રામકૃષ્ણ મિશનને રાષ્ટ્રપતિશ્રીના વરદ્‌હસ્તે અપાયેલો રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ

રામકૃષ્ણ મિશનને ૨૦૦૫ના વર્ષનો ‘નેશનલ કોમ્યુનલ હાર્મની એવોર્ડ- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ એવોર્ડ’ ‘ધ નેશનલ ફાઉન્ડેશન ફોર કોમ્યુનલ હાર્મની- રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવ માટેના રાષ્ટ્રીય સંસ્થાન (કેન્દ્ર સરકારના ગૃહ ખાતા સાથે સંલગ્ન સ્વાયત સંસ્થાન) દ્વારા પહેલી મે-૨૦૦૬ના રોજ ન્યુ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા વિશેષ કાર્યક્રમમાં આપણા સન્માનનીય રાષ્ટ્રપતિ શ્રી ડો. એ.પી. જે. અબ્દુલ કલામના વરદ્‌ હસ્તે રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્‌ સ્વામી સ્મરણાનંદજી મહારાજને અપાયો હતો. આ એવોર્ડ રામકૃષ્ણ મિશનના રાષ્ટ્રની ભાવાત્મક એકતા અને રાષ્ટ્રીય સાંપ્રદાયિક સદ્‌ભાવમાં આપેલા મહાન પ્રદાન માટે આપવામાં આવ્યો છે.

રાષ્ટ્રીય સદ્‌ભાવ પ્રતિષ્ઠાન

આ પ્રતિષ્ઠાનની સ્થાપના એક સ્વાયત સંગઠન-સોસાયટીના રૂપે ૧૮૬૦ના અધિનિયમ પ્રમાણે ૧૯૯૨માં થઈ હતી. સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ વિવિધ પ્રકારનાં કાર્યક્રમોનાં માધ્યમોથી ભિન્ન ભિન્ન ધર્મો તથા વિવિધ જાતિના લોકો વચ્ચે સાંપ્રદાયિક સદ્‌ભાવ તેમજ રાષ્ટ્રિય એકતાની ભાવનાને સુદૃઢ કરવાનો છે. એના દ્વારા લોકો અહિંસાના માર્ગે ચાલીને હળીમળીને પ્રેમભાવથી રહી શકે.

આ પ્રતિષ્ઠાન સાંપ્રદાયિક, જાતીય, વંશીય, આંતકવાદી વગેરે હિંસાના શિકાર અનાથ અને અસહાય બાળકો અને એમના પરિવારોને સહાયતા કરે છે. આ સંસ્થા એવા સંશોધનને પ્રોત્સાહન આપે છે અને પુસ્તક તેમજ વિનિબંધ પ્રકાશિત કરે છે. આ પ્રતિષ્ઠાન પોતાના વિસ્તૃત કાર્યક્રમ હેઠળ ભિન્ન ભિન્ન પ્રવૃત્તિઓનું સંચાલન પણ કરે છે. દર વર્ષે ૧૯ થી ૨૫ નવેમ્બર સુધી સાંપ્રદાયિક સદ્‌ભાવ અભિયાન સપ્તાહનું આયોજન પણ થાય છે.

આ એક એવું પ્રતિષ્ઠાન છે કે જે કોઈ એક વ્યક્તિ કે સંગઠન દ્વારા સાંપ્રદાયિક સદ્‌ભાવ અને એક્તાની વૃદ્ધિ કરવા માટે જે તે વ્યક્તિએ કે સંસ્થાએ કરેલાં કાર્યનું સન્માન કરે છે. આ ક્ષેત્રમાં ઉલ્લેખનીય કાર્ય કરનારી વ્યક્તિઓ અને સંગઠનોનું સન્માન કરવા માટે આ સંસ્થાન દર વર્ષે બે રાષ્ટ્રીય પુરસ્કાર અર્પણ કરે છે. એમાંથી એક પુરસ્કાર કોઈ વ્યક્તિ વિશેષ માટે હોય અને બીજો પુરસ્કાર સંગઠન માટે હોય છે. આ પુરસ્કારમાં કોઈ વ્યક્તિ વિશેષને પ્રશસ્તિપત્ર અને બે લાખ રૂપિયા આપવામાં આવે છે; કોઈ પણ સંગઠનને પ્રશસ્તિપત્ર સાથે રૂપિયા પાંચ લાખનું પારિતોષિક અપાય છે. પુરસ્કાર મેળવનાર વ્યક્તિની કે સંસ્થાની પસંદગી સન્માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રીની અધ્યક્ષતા હેઠળ નિમાયેલી નિર્ણાયક સમિતિ કરે છે.

વર્ષ ૨૦૦૫નો આ પુરસ્કાર સુશ્રી હેમા ભરાલી, ગુવાહાટી, આસામ અને રામકૃષ્ણ મિશન, હાવડા, વેસ્ટ બેંગાલને ક્રમશ: વ્યક્તિવિશેષ અને સંગઠન વિશેષના રૂપે અપાયો છે. 

રામકૃષ્ણ મિશન

રામકૃષ્ણ મિશન એક વિશ્વવ્યાપી, બિનરાજકીય, પથનિરપેક્ષ ધાર્મિક સંગઠન છે. આ સંસ્થા એક શતાબ્દિથી પણ વધુ વર્ષથી ભિન્ન ભિન્ન પ્રકારની માનવીય, સામાજિક સેવાનું કાર્ય કરે છે. સંસ્થાની સ્થાપના ૧૮૯૭માં શ્રીરામકૃષ્ણદેવના સુપ્રસિદ્ધ અનુયાયી, ૧૯મી સદીના આધ્યાત્મિક નેતા અને એક સ્વદેશ ભક્ત સંન્યાસી સ્વામી વિવેકાનંદે કરી હતી.

રામકૃષ્ણ મિશનના ઉલ્લેખનીય આદર્શો છે – માનવસેવા એ જ પૂજા, આત્મા એ જ પરમાત્મા, અને સર્વધર્મ સદ્‌ભાવ. ત્યાગ અને સેવાના આદર્શથી પ્રેરાઈને રામકૃષ્ણ મિશનના ભિક્ષુઓ અને સામાન્ય અનુયાયીઓ કોઈ પણ જાતિ-ધર્મ કે સંપ્રદાય-સમુદાયના ભેદભાવ વિના હજારો પુરુષો, નારીઓ અને બાળકોની સેવા કરે છે. એ બધાંમાં ભગવાનનું જીવિત રૂપ જુએ છે. માનવ સેવા એ જ નારાયણ સેવાના આદર્શને કારણે જ ઘણી મોટી સંખ્યામાં હોસ્પિટલો, દવાખાનાં, હરતાં ફરતાં ચિકિત્સાલયો, વિદ્યાલય, મહાવિદ્યાલય, ગ્રામીણ વિકાસ કેન્દ્ર દ્વારા અનેક પ્રકારની સામાજિક સેવાઓ રામકૃષ્ણ મિશન દ્વારા થાય છે.

ધરતીકંપ, ચક્રવાત, પૂર, દુષ્કાળ વગેરે પ્રાકૃતિક આપત્તિઓને સમયે રામકૃષ્ણ મિશન વિશાળ પાયા પર રાહતસેવા કાર્ય અને ત્યાર પછી પુનર્વસન કાર્ય કરે છે. સાંપ્રદાયિક દંગાઓ જેવી આપત્તિમાં પણ રામકૃષ્ણ મિશને અમૂલ્ય સેવાઓ આપી છે. ૧૯૮૦ અને ૨૦૦૦માં ત્રિપૂરમાં; ૨૦૦૩માં આસામ, દિલ્હી અને મુંબઈ તેમજ બીજા કેટલાંક સ્થળોએ સાંપ્રદાયિક સંઘર્ષને સ્થળોએ મિશને કરેલી સેવાઓ વિશેષ ઉલ્લેખનીય છે.

ભારત ભાષાકીય, ધાર્મિક, સાંસ્કૃતિક અને સામુદાયિક વિભિન્નતાની ભૂમિ છે. સામાજિક મતભેદોને દૂર કરવા અને સાંપ્રદાયિક સદ્‌ભાવને જાળવી રાખવા ભારતના લોકોમાં સદ્‌ભાવ અને પ્રજાની વિભિન્નતાઓ પ્રત્યે સ્વીકારનો અભિગમ ઉત્પન્ન કરવા શ્રીરામકૃષ્ણ મિશનનો ‘સર્વધર્મ સદ્‌ભાવ’નો સિદ્ધાંત ઘણો પ્રાસંગિક છે.

રામકૃષ્ણ મિશન અને એમની સહયોગી સંસ્થા રામકૃષ્ણ મઠ દેશ અને વિશ્વના ભિન્ન ભિન્ન પ્રદેશોમાં આવેલી ૧૫૦ થી પણ વધારે શાખાઓ દ્વારા આંતરધાર્મિક જ્ઞાન અને સર્વધર્મ સદ્‌ભાવની વૃદ્ધિ કરવા માટે છેલ્લાં ૧૦૦ થી પણ વધુ વર્ષોથી સક્રિય ભૂમિકા ભજવી રહ્યું છે. પોતાનાં પુસ્તકો, પત્રપત્રિકાઓ તથા સંન્યાસીઓ દ્વારા અપાતાં પ્રવચનોથી એમણે ભિન્ન ભિન્ન ધર્મોના સાર્વભૌમિક સિદ્ધાંતોને લોકપ્રિય બનાવ્યા છે. આ સંસ્થા આંતરધર્મ શિબિરોનું આયોજન કરે છે, જેમાં ભિન્ન ભિન્ન ધર્મોના પ્રતિનિધિઓ પોતપોતાના ધર્મના મુખ્ય સિદ્ધાંતોની અને આદર્શોની ચર્ચા કરે છે. આજના વિવાદગ્રસ્ત વિશ્વમાં વાસ્તવિક રીતે રામકૃષ્ણ મિશન સાંપ્રદાયિક સદ્‌ભાવનું એક અનન્ય ઉદાહરણ છે.

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ – વાર્ષિક મહોત્સવ

શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનો વાર્ષિક મહોત્સવ ૨૭ થી ૩૦ એપ્રિલ, ૨૦૦૬ સુધી યોજાયો હતો. પ્રારંભના બંને દિવસોએ સવારે ૯ થી ૧૨ અને સાંજે ૩ થી ૬ સુધી રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં ગુજરાત રાજ્યનાં કેન્દ્રોના સંવાહકોની ચર્ચા -સભાનું આયોજન થયું હતું. દરેકે દરેક કેન્દ્રના સંવાહકોએ પોત-પોતાના કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓની વિગતવાર માહિતી આપી હતી. કેન્દ્રના સંચાલનમાં આવતી મુશ્કેલીઓની ચર્ચા પણ થઈ હતી. ભાવપ્રચાર પરિષદના સંવાહકોને રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી સ્વામી શિવમયાનંદજી મહારાજે સવિશેષ માર્ગદર્શન આપ્યું હતું. સંવાહકોની મુશ્કેલીઓનો ઉકેલ કેવી રીતે લાવવો એ માટે કેટલાંક અમૂલ્ય સૂચનો પણ કર્યાં હતાં. રામકૃષ્ણ મિશન, લીંબડીના સચિવ સ્વામી આદિભવાનંદજીએ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્ય અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રચાર-પ્રસાર માટે બધાં કેન્દ્રોના સંવાહકોને કામે લાગી જવા હાકલ કરી હતી. રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ બેલૂર મઠમાંથી આવેલ માર્ગદર્શન અને સૂચનોની વિશેષ પત્રિકાઓની બંને દિવસ વિશદ છણાવટ કરી હતી અને બધા સંવાહકોને કાળજીપૂર્વક કાર્ય કરવા માટેની સ્પષ્ટ સૂચના આપી હતી. રામકૃષ્ણ મિશન, પોરબંદરના સચિવ સ્વામી અવ્યયાત્માનંદજીએ ભાવપ્રચાર પરિષદના સભ્યોની સવિશેષ પ્રવૃત્તિઓ કેવી હોવી જોઈએ, એમનાં વિનયવર્તન કેવાં હોવાં જોઈએ, તે વિશે વિગતવાર ચર્ચા કરી હતી. સ્વામી ધ્રુવેશાનંદજીએ આ પરિષદના સંમેલનના યજમાન રૂપે ઘણી મહત્ત્વની કામગીરી કરી હતી અને બંને દિવસ પરિષદના સભ્યોને વિશેષ માર્ગદર્શન આપ્યું હતું. રામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદનાં કુલ ૨૪ કેન્દ્ર ગુજરાતમાં કાર્ય કરે છે. આ ૨૪ કેન્દ્રોમાંથી જેમની વિધિવત્‌ નામનોંધણી થઈ હોય તેવાં કેન્દ્રો, ભૂજ, અમદાવાદ, આદિપુર અને જૂનાગઢ છે. એમાં જામનગર અને કિમ(સુરત)નો ઉમેરો થયો છે. ધરમપુર અને ઉપલેટાનાં કેન્દ્રો આ પરિષદના નિરીક્ષણ હેઠળ કાર્યરત રહેશે. બાકીનાં કેન્દ્રો ભાવપ્રચાર પરિષદના બધા નિયમોનું પાલન કરતાં થાય એટલે એમને પણ સામેલ કરવામાં આવશે. ગુજરાતની ભાવપ્રચાર પરિષદના મુખ્ય કન્વિનર તરીકે ભૂજ કેન્દ્રના સંવાહક શ્રી કેશવલાલ ગોરને ચાલુ રખાયા છે. એમના સહાયક કન્વિનર તરીકે જૂનાગઢ કેન્દ્રના શ્રી મૌલીશભાઈ સાતાની વરણી થઈ છે. દરેકેદરેક કેન્દ્રના સંવાહકોને ભાવપ્રચાર પરિષદના દસસૂત્રી કાર્યક્રમ, વિશેષ સૂચનો અને નિયમપાલન અંગે સ્પષ્ટ માર્ગદર્શનની પત્રિકાઓ પણ મોકલવામાં આવી છે. બધાં કેન્દ્રોના સંવાહકોએ ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના પ્રચાર-પ્રસાર માટે તેમજ એમાં આવતી જાહેરાતો મેળવી આપવા માટે પણ કમર કસી છે.

બંને દિવસ સાંજે ૭.૩૦ વાગ્યે ‘રામચરિત માનસ’ પર રામકૃષ્ણ મઠ, અલ્લાહાબાદના અધ્યક્ષ સ્વામી ત્યાગાત્માનંદજી મહારાજના મનનીય પ્રવચનો ભાવિકોએ બહોળી સંખ્યામાં માણ્યાં હતાં.

૨૯ એપ્રિલ, શનિવારે સવારે ૯.૩૦ થી ૧૨ વાગ્યા સુધી ભાવપ્રચાર પરિષદ ગુજરાત રાજ્યનાં કેન્દ્રો દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થયા હતા. કાર્યક્રમનો પ્રારંભ કન્વિનર કેશવલાલ ગોરના સ્વાગત પ્રચવનથી થયો હતો. ઉના કેન્દ્રના પ્રબોધભાઈ બક્ષીનાં ભજન અને જામનગર કેન્દ્રના ગુલાબભાઈ ત્રિવેદીની પ્રાર્થના ભાવિકોએ માણ્યાં હતાં. રામકૃષ્ણ સેવાસમિતિ, ધાણેટીની રાસમંડળીનો કાર્યક્રમ; ભૂજના શ્રી ગૌરાંગ રાણાનું એક કચ્છી વાદ્ય-મોરચંગ-કલા તેમજ જૂનાગઢ કેન્દ્રના હરિઓમભાઈ પંચોળીનો તાંડવનૃત્યનો કાર્યક્રમ ભાવિકજનોએ મન ભરીને માણ્યો હતો. રાજકોટના લોકસાહિત્યકાર શ્રી કમલેશભાઈ ગઢવીએ પોતાના કાર્યક્રમથી સભાજનોને મુગ્ધ બનાવી દીધા હતા. જૂનાગઢ કેન્દ્રના મૌલીશ સાતાએ આભાર દર્શન કર્યું હતું.

તે જ દિવસે સાંજે ૭ વાગ્યે શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને એક જાહેર સભાનું આયોજન થયું હતું. આ જાહેર સભામાં અધ્યક્ષશ્રીના પ્રવચન ઉપરાંત ‘શ્રીરામકૃષ્ણદેવનો જીવન-સંદેશ’ એ વિશે સ્વામી આદિભવાનંદજી અને જામનગરના દુષ્યંતભાઈ પંડ્યાનાં પ્રવચનો; ‘શ્રીમા શારદાદેવી જીવન-સંદેશ’ વિશે સ્વામી નિખિલેશ્વરાનંદજી અને અમદાવાદના નેહાબહેન દેસાઈનાં પ્રવચનો; ‘સ્વામી વિવેકાનંદ જીવન-સંદેશ’ વિશે સ્વામી અવ્યયાત્માનંદજી અને ભૂજના બકુલેશભાઈ ધોળકિયાનાં પ્રવચનો ભાવિકજનોએ માણ્યાં હતાં. કાર્યક્રમના પ્રારંભે સ્વામી ધ્રુવેશાનંદજીએ પોતાનું સ્વાગત અને પ્રાસંગિક પ્રવચન આપ્યું હતું. 

૩૦મી એપ્રિલે સવારે ૮.૩૦ થી ૫.૩૦ સુધી અગાઉથી નોંધાયેલા ભાવિકજનો માટે શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી મહારાજની નિશ્રામાં એક વિશેષ આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. પ્રશ્નોત્તરી અને પ્રતિભાવનો કાર્યક્રમ પણ યોજાયો હતો. સ્વામી ચિત્તપ્રભાનંદજીએ કાર્યક્રમનો પ્રારંભ શ્રી શ્રીઠાકુરની પૂજાવિધિથી કર્યો હતો. બ્રહ્મ.અક્ષરચૈતન્ય અને સ્વામી બુધાનંદે વૈદિક મંત્રોચ્ચાર કર્યા હતા. પુષ્પાંજલિના કાર્યક્રમ પછી શ્રી જીતુભાઈ અંતાણીના મધુર કંઠે ગવાયેલાં ભજન બાદ સ્વામી ધ્રુવેશાનંદજીએ સ્વાગત અને પ્રારંભિક પ્રવચન આપ્યું હતું. ત્યાર પછી શ્રીમત્‌ સ્વામી શિવમયાનંદજી મહારાજનું વક્તવ્ય હતું. બીજા સત્રનો પ્રારંભ શ્રી ઘનશ્યામ અને પીનાકીન ઠાકરનાં ભજનથી થયો હતો. ત્યાર પછી સ્વામી આદિભવાનંદજીનું પ્રવચન અને સ્વામી ત્યાગાત્માનંદજી મહારાજનું ભજન અને સ્વામી માયાતીતાનંદજી મહારાજનું ઉપનિષદ પરનું તેમજ સ્વામી નિખિલેશ્વરાનંદજી મહારાજનું વ્યાખ્યાન યોજાયું હતું. ભોજન વિરામબાદ ફિલ્મ શો, શ્રી સિદ્ધાર્થ ભટ્ટનાં ભજનો, શ્રી કે.કે.ગોર અને સ્વામી અવ્યયાત્માનંદજીનાં પ્રવચનો રહ્યાં હતાં. ત્રીજા સત્રનો પ્રારંભ શ્રીમતી લવણાબહેન ધોળકિયાનાં ભજનથી થયો હતો. સ્વામી શિવમયાનંદજી મહારાજે સમાપન સંભાષણ આપ્યું હતું અને ત્યાર બાદ પ્રશ્નોત્તરીનો રસપ્રદ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત સરલાબહેન ત્રિવેદી અને મમતાબહેન રાવલે રામકૃષ્ણ-વિવેકાનંદ સાહિત્યમાંથી વાચન કર્યું હતું. સ્વામી સર્વસ્થાનંદજીએ ‘શ્રીરામકૃષ્ણ પૂંથી’નું ગાન કર્યું હતું. કાર્યક્રમનો અંત શ્રી જીતુભાઈ અંતાણીનાં ભજનથી થયો હતો.

તે જ દિવસે સાંજે ૭.૩૦ કલાકે ‘વિવેક હોલ’માં અદ્વૈત આટ્અર્અસ, રાજકોટ દ્વારા રજૂ થયેલ નાટક – ‘પ્રેમલક્ષણા ભક્તિના પર્યાય સંતકવિ શ્રી નરસિંહ મહેતા’ ને ભાવિકજનોએ મનભરીને માણ્યું હતું.

આ ઉપરાંત શ્રી શંકરાચાર્ય જન્મજયંતી નિમિત્તે સ્વામી સર્વસ્થાનંદજીનાં તથા ભગવાન બુદ્ધ જન્મજયંતી નિમિત્તે સ્વામી માયાતીતાનંદજીનાં વિશેષ પ્રવચનનું આયોજન થયું હતું. ૨૬ મે, શુક્રવારે સંધ્યા આરતી પછી ફલહારિણી કાલીપૂજાનું આયોજન થયું હતું.

ઉપલેટા, આદિપુર અને ધાણેટીમાં શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ચલાવાતા સીવણવર્ગની બહેનોને પ્રશસ્તિપત્ર તથા ઈનામો અપાયાં હતાં.

શ્રીમા શારદા સંસ્કાર શિબિર

૧લી મે થી ૩૧ મે સુધી આશ્રમના ‘વિવેક હોલ’માં ધો. ૫ થી ૭નાં બાળકો માટે ગ્રીષ્મ સંસ્કાર શિબિરનું આયોજન થયું હતું. આ શિબિરમાં ૯૦ બાળકોએ ભાગ લીધો હતો. ૧૫ જેટલા શિક્ષકોએ વિદ્યાર્થીઓને ઉચ્ચ જીવન પ્રત્યે પ્રેરતી વિવિધ તાલીમ આપી હતી. આ શિબિરમાં ધ્યાન, ભજન, પ્રાર્થના, દેશભક્તિગીત, વાર્તાકથન, નાટ્યાભિનય, ચિત્રકળા, હસ્તકલા, વ્યાયામ, વિવિધ રમતો, આસન વગેરેની તાલીમ સવારે ૮.૦૦ થી ૧૦.૩૦ સુધી અપાઈ હતી. આ શિબિરમાં વિદ્યાર્થીઓને હળવો નાસ્તો પણ અપાયો હતો.

રામકૃષ્ણ મિશન, લીંબડીની પ્રવૃત્તિઓ

એપ્રિલ માસમાં ૧૭ થી ૨૨ એપ્રિલ સુધી બાલભારતી જ્ઞાનયજ્ઞનું આયોજન થયું હતું. એમાં નિષ્ણાત શિક્ષકો દ્વારા ગણિત, વિજ્ઞાન, ગીત-સંગીત, ભાષા, બાળવાર્તા જેવા વિષયોમાં ગમ્મત સાથે જ્ઞાનનો અભિગમ રાખીને બાળકોને શિક્ષણ અપાયું હતું.

રામકૃષ્ણ જલધારા યોજના હેઠળ ૨૧ એપ્રિલના રોજ રંગપુર ગામે ગ્રામ્યજનોની ઉપસ્થિતિમાં એક તળાવ નિર્માણના ઉદ્‌ઘાટનનો કાર્યક્રમ યોજાયો હતો. મિશનના માર્ગદર્શન અને ગામ લોકોના સહકારથી આ કાર્ય ચાલે છે.

Total Views: 40

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.