ચિત્રકલાના શિક્ષણપાઠ વખતે દરેક બાલિકાને એક પીંછી, પેન્સિલ, રંગો અને એક ચિત્રકાગળ આપવામાં આવતાં. નિવેદિતા પોતે પણ પોતાના માટે એક પીંછી અને ચિત્રકામ માટેનો કાગળ લેતાં. જ્યારે બધાં બેસી જતાં ત્યારે તેઓ પેન્સિલથી વર્તુળ દોરતાં. પોતાના હાથમાં કાગળ લઈને તેઓ દરેકેદરેક બાલિકા પાસે ફરી વળતાં, એની બાજુમાં ઊભાં રહેતાં અને કેવી રીતે દોરવું તેમજ પોતે દોરેલ વર્તુળ જેવું જ પરિણામ મેળવવું એ બતાવતાં.

પહેલાં તો ભગિની નિવેદિતાએ નિદર્શનથી બતાવેલ રીત પ્રમાણે બાલિકાઓ વર્તુળની બાહ્ય રેખા દોરવાનો મહાવરો કરવા એમની પેન્સિલના પાછળના ભાગનો ઊપયોગ કરતા. પછી બાલિકાઓ વર્તુળની બાહ્ય રેખા સરળતાથી અને ઝડપથી દોરતાં શીખી જતી. પછી તેઓ એમને આવી સલાહ પણ આપતાં : ‘જ્યારે કોઈ રેખા કે વર્તુળ દોરતાં હોઈએ ત્યારે ખચકાવું ન જોઈએ. તમારે એક પળનોય વિલંબ કર્યા વિના કે અટક્યા વિના ઝડપથી રેખા દોરી લેવી જોઈએ.’ આવી રીતે રેખાંકનથી પ્રારંભ કરીને ધીમે ધીમે અનેક પ્રકારનાં ચિત્રકામ કરવાનું તેઓ બાલિકાઓને શીખવતાં.

બાલિકાઓ માટે શાળા તો આનંદનું ઘર હતું. એ શાળાની મોટેરી વિદ્યાર્થિનીઓ સુસમૃદ્ધ કે ધનવાન કુટુંબની દીકરીઓ કે પુત્રવધુઓ ન હતી. એટલે એ બહેનોએ શાળાએ આવતાં પહેલાં પોતાનું ઘરકામ પૂરું કરી લેવું પડતું. અહીં આવવા માટેની એમની આતુરતા અને ઉત્કટતાને લીધે તેઓ વહેલી સવારે પોતાનાં દૈનંદિન ઘરકામ પૂરાં કરી લેતી. ક્યારેક વિદ્યાર્થિનીઓને દક્ષિણેશ્વરના કાલીમંદિરના કે કોલકાતાના કોઈ સુખ્યાત રસપ્રદ સ્થળે આનંદપર્યટને લઈ જતાં. આવા પ્રસંગે શાળાના શિક્ષિકા બહેનોને એમની આગતા-સ્વાગતા અને વ્યવસ્થા કરવામાં ઘણો આનંદ થતો. શાળાના ઉનાળાના વેકેશનના પ્રારંભમાં, સત્રના અંત પછી વિદ્યાર્થિનીઓ માટે કેટલીક સુંદર સ્વાદિષ્ટ વાનગીઓની ગોઠવણ પણ તેઓ કરતાં. વિદ્યાર્થિનીઓની સંખ્યા કંઈ નાની ન હતી અને શિક્ષિકા બહેનો પણ પૈસાદાર ન હતાં; તો પછી આવી સગવડ કરવા માટેના પૂરાં સાધનો તેઓ કેવી રીતે ઊભાં કરી શકતાં? એમની પદ્ધતિ કંઈક આવી હતી. પહેલેથી જ વિદ્યાર્થીઓની કુલ સંખ્યા ગણી લેવાથી અને શાલવૃક્ષનાં પાંદડાંના સુંદરમજાના નાનાં પેકેટ્‌સ બનાવી લેતાં. એમાં ખરીદેલાં ફળ અને મીઠાઈઓ મૂકી દેવાતાં. આ પેકેટ્‌સને એક ટોપલીમાં ગોઠવી દેવાતાં અને બાલિકાઓને વ્યક્તિગત રીતે એ સોંપી દેવાતાં. અંતે શિક્ષિકા બહેનો એ ટોપલીઓ પકડી રાખતી કે જેથી છોકરીઓ એમાં પહેલાં શાલના પાંદડાંમાંથી બનાવેલાં ખાલી પેકેટ્‌સ મૂકી દેતી. આ બધું એવું પૂરેપૂરી કાળજી અને રીતભાતથી કરાતું કે જેથી આ નાના મહેમાનોને માનભેર અને હૃદયના આતિથ્ય સાથે એ બધું પીરસવામાં સરળ બની જતું.

ભગિની નિવેદિતાને ક્યારેક ક્યારેક પૂરી કે ભુવનેશ્વર જેવાં ઐતિહાસિક કે યાત્રાનાં સ્થળોએ વિદ્યાર્થિનીઓને પ્રવાસ-પર્યટને લઈ જવાની ઘણી ઇચ્છા થતી. આવા પ્રવાસ-પર્યટનની એમણે અનેકવાર દરખાસ્ત મૂકી પણ પૂરતાં નાણાના અભાવે એનું અમલીકરણ ન થઈ શક્યું. નિવેદિતા તો ભારતમાં યાત્રા કે પ્રવાસ કરવાના પક્ષપાતી હતાં. તેમણે પોતે ભારતમાંના દરેક પવિત્ર સ્થળની યાત્રા કરી હતી અને સમયે સમયે તેઓ બાલિકાઓને આ બધાં સ્થળો વિશે કહેતાં પણ ખરાં. તેઓ દૂરના બદ્રિનાથની યાત્રાએ ગયાં હતાં. જ્યારે આવાં સ્થળની યાત્રાનું તેઓ વર્ણન કરતાં ત્યારે સાંભળનારને એવું લાગતું કે જાણે કે તેઓ હમણાં જ એ યાત્રાએથી પાછાં આવ્યાં હોય એવું એમનું તાદૃશ વર્ણન હતું! બદ્રિનાથ જતાં રસ્તામાં તેઓ અલકનંદાના કિનારે એક વૃદ્ધ નારીને મળ્યાં. એ વિશે તેઓ પોતાની વિદ્યાર્થિનીઓને કહેતાં : ‘આ વૃદ્ધ નારીએ હમણાં થોડીવાર પહેલાં જ ગંગા નદીમાં ડૂબકી મારી લીધી હતી. એમનાં વસ્ત્રો ભીનાં હતાં અને એમાંથી પાણી ટપકતું હતું. જો કે આ નારી વૃદ્ધ હતાં અને માથાનાં વાળ સફેદ થઈ ગયાં હતાં છતાં પણ તેને ઠંડી લાગતી ન હતી. અલકનંદાના કિનારે બે હાથ જોડીને ઊભા રહીને (આમ કહેતાં કહેતાં ભગિની નિવેદિતાએ પણ પોતાના બે હાથ જોડ્યા) તેઓ સૂર્યદેવતા તરફ ફર્યા અને એમને ભાવપૂર્વક વંદન કર્યા. કેવું સુંદર! કેવો અદ્‌ભુત સુંદર ચહેરો હતો તેમનો! હું એમના ચહેરાનું સૌંદર્ય જોઈને મંત્રમુગ્ધ બની ગઈ.’

બદ્રિનાથના રસ્તે ભગિની નિવેદિતાને એક બીજાં વૃદ્ધ નારીની સાથે ભેટો થયો. હિમથી છવાયેલા લપસણા પથે આ વૃદ્ધ નારી દૃઢતાથી આગળ ધપી રહ્યાં હતાં. અને નિવેદિતા એમની પાછળ પાછળ જતાં હતાં. પછીનું વર્ણન કરતાં ભગિની નિવેદિતા કહે છે : ‘હવે બરફ પીગળી ગયો હતો અને રસ્તા પર તેમનો પગ લપસતો જતો હતો. તે પડી ન જાય એવો ભય મને લાગ્યો. મેં તેમને મારી મદદ લેવા વિનંતી કરી. મેં એમને મારો હાથ પકડી લેવા અને એમને સહાય લેવા ફરી વિનંતી કરી. તે વૃદ્ધ નારીએ મારા તરફ તાકીને જોયું અને એમનાં મોં પર સ્મિત ફરકી ઊઠ્યું. અહા, કેવું અદ્‌ભુત સુંદર સ્મિત હતું 

એ! પછી લાકડી પર નમીને તેણે આગળ ચાલવાનું ચાલુ રાખ્યું.’ રસ્તામાં બનતી આવી બધી ઘટનાઓ આવી સરસમજાની ચિત્રાત્મક રીતે રજૂ થતી કે જેથી એ ઘટના પ્રસંગ વિશે સાંભળનારને એવું લાગે કે એમણે એ વાત માત્ર સાંભળી નથી પણ તેઓ ખરેખર ત્યાં હાજર હતા અને પોતાની નજર સામે જ એ બધું બન્યું હતું. નિવેદિતા જેમ નિપૂણતાથી સુંદર ચિત્રો દોરતાં એ જ ભાવે એ ચિત્રાંકનની જેમ જ પોતાના યાત્રાપ્રવાસોનું વર્ણન શ્રોતાઓના હૃદયમાં અંકિત કરી દેતાં. તેઓ શું અમારી સહાયતા સ્વીકારશે? હું એમના હાથને પકડી શકું ખરી? નિવેદિતાએ આ બધી વાતોને વેદનાપૂર્ણ શબ્દોમાં રજૂ કરી અને શ્રોતાઓના હૃદયને એ વાત સ્પર્શી ગઈ.

નિવેદિતા જ્યારે દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં જતાં ત્યારે તેઓ દીનહીનભાવે મંદિરના પ્રાંગણમાં ઊભાં રહેતાં. તેઓ જાણતાં હતાં કે કાલીમંદિરમાં અંદર જઈને દેવીદર્શન કરવાનો અધિકાર તેમને ન હતો. પરંતુ અરેરે! મંદિરમાં જેઓ શ્રીમા કાલીની પૂજા કરતા હતા તેમનામાં નિવેદિતાના જેવી અધિકારિતા હતી કે કેમ એ વિશે આપણે કહી ન શકીએ. જેમના ચરણરજના સ્પર્શથી લોકો પવિત્ર બની જાય એવાં ભગિની નિવેદિતા, અમારાં જેવાં ઘણાનાં ઘરોમાં જતાં ત્યારે આવી રીતે પોતાના સ્પર્શથી કોઈ વસ્તુ અપવિત્ર ન થઈ જાય એ ભાવથી તેઓ સર્વદા સંકોચ અનુભવતાં રહેતાં. સર્વત્યાગિની, ગૃહ-સમાજ-સન્માન, આત્મીય સ્વજનોનો અકાટ્ય સ્નેહભાવ, આ બધાંનો પરિત્યાગ કરીને ભારતના કલ્યાણ માટે પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર આ નિવેદિતાને ‘હે ભારતવાસી! તેં શું પોતાના ઘરમાં, પરિવારમાં, હૃદયમાં ગ્રહણ કર્યાં હતાં ખરાં?’ એમ જો કર્યું હોત તો આપણી વચ્ચેથી આટલી ત્વરાથી તેઓને ગુમાવ્યાં ન હોત.

Total Views: 67

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.