જૂનાગઢના દીવાન હરિદાસ વિહારીદાસ દેસાઈનું આતિથ્ય માણીને ત્યાંના સુપ્રસિદ્ધ સાક્ષરો – શ્રી મન:સુખરામ ત્રિપાઠી, શ્રી છગનલાલ પંડ્યા તેમજ પોતાના નડિયાદ, વડોદરાના રોકાણ દરમિયાન ત્યાંના સાક્ષર રત્નો જેવા કે મણિલાલ નભુભાઈ દ્વિવેદી, મણિભાઈ જશભાઈને સ્વામીજી મળ્યા હતા; આની ચર્ચા આપણે અગાઉના સંપાદકીય લેખોમાં કરી ગયા છીએ.

દીવાનશ્રી હરિદાસ દેસાઈએ પોતાના મિત્ર અને કચ્છના તત્કાલીન દીવાન મોતીચંદ લાલચંદ પર એક પરિચય પત્ર સ્વામીજીને લખી આપ્યો હતો. એવી સંભાવના છે કે સ્વામીજી રેલવે માર્ગે જૂનાગઢથી ગોંડલ, રાજકોટ, વાંકાનેર થઈને મોરબી ગયા. ત્યાંથી નવલખી સુધી રેલવે માર્ગે અને પછી બોટ દ્વારા કંડલા બંદર થઈને ભૂજ ગયા હશે. કચ્છના પાટનગર ભૂજમાં સ્વામીજી દીવાનજી સાથે રહ્યા હતા. દીવાનજીએ તત્કાલીન મહારાજા રાવ ખેંગારજી (ત્રીજા) સાથે એમનો પરિચય કરાવ્યો. ખેંગારજી સાથે ઉદ્યોગ, કૃષિ અને આર્થિક સમસ્યાઓની ચર્ચા પણ સ્વામીજીએ કરી હતી. પ્રાચીન ભારતની પ્રજાસત્તાક શાસન વ્યવસ્થામાંથી કંઈક બોધપાઠ લઈને રાજાઓએ જનસમૂહની અને એમાંય સામાન્યજનની પરિસ્થિતિને વધુ ઉન્નત બનાવવા સક્રિય પ્રયાસો કરવા જોઈએ, એ વાત સ્વામીજીએ મહારાજા અને એના શાસકોને સ્પષ્ટપણે કહી હતી. આ સલાહ અને માર્ગદર્શનનો એમના પર ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. ખેંગારજી સૌથી વધુ સુસંસ્કૃત, સભ્ય, આધુનિક વિચારોવાળા, તીક્ષ્ણ અને આગવી પ્રતિભાવાળા એક રાજવી હતા.

કચ્છના મહારાજા રાવ ખેંગારજી (ત્રીજા)

એમનો જન્મ સંવત ૧૯૨૨ (ઈ.સ. ૧૮૬૬)માં થયો હતો. એમના પિતા મહારાવ પ્રાગમલજીએ અંગ્રેજી સાહિત્યનો ઘણો અભ્યાસ કર્યો હતો એટલે એમણે ખેંગારજીની કેળવણી માટે મુંબઈના મહેતાજી દીનાનાથ શંભુનાથ જેવા વિશેષ શિક્ષકની નિમણૂક કરી હતી. થોડા જ સમયમાં આ નિષ્ણાત શિક્ષક પાસેથી ખેંગારજીએ ગુજરાતી વાચન, હિસાબકીતાબ, ભૂગોળ-ઇતિહાસ, વ્યાકરણ વગેરેનું જ્ઞાન મેળવી લીધું. આ ઉપરાંત ૧૮૭૧થી કચ્છના કેળવણી ખાતાના અધિકારીશ્રી દલપતરામ પ્રાણજીવન ખખ્ખર એમના વિદ્યાભ્યાસ પર દેખરેખ રાખતા. ૧૮૭૪માં એમની પાસેથી રાવ સાહેબ અંગ્રેજીનો અભ્યાસ કરવા લાગ્યા. તેઓ અંગ્રેજીના પાઠ્યપુસ્તકનું સઘન વાચન કરતાં કરતાં અંગ્રેજી ભાષામાં વાતચીત કરવાનો મહાવરો વધારવા લાગ્યા. બોમ્બે આર્મીના કેપ્ટન રેએ મહારાવના અંગ્રેજી પર પ્રભુત્વ મેળવવામાં મદદ કરી. એમનું અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ અંગ્રેજોને પણ આંજી દેતું. આ જ રીતે ગુજરાતી ભાષા સાહિત્ય પર પણ ઘણું પ્રભુત્વ એમણે કેળવ્યું હતું. તેઓ ગુજરાતી ભાષા અને સાહિત્યના ઘણા ચાહક હતા. પોતાના રાજ્ય કારભાર દરમિયાન ગુજરાતી સાહિત્યના મૂળ ગ્રંથો તેમજ અંગ્રેજી અને સંસ્કૃત ભાષામાંથી અનૂદિત સાહિત્ય કૃતિઓનું પ્રકાશન પણ કર્યું હતું. એમના પિતા પ્રાગમલજીની જેમ મહારાવ શ્રી ખેંગારજીનો માત્ર ૧૮ વર્ષની ઉંમરે જ ૧૧ ઓગસ્ટ, ૧૮૮૪ના દિવસે કચ્છના રાજા તરીકે રાજ્યાભિષેક થયો હતો. એ સમયે એમના દીવાન મણિભાઈ જશભાઈ હતા. પછીથી તેઓ વડોદરાના દીવાનશ્રી તરીકે સ્વામીજીના સંપર્કમાં આવ્યા હતા. પરંતુ સ્વામીજી ૧૮૯૨માં ભૂજ ગયા ત્યારે ત્યાંના દીવાન શ્રી મોતિચંદ લાલચંદ હતા.

ઉંમરમાં સ્વામીજી કરતાં ખેંગારજી ત્રણ વર્ષ નાના હતા. સમવયસ્ક અને અભ્યાસપટુ કુશાગ્ર બુદ્ધિવાળા હોવાથી સ્વામીજી અને ખેંગારજી વચ્ચે સારી એવી બૌદ્ધિક ચર્ચાઓ થઈ હશે. સ્વામીજી સોમનાથ પાટણ પ્રભાસ ક્ષેત્રની યાત્રાએ ગયા હતા ત્યારે ફરી એકવાર ખેંગારજી સાથે ભેંટો થઈ ગયો હતો. ત્યાં લાંબા સમય સુધી એમની સાથે વિભિન્ન વિષયો પર ચર્ચા થઈ. સ્વામીજીના અદ્‌ભુત આકર્ષક વ્યક્તિત્વ અને એમના વિશાળ અને તીક્ષ્ણ જ્ઞાનથી મહારાવ ખેંગારજી અંજાઈ ગયા હતા. એમણે કહ્યું: ‘સ્વામીજી, ઘણાં પુસ્તકો વાંચીને જેમ માથું ચમકી ઊઠે અને ફરી જાય તેવી રીતે તમારી સાથેની આ ચર્ચા સાંભળીને પણ મારા મગજને તમ્મર આવી જાય છે. તમે તમારી આ પ્રતિભાનો ઉપયોગ કેવી રીતે કરશો? જ્યાં સુધી તમે કોઈ અદ્‌ભુત કાર્યો નહિ કરો ત્યાં સુધી તમને ચેન વળવાનો નથી!’ મહારાવના આમંત્રણથી સ્વામીજી ત્યાર પછી દરિયાઈ માર્ગે બોટ દ્વારા પ્રભાસથી દ્વારકા અને બેટદ્વારકા થઈને માંડવી ગયા. 

આ બાજુ સ્વામીજીના ગુરુભાઈ સ્વામી અખંડાનંદજી દિલ્હીમાંથી છૂટા પડ્યા પછી સ્વામીજીની શોધમાં આખું રાજપૂતાના ખૂંદીને ગુજરાતનાં વિવિધ સ્થાનોએ ફરી ફરીને આખરે માંડવીમાં આવ્યા. ત્યાં એમને જાણવા મળ્યું કે સ્વામીજી એક ભાટિયા ગૃહસ્થને ઘરે ઊતર્યા છે. ત્યાં જઈને તેઓ સ્વામીજીને મળ્યા. ત્યાંથી તેઓ બંને ભૂજ ગયા. મહારાવ ખેંગારજીએ કચ્છનાં વિવિધ યાત્રાસ્થળો જેવાં કે નારાયણ સરોવર, આશાપુરા માતાનું મંદિર વગેરેની યાત્રા માટે વ્યવસ્થા પણ કરી આપી હતી.

સ્વામીજી અને સ્વામી અખંડાનંદજીએ મહારાવ ખેંગારજીનું અત્યંત પ્રેમભર્યું આતિથ્ય માણ્યું. પછી એક દિવસ ભૂજમાં સ્વામીજીએ સ્વામી અખંડાનંદજીને કહ્યું: ‘રાજા આપણું ઘણું ધ્યાન રાખે છે અને જો આપણે અહીં લાંબો સમય રહીશું તો આ બાબત બીજાની આંખમાં કણાની જેમ ખૂંચશે. ૨૫ વર્ષ પહેલાં આનંદ આશ્રમ નામના એક બંગાળી સંન્યાસી ભૂજ આવ્યા હતા અને એમણે રાજ્યની સાર્વત્રિક સુધારણામાં ઘણી સહાય કરી હતી… સંન્યાસી આનંદ આશ્રમની સલાહથી ગામડાઓની મહેસૂલ ઉઘરાવવાના પટ્ટા આપવાનું કાર્ય બંધ કર્યું અને એને બદલે બ્રિટિશ રાજ્ય જેવી મહેસૂલ ઉઘરાવવા માટેની સારી પદ્ધતિ દાખલ કરી. આ રાજ્યનું સંચાલન આજે પણ એમણે કરેલા સુધારાવધારા પ્રમાણે થાય છે. પરંતુ આ સુધારાઓ રાજ્યના અધિકારીઓની આંખમાં ખૂચતા હતા. એટલે આનંદ આશ્રમ એમને માટે આંખમાં કણા જેવા બની ગયા. એમના શત્રુઓએ એમના ખોરાકમાં ઝેર ભેળવી દીધું અને એમને મારી નાખ્યા. આપણું પણ આવું બની શકે. એટલે હવે આપણે આવતીકાલે અહીંથી નીકળી જઈએ.’

ભૂજથી તેઓ બંને માંડવી આવ્યા અને ત્યાં એક પખવાડિયું રોકાયા. અહીં તેમણે ઘણા લોકોને પોતાના ચાહક અને મિત્ર બનાવ્યા હતા. ત્યાંથી તેઓ થોડા દિવસોના અંતે પોતપોતાની રીતે પોરબંદર ગયા. ત્યાં થોડા દિવસ રોકાઈને સ્વામીજી જૂનાગઢ તરફ ગયા અને સ્વામી અખંડાનંદજી પોરબંદરથી જેતપુર, ગોંડલ, રાજકોટ થઈને જામનગર ગયા.

જામનગરમાં સ્વામી અખંડાનંદજી તત્કાલીન એક સુખ્યાત વિદ્વાન વૈદ્યરાજ ઝંડુ ભટ્ટજીને મળ્યા અને એ બંનેને પરસ્પર એક અનન્ય પ્રેમભાવ જાગ્યો. જામનગરમાં તેઓ ૧ વર્ષ સુધી રોકાયા હતા. સ્વામીજી ઝંડુ ભટ્ટજીને જૂનાગઢમાં મળ્યા હતા. ત્યાં સ્વામીજીના મધુર કંઠે ‘દયા નિધે, તેરી ગતિ લખી ના પડે’ એ ભજન સાંભળીને ભટ્ટજી રડી પડ્યા હતા. ભટ્ટજીનાં આયુર્વેદનું વિશાળ જ્ઞાન, વિદ્વત્તા, એમની સાદગીસરળતા અને અનન્ય સેવાભાવથી પ્રભાવિત થઈને સ્વામીજીએ એકવાર સ્વામી અખંડાનંદજીને કહ્યું હતું: ‘ઘણી જગ્યાએ ફર્યો છું, ઘણા ઉદાર અને દાનવીર સદ્‌ગૃહસ્થ જોયા છે પણ ઝંડુ ભટ્ટજી વિઠ્ઠલજી જેવા દયાળુ પુરુષ બીજે ક્યાંય જોયો નથી.’

ઝંડુ ભટ્ટ વિઠ્ઠલજી

આ સુખ્યાત ઝંડુ ભટ્ટ વિઠ્ઠલજીનો આપણે સંક્ષિપ્ત પરિચય જોઈએ. એમના પિતાનું નામ વિઠ્ઠલજી ભટ્ટ હતું અને માતાનું નામ સુરજકુંવર હતું. વિઠ્ઠલજી ભટ્ટ જામનગરના રાજા જામરણમલના રાજવૈદ્ય હતા. સંવત ૧૮૮૭માં એટલે કે ઈ.સ. ૧૮૩૧માં ઝંડુ ભટ્ટનો જન્મ થયો હતો. પોતાનાં નવ ભાઈ બહેનોમાં સૌથી મોટા ઝંડુ ભટ્ટ હતા. એમનું મૂળનામ કરુણાશંકર હતું. માતાની માનતાથી આ પુત્ર જન્મ્યો હતો એટલે એના વાળ ઉતરાવ્યા ન હતા. માથાપરના ગુચ્છાદાર વાળને લીધે એને ઝૂંડ જેવા વાળવાળા ‘ઝંડુ’ કહીને બોલાવતા. એ નામે જ તેઓ પાછળથી પ્રસિદ્ધ થયા.

૧૮૪૨થી બાળાક્ષરી અને અંકજ્ઞાન સાથે જામનગરના શાસ્ત્રીજી મહિધર હરિભાઈને ત્યાં એમણે સંસ્કૃતનો અભ્યાસ શરૂ કર્યો. પિતા પાસે આયુર્વેદનું જ્ઞાન પણ મેળવવા લાગ્યા. ઔષધિઓના ગુણો, એની ઉપયોગીતા અને એના પ્રયોગ વિશે એમણે પિતા પાસેથી ઘણું સારું જ્ઞાન મેળવી લીધું. ત્યાંના પ્રખ્યાત શાસ્ત્રી કેશવજી મોરારજી પાસેથી એમણે સંસ્કૃત ભાષા સાહિત્યનો વિશેષ અભ્યાસ કર્યો. આયુર્વેદના સુખ્યાત ત્રણ ગ્રંથો ‘ચરક સંહિતા’, ‘સુશ્રૂત સંહિતા’ અને ‘અષ્ટાંગ હૃદય’નો વિશદ અભ્યાસ કર્યો હતો. ૧૬ વર્ષની ઉંમરે એમના પિતાએ રાજા જામરણમલની વૈદ્યકીય સેવામાં પોતાના સહાયક બનાવ્યા. રાજા જામરમણલના અવસાન પછી ગાદી પર આવેલા એમના પુત્ર જામવિભાના તેઓ ખાસ માનીતા વૈદ્ય બન્યા હતા. વય વધતાં ઝંડુ ભટ્ટ નવું નવું શીખતા રહ્યા અને પોતાના વિદ્યાજ્ઞાનમાં તેમજ આયુર્વેદ વિદ્યાના જ્ઞાનમાં સતત વૃદ્ધિ કરતા રહ્યા.

ચિકિત્સા સેવા અને રોગીઓની તપાસ કરતી વખતે આ સહૃદયી અને કરુણાળુ ભટ્ટજી બધા દર્દીઓ સાથે આત્મીયતાનો સંબંધ કેળવી લેતા. પોતાની પેટની બિમારીનો ઈલાજ કરવા આવેલા એવા જ એક યોગી સાથે આત્મીયતા કેળવી. સેવા-ચાકરીથી એ યોગીને એમણે સાજા પણ કરી દીધા. યોગીએ કંઈક મહેનતાણું લેવા વિનંતી કરી ત્યારે ભટ્ટજીએ એમની પાસેથી યોગવિદ્યા શીખવાની વિનંતીપૂર્વકની ઇચ્છા વ્યક્ત કરી. યોગાભ્યાસમાં લીન ઝંડુ ભટ્ટના મનમાં તીવ્ર વૈરાગ્ય ભાવના જાગી. રખેને પોતાનો પુત્ર સંન્યાસી બની જાય એવી દહેશતથી વિઠ્ઠલજીએ યોગીને પોતાના મનની ચિંતાની વાત કરી. યોગીએ પોતાના શિષ્ય ઝંડુ ભટ્ટને સમજાવ્યા અને આદેશ આપતાં કહ્યું કે પહેલાં આ લોકને સુધારી લો, ઈહ જીવનમાં સૌના હિતકારી કાર્યો-સેવાકાર્યો કરો અને પછી પરલોક સુધારવાનો વિચાર કરવો. ઝંડુ ભટ્ટજી આ યોગીના આદેશનું જીવનભર ચુસ્તપણે પાલન કર્યું હતું. 

ઈ.સ. ૧૮૫૪માં ઝંડુ ભટ્ટનાં માતાનું અવસાન થયું. પત્નીના અવસાન પછી વિઠ્ઠલજી ભટ્ટે પુત્ર ઝંડુ ભટ્ટજીને અને પરિવારજનોને સુવ્યવસ્થિત રીતે ગોઠવીને, ઝંડુ ભટ્ટ પોતાનું વૈદું બરાબર જાળવી શકશે એવી ખાતરી થતાં, સંસારમાંથી આસક્તિ છોડીને તીર્થયાત્રા માટે દ્વારકા વગેરે સ્થળે નીકળી પડ્યા. દ્વારકામાં એમને ખબર પડી કે અચાનક જામસાહેબે ઝંડુ ભટ્ટનો પગાર બંધ કરી દીધો છે, આ સમાચારથી તેઓ ઘણા ઉદ્વિગ્ન બન્યા. વૈરાગ્ય અને નિરાસક્ત ભાવનાવાળા ઝંડુ ભટ્ટે આની કોઈ પરવા કરી નહિ અને રંગમતી નદીના કિનારે આવેલા સુખનાથ મહાદેવની વાડીમાં જઈને રહેવા લાગ્યા અને પોતાનો કાર્યભાર ચાલુ રાખ્યો. તેઓ હંમેશાં કહેતાં: ‘મને મારા ભગવાન પર અટલ ભરોસો છે, અને સત્યનો હંમેશાં જય થાય છે.’ આખરે ઈશ્વરનો ભરોસો સાચો નીવડ્યો અને સત્યનો વિજય થયો હોય એમ જામસાહેબ પોતે રંગમતી નદીના કિનારે આવેલ સુખનાથ મંદિરમાં આવીને ઝંડુ ભટ્ટને ફરીથી રાજમહેલમાં તેડી ગયા અને પગાર પણ બમણો કરી દીધો.

જૂન ૧૮૯૨માં સ્વામી અખંડાનંદજી જ્યારે જામનગર ગયા ત્યારે ગામમાં આવેલ ઝંડુ ભટ્ટના ‘ધન્વંતરી ધામ’ નામના મકાને ગયા હતા. એ વખતે ઝંડુ ભટ્ટ હાજર ન હતા એટલે એમના નાનાભાઈ મણિશંકરે એમનું સ્વાગત કર્યું. લાંબા પરિભ્રમણ દરમિયાન થયેલા પેટના વ્યાધિની સારવાર માટે તેમણે મણિશંકરનું આતિથ્ય સ્વીકાર્યું અને એમને ત્યાં જ ત્રણ-ચાર મહિના સુધી રહ્યા.

ઘણા દિવસોથી એમની ‘ચરક’ તથા ‘સુશ્રૂત’ની સંહિતાનું અધ્યયન કરવાની ઇચ્છા હતી. એટલે જામનગરમાં એવો અવસર મળતાં અખંડાનંદજીએ ‘સુશ્રૂત સંહિતા’નો અભ્યાસ કરવાનું શરૂ કર્યું. જરૂરી ટીકા મળતી ન હતી એટલે ‘શબ્દાર્થ ચંદ્રિકા’ નામના કોશની સહાય લીધી. ‘વાગ્‌ભટ્ટ’ તથા ‘ભાવપ્રકાશ’નું પણ અધ્યયન કર્યું. ‘ધન્વંતરી ધામ’ની જોડાજોડ એક વૈદિક પાઠશાળા પણ હતી. અહીં નિર્ધન બ્રાહ્મણોનાં બાળકો મુષ્ટિ ભિક્ષાન્નને એકવાર પોતે જ પકાવીને જમતા અને વેદોના હસ્તપાઠ અને સ્વરપાઠ શીખતાં. શિક્ષકો વેદોના અર્થજ્ઞાનથી અપરિચિત હતા. વેદપાઠ સાંભળીને અખંડાનંદજીના મનમાં ઘણો રોમાંચભર્યો આનંદ થતો.

‘ધન્વંતરી ધામ’માં રહેતી વખતે એમને શંકરજી શેઠ (બેંકર) સાથે પરિચય થયો. રોગને કારણે સ્વામી અખંડાનંદજીના દુર્બળ દેહને અનુરૂપ ખોરાકની વ્યવસ્થા એમણે કરી આપી. શંકરજી શેઠ હૃષ્ટપુષ્ટ, ગૌરવર્ણના એક શુદ્ધાચારી ગૃહસ્થ હતા. પ્રાત: સ્નાન, પૂજાપાઠ, જપ, મંદિરમાં દેવદર્શન અને અતિથિ સત્કાર કરવો એ શેઠજીનું નિત્ય કર્મ હતું. ઘરમાં સદાવ્રત માટે તથા મુષ્ટિભિક્ષાની વ્યવસ્થા હતી. ક્યારેક અનેક બ્રાહ્મણ, સાધુ, સંન્યાસી એમને ત્યાં ભોજન કરતા.

આપણે પહેલાં કહી ગયા તેમ સ્વામી અખંડાનંદજી પહેલવહેલા જામનગર આવ્યા ત્યારે ઝંડુ ભટ્ટજી ત્યાં ન હતા. તેઓ ચિકિત્સાર્થે બીજે ઠેકાણે ગયા હતા. શેઠજીના ઘરે રહેતી વખતે અખંડાનંદજી સાથે ઝંડુ ભટ્ટજીની પ્રથમ મુલાકાત થઈ. એના થોડા સમય પહેલાં બંગાળમાં વિદ્યાસાગરનું અવસાન થયું હતું. ભટ્ટજીએ સ્વામી અખંડાનંદ પાસે વિદ્યાસાગરની જીવનકથા મગાવી દેવા વિનંતી કરી અને એના માટે પૈસા પણ આપ્યા. પુસ્તક આવી ગયું અને એનો પાઠ સાંભળવા તેઓ શેઠજીની ઘરે નિયમિત રીતે આવતા. વિદ્યાસાગરની પરોપકારની વાતો સાંભળીને ભટ્ટજી ભાવાવેશમાં રડી ઊઠતા. ઝંડુ ભટ્ટજીએ થોડા વખત પહેલાં યોગસાધના કરી હતી અને ત્યારે તેઓ નિયમપૂર્વક જ ચાલતા. આહાર, શૌચ વગેરેના સમયમાં જરા પણ ફેરફાર થતો નહિ. એક દિવસ વિદ્યાસાગરનું જીવનચરિત્ર સાંભળતાં સાંભળતાં ભટ્ટજીને શૌચ જવાનો સમય વીતી ગયો. કહેવત છે ને કે ‘જોગી, જૈસા રોગી’. એકવાર સમય આઘોપાછો થવાથી એમની તબિયત બગડી ગઈ અને ઘણા દિવસો સુધી એમને પીડા ભોગવવી પડી. 

સ્વામી અખંડાનંદજી જ્યારે ઝંડુ ભટ્ટજીને ઘરે એમને મળવા ગયા ત્યારે તેમણે જોયું કે એમનું ઘર જાણે કે એક હોસ્પિટલ. એક ખૂણે ખાંસી તો બીજી બાજુએ દમ અને ત્રીજી બાજુએ વળી તાવવાળા રોગીઓથી ઘર ભરેલું. એ બધાંનાં પથ્યની ગોઠવણ થતી જ હોય. ઝંડુ ભટ્ટજીની દિનચર્યા વિશે સ્વામી અખંડાનંદ લખે છે : ‘ભટ્ટજી પરોઢિયે ચાર વાગે ઊઠી પૂજાપાઠથી પરવારીને બહાર બેસતા. તે વખતે ટોળેટોળાં લોકો આવીને ચા પીતા અને ચિકિત્સાની ચિઠ્ઠીઓ લઈ જતા. ભટ્ટજી માત્ર ઔષધની વ્યવસ્થાની ચિઠ્ઠી જ નહોતા આપતા, પણ પૈસેટકે પહોંચતા કે ગરીબ સહુને એમની ડેલીમાં રહેલા દવાખાનામાંથી ૮૦ રૂપિયે તોલાનો મકરધ્વજ સુધ્ધાં મફત આપી દેતા. આ પ્રમાણે નવ વાગી જતા. પછી જાતે ટમટમ હાંકીને વગર વિઝિટ ફીએ રોગીને જોવા નીકળતા.’ 

ભારતીય શાસ્ત્રીય સંગીત અને સંગીતના સૂરોની માનવના આરોગ્ય પર અને રોગનિર્મૂલનમાં ઘણી પ્રભાવક અસર પડે છે એમાં તેઓ દૃઢપણે માનતા અને એ માટે એમણે આવા અનેક પ્રયોગો પણ કરી જોયા હતા. કીર્તિ પાછળ ભટ્ટજી દોડ્યા નહિ પણ કીર્તિ ભટ્ટજી પાછળ દોડતી રહી. અસાધ્ય રોગોનું નિર્મૂલન કરતાં અને પોતાના વિદ્યાર્થીઓને સરળ-સહજ ભાષામાં એ અંગેના નિદાન-ઉપચારકર્મનું જ્ઞાનશિક્ષણ પણ આપતા. ૧૮૬૨માં એમના પિતાશ્રીનું અવસાન થયું. ૩૧ વર્ષના જ્યેષ્ઠ પુત્ર ઝંડુભટ્ટ પર પિતાનો કાર્યભાર વૈદું, સામાજિક જવાબદારી અને પિતાએ કરેલા કરબોજનો ભાર આવી પડ્યો અને એ બોજો એમણે હસતા મુખે વહન કર્યો.

ઝંડુ ભટ્ટ બધા દર્દીઓ પ્રત્યે આત્મીયજન જેવું વર્તન રાખતા. ગરીબ દર્દીઓને તો તેઓ ભગવાન સમજીને એમની સારવાર કરતા, પોતાને ઘરે રાખતા. એમની પાસેથી પૈસા લેવાને બદલે તેઓ ઘણી વખત આવા ગરીબ દર્દીઓને સાજા કરીને વિદાય આપતી વખતે કપડાં-અનાજ વગેરે આપતા. આવી હતી એમની દર્દીઓ પ્રત્યેની હમદર્દી. રાજાના રાજમહેલમાં આયુર્વેદની ઔષધિઓ બનતી. એટલે આ ઔષધિઓનું નિર્માણ અને જ્ઞાન લોકભોગ્ય ન બની શકે એ સ્વાભાવિક છે. એને લોકભોગ્ય બનાવવા માટે એમણે ૧૮૬૪ના શ્રાવણ માસમાં સુખનાથ મહાદેવની વાડીમાં પોતાની રસશાળાની સ્થાપના કરી. આને લીધે એ વખતે એમને વીસ હજાર કોરીનું ઋણ લેવું પડ્યું. ઘણું દેવું કરીને રસશાળા શરૂ કરી. પણ એનો વ્યાપ વધારવો એ એની તત્કાળ આવશ્યકતા હતી. ઉત્સાહી કુટુંબીજનો અને શુભેચ્છક મિત્રોની સહાયથી ભટ્ટજી દિવસરાત મહેનત કરવા લાગ્યા અને એના પરિણામે ૧૮૬૫ થી ૧૮૮૭ સુધીમાં એ જમાનામાં જ્યારે સંદેશ અને વાહન વ્યવહારની અપુરતી સુવિધા હતી ત્યારે એમણે પોતાના અથાક અને અવિરત પ્રયાસોથી હજારો કી.મી. દૂરના વ્યાપમાં મુંબઈ, રાજકોટ, ચુડા, મોરબી, વઢવાણ અને માળિયામાં સફળતાપૂર્વક રસશાળા સ્થાપી અને ચલાવી. કાળક્રમે ઝંડુભટ્ટજીના અવસાન પછી બાકી બીજી બધી રસશાળાઓ બંધ થઈ પણ શ્રી ભટ્ટ જુગતરામ વૈદ્યે મુંબઈમાં ૧૯૧૦માં સ્થાપેલ ‘ઝંડુ ફાર્માસ્યૂટિકલ’ આજે પણ અસ્તિત્વમાં છે. આ રસશાળાની સ્થાપનામાં ભાવનગરના દીવાન શ્રી પટણી અને શ્રી મથુરાદાસ પરીખે એમને ઘણી સહાય કરી હતી.

ઝંડુ ભટ્ટજી એક આદર્શ વૈદ્ય હતા અને સો વર્ષની આયુ પહેલાં કોઈનું મૃત્યુ થાય તો તેને અકાળ મૃત્યુ માનતા. આવા અકાલ મૃત્યુ માટે તેઓ ઊંટવૈદ્યાને જવાબદાર ગણતા. વૈદક માનવજીવનનો પ્રાણ છે એમાં તેઓ દૃઢપણે માનતા. એમનું નિદાન ચોક્કસ અને સ્પષ્ટ હતું. દર્દીની સેવા-ચાકરી માટે પૈસાની પરવા પણ ન કરતા. તેઓ જરૂર પડે તો દર્દીઓને ઘરે કે ગામડે પોતાના ખર્ચે દૂર દૂર જતાં, એમની તરતપાસ કરતા અને દવાની નોંધ કરી દેતા. એ દવાની ચિઠ્ઠીમાં ‘આ દવા મારે ખાતે લખીને દેવી’ એવી નોંધ પણ કરવાનું ચૂકતા નહિ. યશ મળે કે અપયશ એનો વિચાર કર્યા વિના ગંભીર માંદગીવાળા દર્દીઓને પણ સ્વીકારતા અને એની સેવા-ચાકરી કરતા. આવા દર્દીઓની પૂર્ણ ચિકિત્સા સેવા કરવા છતાં પણ જો કોઈ દર્દી ન બચે તો એ દર્દીઓના સગાંવહાલાં પાસેથી સેવા-ચાકરીનો એક પૈસો પણ તેઓ ન લેતા. ઝંડુ ભટ્ટની આવી ઉદાર દિલની સખાવત અને નિષ્કામ સેવાભાવના વિશે સ્વામી અખંડાનંદજીએ પોતાનાં સંસ્મરણોમાં એક પ્રેરણાદાયી પ્રસંગનું વર્ણન કર્યું છે : ‘એકવાર ભટ્ટજી વઢવાણના ઠાકોર સાહેબના ક્ષયરોગની દવા કરવા ગયા હતા. લોકજીભે સાંભળ્યું છે કે જ્યારે ભટ્ટજી પાછા આવવા નીકળ્યા ત્યારે ઠાકોર સાહેબે સાત હજાર રૂપિયાની સાત કોથળીઓ ભટ્ટજીની સામે ધરી દીધી અને કહ્યું કે આપને મહેનતાણાનું કશું નથી આપતો. આપ કશું કરી ન શક્યા એનું મને દુ:ખ નથી. આ રોગ મટે નહિ. આપે તમે જે બધાં ઔષધો આપ્યાં તેને માટે થોડુંઘણું આપું છું. ભટ્ટજી તો રડી પડ્યા અને બોલ્યા કે અમારા શાસ્ત્રમાં કહે છે કે રોગનું નિદાન બરાબર કરી શકાય તો રોગી મરે નહિ. હું આપના રોગનું નિદાન બરાબર કરી શક્યો નહિ. તેથી ચિકિત્સા કરીને કશું કરી ન શક્યો. આજે દેશમાં હિંદુ રાજા હોત તો મને સજા થાત. આપ મને ભેટ આપો છો તે હું કેવી રીતે લઉં! આમ બોલીને રડતાં રડતાં ભટ્ટજી પાછા ચાલ્યા ગયા. એમને માથે લગભગ લાખ રૂપિયાનું દેવું હતું. જામનગરના રાજા તમામ દેવાની ભરપાઈ કરી દેવા ઇચ્છતા હતા, પરંતુ ભટ્ટજીએ એમની મદદ ન લીધી.’ 

ઝંડુ ભટ્ટજી સમજણા થયા ત્યારથી પોતાના જીવનના અંતકાળ સુધી પોતાના માથે કરજ કરતા રહ્યા. આમ છતાં પણ એમણે જીવનમાં સામે ચાલીને આવેલી લક્ષ્મીની પણ પરવા કરી ન હતી. અનેક દુ:ખ કષ્ટ વેઠ્યાં પણ લાચાર બનીને કોઈની સામે પોતાનો હાથ લાંબો ન કર્યો. પોતાના જીવન દ્વારા સાચો વૈદ્ય, સાચો ચિકિત્સક કેવો હોવો જોઈએ એનો એક અનન્ય આદર્શ રજૂ કર્યો હતો.

ઝંડુભટ્ટ ઔષધશાસ્ત્રીની સાથે શલ્યચિકિત્સાના પણ જાણકાર હતા. નિષ્ણાત ડોક્ટરો વાઢકાપનું ન વિચારે ત્યાં એમાં પોતે પહેલ કરતાં અને એમને યશ પણ મળતો. બધા દર્દીઓને જાત-નાત જોયા વિના તેઓ પોતાના પુત્ર પુત્રી સમાન કે આપ્તજન સમાન ગણતા. ઝંડુભટ્ટ એક ઉત્તમ શિક્ષક હતા. ગુરુશિષ્ય પરંપરાથી એ યુગમાં જ્ઞાનમંદિરો ચાલતા. વિદ્યાર્થીની આકરી કસોટી કરીને શિષ્યો રૂપે ગુરુ સ્વીકારતા. ભટ્ટજી માટે તો આયુર્વેદ શીખવાની ઇચ્છા ધરાવવી એ જ વિદ્યાર્થીની મોટી લાયકાત. એ વિદ્યાર્થી એમના વિશાળ કુટુંબનો સભ્ય બની જતો. એની બધી જવાબદારી તેઓ લઈ લેતા. આયુર્વેદની સાથે આવા વિદ્યાર્થીઓ અધ્યાત્મ જ્ઞાન અને માનવ કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવનાના સંસ્કાર પણ મેળવતા. દરેક વિદ્યાર્થીને તેઓ સ્પષ્ટપણે સમજાવતા કે સારું નિરોગી જીવન જીવવા માટે શારીરિક સ્વાથ્યની સાથે પુરતો પૌષ્ટિક ખોરાક અને સામાજિક આધાર તથા હૂંફ પણ મળવાં જોઈએ. આવી ભાવનાવાળો વિદ્યાર્થી જ સાચો વૈદ્ય બની શકે, એમ તેઓ માનતા. ઝંડુભટ્ટની પાઠશાળામાં ભણેલો વિદ્યાર્થી સાચો સમાજ સેવક પણ બની જતો. રોગીઓનો ફક્ત શારીરિક જ નહિ પરંતુ માનસિક પરિવર્તન કેવી રીતે કરી શકાય તેનો એક અત્યંત પ્રેરણાદાયી પ્રસંગ સ્વામી અખંડાનંદજી પોતાના સંસ્મરણોમાં કહે છે : ‘એક દિવસ ભટ્ટજીને ઘેર એક બ્રાહ્મણ ‘જય રઘુનાથજી’ કહીને મૂઠી ભિક્ષા માગવા આવ્યો. આ ભિક્ષુક બ્રાહ્મણો પાસે દસમુખી ઝોળી હોય.એમાંથી એક ખાનામાં ચોખા, બીજામાં દાળ, ત્રીજામાં લોટ એમ જુદી જુદી ચીજોથી ઝોળીનાં દસ ખાનાં ભરાય. ભટ્ટજીના ઘરના ચોકમાં એઠાં વાસણોનો ઢગલો પડ્યો હતો. બ્રાહ્મણે જોયું કે ત્યાં કોઈ માણસ ન હતો. ચૂપચાપ એક એઠી વાટકી લઈને થેલીના એક ખાનામાં સરકાવી દીધી. બ્રાહ્મણ તરતોતરત ચાલ્યો જતો હતો, પણ મેડીએથી ભટ્ટજીએ બધું જોયેલું. તરત જ એને ઉપર બોલાવીને કહ્યું: ‘મહારાજ, તમારી ઝોળી અહીં મૂકો અને આ ગાદી પર બેસો.’ બ્રાહ્મણ તો બીકથી સજ્જડ થઈને બેઠો. ભટ્ટજીએ એક ચાકરને કહ્યું: ‘એક નવી થાળી અને નવી વાટકીમાં સીધું પૂરીને લઈ આવો અને સાથે એક નવો પ્યાલો પણ લાવો.’ ચાકર તરત જ કહ્યા મુજબ બધું લઈ આવ્યો.

બ્રાહ્મણે મનમાં વિચાર્યું: ‘હાશ, ભટ્ટજીની નજરે કશુંય નથી પડ્યું, બચી ગયો!’ ઝોળીનાં ખાનામાં સીધાની સામગ્રી ભરી લેવાને માટે જલદી જલદી ઝોળી લાવવાને ઊભો થયો. એટલામાં ભટ્ટજી બોલ્યા: ‘ઝોળી ન લાવશો, આ બધાં વાસણ તમારે માટે જ છે. મહારાજ, જરૂર આપને ઠામવાસણનો તોટો છે, નહિ તો તમે એઠી વાટકી શું કરવા લો! વાંક અમારો છે કે અમે આપની જરૂરિયાતની કશી ખબર નથી રાખતા. આપ આ બધું લઈ જાઓ.’ બ્રાહ્મણ તો રડી પડ્યો ને ભટ્ટજીના પગ પકડી લઈને બોલ્યો, ‘આપ માણસ છો કે દેવ!’ એ બ્રાહ્મણનું જીવન બદલાઈ ગયું.’

૧૮૭૫માં ઝંડુભટ્ટજી જામનગર સુધરાઈના પ્રમુખ બન્યા. એ વખતે જામનગરમાં દીવા અને ગટર ન હતાં, ગંદી સડકો અને ખુલ્લી નાળોથી આખું શહેર ગંધાતું રહેતું. ભટ્ટજીએ બે વર્ષમાં ખુલ્લા કૂવા-ખાળ બંધ કરાવ્યાં. કચરા માટે ડબ્બા મુકાવ્યા. રસ્તાની બંને બાજુએ વૃક્ષો વાવ્યાં. પાકી ગટરો બંધાવી અને રસ્તાઓ વ્યવસ્થિત કર્યા. એમના સમયમાં ઘરે ઘરે નળ દ્વારા પાણી પહોંચ્યું અને મૃત્યુનોંધને એમણે ફરજિયાત બનાવી. ૧૮૮૭માં એમણે ‘જીવિતવર્ધક મંડળી’ની સ્થાપના કરી. એ દ્વારા જાહેર આરોગ્યનું શિક્ષણ અપાતું. આ હતી એમની જાહેર સેવક તરીકે ઉન્નત ભાવના. એમાં જાહેર આરોગ્ય અને સ્વચ્છતા મુખ્ય રહેતાં. વૈદકનાં જ્ઞાન-પ્રચાર-પ્રસાર માટે ‘રસેશ વૈદ્ય વિજ્ઞાન’ નામનું દ્વિમાસિક પત્રિકા પણ શરૂ કર્યું હતું. એક સગર્ભા, રોગગ્રસ્ત અને વિધવા સ્ત્રીને રાજાના કોપની કે સમાજના ભય-નિંદાની પરવા કર્યા વિના આપઘાતના માર્ગેથી પાછા વળીને પોતાને ઘરે લાવીને એમની સેવાસુશ્રૂષા કરી હતી. એ વખતે એમણે કહેલું વૈદ્ય તરીકે જીવ બચાવવાનું કાર્ય મેં કર્યું છે. મને લાગે છે કે મેં મારું કર્તવ્ય પૂર્ણ કર્યું છે. આવા હતા દરિયાદિલ ઝંડુભટ્ટ.

ધનની પરવા ન કરનારા ધન મળવાની તકોને પણ લાત મારનારા, ત્યાગશીલ, દીનદુ:ખીની સેવા કરનારા અને હંમેશાં કરજના બોજ તળે દબાયેલા આ ઝંડુભટ્ટજી સમાજની એક ધારી સેવામાં ૬૦ વર્ષની ઉંમરે પહોંચી ગયા. એમને સંસાર અને જીવન પર વૈરાગ્ય આવવા લાગ્યો. ૧૮૯૬માં જામવિભાજીના અવસાન પછી તેઓ હચમચી ઊઠ્યા. એમને છાતીમાં પીડા તો હતી જ. આ દુ:ખ હવે અનેકગણું વધી ગયું.

તેમના મિત્ર ભાવનગર રાજ્યના દિવાન શ્રી પટણી સાહેબ બીમાર થતાં ૧૮૯૮માં ઝંડુ ભટ્ટ એમની સારવાર માટે દોડી ગયા. એટલામાં રાજ્યમાં વાત ફેલાઈ કે ઝંડુ ભટ્ટ આવ્યા છે અને લોકો પોતાની પીડાની સારવાર માટે તેમની પાસે આવવા લાગ્યા. પોતાનું સ્વાથ્ય ખરાબ છતાં ઝંડુ ભટ્ટજીએ બધા લોકોને દોઢ મહિના સુધી પ્રેમથી તપાસ્યા. તેથી એમની તબિયત વધારે ખરાબ થઈ. આ અવસ્થામાં નડિયાદના એમના મિત્ર દેસાઈ વિહારીદાસના કુટુંબ તરફથી ભટ્ટજીને એક તાર મળ્યો. પોતાની સારવાર માટે અને વૈદ્યધર્મના પાલન માટે તેઓ નડિયાદ ગયા. ભટ્ટજી આવ્યા છે એ સમાચાર મળતાં ત્યાં પણ દર્દીઓનાં ટોળેટોળાં ઉમટવાં લાગ્યાં. આરામ ખુરશી પર બેઠાં બેઠાં એક દિવસ તેઓ દર્દીને દવા આપી રહ્યા હતા ત્યારે જ એમની છાતીમાં ભયંકર દર્દ ઉપડ્યું. એમને પોતાના અંતનો ખ્યાલ આવી ગયો. પોતાના પુત્રને બોલાવવા તત્કાળ સૂચના આપી અને ‘તંગીની સ્થિતિમાં જ માણસ સારું કામ કરી શકે છે’ એવી જિંદાદિલીથી જીવનાર અને સર્વને માટે પોતાનું જીવન ખપાવી દેનાર ઝંડુભટ્ટનો પુણ્ય આત્મા આ ક્ષરજગતને છોડીને ચાલ્યો ગયો.

મંગલમય વિધાતાના અલંઘ્ય વિધાન સાથે રમતા પરિવ્રાજક સ્વામી અખંડાનંદજીને જામનગરમાં ઝંડુ ભટ્ટજીના સાંનિધ્યમાં ભાવિકર્મ જીવનની એક મહત્ત્વપૂર્ણ ભૂમિકા મળી ગઈ. ભટ્ટજીના માનવ-સેવાના ઉદાહરણ દ્વારા સ્વામી અખંડાનંદજીને ઘણી પ્રેરણા મળી. સ્વામી અખંડાનંદજી જ્યારે મળ્યા ત્યારે ભટ્ટજીની ઉંમર એ સમયે લગભગ ૬૦ વર્ષની હતી. તેઓ ગહનભાવ સાથે અસ્ફૂટ સ્વરે લગભગ આ શ્લોકનું વારંવાર ગાન કરતા – ‘કો નુ સ સ્યાદુપાયોઽત્ર યેનાહં સર્વદેહિનામ્‌ । અન્ત: પ્રવિશ્ય સતતં ભવેયં દુ:ખભાગભાક્‌ ॥’

‘આ સંસારમાં એવો કયો ઉપાય છે કે જેના દ્વારા સમસ્ત દુ:ખી પ્રાણીઓના દેહમાં પ્રવેશીને હું પોતે જ સતત એમનાં દુ:ખોને ભોગવતો રહું.’ સ્વામી અખંડાનંદ મંત્રની જેમ આ શ્લોકનું વારંવાર ઉચ્ચારણ કરતા રહેતા. એમના જીવનમાં પણ રંતિદેવ કથિત આ શ્લોકે સેવાભાવની ધારાને વહેતી કરી દીધી. દુ:ખી લોકોને જોતાં જ એમના મનમાં સહજરૂપે જ સહાનુભૂતિ તથા એમનાં દુ:ખપીડાને દૂર કરવાની તીવ્ર ઇચ્છા જાગી ઊઠતી.

એક બીજો શ્લોક પણ એમને વિશેષ રૂપે પ્રેરિત કરતો. એનો ભાવાર્થ આ છે : ‘હું સ્વર્ગ કે વૈકુંઠનું સુખ નથી ઇચ્છતો, ત્યાં મનુષ્યની સેવાનો કોઈ અવસર જ નથી.’ એક વાર સ્વામી અખંડાનંદના મુખેથી આ શ્લોક સાંભળીને સ્વામી વિવેકાનંદની આંખો આંસુંથી છલકાઈ ગઈ હતી. ‘જ્યાં સુધી જીવું ત્યાં સુધી શીખતો રહું’ શ્રી ગુરુદેવના અંતિમ ઉપદેશને યાદ કરીને અને મહાપ્રાણ ભટ્ટજીના જીવનને જોઈને સેવાનો જ ઉપદેશ-આદર્શ સ્વામી અખંડાનંદજી ગ્રહણ કરવા લાગ્યા. ઝંડુ ભટ્ટજી માંદા પડ્યા હતા ત્યારે સ્વામી અખંડાનંદજી એમની સેવા કરીને આનંદ મેળવતા અને ઉપર્યુક્ત શ્લોકમાં રહેલા ગૂઢ તાત્પર્યને પોતાના અંતરના ઊંડાણમાં અનુભવતા. આ રીતે સેવાવૃત્તિનાં બીજ સ્વામી અખંડાનંદજીમાં જામનગરમાં રોપાયાં, પછી રાજપૂતાનામાં ધીમે ધીમે વધ્યાં અને છેલ્લે મુર્શિદાબાદમાં ફાલ્યાં, ફૂલ્યાં અને ફળ્યાં.

(ક્રમશ:)

Total Views: 68

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.