‘શ્રીમાઁ કી સ્નેહછાયા’ હિન્દી પુસ્તકનો શ્રી પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

માનું બાલિકા જેવું આચરણ

મા માંદા પડ્યાં ત્યારથી એક શિષ્ય દીકરો રોજ રાત્રે સૂવા જતાં પહેલાં અને સવારના પહોરમાં માને ઓરડે જઈને પૂછપરછ કરે કે માને કેમ છે. માના ઓરડામાં ભોંયે સેવિકાઓ સૂઈ રહે. આજે વહેલી સવારે જઈને માના કુશળ સમાચાર પૂછતાં જ મા બોલ્યાં, ‘સારું છે, બેટા. જરાક ભૂખ લાગી છે.’ નાનકડી બાળા જેવી નજર, લાડભરી હઠના સમાણા શબ્દો. દીકરો વિચાર કરે છે કે શું આપું? પૂજનીય શરત્‌ મહારાજ, યોગીન-મા, ગોલાપ-મા, ડોક્ટર, સેવક-સેવિકા બધાં અહીં છે; ખાવાની વસ્તુઓ પણ કેટલીયે જાતની પડેલી છે. એ લોકોને પૂછીને જ કંઈક આપવું સારું એમ એને લાગ્યું. એટલામાં માએ મૃદુ હસીને બાજુમાં ઓરડાની ભોંયે સૂતેલી એક સેવિકાને ધીમે ધીમે કંઈક કહ્યું કે તરત એમણે ઊઠીને એક નાનકડી છાબડીમાં થોડીક સાથવા જેવી કોઈક ચીજ આણીને દીકરાના હાથમાં મૂકી. માએ દીકરા ભણી મોં કરીને આગ્રહપૂર્વક કહ્યું, ‘ખવડાવી દે’ સંતાનને તો શું કરવું તેની સૂઝ પડે નહિ. છાબડી હાથમાં લીધી પણ ખબર પડી નહિ કે એમાં શું છે, આવી ચીજ એણે કોઈ દહાડો દીઠેલી નહિ. હવે શું કરે? માની શરીરની આવી હાલત છે. કલકત્તાથી ડોક્ટર, દવાદારૂ આવેલાં છે, શરત્‌ મહારાજ પોતે જાતે આવેલા છે, એમને પૂછ્યાતાછ્યા વિના આ ખવડાવવું બરાબર છે? પણ પૂછવા જવાનો વખત પણ નથી અને બીજો કશો ઉપાય પણ નથી. મા બાલિકાની જેમ ભૂખથી આકળાં અધીરાં થઈ ઊઠ્યાં છે, ખાવાને માટે જીદ કરીને મોઢું લંબાવીને બેઠાં છે. ના, હવે રાહ જોવાની વેળા નથી. કેટલા દહાડાથી એમને ખવડાવવા માટે પ્રયાસો કરતા હતા, આજે એમને પોતાને ખાવાની મરજી થઈ છે. એટલે પછી સંતાને માનું જ મનમાં ને મનમાં સ્મરણ કરી અને એમનો જ આશરો લઈને પથારી ઉપર જ બેસીને ચપટી ચપટી કરીને એ જ ખાવાનું માના મોઢામાં મૂકવા માંડ્યું. ખાઈને માના ચહેરા પર આંખોમાં બાલિકાના જેવી તૃપ્તિ અને આનંદ ફુટી નીકળ્યાં, જોઈને સંતાનને પણ ખૂબ આનંદ થયો. વચમાં વચમાં એકાદ બે રાજીખુશીની વાતોચીતો કરતાં કરતાં ખાવાનું પૂરું થયું અને પાણી પીને માએ પરમ તૃપ્તિ વ્યક્ત કરી. સંતાને માનું મોઢું લૂછાવીને શરીર પરનાં કપડાં ઠીકઠાક કરીને ઓઢાડી દઈને રજા લીધી. પછી સેવિકાઓને મોઢેથી સાંભળ્યું કે એ સાથવા જેવી ચીજનું નામ છે. ‘મયના-કોટા’. કેદારનાં મા પોતાને હાથે બનાવીને સંતાડીને રાખી ગયાં છે કે મા સવારે સવારે જરાક જરાક ખાય તો મોઢામાં રુચિ આવે અને શરીરમાં લોહી આવતાં શક્તિ મળે. તાજી ભુંજેલી ડાંગરની ધાણીની અંદર જે અડધી ફુટેલી મમરા જેવી ધાણી હોય તેને વીણી લઈને, સાફ કરીને એમાં ચોખ્ખા શેકેલા તલ ભેળવીને, પછી એનો બારીક ભૂકો કરીને એમાં જરાક મીઠું મરચું ભેળવીને તૈયાર કરવામાં આવે છે. બહુ જ મોઢું સ્વાદ કરે તેવી, પચવામાં હળવી અને સ્વાદિષ્ટ વાનગી અને માને ભાવતી. કોઈને ય એ વિશે કશું કહ્યા કારવ્યા વિના રોજ સવારે સવારે થોડાક દિવસ સંતાને એ જ રીતે માને ખવડાવ્યું. કશું ય નુકસાન થયું નહિ, ઊલટાનું સારું જ થયું એમ જાણીને સંતાન ખૂબ રાજી રાજી છે. અને માએ બાલિકાની માફક ખુશીખુશી એમને હાથેથી એ ખાઈને એમના અંતરમાં એક અક્ષય નૂતન છબી આંકી દીધી છે. એ સ્નેહમૂર્તિ, વાત્સલ્યેથી છલકતાં નેણ મુખને શું કોઈ કદી વીસરી શકે?

કોઆલપાડામાં શ્રીજગદંબા આશ્રમે મા મેલેરિયાથી માંદાં પડ્યાં છે એમ સમાચાર મળતાં એક સંતાન એમને જોવાને ગયેલા. મા સૂતેલાં છે તાવ આવ્યો છે. સંતાને પથારી પાસે ઊભા રહીને પૂછ્યું, ‘મા, કેમ છો?’ માએ નાનકડી છોકરીની માફક દયામણા થઈને જવાબ દીધો, ‘નથી સારું ભાઈ, બહુ તાવ છે, શરીરમાં ભારે બળતરા થાય છે. હાથ અડાડીને જો ને.’ સંતાને અનેક કારણોસર દેવદેહને સ્પર્શ કરતાં સંકોચ પામીને નામ પૂરતો સહેજ હાથ લગાડ્યો. ખોટું લગાડીને બાલિકાના ભાવે મા રડમસ અવાજે અને પડી ગયેલા ચહેરે બોલી ઊઠ્યો, ‘એ શું? બરાબર સરખી રીતે તો જો.’ સંતાનની સમજમાં આવ્યું કે માના મનનો ભાવ અત્યારે નાની છોકરી જેવો છે; એટલે પછી સંકોચ ત્યજીને પાસે બેસીને સારી રીતે શરીરે હાથ પસવારીને જોવા લાગ્યો, શીખામણ અને સાંત્વના આપતી બે ચાર વાતો કહીને સમજાવવા માંડ્યો, ‘કશી ફિકર કરવા જેવું નથી’, ‘જલદીથી મટી જશે’ વગેરે. માને મનમાં વિશ્વાસ, આવતાં પ્રફુલ્લિત થઈ ગયાં અને એને પણ આશ્વાસન મળ્યું.

આસનના બે ટુકડા કરવાની ઘટના

માંદગીના સમય સિવાયના બીજે સમયે પણ ક્યારેક ક્યારેક માની અંદર આ જાતનો બાલિકાભાવ પ્રગટ થતો દેખાતો. માયાવતીથી ભુરિયા છોકરીઓએ એક સુંદર ગાલીચાનું આસન મોકલ્યું હતું એ વાત આગળ કહેલી છે. આસન જોઈને માનું મન હરખાયેલું, એ હિમાલયની પહાડી છોકરીઓની કારીગીરી અને ભક્તિભાવની ખૂબ પ્રશંસા કરેલી અને એ જ આસને બેસીને પૂજા કરતાં. એક દિવસ સવારને વખતે જઈને એક સંતાને જોયું કે, મા એકદમ દિલગીર થઈને ગાલ ઉપર હથેળી દઈને બેઠેલાં છે. એકદમ ચિંતામાં પડી ગયાં છે. પાસે જ એક ‘બોટી’ (શાક કાપવાનું લાકડાની પાટલી પર બેસાડેલું ઓજાર) અને બે બાજુ બે આસન પડેલાં છે. સંતાનને જોતાં જ મા દુ:ખી થઈને બોલી ઊઠ્યા, ‘બેટા, જો ને શું કરી નાંખ્યું છે મેં?’ બે હાથે બે આસન ઊંચકી લઈને દેખાડતાં ખૂબ અફસોસ કરતાં કહેવા લાગ્યાં, ‘પેલી પહાડી છોકરીઓએ આપેલું સુંદર આસન બહુ મોટું હતું. પાથરીએ ત્યારે ઓરડીની બહુ જગ્યા રોકાઈ જતી હતી અને બેસવા માટે એટલા બધાની જરૂર તો પડે નહિ. બેવડું વાળીને જોયું કે અંદરની બાજુએ વાળીએ તો આવી સરસ કારીગીરી પછી દેખાતી નહોતી, અને બહારની બાજુ કઠણ એટલે બેસવામાં પણ આરામ લાગે નહિ. બહારની બાજુએ બેવડું વાળવાથી અડધી ડિઝાઈન દેખાય, પણ બાકીનું નીચે ભોંયે ઘસાઈને ખરાબ થઈ જાય. અને પાછું બેવડું કરવાથી બહુ ઊંચું અને જાડું થઈ જાય તે જોવામાં કે બેસવામાં સારું ના લાગે. એટલે મને વિચાર આવ્યો કે બે કકડા કરીએ તો નાનું યે થઈ જાય અને બે જણને બેસવા પણ ચાલે. એમ વિચારીને ‘બોટી’ વડે કાપીને બે ટુકડા કરી કાઢ્યા, પણ સરખે ભાગે સીધાં કપાયાં નથી. બેઉ ટુકડા ત્રાંસા – એક છેડે પહોળા ને બીજે છેડે સાંકડા થાય છે! સરણ તો હતી, એને કહ્યું હોત તો સરસ મજાના સરખાં કરીને કાપી આપત. કેવી ભૂલ કરી છે અને જે કોઈ જોશે તે હસશે!’ અણસમજુ બાળકીની માદક મા સાવ જ બુદ્ધુ જેવાં બની જઈને અફસોસ કરી રહ્યાં છે. એમ જોઈને સંતાને બંને ટુકડાને હાથમાં લઈને ધારી ધારીને જોયા અને પછી સાંત્વના અને ઉત્સાહ દેતાં બોલ્યા, ‘બે કકડા કર્યા તે તો સારું જ થયું. બહુ કામમાં આવશે. જરાક વાંકાચૂંકા થયા છે ખરા, પણ એ તો જરાક કાપીકૂપીને સારી રીતે ધારો વાળી દેવાથી થઈ જશે. સહેજે નુકસાન થયું નહિ, એને માટે કશી ચિંતા કરવા જેવું નથી. હમણાં સરલાદિને બોલાવીને બધું બરાબર કરી દઈએ.’ સરલાદિ આવ્યાં, એમને પણ માએ આસનના ટુકડા દેખાડીને કહ્યું, ‘જોને મા, આ શું કર્યું છે મેં, હવે જરાક ઠીક કરી આપ કે લોકો હસે નહિ.’ એમણે પણ દિલાસો દઈને માને શાંત કર્યા અને આસનના બેઉ ટુકડા લઈને પહોળી બાજુ એથી જરાક કાઢી નાંખીને સાલ્લાની કોર વડે ધારો ઓટી દીધી. સરસ મજાનાં બે આસન તૈયાર થઈ ગયાં, લાવીને માને આપ્યાં. જોઈને માનું મન હરખાયું અને હરખભેર સંતાનને પણ બોલાવીને દેખાડ્યા. ‘જો જો, સરલાએ કેવાં સરસ કરી દીધાં છે. હવે મજાનાં કામમાં આવશે.

Total Views: 47

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.