જે આત્મા પાસેથી પ્રેરણા મળે છે તેને ‘ગુરુ’ કહેવામાં આવે છે. અને જે આત્માને આવી પ્રેરણા મળે તેને ‘શિષ્ય’ કહેવામાં આવે છે. આ પ્રેરણાનો અન્ય આત્મામાં સંચાર કરાવા માટે પહેલાં તો સંચાર કરનાર આત્મામાં તેમ કરવાની શક્તિ હોવી જોઈએ; અને બીજું, જેનામાં તેનો સંચાર કરવામાં આવે તેમાં તેને ગ્રહણ કરવાની યોગ્યતા જોઈએ. બીજ જીવંત હોવું જોઈએ અને ક્ષેત્ર ખેડેલું તૈયાર હોવું જોઈએ; આ બન્ને શરતો પૂરી થાય ત્યારે ધર્મભાવનાનો અદ્‌ભૂત વિકાસ થાય છે. શ્રોતા પણ તેવો જ જોઈએ.’ આશ્ચર્યો વક્તા કુશલોડસ્યા લબ્ધા । કુદરતનો આ ગૂઢ નિયમ છે કે જ્યારે ક્ષેત્ર તૈયાર હોય ત્યારે બીજ જરૂર આવે, અને જ્યારે આત્મા ધર્મ માટે તલસતો હોય ત્યારે આધ્યાત્મિક શક્તિનો પ્રેરક પણ તરત જ મળી આવે. પણ આ માર્ગમાં વિકટ ભયસ્થાનો છે. શિષ્ય પોતાની ક્ષણિક ઉર્મિને ધર્મ માટેની સાચી તાલાવેલી માનવાની ભૂલ કરી બેસવાનો ભય છે. થોડા જ દિવસોમાં એ તરંગ શમી જાય છે અને આપણે જ્યાં હોઈએ ત્યાં જ રહી જઈએ છીએ. આવી ક્ષણિક ઉર્મિઓને આપણે ઘણી વાર ધર્મ માટેની સાચી તમન્ના માની લઈએ છીએ. પરન્તુ જ્યાં સુધી આ ક્ષણિક ઊભરાઓને આપણે સાચી ખરેખરી આકાંક્ષા સ્વીકારીએ ત્યાં સુધી ઈશ્વર માટેની આત્માની સતત અને ધર્મપિપાસા તરીકેની આકાંક્ષા ભૂલથી જાગશે નહીં, અને આપણને પ્રેરણા દેનાર ‘ગુરુ’ પણ નહીં મળે. ઘણા ખરા કિસ્સાઓમાં જણાશે કે આપણે જ સત્યપ્રાપ્તિ માટે યોગ્ય નથી; આપણને તેની આકાંક્ષા નથી; આપણામાં આધ્યાત્મિકતા માટેની તાલાવેલી નથી.

પણ પ્રેરણાદાતા ગુરુની બાબતમાં તો તેથી ય વધારે મુશ્કેલીઓ છે. ઘણા એવા હોય છે, કે જેઓ પોતે અજ્ઞાનમાં ડૂબેલા હોવા છતાં અભિમાનથી માને છે કે પોતે બધુંય જાણે છે; તેઓ ત્યાં જ અટકતા નથી પણ બીજાનો બોજો ઉપાડવા પણ તૈયાર થઈ જાય છે, અને પરિણામે ‘એક આંધળો બીજાને દોરે અને બન્ને ખાડામાં પડે,’ તેવું થાય છે. દરેક ભિખારીને લાખો રૂપિયાના દાન કરવાના કોડ હોય છે. પણ આવા ભિખારીઓની પેઠે આવા ગુરુઓ પણ હાસ્યાસ્પદ હોય છે.

તો પછી ખરા ગુરુને આપણે ઓળખીએ શી રીતે? પહેલવહેલું તો એ કે સૂર્યને જોવા માટે કોઈ પ્રકાશની જરૂર નથી હોતી; તેને માટે આપણે મીણબત્તી સળગાવતા નથી. સૂર્ય ઊગે છે ત્યારે સ્વાભાવિક રીતે જ આપણને તેના ઉદયનું ભાન થાય છે. તે જ પ્રમાણે જ્યારે માનવજાતિના ગુરુ આપણી સહાય માટે આવી ચડે છે ત્યારે આત્માને આપોઆપ પ્રતીતિ થાય છે કે તેને સત્યની પ્રાપ્તિ થઈ છે. સત્ય પોતાના જળાધાર ઉપર નભે છે, બીજા કોઈ પુરાવાની જરૂર તેને રહેતી નથી; તે સ્વપ્રકાશ છે. આ તો થઈ મહાન ગુરુઓની વાત. પરન્તુ આપણે તેથી ઊતરતી કક્ષાના ગુરુઓ પાસેથી મદદ મેળવી શકીએ. જે માણસ પાસેથી આપણે જ્ઞાન મેળવવા ધારીએ તે માણસ કઈ કોટિનો છે તે નક્કી કરવા કેટલીક કસોટીઓ હોવી જરૂર છે. કેટલીક યોગ્યતાઓ શિષ્યમાં હોવી જરૂરની છે. શિષ્યની યોગ્યતાઓમાં પવિત્રતા, જ્ઞાનપ્રાપ્તિ માટેની ખરી ધગશ અને ખંત આવશ્યક છે. કોઈ પણ અપવિત્ર વ્યક્તિ ધાર્મિક બની શકે નહીં; સર્વાંગીણ પવિત્રતાની અનિવાર્ય જરૂર છે. બીજી યોગ્યતા, જ્ઞાન મેળવવા માટેની સાચી ધગશ છે. જે જેની ઇચ્છા કરે છે તે તેને મળે છે. ધર્મની આકાંક્ષા એ દુર્લભ વસ્તુ છે. વળી આપણે હંમેશા એ ભૂલી જઈએ છીએ કે ધર્મ માત્ર પ્રવચનો સાંભળવામાં કે પુસ્તકો વાંચવામાં જ નથી રહેતો, પણ એ એક સતત પુરુષાર્થ છે, આપણી પ્રકૃતિ સાથે ઝઘડવાનો એ પ્રયોગ છે, એ સતત સંગ્રામ છે; અને જ્યાં સુધી વિજય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેને ચાલુ રાખવાનો છે. તે વિજય સત્વર પ્રાપ્ત થઈ જાય અગર સેંકડો જન્મો સુધી તે ન મળે; તે માટે આપણી તૈયારી જોઈએ. જે સાધક આવા વિચારથી નીકળી પડે તે વિજયી બને.

(સ્વા.વિ. સંચયન, પૃ.૧૯૬-૯૮)

Total Views: 80

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.