ઓક્ટોબર ૨૦૦૫ના અંકમાં આપણે શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાનો ઉલ્લેખ કર્યો હતો. અને એમના મહેમાન તરીકે સ્વામીજી એમની સાથે રહ્યા એનો ઉલ્લેખ કરી ગયા છીએ. શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા સાથે તેઓ ગાઢ સંપર્કમાં આવ્યા અને એમના પર સ્વામીજીએ અમીટ છાપ પાડી હતી એની વિગતવાર વાત આપણે આ સંપાદકીયમાં કરીશું. 

જૂનાગઢમાં સ્વામીજી ત્રણ-ચાર વાર આવ્યા હતા અને શક્ય છે જુદે જુદે ઠેકાણે તેમણે નિવાસ કર્યો હોય. શ્રી છગનલાલ પંડ્યાને ઘેર તેઓ થોડા દિવસો રહ્યા હતા. આ મકાન પૂર્વે ‘દક્ષિણીના ડેલા’ તરીકે ઓળખાતું અને હાલ ‘યુક્તોદય’ નામે ઓળખાય છે. ૧૮૫૯ની ૧૭મી ઓક્ટોબરે છગનલાલ હરિલાલ પંડ્યાનો જન્મ નડિયાદમાં થયો હતો. ૧૮૭૧ થી ૧૮૭૫ સુધી તેમણે હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો અને ૧૮૭૬માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. જાણીતા સાક્ષર શ્રી મણિભાઈ ન. દ્વિવેદી સાથે તેઓ મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજમાં વધુ અભ્યાસાર્થે દાખલ થયા. એમના સહાધ્યાયીઓમાં શ્રી કેશવ હ. ધ્રુવ, શ્રી નરસિંહ રાવ દીવેટિયા, શ્રી કમળાશંકર પ્રા. ત્રિવેદી હતા. ૧૮૮૦માં એમણે બી.એ.ની પરીક્ષા પાસ કરી. પોતાના વિષયોમાં એમને ‘જેમ્સ ટેલર પ્રાઈઝ’ તેમજ ‘કોલ્ડન ફલન પ્રાઈઝ’ મળ્યાં હતાં. ૧૮૮૫માં તેમની નિમણૂક જુનાગઢ રાજ્યમાં વિદ્યાધિકારી તરીકે થઈ. આ પહેલાં તેમણે શિક્ષક તરીકે પણ કાર્ય કર્યું હતું. તેઓ સંસ્કૃત અને અંગ્રેજી ભાષાના ગણ્યમાન્ય વિદ્વાન હતા. એમણે શાસ્ત્રગ્રંથોનો ગુજરાતી અનુવાદ કરીને એક ઉત્તમ અનુવાદ તરીકે પોતાનું નામ મેળવ્યું હતું. ૧૯૮૫માં જૂનાગઢ રાજ્યમાં નોકરી કરીને ૧૯૨૪માં નિવૃત્ત થઈને તેઓ નડિયાદ આવ્યા હતા.

એમનું ગદ્ય સરળતાથી આસ્વાદ્ય બની શકે એવું હતું. મહાકવિ બાણભટ્ટની ‘કાદંબરી’ના ગુજરાતી અનુવાદની છ આવૃત્તિઓ થઈ છે. તેમની અન્યકૃતિઓમાં ‘બાલ કાદંબરી’, ‘એક અપૂર્વ લગ્ન’ (૧૯૧૬), ‘વિશુદ્ધ સ્નેહ’ (૧૯૧૯), ‘મનોરંજક વાર્તાઓ’, ‘એ કોણ હતી?’, ‘સચિત્ર મૂળાક્ષરો’, ‘હાસ્યજનક વાર્તાલાપ’, ‘સોનાની ચકલી’, ‘ક્રાઈસ્ટનું અનુકરણ’ (૧૯૧૫) વગેરેનો સમાવેશ થાય છે. ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ના ‘ક્રાઈસ્ટનું અનુકરણ’ નામે શ્રી છગનલાલ પંડ્યાએ કરેલા ગુજરાતી અનુવાદ કાર્ય માટે સ્વામી વિવેકાનંદની ઘણી મોટી પ્રેરણા રહી હતી. એ વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું. પરંતુ અત્યારે શ્રી છગનલાલ પંડ્યાએ શ્રીરામકૃષ્ણદેવના જીવન અને સંદેશ વિશે તેમજ સ્વામી વિવેકાનંદજી સાથેનાં પોતાનાં સંસ્મરણો વિશે થોડી વાત કરીશું.

શ્રી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ ૧૯૧૮માં ભગવાન શ્રીરામકૃષ્ણ પરમહંસદેવનું જીવન ચરિત્ર ‘શ્રીરામકૃષ્ણ પરમહંસ’ની પ્રથમ આવૃત્તિના પ્રારંભમાં આ પુસ્તક વિશે તત્કાલીન યુગના સાક્ષર વિદ્વાનોના અભિપ્રાય વિભાગમાં શ્રી છગનલાલ પંડ્યાએ તેમનાં સંસ્મરણોમાં કહ્યું હતું :

‘તમે ચિરકાલથી ગુર્જર પ્રજા સમક્ષ જે ઊંચા પ્રકારનું સાહિત્ય સ્વલ્પ મૂલ્યે મૂકવા માંડ્યું છે તે માટે તમારો જેટલો આભાર માનીએ તેટલો ઓછો છે. તમારી એ દેશ-સેવા માટે સર્વ ગુજરાત તમારું ઉપકૃત છે. ઈંગ્લેન્ડના મહા કવિઓના ગ્રંથ આવી જ રીતે સામાન્ય વર્ગના વાચકોના હાથમાં પહોંચી શકે છે તેથી તેનો લાભ સામાન્ય લોકો અને વિદ્યા-વિલાસીઓ પણ લઈ શકે છે. જ્યારે આપણા ઉત્તમ લેખનના ગ્રંથ આવી રીતે સોંઘા પ્રસિદ્ધ થશે ત્યારે જ કેળવણીનો બહોળો પ્રચાર થઈ શકાશે.

પ્રસ્તુત ગ્રંથની ઉપયોગિતા વિશે તો બે મત હોઈ શકે એમ છે જ નહિ. જેમના પ્રભાવથી તથા કૃપાકટાક્ષથી સ્વર્ગસ્થ સ્વામી વિવેકાનંદજી જેવા મહાસમર્થ વક્તાઓ અમેરિકા જેવી વિદ્યા વિષયમાં આગળ વધેલી ભૂમિમાં જઈને પણ જયઘોષનો ડંકો વગાડી આવ્યા, જતાં વાર જ સર્વને મોહજાળમાં નાખી પોતાના ગંભીર વિચારોની છાપ ધર્મ જેવા ગહન વિષય પરત્વે પણ આખા જગતના ધર્મગુરુઓની સમક્ષ ત્યાંની પ્રજા પર પાડી શક્યા તે મહાપ્રતાપી સ્વામી શ્રી પરમહંસ રામકૃષ્ણનું જીવન એટલું બોધદાયક છે કે તે વાંચવાથી સર્વ કોઈને કંઈ ને કંઈ લાભ મળ્યા વિના રહે તેમ નથી. અન્ય લેખકોએ ભિન્ન ભિન્ન દૃષ્ટિએ તેનું વિવેચન કરેલું છે, પરંતુ તમારા ગ્રંથમાં જે બંગાલી સાહિત્યમાંથી વીણી વીણીને તેમના રત્નોનો સંગ્રહ કર્યો છે તેવો બીજા કોઈએ હજી કરેલો નથી. મહાત્માશ્રીના સમાગમથી અનેક સત્પુરુષો તરી ગયા છે. તેમના વચનામૃતનું પાન કરવામાં સ્વામી વિવેકાનંદને કેવો આનંદ થતો ને પોતે તેમની કૃપાનું વિશેષપાત્ર કેવી રીતે બનેલા હતા તથા પોતાના ઉપર તેમણે વિશ્વાસ રાખેલો ને હાથ મૂકેલો તેને લીધે જ પોતે બ્રહ્મવિદ્યામાં પ્રવીણતા મેળવી શક્યા હતા તે સર્વ સ્વામી શ્રી વિવેકાનંદને સ્વમુખે મ્હારા સાંભળવામાં આવ્યું હતું. જૂનાગઢ મુકામે તેમનો સમાગમ મને ઘણો વખત થયો હતો. તેમના ગુરુજીને લગતો વૃત્તાન્ત કેટલોક સાંભળવાનો પણ અમારે પ્રસંગ આવ્યો હતો તેથી તેમની સહૃદયતા, અતિશય દયા, માયાળુતા, સાદાઈ, ધર્મનિષ્ઠતા, ગંભીરાઈ, વચનસિદ્ધિ, ટૂંકા વાક્યો દ્વારા ગહન વિષયોનું સચોટ વિવેચન, દૃષ્ટાંતો આપીને બોધ કરવાની ખૂબી વગેરે અમારા સમજવામાં આવ્યું હતું. એવી એક યશસ્વી વ્યક્તિના જીવન વૃત્તાન્ત ઉપર જેટલો પ્રકાશ પડે તેટલો પ્રજાને લાભકારક છે એ તો નિ:સંશય છે અને તમે વાચકવર્ગ પાસે મુકેલી વાની સર્વાંશે મધુર નીવડશે એવી મ્હારી સંપૂર્ણ ખાત્રી છે. મૂળ ગ્રંથોનું તાત્પર્ય મહાશ્રમે સરલ ભાષામાં તમે પ્રસિદ્ધ કરીને આપણા સાહિત્યના ઉત્તમ ગ્રંથોની નાની સંખ્યામાં એક કિંમતી વધારો કરી શક્યા છો તેથી તમને જેટલો ધન્યવાદ આપીએ એટલો ઓછો છે. આ પ્રમાણે હજી વિશેષ દેશ-સેવા કરવાને તમે પ્રભુ કૃપાથી શક્તિમાન થાઓ એવી પ્રાર્થના છે.’

(રા. રા. છગનલાલ હરિલાલ પંડ્યા. બી.એ. ‘કાદંબરી’ -ના કર્ત્તા, વિદ્યાધિકારી સાહેબ, જૂનાગઢ. તા.૨-૩-૧૮.)

શ્રી ડાહ્યાભાઈ રામચંદ્ર મહેતાએ લખેલ ‘સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર ભાગ – ૧’માં ગુર્જર વિદ્વાનોના અભિપ્રાય વિભાગમાં શ્રી છગનલાલ પંડ્યા લખે છે: 

‘સ્વામી વિવેકાનંદ જીવનચરિત્ર ભાગ – ૧’નું પુસ્તક આપે મને કૃપા કરીને મોકલ્યું તેની પહોંચ ઉપકાર સાથે સ્વીકારું છું… સ્વામી શ્રી વિવેકાનંદ સાથે ગાઢ સ્નેહનો સંબંધ સુભાગ્યે મ્હને થયેલો. તેથી તેમના જીવનચરિત્રની કેટલીક વાતો તેમણે મને સ્વમુખે જણાવેલી. તેની સાથે તેમની પૂર્વાવસ્થાની કેટલીક હકીકત પણ મ્હારા જાણવામાં આવી હતી. તે બધી ને તે ઉપરાંત પણ કેટલીક વધારાની આપ ભેગી કરી જે પ્રગટ કરી શક્યા છો તે ઘણું સંતોષકારક છે. એમના જેવા પરમહિતાર્થે જીવન ગાળનાર સાધુપુરુષોના ચરિત્રોમાંથી ઘણું અનુકરણ કરવા યોગ્ય મળી આવે છે અને સ્વાર્થત્યાગ કરી દેશ સેવા માટે જીવન અર્પણ કરનાર આ મહાપુરુષે આખા હિન્દુસ્તાનમાં જ નહિ, પણ અમેરિકા જેવા મોટા સુધરેલા દેશમાં પણ પોતાનો હવે જય ડંકો વગાડી આપણા સનાતન ધર્મની છાપ ત્યાંના વિદ્વાન મંડળનાં મન ઉપર સ્થાયીપણે ટકે એવી પાડી છે. તે માટે આપણે ભરતખંડવાસીઓએ તેમના પ્રતિ પૂજ્યભાવ રાખવો જ જોઈએ, અને આપના આ ગ્રંથના વાચનથી તેવો ભાવ? તેમનાથી અજાણ્યા માણસને પણ ઉત્પન્ન થયા વિના નહિ રહે એવી મ્હારી ખાત્રી છે. પોતાનું બ્રહ્મચર્ય વ્રત પાળવામાં તેમને કેટલી મુશ્કેલીઓ થઈ છે, તે વાત મ્હારા જાણવામાં હતી. તે ઉપરાંત આ પુસ્તકમાં તેના ઉપર જે નવો પ્રકાશ પાડ્યો છે, તેથી વિશેષ જાણવામાં આવ્યું અને પોતે સમર્થ વિદ્વાન છતાં કેવી સાદાઈથી, નિરભિમાનપણે અમારી સાથે રહેતા હતા તેનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે તેમના વિશે મને ઘણા જ માનની લાગણી સ્ફૂરી આવ્યા વિના રહેતી નથી. ભરતખંડમાં તેમના જેવો અમૂલ્ય હિરો ધૂળમાં ડટાઈ ગયા બરાબર હતો, અને અમેરિકાના ધર્મગુરુઓની ભવ્ય સભામાં ભગવાં વસ્ત્ર પહેરીને, અસાધારણ ગૌરવ ધારણ કરીને, પોતાના જ્ઞાનનો પ્રકાશ છટાથી નિડરપણે આપી તેમણે જે ગર્જના ચારે પાસ ફેલાવી તેના પડઘા હિંદુસ્તાનમાં પડ્યા, ત્યારે જ ભારત માતાને પોતાના આ બાહોશ બાળકની હયાતીની ખબર પડી એમ કહીએ તો ચાલે. અમેરિકામાં તો તેઓએ પ્રખ્યાત રોમન એમ્પરરની પેઠે I came, I saw, I conquered એમ અણધારી ફતેહ એકદમ મેળવીને ત્યાંના ઊંચા વર્ગનાં સ્ત્રીપુરુષોમાં લોકપ્રિયતા મેળવી હતી અને આપણા વેદાંત ધર્મ રૂપી વૃક્ષનું બીજ તેઓ વાવી આવ્યા, તે જ એમના અનુયાયી સ્વામીઓએ ઉછેરીને મોટું કરેલું છે. અને તે વૃક્ષની જ શાખાઓ આ જ ચારે પાસ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે.

આ મહાત્મા વિશે મ્હારા હૃદયના ઉદ્‌ગાર કાઢવામાં આવે તો બહુ લંબાણ થઈ જાય એથી હું અત્રે વિશેષ કહેતાં અટકું છું અને આપનો ભગીરથ પ્રયત્ન સર્વ પ્રકારે સફળ થાય તથા ગુર્જર પ્રજા તેનો લાભ ઉત્સાહથી લે એમ ઇચ્છું છું. સ્વામીજીના વચનામૃતનો સંગ્રહ વ્યવહારમાં ઘણો ઉપયોગી થઈ પડશે તેવી મ્હારી ખાત્રી છે.

(રા. રા. છગનલાલ હરિલાલ પંડ્યા. બી.એ. ‘કાદંબરી’ -ના કર્ત્તા, જૂનાગઢ સ્ટેટ વકીલ, રાજકોટ. તા.૯-૧૦-૨૧.)

આપણે જાણીએ છીએ કે સ્વામી વિવેકાનંદના જીવન પર ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ (ક્રાઈસ્ટનું અનુકરણ)નો ઘણો પ્રભાવ પડ્યો હતો. દક્ષિણેશ્વરમાં નરેન્દ્રનાથ દત્ત, ભાવિ સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણદેવના શ્રીચરણોમાં બીજા યુવાન સંન્યાસીઓ સાથે એકઠા થયા. અહીં નરેનને થોમસ એ કેમ્પીસની નાની પુસ્તિકા ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ (ક્રાઈસ્ટનું અનુકરણ) મળી. તેનું સાદ્યંત વાચન કરીને યુવાન નરેન ઘણા પ્રેરાયા અને એમાંથી કેટલાંક ઉદ્ધરણો ટાંકીને તેમણે બીજાઓને પ્રેરવાનો પ્રયત્ન કરતા રહેતા. તેઓ કહેતા: ‘જે ઈશ્વરને ખરેખર ચાહે છે તેમનું જીવન ઈશ્વરની હૂબહૂ નકલ બની જશે. એટલે જ જો આપણે આપણા ગુરુદેવ શ્રીરામકૃષ્ણને ખરેખર ચાહીએ છીએ કે નહિ તેનું પ્રમાણ આના દ્વારા મળી રહેશે.’ (ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, વો. ૧, પૃ.૧૫૭)

પછી શ્રીરામકૃષ્ણદેવના યુવાન સંન્યાસી શિષ્યો બારાનગર મઠમાં રહેવા લાગ્યા ત્યારે તેમને કેટલાક ખ્રિસ્તી મિશનરીઓ અવારનવાર હેરાન-પરેશાન કરતા, કારણ કે તેઓ એમનું ધર્મ પરિવર્તન કરવા માગતા હતા. પરંતુ નરેન્દ્રે જ્યાં સુધી એ વિશે વિજય ન સાંપડ્યો ત્યાં સુધી એ મિશનરીઓ સાથે મુદ્દાસર ચર્ચા કરવામાં અને તેમની સાથે પડકાર ફેંકવામાં જરાય ખચકાટ ન અનુભવ્યો. પછી સ્વામીજી તેમને ઈશુખ્રિસ્તની મહાનતા વિશે સમજાવતા. સ્વામી વિવેકાનંદની સાથે એ દિવસોમાં બારાનગર મઠમાં રહેતા સ્વામી સદાનંદે કહ્યું છે કે અનેક મુશ્કેલીઓ અને હતાશાઓની વચ્ચે શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યોએ ‘ભગવદ્‌ ગીતા અને ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ તે સમયના મઠના આ બે પ્રિય પુસ્તકોની સેંકડો પ્રતો ખરીદીને (વાચકોમાં) વહેંચવા માટે’ કેટલુંક ફંડ માગીભીખીને એકઠું કર્યું. (ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ, વો. ૧, પૃ.૧૫૭)

પોતાના ભારત પરિભ્રમણ કાળના પરિવ્રાજક અવસ્થામાં આ પુસ્તકની એક પ્રત અને ભગવદ્‌ ગીતા હંમેશા એમની સાથે રહેતી. આમાંથી તેઓ વારંવાર વાચન કરતા, તેનું ચિંતન-મનન પણ કરતા, કેટલાક અંશો મુખસ્થ કરી લેતા અને એ આદર્શો અને વિચારો પર ધ્યાન પણ કરતા. આનાથી સ્વામીજીનો ઈશુખ્રિસ્ત પ્રત્યેનો ભક્તિભાવ ઘણો વૃદ્ધિ પામ્યો હતો. પશ્ચિમના દેશોમાં સ્વામીજીએ એક વખત ત્યાંના શ્રોતાજનોને આ પ્રશ્ન પૂછ્યો હતો: ‘તારી પાસે જે કંઈ છે તે બધું વેંચી કાઢ અને તેની નીપજ ગરીબોને આપી દે ઈશુખ્રિસ્તના આ સંદેશમાં આપ સૌ માનો છો ખરા?’ (કંપ્લીટ વર્ક્સ ઓફ સ્વામી વિવેકાનંદ, વો. ૧, પૃ.૪૨૯) આ વાણીમાં સમાનતાનો ભાવ કેટલો બધો રહ્યો છે. શાસ્ત્રોમાંથી તેના નિચોડ સમા સત્યને જ જેવું છે તેવું અપનાવવું અને તેમાં કશીયે બાંધછોડ ન કરવી, આ હતો ઈશુનો સાચો સંદેશ.

સ્વામીજીના પરિવ્રાજક જીવનનું વર્ણન કરતાં એમના શિષ્યોએ ‘ધ લાઈફ ઓફ સ્વામી વિવેકાનંદ’ પૃ.૨૧૨માં આમ કહ્યું છે: ‘તેમનો દેહ અને દેહનાં હલનચલન, સદ્‌ભાવને લીધે સહજ બની જતાં. એમની તેજસ્વી આંખો અને શાહી વ્યક્તિત્વને લીધે એમની મહત્તા એની મેળે સૂચિત થઈ જતી હતી, અને તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં એમનું પ્રભાવક વ્યક્તિત્વ ઊભરી આવતું. હાથમાં દંડ-કમંડલ અને ઝોળીમાં ભગવદ્‌ગીતા અને ‘ધ ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટ’ લઈને આ ભગવાં ધારી સંન્યાસીએ પોતાનું પરિભ્રમણ આનંદ અને શાંતિ સાથે ચાલુ રાખ્યું.’

જૂનાગઢમાં વાતચીત ચર્ચા વખતે સ્વામીજીએ મોટે ભાગે ઈશુખ્રિસ્ત વિશે જ વાતો કરી હતી. પશ્ચિમની દુનિયાના નીતિશાસ્ત્રના પુનરુદ્ધાર પર ઈશુની અસર વિશે પણ વાત કરી હતી. યુરોપની મધ્યયુગીન કલા, રાફેલના સુખ્યાત ચિત્રો, સેન્ટ ફ્રાન્સિસ ઓફ એસિસિની પ્રેમભક્તિ, ગોથિક શૈલીના કેથેડ્રલ, ધર્મયુદ્ધો, એની રાજ્ય વ્યવસ્થાઓ, એના સાધુસંપ્રદાયો, એમનું ધાર્મિક જીવન તમામ બાબતો પર સંન્યાસી ઈશુના બોધના પ્રભાવને એમણે વર્ણવ્યો હતો. આ પછી તેઓ સનાતન ધર્મની વિશેષતાઓનું વર્ણન કરવા લાગ્યા. દેશભક્તિના ભાવમાં તેમણે સમજાવ્યું કે હિન્દુ ધર્મની પાશ્ચાત્ય ધર્મ પર કેટલી મોટી અસર હતી! તેમણે દક્ષિણેશ્વરના સંતના જીવન સંદેશ વિશે પણ કહ્યું અને આમ જૂનાગઢના લોકો શ્રીરામકૃષ્ણદેવ વિશે જાણતા થયા. જૂનાગઢમાં ઘણા પરંપરાવાદી હિન્દુ પંડિતો સાથે સ્વામીજીની લાંબી ચર્ચા થઈ હતી.

‘ક્રાઈસ્ટનું અનુકરણ’ ભાગ – ૧, (સાર્વલૌકિક ધર્મ) આ પુસ્તક શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાએ ૧૯૧૫-૧૬માં પ્રસિદ્ધ કર્યું હતું. તેના ઉપોદ્‌ઘાતમાં આ પુસ્તકના લેખન માટે સ્વામી વિવેકાનંદની પ્રેરણા, સ્વામીજી સાથે એમણે ગાળેલા થોડા દિવસોનાં મધુર સંસ્મરણો વિગતવાર આ રીતે વર્ણવ્યાં છે :

‘બંગાલમાંથી હમણાં જે વિદ્વાન વર્ગના યુવાન સાધુઓ નિ:સ્વાર્થ દેશ-સેવા કરવા માટે આત્મભોગ આપીને બહાર પડેલા છે, અને જેમણે ઈંગ્લેન્ડ તથા અમેરિકા સુધી પહોંચીને ત્યાં પણ આપણા સનાતન ધર્મનો વિજયધ્વજ ફડફડાવ્યો છે; તથા માત્ર આર્થિક સંપત્તિ સંપાદન કરવામાં જ મનુષ્યનું સર્વ કર્ત્તવ્ય સમાયેલું છે એમ માની બેઠેલા, ભરત ખંડને કેવળ પશુમય જીવન ગાળતા-જગન્નનાથજીના રથ તળે કચડાઈ જવામાં જ મહત્તા સમજતા-નાસ્તિકોથી વસેલો ગણતા અમેરિકનોને જેમણે જીવનરૂપી ઢાલની બીજી બાજુ બતાવીને ચિરકાળથી આવેલાં અજ્ઞાનનાં પડળ દૂર કરી, આપણી આર્યભૂમિના અપ્રતિમ ગૌરવનું-પ્રાચીન મહર્ષિઓનાં મહાવાક્યનું, વેદ-વેદાન્તાદિ અનુપમ ગ્રંથોના અસ્તિત્વનું-ભાન કરાવ્યું છે; અને તેને પરિણામે આપણી આર્યપ્રજા ઉપર સ્નેહભાવ-ભ્રાતૃભાવ-સમભાવ ઉત્પન્ન કર્યા છે; આપણા સનાતન ધર્મના ગ્રંથોનો અભ્યાસ કરવાની આકાંક્ષા જાગૃત કરી છે; અને અનેક સંસ્થાઓ સ્થાપીને હજારો વિદેશીઓને દેશી જેવા સ્વધર્મી બનાવી દીધા છે; વેદઘોષ એટલા દૂર દેશોમાં પણ ગજાવી મૂક્યો છે- તેમના અગ્રણી સદ્‌ગત સ્વામી શ્રી વિવેકાનંદનું નામ આજ એવું તો સુપ્રસિદ્ધ છે કે તેમનું ઓળખાણ કરાવવું એ સૂર્યની પ્રતીતિ ચક્ષુમય વ્યક્તિઓને કરાવવા તુલ્ય છે.

એ મહાત્માના ઈંગ્લેન્ડના તથા અમેરિકાના પ્રવાસની પૂર્વે અમુક દિવસ તેઓએ ઈ.સ. ૧૮૮૮-૮૯(હકીકતમાં ૧૮૯૧-૯૨)માં જૂનાગઢમાં મરહુમ દીવાન હરિદાસભાઈનું આમંત્રણ સ્વીકારીને વાસ કર્યો હતો. તે વેળા આ લખનારને એમના ગાઢ સંબંધમાં આવવાનો અલભ્ય લાભ મળ્યો હતો. એમનું દર્શન થતાં જ એમની ભવ્ય, તેજસ્વી, પ્રચંડ આકૃતિ સ્વાભાવિક પ્રેમ ઉત્પન્ન કરતી; અને સમાગમ થતાં એમના સંભાષણનું માધુર્ય, એમની નૈસર્ગિક વકતૃત્વ શક્તિ, એમની સુજનતા. એમનું અલૌકિક દૈવી ગાન, એમની નિરભિમાનિતા, એ સર્વ ગુણો એવા તો આકર્ષક લાગતા કે એમના સહવાસમાં આવેલામાંથી ભાગ્યે જ કોઈને એમના ઉપર પ્રેમનો ઉમળકો આવ્યો નહિ હોય. સાધુ સંન્યાસીઓ અંગ્રેજી ભણેલા હોય છે એવું એમના સંસર્ગ પહેલાં પરંતુ જાણતાં નહોતા. જ્યારે સાંભળવામાં આવ્યું કે સ્વામી વિવેકાનંદજી પોતે અંગ્રેજી જાણે છે ત્યારે અમને તો ઘણી નવાઈ લાગી; ને તે વળી વિશેષ એટલા માટે કે તે વેળાના તાજા ગ્રેજ્યુએટોમાં વાતા નાસ્તિકતાના વાને લઈને અમને તો એમ જ લાગતું હતું કે અંગ્રેજી ભણેલા તે વળી કંઈ સાધુ થતા હશે? આપણા ધર્માંધ, જૂના જમાનાના, કહેવાતા ભાવિકો, એ રસ્તો ગ્રહણ કરે તે તો ઠીક, પણ કોઈ અંગ્રેજી ભણીને ‘સુધરેલા’ મતના થયા હોય તેને એવો ઢોંગ કરવો ગમે, એ અમારી તે વખતની સમજમાં ઉતરતું ન હતું. અમારી આ ભૂલ દૂર કરનાર એ મહાત્મા જ હતા. એમને અમે બ્હીતે બ્હીતે (બીતાં બીતાં) પૂછ્યું કે ‘મહારાજ આપ અંગ્રેજી જાણો છો? ત્યારે એમણે હસીને ઉત્તર આપ્યો કે- હા કુછ થોડા જાનતા હું’ કેવી નિરભિમાનિતા! જેમણે થોડાક સમયમાં અમેરિકા પધારીને ત્યાં મળેલા દેશવિદેશના મહા સમર્થ ધર્માચાર્યોની સભા વચ્ચે ઉભા થઈને પોતાનાં ભગવાં વસ્ત્રો, પોતાના ઉગ્ર તેજસ્વી સ્વરૂપથી જ સર્વને આંજી નાખ્યા હતા; અને અંગ્રેજી ભાષાના પોતાના અદ્‌ભૂત વાગવિભવથી જેમણે મેઘગર્જના જેવા ગંભીર સ્વર વડે આખી ધર્મ-પરિષદને ગજાવી મુકી હતી; એટલું જ નહિ પણ સર્વ પ્રેક્ષકોને સ્તબ્ધ બનાવી દઈને જેમણે ‘I came, I saw, I conquered’ એ સુવિદિત સૂત્ર પ્રમાણે ત્યાંની સભામાં મળેલા વિદ્વાનોમાં જ નહિ પણ વર્તમાન-પત્રો દ્વારા આખા અમેરિકામાં અને ખરું કહીએ તો આખી સુધારેલી દુનિયામાં સ્વલ્પ કાલમાં જ આપણા પુરાતન ધર્મનું અર્વાચીન શાસ્ત્રપદ્ધતિથી પ્રતિપાદન કરનાર સાધુ પુરુષ તરીકે અમર કીર્તિ મેળવી – તે મહાત્માના મુખમાંથી આવા નમ્ર્રતા ભરેલા શબ્દો તે વેળા નીકળેલા હતા તે સંભારી કાઢતા એમને આજે એમની સાદાઈ વિશે કેવો માન-પ્રદ વિચાર આવે છે?

એમની અગાધ શક્તિના સંબંધમાં તે વેળા શિકાગોના એક મુખ્ય વર્તમાનપત્રમાં જે ટીકા આવી હતી તે આર્યજનોએ આજ પણ મનન કરવા યોગ્ય છે. તેમાંના લેખકે જણાવ્યું હતું કે : ‘એમને જે જે પ્રશ્ન પૂછવામાં આવતા તેના ઉત્તર વિદ્યુત-પ્રવાહની પેઠે ઝળકારા મારતા, એમના અજાયબ જેવા મગજમાંથી સત્વર નીકળતા, અને જે કોઈ એવા પ્રશ્નો કાઢવાની હિંમત ધરતો તે આ હિંદવાસી સાધુના ઝગઝગતા બુદ્ધિ-પ્રભાવરૂપી ભાલા વડે વિંધાઈ જતો. એમની પ્રૌઢ પ્રજ્ઞા, ગંભીર વિચાર શક્તિ તથા શાસ્ત્રાભ્યાસથી સુવિકસિત થયેલા મનની વિચિત્ર ચેષ્ટાઓ જોઈને શ્રોતાઓ મુગ્ધ થતા અને એમના ઉત્તરોથી સર્વને ઘણો આનંદ મળતો. સૂક્ષ્મ વિવેક-બુદ્ધિથી એઓ ક્રિસ્ટીયન ધર્મમાંનાં સારાં નરસાં તત્વોનું બેધડક વિવેચન કરતા. જેઓને એ ભગવાં વસ્ત્રવાળા તેજસ્વી સ્વામીના અસાધારણ વકતૃત્વનો એકવાર પણ પરિચય થતો તેમના ઉપર એમની સુંદર આકૃતિની આકર્ષણ શક્તિ- એમની બોલવાની છટા- એમની ભાષાનું માર્દવયુક્ત માધુર્ય – એમનું પરિપૂર્ણ વિષય-ગ્રાહકત્વ-આદિ એટલી ઊંડી અને ચમત્કારિક અસર કરતાં કે તેઓ ફરી ફરી તેમને સાંભળવા જતા. એ પરિષદમાં ભાષણ કરનારાઓમાં કોઈને જો વધારે ગર્જનાયુક્ત હર્ષનાદથી વધાવી લેવામાં આવ્યા હોય-વારંવાર વળી વળીને બોલાવવામાં આવ્યા હોય -તો તે વિવેકનંદ જ હતા.’

એઓએ એમ.એ.(હકીકતમાં બી.એ.)ની ડિગ્રી કલકત્તા યુનિવર્સિટીમાં મેળવી હતી, અને પોતાના વિચક્ષણ બુદ્ધિ-પ્રભાવથી નાનપણમાં જ પોતાના દેશમાં મ્હોટું નામ કાઢ્યું હતું – એ તો અમે ઘણું મોડું જાણ્યું હતું. ક્રિસ્ટીયન પાદરીઓ સાથે પણ એમને બાલ્યવસ્થામાં ઝપાઝપી થયેલી અને આપણા ધર્મના દોષ કાઢતાં તેઓ પોતે દોષરહિત નથી એમ એમણે તેમને દર્શાવેલું હતું.

એમના જેવા, માત્ર પરોપકરાર્થે જ સંસાર-ત્યાગ કરીને નીકળી આવેલા, શુદ્ધ સાધુ પાસે સામાન તો કંઈ હોય જ શાનો! માત્ર બે ત્રણ ભગવાં વસ્ત્રની એક પોટલી અમારા જોવામાં આવી હતી, અને અતિ પરિચય પછી જ્યારે એમની પાસે હું એકવાર બેઠો હતો અને પોતે તે પોટલી છોડી ત્યારે તેમાં મ્હારા જોવામાં માત્ર બે જ ચીજો આવી. એક તો એમના પરમ પૂજ્ય ગુરુજી સ્વામીશ્રી રામકૃષ્ણની છબી, અને બીજું ધી ઈમિટેશન ઓફ ક્રાઈસ્ટનું પુસ્તક. છબીને માટે તો મને પણ ગૌરવ ઉત્પન્ન થયું, – જો કે તે વેળા અમે તો મહાત્માનું નામ પણ ભાગ્યે જ સાંભળ્યું હતુ; પણ આ અંગ્રેજી પુસ્તક અને તે વળી ક્રાઈસ્ટને લગતું – ઈસુ ખ્ર્રિસ્તનું -આપણા હિંદુ ધર્મનો પ્રચાર કરવા નીકળેલા સંન્યાસી પાસે જોવાથી મને તો તે વેળા ઘણું જ આશ્ચર્ય લાગ્યું. અને તે પછી અમારામાંના જેણે જેણે તે જોયું તેને પણ તેવો જ વિસ્મય થયો. ક્રિસ્ટીયાનિટી એ હિંદુ ધર્મથી વિરુદ્ધ છે; પાદરીઓ આપણી પ્રજામાંના હલકા વર્ગના લોકોને ખોટું સમજાવી પોતાના ધર્મમાં લઈ જઈ ભ્રષ્ટ કરે છે, એમ અમે સર્વ માનતા; અને આપણા સાધુ સંન્યાસીઓનું કર્તવ્ય તેમનાં ભાષણોની અસર દૂર કરીને આપણી પ્રજાને આપણા આર્ય ધર્મમાં જ સ્થિર રખાવી – સ્વધર્મનો ત્યાગ નહિ કરવા શિક્ષણ આપવું – એ જ હોવાનું અમે સમજતા હતા તેથી તેઓ એ જ આ ક્રાઈસ્ટ સંબંધી પુસ્તકને આવો આદર-ભાવ આપેલો જોઈને અમને તો એમ પણ શંકા થઈ કે રખેને એઓ અંદરખાનેથી કોઈ મિશનરી હોય!! મ્હારા ઉપરની એમની પ્રીતિને લીધે મ્હેં હિંમત ધરીને એમને વિનીત ભાવે પ્રશ્ન કર્યો કે : 

‘મહારાજ! આપ તો હિંદુ ધર્મના પ્રવર્તક છો અને આ ખ્ર્રિસ્તી ધર્મનું પુસ્તક કેમ રાખો છો? આપે તો વેદાન્તાદિનાં પુસ્તકો સાથે રાખવા ઉચિત છે.’ તેના જવાબમાં એમણે અતિ નમ્ર્રતાથી મને જણાવ્યું કે : ‘ભાઈ, સર્વ ધર્મનાં તત્ત્વ એક જ છે. ક્રિસ્ટીયાનિટી કંઈ બીજો બોધ કરે છે અને આપણા વેદ કંઈ બીજું કહે છે એમ નથી. આપણામાં મનાતા ઈશ્વરના અવતાર રૂપે જ ક્રાઈસ્ટ – મહંમદ પેગંબર-ઝોરોઆસ્ટર એ સર્વ મહાપુરુષો, દૈવી નરો, ઈશ્વરની વિભૂતિવાળા જ થઈ ગયા છે અને તેમ ન હોત તો જગતની પ્રજાઓનો આટલો મોટોભાગ તેમને માટે આવી માનની લાગણી આજ સુધી ધરાવતો ન હોત.

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाऽयहम्॥

એ અક્ષરશ: સત્ય છે, અને ભરતખંડ એકલામાં જ જેમ આખી પૃથ્વી સમાયેલી નથી તેમ ઈશ્વરનાં રૂપ આપણા દેશમાં અવતરે ને બીજા દેશોમાં ન અવતરે એમ માનવું એ પણ ભૂલ ભરેલું છે. દૈવી શક્તિ વિના કોઈ ખરી રીતે પૂજાતું નથી; અને આપણી પ્રજા જેવી જ બીજી પ્રજાઓ જ્યારે કોઈ વ્યક્તિને ઈશ્વરવત્‌ માનતી હોય ત્યારે આપણે એટલું તો સ્વીકારવું જ જોઈએ કે તેનામાં પણ ઈશ્વરી અંશ હોવો જ જોઈએ. માટે ખરી રીતે આપણા કૃષ્ણ ભગવાન, રામચંદ્રજી આદિને જેવા આપણે પૂજ્ય ગણીએ છીએ તેવા જ ક્રાઈસ્ટને પણ ગણવા જોઈએ; અને ‘उदारचरितानां तु वसुधैव कुटुबकं એ ન્યાયને અનુસરીને ભેદભાવ ગણવો ન જોઈએ. સર્વ ધર્મોમાં નીતિનાં સૂત્ર, સદાચારના નિયમો, ઈશ્વરી આજ્ઞા માનવાના આદેશો, સરખા જ છે; માત્ર તેનો અર્થ કરનારાઓની એકદર્શી દૃષ્ટિને લઈને કે મતાન્ધપણાને લઈને કે અજ્ઞાનતાને લઈને તેવી દૈવી આજ્ઞાઓનો અનર્થ કરવામાં આવે છે; સ્વાર્થબુદ્ધિને લઈને ખોટા ઉપદેશો કરવામાં આવે છે; ધર્મને બહાને અધર્મની પ્રવૃત્તિ થાય છે; એક બીજા ઉપર દ્વેષ રાખવાનો ઉપદેશ થાય છે; અને પરસ્પર વિરોધ ઉત્પન્ન થાય છે. હું જ્યારે નાનો હતો ત્યારે ક્રિસ્ટીયન મિશનરીઓનાં દેવળોમાં જતો અને બાઈબલનો ઉપદેશ તેઓ કરતા તે સાંભળતો તે વેળા બાઈબલના અમુક શબ્દોનો વાસ્તવિક અર્થ કરવો જોઈએ તેને બદલે તેઓ બીજી રીતે કરીને ઈશ્વરની શી ઇચ્છા છે તે, જનસમૂહને, પોતાના મત પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કરતા ત્યારે હું તેમની સામે ઉભો થતો, અને તેમના એ માની લીધેલા સ્વાર્થી મતનું ખંડન કરતો; તેથી તેઓ મને કેટલીકવાર તેમનાં મંદિરોમાં ફરીથી આવવાનો જ અટકાવ કરતા; પરંતુ મ્હારા મનને તેથી ખાતરી થતી કે તેઓ ખરો અર્થ સમજે છે ખરા, પણ સ્વાર્થ સાધવાની ખાતર જ આવો ખોટી રીતે લલચાવનારો ઉપદેશ અજ્ઞજનોને કરે છે.’

આવી ચર્ચા થયા પછી તેઓએ અમને તે ગ્રંથ હાથમાં લઈને વાંચી જોવા પ્રેરણા કરી, અને તેનું મનન કરતાં અમને પણ લાગ્યું કે તેમાં ઉમરાતાં, સત્વર મનમાં અસર કરે એવાં સત્ય વચનો-તેમાંનાં ઉપદેશનાં વાક્યો – એવાં તો સર્વમાન્ય છે કે ક્રાઈસ્ટનું નામ તેની સાથે જોડાયાથી તેને અડકતાં અભડાઈ જઈએ એવી જે અમે સ્થૂલ દૃષ્ટિ રાખી હતી તે ભૂલ ભરેલી છે. મહેરબાન હરિદાસભાઈને પણ તેવી જ ખાતરી થઈ અને સ્વામીજીની ઇચ્છાથી તેમણે તેની અનેક પ્રતિઓ મંગાવીને પોતાના સંબંધમાં આવનાર કેટલાક સંસ્કારી પુરુષોને તેની ભેટ આપી. તેની ખરી કિંમત સમજવામાં, – તેને અનુસરીને જીવન ગાળવાથી પોતાની ભવ સુધારવામાં, – ઘણાકને મ્હોટું સાહાય્ય કર્યું. સ્વામીજીની આ કૃપા અમારા ઉપર કંઈ જેવી તેવી ન હતી. તમે દિવસથી પ્રાત:કાળે તથા રાત્રિએ સુતા પહેલાં એ ગ્રંથનો અમુક ભાગ વાંચવાનો મેં નિયમ રાખ્યો હતો; અને તેની અસર મારા મન પર જે થઈ છે – તેનાથી અનેક સંકટોને સમયે જે દિલાસાઓ અને ધીરજ મળ્યાં છે તે અવર્ણનીય છે.

આવા સદુપદેશના ભંડારમાંથી કંઈ કંઈ રત્નો વીણી કાઢીને આપણી ગુર્જર પ્રજા સમક્ષ મુકવાની મને ઘણા કાળ ઉપર તીવ્ર ઇચ્છા થઈ હતી પણ અવકાશને અભાવે તે આજ સુધી ફલીભૂત થઈ ન હતી. હવે ઈશ્વરકૃપાથી કંઈક તેવો પ્રયત્ન કરવાની અનુકૂળતા પ્રાપ્ત થતાં યથાવકાશે કંઈક કંઈક તેમાંથી વાચકવર્ગ સમક્ષ મુકવાની હું હિંમત કરું છું. પરંતુ હું સમજું છું કે મારો પ્રયત્ન तितीर्षु र्दुस्तरं मोहादुडुपेनाऽस्मि सागरम् એ મહાવાક્યમાં આપણા મહાકવિએ ખુબીથી વર્ણવ્યા પ્રમાણે હોડકામાં બેસીને મહાસાગર તરવાની હામ ભીડવા જેવો છે. કેમકે અંગ્રેજી ભાષામાં આ મહર્ષિના અગાધ ગાંભીર્યયુક્ત વિચારો જેવી લાવણ્યતાથી તથા છટાદાર પણ સરલ શૈલિથી ઉતરેલા છે તેવી મને તો પ્રાપ્ત કરવાની આશા જ નથી. પણ ‘ફુલ નહિ ને ફુલની પાંખડી’ એ નિયમે વાચક વર્ગ જો તેનો સત્કાર કરશે. અને તેના મનનથી કોઈપણ જીવન સાફલ્ય કર્યાનો કંઈ પણ લાભ મેળવશે તો હું કૃતકૃત્ય થયો છું એમ માનીશ.

આ સાથેના ભાષાંતરની નીચે આપણાં ધર્મશાસ્ત્રો, નીતિ આદિનાં શતકો, કાવ્યો, નાટકો વગેરેમાંથી તેવા જ વિચાર દર્શાવનાર શ્લોકો મૂકેલા છે તેથી વાંચનારને ખાતરી થશે કે સર્વ ધર્મના સિદ્ધાંત એક જ છે. આ શ્લોકોમાંના કેટલાક મેળવી આપવામાં મને અહીંની પાઠશાળાના શાસ્ત્રીજી મૂળશંકર દયારામની વિદ્વતાનો લાભ મળેલો છે તે માટે તેમનો અંત:કરણપૂર્વક આભાર માનું છું.’

(‘ક્રાઈસ્ટનું અનુકરણ અથવા સાર્વલૌકિક ધર્મ’ – પુસ્તક પહેલું, અનુવાદક : શ્રી છગનલાલ હ. પંડ્યા, ઈ.સ. ૧૯૧૫-૧૬, જૂનાગઢ, ઉપોદ્‌ઘાત, પૃ.૯-૧૫)

સ્વામી વિવેકાનંદે ૧૮૮૯માં થોમસ એ કેમ્પિસ કૃત ‘ધ ઈમિટેય્‌શન ઓફ ક્રાઈસ્ટ’ના ખંડ ૧નાં ૧-૬ પ્રકરણોમાંથી કેટલાક ફકરાઓનો બંગાળી અનુવાદ કર્યો હતો. ‘સાહિત્ય કલ્પદ્રુમ’ નામના તે સમયે નીકળતા એક બંગાળી – માસિકમાં એ અનુવાદ પ્રગટ થયો હતો. સ્વામીજીની પ્રસ્તાવના સાથેનો બંગાળી અનુવાદ ‘ઈશાનુશરણ’ શીર્ષક હેઠળ બંગાળી કંપ્લીટ વર્ક્સ (૧લી આવૃત્તિ)ના વો. ૬માં પૃ. ૧૬-૨૮ પર પછીથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. પણ, કંપ્લીટ વર્ક્સની અંગ્રેજી આવૃત્તિ (વો. ૮)માં માત્ર પ્રસ્તાવના જ પ્રકાશિત કરવામાં આવી હતી. પછીથી ૧૯૯૭માં કંપ્લીટ વર્ક્સની અંગ્રેજી આવૃત્તિ (વો. ૯) પૃ.૨૯૩ થી ૨૯૯માં ઉપરોક્ત બંગાળી ગ્રંથમાંથી અંગ્રેજી અનુવાદ પ્રકાશિત થયો હતો. ‘ઈમિટેય્‌શન ઓફ ક્રાઈસ્ટ’ના સ્વામી વિવેકાનંદના અનુવાદ ખંડોમાં થોમસ એ કેમ્પિસના વિચારોને સમાન્તર હિંદુ શાસ્ત્ર વાક્યો પાદટીપ તરીકે ટંકાયાં છે અને ટીકા પણ છે. 

જૂનાગઢમાં સ્વામી વિવેકાનંદ સાથેની શ્રી છગનલાલ હરિલાલ પંડ્યાની સુદીર્ઘકાળની મુલાકાત વખતે આ પુસ્તકના પોતે કરેલા બંગાળી અનુવાદ અને એ વિચારોને સમાંતર હિંદુ શાસ્ત્રની ઉક્તિઓ જોડી હતી એવી ચર્ચા ચોક્કસ થઈ હશે. એટલે આપણે એ સ્પષ્ટપણે કહી શકીએ કે સ્વામીજી પાસેથી આ ગ્રંથના અનુવાદની સારી એવી પ્રેરણા મેળવીને શ્રી છગનલાલ પંડ્યાએ જાણે કે સ્વામીજીનું અધૂરું કાર્ય પૂરું કર્યું.

(ક્રમશ:)

Total Views: 101

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.