કહેવાતા ધનિકોનો વિશ્વાસ કરશો નહિ; તેઓ જીવતા કરતાં મરેલાં વધારે છે. મને વિશ્વાસ છે તમારા જેવા નમ્ર, ગરીબ છતાં નિમકહલાલ મનુષ્યોમાં. ઈશ્વરમાં શ્રદ્ધા રાખો; ચાલાકી કરશો નહિ, એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે- અર્થાત્‌ ઈશ્વર પ્રત્યે નજર કરો. એ સહાય ‘અચૂક આવી મળશે.’ મારા હૃદય ઉપર આ બોજો ધારણ કરીને અને મગજમાં આ વિચાર રાખીને બાર બાર વર્ષો સુધી હું ભટક્યો છું. કહેવાતા ધનિકો અને મોટા માણસોને ઘેર ઘેર ધક્કા ખાધા છે. સહાયની શોધમાં, લોહીનીંગળતા હૃદયે, અર્ધી દુનિયા ઓળંગીને હું આ પરદેશની ભૂમિ ઉપર આવેલો છું. ઈશ્વર મહાન છે, હું જાણું છું કે તે મને સહાય કરશે. આ ભૂમિમાં ટાઢથી કે ભૂખથી ભલે મારું મૃત્યુ થાય; પણ યુવાનો, ગરીબ, અજ્ઞાન અને દલિતો માટેનો આ જંગ અને સહાનુભૂતિની ભાવના હું તમને વારસામાં સોંપું છું. અત્યારે આ પળે જ ભગવાન પાર્થસારથિનાં મંદિરમાં જાઓ અને જે ગોકુળના દીન અને નમ્ર ગોવાળિયાઓના મિત્ર હતા, જેણે અંત્યજ ગુહકને ભેટતાં જરા પણ આંચકો ખાધો ન હતો અને જેણે બુદ્ધાવતારમાં ભદ્ર કુળના કુલીનોનાં આંમત્રણને ઠેલીને એક વેશ્યાનું આંમત્રણ સ્વીકાર્યું હતું અને તેને તારી હતી, એવા પ્રભુ આગળ તમારું શિર નમાવો. તથા જેમના માટે એ પ્રભુ વારંવાર અવતાર ધારણ કરે છે અને જેમને એ સૌથી વિશેષ ચાહે છે એવા ગરીબ, અધમ અને દલિતો માટે મહાન બલિદાન, સમસ્ત જીવનનું બલિદાન આપો! દિનપ્રતિદિન અધમ અવસ્થામાં ઊતરતા જતા આ ત્રીસ કરોડ લોકોની મુક્તિ માટે તમારું આખું જીવન સમર્પણ કરવાનું વ્રત લો.

એક દિવસનું કાર્ય નથી; અને એનો માર્ગ ભયંકર મુશ્કેલીઓથી ભરેલો છે. પણ આપણે જોઈએ છીએ કે ભગવાન પાર્થસારથિ આપણા સારથિ થવાને તૈયાર છે અને તેના નામથી અને તેનામાં અખૂટ શ્રદ્ધા રાખીને, યુગોથી ભારત ઉપર જમા થયેલા વિપત્તિઓના ડુંગરને સળગાવી મૂકો; એ બળીને ભસ્મ થઈ જશે. તો, બંધુઓ! આવો ને તે પરિસ્થિતિનો સામનો કરો. એ કાર્ય વિરાટ છે અને આપણે ઘણા નિર્બળ છીએ. પણ આપણે જ્યોતિના પુત્રો છીએ, પરમેશ્વરનાં સંતાનો છીએ. પ્રભુની જય હો! આપણે સફળ થઈશું જ. જંગમાં સેંકડો ખપી જશે, પણ બીજા સેંકડો એ કાર્યને હાથ ધરવા તૈયાર થઈ જશે. સફળતા પ્રાપ્ત કર્યા વગર કદાચ મારું મૃત્યુ થાય, તો પણ બીજો એ કાર્ય હાથ ધરશે. રોગ તમે પારખ્યો છે ને ઔષધનો તમને ખ્યાલ છે, માત્ર શ્રદ્ધા રાખો. કહેવાતા ધનિકો અને મોટા માણસો પ્રત્યે મીટ માંડો નહિ. હૃદયહીન બુદ્ધિજીવી લેખકો અને તેમના ઠંડે કલેજે લખેલા છાપાના લેખોની પરવા કરો નહિ. શ્રદ્ધા અને સહાનુભૂતિ-જ્વલંત શ્રદ્ધા અને જ્વલંત સહાનુભૂતિની જરૂર છે. જીવન કંઈ નથી, મૃત્યુ કંઈ નથી, ભૂખ ને ટાઢ પણ કંઈ જ નથી. પ્રભુનો જય જયકાર હો! આગળ ધપો, પ્રભુ આપણો સેનાપતિ છે. કોણ પડ્યું તે જોવા પાછુ વાળીને નહિ જુઓ; આગળ ને આગળ ધસો. બંધુઓ! આમ અને આ જ રીતે આપણે આગેકૂચ કરીશું. એક જણ પડશે તો બીજો એનું કાર્ય ઉપાડી લેશે.

(સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા ભાગ-૧૧, પૃ. ૨૦૦-૨૦૧)

Total Views: 78

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.