(ઓક્ટોબર ૨૦૦૫ થી આગળ)

સ્વામીજીની જીવનકથાના લેખકોનું કહેવું છે કે સ્વામીજી જયપુરમાં માત્ર બે સપ્તાહ જ રહ્યા હતા. અહીં એમનો નિવાસ સંભવત: ૩૧ માર્ચ થી ૧૩ એપ્રિલ, ૧૮૯૧ સુધીનો હતો. ‘યુગનાયક સ્વામી વિવેકાનંદ’ (ખંડ-૧, આ.૧, પૃ.૨૭૮-૭૯) પ્રમાણે જયપુરમાં તેઓ ક્યાં ઊતર્યા હતા એ વિશે ચોક્કસપણે કહેવું મુશ્કેલ છે. પરંતુ એમને તત્કાલીન જયપુર રાજ્યના પ્રધાન સેનાપતિ સરદાર હરિસિંહ સાથે ઘણો ઘનિષ્ઠ પરિચય થઈ ગયો હતો. 

એ વાત યાદ રાખવા જેવી છે કે સ્વામીજીના અલ્વર પ્રવાસ દરમિયાન ત્યાંના મોટા ભાગના સુખ્યાત નાગરિકો તથા રાજકીય અધિકારીઓ સ્વામીજી સાથે ઘણા ઘનિષ્ઠ પરિચયમાં આવી ગયા હતા. આ લેખકનું એવું અનુમાન છે કે આ બધા લોકોને જ્યારે એ ખ્યાલ આવ્યો કે સ્વામીજી ઉનાળાની ગરમીના દિવસો પસાર કરવા જયપુર અને અજમેરને રસ્તે આબુ પર્વત પર જઈ રહ્યા હતા ત્યારે એ લોકોએ એ તરફનાં (જયપુર, કિશનગઢ, અજમેર, પુષ્કર અને માઉન્ટ આબુ, વગેરે) ભિન્ન ભિન્ન સ્થાનો માટે પોતાના મિત્રો અને પરિચિતોને નામે સ્વામીજીને કેટલાક પરિચય પત્રો આપ્યા હતા. આ બાબતનો ઉલ્લેખ કે સંકેત આપણને હવે પછી જોવા મળશે. વળી અલવરના એક ભક્ત તો સ્વામીજીની સાથે જયપુર સુધી પણ આવ્યા હતા. આ લેખકનું અનુમાન એવું છે કે અલવરના દિવાન કે કોઈ બીજા ઘણા ઉચ્ચ અને મહત્ત્વના અધિકારીના પરિચય પત્ર સાથે અલવરના એ ભક્તે જ જયપુરના પ્રધાન, સેનાપતિ, સરદાર હરિસિંહ લાડખાનીના નિવાસસ્થાને રહેવાની વ્યવસ્થા કરી આપી હતી અને સ્વામીજીની છબિ પડાવ્યા પછી તેઓ વળી પાછા અલવર આવી ગયા હતા.

સરદાર હરિસિંહ લાડખાની

જયપુરના મુખ્ય સેનાપતિ સરદાર હરિસિંહ લાડખાનીનું સ્થાન શ્રીરામકૃષ્ણ ભાવધારાના ઇતિહાસમાં ચિરકાળ માટે અવિસ્મરણીય રહેશે. એનું કારણ એ છે કે તેઓ પરિવ્રાજક સ્વામી વિવેકાનંદના ઘનિષ્ઠ અને નિકટના સંપર્કમાં તો આવ્યા હતા પણ સાથે ને સાથે સ્વામીજીના કેટલાય ગુરુબંધુઓ તેમજ શિષ્યો જેવા કે સ્વામી બ્રહ્માનંદ, સ્વામી તુરીયાનંદ, સ્વામી અખંડાનંદ, સ્વામી અભેદાનંદ, સ્વામી નિર્મલાનંદ અને સ્વામી શારદાનંદજીએ પણ એમનું આતિથ્ય સ્વીકાર્યું હતું અને માણ્યું હતું. આ વિષયનું વિગતવાર વિવરણ કાળાનુક્રમ પ્રમાણે યોગ્ય સ્થળે આપવામાં આવશે.

પંડિત જાબરમલ શર્માના ‘ખાટૂ શ્યામજી કા ઇતિહાસ’ (પૃ.૨૯-૩૦); ‘રાજસ્થાન મેં સ્વામી વિવેકાનંદ’, (ભાગ-૧, પૃ.૧૫૦); તેમજ ‘આદર્શ નરેશ’ (પૃ.૩૭) પ્રમાણે સરદાર લાડખાના વંશજોનું ઉપનામ ‘લાડખાની’ થયું. એમના પૂર્વજોને ખેતડી દ્વારા નિરાધનુની જાગીર મળી હતી અને જયપુર પાસેથી ખાટૂ પણ સ્થાયી પટ્ટા પર લઈ લીધું હતું. એ યાદ રાખવા જેવું છે કે આ ખાટૂમાં જ સુપ્રસિદ્ધ શ્યામજીનું મંદિર આવેલું છે. આ વંશના રામવક્ષસિંહ રાજા અજિતસિંહના પરમ વિશ્વાસપાત્ર ગણાતા. સાથે ને સાથે સૌભાગ્ય સિંહ ખેતડી રાજ્યમાં મહાપ્રબંધક પણ હતા. સરદાર હરિસિંહ આ સૌભાગ્ય સિંહના જ પુત્ર હતા. થોડા સમય સુધી તેઓ ખેતડીમાં રાજા અજિતસિંહ પાસે ત્યાંના વિદેશ વિભાગના અધિકારી અને રાજાના પર્સનલ સ્ટાફ – અંગત સહચરમાંના એક હતા. ત્યાર પછી તેઓ જયપુર આવ્યા અને અહીંના મુખ્ય પ્રધાન બાબુ કાંતિચંદ્ર મુખર્જીએ એમની યોગ્યતા પર સંતુષ્ટ થઈને એમને જયપુર રાજ્યના મુખ્ય સેનાપતિ બનાવી દીધા. મોટી ઉંમરે પણ તેઓ નિયમિત રીતે વ્યાયામ કરતા, સ્ફૂર્તિલા હતા અને ૮૫ વર્ષ જેટલું લાંબું આયુષ્ય ભોગવ્યું હતું.

જયપુરની દિનચર્યા

સરદાર હરિસિંહના બંગલામાં નિવાસ કરતી વખતે સ્વામીજી અહીં આવતા લોકો સાથે ધર્મ તથા શાસ્ત્રોના વિભિન્ન વિષયો પર ધર્મચર્ચા તેમજ સુબોધ વિવેચન-વાર્તાલાપ કરતા. આર્યસમાજ, બ્રહ્મસમાજ જેવા સુધારણા કરનારા આંદોલનોના પ્રભાવે એ દિવસોમાં મૂર્તિપૂજા એક ચર્ચાસ્પદ વિષય બની ગયો હતો. સ્વામીજીના અલવર પ્રવાસ દરમિયાન પણ રાજા મંગલસિંહે આ વિષય પર પોતાની શંકા દર્શાવી હતી. અહીં પણ એક દિવસ ‘મૂર્તિપૂજા’ પર ચર્ચા ચાલી. હરિસિંહ ચુસ્ત નિરાકારવાદી વેદાંતી હતા. મૂર્તિ કે મૂર્તિપૂજામાં એમને વિશ્વાસ ન હતો. આ કારણે એ દિવસે કલાકો સુધી મૂર્તિપૂજા વિશે વાદવિવાદ અને ચર્ચા થઈ છતાં પણ તેઓ પોતાના મતમાં કોઈ ફેરફાર કરવા રાજી ન થયા.

સાંજે એ બધા લોકો સ્વામીજી સાથે ફરવા જવા બહાર નીકળ્યા. તેઓ (ત્રિપોલિયા બજાર પાસે?) રાજપથના ફૂટપાથ પર ચાલી રહ્યા હતા. એ વખતે એ લોકોએ જોયું તો ભક્તોનો એક સમૂહ ભજન-કીર્તન કરતો કરતો શ્રીકૃષ્ણની પ્રતિમા સાથે શોભાયાત્રા રૂપે નીકળ્યો છે. સ્વામીજીએ એકાએક હરિસિંહને સ્પર્શીને કહ્યું: ‘જુઓ, જુઓ! ચૈતન્ય જીવંત ઈશ્વર!’ આ સાંભળતાની સાથે હરિસિંહે જેવી પેલી મૂર્તિ પર નજર નાખી તેવા જ તેઓ સ્થિરભાવે ઊભા રહી ગયા અને એમની આંખોમાંથી આનંદનાં અશ્રુ વહેવા લાગ્યાં. પછીથી બાહ્ય ચેતનાની સહજ અવસ્થા પર આવીને હરિસિંહજીએ આશ્ચર્ય સાથે કહ્યું: ‘સ્વામીજી, આજે મારી આંખો ઊઘડી ગઈ. કલાકો સુધી તર્ક કે વિચાર કરવાથી જે વાત પર મને શ્રદ્ધા ન આવી કે હું એને ન સમજી શક્યો તે વાત આપના સ્પર્શ માત્રથી બોધગમ્ય બની ગઈ. મને એ પ્રતિમામાં સાક્ષાત્‌ ભગવાનનાં દર્શન થયાં.’

સ્વામીજી જ્યાં ક્યાંય ભક્તોની વચ્ચે બેસતાં ત્યાં જાણે કે આનંદ મેળો જામી જતો. ધર્મચર્ચા કરતી વખતે વચ્ચે વચ્ચે તેઓ વ્યંગવિનોદ પણ કરતા રહેતા. વળી પાછો બીનજરૂરી તર્કવિર્તક કરનારાને પણ ઘણો મનોરંજક ઉત્તર પણ આપી દેતા. અહીં એક ઘણી રોચક ઘટના ઘટી હતી:

એક દિવસ સ્વામીજી કેટલાક લોકો સાથે બેસીને ધર્મચર્ચા કરી રહ્યા હતા. એ સમયે એ ક્ષેત્રના એક પ્રસિદ્ધ વિદ્વાન તથા મુખ્ય સરદાર પંડિત સૂર્યનારાયણ એમનાં દર્શન કરવા આવ્યા. એ સમયે હિંદુધર્મના અવતારવાદની ચર્ચા ચાલી રહી હતી. સ્વામીજી જે વિશે વાતો કરતા હતા એનો દોર પકડીને પંડિતજીએ કહ્યું: ‘સ્વામીજી, હું તો વેદાંતી છું. મને અવતારપુરુષોની વિશેષ અલૌકિક શક્તિઓમાં શ્રદ્ધાવિશ્વાસ નથી. પૌરાણિક અવતારોમાં પણ મને શ્રદ્ધાવિશ્વાસ નથી. વેદાંતની દૃષ્ટિએ તો આપણે બધા બ્રહ્મ છીએ. અવતાર અને મારામાં વળી અંતર કયું હોઈ શકે?’ આ સાંભળીને સ્વામીજીએ કહ્યું: ‘આપની વાત સાવ સાચી છે. હિંદુ લોકો મત્સ્ય, કૂર્મ, વરાહ વગેરેને પણ અવતાર માને છે. અને આપ પણ કહો છો કે આપ પોતે પણ અવતાર છો. તો જરા એટલું બતાવો તો ખરા કે આમાંથી તમે કોણ છો?’ સભામાં ઉપસ્થિત બધા લોકો અટ્ટહાસ્ય કરવા લાગ્યા. પેલા પંડિતજી શરમાઈને મૌન જ રહ્યા.

પાણિનીય વ્યાકરણનું અધ્યયન

સંભવત: સરદાર હરિસિંહના નિવાસસ્થાને જ જયપુરના પ્રસિદ્ધ વિદ્વાન સાથે સ્વામીજીને પરિચય થયો. એ પહેલાં વરાહનગર મઠમાં પણ તેઓ પાણિનિ વ્યાકરણનું અધ્યયન કરતા હતા. સુઅવસર જોઈને આ પંડિતજી પાસેથી સ્વામીજીએ પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણનો અભ્યાસ શરૂ કર્યો. પંડિતજી આ વિષયના પ્રકાંડ વિદ્વાન હતા. પરંતુ વિષયને સરળ સુબોધ બનાવીને ભણાવવાની કળામાં તેઓ કુશળ ન હતા. પરિણામે ત્રણ દિવસ સુધી સતત પ્રયત્ન કરવા છતાં પણ તેઓ પાણિનિના પ્રથમ સૂત્રનું પાતંજલ ભાષ્ય પણ સમજાવી ન શક્યા. હારી જઈને ચોથે દિવસે પંડિતજીએ કહ્યું: ‘સ્વામીજી, જો ત્રણ દિવસોમાં પણ આપને પ્રથમ સૂત્રનો અર્થ જ હું ન સમજાવી શક્યો તો મને એવું લાગે છે કે મારાથી આપને કોઈ વિશેષ ફાયદો નહિ થાય.’ આનાથી લજ્જિત થઈને સ્વામીજીએ દૃઢ સંકલ્પ કર્યો કે ભલે ગમે તેમ થાય પણ તેઓ સ્વપ્રયત્નથી જ ભાષ્યને સમજશે. જ્યાં સુધી એવું નહિ થાય ત્યાં સુધી તેઓ બીજી કોઈ બાજુએ પોતાના મનને લગાડશે નહિ. આવો સંકલ્પ કરીને તેઓ એકાંતમાં સ્વ-અધ્યયન કરવા બેઠા. પંડિતજી જે પાઠ ત્રણ દિવસમાં સમજાવી ન શક્યા એ પાઠ સ્વામીજીએ પોતાના મનની એકાગ્રતાના બળે ત્રણ કલાકમાં જ સમજી-જાણી લીધો. થોડીવાર પછી તેઓ એ પાઠની વ્યાખ્યાની સમીક્ષા માટે પંડિતજી પાસે ગયા. સ્વામીજીની મૌલિક, સરળ, ગહનતર્કપૂર્ણ વ્યાખ્યા સાંભળીને પંડિતજીના આશ્ચર્યનો પાર ન રહ્યો. એ ઉપરાંત સ્વામીજી સહજભાવે એક પછી એક સૂત્ર વાંચતા ગયા. આ રીતે જયપુરના પોતાના બે-સપ્તાહના પ્રવાસ દરમિયાન એમણે પાણિનિના અષ્ટાધ્યાયી વ્યાકરણના કેટલાક અંશોનું અધ્યયન પૂરું કર્યું. 

આ ઘટના વિશે કોઈએ સંદેહ-શંકા વ્યક્ત કરી એટલે સ્વામીજીએ કહ્યું: ‘યોગી માટે આ કોઈ આશ્ચર્યની વાત નથી. આત્માની બધી શક્તિઓ કેન્દ્રિત કરીને એમને એક વિષય પર લગાડવાથી ત્રિલોકમાંનું કોઈ એવું રહસ્ય નથી કે જે જાણી ન શકાય!’ આ સંદર્ભમાં એકવાર એમણે આમ કહ્યું હતું: ‘મનમાં પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો બધું સંભવ બની જાય છે. પ્રબળ ઇચ્છાશક્તિ હોય તો પર્વતને પણ ભાંગીને ભૂકો કરીને રજકણમાં પરિવર્તિત કરી શકાય છે.’ 

સંસારચંદ્ર સેન

પંડિત જાબરમલ્લ શર્માએ લખેલ ‘રાજસ્થાન મેં સ્વામી વિવેકાનંદ’ (ભાગ-૧, પૃ.૧૫૦-૫૧) પ્રમાણે બાબુ સંસારચંદ્ર સેન (૧૮૪૬-૧૯૦૯) નો જન્મ બંગાળના ૨૪ પરગણા જિલ્લાના નાટાજોડ ગામમાં એક ઉચ્ચ વૈદ્યકુળમાં થયો હતો. આગ્રા કોલેજમાં શિક્ષણ મેળવીને તેઓ જયપુરની મહારાજા કોલેજમાં પ્રાધ્યાપક બન્યા હતા. ત્યાર પછી તેઓ જયપુરની જ રાજપૂત સ્કૂલના હેડમાસ્ટર પણ બન્યા. અહીં એમના વિદ્યાર્થીઓમાં જયપુરના પરવર્તી મહારાજા પણ હતા. રાજગાદી પર બેસતાં મહારાજાએ સંસારચંદ્ર સેનને પોતાના અંગત સચિવ બનાવ્યા. પછી બાબુ કાંતિચંદ્ર મુખર્જીના અવસાન પછી તેઓ જયપુર રાજ્યના પ્રધાનમંત્રી પણ બન્યા. એના નાના ભાઈ હેમચંદ્ર સેન દિલ્હીમાં રહેતા હતા. ‘વિશ્વપથિક વિવેકાનંદ’ (પૃ.૫૪૪)ની પાદટિપ્પણી પ્રમાણે એમના પુત્ર શ્રી અવિનાશચંદ્ર સેન પણ જયપુર રાજ્યમાં મંત્રીપદે હતા. એમની જ પુત્રી કથાકાર શ્રીમતી જ્યોર્તિમયી દેવીએ ‘જયપુરે સ્વામી વિવેકાનંદ’ એ શીર્ષક હેઠળ બંગાળીમાં એક લેખ લખ્યો હતો. આ લેખ ૧૯૬૩માં માસિક પત્રિકા ‘ઉદ્‌બોધન’ના ‘વિવેકાનંદ શતાબ્દિ વિશેષાંક’ (પૃ.૨૪૪-૪૬)માં પ્રકાશિત થયો હતો. ત્યાર પછી આ લેખ બંગાળી ગ્રંથ ‘વિશ્વપથિક વિવેકાનંદ’ (પૃ.૫૪૩-૪૬)માં લેવાયો હતો. આ લેખમાં લેખિકાએ જે કંઈ બતાવ્યું છે એની મુખ્ય બાબતો આવી છે : ‘સ્વામીજીની જયપુર જવાની વાત મેં કેવળ મારા કાને સાંભળી હતી; અને એ પણ મારા પિતાજી, કાકા, ફૈબા કે મા પાસેથી. સ્વામીજીની જયપુર જવાની ઘટના આશરે (૧૯૬૩ના) ૭૦ વર્ષ પહેલાં ઘટી હતી. એ વખતે હજુ મારો જન્મ પણ નહોતો થયો… ઘણા દિવસો પછી મેં મારાં માતાને પૂછ્યું: ‘બા, શું તમે સ્વામીજીને જોયા છે?’ … મા પાસેથી સાંભળ્યું – એ સમયે એમની (માની) ઉંમર ૧૬-૧૭ વર્ષની હશે… એ દિવસોએ ઘાસના છાપરાવાળી ઓસરી જ એમના ઘરનું બેઠકખાનું હતું. એ જ ઓરડામાં સ્વામીજી બેસતા. મા, દાદી, ફૈબા તથા ઘરની બીજી સ્ત્રીઓએ પાસેના જ એક ઓરડામાં પડદાની પાછળ બેસીને એ વિશ્વવિખ્યાત સંન્યાસીનાં દર્શન કર્યાં હતાં. એમને મુખે કેટલાંક ભજન પણ સાંભળ્યાં હતાં. એ ભજનો વિશે માએ કહ્યું – એ ગિરિશચંદ્ર ઘોષ દ્વારા રચિત ‘બુદ્ધ ચરિત’ નાટકનાં ભજન હતાં – જુડાઈ તે ચાઈ, કોથાય જુડાઈ (હું શીતળ શાંત થવા માગું છું, પણ એ શીતળતા અને શાંતિ ક્યાંથી મળે! ક્યાંકથી આવું છું અને કઈ બાજુએ વહી જાઉં છું! ફરી ફરી પાછો આવું છું, ન જાણે કેટલો રડું છું હસું છું; વળી પાછો ક્યાં ચાલ્યો જાઉં છું એ જ હું વિચારી રહ્યો છું.) આ ભજન ઘણું લાંબું હતું. સ્વામીજીનો કંઠ પણ એટલો અદ્‌ભુત અને એના ભાવ પણ એવા જ હતા. બીજા શ્રોતાઓ અને નારીસમૂહ પણ એ ભજન અને એ દિવસની વાતો આજીવન ભૂલી નહિ… બીજા પણ બેચાર ભજન ગવાયાં. એનો ભાવાર્થ આવો છે – આવ્યા કૃષ્ણ, આવ્યા જુઓ વાંસળી વાગવા લાગી રે. તેઓ રાધિકાના અભિલાષી છે, એની વાંસળી પુકારે છે રાધાને! હે કિશોરી ઊઠ, ઊઠ! વાંસળી તને બોલાવે છે! આ ગીત પણ ગિરિશચંદ્રના જ ‘ચૈતન્યલીલા’ નાટકનું ગીત હતું. સ્વામીજીએ એક ભજન પણ ગાયું. એનો ભાવાર્થ આ છે – નિરર્થક વહી જશે રે મારા દિવસો! શું આમ જ હે નાથ! આશા પથ પર નજર નાખીને બેઠો છું હું દિનરાત. 

બધું હકીકત બતાવનારું કે વર્ણવનારું આસપાસ કોઈ જીવતું ન હતું. એકાએક એક દિવસ સાંભળ્યું, એક ફૈબા વર્ણવે છે. એમણે પોતાની મા (મારી દાદી) પાસેથી સાંભળ્યું હતું: ‘એ સમયે અમારું મકાન બન્યું ન હતું. અમારું બેઠક ખાનું એક ઝૂંપડી જેવા ઓરડામાં હતું. સંન્યાસી માજમ રાતે એમાં બેસીને આવા ભાવાર્થના ગીત ગાઈ રહ્યા હતા-‘મા ઘોર અંધકાર વચ્ચે જ, તારું એ અદ્‌ભુત રૂપ ચમકતું રહે છે.’ વળી વિચારું છું, એ સમયે સ્વામીજી એ મકાનમાં શું બે-એક દિવસ રહ્યા હતા? આટલા દિવસો પછી આ વાત મેં માને પૂછી. માએ કહ્યું: ‘ત્રણ-ચાર દિવસ તેઓ એ જ મકાનમાં રહ્યા અને એ મકાનના માલિકનું નામ હતું સંસારચંદ્ર સેન.’

સ્વામી ગંભીરાનંદજીએ પોતાના પુસ્તક ‘યુગનાયક વિવેકાનંદ’ (ભાગ-૧, પૃ.૨૭૯)માં કેટલીક વધુ જાણકારી આપી છે. આ જાણકારી એમને સંભવત: સ્વયં આ લેખિકા પાસેથી જ મળી હશે. એનું કારણ એ છે કે એનો ઉલ્લેખ બીજે ક્યાંય નથી જોવા મળતો. તેઓ કહે છે: ‘સેન મહાશયના ઘરેથી જતી વખતે એમને જ્યોર્તિમયી દેવીને ગીતોનું એક પુસ્તક આપ્યું હતું. એમાં પોતાના સ્વરચિત તેમજ સ્વહસ્તલિખિત કેટલાંક ગીત હતાં.’ પરંતુ આ પુસ્તક કે નોટબુક સંભવત: તેઓ પોતાના દાદીજીને આપી ગયા હશે, કારણ કે ઉપરોક્ત લેખ પ્રમાણે જ્યોર્તિમયી દેવીનો જન્મ એ વખતે થયો ન હતો.

આ સિવાય ઉપર્યુક્ત લેખમાં જયપુરની ઘટનાઓનો સમય ૧૮૯૦ કે ૧૮૯૩ અને એનાથી આગળ ૧૮૯૨ કે ૧૮૯૩ એમ બતાવાયો છે. સ્વામી ગંભીરાનંદજી એને ૧૮૯૧માં બનેલ ઘટના માને છે. વળી, લેખિકાએ સ્વામીજીના જીવન સાથે ખેતડીમાં ઘટેલી ‘નર્તકીવાળી ઘટના’ને પણ જયપુરમાં જ બન્યાની સંભાવના બતાવી છે. પણ ઘટનાઓનાં ૭૦ વર્ષ પછી અહીંતહીંથી સાંભળેલી વાતો પર આધારિત લખેલા આ લેખની દરેક બાબતને આપણે ગંભીરતાથી ધ્યાનમાં ન લઈ શકીએ. એમના બંગલામાં સ્વામીજીના રહેવાની સંભાવના નગણ્ય લાગે છે. સંભવ છે કે જયપુર પ્રવાસ દરમિયાન સ્વામીજીનો એમની સાથે સંપર્ક થયો હોય એવું પણ બની શકે કે એમનું નિમંત્રણ મેળવીને સ્વામીજી એમના બંગલે પણ ગયા હોય, અને ત્યાં ભોજન-ભજન વગેરે થયું પણ હોય. પરંતુ ત્યાં નિવાસ કરવાની વાત કોઈ બીજા પ્રામાણિક તથ્ય દ્વારા સત્ય રૂપે સ્થાપિત થતી નથી, એટલે એ શ્રદ્ધેય વાત ન કહેવાય.

જયપુરમાં ગુરુભાઈ અખંડાનંદ

સત્યેન્દ્રનાથ મજુમદાર પોતાના સુપ્રસિદ્ધ ગ્રંથ ‘વિવેકાનંદ ચરિત’ (સંસ્કરણ-૧૯૭૧, પૃ.૧૭૬)માં આમ લખે છે : ‘આ બાજુએ સ્વામી અખંડાનંદજી સ્વામી વિવેકાનંદના વિયોગવિરહથી ઉદ્વિગ્ન બનીને એમની શોધમાં નીકળી પડ્યા હતા. જયપુર આવીને એમણે સાંભળ્યું કે રાજભવનમાં એક સંન્યાસી રહે છે. તેઓ પ્રાચ્ય અને પાશ્ચાત્ય બંને દર્શનશાસ્ત્રોમાં પારંગત છે અને અંગ્રેજી તથા સંસ્કૃતમાં ધારાવાહિક વાર્તાલાપ કરી શકે છે. એમણે વિચાર્યું: ‘ગમે તેમ પણ તેઓ સ્વામીજી જ હશે. એમના સિવાય બીજી કોઈ વ્યક્તિ આવી ન હોઈ શકે.’ સ્વામી અખંડાનંદજી એમને મળ્યા પણ ખરા. સ્વામીજીએ એમને જોઈને આનંદ પ્રગટ કરવાની વાત તો બાજુએ રહી, પરંતુ ક્રોધે ભરાઈને ભય દર્શાવીને એમને કહ્યું: ‘તમે મારી પાછળ પાછળ આવ્યા એ સારું નથી કર્યું. આ સ્થાન છોડીને તરત જ અહીંથી ચાલ્યા જાઓ.’ અખંડાનંદજી ઉદ્વિગ્ન મને જયપુર છોડીને ચાલ્યા ગયા. એમણે મનમાં ને મનમાં વિચાર્યું: ‘ગુરુભાઈ પ્રત્યે આવી રીતે નિર્મમ બન્યા તેની પાછળ અવશ્ય કોઈ મહાન ઉદ્દેશ્ય હશે.’

આ રીતે બીજા કેટલાક જીવનકથાકારોએ જેમકે અંગ્રેજીમાં શૈલેન્દ્રનાથ ધરે પોતાના ‘કોમ્પ્રિહેન્સીવ બાયોગ્રાફી ઓફ સ્વામી વિવેકાનંદ’ (૧૯૭૫, વો.૧, પૃ.૩૦૮)માં આમ લખ્યું છે: ‘જયપુરમાં સ્વામી અખંડાનંદજી સાથે એમને મુલાકાત થઈ હતી. પણ આ વાત સાચી નથી. એનું કારણ એ છે કે સ્વામી અખંડાનંદજીએ પોતાની બંગાળી ભાષામાં લખેલ ‘સ્મૃતિકથા’ (૩જી આવૃત્તિ, પૃ.૬૦-૬૪)માં પોતાની જયપુર યાત્રાના વિવરણમાં આ વાતનો ઉલ્લેખ કર્યો નથી. વસ્તુત: તેઓ ૭-૮ માસ પછી જયપુર પહોંચ્યા અને કાળક્રમે એ પ્રસંગ ત્યાર પછીના કોઈ સમયનો છે. એમ છતાં પણ આનું અહીં વિગતવાર વર્ણન દેવું યોગ્ય ગણાશે. પૂર્વોક્ત ગ્રંથમાં તેઓ લખે છે : ‘હું સ્વામીજીની શોધમાં જયપુર ગયો. ગોપીનાથજીના મંદિરમાં સરદાર ચતુરસિંહ સાથે મારી મુલાકાત થઈ. એમની પાસેથી સમાચાર મળ્યા કે સ્વામીજીએ ખેતડીના રાજાને શિષ્ય બનાવ્યા અને એમને ત્યાં બે-ચાર મહિના નિવાસ કર્યા પછી તેઓ અજમેર ગયા છે. હું જયપુર દર્શન પછી અજમેર ગયો. અહીંથી જાણવા મળ્યું કે સ્વામીજી અમદાવાદ ગયા છે… હું વિચારવા લાગ્યો કે પગે ચાલીને જવાથી સ્વામીજીને પકડી નહિ શકાય. પણ ટ્રેનમાં કેવી રીતે જવું? સંજોગવશાત્‌ કોઈએ આઠ આનામાં મારા માટે બિયાવરની એક ટિકિટ લઈ આપી. અહીં જઈને સાંભળવા મળ્યું કે સ્વામીજી અહીં આવ્યા તો હતા પરંતુ અહીંથી અજમેર ચાલ્યા ગયા હતા… બિયાવરથી મેં આબુની યાત્રા કરી… આબૂના જોવા લાયક સ્થળો જોયા પછી મેં અમદાવાદની યાત્રા કરી.’ અખંડાનંદજીના આ સ્વલિખિત વિવરણમાંથી આટલું તો સિદ્ધ થાય છે કે સ્વામીજીને તેઓ રાજસ્થાનમાં મળી શક્યા ન હતા. 

પંડિત જાબરમલ્લ શર્મા સ્વયં સ્વામી અખંડાનંદજીને મળ્યા હતા અને એમની પાસેથી ઘણી જાણકારી મેળવી હતી. એમનું કહેવું આમ છે : ‘એમના અન્યતમ ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી શોધતાં શોધતાં જયપુર પહોંચ્યા. જયપુરમાં આવેલ ખેતડી ભવનમાંથી એમને કુશળ સંવાદ સાથે સ્વામીજીની ત્યાંથી ચાલ્યા જવાની સૂચના મળી.’ વળી એમના એક બીજા લેખ ‘ખેતડીમાં સ્વામી વિવેકાનંદ અને એમના ગુરુભાઈ’ પ્રમાણે : ‘સ્વામીજીની શોધમાં જ એમના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી ફરતાં ફરતાં જયપુર પહોંચ્યા… ઓચિંતાનું જયપુરમાં ચાંદપોલની અંદર આવેલ ગોપીનાથજીના મંદિરમાં ઠાકોર ચતુરસિંહજી (મલસીસર) સાથે એમનું મિલન થયું. તેઓ એમને ઠાકોર હરિસિંહજી લાડખાનીની હવેલીમાં લઈ ગયા. અહીં એમના મોટા ભાઈ શ્રીમાન્‌ ભૂરસિંહજી પણ હતા. સ્વામીજીના ખેતડી પધારવાના અને રાજાજી સાથે પ્રીતિ સ્થાપન કરવાનું પૂરું વૃતાંત સ્વામી અખંડાનંદજીએ જાણી લીધું.’

વળી બંગાળીમાં ‘પ્રેમાનંદ’ ગ્રંથમાં સ્વામી અખંડાનંદજીનાં સંસ્મરણો વાર્તાલાપ રૂપે વિસ્તારપૂર્વક લિપિબદ્ધ થયાં છે. એમાંથી કેટલાંકનો અનુવાદ આ પ્રમાણે છે : ‘કેટલાંક સૂત્રો દ્વારા ખ્યાલ આવ્યો કે સ્વામીજી જયપુર, અલવર, અજમેર વગેરે સ્થળે જશે. એમના પ્રત્યે મારે ઘણાં પ્રેમલાગણી હતાં. એટલે એમનો સંગ કરવા હું જયપુર ગયો. ત્યાં હું એક દાદુપંથી અખાડામાં ઊતર્યો. એ અખાડાની પાસે જ એક મોટા દરવાજાવાળું એક લાલ મકાન હતું. ભગવાનનાં એવાં તો અપાર મહિમાકૃપા હતાં કે ત્યારે એકાએક મારા મનમાં આવો વિચાર આવ્યો કે કદાચ આ જ મકાનમાં મને સ્વામીજીનું ઠામ-ઠેકાણું મળશે. મનમાં વિચાર કર્યો કે ગોપીનાથજીની મૂર્તિનાં દર્શન કરીને પાછા ફરતી વખતે ત્યાં પૂછપરછ કરીશ. આવું વિચારીને હું ગોપીનાથજીનાં દર્શને ગયો. દર્શન પછી પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે અહીં બીજા માળે એક સજ્જન હાથમાં સોનાનું કડું પહેરીને બેઠા છે. ઉપર જઈને સામે પહોંચતાં જ એમણે ઊભા થઈને મને પ્રણામ કર્યા. મેં પૂછ્યું: ‘અહીં કોઈ બંગાળી સંન્યાસી છે ખરા?’ સજ્જને કહ્યું: ‘હા, એક બંગાળી સંન્યાસી અહીં હતા. હું એનું ઠામ-ઠેકાણું બતાવી શકું છું. આપ કોણ છો?’ અખંડાનંદજીએ કહ્યું: ‘એમનો ગુરુભાઈ છું.’

‘ગુરુભાઈ’ એ શબ્દ સાંભળતાં જ એમણે મારી ખૂબ મહેમાનગતિ કરી અને જેનું મેં અનુમાન કર્યું હતું એ લાલ મકાનમાં જ મને લઈ ગયા. ત્યાં કેટલાક દિવસ રહેવાનો અનુરોધ તેમણે કર્યો એટલે હું ત્યાં રોકાઈ ગયો. મારી પાસે ઝબ્ભો કે પહેરણ ન હતું. એમણે બનાવડાવી દીધું. એમનું નામ હતું ચતુરસિંહ. તેઓ ખેતડીનરેશના સંબંધી હતા. એમના મોટા ભાઈ (ભૂરસિંહ) સંભવત: એ રાજ્યની સમીતિના એક સભ્ય બન્યા છે. ત્યાં થોડો વખત રહ્યા પછી એમણે સ્વામીજીનું ઠામ-ઠેકાણું બતાવતાં કહ્યું કે સ્વામીજી ખેતડીના રાજાને શિષ્ય બનાવીને પછી અજમેર ગયા છે… ત્યાર પછી હું અજમેર ગયો. ત્યાં પહોંચ્યા પછી સાંભળવા મળ્યું કે સ્વામીજી તો અમદાવાદ ચાલ્યા ગયા છે.’ આ વિવરણ પરથી એ નિષ્કર્ષ પર આવી શકાય કે અખંડાનંદજી ત્યાં લગભગ આઠ મહિના પછી એટલે કે નવેમ્બરમાં પહોંચ્યા હતા. કારણ કે એ સમયે સ્વામીજી અજમેર, બિયાવર વગેરે સ્થળે ગયા હતા.

જયપુરમાં અખંડાનંદજીને સ્વામીજી વિશે જે કંઈ સૂચના મળી એનો થોડોઘણો આભાસ સાત-આઠ મહિના પછી ૨૮ જૂન, ૧૮૯૨ના રોજ એમના એક પત્ર પરથી મળે છે. આ પત્રમાં લખ્યું છે: ‘શ્રી સ્વામી નરેન્દ્રનાથ ગયે વર્ષે ઉનાળામાં આબૂમાં હતા. અહીં રાજપુતાનાના કેટલાક રાજા તથા બીજા રાજકર્મચારીઓએ એમની સાથે વાતચીત કરી અને ત્યાર બાદ એમની અસાધારણ વિદ્યાબુદ્ધિ જોઈને તેમજ એમની પાસેથી સદ્‌ધર્મયુક્ત ઉપદેશ મેળવીને તેઓ અત્યંત આનંદિત અને મુગ્ધ થયા હતા. ત્યાર પછી જયપુર રાજમાં આવનારા એક રાજા એમને આબૂમાંથી પોતાના રાજ્યમાં લઈ ગયા. સ્વામીજી અહીં બે-ત્રણ મહિના રહ્યા હતા. સ્વામીજીનાં સ્વભાવ તથા આચરણથી તે લોકો ખૂબ સંતુષ્ટ થયા છે. એ વખતે રાજપુતાનામાં ઉપર્યુક્ત રાજાઓ જેવા ક્ષત્રિયો અત્યંત વિરલ ગણાય છે. ત્યાર પછી તેઓ અહીંથી જુનાગઢ આવ્યા. આ તથ્યો પરથી આટલું સિદ્ધ થાય છે કે સ્વામી અખંડાનંદજી સ્વામીજીને જયપુરમાં મળી શક્યા ન હતા.

ઠાકુર ભૂરસિંહજી શેખાવત – જીવનપરિચય

સરદાર ભૂરસિંહજી શેખાવત જયપુર થાણાના મલસીસરના અધિપતિ હતા. બાળપણથી જ એમને વિદ્યા અને વિદ્વાનો સાથે ઘણો પ્રેમ હતો. અનેક વર્ષો સુધી તેઓ જયપુર રાજ્યની સમિતિના સભ્ય રહ્યા હતા. આ સમિતિમાંથી નિવૃત્ત થયા પછી પણ એમણે જયપુરના પોતાના મલસીસર ભવનમાં જ નિવાસ કર્યો હતો… ઇતિહાસ સાહિત્યના તેઓ વિશેષ પ્રેમી હતા. ‘વિવિધ સંગ્રહ’, ‘મહારાણા યશપ્રકાશ’, અને ‘શ્લોક સંગ્રહ’ વગેરે પોતાનાં પુસ્તકોને લીધે તેઓ સાહિત્યક્ષેત્રમાં પણ પ્રસિદ્ધિ મેળવી ચૂક્યા હતા… તેઓ સાધુસંતોના સત્સંગનો લાભ મેળવતા રહેતા. ઈ.સ. ૧૯૩૨માં ઠાકોર સાહેબનું અવસાન થયું. (રાજસ્થાન કે ઇતિહાસસેવી, પંડિત જાબરમલ્લ શર્મા અભિનંદન ગ્રંથ : સં. કાશીરામ શર્મા, ૧૯૭૭, દિલ્હી, પૃ.૧૪૧-૪૨) અને (રાજસ્થાન મેં સ્વામી વિવેકાનંદ, પૃ.૧૫૩-૫૪). ઠાકુર ચતુરસિંહ એમના નાના ભાઈ હતા. (ખેતડી નરેશ ઔર વિવેકાનંદ, પૃ.૮૬)

Total Views: 59

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.