છેવટે મંદિરમાં સેવાપૂજા કરવી તેમને માટે અશક્ય થઈ ગઈ. તેમણે એ પૂજા છોડી દીધી અને પાસેના એક નાના જંગલમાં તેઓ ચાલ્યા ગયા અને ત્યાં જ (પંચવટીમાં) રહેવા લાગ્યા. પોતાના જીવનના આ સમય વિશે મારા ગુરુદેવ મને ઘણી વાર કહેતા કે, “મને ખ્યાલ સુધ્ધાં રહેતો નહિ કે સૂર્યોદય તથા સૂર્યાસ્ત ક્યારે થાય છે, અથવા તો હું ત્યાં કેવી રીતે રહું છું.” તેમની પોતાની જાતનું કે ખાવાપીવાનું ભાન પણ ન રહેતું. આ સમય દરમિયાન તેમના એક સગાએ ખૂબ પ્રેમપૂર્વક તેમની સંભાળ રાખી હતી. એ સગો તેમના મુખમાં પરાણે ખોરાક નાખી દેતો અને તેઓ યંત્રવત્‌ એ ગળી જતા.

આ રીતે એ શ્રીરામકૃષ્ણદેવના કેટલાક દિવસો વીતી ગયા, કેટલીક રાતો વીતી ગઈ. જ્યારે એક આખો દિવસ પૂરો થાય અને સાંજે મંદિરોમાંથી ઘંટના અવાજ થતા. આરતીના સૂરો એ જંગલમાં છોકરાને કાને પડવા લાગે ત્યારે એ ઉદાસ થઈ હૈયાફાટ કલ્પાંત કરે કે, “હે માતા આજનો દિવસ પણ વ્યર્થ ચાલ્યો ગયો અને તેં દર્શન દીધાં નહીં! આ ટૂંકા જીવનમાંથી એક વધારે દિવસ ઓછો થયો, પણ મને સત્યનું જ્ઞાન થયું નહીં!” આવી માનસિક તાલાવેલીને લીધે તેઓ કેટલીક વાર પોતાનું મોઢું જમીન સાથે ઘસી નાખતા અને હૈયાની વેદનામાં તેમના મુખમાંથી પ્રાર્થના નીકળી જતી કે, “હે જગન્માતા! તમે જલદી દર્શન આપો. જુઓ, તમારે માટે હું કેવો ઝંખી રહ્યો છું? મારે તમારા સિવાય બીજું કંઈ જ જોઈએ નહીં.” ખરેખર તેઓ પોતાના ધ્યેયમાં એકનિષ્ઠ થવા ઇચ્છતા હતા. તેમણે સાંભળ્યું હતું કે જ્યાં સુધી જગન્માતા માટે સર્વસ્વનો ત્યાગ કરવામાં આવે નહીં, ત્યાં સુધી તે દર્શન દેતી નથી. તેમણે એમ પણ સાંભળ્યું હતું કે જગન્માતા દરેકને દર્શન દેવા ઇચ્છે છે પરંતુ લોકો જ તેમનાં દર્શન કરવા ઇચ્છતા નથી. તેઓ જાતજાતની મૂર્તિઓની મૂર્ખાઈથી પૂજા કરવા માગે છે, તેઓ બધી જાતના વિષયોપભોગ ચાહે છે, પણ માતાનાં દર્શન ચાહતા નથી. જો તેઓ સાચા અંત:કરણપૂર્વક માતાનાં દર્શનની ઇચ્છા રાખે અને બીજું કાંઈ ઇચ્છે નહીં, તો તરત જ માતા તેમને અવશ્ય દર્શન આપે છે. તેથી તેઓ એ ભાવનામાં તદ્રૂપ થવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે ભૌતિક ક્ષેત્રે પણ ધ્યેયસાધનાના નિયમોનું સંપૂર્ણરૂપે પાલન કરવાનો નિશ્ચય કર્યો. જે કંઈ થોડી સંપત્તિ તેમની પાસે હતી, તે બધી પણ તેમણે છોડી દીધી અને ધનને કદી હાથ ન લગાડવાની પ્રતિજ્ઞા કરી : “હું ધનનો કદી સ્પર્શ નહીં કરું.” એ વિચાર જાણે કે તેમના શરીરનો એક ભાગ જ બની ગયો. હું કહું છું તે કદાચ તમને અદ્‌ભુત લાગશે, પરંતુ તેમની નિદ્રાવસ્થામાં પણ જો હું તેમના શરીરના કોઈ ભાગને સિક્કો અડકાડતો તો તેમનો આખો હાથ જ વાંકો થઈ જતો અને શરીર આખું લકવો થયો હોય તેમ લગભગ ખોટું પડી જતું.

તેમના મનમાં એક બીજો વિચાર આવ્યો, તે એ હતો કે “કામવાસના બીજો શત્રુ છે.” વસ્તુત: માનવી આત્મસ્વરૂપ છે, જ્યારે આત્મા ન તો સ્ત્રી છે, ન તો પુરુષ છે. તેમણે વિચાર્યું કે કામ તથા કાંચન જ એવી બે વસ્તુઓ છે, કે જે જગન્માતાનાં દર્શન થવા દેતી નથી. આખું વિશ્વ જગન્માતાનો જ આવિર્ભાવ છે અને એ માતા જ દરેક સ્ત્રીશરીરમાં વાસ કરે છે. “જો દરેક સ્ત્રી જગન્માતાનું રૂપ છે, તો પછી કોઈ પણ નારીને હું ભોગ્ય ભાવનાથી કેવી રીતે જોઈ શકું?” આ વિચાર તેમના મનમાં સજ્જડ થઈ ગયો :“પ્રત્યેક સ્ત્રી મારી માતા છે અને તેથી મારે એવી સ્થિતિએ પહોંચવું જોઈએ કે જેમાં દરેક સ્ત્રીમાં મને જગન્માતાનું જ સ્વરૂપ દેખાય છે.” અને આ ધ્યેય તેમણે પોતાના જીવનમાં સંપૂર્ણ પાળ્યું.

Total Views: 243

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.