રામકૃષ્ણ મિશનની ૯૬મી સામાન્ય સભામાં રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજનું ઉદ્‌બોધન

રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભા બેલૂર મઠમાં ૧૮ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ બપોરે ૩.૩૦ કલાકે મળી હતી. આ સભાને સંબોધન કરતાં શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે આ શબ્દો ઉચ્ચાર્યા હતા: 

‘સંન્યાસી બંધુઓ અને શ્રીરામકૃષ્ણદેવના ભક્તજનો,

આપણે અહીં રામકૃષ્ણ મિશનની ૯૬મી વાર્ષિક સામાન્ય સભામાં એકઠા થયા છીએ. રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરીનો અહેવાલ આપણી સેવાકીય અને વિવિધ પ્રવૃત્તિઓ, આપણી સિદ્ધિઓ અને આપણે જે પડકારોનો સામનો કરવાનો છે એનો ખ્યાલ આપે છે. જો કે આ મિટિંગ એક વૈધિક ઔપચારિકતા જેવી છે છતાંયે એનું ઘણું મોટું મહત્ત્વ છે.

અહીં આવીને આપણે આપણા સર્વસામાન્ય હેતુ માટેની એકતાની ભાવનાને વધુ પ્રબળ બનાવીએ છીએ. આપણો સર્વસામાન્ય આદર્શ કે હેતુ શ્રીરામકૃષ્ણદેવ છે. પોતાના ગુરુદેવના નામે સ્વામી વિવેકાનંદે આ સંસ્થાનો પ્રારંભ કર્યો હતો. શ્રીરામકૃષ્ણદેવ આ યુગના અવતાર છે અને તેમને અવતાર વરિષ્ઠ રૂપે સૌ કોઈ માને છે. શ્રીરામકૃષ્ણદેવ આ ધરતી પર ચોક્કસ હેતુ, ચોક્કસ જીવનકાર્ય માટે અવતર્યા હતા અને આપણી બધી પ્રવૃત્તિઓ શ્રીઠાકુરના જીવનકાર્યનો એક ભાગ છે. આપણે અહીં શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યેની પૂર્ણ નિષ્ઠા અને ભક્તિભાવને અભિવ્યક્તિ આપવા માટે એકઠા થયા છીએ. તેઓ આપણને સૌને એકતારે બાંધનારું બળ છે. તેઓ આપણા સામર્થ્યનો સ્રોત છે. આ પરમોચ્ચ સત્યને આપણે ક્યારેય વિસારે ન પાડવું જોઈએ.

મૂળ તો સ્વામી વિવેકાનંદે પ્રબોધેલા રામકૃષ્ણ મિશનના આદર્શો માટે આપણી જાતને ફરીથી સમર્પિત કરવા માટે આપણે અહીં એકત્ર થયા છીએ એ એનો બીજો હેતુ છે. સ્વામીજીએ આપણને ‘આત્મનો મોક્ષાર્થં જગત્‌ હિતાય ચ – પોતાની મુક્તિ અને જગત્‌ કલ્યાણ માટે’નો આદર્શ આપ્યો છે. આપણે જે કંઈ પણ વિવિધ સેવાના કાર્યક્રમો હાથ ધરીએ છીએ તે માત્ર સામાજિક સેવાપ્રવૃત્તિઓ નથી. સ્વામીજીએ આપણને સેવાનો નવો આદર્શ આપ્યો છે અને તે છે માનવની શિવભાવે સેવા કે માનવમાં રહેલા પ્રભુની સેવા એ જ પૂજા. આ આદર્શ આપણી બધી પ્રવૃત્તિઓને આધ્યાત્મિકતાના રંગે રંગી દે છે.

રામકૃષ્ણ મિશન અત્યારે વિવિધ સેવાપ્રવૃત્તિઓ કરે છે. આપણું કાર્યક્ષેત્ર ધીમે ધીમે વિસ્તૃત ને વિસ્તૃત થતું જાય છે. જનરલ સેક્રેટરીનો અહેવાલ આપણને નવી પ્રવૃત્તિઓ હાથ ધરવાનું આહ્‌વાન આપે છે. પરંતુ આપણો પ્રાથમિક હેતુ તો ગરીબોની સેવા કરવાનો છે. વાસ્તવિક રીતે આપણા સમાજના ગરીબ જનસમૂહની ઉન્નતિ કરવાના મૂળભૂત હેતુ સાથે રામકૃષ્ણ મિશનનો પ્રારંભ સ્વામીજીએ કર્યો હતો. સ્વામીજીએ કહ્યું છે: ‘ગરીબ, અજ્ઞાની, અભણ, અને પીડિત લોકો આપણા આરાધ્યદેવ બનવા જોઈએ. આવા લોકોની સેવા એ જ સર્વોચ્ચ ધર્મ છે એમ માનજો.’ આપણે જ્યારે આપણી પ્રવૃત્તિઓનું આયોજન કરીએ ત્યારે આ આદર્શને ધ્યાનમાં રાખવો જોઈએ.

રામકૃષ્ણ મિશનનું આ એક અનન્ય લક્ષણ રહ્યું છે કે જે પોતાની બધી પ્રવૃત્તિઓમાં સંઘના સંન્યાસીઓ અને ગૃહસ્થ ભક્તોને સાથ સહકાર આપવા એક સાથે જોડે છે. પરસ્પરના પ્રેમ અને આદરની ભૂમિકા પરનો આ સાથ-સહકારનો ભાવ શ્રીરામકૃષ્ણે પોતે જ આપણને આપ્યો છે. જ્યાં સુધી આપણે એક રહીશું ત્યાં સુધી આપણે મહાન અને મહાન કાર્ય કરી શકીશું; ધરતી પરની કોઈ તાકાત આપણી ઉન્નતિને રોકી શકે નહિ.

પ્રબળ નૈતિક ચારિત્ર્ય, આધ્યાત્મિક સાધનાઓ, ઈશ્વર પ્રત્યેનો પ્રેમભક્તિભાવ, સર્વધર્મ પ્રત્યેનો સમાદર પીડિત માનવબંધુઓની સેવા એ રામકૃષ્ણ મિશનના સભ્યો અને રામકૃષ્ણ સંઘના સંન્યાસીઓ માટેનો મુખ્ય આદર્શ છે. 

આ મૂલ્યોને જાળવી રાખવા માટે અને શક્ય તેટલા પ્રયાસે સૌની સેવા કરવાના આ મહાન કાર્યમાં આપણને સૌને શ્રીઠાકુર, શ્રીમા શારદાદેવી અને સ્વામીજી પૂરતું શાણપણ અને શક્તિ અર્પે તેવી પ્રાર્થના.

૧૯૬૯ થી દર વર્ષે શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા સ્વામી વિવેકાનંદના ૧૪૪મા “જન્મજયંતી મહોત્સવ”ના ઉપલક્ષ્યમાં રાજકોટ શહેરની શાળા/મહાશાળાઓનાં વિદ્યાર્થી ભાઈબહેનો માટે વિવિધ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.

મુખપાઠસ્પર્ધામાં ધો. ૩ થી ૧૦ સુધીના ત્રણ વિભાગના ગુજરાતી, સંસ્કૃત, હિંદી અને અંગ્રેજી ભાષામાં કુલ ૯૭૮ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ૨૩૯ સ્પર્ધકો પારિતોષિકને પાત્ર બન્યા હતા. વક્તૃત્વ સ્પર્ધામાં ધો. ૫ થી કોલેજ સુધીના ત્રણ વિભાગમાં ૨૨૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો અને જેમાંથી ૭૪ પારિતોષિકને પાત્ર બન્યા હતા.

શિઘ્રચિત્ર સ્પર્ધામાં ધો. ૧ થી ૧૨ સુધીના પાંચ વિભાગમાં કુલ ૪૩૩ વિદ્યાર્થી ભાઈબહેનોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧૧૯ ઈનામને પાત્ર બન્યા હતા. નિબંધ સ્પર્ધામાં ધો. ૫ થી ૧૨ સુધીના ત્રણ વિભાગમાં કુલ ૨૯૪ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૭૫ સ્પર્ધકો ઈનામને પાત્ર બન્યા હતા.

નાટ્યસ્પર્ધામાં ૯ શાળાના ૧૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો જેમાંથી ૪ શાળા પારિતોષિકને પાત્ર બની છે. દેશભક્તિસમૂહ ગાન સ્પર્ધામાં ૪૦ શાળાના ૫૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી ૧૨ શાળાઓ પારિતોષિકને પાત્ર બની હતી. આ બધી સ્પર્ધાઓમાં કુલ ૨૫૦૦થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. ૫૦૭ વ્યક્તિગત ઈનામો અને ૧૬ શાળાકીય ઈનામો અપાશે. 

વધુ ને વધુ સંખ્યામાં વિદ્યાર્થી ભાઈબહેનો આ સ્પર્ધામાં ભાગ લેતાં થાય તેવી અમારી નેમ છે. આવતા વર્ષ માટે રાજકોટ શહેરની બધી શાળાઓ – મહાશાળાઓ આ સ્પર્ધામાં રસ લે એવી શિક્ષકો, આચાર્યો અને વાલીઓ – વિદ્યાર્થીઓને વિનંતી.

વિશ્વના સંતો – પયગંબરો – દેવદેવીઓની વેશભૂષા સ્પર્ધા શ્રીરામકૃષ્ણદેવ જન્મજયંતીના દિવસે ૧લી માર્ચ, ૨૦૦૬ બુધવારે સવારે ૭.૦૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ આશ્રમમાં યોજાશે. આ સ્પર્ધામાં સામાન્ય રીતે ૧૫૦ જેટલાં વિદ્યાર્થી ભાઈબહેનો ભાગ લે છે.

Total Views: 36

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.