(ગતાંકથી આગળ)

જયરામવાટીમાં મા મેલેરિયાથી બહુ બીમાર છે. પૂજનીય શરત્‌ મહારાજ, યોગીન મા, ગોલાપ મા ખૂબ આકુળવ્યાકુળ થઈ જઈને કલકત્તાથી રવાના થઈ ગયાં છે. સાથે સેવક-સેવિકા, બે વિશેષજ્ઞ ડોક્ટરો – હોમિયોપેથિક કાંજીલાલ અને એલોપથિક સતીશબાબુ છે. એ બધાં આવી રહ્યાં છે એમ સાંભળતાં જ માના મનમાં ચિંતાનો પાર નહિ. આવા ખરાબ રસ્તે થઈને આવતાં કોણ જાણે એમને કેટલી મુશ્કેલી વેઠવી પડી હશે! પોતાની માંદગીની વાત યાદ જ આવતી નથી. ‘આટલા ભારે શરીરે આટલે દૂર સુધી આવવાનું કોણ જાણે શરત્‌ને કેટલી તકલીફ પડી હશે! યોગેન, ગોલાપ, એ લોકો પણ કેટલી અગવડ વેઠીને આવી રહ્યાં છે!’ એમ બોલતાં બોલતાં વળી પાસે બેઠેલા શિષ્યને પૂછે છે કે ‘હેં ભાઈ, શરતે શું કરવા આટલી મુશ્કેલી વેઠીને આવવું પડે?’ શિષ્યસંતાનોએ અણસમજુ બાલિકાને પટાવતાં હોય તેમ જાતજાતની વાતો કરીને એમને સમજાવવાના પ્રયત્નો કર્યા. જેમ જેમ એ લોકોના આવી પહોંચવાનો સમય પાસે આવતો ગયો તો મા એકદમ અધીરાં થઈ ઊઠ્યાં. ‘વખત તો થઈ ગયો. તડકામાં એ લોકો કેટલી બધી તકલીફ વેઠીને આટલે આઘે ચાલતાં ચાલતાં આવશે!’ એ લોકો વિષ્ણુપુરથી કોઆલપાડા લગી ઘોડાગાડીમાં અને ત્યાંથી પછી જયરામવાટી સુધી ચાલતા આવવાની વાત હતી. એ લોકો બધાં માને ઘરે આવી પહોંચ્યાં. શરત્‌ મહારાજ બહારના ખંડમાં રાહ જોતા બેઠા. યોગીનમા અને ગોલાપમા અંદર જઈને માની પથારી પાસે ઊભાં.

યોગીન માને જોતાં વેંત જ દુ:ખી થઈને મા બોલી ઊઠ્યાં: ‘હેં યોગીન, શું કરવા આટલું કષ્ટ વેઠીને આવ્યાં?’ યોગીનમા પણ આંસુ છલકતી આંખે ગળગળે અવાજે બોલ્યાં: ‘તમને દીઠા વગર મારાથી રહેવાયું નહિ, મા. માંદા પડ્યાં છો એમ સાંભળીને જીવ ઝાલ્યો રહ્યો નહિ, એટલે દોડી આવી.’ દવાદારૂ, પથ્ય, સારવાર અને જતનથી મા થોડા જ વખતમાં સાજાં થઈ ગયાં.

પરસ્પરવિરોધી ભાવનાઓની પ્રતીતિ

કંસના કારાગારમાં વસુદેવ-દેવકીના પુત્રરૂપે ભગવાને જન્મ લીધો. એમની અંગકાંતિ વડે અંધારું જેલખાનું ઝળહળ થઈ ઊઠ્યું. શંખ-ચક્ર-ગદા-પદ્મધારી જ્યોર્તિમય ભુવનમોહન રૂપનાં દર્શન કરીને માતાપિતાનાં જ્ઞાનચક્ષુ ખૂલી ગયાં. બંને જણ દિવ્યચક્ષુએ એ પરાત્પર સર્વજગત્‌ અધિષ્ઠાન શુદ્ધ બ્રહ્મનો પ્રત્યક્ષ અનુભવ કરીને હર્ષિત ચિત્તે એમનું સ્તવન કરવા લાગ્યાં. જેમના સંકલ્પ માત્રથી અખિલ વિશ્વની ઉત્પત્તિ-સ્થિતિ-પ્રલય થાય છે, એ જ અહેતુક કૃપામય સર્વવિઘ્નવિનાશક અભયદાતાને સન્મુખે દેખીને દેવકી હર્ષવિભોર થઈ જઈને પ્રેમપુલકિત નયને અશ્રુધારા વહાવી રહી છે. લીલામય પ્રભુએ પળભરમાં નવજાત શિશુના રૂપે રડવું શરૂ કર્યું અને તેવી જ દેવકી બધુંયે ભૂલી જઈને બાલુડાને છાતીએ વળગાડીને ધવરાવવા લાગી. જનની નાનકડા બાળને સ્તનપાન કરાવી રહી છે અને એના પ્રાણ ભયથી કાંપી રહ્યા છે કે રખેને પાછા ચોકીદારો રડવાનો અવાજ સાંભળીને જાણી જશે તો દુષ્ટ કંસને ખબર પહોંચાડી દેશે અને એ હત્યારો તરત આવીને એના પ્રાણપ્યારાને છીનવી લઈને મારી નાખશે. માના પ્રાણ ભયથી ફફડી રહ્યા છે કે કેમ કરીને એના અસહાય બાળકની રક્ષા કરે.

યોગીન મા, ગોલાપ મા વગેરે માની અંતરંગ, એકાંત, આશ્રિત ભક્તોની પણ એવી જ અવસ્થા હતી. માની નિર્વિકલ્પ સમાધિ, દેહાત્મબુદ્ધિનો વિલોપ, ભાવાતીત ભાવમાં અવસ્થાન, અને ઇન્દ્રિયાતીત ભૂમિ ઉપરથી નીચે ઊતરી આવે ત્યારે પોતાનો પંચભૌતિક દેહ જડે નહિ એવી સ્થિતિ, ઉચ્ચભાવભૂમિ ઉપર રહેતી વખતે દિવ્ય પ્રકાશથી દેહમનનાં પરિવર્તન, અલૌકિક રૂપ અને ભાવવિકાસ! તદુપરાંત જગજ્જનનીએ શરણાગત સંતાનને સ્નેહામૃતનું પાન કરાવીને એના પ્રાણ શીતળ કરવા, મનના સર્વ સંશયો, સંદેહોનું ભંજન કરનારી વેદવાણી સાંભળીને અભય પ્રદાન કરવું – એ બધું દેખી સાંભળીને વખતોવખત એ લોકો વિસ્મિત, સ્તંભિત થઈ જતા, ક્યારેક અત્યંત પુલકિત અને આનંદિત બની ઊઠતા. તો વળી બીજી બાજુ માની બીમારીના ખબર સાંભળીને, રહેવાખાવાની તકલીફ જાણીને, બગડેલી તબિયત અને શરીરનાં દુ:ખકષ્ટ જોઈને અતિશય ચિંતિત, શંક્તિ અને દુ:ખિત થઈ ઊઠતાં, તડફડતાં. ત્યારે એમનાં માતૃહૃદય મા-રૂપી બેટીના દુ:ખે ફફડાટ સ્વભાવ છે કે મોટાને નાનું કરીને જુએ. ઉચ્ચકોટિના ભક્તો રાગાનુગામાર્ગે આગળ વધીને જે ઉજ્જવળ અપાર્થિવ ભગવદાનંદનું રસાસ્વાદન કરે તેમાં સુખ અને દુ:ખ બંને અતિશય તીવ્ર અને તીક્ષ્ણ થઈને પરસ્પરને પુષ્ટ કરતાં રહે. પ્રેમભક્તિ કેવી છે? – ‘તપ્ત ઈક્ષુચર્વણ, મુખ જલે, ના જાય ત્યજન’ – ગરમ ગરમ શેરડી ચૂસવા સરખી છે, મોઢું તો બળી જાય છે પણ છોડતી યે નથી. અંતરાત્મા ભગવાનનું સ્ફુરણ અને અનુભવ જ અલૌકિક સુખદુ:ખ અથવા દુ:ખસુખનાં મુખ્ય વિષય-આશ્રય અથવા આશ્રય-વિષય છે.

તેથી આ દુ:ખની ભીતરમાં પણ ગભીર આનંદરસ જ વહેતો રહે છે અને પ્રેમિક ભક્તોનાં હૃદયમાં મધુર-વાત્સલ્ય આદિ ભાવોને આશ્રયે આ રસાસ્વાદનની સ્પૃહા પણ વરતાય છે. વિરહમાં, અદર્શનમાં, દેહનાં દુ:ખકલેશ જોઈને રસની વધુ સ્ફુર્તિ થાય છે. ‘પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને; માહીં પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને.’

રોગરાઈમાં માનો બાલિકાભાવ અધિક પ્રગટ થઈ આવતો- બધાંય માણસોને મંદવાડ આવે ત્યારે, દુ:ખકષ્ટ પડે એટલે બીજાંની મદદની આશા થાય, હૈયું નરમ પડી જાય. માનાં હૃદયની નરમાશ તો બધે ય વખતે બધી ય અવસ્થામાં જોવામાં આવતી પણ તે છતાં એમાં દુર્બળતા કે નબળાઈ કદી પણ દેખાતી નહિ. એ નરમાશ, શિશુના સ્વાભાવિક અધિકાર સમી, લાડ માત્ર જેવી અત્યંત સહજ, સરળ અને સુંદર લાગતી. જાણે કે કોમળ હૃદયવાળી નાનકડી દીકરી મા બાપનાં હેત મમતાનું આસ્વાદન કરતી હોય તેમ. આ વેળાએ માની માંદગી ઘણી ઘણી મટવા આવી છે, તાવ આવતો અટકી ગયો છે પણ તો યે હજી પણ નબળાઈ બહુ છે – પથારીવશ છે. કોયાલપાડાના કેદારનાં મા ઘણુંખરું આવીને જોઈ જાય છે.

(ક્રમશ:)

Total Views: 46

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.