શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં સરસ્વતીપૂજાનું આયોજન

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના શ્રીમંદિરમાં પરંપરાગત રીતે તા. ૨જી ફેબ્રુઆરીને વસંતપંચમીના રોજ દિવ્ય વાતાવરણમાં શ્રીશ્રી સરસ્વતીની પૂજાનું આયોજન થયું હતું. સવારથી જ સ્તોત્ર, ભજન પાઠ તથા વિશેષ પૂજા, હવનનું આયોજન થયું હતું. શ્રીશ્રી સરસ્વતીની પૂજા-અર્ચના બ્ર. સુમન મહારાજે કરી હતી તથા તંત્રધારક

 સ્વામી ત્યાગમયાનંદ હતા. વિવિધ શાળાઓના ૧૦૦૦ જેટલા વિદ્યાર્થીઓએ તથા અનેક ભક્તોએ પોતાની ભાવભરી પુષ્પાંજલિ શ્રીશ્રીમા સરસ્વતીને અર્પણ કરી હતી. આ દિવસે બપોરે ૯૫૦ જેટલા ભક્તો તથા વિદ્યાર્થીઓએ પ્રસાદ લીધો હતો.

રામકૃષ્ણ મિશન-વિદ્યાલય, કોઈમ્તૂરનો પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ

૨૭ જાન્યુઆરી થી ૫ ફેબ્રુઆરી ૨૦૦૬ સુધી રામકૃષ્ણ મિશન-વિદ્યાલય, કોઈમ્તૂરમાં પ્લેટિનમ જ્યુબિલી મહોત્સવ ઉજવાયો હતો. આ મહોત્સવમાં ૨૭, ૩૦, ૩૧ જાન્યુઆરીના રોજ સવારે ૯ થી સાંજે ૫ વાગ્યા સુધી યુનિવર્સિટી કક્ષાની ક્વીઝ, આંતરશાલેય ચિત્ર, ક્વીઝ, વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન થયું હતું.

૧ ફેબ્રુઆરીના રોજ સવારે ૮ થી સાંજના ૬ વાગ્યા સુધી અપંગો માટેની ત્રીજી જુનિયર રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ અને સવારે ૯ થી સાંજના ૫ આંતર કોલેજ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન થયું હતું. ૨ ફેબ્રુઆરીના રોજ અપંગો માટેની ત્રીજી જુનિયર રાષ્ટ્રિય ચેમ્પિયનશિપ અને આંતર કોલેજ પ્રદર્શન સ્પર્ધાઓનું સવારે ૯ થી સાંજે ૫ સુધી આયોજન થયું હતું.

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં યુવા દિનની ઉજવણી

સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પ્રસંગે વિદ્યાર્થીઓ માટે વિવેકાનંદ દોડ, વક્તૃત્વ સ્પર્ધા, વેશભૂષા, સંગીત, મુખપાઠ, નિબંધ, ચિત્ર, ઝાંખી દર્શનનું આયોજન થયું હતું. જી.એસ. કુમાર વિદ્યાલય, લીંબડીના આચાર્ય શ્રી પ્રકાશભાઈ સોનીએ સ્પર્ધાઓનો શુભારંભ કરાવ્યો હતો.

૨૪ જાન્યુઆરીએ સવારે આ સ્પર્ધાના વિજેતાઓ માટે પારિતોષિક વિતરણ સમારંભ અને શોભાયાત્રાનું આયોજન થયું હતું. શોભાયાત્રા ટાવર બંગલેથી નીકળીને રામકૃષ્ણ મિશન સુધી આવી હતી. શોભાયાત્રામાં સાત ફલોટ્‌સ હતા. ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને વિશાળ સંખ્યામાં નગરજનો આવ્યા હતા. સભાને જાણીતા કેળવણીકાર શ્રી નાગજીભાઈ દેસાઈ અને 

શ્રી કિરીટસિંહ રાણાએ સંબોધ્યા હતા. વિદ્યાર્થીઓએ વક્તૃત્વ, મુખપાઠ અને સંગીતની ઝલક રજૂ કરી હતી. શ્રી નરેન્દ્રસિંહજીએ આભાર દર્શન કર્યું હતું. 

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા નેત્રયજ્ઞ

રામકૃષ્ણ મિશન, લીંબડી દ્વારા તા. ૧૬ ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ એક નિ:શુલ્ક નેત્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૮ દર્દીઓ (૪૬ ભાઈઓ અને ૫૮ બહેનો)ને નિ:શુલ્ક દવા આપવામાં આવી હતી અને ૨૦ દર્દીઓનાં મોતિયાનાં નિ:શુલ્ક ઓપરેશન વીરનગરની હોસ્પિટલમાં કરવામાં આવ્યાં હતાં.

રામકૃષ્ણ મઠ, નાગપુરમાં ભગવાન શ્રીરામકૃષ્ણના વિશ્વમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઇતિહાસ

મહારાષ્ટ્ર રાજ્યના વિદર્ભ વિસ્તારમાં નાગપુર અત્યંત મહત્ત્વનું નગર છે. વત્સગુલ્મ (આજે વાસિમ) નામે જાણીતા સ્વતંત્ર રજવાડાનો નાગપુર જિલ્લો એક ભાગ હતો. ૧૩મા સૈકામાં શ્રીવર્ધન શહેર (આજના નાગપુરની નજીક) યાદવોના રાજ્યનો એક ભાગ હતું. આ યાદવો દેવગિરિ (આજના મહારાષ્ટ્રમાંના દૌલતાબાદ-ઔરંગાબાદ)થી રાજ્યનો કારોબાર ચલાવતા હતા. નાગપુરના કિલ્લેબંધ કેન્દ્રીય વિસ્તારમાં ઘણા રાજમહેલો આવેલા છે. સાથે સાથે ત્યાં ભોસલે રાજાઓના અમીરોનાં સમાધિસ્થળો, પ્રાચીન મંદિરો અને ઈમારતો (વાડાઓ) પણ આવેલાં છે. આ રાજાઓ મરાઠા સામ્રાજ્યની સત્તા હેઠળ નાગપુરને રાજધાની તરીકે રાખીને વિદર્ભ પ્રદેશ પર રાજસત્તા ચલાવતા હતા. ૧૯૫૬માં મુંબઈ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું ત્યાં સુધી નાગપુર મધ્યપ્રદેશની રાજધાની હતું. ભારતની લગભગ મધ્યમાં ઉત્તર-પ્રદેશ ધરીના કેન્દ્રમાં રહેલું નાગપુર મહારાષ્ટ્રની બીજી રાજધાની છે એટલું જ નહિ, મધ્યભારતનું મહારાષ્ટ્રના ઉત્તર વિસ્તાર અને મધ્યપ્રદેશના દક્ષિણ વિસ્તારની જરૂરિયાતોને સંતોષતું વાણિજ્યવિષયક અને શૈક્ષણિક કેન્દ્ર પણ છે.

નાગપુર ભારતનું ભૌગોલિક કેન્દ્ર છે – ‘શૂન્ય માર્ગદર્શક સ્તંભ.’ આ શૂન્ય માર્ગદર્શક સ્તંભની જગાએ શૂન્ય માર્ગદર્શન સ્તંભ આવેલો છે. નાગપુર શહેરનાં મહત્ત્વપૂર્ણ તીર્થસ્થળો છે – (૧) તેલંગ ખેડી – હનુમાન મંદિર, (૨) કલ્યાણેશ્વર – શિવમંદિર (૩) ટેકડી ગણેશ – આ જગાએ સ્વયંભૂ ગણેશ રહેલા છે. ભક્તો શ્રદ્ધા ધરાવે છે કે આ ગણેશજી ભક્તોની ઇચ્છાઓ પૂરી કરે છે અને તેથી આ જગાએ ભાવિકોની ભીડ લાગતી હોય છે. (૪) કોરાડી – દેવી મહાલક્ષ્મીનું મંદિર.

નાગરપુરમાં રામકૃષ્ણ મઠ

શ્રીરામકૃષ્ણ સંઘના બીજા અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી શિવાનંદજી મહારાજે ૧૯૨૫ના ફેબ્રુઆરીમાં નાગપુરની પ્રથમ મુલાકાત લીધેલી અને રામકૃષ્ણ સંઘના કેન્દ્રના શ્રીગણેશ કરવા માટે બીજન્યાસ કર્યો હતો. એક સાદી સીધી ઝૂંપડીમાં નાગપુર મઠનો પ્રારંભ થયો હતો અને ત્યાં વિવિધ પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી હતી. આજે આપણે જે જોઈએ છીએ તે રીતે એનો વિકાસ થયેલો છે.

જ્યાં નવું મંદિર બાંધવામાં આવ્યું છે, ત્યાંના મકાનમાં જૂનું મંદિર આવેલું હતું. જેમ જેમ ભક્તોની સંખ્યા વધતી જતી હતી, તેમ તેમ મંદિરની તેમને સમાવવાની ક્ષમતા ઘટતી જતી હતી. મઠમાં કોઈપણ ઊજવણી પ્રસંગે મંદિરમાં બેસવા માટે ભક્તોને જગા બહુ જ ટૂંકી પડતી હતી. મઠમાં આવતા બધા ભક્તોને સુવિધા પૂરી પાડવા માટે વધારે મોટા મંદિરની જરૂર છે, એમ લાગ્યા કરતું હતું અને તેથી બે વર્ષ પહેલાં તેનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. ભગવાન શ્રીરામકૃષ્ણને સમર્પિત થયેલા વિશ્વ મંદિરનું બાંધકામ બે વર્ષ પહેલાં શરૂ કરવામાં આવ્યું હતું. હૈદરાબાદના આર્કિટેકટ શ્રી જી.વી. રેડ્ડી અને નાગપુરના ભાસ્કર કન્સ્ટ્રશન્સના સંયુક્ત પ્રયાસોથી મંદિરનું સુંદર માળખું બનાવવામાં આવ્યું હતું. બે વરસના નિર્ધારિત સમયમાં આ કામ પૂર્ણ થઈ ગયું હતું. આ મંદિરની ક્ષમતા ૪૫૦ ભક્તોને સમાવી લેવાની છે.. મંદિરની નીચેના ભૂમિગૃહમાં ૫૦૦ માણસો બેસી શકે એવો પ્રવચન ખંડ છે. આ ખંડમાં આધ્યાત્મિક તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે.

સાર્વજનીન મંદિરની પ્રાણપ્રતિષ્ઠા

૧૦મી ફેબ્રુઆરી, ૨૦૦૬ના રોજ સવારના ૬-૩૦ થી ૭-૩૦ દરમ્યાન વિશ્વમંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઊજવવામાં આવ્યો. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના બેલુરમઠના પરમાધ્યક્ષ પરમપૂજ્ય શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે મંદિર ભગવાન શ્રીરામકૃષ્ણને સમર્પિત કર્યું. રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશન, બેલુર મઠના ઉપાધ્યક્ષ પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ આ ભવ્ય પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા. આખી દુનિયામાંથી રામકૃષ્ણ મિશનનાં વિવિધ શાખા કેન્દ્રોમાંથી લગભગ ૩૫૫ સાધુઓ આ ઉત્સવમાં ભાગ લેવા માટે એકત્ર થયા હતા.

જૂના મંદિરમાંથી (પરિક્રમા) શોભાયાત્રા નીકળેલી તેમાં ભગવાનશ્રી રામકૃષ્ણ, માઁ શ્રી શારદાદેવી, સ્વામી વિવેકાનંદ, સ્વામી શિવાનંદ અને સ્વામી અખંડાનંદની છબિઓ સંઘના વરિષ્ઠ સંન્યાસીઓએ પોતાના વરદ્‌ હસ્તે ધારણ કરીને પરિક્રમા કરી હતી. પરિક્રમામાં બધા સાધુઓએ ભાગ લીધો હતો. જૂના મંદિરમાંથી પરિક્રમા નિયત સમયે ચાલુ થઈ અને નવા મંદિરના પરિસરમાં મુખ્ય દરવાજેથી દાખલ થઈ હતી. તેણે નવા મંદિરની પ્રદક્ષિણા ત્રણ વખત કરી હતી અને નવા મંદિરમાં ૭-૩૦ વાગે પ્રવેશ કર્યો હતો. ૩૫૫ સાધુઓનાં દર્શન લગભગ ૮૦૦૦ ભક્તોએ ભાવપૂર્વક કર્યાં હતાં. રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજે નવા મંદિરમાં શ્રીરામકૃષ્ણદેવને અર્ઘ્ય અર્પણ કર્યો હતો અને પ્રથમ મંગલ આરતી કરી હતી. બધા સાધુઓએ સાથે મળીને વૈદિક મંત્રોચ્ચાર તથા સંસ્કૃત સ્તવન ‘સર્વમંગલ માંગલ્યે..’નું ગાન કર્યું હતું. ત્યાર પછી બધા સાધુઓએ ભગવાન શ્રીરામકૃષ્ણદેવને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

નવ પ્રાણપ્રતિષ્ઠિત મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરીને બધા ભક્તોએ ભક્તિભાવપૂર્વક પ્રણામ કર્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં પોતે દર્શન કરી શક્યા એ બદલ ભક્તોએ પોતાનો આનંદ વ્યક્ત કર્યો હતો. પછી ભક્તોમાં પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

તે જ દિવસે સવારે ૧૧-૦૦ વાગે પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી ગહનાનંદજી મહારાજના વરદ હસ્તે ‘સ્વામી અખંડાનંદ હોલ’નું ઉદ્‌ઘાટન કરવામાં આવ્યું હતું.

મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉપરાંત તા. ૯ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ થી ૧૧ની સભામાં ‘શ્રીમા શારદાદેવી અને નારીજાગરણ’ વિશે તથા સાંજના ૫ થી ૬.૩૦ સુધી ‘સાર્વજનીન મંદિરની ઉપયોગિતા’ વિશે વિદ્વાન સાધુઓ તથા પ્રતિષ્ઠિત વ્યક્તિઓનાં પ્રવચનો રહ્યાં હતાં. સાંજે ૫ કલાકે શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના વરદ હસ્તે તાજેતરમાં જ મરાઠી તથા હિંદીમાં તૈયાર થયેલ વિવિધ પુસ્તકોનો તથા નવનિર્મિત મંદિરના ઉપલક્ષ્યમાં તૈયાર થયેલ સોવિનિયરનો વિમોચનવિધિ થયો હતો. સાંજે ૭ વાગ્યે જયરામવાટીના સ્વામી અનિમેષાનંદજી મહારાજના ભજનોનો કાર્યક્રમ ભાવિકોએ માણ્યો હતો.

તા.૧૦ના રોજ સાંજની સભામાં ‘શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ અને આધુનિક વિશ્વ’ વિશે વિવિધ વક્તાઓએ પોતાનાં પ્રવચનો રજૂ કર્યાં હતાં. સાંજે ૭ વાગ્યે સ્વામી સર્વગાનંદજી મહારાજના ભજનોનો કાર્યક્રમ ભાવિકજનોએ માણ્યો હતો.

તા. ૧૧ના રોજ સવારે સર્વધર્મસભાનું આયોજન થયું હતું. બપોરે ૩.૩૦ વાગ્યે નવનિર્મિત મંદિરના મુખ્ય આર્કિટેક શ્રી જી.વી. રેડ્ડીએ બાંધકામમાં પોતાને મળેલ પ્રેરણાની વિગતવાર રસપ્રદ ચર્ચા કરી હતી. આ દરમિયાન પરમ પૂજ્ય શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે મંદિરના બાંધકામમાં મદદ કરેલ સર્વેનું શાલ ઓઢાડીને સન્માન કર્યું હતું અને દરેકને સ્મૃતિચિહ્‌ન આપ્યાં હતાં. સ્વામી વિવેકાનંદના સેવાના આદર્શ વિશે વિવિધ વિદ્વાન વક્તાઓએ પ્રવચનો આપ્યાં હતાં. સાંજે ૭ કલાકે કોન્ટાઈ આશ્રમના સ્વામી દિવ્યવ્રતાનંદજી મહારાજના દિવ્ય સૂર રંજનીમાં અત્રે ઉપસ્થિત સાધુ તથા ભક્તજનો ભાવવિભોર થઈ ગયા હતા. ભગવાનશ્રી રામકૃષ્ણની કૃપાથી સમગ્ર કાર્યક્રમ ખૂબ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક રીતે ઉત્કૃષ્ટ બની ગયો. બધા સ્વયંસેવકો, કેટરર્સ, મંડપનું નિર્માણ કરનારા, સંગીતની સિસ્ટમ, ઈલેક્ટ્રીક પાવર પૂરો પાડનારા, ટ્રાફિક કન્ટ્રોલિંગ પોલીસ અને બીજી વિવિધ એજન્સીઓએ આપેલા હૃદયપૂર્વકના સહકારને લીધે કાર્યક્રમ સફળ થયો હતો. તે બધા આથી હાર્દિક આભારના અધિકારી છે.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.