કિશનગઢમાં સ્વામી વિવેકાનંદ

જયપુરથી અજમેરને રસ્તે ત્યાંથી ૧૮ માઈલ પૂર્વમાં કિશનગઢનો રાજ્ય વિસ્તાર આવે છે. સ્વામીજી સંભવત: પહેલાં કિશનગઢ ગયા હશે અને ત્યાર પછી અજમેર થઈને પુષ્કર ગયા હશે. કિશનગઢની વિવેકાનંદ સમિતિ દ્વારા ૧૯૮૨માં પ્રકાશિત સ્મરણિકા ‘સ્વામી વિવેકાનંદ અને કિશનગઢ’ પૃ.૯માં આમ લખ્યું છે : ‘જનશ્રુતિ પ્રમાણે પોતાની અમેરિકા યાત્રાના લગભગ ૨ વર્ષ પહેલાં પોતાના પરિવ્રાજક ભ્રમણના સમયે અલવરના મહારાજા મંગળસિંહજીનો એક પત્ર લઈને સ્વામીજી સૌ પ્રથમવાર કિશનગઢ પધાર્યા હતા. અહીં તેઓ મહારાજા શાર્દૂલસિંહજીના અતિથિ બન્યા હતા.’ 

૧૯૪૮માં આ પૂરા રાજ્યનું ક્ષેત્રફળ ૮૩૭ ચો. માઈલ હતું. તેની વસતી ૧,૦૪,૧૨૭ હતી. જોધપુરના એક રાજકુમારે આ રાજ્યની સ્થાપના કરી હતી. ૧૯૪૧માં કિશનગઢ શહેરની વસતી ૧૪,૪૫૯ હતી. અહીં લગભગ ૧ ચો.માઈલના ક્ષેત્રમાં વિસ્તરેલું ગુંડરાવ તળાવ છે. તેના કિનારે આવેલ કિશનગઢ નગર તથા તેના કિલ્લાનું દૃશ્ય અત્યંત મનોહર લાગે છે. વેદાંતના દ્વૈતાદ્વૈત સંપ્રદાયના પ્રવર્તક નિમ્બાર્કાચાર્યની મુખ્ય પીઠ કિશનગઢની પાસે જ આવેલી છે. એવું સંભવ છે કે સ્વામીજીએ એ મઠમાં જઈને તેની પરંપરાઓનું અવલોકન કર્યું હોય અને ત્યાંના આચાર્યોને મળ્યા પણ હોય. કેટલાંક વર્ષો પછી તેઓ વળી પાછા એકવાર કિશનગઢ આવ્યા હતા અને એ ઉપરાંત અધ્યયન માટે નિમ્બાર્કાચાર્ય કૃત વેદાંત ભાષ્યના ગ્રંથો મેળવવાનો એમણે પ્રયાસ કર્યો હતો. કિશનગઢથી સ્વામીજીએ અજમેર અને પુષ્કર તરફ પ્રયાણ કર્યું હતું.

અજમેરમાં બે સપ્તાહ

(સંભવત: ૧૪ થી ૨૯ એપ્રિલ,૧૮૯૧ સુધી)

સ્વામીજીની જૂની અંગ્રેજી તેમજ બંગાળી જીવનકથા પ્રમાણે તેઓ જયપુરથી સીધા માઉન્ટ આબુ ગયા હતા. અહીંથી અજમેર આવીને વળી પાછા માઉન્ટ આબુ ચાલ્યા ગયા હતા. પરંતુ હવે એ વાત સર્વમાન્ય બની છે કે તેઓ પહેલાં અજમેર અને પુષ્કરમાં રહ્યા અને ત્યાર પછી જ માઉન્ટ આબુ ગયા હતા. એનું કારણ એ છે કે ૧૪ એપ્રિલે અજમેરથી લાલા ગોવિંદ સહાય વિજયવર્ગીય (૧૮૬૬-૧૯૨૫)ના નામે સ્વામીજીએ લખેલ એક પત્ર મળે છે. એની એક પંક્તિ જ માત્ર પ્રાપ્ય છે અને એ પંક્તિને આપણે આ પહેલાં ઉદ્ધૃત કરી છે. સ્વામીજી અજમેરમાં ક્યાં અને કેટલા દિવસ રોકાયા હતા, તે એ પત્રમાંથી જાણવા મળતું નથી. કેવળ એટલી જ મહત્ત્વની સૂચના મળે છે કે ૧૪ એપ્રિલે અથવા એક-બે દિવસ પહેલાં જ તેઓ અજમેર પહોંચી ગયા હતા. ઉપર્યુક્ત તથ્યોના આધારે અમારું એવું અનુમાન છે કે સ્વામીજી લગભગ ૧૦ એપ્રિલ (૧૮૯૧)ના રોજ જયપુરથી ચાલીને બે-ત્રણ દિવસ કિશનગઢમાં રહ્યા અને ત્યાર બાદ ૧૩ કે ૧૪ એપ્રિલના રોજ તેઓ અજમેર પહોંચ્યા હશે.

પ્રાચીન કાળમાં અજયમેરુના નામે પ્રસિદ્ધ અજમેર નગર ૭મી શતાબ્દિના પ્રથમ ચરણમાં ચૌહાણ વંશના સંસ્થાપક અજયપાલે વસાવ્યું હતું. મેવાડ, અકબર તથા મારવાડના અનેક શાસકોને અધીન રહ્યા પછી ૧૮૮૧માં આ અંગ્રેજોના આધિપત્યમાં ચાલ્યું ગયું. સ્વામીજીએ ત્યાં અકબરનો મહેલ અને મુસલમાન ફકીર ખ્વાજા મોઈનુદ્દિન ચિસ્તીની દરગાહને જોઈ હતી. આ દરગાહ તારાગઢ પહાડની તળેટીમાં આવેલી છે. આ પહાડના નીચલા ઢાળ પર મસ્જિદમાં પરિવર્તિત થયેલું એક પ્રાચીન જૈન મંદિર છે. એના ખંડો અત્યારે પણ પ્રાચીન ભારતીય કળાના ઉત્કર્ષની યાદ અપાવે છે. એમાં કુલ ૪૦ થાંભલા છે અને પ્રત્યેક થાંભલા પર ભિન્ન ભિન્ન પ્રકારનું નક્શીકામ જોવા મળે છે. તારાગઢ પહાડના શિખર પર એક કિલ્લો પણ છે. (હિન્દી વિશ્વકોશ, ભાગ-૧, પૃ.૮૫)

સ્વામીજીના અજમેર પ્રવાસ વિશે અજમેરની સરકારી કોલેજના ઇતિહાસ વિભાગનાં પ્રાધ્યાપિકા શ્રીમતી ડો. નંદિતા ચેટરજી ભાર્ગવ પાસેથી થોડી જાણકારી અમને મળે છે. એમણે હિન્દી ‘વિવેક શિખા’ માસિકના માર્ચ-૧૯૯૧, (પૃષ્ઠ ૨૬-૨૮) પરના અંકમાં પ્રકાશિત ‘એક અવિસ્મરણીય ઘટના’ એ શિર્ષક સાથેના લેખમાં સ્વામીજીના અજમેર પ્રવાસ વિશે થોડો ઘણો પ્રકાશ ફેંક્યો છે. એમણે વર્તમાન લેખકને પોતાના મૂળ બંગાળી લેખની એક પ્રતિ પણ અમને અપાવી છે. આ લેખમાં નિરૂપિત તથ્યોની પ્રામાણિકતા વિશે કંઈ પણ કહેવું અસંભવ છે. એમ છતાં પણ બીજાં વિવરણોના અભાવે આપણે અહીં એનો સાર-સંક્ષેપ આપીએ છીએ. એમનું કહેવું એમ છે : ‘તીર્થરાજ પુષ્કર જવા માટે અજમેર આવવું પડે છે. પ્રાચીનકાળથી જ ભારતના દૂર દૂરના પ્રાંતોમાંથી સંન્યાસીઓ તથા ગૃહસ્થ તીર્થયાત્રીઓ અજમેર આવતા હોય છે. અહીંથી જ પુષ્કર જવા માટેની સુવિધા મળી રહે છે. ૧૯મી સદીના અંતિમ ભાગમાં રેલવે માર્ગ તૈયાર થઈ ગયા પછી દિલ્હી તેમજ જયપુરથી ગુજરાત, મહારાષ્ટ્ર અને પશ્ચિમ મધ્યપ્રદેશ તરફ જવા માટે અજમેર થઈને જ જવું પડે છે. અંગ્રેજી રાજ્ય હોવાને કારણે અહીં આવાગમનની જે સુવિધાઓ હતી તે રાજસ્થાનના બીજા ભાગોમાં પ્રાપ્ય નથી. …

‘જ્યારે એપ્રિલના મહિનામાં એક દિવસ સ્વામીજી પહેલીવાર અજમેર આવ્યા ત્યારે લેખિકાના માસા અમરનાથ ચટ્ટોપાધ્યાયને એમનાં ચરણકમળમાં બેસવાનો તથા એમનાં (સ્વામીજીના) સ્નેહાશીર્વાદ પ્રાપ્ત કરવાનું પરમ સદ્‌ભાગ્ય સાંપડ્યું હતું. એ દિવસોમાં આગ્રાથી રેલવે જયપુર થઈને દિવસના મધ્યભાગમાં અજમેર આવી પહોંચતી. બહુધા એમાં વૃંદાવન તથા બીજાં અન્ય સ્થાનો એથી પુષ્કર જવા માટે બંગાળ પ્રાંતના સાધુ વૈષ્ણવ સમૂહ આવતા હતા. જે સ્થળે પુષ્કર જવા માટે બળદગાડાં મળતાં ત્યાં એક મોટું મેદાન હતું. (આ સ્થળ હાલ ઘાસ-કટલાને નામે જાણીતું છે અને અત્યારે પણ ત્યાં થોડો ખુલ્લો ભાગ છે. એટલે યાત્રીઓ અહીં આવીને વાહનની રાહ જુએ છે.)

‘એ સ્થળની નજીક મદનગોપાલ ડે વિશ્વાસ નામના બંગાળી સજ્જન રહેતા હતા. વિશ્વાસ મહાશયનાં પરમ ભક્તિનિષ્ઠાવાળાં પત્ની સુદૂર બંગાળથી આવનારા સાધુ અને વૈષ્ણવોને ભોજન કરાવતાં તેમજ એમની અન્ય સુખસગવડતાની વ્યવસ્થા કરતાં તેઓ નિત્ય આગ્રાથી આવનારી ગાડીની રાહ જોતાં. કોઈ સાધુ આવ્યા છે કે નહીં એ જોઈ લીધા પછી તેઓ પોતે ભોજન કરવા બેસતા. શ્રીમતી વિશ્વાસનો આ નિત્યક્રમ કે નિત્યનિયમ હતો. એવી જ રીતે એક દિવસ બપોરે શ્રીમતી વિશ્વાસે જોયું કે ગાડી તો આવી ગઈ છે અને પુષ્કર તરફ જનારા યાત્રીઓ પણ મેદાનમાં એકત્રિત થઈ રહ્યા છે પણ આજે કોઈ સાધુસંત આવ્યા નહીં. આવું વિચારીને તેઓ ભોજન કરવા બેસવાની તૈયારીમાં હતા ત્યાં જ એના મનમાં વિચાર આવ્યો કે એકવાર ફરીથી જરા જોઈ લેવું યોગ્ય ગણાશે. જેવાં તે બહાર ગયાં તો જોયું કે એક અદ્‌ભુત વ્યક્તિત્વવાળાં તરૂણ બંગાળી સંન્યાસી પુષ્કર યાત્રીઓની વચ્ચે બેઠા છે. એમણે તત્કાળ સ્વામીજીને બોલાવી લીધા અને એમના સ્નાન ભોજનની વ્યવસ્થા કરી. વિશ્વાસ પરિવાર જે મહોલ્લામાં રહેતા હતા એ ઘોષી મહોલ્લાને નામે જાણીતો હતો.

‘વિશ્વાસ મહાશય અને એમનાં પત્ની સ્વામીજીથી ખૂબ પ્રભાવિત થયાં. વાતચીત પછી એમને એ પણ ખ્યાલ આવ્યો કે સ્વામીજી એમના દૂરના સગાસંબંધી પણ છે. એમણે સ્વામીજીને પુષ્કર જતા પહેલાં પોતાના નિવાસસ્થાને થોડા દિવસ વિરામ કરવા વિનંતી કરી. એમના વિશેષ આગ્રહને લીધે સ્વામીજી ત્યાં ચાર દિવસ રોકાયા. એ દિવસોમાં અજમેરમાં માત્ર ચાર બંગાળી પરિવાર રહેતા હતા. તરત જ બધાને સમાચાર મળી ગયા કે એક ઉદાર હૃદયના યુવાન સંન્યાસી આવ્યા છે. એટલે બધા એમની પાસે આવી પહોંચ્યા. ત્રણ-ચાર દિવસ સુધી વિશ્વાસનું નિવાસસ્થાન જાણે કે એક આનંદ-ઉત્સવથી ઊભરાઈ ઊઠ્યું. સ્વામીજી ક્યારેક પોતાના દિવ્ય મધુર કંઠે ભજન ગાતા, ક્યારેક ધર્મ-ચર્ચા કરતા, તો વળી ક્યારેક પ્રવાસી બંગાળીઓની આર્થિક, સામાજિક સમસ્યાઓ વિશે ચર્ચા પણ કરતા. આ સમસ્યાઓની ચર્ચા કરતા હતા ત્યારે સ્વામીજીએ ખેદ પ્રગટ કરતાં કહ્યું કે ભારતનાં બધાં તીર્થસ્થાનોમાં ભિન્ન ભિન્ન પ્રાંતોના નિવાસીઓએ તીર્થયાત્રીઓની સુવિધા માટે ધર્મશાળાઓ બાંધી છે, જેમ કે : મારવાડી ધર્મશાળા, પંજાબી ધર્મશાળા, ગુજરાતી ધર્મશાળા, નેપાળી ધર્મશાળા. બંગાળી લોકો આ દિશામાં ઉદાસીન છે. જો પ્રવાસી બંગાળીઓના પ્રયત્નથી અજમેરમાં ધર્મશાળા બંધાય તો ત્યાંના સેંકડો તીર્થયાત્રીઓને માટે ઘણી સુવિધા ઊભી થાય.

‘સ્વામીજીની આ વાત અમરનાથ ચટ્ટોપાધ્યાયને હંમેશાને માટે યાદ રહી ગઈ. એ ઘટનાના થોડાં વર્ષો પછી નોકરીમાંથી નિવૃત્તિ લઈને એમણે અજમેર તથા પુષ્કરમાં ધર્મશાળાઓ બનાવવાનો સંકલ્પ કર્યો. અમરનાથ ચટ્ટોપાધ્યાયે અજમેરના બંગાળી લોકોની એક ધર્મશાળાસમિતિ રચી અથાક પરિશ્રમ કરીને સેંકડો લોકો પાસેથી ફંડફાળા એકત્રિત કરીને વીસમી શતાબ્દીના બીજા દશકામાં અજમેરમાં એક ધર્મશાળા બનાવી દીધી. સ્વામી વિવેકાનંદના શ્રીમુખેથી વહેલી એ વાણીને સાકાર રૂપ મળ્યું. અજમેરમાં ધર્મશાળા બનાવ્યા પછી શ્રી અમરનાથ ચટ્ટોપાધ્યાયે ફંડફાળા એકત્રિત કરીને પુષ્કરમાં બ્રહ્માઘાટ પાસે એક ધર્મશાળા બાંધી. આ કાર્ય એમણે સ્વામીજીની પ્રેરણા અને માર્ગદર્શન પ્રાપ્ત કરીને જ કર્યું હતું. આ ધર્મશાળાઓ સ્વામીજીની મનોકામનાની પૂર્તિરૂપ છે.’

અજમેરથી સાત માઈલ દૂર હિન્દુઓનું એક મુખ્ય તીર્થસ્થાન તીર્થરાજ પુષ્કર છે. આ તીર્થની ગણના પંચતીર્થ એટલે કે પાંચ સરોવરોમાં થાય છે. મુખ્ય પુષ્કર સરોવરમાંથી સરસ્વતી નદી નીકળે છે. સમગ્ર ભારતમાં માત્ર અહીં જ સૃષ્ટિના રચયિતા ચતુર્મુખ બ્રહ્માનું મંદિર છે. આ બ્રહ્માજીનું મંદિર સરોવરથી થોડે દૂર આવેલું છે. પુષ્કર સરોવરની એકબાજુએ એક પહાડના શિખર પર સાવિત્રીદેવીનું મંદિર છે. બીજી તરફના એક શિખર પર ગાયત્રીદેવીનું મંદિર છે. સાવિત્રીદેવીની પ્રતિમા અત્યંત તેજોમય છે. સ્વામીજીએ ત્યાં જઈને ચોક્કસ આ ત્રણેય મહત્ત્વપૂર્ણ મંદિરોમાં દર્શન કર્યાં હશે.

(ક્રમશ:)

Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.