ભગિની નિવેદિતા બાલિકાઓને પથ્થર પરનું કે માટીના બીબાં પરનું શિલ્પકામ શીખવવા ખૂબ ઇચ્છતાં. એમાંય માટીકામ માટે તેમણે ઘણા મોટા જથ્થામાં માટી મેળવી હતી અને કેટલીયે સુંદર માટીકામ પરની કોતરણી પણ પ્રાપ્ત કરી હતી; તેઓ આનંદપૂર્વક બાલિકાઓને કહેતાં: ‘આપણે બધાં આ કોતરણી સાથે શીખીશું.ભગિની નિવેદિતાનાં ઉત્કટતા અને ખંત જોઈને ઘણી બાલિકાઓ કળાનું આ સ્વરૂપ શીખવા આગળ આવી. જો કોઈ બાલિકા પોતાનો આવો પ્રથમ માટીકામનો નમૂનો પછી ભલેને એ ગમે તેવો બેડોળ હોય છતાં તેઓ અત્યંત ઉમળકા સાથે સ્વીકારતાં. જેમ કોઈ ભાવિક પ્રભુની ભેટને પોતાના માથે અડાડે તેમ તે કલાકૃતિને પોતાને માથે અડાડતાં તેમજ પોતાના ખંડમાં રાખતાં. માટીકામની બધી કલાકૃતિઓને તેઓ સંભાળપૂર્વક પેટીમાં રાખતાં. એમનો ઓરડો વિદ્યાર્થિનીઓના હસ્તકલાકૃતિઓને બહુ સુઘડતાથી હારબંધ ગોઠવીને શણગારેલ રહેતો. અને ક્યારેક ક્યારેક તેઓ બધી વિદ્યાર્થિનીઓને પોતાના ઓરડામાં લઈ જતાં અને એમણે કેવી પ્રગતિ કરી છે એ બતાવતાં. વિદ્યાર્થિનીઓ માટે એક વખત સાપ્તાહિક સંસ્કૃત પાઠ શરૂ કરવાની દરખાસ્ત આવી. એ સાથે નિવેદિતાએ આવું કહ્યું: ‘તાડીના પાંદડાં પર કે નાળિયેરીના પાંદડાં પર બાલિકાઓ દ્વારા લખાયેલ સંસ્કૃત સૂક્તિઓ કે કાવ્યપંક્તિઓથી જ્યારે હું મારા ઓરડાને સજાવી શકું તે દિવસને હું મારો સૌથી વધુ સુખદ દિવસ ગણીશ.’

ભગિની નિવેદિતા અઠવાડિયામાં એક કે બે વખત ઇતિહાસ શીખવતાં. તેઓ પોતાના ઇતિહાસ વર્ણનમાં અત્યંત પ્રેરિત-ઉત્તેજિત થઈને એમાં ડૂબી જતાં. તેમને આજુબાજુના વાતાવરણ કે પોતાના શ્રોતાજનોનો જરાય ખ્યાલ ન રહેતો એવો સામે બેઠેલ કોઈ પણ વિદ્યાર્થિનીને સ્પષ્ટ ખ્યાલ આવી જતો. એક દિવસ આવી રીતે રાજપૂતાનાના ઇતિહાસ વિશે વાત કરતાં કરતાં પોતે કરેલા પ્રવાસના સંબંધિત અનુભવોનું તેઓ વર્ણન કરવા લાગ્યા: ‘પછી હું ટેકરી પર ચડી અને શિલાઓ સામે ઘૂંટણિયે પડી. મારી આંખો બંધ કરીને મેં રાણી પદ્મિનીને યાદ કર્યાં.’ જ્યારે તેઓ આ શબ્દો ઉચ્ચારતાં હતાં ત્યારે એમણે પોતાનાં નેત્રો બંધ કર્યાં, બે હાથ જોડ્યા અને નીચે બેસી ગયાં. જેમણે જેમણે પોતાની આ અનુભવભરી અભિવ્યક્તિની આભા જોઈ હોય તે તેને ક્યારેય વિસારે ન પાડી શકે. નિવેદિતાએ પોતાનું ઉચ્ચારણ ચાલું રાખતાં કહ્યું: ‘પોતાની સન્મુખ ભડભડ બળતાં અગ્નિ સામે રાણી પદ્મિની બે હાથ જોડીને ઊભાં હતાં. મેં મારાં નેત્રો મીંચ્યાં અને રાણી પદ્મિનીના છેલ્લા વિચારોને મારા મનમાં લાવવા પ્રયત્ન કર્યો. અરે! કેટલા અદ્‌ભુત, સુંદર! કેટલા સુંદર ભવ્ય!’ આમ બોલતાં બોલતાં ભગિની નિવેદિતા પોતાના ગહન વિચારોમાં ડૂબી ગયાં અને થોડી ક્ષણો સુધી બંધ આંખે શાંતિથી બેસી રહ્યાં. પોતાના રાજપૂતાના ઇતિહાસ વિશેના આ પાઠમાં અને રાણી પદ્મિનીના સર્વોત્કૃષ્ટ બલિદાન સમયેના અંતિમ વિચારોની દુનિયામાં તેઓ એટલાં બધાં ગરકાવ થઈ ગયાં કે પોતાની સામે જ પ્રત્યક્ષ બેઠેલ વિદ્યાર્થિની વૃંદ અને વર્ગને જાણે કે તેઓ સાવ ભૂલી ગયાં. 

આવી રીતે અમે કેટકેટલીવાર ભગિની નિવેદિતાને વિચારોના ગહન ભાવમાં ડૂબી જતાં જોયાં છે. જ્યારે જ્યારે ભારતની વાત નીકળતી ત્યારે તેઓ ગહનભાવાવસ્થામાં આવી જતાં અને બાલિકાઓને કહેતાં: ‘ભારતવર્ષ! ભારતવર્ષ! ભારતવર્ષ! મા! મા! મા.’ આમ કહેતાં કહેતાં તેઓ હાથમાં લઈને જપ શરૂ કરી દેતાં. ભારત તો એમના પ્રાણનો પ્રાણ હતો, ભારત એમને મન પોતાના હૃદયનું પણ હૃદય હતું. એમને મન ભારત એટલું બધું પ્રિય અને પવિત્ર હતું કે તેને માત્ર વાણીથી વર્ણવી ન શકાય. એમના ગુરુ સ્વામી વિવેકાનંદે જ્યારે એમને મંત્રદીક્ષા આપી ત્યારે ભગિની નિવેદિતાને ભારતવર્ષના બાહ્ય સ્વરૂપની ભીતર મા ભારતીનું એવું કયું અને કેવું શાશ્વત દર્શન દેખાડી દીધું હતું એ કોણ કહી શકે? એને પરિણામે ભારતની ધૂળના એકેએક કણમાં એમને આધ્યાત્મિકતાનું અમૃત શોધતાં કરી મૂક્યાં. જ્યારે ભગિની નિવેદિતા ભારત માટેના અમૃત પ્રેમના ભાવમાં ડૂબીને કંઈ કહેતાં ત્યારે લોકો તો એમને પાગલ જ ગણી લેતાં. જે લોકો અવિરતપણે ધન કીર્તિ કે માનમોભાની પાછળ ગાંડા બન્યા હોય તે લોકો આવી પાગલપણાની ભાષાને ક્યારેય સમજી શકવાના ખરા?

તેઓ સર્વાંગી રીતે બંગાળી ભાષા શીખવા ઘણા લાંબા સમયથી આતુર હતાં, પણ સમયના અભાવે તેઓ બંગાળી પર પ્રભુત્વ મેળવી ન શક્યાં. આમ છતાં પણ જ્યારે જ્યારે એકાદ-બે બંગાળી શબ્દ શીખવાની તક મળતી તો તે તેને ઝડપી લેતાં. અરે! પળ માટે પણ એક નાની બાલિકા એમની શિક્ષિકા બને તો વિદ્યાર્થીમાં જણાતી વિનમ્રતાભર્યું એમનું વર્તન સૌ કોઈની નજરે ચડી જતું. કોઈ નવો શબ્દ શીખતાં તેઓ એક નાના શિશુની જેમ અદ્‌ભુત આનંદ-રોમાંચ અનુભવતાં. એક દિવસ પોતાની પાટીમાં એક રેખા દોરતા નાના વિદ્યાર્થીએ કહ્યું: ‘હું આ ‘લાઈન’ દોરું છું.’ આ શબ્દ સાંભળીને ભગિની નિવેદિતા તરત જ તે વિદ્યાર્થીની નજીક સરી ગયાં અને દૃઢ શબ્દોમાં કહ્યું: ‘આ ‘લાઈન’ શબ્દને તમારી ભાષામાં કહો.’ પરંતુ આ નાની બાલિકાઓમાંથી કોઈ પણ ‘લાઈન’ના બંગાળી પર્યાયનો વિચાર ન કરી શકી. તેઓ બધી બોલવા લાગી: ‘પરંતુ બહેન અમે તો હંમેશાં ‘લાઈન’ શબ્દ વાપરીએ છીએ.’ એમના ચહેરા પર તરી વરેલા હતાશા અને નિષ્ફળતાના ભાવ સાથે એમના મુખેથી આ ઉદ્‌ગારો સરી પડ્યા: ‘અરેરે, તમે તો તમારી પોતાની ભાષા-માતૃભાષાને ય ભૂલી ગયાં!’ પછીથી એક બાલિકાએ એમને કહ્યું: ‘આ ‘લાઈન’ માટે બંગાળીમાં ‘રેખા’ નામનો શબ્દ છે.’ આ સાંભળીને એમના આનંદની સીમા ન રહી. જાણે કે કોઈને અજાણ્યો ખજાનો મળી ગયો હોય એવો આનંદ એમણે અનુભવ્યો. તેઓ ‘રેખા, રેખા, રેખા’ એ શબ્દનું પુન: પુન: રટણ કરવા લાગ્યાં.

જ્યારે ભગિની નિવેદિતા ચિત્રકામ શીખવતાં ત્યારે એકેયને બહાર રહેવા દીધા વિના બધી બાલિકાઓને એક હરોળમાં બેસાડતાં. આ ચિત્રકળાના વર્ગમાં વિદ્યાર્થીઓ સાથે શિક્ષકો પણ રહેતા. અરે! ભગિની ક્રિસ્ટીન પણ એમાંથી છટકી ન શકતાં. ભગિની નિવેદિતા એમને પણ નાની બાલિકાઓ સાથે બેસાડતાં. ભગિની ક્રિસ્ટીન પણ સ્વભાવે શિશુસમાં હતાં અને તેઓ નાની-નાની બાલિકાઓ પાસે બેસી જતાં. જો કે એમને એક ભય રહેતો કે જો એમનું ચિત્રકામ નબળું રહેશે તો થોડી વધુ સારી વિદ્યાર્થિનીઓ એની ઠેકડી તો જરૂર ઉડાવવાની. અને જ્યારે એમનાં ચિત્રમાં ડાઘાડૂઘી કરી બેસતાં કે એમની ચિત્રપીંછી આડાઅવળી પડી જતી, તો તેઓ જેમ એક નાનું બાળક ભૂલ કરીને પોતાની એ ભૂલને કોઈએ જોઈ લીધી છે કે નહિ એવી ભૂલ પકડાઈ જવાની દૃષ્ટિએ બીજા બાળકો પર મોં પરના મંદસ્મિત સાથે નજર નાખી લે તેમ બીજી બાલિકાઓ પ્રત્યે લજ્જાભાવથી માફી માગતાં ભાવ સાથે ભગિની ક્રિસ્ટીન થોડું મરકી લેતાં. બીજી બધી બાલિકાઓ પણ જાણે કે ભગિની ક્રિસ્ટીન પોતાની જ ઉંમરના હોય એમ એમનાં હાસ્ય કે સ્મિતને સાથ પુરાવતી.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.