં એને માટે સ્થાન જ નથી, ભારતીય માનસ એને લેશ પણ સાંભળવા માગતું નથી. અરે! પાશ્ચાત્ય સંસ્કૃતિના ચમકારા અને ઝળહળાટ ગમે તેટલા હોય, તેની સફાઈ અને શક્તિનું અતિ અદ્‌ભુત પ્રદર્શન હોય, તે છતાં આ વ્યાસપીઠ ઉપર ઊભો રહી હું તેમને ચોખ્ખું સંભળાવી દઉં છું કે તેમનું એ બધું ધુમાડાના બાચકા જેવું છે, વ્યર્થ છે. કેવળ એક ઈશ્વર જ શાશ્વત છે, કેવળ એક આત્મા જ શાશ્વત છે, કેવળ એક આધ્યાત્મિકતા જ શાશ્વત છે. એને વળગી રહો.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૪૧)

પછી ભારતના રાષ્ટ્રિય આદર્શ વિશે બોલતાં સ્વામીજીએ કહ્યું છે: ‘ત્યાગ એ જ ભારતનું નિશાન છે, એ જ વિશ્વ ઉપર ફરકી રહેલો ભારતનો ધ્વજ છે. મરતી પ્રજાઓને ચેતવણીરૂપે, હરેક પ્રકારના જુલમને ચેતવણીરૂપે, જગતમાંની દુષ્ટતાને ચેતવણીરૂપે, એ જ અવિનાશી ભાવના ભારત વારંવાર મોકલી રહ્યું છે. ઓ હિંદુઓ! એ ધ્વજ પરની તમારી પકડ ઢીલી પડવા દેશો નહિ. એને ઊંચો રાખજો.. પુરાતનકાળમાં ત્યાગભાવનાએ ભારતને જીત્યું છે, અત્યારે પણ તેણે ભારતને જીતવાનું છે; આજે પણ આ ત્યાગનો આદર્શ જ ભારતના આદર્શોમાં મહાનમાં મહાન છે, સર્વશ્રેષ્ઠ છે. આપણી બુદ્ધિની ભૂમિ, રામાનુજની ભૂમિ, રામકૃષ્ણ પરમહંસની ભૂમિ, આ ત્યાગની ભૂમિ, અને જ્યાં આજે પણ સર્વસ્વનો ત્યાગ કરનારા એવા સેંકડો માનવીઓ છે કે જેઓ જીવનમુક્ત થયેલા છે તે ભૂમિ શું પોતાના આદર્શોને છોડી દેશે? હરગિજ નહિ.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૨૦૮-૨૦૯)

આપણા ભારતના પ્રાચીન અને ભવ્ય વૈદિક આદર્શોને મંદ અને ઝાંખા કરી મૂકનાર આધુનિક કાળનાં બૌદ્ધિક અને સામાજિક દૂષણ વિશે પણ તેઓ બોલ્યા છે. તેમણે કહ્યું છે કે છેલ્લાં હજારો વર્ષથી આપણે વેદવિહોણી વાતોથી નિર્બળ બન્યા છીએ. ભારતીયો પોતાના સામાન્ય જીવનમાં પૌરાણિક કે તાંત્રિક જીવન જીવે છે. પુરાણો અને તંત્રોનાં વિચારો અને વાતોએ આપણા સામાન્ય જનસમૂહના મનને વિષમય બનાવી દીધાં છે. એમણે કહ્યું છે કે પુરાણો અને તંત્રોની પૂજા કરવાને બદલે બળદાયી અને વ્યવહારુ વિચારો અને વાતો આપતાં ઉપનિષદોને પૂજવા જોઈએ. તેમણે સિંહગર્જના કરતાં કહ્યું છે: ‘મારા મિત્રો! મારા દેશબાંધવો! હું ઉપનિષદોને જેમ જેમ વધુ વાંચું છું તેમ તેમ મને તમારે માટે વધુ રોવું આવે છે, કારણ કે એ ઉપનિષદોમાં જ વધારેમાં વધારે વહેવારુપણું છે. સામર્થ્ય, આપણે માટે સામર્થ્ય જોઈએ. આપણને જરૂર છે સામર્થ્યની. એ શક્તિ આપણને કોણ આપશે? આપણને દુર્બળ બનાવનાર તો હજારો લોકો છે, અને વાતોનાં વડાં તો હવે બહું થયા. આપણાં દરેક પુરાણને જરાક દાબો એટલે વાર્તાઓના ઢગલેઢગલા નીકળી આવશે; એટલી બધી વાર્તાઓ નીકળશે કે દુનિયા આખીનાં પોણા ભાગનાં પુસ્તકાલયો ભરાઈ જાય. એક રાષ્ટ્ર તરીકે આપણને નબળા પાડે એવી અનેક વસ્તુઓ છેલ્લાં એક હજાર વર્ષથી આપણામાં આવી છે. એવું દેખાય છે કે જાણે એ સમય દરમિયાન આપણા રાષ્ટ્રિય જીવનની નજર સામે એક જ ધ્યેય હતું કે આપણે વધુ ને વધુ નબળા કેમ બનીએ! તે એટલે સુધી કે આપણે સાચેસાચાં અળશિયાં જેવાં થઈ ગયા છીએ, અને જે કોઈ આપણે માથે પગ મૂકવાની હિંમત ધરાવે તે દરેકના પગ ચાટવા જ જીવીએ છીએ. એટલા માટે મારા મિત્રો! તમારા એક સગા ભાઈ તરીકે, જીવન અને મૃત્યુમાં તમારા સાથી તરીકે, હું તમને કહેવા માગું છું કે આપણે જોઈએ છે સામર્થ્ય, સામર્થ્ય અને હર સમય સામર્થ્ય! અને ઉપનિષદો તો સામર્થ્યની મોટી ખાણ છે.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૧૧૬)

સ્વામીજીએ આપણી અનિષ્ટકારી જ્ઞાતિપ્રથા વિશે પણ અંતર્નિરીક્ષણ કરતા વિચારો આપ્યા છે. તેમણે કહ્યું છે કે વર્ણાશ્રમ પદ્ધતિના અધ:પતને ભારતની અવનતિ નોતરી છે અને વંશવારસાગત જ્ઞાતિ કે વર્ણપ્રથા નાબૂદ થવી જોઈએ અને એને બદલે વ્યક્તિગત ગુણસંસ્કારના આધારવાળી મૂળ વર્ણાશ્રમ પદ્ધતિ પાછી લાવવી જોઈએ. જ્ઞાતિ કે વર્ણનો આદર્શ તો માનવોને ધીમે ધીમે અને કુમાશથી આદર્શ આધ્યાત્મિક વ્યક્તિની કક્ષા સુધી દોરી જવાનો છે. આ વર્ણ કે જ્ઞાતિપ્રથાની સમસ્યાઓનો ઉકેલ ઉચ્ચતરને નીચે લાવવામાં નથી પરંતુ નિમ્નતરના વ્યક્તિને ઉચ્ચતર કક્ષા સુધી ઉન્નત કરવામાં એનો સાચો ઉકેલ છે. તેમણે બ્રાહ્મણોને એવી ચેતવણી આપી હતી કે જો તેઓ વૈદિક આદર્શો પ્રમાણે જીવી શકતા ન હોય તો તેમણે બીજાઓનો સ્વીકાર કરવો જોઈએ અને એક નવો આર્યસમાજ રચવો જોઈએ. સ્વામીજીએ એમ પણ કહ્યું હતું કે ભારતીય સમાજમાં જે ધર્મમતો પ્રવર્તી રહ્યા છે તેમાંથી મોટા ભાગનાને હિંદુ શાસ્ત્રોનું ભાગ્યે જ સમર્થન સાંપડે છે; અને દેશના આવા રીતિરિવાજો અને પ્રણાલીઓના ગુણગાન ગાતાં પુસ્તકો ભલે બહાર પડ્યાં હોય પણ એમની પ્રમાણભૂતતા વેદોમાં, સ્મૃતિમાં, અરે! પુરાણોમાં પણ સાંપડતી નથી. સમાજના લોકપ્રિય રીતિરિવાજ કે પ્રણાલીઓનું વેદાંત સાથે ઐક્ય બતાવવું એ વેદોના અર્થ સાથે કરેલા પ્રપંચ જેવું છે. વર્તમાન સનાતન હિંદુધર્મે પોતાની મૂળ ધર્મભાવનાને ગુમાવી દીધી છે અને તે ‘અડશો મા’નો ધર્મ બની ગયો છે. તેમણે ચેતવણીના સૂરે કહ્યું છે: ‘આપણો ધર્મ રસોડામાં જ રસોડામાં જ ગોંધાઈ રહેવાનો ભય ઊભો થયો છે. આપણામાંથી ઘણાખરા નથી રહ્યા વેદાંતી, નથી રહ્યા પૌરાણિકો કે નથી રહ્યા તાંત્રિકો. આપણે રહ્યા છીએ માત્ર ‘અડશો-મા-વાળા’. આપણો ધર્મ છે રસોડામાં, આપણો ઈશ્વર છે રાંધવાનું હાંડલું અને આપણો ધર્મ છે ‘અડશો-મા-મને, હું પવિત્ર છું’ આવું જો બીજા એક સૈકા સુધી ચાલ્યા કર્યું તો આપણામાંનો દરેક જણ પાગલખાનામાં જવાનો. મન જ્યારે જિંદગીની ઉચ્ચ સમસ્યાઓને ગ્રહણ કરી શકતું ન હોય, બધી મૌલિકતા ચાલી ગઈ હોય, મન પોતાનું બધું જોર, પોતાની ચપળતા અને પોતાની વિચાર કરવાની શક્તિ ખોઈ બેઠું હોય, કેવળ જે મળી આવે તે નાનામાં નાના વર્તુળમાં ફર્યા કરવાનો પ્રયાસ કર્યા કરતું હોય, ત્યારે મગજ નબળું પડ્યાનું એ ચોક્કસ ચિહ્‌ન છે એમ જાણવું.’ (સ્વા.ગ્રં.મા. ૪ : ૫૬-૫૭)

(ક્રમશ:)

Total Views: 104

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.