સ્વામી વિવેકાનંદ ગુજરાત પરિભ્રમણ કાળમાં, ૧૮૯૧-૯૨માં ગુજરાતના તત્કાલીન ઘણા સાક્ષર રત્નોને રુબરુ મળ્યા હતા. એમની સાથે અનેકવિધ ચર્ચાઓ પણ કરી હતી. એમાંના કેટલાક મહાન સાક્ષરોની સ્વામીજીની મુલાકાત વિશે અને સ્વામીજીના તેમના પર પડેલા પ્રભાવ વિશે આપણે અગાઉના છ સંપાદકીય લેખોમાં વિગતે ચર્ચા કરી ગયા છીએ. જેમ જેમ આ વિષયમાં અમે ઊંડા ઊતરતા ગયા તેમ તેમ અમને એ વિશેની વધુ ને વધુ માહિતી અને સાહિત્ય સામગ્રી સતત સાંપડતી રહે છે. આ સાહિત્ય સામગ્રીના આધારે અમે આ લેખમાળાને વધુ ને વધુ માહિતી પ્રદ અને રસપ્રદ બનાવવાનો પ્રયત્ન કરીશું. આ પહેલાંના લેખમાં જૂનાગઢમાં જાણીતા સાક્ષર શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા સાથેની સ્વામીજીની મુલાકાત અને એમની સાહિત્ય રચનામાં સ્વામીજીનાં પ્રેરણા અને પ્રભાવની વાત આપણે કરી ગયા છીએ.

આ સમયગાળા દરમિયાન અને ત્યાર પછી પણ શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામીજીને ગુજરાતી ભાષામાં લાવવા માટે અથાક પ્રયત્ન કરનાર અને ઘણા ગણ્યમાન્ય સાક્ષરોને પ્રેરણા આપનાર શ્રી કાલીપદ ઘોષની ચર્ચા કરીશું. શ્રી કાલીપદ ઘોષ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થભક્ત હતા. ઉત્તર કલકત્તામાં આવેલા શ્યામપુકુરના ઘોષના વંશમાં ૧૮૪૯માં એમનો જન્મ થયો હતો. એમના પિતા ગુરુપ્રસાદ ઘોષ ધર્મપરાયણ અને કાલીભક્ત હતા અને શણનો વેપાર કરતા હતા. આર્થિક સ્થિતિને કારણે પોતાના પુત્ર કાલીપદને ૮મા ધોરણમાંથી જ ઉઠાડી લીધો અને ‘મેસર્સ જોન ડીકિન્સન એન્ડ કાું.લી., લંડન’ માં કામે લગાડી દીધા. ઓછું ભણેલા હોવા છતાં પોતાના બુદ્ધિબળ અને કાર્યક્ષમતાથી એ કંપનીના ઉચ્ચ પદાધિકારી બન્યા. પછી તો એ કંપનીના સર્વેસર્વા બની ગયા. કંપનીમાં એનું મહત્ત્વ ઘણું મોટું હતું. કાલીપદ ઘોષ અને ગિરીશચંદ્ર ઘોષ પરમ મિત્ર હતા. એમનાં દૈનંદિન કાર્યોમાં બંને સાથે જોવા મળતા હતા. મદ્યપાન પણ કરતા. એટલે જ શ્રીરામકૃષ્ણદેવના કેટલાક ભક્તો એમને જગાઈ-મધાઈ કહેતા.

પ્રભુની લીલા અને કાર્યરીતિઓ ખરેખર અદ્‌ભુત હોય છે. સ્વામીજીના ગુજરાતના પરિભ્રમણ દરમિયાન સ્વામીજીએ અને એમના ગુરુભાઈઓએ સમગ્ર ગુજરાતમાં સ્થળે સ્થળે ફરીને શ્રીરામકૃષ્ણદેવના જીવનસંદેશનો પ્રચાર-પ્રસાર કર્યો હતો. પરંતુ તેની સાથે ગૃહસ્થ શિષ્ય રૂપે શ્રીરામકૃષ્ણદેવે કાલીપદ ઘોષને પશ્ચિમ ભારતમાં પોતાનો સંદેશ ફેલાવવા માટે પસંદ કર્યા હતા. કાલીપદ ઘોષ સુખ્યાત નાટ્યકાર ગિરીશ ઘોષની જેમ એક જિદ્દી અને મનનું ધાર્યું જ કરનાર માનવ હતા. પરંતુ શ્રીઠાકુરના સંસ્પર્શથી એમના જીવનમાં આમૂલ પરિવર્તન આવી ગયું. શ્રીરામકૃષ્ણની અમીકૃપાથી અને એમના અવિરત પ્રેમને લીધે સાવ સ્વચ્છંદી અને દારૂડિયો એક મહાન ભક્તજન બની ગયો. જો કે કાલીપદ ઘોષ ગિરીશ ઘોષ જેવા કોઈ લેખક કે નાટ્યકાર ન હતા. આમ છતાં પણ એમણે ઘણા ગીતોનું સંકલન કરીને બંગાળી ભાષામાં એક નાની પુસ્તિકા ‘રામકૃષ્ણ સંગીત’ના નામે ૧૮૯૩માં પ્રસિદ્ધ કરી હતી.

૧૧ ડિસેમ્બર, ૧૮૮૫ના રોજ શ્રીઠાકુરને પોતાની માંદગીને કારણે કલકત્તાથી કાશીપુર ઉદ્યાનમાં લાવવામાં આવ્યા. બરાબર ૨૩મી ડિસેમ્બરે શ્રીઠાકુરે કાલીપદના હૃદય પર સ્પર્શ કરીને કહ્યું: ‘તારું ભીતરી ચૈતન્ય જાગ્રત થાઓ.’ પછી કાલીપદની હડપચી પર હાથ રાખીને ઘણી લાગણી સાથે કહ્યું: ‘જે કોઈ પણ ભગવાનને ભક્તિનિષ્ઠાથી પુકારશે કે એમની દરરોજ ધર્મભાવે સેવાપૂજા કરશે તે ચોક્કસ અહીં (શ્રીરામકૃષ્ણ પાસે) આવવાના.’ શ્રીઠાકુરની અવિરત કૃપાથી કાલીપદ ઘોષે પોતાનું દારૂનું વ્યસન છોડી દીધું અને આ સંસારી બાબતો વિશે એમને કોઈ રસરુચિ ન રહ્યાં. 

શ્રીકાલીપદ ઘોષના પ્રારંભના પ્રયાસોને લીધે ‘મેસર્સ જોન ડીકિન્સન એન્ડ કાું.લી., લંડન’નાં ભારતના બીજા મુખ્ય શહેરોમાં આ કંપની પોતાના વધુ કાર્યાલયો ખોલી શકી હતી. કાલીપદ બાબુ આ કંપનીના કામ માટે મુંબઈના પરેલ રોડ પર રહેતા હતા. જો કે ઉપર્યુક્ત કંપની એક બ્રિટિશ પેઢી હતી, છતાં પણ એમના દરેક શાખાકેન્દ્રોમાં શ્રીઠાકુરની છબિ રહેતી. તેઓ દૃઢપણે માનતા હતા કે શ્રીઠાકુરના આશીર્વાદથી જ એમનું આમૂલ જીવનપરિવર્તન થયું હતું અને એમને આટલી યશસંપત્તિ સાંપડી હતી. પોતાની કચેરીમાં ક્યાંય પણ નિમણૂક કરવાની હોય તો તેઓ શ્રીઠાકુરના ભક્તને એ જગ્યાએ નિમતા. જ્યારે તેઓ મુંબઈમાં રહેતા હતા ત્યારે સ્વામી વિવેકાનંદ, સ્વામી બ્રહ્માનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી અભેદાનંદ અને સ્વામી અખંડાનંદ પોતાના પરિવ્રાજક જીવનમાં સમયે સમયે એમના નિવાસસ્થાને ઉતર્યા હતા. આ રીતે શ્રી કાલીપદ ઘોષને શ્રીઠાકુરના સાક્ષાત્‌ સંન્યાસી શિષ્યોની સેવા કરવાનો અનન્ય લ્હાવો અને આનંદ મળતા. 

તત્કાલીન ગુજરાતી સાપ્તાહિક ‘પ્રજાબંધુ’ના સ્થાપક તંત્રી ભગુભાઈ ફતેહચંદ કારભારી ‘મેસર્સ જોન ડીકિન્સન એન્ડ કાું.લી., લંડન’ નામની કાગળ ઉત્પાદક પેઢીના એક વિક્રેતા હતા અને એમનું કાર્યાલય અમદાવાદમાં હતું. ભગુભાઈ કારભારી મેટ્રિક પાસ થઈને વડોદરાની કોલેજમાં વધુ અભ્યાસ માટે દાખલ થયા. એમને વર્તમાન પત્રો વાંચવાનો અને તેમાં લેખો લખવાનો ઘણો શોખ હતો. એટલે એમણે કોલેજજીવન છોડીને એ વખતે અજમેરમાં આવેલ પોતાના મિત્ર શ્યામજી કૃષ્ણ વર્માનું મુદ્રણાલય ખરીદી લીધું. અને તે ખરીદ કરીને અમદાવાદમાં ‘સરસ્વતી પ્રિન્ટીંગ પ્રેસ’ શરૂ કર્યો. આ પ્રેસ પાછળથી ભાગીદારોમાં વહેંચાઈ ગયો અને ભગુભાઈના હાથમાં જે થોડો ઘણો સામાન આવ્યો તેમાં બીજો સામાન ખરીદી લાવીને ‘પ્રજાબંધુ પ્રેસ’ ઊભો કર્યો. એ વખતમાં એના સાથી મિત્રોમાં જીવનલાલ વ્રજરાય બેરિસ્ટર, શ્રી ઠાકોરલાલ પરમોદલાલ ઠાકોર અને શ્રી જટાશંકર લીલારામ વૈદ્ય હતા. માર્ચ, ૧૮૯૮માં શરૂ થયેલ આ ‘પ્રજાબંધુ’ નામનું સામયિક પાછળથી ‘ગુજરાત સમાચાર’ના નામે દૈનિક પત્ર બન્યું, જે આજે સમગ્ર ગુજરાતમાં મોખરાનાં દૈનિકપત્રોમાંનું એક ગણાય છે. 

શ્રી કાલીપદ ઘોષ સાથે શ્રી ભગુભાઈ કારભારીને પોતાના વ્યવહાર-વ્યાપાર માટે અવારનવાર મુંબઈ મળવા જવું પડતું હશે. એટલે બંને વચ્ચે ઘણો ગાઢ અને નિકટનો સંબંધ સ્થપાયો હતો. વ્યવસાયે પત્રકાર અને સારા લેખક હોવાને નાતે શ્રી કાલીપદ ઘોષે શ્રી ભગુભાઈ કારભારીને સ્વામી વિવેકાનંદ વિશેના પુસ્તકો ગુજરાતી ભાષામાં પ્રકાશિત કરવાની પ્રેરણા આપી હતી એટલું જ નહિ એ માટે તેઓ એમને સહાયરૂપ પણ બન્યા હતા. ‘પ્રજાબંધુ’માં ‘શ્રીરામકૃષ્ણદેવનું જીવન’ ૯ જુલાઈ ૧૮૯૯ થી માંડીને ક્રમશ: સાપ્તાહિક હપ્તા રૂપે પ્રગટ થયું હતું. 

કાલીપદ ઘોષની પ્રેરણાથી જ ભગુભાઈએ ‘સનાતન હિંદુધર્મ’ નામનું પુસ્તક ગુજરાતી ભાષામાં પ્રસિદ્ધ કર્યું. ૩૬ પૃષ્ઠની આ પુસ્તિકાની પ્રથમ આવૃત્તિ જાન્યુઆરી ૧૮૯૭માં ‘સ્વામી વિવેકાનંદ કૃત વ્યાખ્યાનમાળા મણકો ૧’ ના રૂપે ‘વિજય પ્રવર્તક પ્રેસ, અમદાવાદ’ દ્વારા બહાર પડી હતી. એમાં સ્વામીજીએ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં આપેલા વ્યાખ્યાનોનો ગુજરાતી અનુવાદ હતો. એમાં પ્રકાશકના બે બોલમાં તા. ૭-૧-૧૮૯૭માં તેમણે આમ લખ્યું હતું: 

‘સ્વામી વિવેકાનંદ કોણ છે? તે સંબંધી આ નાનકડા પુસ્તકના છેલ્લા પાના ઉપર જણાવ્યું છે. આ સ્વામીએ અમેરિકામાં સન ૧૮૯૩ના સપ્ટેમ્બર માસમાં ચીકાગો શહેરમાં વાંચેલા ‘સનાતન હિંદુ ધર્મ’ નામના વ્યાખ્યાનોનું આ ભાષાંતર છે. આનું અસલ અંગ્રેજી, અમેરિકામાં તેમજ યુરોપમાં અનેક આવૃત્તિઓમાં પ્રસિદ્ધ થયું છે. તેમજ કલકત્તા અને મદ્રાસમાં હજારો નકલો પ્રસિદ્ધ થઈ છે. એટલે તે વ્યાખ્યાનો ઘણાં જ લોકપ્રિય થયાં છે. અને તેનું બંગાલી, ટેમીલ આદિ ભાષાઓમાં ભાષાંતર થયાં છે અને આ ગુજરાતી ભાષાંતર લોકપ્રિય નીવડશે એવી આશા રાખવામાં આવે છે.

મદ્રાસની ક્રિશ્ચીયન સોસાયટીએ સ્વામીના આ અંગ્રેજી વ્યાખ્યાનની ૪૦૦૦ નકલો છપાવી છે અને તેની અંદર તેમનાથી બની તેટલી ખોટી ટીકા કરી છે પણ તે તેમનો પ્રયત્ન સ્વામીના શબ્દોમાં જ કહીએ તો ‘સૂર્ય સામા ધૂળ નાખ્યા જેવો છે’ અને કાંઈ આવી ખોટી ટીકાઓ કરવાથી હિંદુસ્તાન કદી ખ્રિસ્તી બની જવાનું નથી.

સ્વામીએ મને પોતાના આપેલા વ્યાખ્યાનોનું ભાષાંતર કરવા પોતાના તા. ૮ મી ઓગસ્ટ ૧૮૯૬ના સ્વીટ્‌ઝર્લેન્ડમાંથી લખેલા પત્રમાં ફરમાવ્યું છે અને આ ભાષાંતર તેમની આજ્ઞાનુસાર કરવામાં આવ્યું છે. આ સિવાય સ્વામીનાં ઘણાં વ્યાખ્યાનો છે જે ક્રમવાર મેં પ્રસિદ્ધ કરવાં ધાર્યાં છે; અને આશા રાખું છું કે ધર્મ જિજ્ઞાસુઓ તેમજ મહારાજાઓ મારા આ પ્રયત્નને સહાયભૂત થઈ હવે પછીના અંકો બહાર પાડવામાં મદદ કરશે.

ખ્રિસ્તી લોકો પોતાના ધર્મ પ્રવર્તક અર્થે સસ્તાં પુસ્તકો મોટાં મોટાં ફંડ એકઠાં કરી કાઢે છે અને આવા વખતમાં પોતાનો ધર્મ જળવાઈ રહે તે માટે સમસ્ત આર્ય પ્રજાએ પોતાના ધર્મનાં પુસ્તકો ઘણી જ સસ્તી કીમતે મોટું ફંડ કરી પ્રસિદ્ધ કરવાની જરૂર છે; અને આ ભાષાંતર કંઈ તેવી જ આશાએ ઘણા લોકો વાંચે અને તેનો ઉપયોગ કરે તે માટે ફક્ત એક આનાની નામની કીમતે પ્રસિદ્ધ કર્યું છે.

હવે પછીથી પ્રસિદ્ધ થનાર અંકો સસ્તી કીમતે પ્રસિદ્ધ થાય તે માટે શ્રીમંતો અને મહારાજાઓ સારો આશ્રય આપશે એવી આશા રાખવામાં આવે છે.

આ ભાષાંતર પ્રસિદ્ધ કરવાનું તમામ માન મારા મુરબ્બી બાબુ શ્રી કાલીપદ ઘોષને છે કેમ કે તેમના આશ્રયથી આ પુસ્તક પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.’

આ પુસ્તિકાના પરિશિષ્ટમાં તેમણે સ્વામી વિવેકાનંદની હયાતીમાં એમના જીવનનો સંક્ષિપ્ત પરિચય આ રીતે આપ્યો છે :

‘‘સનાતન હિંદુ ધર્મ’ વિષય ઉપર વ્યાખ્યાન આપનાર સ્વામી વિવેકાનંદ કોણ છે? વિગેરે અમારા વાંચનારને પૂછપરછ કરવાનું કારણ મળે તેટલા માટે અમોએ તેના વિશે જે ખબર મેળવી છે તે આ ઠેકાણે આપીએ છીએ.

સ્વામી વિવેકાનંદ બંગાલામાં અવતાર રૂપ મનાતા ભગવાન શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય છે. તેમની ઉંમર હાલ આશરે ૩૨-૩૪ વર્ષની છે. તેમનો ચહેરો ઘણો જ શોભાયમાન અને જોનારની નજરે તે કોણ જાણે કોઈ મહાન રાજા હોય તેમ દેખાય છે એવો છે. તેમને પોતાની ૨૦ વર્ષની વયે ભગવાન શ્રીરામકૃષ્ણને હાથે બીજા લગભગ ૨૦ પુરુષોની સાથે સંન્યાસ લીધો હતો. તેમનું સાંસારિક નામ ‘નરેન્દ્ર’ છે. તે કલકત્તાની યુનિવર્સિટીના ઊંચી પંક્તિએ પાસ થયેલા ગ્રેજ્યુએટ છે. તે અને તેમના બીજા ગુરુભાઈઓ સઘળા એક સરખા વિદ્વાન છે. એ વીશ મહાન પુરુષોમાંથી કેટલાક ટિબેટ, હિમાલય, સીલોન, મદ્રાસ વિગેરે વિવિધ સ્થળે ફરે છે અને કેળવણી પામેલા યુવાનો તેમજ નાસ્તિકોને ધાર્મિક બનાવવા પૂરતો પ્રયત્ન કરે છે. આ સંન્યાસીઓમાંના કેટલાક કોઈ કોઈ વાર આપણી તર્ફ આવે છે. એ બધા સંન્યાસીઓનો મઠ કલકત્તામાં બરાનનગર ભાગમાં આવેલા બજારમાં એકાંત સ્થળે છે. જ્યાં દરરોજ ધાર્મિક ચર્ચા ચાલુ જ રહેલી જોવામાં આવે છે.

ભગવાન શ્રીરામકૃષ્ણનો જન્મ કલકત્તાથી કેટલાક મૈલને છેટે આવેલા કામારપુકુર નામના ગામમાં થયો હતો અને તે ગંગાનદીને કિનારે આવેલા કાલીના દેવલમાં એક મકાનમાં રહેતા હતા. તેમનો જન્મ ૨૦મી ફેબ્રુઆરી, ૧૮૩૫ (૧૮મી ફેબ્રુઆરી, ૧૮૩૬) ના રોજ બપોરના ત્રણ વાગતે થયો હતો. પ્રખ્યાત બાબુ કેશવચંદ્ર સેન તેને ઘણું જ માન આપતો હતો. નવવિધાન તે એ મહાન પુરુષના પ્રતાપે જ હતું. તેના શિષ્યોની સંખ્યા લગભગ વીસ હજાર ઉપરની છે અને એ બધામાં મોટું મંડળ કેળવાયેલું છે. વાંચનારને જો એ મહાન પુરુષ વિશે વધારે વાંચવું હોય તો આપણી ગુજરાત વર્નાક્યુલર સોસાયટી તરફથી પ્રગટ થયેલી ‘ધાર્મિક પુરુષો’ એ નામની ચોપડી વાંચવી, કારણ કે તેમાં પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનું ટૂંકું જીવન આપ્યું છે; બંગાલી ભાષામાં તેનું જીવન ત્રણ પુરુષોએ લખ્યું છે; અને ચોથું બ્રહ્મસમાજ તરફથી પ્રગટ થયું છે. અને તેનું અંગ્રેજી, ગુજરાતી, અને કેનેડી ભાષામાં ભાષાંતર પણ થોડા વખતમાં પ્રગટ થનાર છે.

સ્વામી વિવેકાનંદ અમેરિકા ગયા પહેલાં મુંબઈ આવેલા હતા તેઓ આપણા મરહુમ હરિદાસ વિહારીદાસના ખાસ સ્નેહી હતા. સ્વામી વિવેકાનંદ કાઠીઆવાડના કેટલાક નેકનામદાર ઠાકોરો અને રાજાઓ સાથે સારો સંબંધ ધરાવે છે. રજપૂતાનામાં આવેલા ‘ખેતડી’ના મહારાજાની સાથે ઘણો જ નિકટ સંબંધ રાખે છે. તેમજ મૈસૂરના મર્હુમ મહારાજા તેમના સ્નેહી હતા અને તે જ મહારાજાના ઉદાર આશ્રયથી તેઓ અમેરિકા ગયેલા કહેવાય છે. મદ્રાસીઓ તેને એક અવતાર રૂપ માને છે, અંગ્રેજીમાં એ ધર્મ સંબંધી પખવાડિક અને માસિક પત્ર મદ્રાસમાં તેમની જ પ્રેરણાથી કાઢવામાં આવ્યા છે. આ મહાન પુરુષ ઈંગ્લેન્ડ, જર્મની, આદિ દેશોમાં ફરી થોડા વખતમાં એટલે જાન્યુઆરી, ૧૮૯૭ની ૧૬-૧૭ તારીખે કોલંબોના રસ્તે આપણા દેશમાં, પ્રથમ મદ્રાસમાં આવશે. તે વખતે તેમને માન આપવા માટે આજથી જ તૈયારીઓ ચાલુ થઈ ગઈ છે, અને તેઓ આશરે છ માસ હિંદુસ્તાનના જુદા જુદા સ્થળોમાં રહી, ફરી પાછા ઈંગ્લેન્ડ અને અમેરિકામાં જનાર છે.

સ્વામી વિવેકાનંદ જ્યારે અમેરિકામાં ગયા ત્યારે તેમનો વિચાર થોડા વખતમાં પાછો ફરવાનો હતો, પણ ત્યાંના લોકો તેમની વિદ્વત્તા જોઈ તેમને ત્યાં રહી વેદાંત આદિ ધર્મ સંબંધી ભાષણો કરવાનો આગ્રહ કર્યો અને તેમને રહેવા વગેરેની હરેક પ્રકારે સગવડ કરી આપી. આથી સ્વામી ચીકાગો, ન્યુયોર્ક, બ્રુકલીન, હર્ટફર્ડ આદિ વિવિધ સ્થળે ફરી હિંદુધર્મ વિશે વ્યાખ્યાનો આપ્યાં અને જ્યાં જરૂર જણાઈ ત્યાં હિંદુધર્મ સંબંધી શિક્ષણ આપવા માટે વર્ગો ઉઘાડ્યા; આથી અમેરિકામાં તેમના સેંકડો શિષ્યો થયા છે, અને તેમાં ગૃહસ્થ તથા સ્ત્રીઓનો મોટો ભાગ છે અને કેટલાક સ્ત્રી પુરુષોએ તો ગૃહસ્થાશ્રમ તજી સંન્યસ્ત લીધું છે, પોતાની મુરાદ પૂરી પાડવાના વિચારથી સ્વામી અમેરિકાથી ઈંગ્લેન્ડ આવ્યા તે વખતે તેમણે પોતાના ગુરુભાઈ સ્વામી સારદાનંદને કલકત્તેથી બોલાવી અમેરિકામાં રાખ્યા છે. જેઓએ પોતાના ગુરુભાઈ જેવી જ પોતાની વિદ્વત્તા બતાવી પ્રખ્યાતિ મેળવી છે અને સ્વામી થોડા વખતમાં હિંદુસ્તાનમાં પાછા ફરતા હોવાથી યુરોપમાં પોતાનું કાર્ય ચલાવવા માટે અભ્યાનંદ (અભેદાનંદ) નામના સ્વામીને કલકત્તેથી તેડાવી લીધા છે, જેઓ હાલ ઈંગ્લેન્ડમાં છે. સ્વામી હિંદુસ્તાનમાં પાછા ફરતા પહેલાં જર્મની, ફ્રાંસ, ઈટાલી આદિ દેશોમાં ફરી કોલંબોના રસ્તે અત્રે આવનાર છે.’

આ સંક્ષિપ્ત જીવન પરિચયમાં આપણે શ્રી ભગુભાઈ કારભારીની એક પત્રકાર તરીકેની અમીટ છાપ જોઈ શકીએ છીએ. એનો અર્થ એ થયો કે શ્રી ભગુભાઈ કારભારી જેવા પત્રકાર અને લેખકોને કારણે સ્વામી વિવેકાનંદના પશ્ચિમના પ્રવાસ અને ત્યાં એમણે આપેલાં વ્યાખ્યાનોની સારી એવી માહિતી અને સમાચાર ગુજરાતના વાચકો સમક્ષ નિયમિત રીતે રજૂ થતાં રહેતાં. 

આ સંક્ષિપ્ત જીવન પરિચયમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા ૧૮૯૩ના જૂનમાં પ્રસિદ્ધ થયેલ પુસ્તક ‘ધાર્મિક પુરુષો’નો ઉલ્લેખ એમણે કર્યો છે. ૧૦૦ પૃષ્ઠની આ પુસ્તિકાના લેખક ગુજરાતીના જાણીતા સાક્ષર શ્રી નારાયણ હેમચંદ્ર (૧૮૫૫-૧૯૦૪) હતા. એમાં શ્રી ચૈતન્ય, શ્રી નાનક, શ્રી કબીર, શ્રીરામકૃષ્ણ જેવા કુલ ૧૨ પયગંબરો અને મહાપુરુષોના જીવનની રૂપરેખાઓ આપવામાં આવી છે. આ પુસ્તકના ૧૩ પૃષ્ઠમાં પ્રસિદ્ધ થયેલ શ્રીરામકૃષ્ણની જીવનકથા બંગાળી સિવાયની ભારતની બીજી પ્રાદેશિક ભાષાઓમાં સર્વ પ્રથમ પ્રકાશન ગણાય ખરું. ૧૮૯૦માં શ્રીરામચંદ્ર દત્તની બંગાળી ભાષામાં શ્રીરામકૃષ્ણની જીવન કથા પ્રસિદ્ધ થઈ હતી. જો કે આ પુસ્તકના લેખક શ્રી નારાયણ હેમચંદ્રે ‘ઈંડિયન મિરર’ અને ‘ધર્મતત્ત્વ’માં પ્રસિદ્ધ થયેલ કેશવસેનનાં શ્રીરામકૃષ્ણદેવનાં લખાણોનો તેમજ શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત દ્વારા ૧૮૮૯માં પ્રકાશિત ‘પરમહંસેર ઉક્તિ’નો ઉલ્લેખ કર્યો છે. ‘ધાર્મિક પુરુષો’ પુસ્તકની પ્રસ્તાવનામાં લેખક શ્રીનારાયણ હેમચંદ્ર લખે છે :

‘ધાર્મિક પુરુષોનાં જીવન ચરિત્ર વાંચવાથી ઘણો લાભ થાય છે એ બધાઓ જાણે છે. કેવી રીતે ધાર્મિક પુરુષો બીજાનું ભલું કરે છે તે તેમનાં જીવન ચરિત્ર વાંચ્યાથી જણાય છે. આ પુસ્તકમાં તેવાં ચરિત્રો આપ્યાં છે કે જેમણે ધર્મ જગતમાં ઘણું દુ:ખ વેઠીને લોકોનું હિત કર્યું છે. આ પુસ્તક રચવામાં બંગાળી તથા મરાઠી પુસ્તકોની મદદ લીધી છે એ કહેવું બાહુલ્ય માત્ર છે.’

– નારાયણ હેમચંદ્ર
લંડન બ્રિટિશ મ્યુઝિયમ, તા. ૨૨-૬-૧૮૯૩

શ્રીનારાયણ હેમચંદ્રે ધર્મ, ઇતિહાસ, નીતિ, સંસાર સુધારણા, વિજ્ઞાન જેવા વિષયોમાં ૨૦૦ જેટલાં પુસ્તકો લખ્યાં છે. એમાં એમનાં અનુવાદોનો પણ સમાવેશ કરી શકાય. તેમણે રમેશચંદ્ર દત્ત અને બંકીમચંદ્ર ચટ્ટોપાધ્યાયના કેટલીક બંગાળી સાહિત્ય કૃતિઓનો ગુજરાતી ભાવાનુવાદ કર્યો છે. બંગાળી સાહિત્યનો ગુજરાતી ભાષામાં રસાસ્વાદ કરાવનાર આ અગ્રણી લેખકોમાંના એક આદ્ય લેખક છે.

અગાઉના સંપાદકીય લેખમાં આપણે મગનલાલ નરોત્તમદાસ પટેલે લખેલ અને વિજય પ્રવર્તક પ્રેસ, અમદાવાદમાં ૧૮૯૬માં છપાવેલ ‘મહાજન મંડળ’ નામના ગ્રંથનો ઉલ્લેખ કર્યો હતો. તેમાં એમણે શ્રીરામકૃષ્ણદેવ અને સ્વામી વિવેકાનંદના સંક્ષિપ્ત જીવન ચરિત્રો આપ્યાં છે; એ પણ સ્વામી વિવેકાનંદ જીવતા હતા ત્યારે. આ પુસ્તકની પ્રસ્તાવનામાં તેઓ લખે છે :

‘…ભારતવર્ષમાંના જે જે મહાજનોએ અથાગ ઉદ્યોગ અને અપૂર્વ બુદ્ધિ બળથી મહાન કાર્યો કરીને પોતાના દેશની ઉજ્જ્વળ કીર્તિ જગતમાં સ્થાપન કરી છે, તેવા મહાપુરુષોનાં જીવનચરિત્ર એક જ ઠેકાણેથી મળી શકે, તેવા એક અપૂર્વ ગ્રંથની ઘણી જ અગત્ય હતી. અને ગુર્જર ભાષામાં એવું એકે પુસ્તક અદ્યાપિ સુધી બહાર પડ્યું નથી. એ બહાર પાડ્યો છે. તેમાં ભારતવર્ષના પ્રાચીન તથા અર્વાચીન મહાત્માઓ જેવા કે, મહાન રાજાઓ, મહર્ષિઓ, ધર્મપ્રવર્તકો, મહાપંડિતો, કવિઓ, ભક્તો, મોટા વૈદ્યો, પરોપકારી પુરુષો, મહાસતીઓ, વીરાંગનાઓ અને થોડાક વિદેશી મહાત્માઓ, ઇત્યાદિ લગભગ ૩૫૦ મહાજનોનાં જીવનચરિત્રો યોગ્ય રીતે લખવામાં આવ્યાં છે…

… સંસ્કૃત, અંગ્રેજી, મરાઠી, ગુજરાતી, અને બંગાલી ભાષાના અનેક ન્હાના મોટા ગ્રંથો, ચોપાનીયા તથા વર્તમાનપત્રોની મદદ મેં લીધી છે. તેથી એ સર્વ ગ્રંથોના વિદ્વાન કર્તાઓનો હું પરમ આભાર માનું છું. તેમજ મારા ઈષ્ટ મિત્રો રા. રા. દોલતચંદ પુરશોત્તમદાસ બરોડીઆ બી.એ., તથા રા.રા. ભગુભાઈ ફતેહચંદ કારભારી અને રા. રા. ગણપતરાવ ગોપાલરાવ બર્વે એમણે જોઈતાં સાહિત્યો પૂરાં પાડવા, તથા યોગ્ય સૂચનાઓ આપવાની મને ઘણી જ કિંમતી મદદ કરી છે, તેમનો તથા અમદાવાદ ‘વિજય પ્રવર્તક પ્રેસ’ના મેનેજર રા. રા. છગનલાલ હરગોવિંદદાસ કે જેમણે આ ગ્રંથ પોતાના પ્રેસમાં ઘણી જ કાળજી અને ત્વરાથી મને છાપી આપ્યો છે, તેથી એ સર્વે ગૃહસ્થોનો હું ખરા અંત:કરણથી આભાર માનું છું.

– મગનલાલ નરોત્તમદાસ પટેલ
સંવત ૧૯૫૨, ચૈત્ર સુદ ૯, સોમવાર

Total Views: 89

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.