ઓક્ટોબર ૨૦૦૫ના સંપાદકીયમાં સ્વામી વિવેકાનંદ જૂનાગઢના તત્કાલીન દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈના નિવાસસ્થાને ઊતર્યા હતા અને એ બંને મહાનુભાવો વચ્ચેના નિકટના સંબંધની વિગતવાર ચર્ચા આપણે કરી હતી. જો કે એ વખતે સ્વામીજી એક અજ્ઞાત પરિવ્રાજક સંન્યાસી રૂપે ભારતનું પરિભ્રમણ કરતા હતા. તેઓ વિશ્વવિખ્યાત સ્વામી વિવેકાનંદ રૂપે હજુ જાણીતા બન્યા ન હતા. દિવાનજીના ઉમદા ગુણો અને પિતૃતુલ્ય પ્રેમવાત્સલ્યનો પ્રભાવ સ્વામીજી પર પડ્યો હતો અને શ્રી હરિદાસ દેસાઈનું ૧૭ જૂન, ૧૮૯૫ના રોજ અવસાન થયું ત્યાં સુધી એ બંને વચ્ચેનો આ નિકટનો સંબંધ-સંપર્ક સતત જળવાઈ રહ્યો હતો. શ્રી દિવાનજીને એમણે વિવિધ સ્થળોએથી ઓછામાં ઓછા ૧૪ જેટલા પ્રેરણાદાયી પત્રો લખ્યા હતા. 

તત્કાલીન યુગના નડિયાદના શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા, શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને મણિભાઈ જશભાઈ જેવા સાક્ષર રત્નોની સ્વામીજીએ મુલાકાત લીધી હતી. શ્રી છગનલાલ હરિલાલ પંડ્યા સાથેનો સ્વામીજીનો સંપર્ક-સંબંધ અને એમના પર પડેલા સ્વામીજીના પ્રભાવ વિશે આપણે ફેબ્રુઆરી ૨૦૦૬ના સંપાદકીયમાં વિગતવાર જોઈ ગયા છીએ. તત્કાલીન યુગના ગુજરાતી અને સંસ્કૃત ભાષાના પંડિત અને વિદ્વાન સાક્ષર તેમજ કુશળ વહિવટદાર શ્રી મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠી સ્વામીજીના સંપર્ક-સંબંધમાં આવ્યા હતા. એમનો જન્મ નડિયાદમાં ૨૩ મે, ૧૮૪૦ના રોજ થયો હતો. તેઓ વિહારીદાસ દેસાઈ કુટુંબના પુરોહિત હતા. શ્રી ઇન્દુલાલ યાજ્ઞિક પોતાની આત્મકથાના ‘વતનની તવારિખ’ નામના પ્રકરણમાં આમ લખે છે : 

‘૧૮૫૭ના દસકામાં વિહારીદાસ દેસાઈના ઘરમાં એક બીજી મહત્ત્વની ઘટના બની. એની ઊંડી અસર નડિયાદ તેમજ કચ્છ કાઠિયાવાડના અને સારા ગુજરાતના ઇતિહાસ પર પડી.

દેસાઈ કુટુંબના પુરોહિત અને આશ્રિત નાગર સૂર્યરામના અકાળ મૃત્યુ પછી તેમના પુત્ર મન:સુખરામ એમની વયના વિહારીદાસના જ્યેષ્ઠપુત્ર હરિદાસના ગોઠીઆ બન્યા. બાણપણમાં ગુજરાતી અને સંસ્કૃતમાં પ્રવીણ થયા પછી તેજસ્વી છતાં ગરીબ મન:સુખરામ દેસાઈ કુટુંબના પીઠબળથી પોતાનો નિર્વાહ કરતા. અંગ્રેજી શાળાના અભાવે હરિદાસને અંગ્રેજી ભણાવવાને તેમના પિતાએ ખાસ શિક્ષક રોકેલા, તેની પાસે મન:સુખરામ પણ અંગ્રેજી શીખતા. નડિયાદમાં જન્મેલા મણિભાઈ જશભાઈ અને મહુધાના રણછોડભાઈ ઉદયરામ પણ અંગ્રેજી ભણવા સાથે બેસતા. આ ચાર તેજસ્વી કુમારોની ગોઠડી નડિયાદના દેસાઈ વગામાં રચાઈ. તે જીવનભર કાયમ રહી ને ગુજરાત કચ્છ-કાઠિયાવાડમાં નામાંકિત થઈ.’

૧૮૬૧માં એલ્ફિન્સ્ટન કોલેજની પરીક્ષામાં પાસ થયા પછી વધુ અભ્યાસાર્થે મુંબઈમાં રહ્યા. દોઢ-બે વર્ષ પછી આંખની બીમારીને કારણે ૧૮૬૩માં પોતાના કાકા માધવરામ ધીરજરામની પેઢીમાં કામ કરવા લાગ્યા. માધવરામ ત્રિપાઠી ગુજરાતી ભાષાના સાક્ષર રત્ન હતા અને ‘સરસ્વતીચંદ્ર’ના ગ્રંથકાર ગોવર્ધનરામ ત્રિપાઠીના પિતા હતા. મન:સુખરામે વેપારમાં અને શેરબજારમાં સારી એવી કમાણી કરી. સાથે ને સાથે વિદ્યાભ્યાસ પણ ચાલુ રાખ્યો. ૧૮૬૭માં જૂનાગઢના સુપ્રસિદ્ધ દિવાન ગોકુલજી ઝાલા મુંબઈ આવ્યા. શ્રી મન:સુખરામની મુલાકાત એમની સાથે થઈ. એ સમયથી શ્રી મન:સુખરામનો રાજ્યસંબંધોનો આરંભ થયો. શ્રી ગોકુલજીએ મન:સુખરામની વિદ્વત્તા અને તીક્ષ્ણ બુદ્ધિપ્રતિભા જોઈને એમને જુનાગઢ રાજ્યના મુંબઈ ખાતેના પ્રતિનિધિ રૂપે કાયમ કર્યા. ત્યાર પછીથી એમને જૂનાગઢ, કચ્છ અને ઈડર જેવાં બીજાં રાજ્યો સાથે પણ સંબંધ થયો. પોતાની મબલખ આર્થિક કમાણીમાંથી ધનનો સદુપયોગ કરીને રેબલ કિન્લોક ફોર્બસની સહાયતાથી ગુજરાતી ભાષાને ઉત્તેજન આપવા બુદ્ધિવર્ધક સભા સ્થાપવામાં પ્રયત્નશીલ રહ્યા હતા. એના પરિણામે મુંબઈમાં ‘ફાર્બસ ગુજરાતી સભા’ અસ્તિત્વમાં આવી.

અમદાવાદની ધર્મસભાના મુખપત્ર ‘ધર્મપ્રકાશ’ના ઉપતંત્રી તરીકે એમણે કામ કર્યું હતું. ‘બુદ્ધિપ્રકાશ’માં પણ તેઓ લેખો લખતા. એમના પત્નીના નામે ચાલતા પુસ્તકાલય નડિયાદમાં ‘ડાહી લક્ષ્મી લાઈબ્રેરી’ આજે પણ ચાલે છે. નડિયાદના ઘણા ગુજરાતી સાક્ષરોએ આ પુસ્તકાલયનો લાભ લીધો હતો. તેઓ મુખ્યત્વે નિબંધકાર અને ચરિત્રકાર રૂપે જાણીતા છે. ગંભીર લેખોમાં ‘વેદાંત વિચાર’, ‘પ્રાચીન સંસ્કૃતિ’ એ મુખ્ય વિષયો હતા. સંસ્કૃત પ્રાચૂર્ય એ એમના ગદ્યની લાક્ષણિકતા હતી. એમની બહુશ્રુતતા એમના લખાણોમાં જોવા મળે છે. એમની મુખ્ય કૃતિઓમાં ‘વિપત્તિ વિશે નિબંધ’ (૧૮૬૩), ‘અસ્તોદય’ અને ‘નળ દમયંતી’ (૧૮૭૦), તથા ‘વેદાંત’ (૧૮૮૧), ‘દેશી રાજ્ય અને મનુસ્મૃતિમાંનો રાજનીતિ સાર’ (૧૮૬૮), ‘વેદાંત વિચાર’ (૧૮૯૮), ‘વેદાંતતત્ત્વ પત્રાવલી’, ‘વાર્તિક લેખન અને વાચન’ વગેરે છે. 

સ્વામીજી જૂનાગઢમાં હતા ત્યારે શ્રી મન:સુખરામ ત્રિપાઠી જેવા વેદાંતી વિદ્વાનના ઘરે પણ થોડા દિવસ રહ્યા હતા. સ્વામી વિવેકાનંદના ગુરુભાઈ સ્વામી અભેદાનંદ પણ સ્વામીજીની પાછળ પાછળ ગુજરાત પરિભ્રમણમાં નીકળ્યા હતા. એમણે પોતાની આત્મકથામાં આ પ્રમાણે એ સમયના સંસ્મરણો ટાંક્યાં છે : ‘જૂનાગઢમાં આવતાં મને જાણવા મળ્યું કે અંગ્રેજી ભાષામાં નિષ્ણાત કોઈ એક બંગાળી સંન્યાસી ગુજરાતી બ્રાહ્મણ અને જૂનાગઢના નવાબના અંગત સચિવ મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીના ઘરે રહેતા હતા. પૂછપરછ કરતાં મને ખ્યાલ આવ્યો કે એ સંન્યાસીનું નામ સચ્ચિદાનંદ હતું. મને થયું કે આ છૂપું નામ ધારણ કરનાર સચ્ચિદાનંદ નરેન્દ્રનાથ સિવાય બીજું કોઈ ન હોઈ શકે. મારા આનંદ સાથે હું મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીના ઘરે પહોંચ્યો અને પૂછપરછ કરતાં મને તરત જ ખ્યાલ આવી ગયો કે મારી ઉપર્યુક્ત ધારણા સાચી હતી. મને અહીં ઓચિંતાનો જોઈને નરેન્દ્રનાથનો ચહેરો આનંદથી છલકાઈ ગયો. આટલા લાંબા સમય પછી એમને મળીને મારી આંખોમાં પણ આંસું વહેવાં લાગ્યાં. શાસ્ત્રનિષ્ણાત મન:સુખરામ ત્રિપાઠી સાથે નરેન્દ્રનાથની એ વખતે અદ્વૈત વેદાંતના કેટલાક મુદ્દાઓ પણ ચર્ચા ચાલતી હતી. ત્રિપાઠી સાથે નરેન્દ્રનાથે મારો પરિચય કરાવ્યો. શ્રી ત્રિપાઠી ઊભા થયા. મને નમસ્કાર કરીને બેસવા માટે વિનંતી કરી. જ્યારે હું બેઠો ત્યારે નરેન્દ્રનાથે મારા તરફ જોયું અને ત્રિપાઠીને કહ્યું: ‘આ મારા ગુરુબંધુ છે અને અદ્વૈત વેદાંતના મર્મજ્ઞ છે. હવે તેઓ તમારી સાથે શાસ્ત્રચર્ચા કરશે.’ મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. હું થાકી ગયો હતો. વળી નરેન્દ્રનાથને આટલા લાંબા સમય પછી મળ્યા બાદ મારા આનંદનો પાર ન હતો. નરેન્દ્રનાથ સાથે વાતચીત કરવાની મને હજી તક-સમય મળે એ પહેલાં જ એમણે મને ત્રિપાઠી સાથે શાસ્ત્રચર્ચા કરવાનું આહ્‌વાન આપ્યું. મારા વરિષ્ઠ ગુરુબંધુની આજ્ઞા પ્રમાણે મેં એ પંડિત સાથે સંસ્કૃતમાં અદ્વૈતવેદાંતનાં કેટલાંક તત્ત્વોની વાત-ચર્ચા શરૂ કરી. શ્રી ત્રિપાઠી પૂર્વપક્ષ વિશેના દૃષ્ટિબિંદુ વિશે એક પછી એક પ્રશ્નો મને પૂછવા લાગ્યા અને હું એમના પ્રશ્નોનો એક પછી એક જવાબ આપવા લાગ્યો. નરેન્દ્ર મારા ઉત્તરો આનંદ સાથે સાંભળતા હતા. અંતે મારા ઉત્તરથી પ્રસન્ન થઈને પંડિતજીએ મને બે હાથ જોડીને નમસ્કાર કર્યા. નરેન્દ્રનાથ પોતાનો આનંદ મનમાં ન સમાવી શક્યા એવું મને લાગ્યું. પોતાના ગુરુબંધુની આ સફળતાનું ગર્વ એમના ચહેરા ઉપર તેજસ્વીતા રૂપે ચમકી રહ્યું હતું. પછી ત્રિપાઠીએ મને આરામ કરવા વિનંતી કરી અને નરેનદ્રનાથ સાથે મારા ભોજનની વ્યવસ્થા પણ ગોઠવી દીધી… શ્રી મન:સુખરામ સૂર્યરામ ત્રિપાઠીની વિનંતીથી હું નરેન્દ્રનાથ સાથે એમના ઘરે ત્રણ-ચાર દિવસ રહ્યો અને પછી દ્વારકા જવા નીકળી પડ્યો. મને વિદાય આપવા માટે મન:સુખરામ ત્રિપાઠી આવ્યા હતા. વિદાય વખતે એમની આંખોમાં ઝળઝળિયાં આવી ગયાં.’

ગુજરાતના સાક્ષર રત્ન અને ‘સરસ્વતીચંદ્ર’ના લેખક તરીકે જાણીતા થયેલા શ્રી ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીના શ્રી મન:સુખરામ ત્રિપાઠી કાકા થતા. પણ એ બંને વચ્ચેનો સંબંધ પિતાપુત્ર જેવો હતો. ૨૦ ઓક્ટોબર ૧૮૫૫માં નડિયાદમાં જન્મેલા ગુજરાતના યુગપ્રવર્તક અને મહાનવલના સર્જક ગોવર્ધનરામના જીવનના કઠિન દિવસોમાં પણ મન:સુખરામ ત્રિપાઠી એમને હંમેશાં દીવાદાંડી રૂપ બની રહ્યા. મન:સુખરામની દેખરેખ નીચે ઉછેર થવાથી આર્યસંસ્કૃતિ તરફનો પક્ષપાત અને વિદ્યોપાસનાની લગની ગોવર્ધનરામને નાનપણથી જ મળ્યાં હતાં. ૧૬ વર્ષની વયે તેઓ મુંબઈ ભણવા ગયા. ૧૮૭૯માં તેઓ ભાવનગરના દિવાન શામળદાસના અંગત સચિવ બન્યા. 

સ્વામીજી નડિયાદમાં એપ્રિલ ૧૮૯૨ અને મે ૧૮૯૩માં આમ બે વાર ગયા હતા. પણ નડિયાદની એમની મુલાકાત દરમિયાન શ્રી ગોવર્ધનરામ સાથે સ્વામીજીની મુલાકાત થઈ હતી કે કેમ એની કોઈ પ્રમાણિત નોંધ મળતી નથી. મણિભાઈ નભુભાઈ દ્વિવેદીને સ્વામીજી મળ્યા હોય તો ગોવર્ધનરામને પણ મળ્યા હશે એટલું અનુમાન આપણે કરી શકીએ. પરંતુ આટલું ચોક્કસપણે કહી શકાય કે સ્વામીજીનાં ગ્રંથોનાં વાચનની એમના પર ઘણી ઘેરી છાપ પડી હતી. આ વાતનો ઉલ્લેખ એમના મૃત્યુ પછી ૧૯૫૯માં પ્રકાશિત થયેલા ‘સ્ક્રેપ બૂક’ ત્રણ ભાગ, સાત ખંડમાં આપણને જોવા મળે છે. ગુજરાતના સુપ્રસિદ્ધ કવિ અને વિવેચક શ્રી ઉશનસ્‌ પોતાના એક પત્રમાં લખે છે: ‘શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનો પ્રભાવ ગુજરાતી સાહિત્ય ઉપર ગુજરાતી સાહિત્યના સર્વ યુગો પર વર્તાય છે. સાક્ષર યુગમાં શ્રી ગોવર્ધનરામના ‘સરસ્વતી ચંદ્ર’માં એમના ‘વ્યવહારુ સંન્યાસ’ Practical asceticismનો પ્રભાવ ‘સરસ્વતી ચંદ્ર’ના નાયક સરસ્વતીચંદ્ર પર સ્પષ્ટપણે દેખાય છે.’ 

‘સરસ્વતી ચંદ્ર’ના પહેલા ભાગમાં આવતો ‘કલ્યાણ યજ્ઞ’ ચોથા ભાગમાં ‘કલ્યાણ ગ્રામની યોજના’માં પરિણમે છે. આમ આરંભથી જ સરસ્વતી ચંદ્રની દેશોદ્ધારક ભાવના લક્ષ્યસ્થાન પ્રતિ ગતિ કરતી જણાય છે. આ રીતે ગોવર્ધનરામની પ્રવૃત્તિમય સંન્યાસની ભાવના નવલકથાના નાયક સરસ્વતીચંદ્રમાં જોવા મળે છે. આ વ્યવહારુ વેદાંતના આદર્શની પ્રેરણા એમને સ્વામી વિવેકાનંદના જ્ઞાનયોગ અને વ્યવહારુ વેદાંતમાંથી સાંપડી હશે એમ આપણે અનુમાન કરી શકીએ. ૧૮૯૪ અને ૧૯૦૧માં પ્રકાશિત થયેલ ‘સરસ્વતી ચંદ્ર’નો ત્રીજો અને ચોથો ભાગ સ્વામીજીની નડિયાદની મુલાકાત પછી પ્રસિદ્ધ થયા હતા. એટલે આ બે ભાગ પર સ્વામીજીના વ્યવહારુ વેદાંત વિશેના આદર્શ અને સિદ્ધાંતની સ્પષ્ટ છાપ આપણને જોવા મળે છે. ભારતીય પુનર્જાગૃતિમાં જે કંઈ ઉત્તમ હતું એ સારવી લઈને એક સમન્વયકારક પરિપ્રેક્ષ્યમાં આપણી સંસ્કૃતિને એમનાં લખાણો એક નવો રાહ ચીંધે છે. એમનાં લખાણો ભારતના આત્માની ખોજ છે. આ જ વાત અને આદર્શ આપણને સ્વામીજીનાં સંભાષણો અને લખાણોમાં સ્પષ્ટપણે જોવા મળે છે.

સ્વામી વિવેકાનંદે સ્થાપેલ માયાવતી અદ્વૈત આશ્રમનું પ્રોસ્પેક્ટસ વાંચીને પોતાનું શેષ જીવન ત્યાં ગાળવાની ગોવર્ધનરામની તીવ્ર ઇચ્છા હતી. આ વાતનો ઉલ્લેખ ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠીની સ્ક્રેપ બૂક, (ભાગ-૨, પૃ.૨૮૭) માં જોવા મળે છે.

તેઓ ૧૯૦૫માં મળેલી પહેલી ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખપદે ચૂંટાયા હતા અને ‘ગુજરાતના પ્રાચીન સાહિત્યમાં ઇતિહાસનું દિગ્દર્શન’ વિશે વ્યાખ્યાન આપ્યું હતું. તેઓ યોગશાસ્ત્રમાં ઊંડા ઊતર્યા હતા અને સ્વામીજીના ‘રાજયોગ’નો ગહન અભ્યાસ કર્યો હતો. તેમણે વિધિપૂર્વક સંન્યાસ લેવાનો સંપર્ક કર્યો પણ પોતાની પ્રતિકૂળ તબિયત વધુ બગડતાં ‘ઘરમાં રહીને જ સંન્યાસ’ એ નિર્ણય પણ આવ્યા. અજમેર, પુષ્કર, ગોકુળ-મથુરા જેવાં પવિત્ર તીર્થસ્થાનોની યાત્રા પછી ૧૯૦૭ના જાન્યુઆરીની ૪ તારીખે આ મહાન સાહિત્યકારે પોતાના છેલ્લા શ્વાસ લીધા.

ગુજરાતના સુપ્રસિદ્ધ સાક્ષર અને શાસ્ત્રનિષ્ણાત મણિલાલ નભુભાઈ દ્વિવેદી સાથે સ્વામીજીની નડિયાદમાં એપ્રિલ ૧૮૯૨માં મુલાકાત થઈ હતી. એમનો જન્મ ૨૬ સપ્ટેમ્બર, ૧૮૫૮ના રોજ નડિયાદમાં થયો હતો. ૧૮૭૫માં મેટ્રિક્યુલેશન માટે તેઓ મુંબઈ ગયા. ૧૮૭૫માં પરીક્ષામાં બેઠા, પણ નવાઈની વાત એ બની કે પાછળથી દેશવિદેશમાં સંસ્કૃતના પંડિત તરીકે નામના મેળવનાર મણિલાલ સંસ્કૃત વિષયમાં જ નાપાસ થયા હતા. ૧૮૭૬માં મેટ્રિકની પરીક્ષામાં સમગ્ર યુનિવર્સિટીમાં બીજે નંબરે આવતાં એમને માસિક રૂપિયા ૨૦ની શિષ્યવૃત્તિ મળી. આ શિષ્યવૃત્તિ સાથે તેઓ એલ્ફિન્સ્ટન કોલેજમાં દાખલ થયા અને ૧૮૭૯માં બી.એ.ની પરીક્ષામાં બીજે નંબરે સફળ થયા. એમની અભ્યાસ કારકીર્દિ યશસ્વી રહી હતી અને ડો. રામકૃષ્ણ ભાંડારકર તેમજ પ્રિ. વર્ડઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકોની પ્રીતિ અને શિક્ષણપદ્ધતિનો એમને લાભ મળ્યો હતો. કોલેજમાં ‘ફેલો’ તરીકે નિમાયા. પણ પિતાની તાકીદને કારણે તેઓ આગળ અભ્યાસ ન કરી શક્યા. આમ છતાં પણ ઇતિહાસ, ફિલસૂફી, ધર્મશાસ્ત્ર, સંસ્કૃત નાટકોનું ઊંડું પરિશીલન એમણે ચાલુ રાખ્યું.

મન:સુખરામ ત્રિપાઠીના કુટુંબ સાથે એમને ગાઢ પરિચય હતો. શ્રી મન:સુખરામની દેખરેખ હેઠળ જ તેઓ મુંબઈમાં રહેતા. ભાવનગરના નાયબ દિવાન વિજયશંકર ગૌરીશંકરના અંગત સચિવનું પદ એમને મળ્યું હતું પણ નડિયાદમાં મદદનીશ શિક્ષકની જગ્યા મળતાં ત્યાં ગયા. ૧૮૮૦માં ગુજરાતની નિશાળોના ડેપ્યુટી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટરની જગ્યાએ એમને નિમણૂક મળી. ૧૮૮૫માં ભાવનગરની શામળદાસ કોલેજમાં તેઓ સંસ્કૃતના અધ્યાપક બન્યા. મહાત્મા ગાંધી જેવા વિદ્યાર્થીઓને એમણે અભ્યાસ કરાવ્યો. ૧૮૯૩ની શિકાગોની પહેલી વિશ્વધર્મ પરિષદમાં જતાં પહેલાં સ્વામી વિવેકાનંદની એમની સાથેની મુલાકાતનો ઉલ્લેખ સ્વામીજીએ વડોદરાથી ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ દિવાનશ્રી હરિદાસ વિહારીદાસને લખેલા પત્રની યાદટીપમાં ‘નડિયાદમાં હું શ્રી મણિલાલ નભુભાઈને મળ્યો હતો. તેઓ ઘણા વિદ્વાન અને નિર્મળ હૃદયના સદ્‌ગૃહસ્થ છે. મને એમના સંગાથમાં ઘણો આનંદ મળ્યો.’ આવો ઉલ્લેખ છે.

એ શિકાગો વિશ્વધર્મ પરિષદમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ ‘હિંદુઈઝમ’ વિશે એક શોધપત્ર લખીને મોકલ્યો. એ પરથી પ્રભાવિત થઈને વિશ્વધર્મ પરિષદના સંચાલકોએ એમને પરિષદમાં હાજરી આપવા નિમંત્રણ મોકલ્યું હતું. નાદુરસ્ત તબિયતને હિસાબે તેઓ જઈ ન શક્યા. ઓરિએન્ટલ કોન્ફરન્સના વિદેશમાં વિવિધ સ્થળોએ ભરાયેલાં અધિવેશનોમાં એમણે ‘અદ્વૈત’, ‘મોનિઝમ ઓર અદ્વૈતિઝમ’, ‘પુરાણ’, ‘જૈન ફિલસૂફી’ એમ વિવિધ વિષયો પર શોધ પત્રો મોકલ્યાં હતાં. એ અંગે મેક્સ મૂલર જેવા વિદેશી વિદ્વાનો સાથે મતભેદ થતાં ઘણો પત્ર વ્યવહાર પણ થતો. મણિલાલની સંસ્કાર પ્રવૃત્તિનું મુખ્ય વાહન એમનાં બે માસિક પત્રો ‘સુદર્શન’ અને ‘પ્રિયંવદા’ હતાં. ૧૮૮૫ના ઓગસ્ટમાં નારીશિક્ષાના શુભાશયથી સ્થપાયેલું ‘પ્રિયંવદા’ ૧૮૯૦ના ઓક્ટોબરથી ‘સુદર્શન’માં ફેરવાઈને સંસ્કારોદ્‌બોધનના વિશાળ ક્ષેત્રને – ધર્મ, ગૃહ, રાજ્ય અને સાહિત્યને આવરી લેતું.

પોતાના ૪૦ વર્ષના ટૂંકા જીવનકાળમાં મણિલાલ નભુભાઈ દ્વિવેદીએ શંકરાચાર્યના અદ્વૈતવેદાંતને કેન્દ્રમાં રાખીને માનવજીવન અને સંસ્કૃતિ-સભ્યતા પર ઘણો વેધક પ્રકાશ પાડ્યો છે. આવાં લખાણો એમણે અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં લખ્યાં હતાં. તેઓ ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકાર અને કવિ હતા. એમની અંગ્રેજી કૃતિ ‘રાજયોગ’ની પ્રશંસા સર એડવિન આર્નોલ્ડે પણ કરી હતી. પોતાના અલ્પકાલીન જીવનકાળમાં સંસ્કૃત, ગુજરાતી અને અંગ્રેજીમાં ૬૦ જેટલા મૂલ્યવાન ગ્રંથોની રચના કરી હતી. એમના હસ્તલિખિત અપ્રકાશિત ગ્રંથોમાં સ્વામી વિવેકાનંદની અમેરિકાની મુલાકાતોનો સમાવેશ થાય છે. આ પરથી આપણને સ્પષ્ટપણે ખ્યાલ આવી જાય છે કે એમને સ્વામીજી પ્રત્યે કેટલો હૃદયપૂર્વકનો ઊંડો આદર હતો.

નડિયાદથી સ્વામીજી વડોદરા ગયા. વડોદરાના દિવાન મહાન રાજનીતિજ્ઞ અને વિદ્વાન એવા મણિભાઈ જશભાઈનો જન્મ વડનગરા ગૃહસ્થ નાગરબ્રાહ્મણમાં ૧૫ મે, ૧૮૪૪ના રોજ થયો હતો. પિતા જશભાઈ ખેડા જિલ્લાના ફોજદારી અધિકારી હતા. મણિભાઈ નાનપણથી જ બુદ્ધિશાળી અને ઉત્તમગુણોવાળા હતા. ગુજરાતી અભ્યાસ વડોદરા, પેટલાદ અને નડિયાદમાં પૂરો કર્યો અને પરીક્ષામાં ઈનામ પણ મેળવ્યું. નડિયાદમાં અંગ્રેજીનો અભ્યાસ શરૂ કર્યો અને અમદાવાદમાં પૂર્ણ થયો. ૧૮૬૨માં અંગ્રેજી શાળામાં મદદનીશ શિક્ષક બન્યા. અમદાવાદની કલેક્ટર ઓફિસની પરીક્ષામાં મણિલાલ પહેલે નંબરે પાસ થતાં એમને ત્યાં નોકરી મળી. પછી તેમણે અમદાવાદમાં ન્યાયશાસ્ત્રનો અભ્યાસ કર્યો. ૧૮૬૫માં જોઈન્ટસ્ટોક કંપનીમાં મેનેજર બન્યા. ૧૮૬૮માં અમદાવાદના જજની ઓફિસમાં હેડક્લાર્ક બન્યા. જૂનાગઢના પ્રખ્યાત દિવાન ગોકુલજી ઝાલાએ મણિભાઈની કુશાગ્રબુદ્ધિ અને શક્તિમત્તાને ઓળખી અને જૂનાગઢ રાજ્યમાં ન્યાય ખાતાના ઉપરી બનાવ્યા. ૧૮૭૨માં પાલનપુર એજન્સીમાં અને પછી ૧૮૭૩માં વડોદરા રેસિડન્સીમાં એમણે સેવા બજાવી. ૧૮૭૫માં એમને ‘રાવ બહાદુર’નો ખિતાબ મળ્યો. મણિભાઈની ખ્યાતિ સર્વત્ર ફેલાઈ. એનાથી આકર્ષાઈને કચ્છના મહારાજા મહારાવ શ્રી પ્રાગમલજીની ઇચ્છાથી ૧૮૭૬માં તેઓ કચ્છ રાજ્યના દિવાન બન્યા. કચ્છમાં વિદ્યાલયો, જળાશયો, ધર્મશાળા, ઔષધાલય, માર્ગ, નૌકાશય, બંદર સુધારા અને પ્રજાકલ્યાણના અનેક કાર્યો એમણે કર્યાં. કચ્છના તત્કાલીન મહારાવ ખેંગારજી સવાઈ બહાદુર ગાદીએ આવ્યા ત્યારે દસ વર્ષના હતા. મણિભાઈની સંગતથી આ શાણા રાજકુમાર સમજુ, વિદ્યાપ્રિય અને સુશીલ રાજધર્મજ્ઞ રાજા બની શક્યા. એમની કચ્છની પ્રજાકીય કામગીરીને ધ્યાનમાં લઈને અંગ્રેજ સરકારે એમને દિવાન બહાદુરની પદવી આપી. ત્યાર પછી વડોદરાના મહારાજા શ્રી સયાજીરાવ ગાયકવાડે મણિભાઈને પોતાના રાજ્યના મુખ્ય પ્રધાનની જગ્યાએ નિમ્યા. મહારાજા ત્રણ-ચાર વખત ઈંગ્લેન્ડ વગેરે દેશોમાં જતા ત્યારે કારભાર દિવાન સાહેબ જ ચલાવતા. અંગ્રેજ સરકારને અને મહારાજા સયાજીરાવ ગાયકવાડને મણિભાઈના પ્રજાહિતનાં કાર્યોમાં અનન્ય શ્રદ્ધા હતી. ૬ વર્ષ સુધી એમણે વડોદરા રાજ્યના દિવાન તરીકે કાર્ય કર્યું હતું. મણિભાઈની કાર્યકુશળતા પ્રજાકલ્યાણની નીતિ અને સયાજીરાવ જેવા વિદ્વાન ગુણગ્રાહક રાજાના સુભગ સમન્વયથી વડોદરા રાજ્યમાં જાણે કે સોનામાં સુગંધ ભળી ગઈ હોય એવું થઈ ગયું. સર્વત્ર સુખાકારી અને શાંતિ પ્રવર્તતાં હતાં.

આવા સર્વગુણગ્રાહી દિવાન શ્રી મણિભાઈ જશભાઈના નિવાસસ્થાને એટલે કે આજના વડોદરાના ઐતિહાસિક દિલારામ બંગલામાં સ્વામી વિવેકાનંદ ઊતર્યા હતા. દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈએ સ્વામીજીને તેમના બાળસખા મણિભાઈના નામે એક પરિચયપત્ર આપ્યો હતો. સ્વામીજીએ અહીંના દિવાનજી સાથેના રોકાણ દરમિયાન રાજ્યની કેળવણી, પ્રજાકલ્યાણનાં કાર્યો વગેરે વિશે ચર્ચા કરી હતી. લક્ષ્મીવિલાસ મહેલનું સમૃદ્ધ પુસ્તકાલય જોઈને સ્વામીજીને ઘણો આનંદ થયો હતો. એમાં આવેલા રાજા રવિવર્માનાં ચિત્રો પણ સ્વામીજીએ જોયાં હતાં. દિવાન શ્રી હરિદાસ વિહારીદાસ દેસાઈને ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ સ્વામીજીએ લખેલા પત્રમાંથી મળતા પ્રમાણ પ્રમાણે સ્વામીજી ૨૬ એપ્રિલ, ૧૮૯૨ના રોજ વડોદરાથી મુંબઈ જવા રવાના થયા. ગુજરાતના પરિભ્રમણ પછી પણ સ્વામીજી શ્રી વીરચંદ ગાંધી જેવા અન્ય ગુજરાતી સાહિત્યકારો સાથે પરિચયમાં આવ્યા. જેની ચર્ચા આપણે હવી પછીના અંકમાં કરીશું.

(ક્રમશ:)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.