સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં ૬ પુસ્તકોનું વિમોચન

૧૮ જૂનની સાંજના ૭-૩૦ શ્રીરામકૃષ્ણ મંદિર નીચેના હોલમાં રામકૃષ્ણ મિશન, ન્યુ દિલ્હીના સચિવ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદ મહારાજના અધ્યક્ષસ્થાને એક વિશેષ જાહેરસભાનું આયોજન થયું હતું. આ સમારંભમાં ઉપસ્થિત ભક્તજનો સમક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે પોતાના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘Some Guidelines to Inner Life’ના ગુજરાતી અનુવાદ ‘અંતરાત્માનું આહ્‌વાન’નું વિમોચન કર્યું હતું. આ ગ્રંથ ભારતની બધી ભાષાઓમાં તેમજ વિશ્વની અંગ્રેજી, ફ્રેંચ, સ્પેનિશ અને જર્મની જેવી ૧૩ ભાષામાં પણ અનૂદિત થયો છે. એ જ રીતે રામકૃષ્ણ સંઘના દસમા પરમાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજે શ્રીધરની ટીકા સાથે લખેલ ‘ભગવદ્‌ ગીતા’નો ગુજરાતી અનુવાદ તેમજ ‘સચિત્ર બાળવાર્તાઓ’ ભાગ -૧નું વિમોચન શ્રી કમલેશભાઈ જોશીપુરાએ કર્યું હતું. ‘સચિત્ર બાળવાર્તાઓ’ ભાગ-૨નું વિમોચન સ્વામી નિખિલેશ્વરાનંદજીએ કર્યું હતું. ‘સચિત્ર બાળવાર્તાઓ’ ભાગ-૩નું વિમોચન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું હતું. ‘સચિત્ર બાળવાર્તાઓ’ ભાગ-૪નું વિમોચન શ્રી મનસુખભાઈ મહેતાએ કર્યું હતું. ‘ભગવદ્‌ ગીતા’ ના અનુવાદક શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીનું સન્માન શ્રી કમલેશભાઈ જોશીપુરાએ કર્યું હતું. ‘સચિત્ર બાળવાર્તાઓ’ ભાગ-૧ થી ૪ અને ‘અંતરાત્માનું આહ્‌વાન’ના અનુવાદક શ્રી મનસુખભાઈ મહેતાનું અભિવાદન શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજે કર્યું હતું. 

આ પ્રસંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિશ્રી કમલેશભાઈ જોષીપુરાએ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની આધ્યાત્મિક, સાંસ્કૃતિક અને મૂલ્યલક્ષી સાહિત્યના પ્રકાશનની પ્રવૃત્તિ માટે ધન્યવાદ પાઠવ્યા હતા. સભાના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદ મહારાજે કહ્યું હતું : ‘મેં એક વાર અતુલાનંદજી મહારાજને પૂછ્યું, ‘મહારાજ હું તો સંઘમાં નવોસવો છું.. મારે જપધ્યાન કરવાના સમયે બીજી ફરજો બજાવવાની રહે છે. તો મારે શું કરવું?’ સ્વામી અતુલાનંદજીએ કહ્યું: ‘તમે જે પ્રશ્ન પૂછ્યો એવો જ પ્રશ્ન મેં સ્વામી તુરીયાનંદજીને અમેરિકાના શાંતિ આશ્રમમાં પૂછ્યો હતો. એના ઉત્તરમાં તુરીયાનંદજી મહારાજે કહ્યું હતું: ‘બેટા આટલું યાદ રાખજે કે આધ્યાત્મિક જીવન જીવતાં સાધકનું જીવન એ સતત ચાલતી ધ્યાન-સાધના જેવું છે.’ 

રામકૃષ્ણ મિશન, વડોદરાના સચિવ સ્વામી નિખિલેશ્વરાનંદજીએ સંબોધતાં કહ્યું હતું કે આવાં અધ્યાત્મ, સંસ્કૃતિ અને મલ્યની વાતો કરતાં પુસ્તકો એ વિચારબોમ્બ જેવાં છે. એનાથી જ સમાજ, યુવાનો ઉત્ક્રાંત થવાના. કાર્યક્રમના પ્રારંભે સ્વામી ધ્રુવેશાનંદજી મહારાજે વક્તાઓ અને ઉપસ્થિત મહેમાનોનો પરિચય આપીને એમનું હાર્દિક સ્વાગત કર્યું હતું. શ્રી ગિરીશભાઈ મારુએ આભારવિધિ કરી હતી.

આ જ દિવસે સવારે ૮.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી અગાઉથી નોંધાયેલ ભક્તજનો માટે શ્રીમત્‌ સ્વામી ગોકુલાનંદજી મહારાજની નિશ્રામાં આધ્યાત્મિક શિબિરનું આયોજન થયું હતું. જેમાં સ્વામી નિખિલેશ્વરાનંદજી, સ્વામી ધ્રુવેશાનંદજી અને અન્ય સંન્યાસીઓએ પ્રવચનો આપ્યાં હતાં. કાર્યક્રમના અંતે પ્રશ્નોત્તરીનું સત્ર રાખવામાં આવ્યું હતું.

રામકૃષ્ણ મિશન, લીંબડી

રામકૃષ્ણ મિશન, લીંબડીમાં ૧૫મી જૂનના નેત્રયજ્ઞમાં ૧૫૦ દર્દીઓની નેત્રચિકિત્સા થઈ હતી. તેમાંથી ૨૭ દર્દીઓનાં ઓપરેશન થયાં હતાં.

Total Views: 44

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.