શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વિવિધ કાર્યક્રમો શ્રીમા શારદાદેવી જન્મજયંતી મહોત્સવ

શ્રીમા શારદાદેવીની ૧૫૩મી પાવનકારી જન્મજયંતી આશ્રમના શ્રીમંદિરમાં શુક્રવાર ૨૩ ડિસેમ્બરના રોજ ઉજવાઈ હતી. સવારે મંગલ આરતી, ધ્યાન, સ્તોત્રપાઠ-ભજન, વિશેષ પૂજા, સપ્તશતીપાઠ, શ્રીમા શારદાદેવી વિશે વાચન, હવન અને પ્રસાદ વિતરણના કાર્યક્રમો હતા. સાંજે શ્રીમા નામ સંકીર્તનનો કાર્યક્રમ અને આરતી પછી શ્રીમાના જીવન સંદેશ વિશે પ્રવચનોનું આયોજન થયું હતું.

૨૪ ડિસેમ્બર, ૨૦૦૫ના રોજ સાંજે ૭ વાગ્યે શ્રીરામકૃષ્ણ મંદિરમાં ક્રિસમસ ઈવના પાવનકારી પ્રસંગના ઉપલક્ષ્યમાં વિશેષ પૂજા, ભજન અને ત્યાર બાદ ઈશુના જીવન-સંદેશ વિશે પ્રવચનો યોજાયાં હતાં.

૨૫ ડિસેમ્બરે એક જાહેરસભાનું આયોજન થયું હતું. આ જાહેરસભાના અધ્યક્ષ રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજી મહારાજ અને વક્તા પ્રો. જ્યોતિબહેન થાનકી અને ડો. કવિતા સૂદનાં ‘શ્રીમા શારદાદેવી જીવન અને સંદેશ’ વિશે વ્યાખ્યાનો ભક્તોએ ભાવથી માણ્યા હતા.

શ્રીમા જન્મજયંતીના ઉપલક્ષ્યમાં કાઠિયાવાડ બાલાશ્રમ, અપંગ આશ્રમ, બહેરામૂંગા શાળા, અંધમહિલા વિકાસ, ભિક્ષુગૃહ, રમણિકકુંવરબા આશ્રમ, સ્પેશ્યલ હોમ ફોર બોયઝ એન્ડ ગર્લ્સ, જલારામ માતૃમંદિર, બાળઅદાલતગૃહ અને દીકરાનું ઘરનાં ૯૦૦ ભાઈબહેનોને ભોજનપ્રસાદ આપીને નારાયણ સેવા થઈ હતી. 

૧ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ કલ્પતરુ દિન નિમિત્તે બપોરે ૨.૩૦ વાગ્યે શ્રી રામકૃષ્ણ મંદિરમાં ધ્યાન, શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગમાંથી વાચનનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. સાંજે ૭ વાગ્યે આરતી પછી સુખ્યાત ભજનગાયક શ્રી જયંતીભાઈ પટેલની ભજનસંધ્યા ભક્તોએ ભાવથી માણી હતી.

૭ જાન્યુઆરી, ૨૦૦૬ના રોજ સવારે ૯.૩૦ થી ૫.૩૦ સુધી મેનેજમેન્ટ વર્કશોપ – સફળ વ્યાપારનું સૂત્ર ‘ગ્રાહકોનું હિત સૌથી મોખરે છે’ – એ વિશે મુંબઈના સુપ્રસિદ્ધ મેનેજમેન્ટ ક્ષેત્રના નિષ્ણાત શ્રી સુરેશપંડિત અને અમદાવાદના નેહા દેસાઈની નિશ્રામાં એક સેમિનારનું આયોજન થયું હતું.

૮મી જાન્યુઆરીએ સવારે ૧૦ થી ૧ અને બપોરે ૩ થી ૬ ‘ગૃહસ્થનો સર્વાંગી વિકાસ’ એ વિષય પર શ્રી સુરેશપંડિત અને નેહાદેસાઈની નિશ્રામાં એક શિબિરનું આયોજન થયું હતું.

આ જ દિવસે સવારે શ્રીરામકૃષ્ણ ઔષધાલયમાં નિ:શુલ્ક નેત્રચિકિત્સા કેમ્પનું આયોજન થયું હતું. 

ડો. શિલ્પાબહેન ગોરણિયાની સેવાઓ મળી હતી. ૧૩૨ દર્દીઓને તપાસવામાં આવ્યા હતા. એમાંથી ૩૦ દર્દીઓનાં મોતિયાનાં ઓપરેશન કરવામાં આવ્યાં છે.

મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર, ઉપલેટાનું મંગળ ઉદ્‌ઘાટન

રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે ૧૩ જાન્યુઆરીને શુક્રવારે સવારે ૯ વાગ્યે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ઉપલેટામાં શ્રીમા શારદા પ્રશિક્ષણ કેન્દ્રનું ઉદ્‌ઘાટન થયું હતું. આ કેન્દ્ર અંતર્ગત સીવણ તથા એમ્બ્રોડરીના તાલીમ વર્ગો શરૂ થયા છે. સ્વામીજીના આદર્શ પ્રમાણે નારીકલ્યાણના કાર્યનો ઉપલેટા અને આજુબાજુના વિસ્તારની બહેનો લાભ લેશે. ૫૦૦ જેટલા ભાવિકજનોને આ કાર્યક્રમને માણ્યો હતો.

એ જ દિવસે સવારે ૯.૩૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર ઉપલેટામાં જાહેરસભાનું આયોજન થયું હતું. આ જાહેરસભાના અધ્યક્ષસ્થાનેથી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે કહ્યું હતું કે શ્રીમાના જીવનસંદેશનું અનુસરણ એ જ આપણા સૌનું કલ્યાણ છે. સ્વામી અવ્યયાત્માનંદજીએ અને સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજે અને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના અધ્યક્ષ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના આદર્શોમાંથી થોડુંઘણું આપણે આપણા જીવનમાં ઉતારવાની વાત કરી હતી. આ કાર્યક્રમ ઘણા ભાવિકજનોએ માણ્યો હતો.

તે જ દિવસે સાંજે ૮.૦૦ વાગ્યે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ભૂજમાં જાહેરસભાનું આયોજન થયું હતું. આ જાહેરસભામાં સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે અને સભાના અધ્યક્ષ સ્વામી સુહિતાનંદજી મહારાજે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના જીવનસંદેશની પ્રાસંગિકતા વિશે પ્રવચનો આપ્યાં હતાં. ૨૦૦ જેટલા ભાવિકજનોએ આ કાર્યક્રમને માણ્યો હતો.

૧૪મી જાન્યુઆરીને શનિવારે ૧૦.૧૫ વાગ્યે ધાણેટી કચ્છમાં ગ્રામીણ વિદ્યાર્થીઓ માટેના છાત્રાલયનો શિલાન્યાસ વિધિ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે સંપન્ન થયો હતો. આ પ્રસંગે ધાણેટી અને આજુબાજુના ગામડાંના ૧૫૦૦ લોકો ઉપસ્થિત હતા.

તે જ દિવસે સવારે ૧૦.૩૦ વાગ્યે વિવેકાનંદ વિદ્યાલય, ધાણેટીમાં એક જાહેર સભાનું આયોજન થયું હતું. આ પ્રસંગે સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના આદર્શોને અનુસરીને વિદ્યાર્થીઓએ પોતાનું ચારિત્ર્ય ઘડતર કરવું જોઈએ. સભાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે કહ્યું હતું કે વિદ્યાર્થીઓ માટેના આ છાત્રાલયનો લાભ આસપાસના વિસ્તારના લોકો પૂરેપૂરો લાભ લે અને સ્વામીજીના વિચારોનું જીવનમાં અનુસરણ કરે એ આવશ્યક છે. બહોળી સંખ્યામાં ભાવિકજનોએ આ કાર્યક્રમ માણ્યો હતો.

તે જ દિવસે સાંજના ૩.૪૫ કલાકે શ્રીરામકૃષ્ણ સેવાકેન્દ્ર, આદિપુર દ્વારા ચાલતા ‘મા શારદા પ્રશિક્ષણ કેન્દ્ર’ની મુલાકાતે સ્વામી સુહિતાનંદજી મહારાજ ગયા હતા. સાંજના ૪ વાગ્યે યોજાયેલી જાહેરસભામાં સભાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે કહ્યું હતું કે શ્રીઠાકુર, શ્રીમા અને સ્વામીજીના જીવનસંદેશના અનુસરણથી જીવનને પવિત્ર બનાવવું જોઈએ. ઘણા ભાવિકજનોએ આ કાર્યક્રમ માણ્યો હતો.

૧૫મી જાન્યુઆરી રવિવારે આધ્યાત્મિક શિબિર

સ્વામી સુહિતાનંદજી મહારાજની નિશ્રામાં અગાઉથી નોંધાયેલ ભાવિકજનો માટે આધ્યાત્મિક શિબિરનું આયોજન સવારના ૯ થી ૧૨ દરમિયાન થયું હતું. આ શિબિરમાં સ્વામી સુહિતાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી, સ્વામી માયાતીતાનંદજી, સ્વામી આદિભવાનંદજીએ ભક્તજનોને સંબોધ્યા હતા. ૨૦૦ જેટલા ભાવિકજનોએ આ આધ્યાત્મિક શિબિરનો લાભ લીધો હતો. કાર્યક્રમનો પ્રારંભ વૈદિક મંત્રોચ્ચાર અને શ્રીરામકૃષ્ણ નામસંકીર્તનથી થયો હતો. કાર્યક્રમના અંતે યોજાયેલ પ્રશ્નોત્તરીમાં શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

‘સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ’ની ગુજરાતી અને અંગ્રેજી આવૃત્તિનો વિમોચનવિધિ

૧૫મી જાન્યુઆરી રવિવારે બપોરે ૪.૦૦ કલાકે ગુજરાત રાજ્યના સન્માનનીય રાજ્યપાલશ્રી નવલ કિશોર શર્માના વરદ હસ્તે ‘સ્વામી વિવેકાનંદ અને આધ્યાત્મિક સંસ્કૃતિ દ્વારા ભારતનું નવજાગરણ’ની અંગ્રેજી આવૃત્તિનો વિમોચનવિધિ થયો હતો. ગુજરાતી આવૃત્તિનો વિમોચનવિધિ શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજના વરદ હસ્તે થયો હતો. આ પ્રસંગે સન્માનનીય રાજ્યપાલશ્રીએ પોતાના ઉદ્‌બોધનમાં કહ્યું હતું : ‘સ્વામી વિવેકાનંદ જગતભરમાં ભારતીય આધ્યાત્મિક સંસ્કૃતિનો ધ્વજ લહેરાવનાર મહાપુરુષ હતા. એમણે ભારતના અંધકાર યુગમાં આધ્યાત્મિક સંસ્કૃતિની જ્યોત પ્રગટાવી હતી. સ્વામી વિવેકાનંદ એક એવું મહાન વ્યક્તિત્વ છે કે એમને જાણવા-સમજવા ઘણી મોટી ક્ષમતા, બુદ્ધિ, કૌશલ્ય અને યોગ્યતા તેમજ સંવેદના આવશ્યક છે. નવી યુવાપેઢીને સ્વામીજીનાં ચિંતન વિચારો તથા આધ્યાત્મિક શિક્ષણના માધ્યમથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ જે કાર્ય કરી રહ્યું છે તે ખરેખર ઘણું પ્રશંસનીય છે. આજે જે ગ્રંથનું વિમોચન થયું એ એક અત્યંત મૂલ્યવાન ગ્રંથ છે. ભારતમાં તત્કાલિન યુગમાં ઉચ્ચ-નીચના ભેદભાવો, અસ્પૃશ્યતા, નારીઓની અવહેલના અને ગુલામીના અંધકારના સમયે સ્વામી વિવેકાનંદના વિચારોથી એક નવી રોશની પ્રગટી. તેમણે સામાજિક બદીઓ દૂર કરવા જનચેતના જાગૃત કરવા, તત્કાલીન જમાનાના સામાજિક નેતાઓને આહ્‌વાન આપ્યું હતું. મહિલાઓ પરના અત્યાચારો સામે લોકોમાં જાગૃતિ લાવી દીધી હતી. સ્વામી વિવેકાનંદે ભારતના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં પરિભ્રમણ કરીને ભારતના સાચા આત્માને ઓળખ્યો હતો અને એને જાગૃત પણ કર્યો હતો. હિન્દુ સંસ્કૃતિનું દર્શન કરીને તેમણે એક અહાલેક જગાડી હતી. ચારિત્ર્ય ગુમાવવાથી સમાજને ઘણું ભોગવવું પડે છે. દેશના ઉજ્જળ ભવિષ્યનું નિર્માણ વિદ્યાર્થીઓના ચારિત્ર્યનિર્માણ વિના શક્ય નથી. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ આ દિશામાં જે કાર્ય કરે છે તે ખરેખર પ્રશંસનીય છે.’

સ્વામી સુહિતાનંદજી મહારાજે કહ્યું હતું કે રાષ્ટ્રના ઉત્કર્ષ અને ઉજ્જ્વળ ભાવિ નિર્માણ માટે સ્વામી વિવેકાનંદના માર્ગે માત્ર ભારતે ચાલવું પડશે. એટલું જ નહિ પરંતુ સમગ્ર વિશ્વના જુદા જુદા દેશોને પણ એમણે પ્રભાવિત કર્યા હતા.

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ પોતાના સ્વાગત અને પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે સ્વામી વિવેકાનંદના વિચારો દ્વારા નવી પેઢીનું ઘડતર કરવાની આજે વિશેષ આવશ્યકતા છે. સ્વામી આદિભવાનંદજીએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં કહ્યું હતું કે પ્રવર્તમાન પશ્ચિમી સંસ્કૃતિથી ખાસ કરીને પોતાનાં સંતાનોનું માનસ ખરડાય ન જાય તે માટે સાચા સંસ્કાર અને સંસ્કૃતિના આદર્શને શિક્ષકોએ તેમજ માતપિતાએ વિદ્યાર્થીઓ સમક્ષ મૂકવા પડશે. ત્યાર બાદ સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે આભારવિધિ કરી હતી.

સ્વામી વિવેકાનંદ જન્મજયંતી મહોત્સવ નિમિત્તે ઉજવાતી વિવિધ સ્પર્ધાઓમાંથી નાટ્યસ્પર્ધામાં એસ. એન.કે. સ્કૂલ; દેશભક્તિ સમૂહગાન પ્રાથમિક વિભાગમાં ગેલેક્સી ઇન્ટરનેશનલ સ્કૂલ અને માધ્યમિક વિભાગમાં સરસ્વતી માધ્યમિક શાળાઓ પ્રથમ સ્થાને આવી હતી. આ વિજેતા શાળાઓના પ્રતિનિધિને સન્માનનીય રાજ્યપાલશ્રીના વરદ હસ્તે પારિતોષિક અપાયાં હતાં. મુખપાઠ, વક્તૃત્વ, નિબંધલેખન, શીઘ્રચિત્રની સ્પર્ધામાં વિજેતા નિવડેલાં સ્પર્ધક ભાઈ-બહેનોને શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી, સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી આદિભવાનંદજી, સ્વામી અવ્યયાત્માનંદજી, સ્વામી અમરઆત્માનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી અને સ્વામી સર્વસ્થાનંદજીના વરદ હસ્તે ૫૦૦ જેટલા વિદ્યાર્થીઓને ઈનામો અપાયાં હતાં.

કાર્યક્રમનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. સન્માનીય રાજ્યપાલશ્રીનું શ્રી ગિરીશભાઈ મારૂએ, શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજીનું સ્વામી અવ્યયાત્માનંદજીએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. થયેલી ચર્ચા અને એને પરિણામે ‘ઈંડિયન ઇન્સ્ટિીટ્યૂટ ઓફ સાયન્સ’ની થયેલી સ્થાપના તેમજ જમશેદજી ટાટાને ભારતમાં ઉદ્યોગો સ્થાપવા માટે આપેલી પ્રેરણા અને એને લીધે ટાટાએ લોખંડના ઉદ્યોગમાં આપેલા પ્રદાનને આપણે આપણી નજર સમક્ષ આજે પણ જોઈ શકીએ છીએ.

ભારતની અત્યંત ગંભીર ગણાતી સમસ્યાઓમાં નિરક્ષરતા નિવારણનો ખરો ઉકેલ બતાવતા એમણે કહ્યું હતું : ભારતના ૬૦ ટકા સાક્ષરતા દરની સામે ઇજનેરી અને વિજ્ઞાન કોલેજોમાંથી બહાર પડતા સ્નાતકોની સંખ્યા માંડ માંડ ૩૦ લાખ થાય છે. નિરક્ષર લોકોને સાક્ષર બનાવવાનું કાર્ય આજના વિદ્યાર્થીઓએ ઉપાડી લેવું જોઈએ. શનિ-રવિની રજાનો ઉપયોગ કરીને દરેક વિદ્યાર્થી પાંચ નિરક્ષરને અક્ષરજ્ઞાન આપે તો આપણને મોટી સફળતા મળશે.’

વિદ્યાર્થીઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના ઉત્તરના કેટલાક અંશ આ છે : 

* રાષ્ટ્રના વિકાસ માટે નિરક્ષરોને સાક્ષર બનાવવા યુવાન વિદ્યાર્થીઓએ પ્રયાસ કરવો જોઈએ.

* દેશમાંથી બહાર જતા તજ્‌જ્ઞોની સામે વિશ્વના ૧૯ જેટલા દેશોના તજ્‌જ્ઞો ભારતમાં વ્યવસાય અને અભ્યાસ માટે આવે છે તે આપણા રાષ્ટ્રનું ગૌરવ છે.

* વૈશ્વિકીકરણ ભારતમાં આધુનિક ટેકનોલોજી આપે છે. ગાંધીજીએ ગ્રામીણ અને છેવાડાના માનવીના વિકાસ અને સમૃદ્ધિની વાત કરી હતી. તે આ વૈશ્વિકીકરણ દ્વારા મૂર્તિમંત થાય છે.

* વિદ્યાર્થીઓને સાક્ષરતા પ્રસાર, વ્યસનનાબૂદી, કોમી એકતા અને પ્રામાણિકતા માટે સતત કાર્યરત રહેવાની અપીલ કરી હતી.

* સમાજના ઘડતર માટે માતાપિતા ગુરુને અગત્યના ગણાવ્યા હતા.

* વિદ્યાર્થીઓને આધુનિક ભારતના નિર્માણના જ્યોતિર્ધર કહ્યા હતા.

* દરેક ઘરમાં બાળક માતપિતાના આચરણ પર નજર રાખીને પ્રામાણિકતા શીખે તો ભ્રષ્ટાચાર આપમેળે દૂર થવાનો.

રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સુહિતાનંદજી મહારાજે પોતાનું પ્રેરક વકતવ્ય આપતાં કહ્યું હતું : ‘યુરોપમાં સ્વામી વિવેકાનંદને એક વ્યાખ્યાનમાં શ્રોતાઓ સાંભળવામાં સાવ લીન બની ગયા હતા ત્યારે સ્વામીજી અધવચ્ચેથી જ પોતાનું વક્તવ્ય અટકાવીને ત્યાંથી ચાલ્યા ગયા. ત્યાર પછી કોઈ ભક્તે એમને આમ કરવાનું કારણ પૂછ્યું; ત્યારે તેમણે કહ્યું : ‘મારામાં અનન્ય શક્તિઓને હું પ્રગટતી અનુભવતો હતો. એના પ્રભાવે એ બધા શ્રોતાઓનાં મનહૃદયને કાયમને માટે મારે અધીન થઈ જવાની શક્યતા મેં નિહાળી. અને હું તો એવું માનું છું કે દરેકે દરેક માનવીએ કોઈ પણ ઉત્કૃષ્ટ આદર્શ કે તત્ત્વને ગ્રહણ કરીને, તેનું ચિંતન-મનન કરીને પોતાની રીતે જ તેનો વિકાસ કરવો જોઈએ. પરાણે કોઈ પણ ઉપર કોઈ પણ બાબત લાદી દેવી ન જોઈએ. એટલે હું ત્યાંથી મારું વક્તવ્ય અટકાવીને બહાર નીકળી ગયો.’ આ જ રીતે વિદ્યાર્થીઓએ જાતે વિચાર કરી, અનુભવ કરીને જ નિર્ણય લેવો જોઈએ.’

સ્વામી નિખિલેશ્વરાનંદજીએ મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને પ્રાસંગિક પ્રવચનમાં સ્વામીજીના વિચારો આજના યુવાનો, સમાજ અને રાષ્ટ્રને માટે કેટલા પ્રાસંગિક છે તેની વાત કરી હતી.

કાર્યક્રમનો મંગલ પ્રારંભ વૈદિક મંત્રોચ્ચારથી થયો હતો. મહેમાનોનું સ્વાગત કર્યું હતું અને મહેમાનોનું પુષ્પગુચ્છથી અભિવાદન કરવામાં આવ્યું હતું.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થનામંદિર, ભૂજના કાર્યક્રમો 

શ્રી મા શારદામણિદેવીની ૧૫૩મી જયંતી પ્રસંગે શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિરમાં ભૂજ શહેરની ૨૧ જેટલી પ્રાથમિક શાળાઓના ૧૦૫ જેટલાં બાળકોએ શ્રીમા શારદાદેવીના જીવન પર આધારિત સાત પ્રસંગ કથાઓ મુખપાઠ દ્વારા વર્ણવી હતી.

આ મુખપાઠ સ્પર્ધામાં શ્રી લેખા હીરાલાલ શાહ કન્યા વિદ્યાલયની વિદ્યાર્થિની શ્રદ્ધા પી. ઉપાધ્યાય પ્રથમ અને દ્વિતીય, તૃતીય, ચતુર્થ અને પાંચમા સ્થાને અનુક્રમે ચૌહાણ કેવળ, માતૃછાયા કુમારશાળા; પટેલ ધર્મી, એંકરવાલા સરસ્વતી વિદ્યામંદિર; બાબરિયા ઊર્વિ, શ્રીલેખા કન્યા વિદ્યાલય અને મેમણ અમરીન, બાળશાળા નાગરવંડી, ભૂજ આવ્યાં હતાં. વિજેતાઓ સ્પર્ધકોને શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ તરફથી પારિતોષિકરૂપે પુસ્તકો અપાયાં હતાં. બાકીના સ્પર્ધકોને પ્રોત્સાહન રૂપે પુસ્તક આપવામાં આવ્યાં હતાં. નિર્ણાયકો તરીકે શ્રીમતી ખેવનાબેન અંતાણી, શ્રી નિખિલભાઈ ઠક્કર અને શ્રીમતી યજ્ઞાબેન વૈદ્યએ સેવાઓ આપી હતી. સંચાલન શ્રીમતી ભૈરવીબેન વૈષ્ણવે કર્યું હતું.

આ પ્રસંગે એક વિદ્યાર્થિની સંમેલન પણ યોજાયું હતું. જેમાં માતૃછાયા કોમર્સ કોલેજ તેમજ મહેશ્વરી છાત્રાલયની બહેનો જોડાયાં હતાં. શ્રીમતી સુમિત્રાબેન ઉપાધ્યાયે તેમજ શ્રીમતી નીલાબેન લાખાણીએ શ્રીમા શારદાદેવીના જીવનસંદેશ અને તેમના વૈશ્વિક માતૃત્વ વિશે વિગતવાર વાત કરી હતી. પ્રારંભમાં માતૃછાયા કન્યાવિદ્યાલયની વિદ્યાર્થિનીઓ કુ. એંજલ શાહ તથા ભક્તિ ચૌહાણે શ્રીમાના જીવનચરિત્રનો આછેરો પરિચય આપ્યો હતો. વિવેકાનંદ વિદ્યાલય ધાણેટીની વિદ્યાર્થિનીઓએ ‘ડાકુ માબાપ’ અને ‘વિદેશી ભક્તોને આવકાર’ના પ્રસંગો દર્શાવતાં બે એકાંકી રજૂ કર્યાં હતાં. અતિથિવિશેષ શ્રીમતી પ્રેમલતાબેન કાકુભાઈ રંગવાલાના વરદહસ્તે પુરસ્કાર અપાયા હતા. 

શ્રી ટી.ટી. કંસારા તરફથી રોકડ ઈનામો અપાયાં હતાં. શ્રીરામકૃષ્ણ યુવક મંડળના પ્રમુખ શ્રી કેશવભાઈ કે. ગોરે સ્વાગત કર્યું હતું અને શ્રી જે. પી. વ્યાસે ભજનો રજૂ કર્યાં હતાં. સંમેલનનું સંચાલન શ્રીમતી લવણાબેન ધોળકિયાએ સંભાળ્યું હતું.

શ્રી હરિકૃષ્ણભાઈ ખીરાએ પૂજન અને મંત્ર પુષ્પાંજલિની વિધિ કરી હતી. શ્રીમતી રેખાબેન મહેતા, શ્રીમતી સરલાબેન ઠક્કર, શ્રીમતી દર્શનાબેન અંજારિયા, શ્રીમતી મીનાબેન દવે, શ્રીમતી રક્ષિતાબેન છાયાએ શ્રીમા શારદાદેવીના ત્યાગ, સાધના, દિવ્યમાતૃત્વ સિસ્ટર નિવેદિતા સાથેની મુલાકાત વગેરે પ્રસંગોનું વાચન કર્યું હતું. આભારદર્શન મંત્રીશ્રી ગૌરાંગ રાણા તથા બકુલેશ ધોળકિયાએ કર્યું હતું. વ્યવસ્થાપનમાં વિવેકાનંદ સાર્વજનિક પુસ્તકાલયના ગ્રંથપાલ શ્રી મનોજભાઈ અધિકારીએ સહયોગ આવ્યો હતો. શ્રીમતી પ્રેમલતાબેન રંગવાલા, માંડવીના શ્રીમતી જયાબેન ગણાત્રા, શ્રીમતી ચેતનાબેન વ્યાસ, શ્રી પરિમલભાઈ વૈષ્ણવ, શ્રીમતી દમયંતીબેન ભાંડે, ડો. રાહુલભાઈ અંતાણી, શ્રીમતી મીનાબેન દવે એ આર્થિક સહયોગ આપ્યો હતો.

‘મારે મહાન બનવું છે’ વિશે શ્રીમત્‌ સ્વામી આદિભવાનંદજીનાં કચ્છમાં પ્રવચનો

તા. ૧૧-૧૨-૦૫ થી તા. ૧૩-૧૨-૦૫ દરમ્યાન શ્રીરામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ શ્રીમત્‌ સ્વામી આદિભવાનંદજીએ વરસાણી છાત્રાલય, ભુજ અને ઇન્દ્રબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજમાં ‘મારે મહાન બનવું છે’ એ વિશે અનેકવિધ મહાપુરુષોનાં ઉદાહરણો ટાંકીને સ્વામી વિવેકાનંદનાં પ્રાણવાન પુસ્તકોનું અધ્યયન કરી જીવનમાં આગળ વધવા અનુરોધ કર્યો હતો. એક હજાર વિદ્યાર્થીઓની સંખ્યા ધરાવતો વરસાણી હાઈસ્કૂલના આચાર્ય શ્રી વિપુલભાઈ મહેતા તથા છાત્રાલયના ગૃહપતિ શ્રી ભરતભાઈ જોશીએ વિવેકાનંદની તસ્વીરોનું પ્રદર્શન અને આ કાર્યક્રમ યોજવા સહયોગ આપ્યો હતો. બે હજાર ત્રણસો વિદ્યાર્થિની બહેનોની સંખ્યા ધરાવતી ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલના આચાર્ય ડો. કિશોરભાઈ દવેએ શાળામાં સ્વામીજીનાં યોજાયેલ પ્રવચનને અનેરી તક ગણાવી હતી.

શ્રીરામકૃષ્ણ પ્રાર્થના મંદિર, ભુજમાં સ્વામીજીએ શ્રી મા શારદાદેવીનાં ઈશ્વરમય અને સરળ કર્મયોગી જીવન દ્વારા પ્રગટ થતાં માતૃત્વના દિવ્યતાસભર પ્રસંગો ટાંક્યા હતા; શ્રીરામકૃષ્ણ યુવક મંડળ, ભુજના પ્રમુખ શ્રી કે. કે. ગોરે સહુનું સ્વાગત કર્યું હતું.

Total Views: 50

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.