પાશ્ચાત્ય સંસ્કૃતિએ જ્યારે ભારતમાં પ્રથમ પગરણ માંડ્યા અને નારીશિક્ષણ માટે પ્રયાસ શરૂ થયો ત્યારે સમાજે એનો ઘોર વિરોધ કર્યો હતો. એ વખતે અનેક લોકો એમ માનતા હતા કે પશ્ચિમની કેળવણીનું અનુકરણ કરીને ભારતીય નારીઓ પોતાની મૌલિક અને આવશ્યક ગુણવત્તાઓ ગુમાવી બેસશે. આ ગુણવત્તાઓથી ભારતની નારી પશ્ચિમની નારીથી જુદી તરી આવે છે. પાશ્ચાત્ય શિક્ષણ અને સભ્યતાના પ્રબળ પૂરપ્રવાહમાં આપણો તત્કાલીન યુવસમાજ એમાં તણાતો હતો પણ સાથે ને સાથે એ શિક્ષણ અને સભ્યતાનો મોહક પ્રભાવ ભારતવર્ષના અંત:પુરમાં એટલા પ્રમાણમાં વિસ્તૃત થઈ ન શક્યો. આનું કારણ સમાજે કરેલ પાશ્ચાત્ય શિક્ષણનો ઘોર વિરોધ પણ હોઈ શકે.

આપણી પ્રાચીન નારીઓએ ભારતની નારીઓને પતિ, પુત્ર, આત્મીય, સ્વજન, પાડોશી, પરિચિત- સૌનાં કલ્યાણ માટે પોતાના દેહભાનને પણ ભૂલી જનારી, નિયત પરિશ્રમ પરાયણ, આપણા પૂર્વજોનાં ઉચ્ચજીવનની સ્મૃતિને નજરસમક્ષ રાખનારી અને આ બધાંને એક શુષ્ક બકુલમાળાની સૌરભની જેમ ભારતના અંત:પુરમાં સંરક્ષિત રાખનારી બનાવી હતી. પરંતુ આ નારીઓની બધી પ્રવૃત્તિઓ પોતાના ઘરમાં જ સીમિત રહેતી. નવશિક્ષણના પ્રબળ વાયુ પ્રવાહથી પણ આ પરિસ્થિતિ બદલી નહિ. ભગિની નિવેદિતા ભલે પશ્ચિમના દૂરના દેશમાંથી ભારતમાં આવ્યા હોય તો પણ ઉપર્યુક્ત શુષ્ક બકુલમાળાની સૌરભ જેવી સુગંધથી તેઓ આકષાર્યાં હતાં. 

નારી સમાજની જનેતા છે. જેમ એક દીપથી બીજો દીપ પ્રજ્વલિત કરી શકાય એ જ રીતે માના જીવનના પ્રેમપ્રકાશથી સંતાનનો જીવનદીપ પ્રજ્વલિત થાય છે. માતૃહૃદયની કોમળતા અને દયાદાક્ષિણ્ય જેવા ગુણ-સમૂહના આદર્શથી શિશુહૃદયમાં બીજા માટે આત્મત્યાગ કરવાની ભાવનાનો ઉદય થાય છે. નિવેદિતાએ પોતાના પુસ્તકમાં લખ્યું છે : ‘બધા દેશોમાં નારી જ નીતિ અને સદાચારના આદર્શનું રક્ષણ કરે છે. બાળપણથી જ માતા પાસેથી પરોપકાર જેવાં સત્‌કાર્યોની પ્રશંસા સાંભળીને હૃદયમનમાં એ વિશે પ્રેમભાવ કે આદરભાવ ન ઉદ્‌ભવ્યા હોય તો એ યુવક એક અનાથ અસહાય શબને શ્મશાન ઘાટે લઈ જવા માટે વ્યાકુળ ન બનત. જો સ્ત્રી પોતાના પતિના સુખ માટે પ્રાણાર્પણ ન કરતી હોત, તેમજ એમના ચારિત્ર્યના ગુણસમૂહને યાદ કરીને સુખ-શાંતિ ન અનુભવતી હોત તો સમાજના કેટલા પુરુષ સદ્‌ભાવપૂર્વક પોતાનું જીવન જીવવા પ્રયત્નશીલ થઈ શકત? આવું દરેક દેશમાં જોવા મળે છે કે નારીઓ દરેકેદરેક ઉચ્ચ આદર્શને કાર્યમાં પરિવર્તિત કરવા માટે પોતાના જીવનનું સર્વસ્વ સમર્પણ કરતી રહી છે. 

નારી કુટુંબજીવનને ઉન્નતમાર્ગે લઈ જનારી અને સ્થાપિકા છે. રક્તધારામાં પ્રવાહિત વંશવારસાગત બધા મહદ્‌ભાવો ભારતની આજની નારીઓમાં એક સ્વભાવગત બની ગયાં છે અને આરક્ષણ પામ્યાં છે. સ્વામી વિવેકાનંદ આ બધા ભાવોને શિક્ષણ અને સંસ્કાર દ્વારા એક નવભાવે સમુજ્જ્વલ કરવા ઇચ્છતા હતા. સ્વામીજીની આ ઇચ્છાને અનુસરીને ભગિની નિવેદિતાએ આ વિદ્યાલયના કાર્ય માટે પોતાનું જીવન અર્પણ કરી દીધું હતું. જો કે એમની વ્યાપ્તિ નાની હતી છતાં પણ તેઓ એ વાતથી પૂરેપૂરા જ્ઞાત હતાં કે એક મહાગ્નિ પ્રગટાવવા માટે પુષ્કળ પ્રમાણમાં ઈંધણની આવશ્યકતા નથી. કોઈ પણ વ્યક્તિ સામાન્ય અને ઓછા ઈંધણથી કાળજીપૂર્વકના પ્રયત્નથી નાનો અગ્નિ પ્રગટાવી શકે અને તે અગ્નિ કાળક્રમે સર્વત્ર વ્યાપી જાય છે. એમને એવી દૃઢ આત્મશ્રદ્ધા હતી કે આ શાળામાંથી એક વખત ફરીથી ભારતની ગાર્ગી અને મૈત્રેયી જેવી વિદૂષી નારીઓ ઉદ્‌ભવશે.

આ શાળાની વિદ્યાર્થિનીઓમાં નાની બાળાઓ, નવયુવાન પરિણિત નારીઓ, ગૃહિણીઓ અને વિધવાઓ પણ હતી. જે કોઈ એમની મનગમતી રીતે શીખવા કે અભ્યાસ કરવા ઇચ્છતી હોય તેને પોતાની ઇચ્છા પ્રમાણે ભણવાની સગવડતા કરી દેવામાં આવતી. ભાષાઓ, ગણિત, હસ્તકૌશલ્ય, સીવણ, ચિત્રકામ, ચિત્રકલા, આ બધું શીખવવામાં આવતું. નાની વિદ્યાર્થિનીઓને અવારનવાર મોટી વિદ્યાર્થિનીઓ શીખવતી. આવી ત્રણ-ચાર વરિષ્ઠ વિદ્યાર્થિનીઓ બાળવિધવાઓ હતી અને તેમણે પોતાનું જીવન શાળામાં અર્પણ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમણે ક્યારેય ન પરણવાનું વ્રત લીધું હતું તેવાં સુધીરાદેવી મોટી ઉંમરની વિદ્યાર્થિનીઓને શીખવતાં. સાથે ને સાથે સમગ્ર શાળાના વહિવટનો કાર્યભાર પણ સંભાળતાં. તેમણે આ જવાબદારી પોતાની ઇચ્છાથી જ સ્વીકારી હતી અને તેઓ મહેનતાણા રૂપે એક પૈસો પણ ન લેતાં. આવા ઉત્કૃષ્ટ ગુણવત્તાવાળા અને ધર્મભાવનાવાળા માનવો વિરલ હોય છે. જેમ એક માતા પોતાના સંતાન કાજે અથક મથામણ કરે છે તેવી જ રીતે સુધીરા દેવી પણ શાળાની વિદ્યાર્થિનીઓના કલ્યાણ માટે પોતાનાથી બનતું બધું કરી છૂટતાં. એના બદલામાં વિદ્યાર્થિનીઓ એમને નિર્વ્યાજ અને નિર્મળભાવે ચાહતી. દરેક રીતે દિલથી એમની ઇચ્છાઓને અધીન થતી. આ શાળાના સંચાલનમાં સુધીરાદેવી ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીનના જમણા હાથ બનીને સેવા કરતાં.

શાળાનું મકાન પણ મોટું ન હતું. ઉપલા મજલાના ઓરડાઓ નાના હતા અને એમની છત નીચી હતી. તેથી ઉનાળાના બપોર અને બપોર પછીના સમયે એ અસહ્ય તાપે તપી જતી. ઉષ્ણકટિબંધના નિવાસી લોકો આવી ગરમીથી ટેવાઈ જાય છે પરંતુ અત્યંત ઠંડા દેશોમાંથી આવતાં આ બે સંન્નારીઓ કેવી મુશ્કેલીથી ટેવાઈ હશે તેને આપણે બરાબર સમજી શકીએ. ભગિની નિવેદિતા અને ભગિની ક્રિસ્ટીનને પોતાના ખંડમાં હંમેશાં પંખાની સુવિધા પણ ન મળતી. નિવેદિતા તો પોતાની બાજુમાં એક હાથ પંખો રાખતાં. પોતે પોતાની રીતે સજાવેલા પોતાના નાનકડા ખંડમાં દિવસનો મોટો ભાગ તેઓ કાર્યમાં જ ડૂબેલાં રહેતા. તેમની એકાગ્રતા એટલી બધી તીવ્ર અને ગહન હતી કે તેમને લખતી વાંચતી વખતે ઠંડી ગરમીનો પણ કશો અનુભવ ન થતો. જ્યારે જ્યારે તેઓ પોતાના ઓરડામાંથી બહાર આવતાં ત્યારે ગરમીથી તેમનો ચહેરો લાલઘુમ થઈ જતો, આ દૃશ્ય અમે જોયું છે. દરેકેદરેક વર્ગમાં વિદ્યાર્થિનીઓ કયા કામમાં પડી છે તેનું નિરીક્ષણ કરવા તેઓ જતાં. ક્યારેક પોતાના કપાળને બે હાથે પકડેલી અવસ્થામાં પણ જોવા મળતાં. કોઈ શિક્ષક એમને પૂછતું કે એમને શું મુશ્કેલી છે? ત્યારે એમના મુખેથી ‘આ માથાનો ભયંકર દુ:ખાવો’ એ શબ્દો સાંભળવા મળતા અને ત્યાં જ આ પૂછપરછનો અંત પણ આવી જતો. થોડી જ વારમાં તેઓ વળી પાછા પોતાના પુસ્તકો અને કાગળિયામાં મશગુલ બની જતાં.

(ક્રમશ:)

Total Views: 49

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.