રામકૃષ્ણ મઠ-મિશનના આઠમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી વિશુદ્ધાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘યોગ ક્ષેમ’નો બ્રહ્મ. અમરચૈતન્ય અને શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

સ્વામી શાંતાનંદ મહારાજ સાથે મારે પૂર્વાશ્રમથી પરિચય હતો. હાવડામાં પ્રસન્નદાદાના રહેઠાણ પાસે તેમનું ઘર હતું. તેઓ રોજ વહેલી સવારે મને ગંગાસ્નાન માટે બોલાવી જતા. તેમની સાથે હું (સ્વામી વિશુદ્ધાનંદ) દક્ષિણેશ્વરમાં આવ-જા કરતો હતો. હું એમના પરિચય પહેલાં પણ દક્ષિણેશ્વરમાં જતો-આવતો.

દક્ષિણેશ્વરમાં એક વૃદ્ધ માળી રહેતા હતા. શ્રીશ્રીઠાકુરના ઘરથી પંચવટી-બેલતલા સુધીનો રસ્તો તેઓ પ્રતિદિન નિષ્ઠાપૂર્વક સાફ કરતા. દરરોજ આ કામ તેમને પૂરતું મન લગાડીને કરતા જોઈને આશ્ચર્ય થતું. એકવાર તેમને આવી રીતે રસ્તો સાફ કરવાનું કારણ પૂછ્યું. પ્રથમ તો તેઓ આ વિશે કશું બોલવા માગતા ન હતા. પરંતુ ઘણીવાર એ પ્રશ્ન પૂછતાં અંતે તેમના જીવનની એક આશ્ચર્યકારક અનુભવની ઘટનાની તેમણે વાત કરી :

એ વખતે પરમહંસદેવ અહીં રહેતા હતા. એક વખત મોડી રાત સુધી મને ઊંઘ ન આવી એટલે હું પંચવટીમાં આવ્યો. પંચવટીથી બેલતલા તરફ નજર નાખતાં મને એવું લાગ્યું કે જાણે બેલતલા પ્રકાશમય ન હોય! હિંમત કરીને હું બેલતલા પાસે ધીરે ધીરે ગયો. જોયું તો ત્યાં પરમહંસદેવ ગંભીર ધ્યાનમાં બેઠા હતા. એમના દેહમાંથી એક અપૂર્વ જ્યોતિ બહાર આવતો હતો. એ જોઈને હું બેભાન થઈ ગયો. કેટલા સમય સુધી આ અવસ્થામાં રહ્યો એનો મને ખ્યાલ નથી. હોંશ આવતાં જ હું ત્યાંથી ભાગી છૂટ્યો. આ વિચારમાં ને વિચારમાં એ રાતે ઊંઘ ન આવી. સવાર થતાં જ હું પરમહંસદેવ પાસે પહોંચી ગયો. મારી વાત સાંભળીને તેઓ હસીને બોલ્યા: ‘જો, આ બધી વાત કોઈને કહેતો નહિ અને રોજ સવારે આ રસ્તાને સાફ કરીને રાખજે. કેટલા બધા ભક્તો અહીં આવે છે એ તો તું જુએ છે ને?’ એ દિવસથી હું દરરોજ આ રસ્તાને સાફ કરું છું.

શ્રીરામકૃષ્ણ કથામૃતનો પહેલો ભાગ વાંચીને નિત્યગોપાલદેવ (શ્રીઠાકુરના એક ભક્ત)ની વાત હું જાણી શક્યો. તેમના હુગલી મઠમાં બેવાર એમનાં દર્શન કરવા ગયો હતો. બપોર પછી ૫ વાગ્યે ફળ-મીઠાઈ લઈને તેમનાં દર્શને હું ગયો પણ ત્યારે એમનાં દર્શન ન થયા અને રાત્રે ૮ વાગ્યે એમને મળી શક્યો. એમની દેહકાંતિ અત્યંત સુંદર હતી. એક મોટી ખાટ પર આસન અવસ્થામાં બેઠા છે. ખાટ પર કંઈ બીછાવેલું ન હતું. ભક્તો પણ નીચે બેઠા હતા. હારમોનિયમ અને તબલાં ગોઠવાયેલાં હતાં, હવે ભજનકીર્તન થશે. પહેલાં નિત્યગોપાલે મા જગદંબાનું કીર્તન સાંભળવાની ઇચ્છા કરી. બે-એક પદો સાંભળીને ભાવાવસ્થામાં આવી ગયા. આખો દેહ પુલકિત થઈ ઊઠ્યો અને આંખોમાંથી આંસું વહેવાં લાગ્યાં. તેઓ અપૂર્વ દિવ્યભાવમાં લીન થઈ ગયા. આવી રીતે ઘણો સમય વીતી ગયો અને ત્યાર પછી થોડું બાહ્યભાન આવ્યું ત્યારે તેમણે કૃષ્ણનામગાન સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી. એકાદ-બે પદ સાંભળીને વળી પાછા ભાવાવસ્થામાં આવી ગયા. આખી રાત આ જ ભાવાવસ્થામાં વીતી ગઈ. વારંવાર આવતી ભાવાવસ્થા અને એકાસને બેસવા છતાં એમના દેહમાં કોઈ પણ જાતના થાકનાં ચિહ્‌ન દેખાતાં ન હતાં. શ્રીઠાકુરે પોતે કહ્યું છે : ‘નિત્યગોપાલની પરમહંસ અવસ્થા છે.’ છતાં એમ પણ કહ્યું હતું કે તેઓ અહીંના નથી એટલે કે તેઓ તેમના અંતરંગ ન હતા.

અવધૂતને – નિત્યગોપાલને મેં મારા કેટલાક અંગત પ્રશ્નો પૂછ્યા: ‘ઘરબાર-સંસાર ત્યાગ કરવાનો સમય પાકી ગયો છે કે કેમ?’ આવો પ્રશ્ન પૂછતાં તેમણે કહ્યું: ‘હા, થઈ ગયો છે.’ વળી તેમણે પૂછ્યું: ‘તમે દીક્ષા લીધી છે કે કેમ?’ મેં ઉત્તરમાં કહ્યું: ‘મેં શ્રી શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લીધી છે.’ આ સાંભળીને એમણે બે હાથ માથા સુધી ઊંચા કરીને, કર જોડીને શ્રી શ્રીમાને ઉદ્દેશીને પ્રણામ કર્યા. અને પછી કહ્યું: ‘તો તો હવે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. અઘોરી સાધુઓનો સંગ ન કરવો, એનાથી સતર્ક રહેવું.’

એ જ સમયની એક બીજી ઘટના પણ છે : ‘એક દિવસ ગૌરીમા દક્ષિણેશ્વર આવ્યાં. રામલાલ દાદા પણ હતા. શ્રીઠાકુરને પ્રિય એવાં બે-ચાર ભજન ગાવા માટે શ્રી ગૌરીમાને વિનંતી કરવામાં આવી. ગૌરીમા અને રામલાલ દાદા બંને આખી રાત વારાફરતી ભજન ગાતાં રહ્યાં. ભજનના રંગમાં બધાં એવા ભાવમગ્ન થઈ ગયાં હતાં કે સવારના સૂરજનો તડકો આવ્યો એનોય અમને ખ્યાલ ન રહ્યો. દરવાજો ખોલીને જોયું તો સૂર્યનારાયણ ઘણા ઉપર આવી ગયા હતા. રામલાલ દાદાએ જલદી જલદી કપડાં બદલાવ્યાં અને મા ભવતારિણીની મંગલારતી કરવા માટે દોડી ગયા. હું પણ એમની સાથે આખી રાત જાગ્યો પણ શરીરમાં ક્યાંય થાક લાગતો ન હતો.’

સંસારત્યાગ કરવાનો વિચાર મનમસ્તિષ્કમાં હંમેશાં ઘૂમતો રહેતો. હું કાકુડગાચ્છી યોગોદ્યાનમાં ગયો. એ વખતે ત્યાં યોગવિનોદ રહેતા. તેઓ ઘણા મોટા સજ્જન હતા. સ્વામી ગિરિજાનંદ સર્વપ્રથમ અહીં જોડાયા હતા. શ્રી શ્રીમા પાસેથી મેં દીક્ષા લીધી છે, એ સાંભળીને એમનાં મનપ્રાણ દીક્ષા લેવા માટે વ્યાકુળ બની ગયાં. શ્રી શ્રીમા પાસે જયરામવાટીમાં જઈને એમની પાસેથી મંત્રદીક્ષા લીધી અને એમનો કૃપાલાભ પામ્યા. વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે હું દક્ષિણેશ્વર જતો ત્યારે (રસ્તામાં) સ્વામી શાંતાનંદજી સાથે મારે મળવાનું થતું.

અમે ત્રણ – સ્વામી શાંતાનંદ, સ્વામી વિશુદ્ધાનંદ, સ્વામી ગિરિજાનંદ – એકી સાથે જયરામવાટીમાં શ્રી શ્રીમા પાસે ગયા હતા. શ્રી શ્રીમા સમક્ષ અમે અમારી મનની આકાંક્ષા જણાવતાં કહ્યું: ‘આપ જ કહો કે હવે અમે સંસારત્યાગ કરીએ કે નહિ? એકલા પદયાત્રા કરીને ચારધામની યાત્રા કરીએ અને કોઈ એક સ્થળે બેસીને ભગવચ્ચિંતનમાં અમારું આખું જીવન વિતાવી દઈએ, એવી અમારી અંતરની ઇચ્છા છે.’ અમારી આ વાત સાંભળીને શ્રી શ્રીમાએ ત્યારે કંઈ ન કહ્યું. તેમણે એટલું જ કહ્યું: ‘ભાઈ, અહીં થોડા દિવસ રહો.’ શ્રી શ્રીમા પાસે ઘણા દિવ્ય-આનંદ સાથે દિવસો વીતવા લાગ્યા. શ્રીમાએ એક દિવસ અમને બોલાવીને કહ્યું: ‘જુઓ ભાઈ, તમારે આટલું કઠોર દેહદમન કરવાની જરૂર નથી. ઈશ્વરપ્રાપ્તિ એ જ તમારા જીવનનો ઉદ્દેશ્ય છે ને? પશ્ચિમ (ભારત)ના સાધુઓની જેમ માત્ર ફરતા-ઘૂમતા રહેવાથી શું વળે? છતાં પણ જો તમારી આવી ઇચ્છા છે તો અહીંથી કાશી સુધી પદયાત્રા કરીને જાઓ. હું તારક (સ્વામી શિવાનંદ)ને ચિઠ્ઠી લખી દઉં છું.’ આવી રીતે એક ચિઠ્ઠી લખીને શ્રી શ્રીમાએ અમને આપી.

પંચાંગમાં શુભ દિવસ જોઈને અમારું મુંડનકર્મ થયું. પછીના દિવસે એટલે ૨૯ જુલાઈ, ૧૯૦૭ના રોજ અમે આમોદર નદીમાં નાહ્યા અને પાછા આવીને શ્રી શ્રીમાએ સ્વહસ્તે અમને ભગવાં અને કૌપીન આપ્યાં. (એ વખતે એ વિસ્તારમાં ભગવાં વસ્ત્રો પણ મેળવવા ઘણાં દુર્લભ હતાં.) એ વખતે શ્રી શ્રીમાએ અમારા માટે આવી પ્રાર્થના કરી: ‘હે ઠાકુર! મારા છોકરાઓના સંન્યાસની રક્ષા કરજો. તેઓ જ્યાં જ્યાં રહે ત્યાં એમને થોડુંઘણું પણ ખાવાપીવાનું મળતું રહે, એવું કરજો.’ પછી શ્રીમાએ અમને ઉદ્દેશીને કહ્યું: ‘કાશીમાં તારક પાસેથી તમારું સંન્યાસનામ મેળવી લેજો.’

એ દિવસે અમે પગપાળા ચાલીને જયરામવાટીમાંથી નીકળ્યા. શ્રી શ્રીમા અમને વિદાય આપવા માટે પગે ચાલીને બાડુજ્યપુકુર સુધી આવ્યાં. અમે એમને વારંવાર પ્રણામ કર્યા અને શ્રી શ્રીમાએ અમારા માથા પર હાથ રાખીને વારંવાર આશીર્વાદ આપ્યા, અમારી દાઢીએ સ્પર્શ કરીને વારંવાર પોતાનો માતૃવાત્સલ્ય વ્યક્ત કર્યું. શ્રી શ્રીમાની આંખોમાંથી અશ્રુ વહેવાં લાગ્યાં. રસ્તે ચાલતાં ચાલતાં અમે પાછું વળીને જોતા હતા ત્યારે શ્રી શ્રીમાને અમારા તરફ પ્રેમભરી નજર નાખીને ઊભા રહેલાં જોયાં. આ પ્રેમકરુણાભર્યું દૃશ્ય આજે પણ અમારાં મનહૃદયમાં ગહનગંભીર રીતે અંકિત થઈ ગયું છે. અમે પણ રડતાં રડતાં કામારપુકુર પહોંચ્યા. ત્યાં થોડા દિવસ રહ્યા અને પછી કાશી તરફ પ્રયાણ કર્યું.

કર્મ અને ઉપાસના

મદ્રાસ મઠમાં શ્રી શ્રી મહારાજને (એ વખતે સ્વામી બ્રહ્માનંદજી મહારાજ મદ્રાસ મઠમાં હતા) મેં એક વિનંતી કરી: ‘મહારાજ, બીજું તો કંઈ નહિ પણ એક સેવક રૂપે આપની પાસે રહેવાની મારી ઘણી ઇચ્છા છે.’ આ સાંભળીને બ્રહ્માનંદજી મહારાજે ગંભીરભાવે કહ્યું: ‘જુઓ, એક સંન્યાસી બંધુ તરીકે અને મિત્ર તરીકે તમને આટલું કહું છું – કર્મ અને ઉપાસના એકીસાથે ચાલતી રહે છે.’ વળી વિશેષ ઉદ્દેશ સાથે કહ્યું: ‘આપણે કર્મને ઉપાસના રૂપે લેતા નથી, એટલે જ મનમાં વિવિધ પ્રકારની પસંદગી-નાપસંદગી ઉઠ્યા કરે છે. કર્મને ઉપાસના રૂપે ગણતા નથી એટલે જ આપણને એ કાર્યનો આનંદ મળતો નથી અને એ કાર્ય નિરસ બની જાય છે. આવું કાર્ય કરવાથી મનમાં વિષાદ ઉદ્‌ભવે છે. આપણે જ્યારે કાર્યને ઉપાસના ગણીને સ્વીકારીએ ત્યારે તે નિરસ રહેતું નથી અને મનમાં વિષાદ પણ ઉદ્‌ભવતો નથી. એટલે બધાં કર્મોને ઉપાસનામાં પરિવર્તિત કરી દેવાં જોઈએ.’

મદ્રાસ મઠમાં એક વખત મહારાજને તેલ માલિશ કરતાં કરતાં કહ્યું: ‘શશિ મહારાજ પાસે હવે વધુ રહી શકાય તેમ નથી. એટલા કટુપ્રહાર કરતા કે એ બધું હવે અસહ્ય બની ગયું છે. હું તો આપની સાથે જ ચાલ્યો આવીશ. હવેથી હું આપની સાથે જ રહીશ.’ આ શબ્દો સાંભળીને મહારાજ ઘણા દુ:ખી થયા અને કહ્યું: ‘જુઓ, ઠાકુર ઉપર ભાવપ્રેમ નથી એટલે જ તમારા મુખેથી આવી વાતો નીકળે છે. આવા મહાપુરુષનો સંગ ત્યજીને ચાલી જવાની ઇચ્છા તારા મનમાં આવી ક્યાંથી? શશિ મહારાજના કટુપ્રહારો જ મનમાં સંઘરી રાખ્યા છે? તેમનું આવું ત્યાગમય જીવન અને અંતરનાં સ્નેહપ્રીતિ જેવું કંઈ પણ તેં ન જોયું?’ મહારાજે વધુમાં કહ્યું: ‘મધુપ્રમેહને કારણે સ્વામીજીનો સ્વભાવ પણ ઘણો રુક્ષ અને કટુ બની ગયો હતો. એક દિવસ કોઈ કામ માટે મને ખૂબ જ ઠમઠોર્યો હતો. તેમના આવા રુક્ષ વ્યવહારથી દુ:ખી થઈને હું મઠ છોડીને ચાલ્યો જઈશ એવું મનમાં વિચાર્યું. પરંતુ બીજી જ ક્ષણે મારા મનમાં વિચાર આવ્યો કે શું હું સ્વામીજીને છોડીને ચાલ્યો જઈશ? તેઓ તો આપણા ઠાકુરના છે. એટલી વારમાં અનુતાપ કરીને સ્વામીજી પણ દોડી આવ્યા અને ભેટી પડ્યા તેમજ રડવા લાગ્યા.’ મહારાજે તે દિવસે મને આટલું સમજાવી દીધું કે શ્રીઠાકુર પ્રત્યે પ્રેમભાવ હોય તો તેમની પ્રત્યેક વસ્તુ પ્રત્યે પણ પ્રેમભાવ રાખવો જ પડે.

શશિ મહારાજ અમને કટુવાક્યો કહેતા ખરા, પણ અમારા પર સ્નેહભાવ પણ અપાર રાખતા. એનાં અનેક દૃષ્ટાંતો છે. અમારું સાધુજીવન દૃઢભાવે ખીલી ઊઠે તેવું તેઓ ઇચ્છતા હતા. એટલા જ માટે તેઓ કટુવાક્યો કહેતા અને કડવા બનતા. વળી ભોજન કરતી વખતે કોઈ સારી વસ્તુ પહેલાં ચાખી લેતા અને પછી અમારી થાળીમાં મૂકીને કહેતા: ‘જુઓ, કેવું મજાનું છે!’ આવી રીતે કોઈ સારી વાનગી આવતી ત્યારે અમને ન ખવડાવે ત્યાં સુધી એમને તૃપ્તિ ન થતી.

શરત મહારાજે એક વખત અમને કહ્યું: ‘ભગવાનની દૃષ્ટિ અને માનવની દૃષ્ટિ વચ્ચે કેટલો ભેદ છે એ જુઓ. કોઈ માણસમાં બારઆના દોષ અને ચાર આના ગુણ હોય તો ભગવાન આ ચાર આના ગુણને જ ખૂબ મોટો માની લે છે. પેલો બાર આના દોષ એમની દૃષ્ટિએ નહિવત્‌ છે. પરંતુ દુનિયાના લોકો તો બરાબર આનાથી ઊલટું જ કરે છે. જીવન પ્રત્યે આટલી ઉદાર દૃષ્ટિ છે એટલે જ એમને ભગવાન કહે છે.’ તો પછી દુર્બળ જીવ પર કેટલો ભરોસો કરી શકાય, એ કહો તો ખરા?.. બધાં જ કાર્યો એક ભાવને સાથે રાખીને કરવાં જોઈએ. જેમાં ભાવ નથી તેઓ ગમે તેટલાં કાર્યો કરે તો પણ એમના દ્વારા કર્મયોગ સધાતો નથી. એમને શાંતિ પણ મળતી નથી. ગીતા (૨.૬૬)માં કહ્યું છે: ‘નાસ્તિ બુદ્ધિરયુક્તસ્ય ન ચાયુક્તસ્ય ભાવના । ન ચાભાવયત: શાન્તિશાન્તસ્ય કુત: સુખમ્‌ ॥’ જ્યાં જ્યાં પરમાર્થભાવના નથી ત્યાં વિષયતૃષ્ણાને પણ વિરામ નથી. તો પછી એવા લોકોને કાર્ય દ્વારા સુખશાંતિ ક્યાંથી મળે?

(ક્રમશ:)

Total Views: 51

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.