(ફેબ્રુઆરી ૦૬ થી આગળ)

જો કોઈ સર્વ કલ્યાણના કે દીનહીન દુ:ખી લોકોના ભલા માટે થતા કાર્યમાં સ્વાર્થભાવના કે સ્થાપિત હિત રહેલાં હોય તો એ કાર્ય ઉજ્જ્ડ અને ફળવિહોણા વૃક્ષ જેવું છે. ભગિની નિવેદિતાએ સ્વામીજીના વાર્તાલાપો અને ધર્મચર્ચાઓમાંથી આ સત્યને અનુભવ્યું અને એના મનમાં આ આદર્શે ઊંડાં મૂળિયાં નાખી દીધાં. આ રીતે સ્વામીજીની વાણીને વારંવાર સાંભળીને તેમજ એને સતતપણે પોતાના વિચારો પર વાળી દઈને ભગિની નિવેદિતાનું હૃદય ક્રમશ: પરિવર્તન પામતું રહ્યું. એની સાથે જ સ્વામીજી માટે એના હૃદયમાં ઊંડી પૂજ્યભાવના પણ ઉદ્‌ભવી.

ભગિની નિવેદિતા માત્ર ઉચ્ચ કેળવણી મેળવનારા નારી ન હતાં, પરંતુ તેઓ અસાધારણ બુદ્ધિશાળી પણ હતાં. એમને માનવીના ચારિત્ર્ય અને વ્યક્તિત્વની જે ઊંડી સમજણ હતી એવી ઊંડી સમજણ બહુ અલ્પ વ્યક્તિઓમાં હોય છે. સ્વામીજીને વધુ નિકટતાથી જાણતી વખતે તેમને એ પણ ખ્યાલ આવી ગયો કે સ્વામીજી પોતાની અધ્યયનશીલતાની ગુણવત્તા, દર્શનશાસ્ત્ર પરના પૂર્ણ પ્રભુત્વ અને વ્યક્તિત્વની પ્રતિભાશીલતા ધરાવતા માનવ તો હતા જ; પરંતુ સાથે ને સાથે એમની અટલ હિંમત અને સત્ય પ્રત્યેની અચલ સંલગ્નતામાંથી એમના વ્યક્તિત્વની પ્રૌજ્જ્વલતા ઉદ્‌ભવી હતી. તેમણે એ પણ જોયું કે સ્વામીજીએ પોતાના મનથી જેને સત્ય સમજીને સ્વીકાર્યું હોય અને એનો સમગ્ર લોકમાં પ્રચાર-પ્રસાર કર્યો હોય એ જ સત્ય એમને જો આવતીકાલે અસત્ય કે ભ્રમ જેવું લાગે તો રજમાત્ર પણ અચકાયા વિના અને સ્વેચ્છાએ તત્કાળ તેનો પરિત્યાગ કરી શકતા. એનું કારણ એ છે કે તેઓ સત્યાનુરાગી અને વીરપુરુષ હતા. તેમણે ત્યાગના મંત્રને જીવનમાં ગ્રહણ કરીને પોતાની જાતને એટલી બધી વિસર્જિત કરી દીધી કે માન-યશ જેવી કોઈ આશા-આકાંક્ષા એમણે રાખી ન હતી. એવી પ્રતિષ્ઠા તો ક્ષુદ્ર વાત હતી પણ યોગીજનોની આજીવન સાધનાના ફળ સ્વરૂપે મળતી મુક્તિ કે નિર્વાણલાભની પણ સ્વામીજીએ કામના રાખી ન હતી.

કામનાશૂન્ય સંપૂર્ણ આત્મત્યાગી પુરુષના પક્ષે અનંત શૂન્યતા એ જ એક માત્ર આશ્ચર્યસ્થળ છે શું? ના, આવું ક્યારેય ન સંભવી શકે. નિવેદિતા આ વાત બરાબર સમજ્યાં હતાં અને એટલે જ સ્વામીજી વિશે આ વાત લખી ગયાં છે : ‘તેઓ એક માત્ર ત્યાગી-સંન્યાસી જ ન હતા. માતૃભૂમિ પ્રત્યેનો એમનો પ્રેમ અતુલનીય છે. માતૃભૂમિનું જે રીતે યથાર્થ કલ્યાણ થાય તે માટે તેઓ સંન્યાસીની કામનાનો મોક્ષમાર્ગમાંથી પણ ચલિત થઈને એ સંન્યાસીપણાના નિયમોને એક કોરાણે મૂકીને એવા કલ્યાણ કાર્ય માટે તત્પર રહેતા.’ આ વાત માત્ર ભારત વર્ષ પૂરતી જ ન હતી. પરંતુ વિશ્વના અન્ય દેશોમાં દુ:ખીપીડિત, ભૂખ્યાદુ:ખ્યા, નિર્બળ લોકો માટે પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરી દેવા તૈયાર રહેતા. તેમણે પોતાની ઓજસ્વીવાણીમાં સર્વત્ર રહેલા બધા સમાજને આવી ઉદ્‌ઘોષણા કરી હતી: 

‘જેઓ પોતાના સર્વસ્વનો ત્યાગ કરીને, એક પરિવ્રાજક રૂપે રસ્તા પર નીકળી જવાની અને ઈશ્વર સિવાય એમની પાસે બીજું કંઈ નથી એમ કહેવાની હિંમત કરનાર વિશેક સ્ત્રીપુરુષોની આજે વિશ્વને જરૂર છે. કોણ આમ કરવા તૈયાર થશે? ભગવાનના નામે આવો સર્વત્યાગ કરવામાં શા માટે ડરવાની જરૂર છે? ઈશ્વર છે અને એને મેળવી શકાય છે એ વાત જો ખરેખર સાચી હોય તો પછી બીજાની શી જરૂર છે? અને જો આ વાત સત્ય ન હોય તો આપણા જીવનનું પણ શું મહત્ત્વ છે?’

સ્વામીજીના સ્નિગ્ધ, ગંભીર, નિર્ઘોષ ઉપર્યુક્ત આહ્‌વાને નિવેદિતાના આત્મામાં ઊંડો પડઘો પાડ્યો અને એમની સમક્ષ સત્યને પ્રગટ કર્યું. જાણે કે કોઈ એમને એક અપૂર્વ ધર્મ શ્રદ્ધા તરફ ખેંચી રહ્યું છે એવા પ્રબળ આકર્ષણનો પોતાના મનમાં અનુભવી રહ્યાં હતાં. સ્વામીજીએ આગળ કહ્યું છે : ‘પ્રેમના સર્વગ્રાહી અગ્નિમાં નિરંતર બળતા અને નિ:સ્વાર્થ પ્રેમવાળા જીવન જીવતા લોકોની વિશ્વને તાતી જરૂર છે. આ પ્રેમ એમના પ્રત્યેક શબ્દને વજ્રપ્રપાત જેવા અમોઘ બનાવી દેશે. જાગો, જાગો, હે મહાપ્રાણ! પૃથ્વી દુ:ખથી બળીઝળી રહી છે. તમે સુખેથી ઊંઘી શકો ખરા?’

સ્વામી વિવેકાનંદના આ ઉદ્‌ગારો નિવેદિતાના જીવનમાં પણ સાકાર બન્યા. ધન-માન-સંપત્તિ, ઘર-પરિવાર વગેરેનો પરિત્યાગ કરીને તેમણે ઈશ્વરની જ શરણાગતિ સાધી અને જગતના કલ્યાણપથે તેઓ નીકળી પડ્યા. ખરેખર એમનું જીવન પોતાની જાતને સર્વ કલ્યાણ માટે વિસારે પાડી દેતી અને જ્વલંત પ્રેમના દૃષ્ટાંત જેવું બની ગયું હતું.

‘નિવેદિતા’ એવું એમનું નામ પણ એટલું જ સાર્થક હતું, નિવદિતા એટલે સર્વસમર્પિતા. એમણે પ્રભુના ચરણે પોતાના જીવનનું સર્વસ્વ અર્પણ કરી દીધું હતું. અભિમાનની આડશમાં પોતાનું કહેવાય એવું લેશમાત્ર પણ એમણે પોતાની પાસે રાખ્યું ન હતું. એમનું નામ જ એમનું પરિચાયક છે, એમના નામ સિવાય બીજા કોઈ પરિચયની આવશ્યકતા નથી. 

બોઝપાડા લેઈનમાં એક નાનકડા ઘરમાં ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીન સાથે રહ્યાં હતાં અને ત્યાં જ એમણે કન્યાશાળા શરૂ કરી હતી. સામાન્ય રીતે આપણે જેને શાળા ગણીએ છીએ એવી આ શાળા ન હતી. સ્વામી વિવેકાનંદે બ્રહ્મચારિણીઓ માટે મઠની પ્રતિષ્ઠા કરવાનો સંકલ્પ કર્યો હતો. સ્વામીજીનો એ સંકલ્પ ભગિની નિવેદિતાએ શરૂ કરેલી આ શાળા દ્વારા સાકાર થતો હતો. આ જ મહાકાર્ય માટે એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું હતું અને જીવનના છેલ્લા શ્વાસ સુધી તેઓ સમર્પિત જ રહ્યાં. જરા એનો વિચાર તો કરી જુઓ! જેમને માટે દુનિયાનું કોઈ ભગીરથકાર્ય અશક્ય ન હતું એવાં નિરપવાદ ચારિત્ર્યનાં કરિશ્મા અને શક્તિ ધરાવતાં ભગિની નિવેદિતા જેવાં નારી દ્વારા બોઝપાડા લેઈનના નાનકડા મકાનમાં નાની સ્કૂલ ચાલતી હતી. આ વિચાર પણ આશ્ચર્ય સાથે પ્રેરક બને તેવો છે.

પહેલી નજરે તો આવી નાની કન્યાશાળા માટે નિવેદિતાએ પોતાનું સમગ્ર જીવન અર્પણ કરી દેવું એ માનવમાં ન આવે તેવી વાત છે. કેટલાકને મન તો આ કાર્ય એમના જીવનની અમૂલ્ય શક્તિઓને વેડફી નાખવા જેવું કે બીનજરૂરી આત્મબલિદાન જેવું પણ લાગે. એટલે જો આપણે ખરેખર નિવેદિતાને સમજવા માગતા હોઈએ તો અને એમણે જે કાર્યને આટલું અત્યંત મહત્ત્વ આપ્યું તેની કદરદાની કરવા માગતા હોય તો ભારતીય સમાજનું નવજાગરણ કરવા માટેનાં સાધનોની તેમની સંકલ્પનાઓને સમજવી સર્વપ્રથમ આવશ્યક ગણાશે. વિશ્વમાં સાચો ધર્મ એ જ છે કે જે માનવના સાચા સ્વરૂપની પૂર્ણતાની અનુભૂતિ કરાવે. શિક્ષણનો હેતુ ભીતર છુપાયેલી આ દિવ્ય માનવતાને જાગ્રત કરવાનો છે. એની શિક્ષણ પ્રણાલીઓ કાળ-સમય અને હેતુ પ્રમાણે બદલતી રહે છે. ભારત તત્કાલીન સમયે જે પરિસ્થિતિમાં હતું તેમાં શિક્ષણપ્રણાલીની ઇચ્છનીય રીતિની વાત અને ચર્ચા ભગિની નિવેદિતાએ લખેલા ‘ધ વેબ ઓફ ઇન્ડિયન લાઈફ’ અને ‘ધ માસ્ટર એઝ આઈ સો હિમ’માં જોવા મળે છે.

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.