સરલાબાલા સરકારના મૂળ બંગાળી પુસ્તક ‘નિવેદિતાકે જેમોન દેખીછી’ નો બ્રહ્મચારી અમર ચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતા કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.- સં.

ભગિની નિવેદિતા હવે રહ્યાં નથી. તેમને વિશે થોડા શબ્દો આજે લખવાનો પ્રયત્ન કરું છું અને આંખોનાં આંસુંની કાલિમાથી એ ન લખાય તો પૂર્ણ ન થઈ શકે. તેઓ આપણા સૌના આત્મજન જ હતાં. એમણે પોતાનાં દેહમનપ્રાણ ભારતને અર્પણ કરી દીધાં હતાં; આ દેશ માટે તેમણે ખરેખર પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું. જેમ જેમ દિવસો પસાર થતા જાય છે તેમ તેમ આ અનુભૂતિ વધુ ને વધુ પ્રત્યક્ષ થતી જાય છે. આવા વિરલ રત્નને પોતાની માતૃભૂમિ માટે નૈવેદ્યાર્પણ રૂપે અહીં લાવવા માટે સ્વામી વિવેકાનંદ ખરેખર ધન્ય છે.

ભગિની નિવેદિતા અને ભારત વચ્ચેનું એ અનન્ય બંધન ખરેખર ઘણું અજબનું હતું. સમૃદ્ધિથી છલકાતા અને ખૂબ જ સુસંસ્કૃત સમાજવાળા ઈંગ્લેન્ડમાં સુવ્યવસ્થિત રીતે જીવન જીવીને તેઓ ભારતમાં આવ્યાં અને આપત્તિઓથી સતત ઘેરાયેલા રહેતા આ દેશમાં નિર્બાધ્ય રીતે ગરીબીભર્યું જીવન જીવ્યાં. એમણે સુખસુવિધા અને ઉજ્જ્વળભાવિવાળા તેમજ પૂર્ણ માનસન્માન ગૌરવવાળા ત્યાં જીવેલા પોતાના જીવન અને અહીં ભારતમાં દુ:ખદદભર્યા, નજરે ન ચડે તેવા અને અવારનવાર નિંદા ને તિરસ્કાર પામતા જીવેલા જીવન વચ્ચેનો વિરોધાભાસ પણ કેવો હતો! ક્યાં પોતાના સ્વજનગૃહપરિવાર સાથેનો સુખમય આશ્રયવાસ અને ક્યાં આ અતિદૂર દેશમાં એક નિતાંત ભિન્ન આચારવિચારવાળા, ભિન્ન ભાષાવાળા, વિદેશી લોકો સાથેનું ધનવાન-નિર્ધન તેમજ જાતિવર્ણના ભેદભાવને ભૂલીને ઘનિષ્ઠ આત્મીયતાના સંસ્પર્શવાળું જીવન! ક્યાં નગાધિરાજ હિમાલય અને ક્યાં સાગર તરફ વહેતી જતી સ્રોતસ્વતી ગંગા! કોઈ અગમ્ય શક્તિથી પરિચાલિત થઈને ભગિની નિવેદિતાના જીવનની ગતિ જે રીતે પરિવર્તિત થઈ છે, તે જોઈને આપણને ચોક્કસપણે આશ્ચર્ય થવાનું. ભગિની નિવેદિતાએ પોતાના પુસ્તક ‘The Master As I Saw Him’ નામના પુસ્તકમાં લખ્યું છે: ‘સ્વામી વિવેકાનંદ સાથેની મુલાકાત અને એમના સુપરિચય જ આ જીવનગતિના પરિવર્તનનું મુખ્ય કારણ છે.’

૧૮૯૫માં જ્યારે સ્વામી વિવેકાનંદ વેદાંતના સંદેશનો ઉપદેશ આપવા ઈંગ્લેન્ડ ગયા ત્યારે ભગિની નિવેદિતાએ ભારતીય ધર્મ અને તત્ત્વદર્શનના વિચારોમાં રસરુચિ કેળવ્યાં અને એમનાં પ્રત્યે તેઓ આકર્ષાયાં. પોતાના નિયમ પ્રમાણે સ્વામીજી પહેલાં વેદાંત વિશે વ્યાખ્યાન આપતા અને પછી શ્રોતાજનોના પ્રશ્નોના ઉત્તર આપતા. સ્વામીજીના આ વ્યાખ્યાન અને ત્યાં ઉપસ્થિત શ્રોતાજનોને પૂરેપૂરો સંતોષ થાય તે રીતે તેમના પ્રશ્નોના ઉત્તર સાંભળીને, પશ્ચિમના તત્કાલીન તત્ત્વદર્શન અને તેમની ધર્મસાધનાપદ્ધતિઓ તથા ભારતીય તત્ત્વદર્શન તેમજ ધર્મસાધના વિશેની તુલનાત્મક મીમાંસા કરવાનો ભગિની નિવેદિતાના મનમાં પ્રથમવાર વિચાર પ્રગટ્યો. એ વખતે વેદાંતદર્શનના ભાવવિચારોને સંપૂર્ણપણે તેઓ પોતાના હૃદયમનમાં ઉતારી શક્યા ન હતા. આમ છતાં પણ તેઓ આટલું સમજી શક્યા હતા કે તત્કાલીન યુરોપની સભ્યતા, ધર્મ પ્રચાર, પરોપકારનાં કાર્યો અને સમાજના મૂળમાં આધ્યાત્મિકતા થોડીઘણી માત્રામાં હોવા છતાં પણ તેમાં મહદંશે ભોગસુખલાલસાવાળો ભૌતિકભાવ જ પ્રધાનપણે રહેલો છે. સાચી આધ્યાત્મિકતા તો આ દુન્યવી જીવનથી ઘણી ઘણી દૂર હતી.

Total Views: 45

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.