માનો દિવ્યભાવ

માની અલૌકિક વિભૂતિ અથવા તો એમની અતીન્દ્રિય અનુભૂતિના સંબંધમાં મેં પોતે કદી કોઈ વાત પૂછી નથી, જાણવાની ઇચ્છા પણ નથી થઈ. બચપણથી ગૌડીય વૈષ્ણવોની ઐશ્વર્યવિહીન માધુર્યપૂર્ણ રાગાત્મિકા ભક્તિની વાતો સાંભળી સાંભળીને મારી ઉપર એની છાપ પડી ગયેલી, તેથી જ લાગે છે કે એ બાબતમાં કૌતૂહલ જન્મતું નથી, કાં તો પછી કરુણામયીએ પોતે જ બુદ્ધિને એનાથી છેટી રાખેલી.

છતાં તેઓ પોતે વાતો કરતાં કરતાં ક્યારેક ક્યારેક સાવ સંક્ષેપમાં એકાદ બે એવી વાતો કહી નાંખતાં કે એનાથી લાગતું કે એમની સમક્ષ અતીન્દ્રિય રાજ્ય સાવ સ્વભાવિકપણે પ્રગટ થયેલું છે. જ્યારે જે દિશાએ ઇચ્છા થાય તે તરફ પોતાના મનને ઘુમાવી રહ્યાં છે, ચલાવી રહ્યાં છે, જોઈ રહ્યાં છે, અનુભવ કરી રહ્યાં છે. એમની માટે ઈહલોહ કે પરલોકની સ્થૂળ-સૂક્ષ્મ કે કારણ જગતની એકે ય અડચણ નડતી નથી.

રાંચીના સુરેન્દ્ર સરકાર, માના એક વિશેષ ભક્ત, માની પાસે આવ્યા છે. તેમણે એ વખતે શ્રીમાનાં ચરણોમાં રહેનારા એક શિષ્યનાં પુણ્યોની પ્રશંસા કરીને કહ્યું કે, ‘તમે બહુ ભાગ્યવાન છો, માની સમીપે જ રહેલા છો.’ એમના શબ્દો મારા અંતર ઉપર ચોટ કરી ગયા, ખરેખર શું સમીપે છીએ! ‘સમીપે’નો અર્થ શો? ઢૂંઢવા છતાં જડ્યો નહિ.

સુરેન્દ્રબાબુને મેં નમ્ર્રતાપૂર્વક કહ્યું, ‘મને તો જણાય છે કે બધાં યે આઘાં છે, કોઈ થોડાક આઘા તો કોઈ વધારે આઘા. વચમાં આડશ તો રહેલી જ છે.’ એ આડશને કાયમને માટે કેવી રીતે હટાવી શકાય? શો ઉપાય? માને હૃદયના અંતરતલે પોતાની અંદર જ મેળવી ના શકાય ત્યાં લગી દૂરત્વ દૂર થવાનું નથી, ભલેને ગમે ત્યાં રહો. જે લોકો ભક્તિમાન છે, તેઓ આંતરિક ભક્તિ વડે નક્કી ગમે ત્યાં રહ્યા હશે તો પણ વધુ નજદીક હંમેશાં રહેલાં જ છે. ઐશ્વર્યનો બોધ ભગવાનને છેટા રાખે, પોતીકાપણું નજીક આણે.

શોકહારિણી મા

મા બીજાં લોકોનાં દુ:ખશોકની વાત સાંભળતાં જ પોતે શોકના આવેગથી વ્યાકુળ થઈ જતાં. એમનો એવો શોકનો ઉદ્વેગ જોઈને જોનારાંનાં હૈયાં પણ પીગળી જતાં. અકસ્માત મૃત્યુ અથવા બીજી કોઈ જાતના દુ:ખના સમાચાર સહેજમાં માના અત્યંત કોમળ હૃદયને વલોવી નાંખતા, અને તેઓ પોતાને સંભાળી શકતાં નહિ. જે લોકો શોકાર્ત થઈને માની પાસે સમવેદના સહાનુભૂતિ મેળવવાની આશાએ આવતો, એમનો શોક વાસ્તવમાં મા હૃદયમાં ખેંચી લઈને પોતે અનુભવીને એમનાં હૃદય હળવાં કરી દેતાં. જાણે કે ‘વિષપાને વિષહરણ’ કરી લેતાં હોય. વખતોવખત પારકાંનાં દુ:ખ સાંભળીને પોતાના હૃદયમાં શોકનો આઘાત લાગતાં કેવાં તો અધીર બનીને મા અસહાય બાલિકાની માફક રુદન કરતાં, એનું થોડુંક વર્ણન કરું.

ત્યારે મા કોઆલપાડાના જગદંબા આશ્રમે રહેલાં હતાં. પાડપડોશી, ગરીબ-દુ:ખી, નીચ-અસ્પૃશ્ય બધાંયનાં તેઓ મા હતાં. જે કોઈ પાસે આવે તે બે મીઠાં વેણ સાંભળે, પ્રસાદ ખાય અને માના સ્નેહભર્યા વ્યવહારથી ભીંજાઈને આંતરડી ઠારે. એક વિધવા બાઈનો દીકરો મરી ગયો છે. શોકાતૂર જનની માની પાસે આવીને પોતાના દુ:ખનો ભાર હળવો કરવાને માટે દીકરાની વાત કરતાં કરતાં પોકે પોકે રડવા માંડી. એના શોકના આવેગને માએ પોતાના હૈયામાં ધારણા કરીને પોતે પણ એની જોડે ઠૂઠવો મૂકીને રડવા માંડ્યું. એ રુદનનો અવાજ સાંભળીને આશ્રમમાં રહેલાં લોકો દોડી આવ્યાં.

મા શોકાતુરા જનનીની જેમ જ એ દીકરાને હારી બેસનારીની જોડે એવા તો હૃદયવિદારક કરુણસ્વરે રડી રહેલાં કે જોઈને સૌ અવાક્‌ થઈ ગયાં. એમ લાગતું હતું કે જાણે સાચેસાચ એમનો જ દીકરો વિખુટો પડી ગયો છે. થોડીક વારે પુત્ર ગુમાવી બેઠેલી બાઈના શોકનો આવેગ ઘણો શાંત પડી ગયો. આંખો લૂછીને માને પ્રણામ કરીને ઘણા હળવા બનેલા હૈયે એણે વિદાય માંગી. માએ પણ પોતાનાં આંસુ ખાળીને સ્નેહાળ શબ્દો વડે અને દિલાસો દઈને પ્રસાદ આપ્યો અને ‘ફરીવાર આવજો’ કહીને વિદાય દીધી. એમ યાદ આવે છે કે માએ એને એક નવો સાડલો પણ આપેલો.

દુ:ખની કહાણી સાંભળતાં જ માનું કોમળ મન અધીરું થઈ જતું. પહેલું વિશ્વયુદ્ધ ચાલી રહ્યું હતું. કાપડની તંગી બેસુમાર હતી. સ્ત્રીઓને લાજ ઢાંકવી અઘરી થઈ પડેલી. માના સંતાન વિભૂતિબાબુએ એક દિવસ આવીને વાત કરી કે, તેઓ વિષ્ણુપુરે માના ખાસ સંતાન સુરેન્દ્રબાબુને ઘેર ગયા હતા. ત્યાં કુટુંબની એક યુવાન કન્યાએ અંદરથી જ કહ્યું, ‘કાકા! અહીંયાથી જ પ્રણામ કરું છું. પહેરેલા સાડલાની દશા એવી છે કે બહાર આવીને આપને પ્રણામ નહિ કરી શકું.’ સાંભળીને વિભૂતિબાબુએ પોતાની ચાદર ઘરના અંદરના ઓરડામાં ફગાવી. એ શરીરે લપેટીને છોકરી બહાર આવીને પ્રણામ કરી ગઈ. સાંભળીને માની આંખોમાંથી અનરાધાર આંસુ વહી ચાલ્યાં.

એના પછી થોડી જ વારે પડોશમાંથી એક જણાએ એક છાપું આણીને માને વાંચી સંભળાવ્યું કે, ક્યાંક ક્યાંક સ્ત્રીઓએ કપડાંને અભાવે લાજ ઢાંકવી અશક્ય થવાથી આત્મહત્યા કરી છે. આ બધી હૃદયવિદારક કહાણીનાં વર્ણનનો વિચાર કરતાં કરતાં મા રડવા લાગ્યાં. પહેલાં ડુસકે ડુસકે રડવા માંડ્યા અને પછી એકદમ નાની છોકરીની જેમ ધીરજ ખોઈને મોટે મોટેથી રડવાનું શરૂ કર્યું. ‘પહેરવાનાં કપડાં ના મળે તો બૈરાં શું કરે? લાજશરમ બચાવવાને માટે આત્મહત્યા સિવાય બીજો ઉપાય જ શો રહે!’ એવું એવું બોલતાં જાય છે અને વ્યાકુળતાથી રડી રહ્યાં છે. એ નાદાન બાલિકાને દિલાસો દેવાલાયક શબ્દો જડતા નથી! એમના શોકોદ્‌ગાર જે લોકો સાંભળી રહ્યાં છે એમનાં પણ મોઢાં વિલાઈ ગયાં છે, હૈયાં ગળગળાં બની ગયાં છે. સમગ્ર ભારતદેશની સકળ નારીઓનું વસ્ત્રના અભાવનું દુ:ખ માના હૈયામાં ઢગલે વળીને વેદનાના હાહાકારરૂપે પ્રગટી રહ્યું છે.

જે સાંભળી રહ્યાં છે તે સહુ પણ પોતાની નિરૂપાય દુર્દશાની વાત વિચારી રહ્યાં છે. દેશનું રાજ્ય ચલાવનાર અંગ્રેજ શાસકોને વાંકે જ આવા ખરાબ દહાડા આવ્યા છે એમ મનમાં લાવીને, મા એ લોકો ક્યારે આ દેશ છોડીને જશે એને માટે અધીરાં થઈ જઈને વારંવાર બોલવા લાગ્યાં, ‘એ લોકો ક્યારે જશે રે, ક્યારે જશે.’ અંગ્રેજો ક્યારે દેશ છોડીને જશે, ક્યારે પાછા સારા દહાડા આવશે એ જાણવાને માટે મા વ્યગ્ર થઈ જઈને વારેવારે સવાલ કરે છે. શ્રોતાઓ મૂંગા થઈને સાંભળી રહ્યા છે, દેખી રહ્યા છે એમની આર્તિ. ત્યારબાદ જરાક સંભાળીને અફસોસ કરવા માંડ્યાં, દેશના લોકોએ ચરખા પર કાંતવાનું અને કાપડ બનાવવાનું પોતાનું કામ છોડી દીધું એટલે જ તો આજે આવાં દુ:ખ પડ્યાં છે. મા બોલ્યાં, ‘કંપનીએ (સરકારે) સુખ દેખાડી દીધું – એક રૂપિયાના ચાર લૂગડાં અને ઉપરથી વળી એક છોગામાં. ઘેર ઘેર ચરખા હતા, બધા ય ઉખડી ગયા. સસ્તામાં કાપડ મેળવીને બધા બાબુ બની ગયા, હવે બધા બાબુ કાબૂ થઈ ગયા છે.’

પોલીસને હાથે પકડાઈને સિંધુબાલા નામની ગર્ભવતી યુવતીને અનહદ અપમાન સહેવાં પડેલાં એ સમાચાર સાંભળીને પણ મા બહુ જ અકળાઈ ઊઠીને રડી પડેલાં. અંગ્રેજી હકૂમત ખતમ થઈ જાય એવી કામના એઓ કરતાં અને આ સઘળા અત્યાચારોનો જવાબ દેવા અને સામનો કરવા માટે દેશવાસીઓનો ઉદ્યમ જરૂરી અને પ્રશંસનીય છે એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો. માના બાલ્યકાળમાં અંગ્રેજી હકૂમતના, ખાસ કરીને વિકટોરિયાના હાથમાં રાજ્યની ધુરા આવ્યા પછી દેશમાં ઘણી જાતની સુવ્યવસ્થા ફેલાઈ હોવાથી દેશવાસીઓનાં મનમાં અંગ્રેજોના પ્રત્યે ઘણો શ્રદ્ધાવિશ્વાસનો ભાવ રહેલો હતો.

પરંતુ આર્થિક શોષણને કારણે દેશની દુ:ખ દુર્દશા દિવસ દિવસે વધતાં જતાં હોવાથી લોકોને એમના ઉપર અવિશ્વાસ જન્મ્યો અને એનો પ્રતિકાર કરવાના પ્રયાસો શરૂ કરતાં ટકરામણ ઊભી થઈ અને દેશના લોકો ઉપર હાકેમોએ ભયંકર અત્યાચાર આરંભ કર્યો. માએ પોતાની નજરે આ બધી ઘટનાઓ ઘણી ઘણી જોયેલી, પોતાને કાને સાંભળેલી અને તેથી તેઓ અત્યંત દુ:ખી ચિત્તે અંગ્રેજી શાસનના અંતની કામના કરતાં. નહિ તો એમને અંગ્રેજ જાતિ અથવા તો એમના ધર્મસંપ્રદાય ઉપર કોઈ જાતનો વિદ્વેષક ભાવ હોય એવું કદી પણ જોવામાં આવતું નહિ. ઊલટાનું તેઓ એમને પણ પોતાનાં જ સંતાનો ગણતાં. એમનો આશ્રય પામેલાં અંગ્રેજ તેમ જ બીજા ખ્ર્રિસ્તીઓ સૌના સરખો જ સ્નેહ પામ્યાં હતાં.

 (ક્રમશ:)

Total Views: 53

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.