મૂળ અંગ્રેજીમાં ‘પ્રબુદ્ધ ભારત’ એપ્રિલ-૦૬માં સ્વામી ચેતનાનંદજીના પ્રસિદ્ધ થયેલ લેખ ‘Ramakrishna : His Name and the Science of Japa’નો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ ‘ગુરુપૂર્ણિમા’ના પાવનકારી પર્વ નિમિત્તે પ્રસ્તુત કરીએ છીએ. – સં.

ધર્મના જગતનું શ્રીરામકૃષ્ણદેવ એક અદ્‌ભુત આશ્ચર્ય છે. દરરોજે દરરોજ અસંખ્ય ભક્તો સમગ્ર વિશ્વમાં એમનાં નામસ્તવન કરે છે. કેટલાક લોકો એમના નામનો જપ કરે છે, જ્યારે કેટલાક આનંદ સાથે એમના વિશે વાતો કરે છે અને સાંભળે છે. કેટલાંક તો વળી એ નામની પાછળ રહેલા વ્યક્તિને જાણવાનો પ્રયત્ન કરે છે. રોમાં રોલાંએ એક સુંદર વિધાન કર્યું છે: ‘તે માનવ પોતે અત્યારે નથી પરંતુ એમનો એ દિવ્યભાવ માનવ પ્રજાની રક્તવાહિનીઓમાં વહેતો થવા માટે નીકળી પડ્યો છે.’ 1‘ધ લાઈફ ઓફ રામકૃષ્ણ’ – રોમાં રોલાં, ૧૯૮૪, પૃ.૨૭૬ શ્રીરામકૃષ્ણને નામ-યશ પ્રત્યે તીવ્ર અણગમો હતો અને પોતાના વિશે ઉપદેશવું એમને જરાય પસંદ ન હતું. તેઓ તો દિવ્ય જીવન જીવવામાં જ રાજી રહેતા. એમના ભક્ત મનમોહન મિત્રએ કહ્યું છે: ‘પંચવટી તળે એક દિવસ શ્રીઠાકુર પોતાના ભક્તોની સાથે વાતો કરતા હતા. એ સમય દરમિયાન બ્રાહ્મોસમાજના નેતા કેશવચંદ્ર સેન આવી પહોંચ્યા. વિવિધ ચર્ચાઓ પછી કેશવચંદ્રે શ્રીઠાકુરને કહ્યું: ‘મહાશય, આપની અનુજ્ઞા હોય તો હું આપનો ઉપદેશ જાહેરમાં મૂકવા માગું છું. તે ચોક્કસપણે લોકોને કલ્યાણકારી બનશે અને વિશ્વમાં શાંતિ લાવશે.’ ભાવાવસ્થામાં રહીને શ્રીરામકૃષ્ણે કેશવને કહ્યું: ‘સમાચાર પત્રો અને વ્યાખ્યાનો દ્વારા અહીંના આ સંદેશનો પ્રચાર-પ્રસાર કરવાનો સમય હજુ પાક્યો નથી. આ દેહમાં જે શક્તિ અને આદર્શો-વિચારો છે તે સમય પાકતાં જ એની મેળે સમગ્ર વિશ્વમાં પ્રસરી જશે. સેંકડો હિમાલય પણ એ શક્તિને રુંધી શકશે નહિ.’ 2‘ભક્ત મનમોહન’ (બંગાળી) – ૧૯૪૧, પૃ.૫૮-૫૯ શ્રીરામકૃષ્ણદેવ અદ્‌ભુત દિવ્ય સૌંદર્ય, રંગછટા, સૌરભ અને અમૃતભર્યા અમર અને કદીયે ન વિલાતા પુષ્પ હતા. શ્રીરામકૃષ્ણ પાસેના આ અમૃત રસનું પાન કરવા દૂરસુદૂરના લોકો દક્ષિણેશ્વરના મંદિરના ઉદ્યાનમાં દોડી આવતા. અશ્વિની દત્તે પોતાના અનુભવની આ શબ્દોમાં નોંધ કરી છે: ‘શ્રીઠાકુર સાથેના એ થોડા દિવસોમાં મેં જે કંઈ પણ જોયું અને મેળવ્યું એણે મારા સમગ્ર જીવનને અમૃત જેવું મધૂરું બનાવી દીધું છે. અમૃતભર્યું એમનું એ દિવ્યાનંદભર્યું હાસ્યને મેં મારા વ્યક્તિગત સ્મૃતિખંડમાં પૂરી દીધું છે. દૂરસુદૂર અમેરિકા સુધી વ્યાપી જતા, લાખો લાખો જીવનને અમૃતમીઠું બનાવી દેતા એ મધુર હાસ્યમાંથી વહેતા આનંદ-કણનો જ્યારે હું વિચાર કરું છું ત્યારે મારું હૃદય આનંદથી ઝંકૃત થઈ જાય છે.’ 3‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ – ‘એમ’, ૨૦૦૨, પૃ.૧૦૨૭ શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી ‘મ’ શ્રીઠાકુરની આ અમૃતવાણી સાંભળીને આનંદભાવમાં ડૂબી જતા. શ્રી ‘મ’એ શ્રીઠાકુરના આ ઉપદેશના અમૃતવચનોને ભક્તજનોમાં અત્યંત પ્રેમ અને ઉત્કટતાથી વહેંચ્યાં છે. શ્રીરામકૃષ્ણ પ્રત્યેનો એમનો ભક્તિભાવ એટલો મહાન હતો કે શ્રીઠાકુરની વાણીને સાંભળનારા લોકો સુધી આ સંદેશ પ્રસરી ગયો. તેઓ ભાવ-પ્રેરણાથી પોતાના ગુરુદેવને વર્ણવવાનો શ્રી ‘મ’એ પ્રયત્ન કર્યો. તેઓ કહે છે: 

‘શ્રીઠાકુર પોતાની માને મળવા દોડી જતા નાના પાંચ વર્ષના શિશુસમા હતા.’

‘સદૈવ ખીલતા અને પોતાની સૌરભને પ્રસરાવતા સુંદર પુષ્પ જેવી પ્રકૃતિ હતી શ્રીઠાકુરની.’

‘શ્રીઠાકુર જાહેરમાં પ્રગટતા સ્ફૂલિંગ સમા હતા કે જે બીજા દીવડાઓને પણ ટમટમતા કરી દેતા.’

‘શ્રીઠાકુર એક એવી દિવ્યવીણા સમા હતા કે જે હંમેશાં જગન્માતાના ગુણગાનમાં લીન થઈ જતા.’

‘શ્રીઠાકુર એક એવા મહામત્સ્ય સમા હતા કે જે સચ્ચિદાનંદ સાગરના શાંત-નિર્મળ, નીલ રંગના પાણીમાં આનંદપૂર્વક તરતા રહેતા.’

‘તોફાનમાં પોતાના આશ્રયસ્થાનને ગુમાવનાર અને કૂવાથંભે બેસનાર પક્ષીની જેમ શ્રીઠાકુર અનંતના ઉંબરે બેઠા હતા. તેઓ બંને સ્તર પર (ઈહજગત અને આધ્યાત્મિક જગતમાં) આનંદથી હરતા-ફરતા રહેતા અને અનંતનું ગાન ગાતા રહેતા.’ 4‘ધેય લીવ્ડ વીથ ગોડ’ – સ્વામી ચેતનાનંદ, ૧૯૯૧, પૃ.૨૦૬-૭

શ્રીરામકૃષ્ણના નામનો અર્થ

ધ્વનિ અને અર્થની વચ્ચે સનાતન સંબંધ છે. એમના અર્થ બે છે. એક વાચ્યાર્થ અને બીજો સૂક્ષ્માર્થ. રામકૃષ્ણ શબ્દનો વાચ્યાર્થ એટલે ખુદીરામ અને ચંદ્રામણિદેવીના પુત્ર, એ નામે એક દેહધારી માનવ, દક્ષિણેશ્વરના મંદિરના પૂજારી, એવો થાય. રામકૃષ્ણનો સૂક્ષ્માર્થ સચ્ચિદાનંદ સ્વરૂપ, સદા મુક્ત ઈશ્વર અને એક અવતાર પુરુષ એવો થાય. જ્યારે કોઈ આ મંત્રનો જપ કરે છે અને એના સાચા અર્થને સમજે જાણે છે ત્યારે એ નામનાં શક્તિ મહિમા અને તેમની ભીતર રહેલા દિવ્ય આનંદનો તે અનુભવ કરે છે.

વારાણસીના સુખ્યાત અને વિદ્વાન સંન્યાસી સ્વામી ભાગવતાનંદજીએ રામકૃષ્ણના નામનો આ ગહન ગંભીર અર્થ સમજાવતાં કહ્યું છે : ‘સામાન્ય અર્થ દૃષ્ટિએ રામકૃષ્ણ એક માત્ર નામ છે. પરંતુ જો એનું કોઈ ગહન ચિંતન મનન કરે તો એ નામ રહસ્યપૂર્ણ લાગવાનું, ઉદાહરણ તરીકે- ‘રમન્તે યોગીના: અસ્મિન્‌ ઇતિ રામ:’ – જે યોગીઓ પર આનંદવૃષ્ટિ કરે તે ‘રામ’. ‘કર્ષતિ ભક્તાનામ દુ:ખમ્‌ પાપમ્‌ મનો વેતિ કૃષ્ણ:’ – જે ભક્તોના પાપને દુ:ખને હરી લે છે કે તેનો નાશ કરે છે તેમજ જે ભક્તોના મનને આકર્ષે છે અને એમની ભક્તિમાં લીન કરી દે છે એ કૃષ્ણ.’ રામ અને કૃષ્ણ માનવજાતના દુ:ખો હરવા પોતપોતાના યુગમાં અવતર્યા હતા. વર્તમાનયુગમાં તેઓ બંને સંયુક્તરૂપે રામકૃષ્ણના રૂપે અવતર્યા છે.

રામના નામમાં પણ એક રહસ્યમય તત્ત્વ છે. જ્યારે એમનો જન્મ થયો ત્યારે તેના પિતા દશરથે વશિષ્ઠ ઋષિને તેનું નામ પાડવા કહ્યું. વશિષ્ઠે કહ્યું : ‘આ બાળકનું નામ રામ છે.’ રાજા દશરથ અને એના મંત્રીઓએ કહ્યું : ‘આ તો ઘણું ટૂંકું નામ આ બાળક તો રાજગાદીનો વારસ બનશે એટલે એનું નામ તો લાંબુ અને મોભાદાર હોવું જોઈએ.’ આ સાંભળીને વશિષ્ઠે કહ્યું : ‘અરે રાજા, તમે ‘રામ’ એ નામનો મહિમા અને મહાનતાને જાણતા નથી. જરા સાંભળો : ‘રામ’ શબ્દનો ‘રા’ નમો નારાયણાય એ મંત્રમાંથી આવે છે અને એ વૈષ્ણવોના સુખ્યાત મંત્રનો સારભૂત તત્ત્વ છે. જો તમે નમો નારાયણાય માંથી ‘રા’ને દૂર કરી દો તો તે નમો નાયણાય થઈ જાય; એનો અર્થ નમો નારાયણાય ને બદલે આ જગતના ઈંદ્રિયસુખોના પદાર્થોને નમસ્કાર હજો, એવો થઈ જાય. એવી જ રીતે ‘રામ’ શબ્દના અક્ષર ‘મ’ નમ: શિવાય એવા શિવના શાંત મંત્રમાંથી લીધેલો છે. જો નમ: શિવાય માંથી ‘મ’ કાઢી લઈએ તો ન શિવાય રહે. આ ન શિવાય નો અર્થ નમ: શિવાય એટલે કે શિવજીને નમસ્કાર હજો ને બદલે દરેક વસ્તુ અશુભ છે એવો થઈ જાય. જ્યારે ‘રામ’ શબ્દનું રહસ્ય વશિષ્ઠે દશરથને સમજાવ્યું ત્યારે તેઓ ખૂબ ખુશ થયા. આ ‘રામ’ રામકૃષ્ણના નામમાં પણ આવે છે.

‘કૃષ્ણ’નો અધ્યાત્મલક્ષી અર્થ આવો થાય છે : મૂળ ધાતુ ‘કૃષ્‌’ નો અર્થ સદૈવ જીવંત બ્રહ્મ છે અને ‘ન’ નો અર્થ છે સુખ કે આનંદ. આ સત્‌ એટલે કે અસ્તિત્વ કે હોવાપણું અને આનંદ એ બ્રહ્મના સારભૂત તત્ત્વ છે અને એ જ અર્થ થાય છે – ‘કૃષ્ણનો’. જો બ્રહ્મમાંથી સત્‌ દૂર કરવામાં આવે તો કંઈ રહેતું નથી; અને આનંદ દૂર થઈ જાય તો આ દુનિયામાં આપણા માટે કાંઈ માગવા કે ઇચ્છવા જેવું રહેતું નથી. એટલે કૃષ્ણ એ શબ્દનો અર્થ સત્‌ અને આનંદ છે. રામકૃષ્ણ શબ્દમાં ‘કૃષ્ણ’ પણ આવે છે. આ રામકૃષ્ણ નામનો મહિમા વર્ણવવો સંભવ નથી.’ 5‘ઉદ્‌બોધન’ પત્રિકા – ભાગ ૩૮; પૃ.૫૦૧-૨

જે લોકોને મંત્રદીક્ષા આપવામાં આવે છે તેઓ પોતાના ઇષ્ટદેવતાનું નામ સ્મરણ કરે છે, એટલે દીક્ષાર્થીઓએ એ નામના ભીતરના મહિમાને જાણી લેવો એ ઘણું મહત્ત્વનું છે. એને લીધે સાધક પ્રભુની નજીક જઈ શકે છે. આપણે આપણાં કર્મ-જપ-પ્રાર્થના અને ધ્યાન દ્વારા ઈશ્વર સાથે જોડાવાનો પ્રયત્ન કરીએ છીએ. ઈશ્વરના મૂળ સ્વરૂપનું જ્ઞાન જો આપણામાં સ્પષ્ટ હોય તો આપણી આધ્યાત્મિક સાધનાઓ સહજ સરળ અને આનંદદાયી નીવડે. પોતાની મહાસમાધિ પહેલાંના બે દિવસ પૂર્વે શ્રીરામકૃષ્ણે સ્વામી વિવેકાનંદને કહ્યું: ‘જે રામ રૂપે અને કૃષ્ણ રૂપે અવતર્યા હતા, તે જ આ દેહમાં રામકૃષ્ણ રૂપે રહે છે. તારા વેદાંતની દૃષ્ટિએ નહીં પણ વાસ્તવિક રીતે.’

આ વિધાન પર સ્વામી તુરીયાનંદજીએ ટીકા કરતાં કહ્યું છે : ‘વેદાંતના મત પ્રમાણે જીવ અને બ્રહ્મ એક છે. કેટલાક એનો અર્થ એવો કરે છે કે રામ અને કૃષ્ણ એક છે અને દરેક રામ અને કૃષ્ણ જેવા છે. એમની વચ્ચે (રામ અને કૃષ્ણ) કોઈ ગુણભેદ નથી. ‘જે રામ હતા અને જે કૃષ્ણ હતા, એ આ દેહે અત્યારે રામકૃષ્ણ છે.’ રખેને સ્વામીજી એને ખોટી રીતે મૂલવે એટલે શ્રીરામકૃષ્ણ આ વિધાનને ‘તારા વેદાંતના દૃષ્ટિકોણ મુજબ નહીં.’ એવા શબ્દોથી સ્પષ્ટ કરે છે. એનો અર્થ એ થયો કે શ્રીરામકૃષ્ણનું ચૈતન્યરૂપ એ ઈશ્વરનું મૂળ ચૈતન્યરૂપ હતું, નહિ કે જીવનું. અદ્વૈત વેદાંત પ્રમાણે આધ્યાત્મિક સાધનાઓ દ્વારા સમાધિભાવમાં આવીને, પોતાના અજ્ઞાનને દૂર કરીને જીવ બ્રહ્મ સાથેનું એકાત્મજ્ઞાન પામે છે. આ બધા કાલ્પનિક પ્રયત્નો છતાં પણ જીવ ક્યારેય ઈશ્વર કે શિવ ન બની શકે. જે ઈશ્વર છે એ શાશ્વત ઈશ્વર છે અને જ્યારે ઈશ્વર માનવદેહ ધારણ કરે છે અને જીવરૂપે દેખાય છે ત્યારે પણ તે એ જ ઈશ્વર રહે છે, જીવ બનતો નથી.’ 6‘સ્પિરિચ્યુલ ટ્રેઝર્સ’ – ૧૯૯૪, પૃ.૨૦૪-૫

નામ અને રૂપ

વેદાંતદર્શન પ્રમાણે ‘બ્રહ્મ’ અસ્તિ-ભાતિ-પ્રિય- (અસ્તિત્વ-ચૈતન્ય અને આનંદ) છે અને જગત નામ-રૂપ છે. બ્રહ્મ જ સત્ય છે; બ્રહ્મ-ભૂત-ભવિષ્ય અને વર્તમાનમાં અસ્તિત્વ ધરાવે છે. જગત નામ ને રૂપનું બનેલું છે અને તેની પૂર્ણ સત્તા નથી. મૃગજળની જેમ તે દેખાય છે ખરું, પણ વાસ્તવિક રીતે તેનું અસ્તિત્વ નથી, તે આભાસી છે. જો આ જગત સત્ય હોય તો પછી કોઈપણ માણસ એમ કહી શકે કે રામ, કૃષ્ણ, શિવ અને કાલીમાતાનાં નામ અને આકાર છે, એટલે એ સત્ય-સત્તા નથી. તો પછી એમનું અનુસરણ કરવું એ શું અર્થવિહીન નથી? આપણે શ્રીરામકૃષ્ણના જીવનમાં જોઈએ છીએ કે એમણે નિર્વિકલ્પ સમાધિની પ્રાપ્તિ માટે જ્ઞાનરૂપી ખડ્‌ગથી જગન્માતા કાલીના આકારને-મૂર્તરૂપને છેદી નાખ્યું.

વેદાંત શાસ્ત્રો કહે છે કે નામ અને રૂપને પૂર્ણ પારમાર્થિકતા કે સત્તા નથી. આમ છતાં પણ તે દૃશ્ય અને વ્યાવહારિક અસ્તિત્વ છે. આ પૂર્ણતાની દૃષ્ટિએ ગુરુ, શિષ્ય, મંત્ર અને અજ્ઞાન પારમાર્થિકતાની સત્તા નથી, ખરેખર એનું અસ્તિત્વ જ નથી. પરંતુ અ-સત્‌ ગુરુ, અ-સત્‌ મંત્રથી અ-સત્‌ શિષ્યના અ-સત્‌ અજ્ઞાનની દૂર કરી શકે છે. એવી જ રીતે ખોટા ડોક્ટર ખોટી દવાઓથી ખોટા દર્દીઓના ખોટા દર્દને દૂર કરે છે. વાસ્તવિક રીતે બ્રહ્મનું જ અસ્તિત્વ છે, બ્રહ્મ જ સર્વ કંઈ બન્યા છે; સાપ રૂપે તે દંશ છે અને ડોક્ટર તેને સાજો કરે છે. આ એની લીલા છે.

નામ અને રૂપ બ્રહ્મ વિના અસ્તિત્વ ધરાવી ન શકે. બ્રહ્મ પોતે જ સર્વ જીવોમાં અને જગતમાં કાળ, ગતિ અને કારણથી આકાર લે છે. અદ્વૈતવાદીઓ કહે છે : ‘સર્વમ્‌ ખલુ ઇદમ્‌ બ્રહ્મ – આ બધું બ્રહ્મ છે.’ ‘આ જગતમાં જે કંઈ પરિવર્તનશીલ અસ્તિત્વ છે તે ઈશ્વર કે બ્રહ્મથી ઢંકાયેલું છે.’ દ્વૈતવાદીઓ કહે છે : ‘જ્યાં જ્યાં મારી નજર પડે ત્યાં ત્યાં ત્યાં શ્રીકૃષ્ણ અવતરે.’

આપણે સૌ નામ અને રૂપના ક્ષેત્રમાં એટલે કે માયાના ક્ષેત્રમાં જીવીએ છીએ, રહીએ છીએ. આપણે નામ અને રૂપને વળગી રહેવું જોઈએ. તેનાથી આપણને માયાના સ્તરને અતિક્રમવામાં સહાય મળશે. રામ, કૃષ્ણ, બુદ્ધ, ઈસુ, રામકૃષ્ણ અને બીજા અવતારો એ એવાં સાધનો છે કે એમના દ્વારા આપણે બ્રહ્મ સુધી પહોંચી શકીએ. એ બ્રહ્મ નામ-રૂપથી પર છે. ભગવાન કૃષ્ણ ગીતામાં કહે છે : 

दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रद्यन्ते मायां एतां तरन्ति ते॥ (૭/૧૪)

કારણ કે મારી આ ગુણમયી દૈવી માયા તરવી કઠણ છે. જેઓ મારે શરણે આવે, તે આ માયાને તરી જાય છે. ‘અમૃતબિંદુ’ ઉપનિષદ પ્રમાણે શબ્દ બ્રહ્મ એ નિમ્ન સ્તરનું જ્ઞાન છે. આ જ્ઞાનના સ્તરમાં કહેવાયા પછી કોઈપણ સાધકને સર્વોચ્ચ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. સ્વામી શિવાનંદજી મહારાજ લખે છે : ‘જો કોઈપણ માણસ શ્રીરામકૃષ્ણનું નામ જપે અને એના રૂપનું ધ્યાન ધરે તે શ્રીરામકૃષ્ણના શાશ્વત શાંતિધામમાં પહોંચી જાય છે અને તે નામ-રૂપથી પર છે.’ 7‘મહાપુરુષજીર પત્રાવલિ’ – ૧૯૫૩, પૃ.૨૫૩

નામ-રૂપ અભિન્ન છે

શ્રીરામકૃષ્ણે કહ્યું છે : ‘નામ અને વ્યક્તિની ઓળખ-રૂપ અભિન્ન છે.’ દર્શનશાસ્ત્રની દૃષ્ટિએ આ વિધાન ઘણું અગત્યનું છે. શબ્દ અને તેનો અર્થ હંમેશા સંલગ્ન રહે છે. એવી જ રીતે નામ અને વ્યક્તિ કે જે એ નામ ધરાવે છે તેને અલગ કરી શકાય નહીં. નામ પહેલાં ૐ – શબ્દબ્રહ્મ તરીકે પ્રગટ થાય છે. તે સર્જનનું પ્રથમ કંપન-ઉચ્ચારણ છે. નામ કે શબ્દ એ અવિનાશી છે. શબ્દ સાગરના મોજાંની જેમ ઉદ્‌ભવે છે અને વિખરાય છે. નામ જ અનામીને દૃષ્ટિગોચર કરે છે. સ્વામી બ્રહ્માનંદજીએ કહ્યું છે : ‘પ્રભુમાં અને એમના નામમાં દૃઢ શ્રદ્ધા રાખો. પ્રભુના નામ સાથે પ્રભુને જોડો. ભક્તના હૃદયમાં પ્રભુ મંત્રના રૂપે રહે છે… પ્રભુનામનો જપ કરો અને એમના ગુણગાન સાંભળો. પ્રભુ અને પ્રભુનું નામ અભિન્ન છે. જો તમે આ સંસારમાં એમના નામના જપ સ્મરણ વિના રહો તો તમે જટિલ ગૂંચવણમાં પડી જવાના.’ 8‘અ ગાઈડ ટુ સ્પિરિચ્યુલ લાઈફ’-૧૯૮૮, પૃ.૧૪૬-૭

જ્યારે આપણે માનવનું નામ ઉચ્ચારીએ છીએ ત્યારે આપણા મન સમક્ષ એનો આકાર કે રૂપ તરી આવે છે. જ્યારે આપણે રામને પુકારીએ છીએ ત્યારે શ્યામ આપણને પ્રતિભાવ આપતા નથી. એવી જ રીતે આપણે કોઈ ચોક્કસ દેવ કે દેવીને પોકારીએ તો તે દેવ કે દેવી પ્રતિભાવ આપવાના જ. અલબત્ત, આ દેવ કે દેવીને કોઈપણ સાધકે પૂર્ણ હૃદયથી પોકારવા જોઈએ. સ્વામી વિરજાનંદજી મહારાજ કહે છે :

‘એક માણસ બારણાં બંધ કરીને ઓરડામાં સૂતો છે. જો કોઈ બારણે ટકોરા દે કે એના નામે બૂમ પાડે તો તે જાગી જાય છે. પછી તેના પ્રતિભાવમાં બારણું ખોલે છે. એવી જ રીતે કોઈપણ સાધક પ્રભુના પવિત્ર મંત્ર-પ્રભુનામનો જપ કરે અને ઉત્કટ ભક્તિભાવના અને સાહજિક શ્રદ્ધા સાથે આધ્યાત્મિક સાધના કરે તો સર્વમાં રહેલા એ ઈશ્વર જાગી જાય છે અને ભક્તના હૃદયમંદિરના બારણા ખોલી નાખે છે. પ્રભુ સાધકની ઇચ્છાને પૂર્ણ કરે છે અને એમના ઇષ્ટદેવના રૂપે તેની સમક્ષ પ્રગટ થાય છે.’ 9‘પરમાર્થ પ્રસંગ’ – ૧૯૪૯, પૃ.૨૩૪

ભક્તિશાસ્ત્રોમાં ભગવાનના નામનો મહિમા ગવાયો છે. ‘ચૈતન્યચરિતામૃત’ પ્રમાણે : ‘શ્રીકૃષ્ણનું નામ દૃઢ ભક્તિભાવથી જપો, કારણ કે જ્યારે એમનું નામ લેવામાં આવે છે ત્યારે તેઓ તેનો પ્રતિભાવ આપે જ છે. ચૈતન્યદેવ આનંદ સાથે સ્વરૂપ અને રામાનંદ રાયને કહે છે કે, આ કળિયુગમાં ઈશ્વરની અનુભૂતિ માટે પ્રભુનામ કીર્તન એ સર્વોચ્ચ સાધન છે.’ એક વખત ગૌસ્વામીએ શ્રીરામકૃષ્ણને કહ્યું : ‘મહાશય, ઈશ્વરનું નામ-ગાન કરવું એ જ પૂરતું છે. આ કળિયુગ માટે શાસ્ત્રો ઈશ્વરના પવિત્ર નામ-સ્મરણ-જપ પર ઘણો ભાર મૂકે છે.’ શ્રીરામકૃષ્ણે એમને ઉત્તર આપતાં કહ્યું : ‘હા, પ્રભુનામ સ્મરણની પવિત્રતા વિશે કોઈ શંકા નથી. પણ ભક્તના પ્રભુ માટેના તીવ્ર ઝંખના અને ઉત્કટ પ્રેમ ન હોય તો માત્ર નામ-જપથી કંઈ મળી શકે ખરું? ઈશ્વરદર્શન માટે કોઈપણ આત્મામાં આવી તીવ્ર ઝંખના હોવી જોઈએ. ધારો કે એક માણસ પ્રભુનું નામ યંત્રવત્‌ જપ્યા કરે છે અને એ જ સમયે એનું મન ‘કામિનીકાંચન’માં રત રહે છે. શું એ કંઈ મેળવી શકશે ખરો?’ 10‘ગોસ્પેલ’ – પૃ. ૧૯૦

કેટલાક કહે છે : આપણે તો સામાન્ય માનવ છીએ. આપણે ઈશ્વરને જોયા નથી. આપણને એના મૂળ સ્વરૂપનો ય ખ્યાલ નથી અને તે ક્યાં રહે છે એ પણ જાણતા નથી. તો આપણે કેવી રીતે સંપર્ક સાધી શકીએ. પતંજલિ એનો જવાબ આપે છે : ઈશ્વર પ્રત્યેની દૃઢ ભક્તિ એમના દિવ્ય મિલન એટલે કે સમાધિ સુધી દોરી જાય છે. ‘જે શબ્દ ઈશ્વરનું પ્રગટીકરણ કરે છે તે છે ૐ.’ ‘આ ૐનું પુન: પુન: રટણ અને તેના અર્થ પરનું ધ્યાન એ જ માર્ગ છે.’ શાસ્ત્રો કહે છે : ‘મંત્રને ચૈતન્ય રૂપ બનાવ્યા સિવાય કોઈપણ માણસ લાખો લાખો જપ કરે કે એને પુન: પુન: જપે તો પણ એને કોઈ પરિણામ કે સફળતા મળતાં નથી.’ એ તો માત્ર શબ્દની પુનરાવૃત્તિ જ થઈ.

સાધના મંત્રને જાગૃત કરે છે

આ સંસારમાં ઘણા લોકો રામ, કૃષ્ણ, કાલીમાતા, ઈસુ, અલ્લાહ, રામકૃષ્ણ અને બીજા દેવી-દેવતાઓના નામ જપ કરે છે. કોઈપણ સાધકે ગુરુની સૂચનાઓનું ચૂસ્તપણે પાલન કરવું જોઈએ અને એ પ્રમાણે જપ-ધ્યાન કરવા જોઈએ. મંત્રદીક્ષા મેળવ્યા પછી, કેટલાક લોકો આવું વિચારે છે કે ચોક્કસ સમયગાળામાં અમુક સંખ્યામાં મંત્ર-જાપ કરવા એ પૂરતું છે.

તંત્રશાસ્ત્રો મંત્રને ચૈતન્યમયી બનાવવા માટે ઘણી સાધનાઓનું વર્ણન કરે છે. રામકૃષ્ણ અને એમના શિષ્યો એ નિર્દેશોનું પાલન કરે છે. જ્યારે તેઓ જગન્માતાની પૂજા કરતા ત્યારે ‘રં’ મંત્ર ઉચ્ચારતાં ઉચ્ચારતાં પોતાની આસપાસ એક વર્તુળ જેવી રેખા ખેંચી લેતા અને જેવું તેઓ આવું કરતા કે તરત જ એમને પોતાનું રક્ષણ કરતી એક અગ્નિની દીવાલ પોતાની આસપાસ દેખાતી. સ્વામી વિવેકાનંદને મંત્ર સુવર્ણાક્ષરે લખેલો દેખાતો. આપણે આંખો બંધ કરીને મંત્ર-જપ કરીએ ધ્યાન ધરીએ ત્યારે આપણને અંધારું દેખાય છે; ક્યારેક આપણે હતાશા અનુભવીએ છીએ. જો કોઈપણ સાધક આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માગતો હોય તો સૌ પ્રથમ તો આ મંત્રને કેવી રીતે જાગ્રત કરવો તે ગુરુ પાસેથી શીખી લેવું જોઈએ. અને ત્યાર પછી એમણે આપેલી સૂચનાઓનું નિષ્ઠાપૂર્વક પાલન કરીને જપ-ધ્યાનનો અભ્યાસ કરવો જોઈએ.

સ્વામી વિવેકાનંદે મંત્ર જાગૃતિ માટે આમ કહ્યું છે : ‘મંત્રશાસ્ત્રજ્ઞો માને છે કે કેટલાક શબ્દમંત્રો ગુરુ અને શિષ્યની પેઢી દર પેઢીથી હસ્તાંતરિત થઈને રટતા રહ્યા છે. અને એમનું ઉચ્ચારણ અનુભૂતિની તરફ દોરી જાય છે. મંત્રચૈતન્ય નામના બે અર્થ છે. કેટલાકના મત પ્રમાણે ચોક્કસ મંત્રની જપસાધના કરો તો તે મંત્રના વિષયક દેવી કે દેવતા કે ઇષ્ટદેવતાને તમે જોઈ શકો. પરંતુ બીજા કેટલાકના મતે શબ્દ કે શબ્દમંત્ર એટલે કે ગુરુ (જે સક્ષમ નથી) પાસેથી મેળવેલા ચોક્કસ મંત્રની તમે જપસાધના કરો ત્યારે તમારે તેના ચોક્કસ વિધિવિધાનો કરવાં જોઈએ અને એનાથી એ મંત્ર ચેતન કે જીવંત બને છે. ત્યાર પછી એ મંત્રનો કરેલો જપ સફળ થાય છે. જુદા જુદા મંત્રો આવી રીતે ચૈતન્યમય બને, જુદી જુદી સંજ્ઞાઓ દર્શાવે પણ એનો સામાન્ય સંકેત એ છે કે કોઈપણ જાતનો થાક અનુભવ્યા વગર તેનો ઘણા લાંબા સમય સુધી સાધક જપ કરી શકે અને એનાથી એનું મન થોડાક વખતમાં એકાગ્ર પણ થઈ જશે.’ 

મંત્રને જાગૃત કરવા માટે ઘણા માર્ગો છે. બધા મંત્રો અક્ષરોનો સંમેળ છે. અક્ષરો ભેગા મળીને શબ્દ બનાવે છે; દરેક શબ્દને એનો અર્થ હોય છે; જ્ઞાનની શક્તિમાંથી આ અર્થ ઉદ્‌ભવે છે; અને જ્ઞાનની શક્તિ ગુરુ પાસેથી આવે છે. જ્યારે આપણને મંત્રનું જ્ઞાન મળે ત્યારે એ મંત્રનો મૂળ વિષય આપણા મનમાં સાકાર થાય છે. દા.ત. આપણે જ્યારે ‘ગાય’ એવો શબ્દ સાંભળીએ છીએ ત્યારે તરત જ આપણી સમક્ષ ગાયનો આકાર દૃષ્ટિગોચર થાય છે. ‘ગાય’નું આ જ્ઞાન આપણાં માતપિતા અને શિક્ષકો પાસેથી મળે છે. તેઓ આપણે નાના હોઈ છીએ ત્યારે ‘ગાય’ને બતાવે છે. મંત્રદીક્ષા વખતે આપણા ગુરુ આપણને મંત્ર આપે છે અને તેનો અર્થ સમજાવે છે. પણ આપણાં મન એટલા બધા અપવિત્ર છે કે એક વખત આપણે સાંભળીએ તો પણ એનો અર્થ સમજી શકતા નથી. એટલે જ આપણે મંત્રને વારંવાર સાંભળવો જોઈએ, વારંવાર રટણા કરવી જોઈએ અને એને પુન: પુન: યાદ કરવો પણ જોઈએ. ત્યાર પછી જ એ મંત્ર જાગૃત થાય.

મંત્રને જાગૃત કરવો એ કઠિન બાબત છે. સાધના વિના કોઈ સાધક મંત્રનું ગૂઢતત્ત્વ જાણી ન શકે. વ્યાખ્યાનો સાંભળીને તેમજ ગ્રંથો વાંચીને મંત્રને જાગૃત કરવો શક્ય નથી. વિજયકૃષ્ણ ગોસ્વામી કહે છે : ‘જ્યારે સાધક મંત્ર, ગુરુ અને ઇષ્ટદેવતાને જોડે છે ત્યારે મંત્ર જાગૃત થાય છે. મંત્ર એ ગૂઢ રહસ્યવાળો શબ્દધ્વનિ છે. ગુરુ જ્ઞાનદાતા છે, આ જ્ઞાનની અનુભૂતિ એટલે ઇષ્ટદેવતા. મંત્ર દ્વારા ગુરુ શિષ્યને અજ્ઞાનના અંધારામાંથી જ્ઞાનના અજવાળામાં દોરી જાય છે.

એક ઉદાહરણ છે : ધારો કે હું તમને એમ કહું કે રસ્તાની બાજુએ આવેલા પેલા વડના ઝાડમાં ભૂત રહે છે. તમે આવું મારી પાસેથી સાંભળો કે તરત ભૂત વિશે વિચારવા માંડશો અને તમે ભૂતનો અર્થ પણ જાણો છો. ભૂત એટલે એક ભયાનક બિહામણો પ્રેતાત્મા. એક અંધારી રાતે તમે અમસ્તા અમસ્તા ફરવા નીકળો છો. એકાએક મેં તમને નખશિખ કરેલી ભૂતની વાત યાદ આવી જાય છે. જેવા તમે પેલા વડના ઝાડ નીચે જાઓ છો કે તરત તમારા રોમેરોમ ઊભા થઈ જાય છે. તમારું ગળું સૂકાવા માંડે છે અને તમારા હૃદયના ધબકારા વધી જાય છે. જેવા તમે ઝાડ તરફ નજર નાખો કે હવામાં ઝાડની ડાળી થોડીક હલવા માંડે અને તમે ભૂ..ત! ભૂ..ત! એવી બૂમ પાડી ઊઠશો કે બેભાન થઈ જશો. ભૂતની અનુભૂતિ ‘ભૂત’ મંત્રની જાગૃતિમાંથી થાય છે. આ શબ્દ ‘ભૂત’ મંત્ર જેવો છે. હું ગુરુ છું અને એ શબ્દને તમારી પાસે વર્ણવું છું; અને પેલા વૃક્ષમાં ભૂત છે એ તમારા ભૂતમંત્રનો ઇષ્ટદેવતા છે એની તમને અનુભૂતિ થાય છે.

(ક્રમશ:)

 • 1
  ‘ધ લાઈફ ઓફ રામકૃષ્ણ’ – રોમાં રોલાં, ૧૯૮૪, પૃ.૨૭૬
 • 2
  ‘ભક્ત મનમોહન’ (બંગાળી) – ૧૯૪૧, પૃ.૫૮-૫૯
 • 3
  ‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ – ‘એમ’, ૨૦૦૨, પૃ.૧૦૨૭
 • 4
  ‘ધેય લીવ્ડ વીથ ગોડ’ – સ્વામી ચેતનાનંદ, ૧૯૯૧, પૃ.૨૦૬-૭
 • 5
  ‘ઉદ્‌બોધન’ પત્રિકા – ભાગ ૩૮; પૃ.૫૦૧-૨
 • 6
  ‘સ્પિરિચ્યુલ ટ્રેઝર્સ’ – ૧૯૯૪, પૃ.૨૦૪-૫
 • 7
  ‘મહાપુરુષજીર પત્રાવલિ’ – ૧૯૫૩, પૃ.૨૫૩
 • 8
  ‘અ ગાઈડ ટુ સ્પિરિચ્યુલ લાઈફ’-૧૯૮૮, પૃ.૧૪૬-૭
 • 9
  ‘પરમાર્થ પ્રસંગ’ – ૧૯૪૯, પૃ.૨૩૪
 • 10
  ‘ગોસ્પેલ’ – પૃ. ૧૯૦
Total Views: 55

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.


 • 1
  ‘ધ લાઈફ ઓફ રામકૃષ્ણ’ – રોમાં રોલાં, ૧૯૮૪, પૃ.૨૭૬
 • 2
  ‘ભક્ત મનમોહન’ (બંગાળી) – ૧૯૪૧, પૃ.૫૮-૫૯
 • 3
  ‘ધ ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’ – ‘એમ’, ૨૦૦૨, પૃ.૧૦૨૭
 • 4
  ‘ધેય લીવ્ડ વીથ ગોડ’ – સ્વામી ચેતનાનંદ, ૧૯૯૧, પૃ.૨૦૬-૭
 • 5
  ‘ઉદ્‌બોધન’ પત્રિકા – ભાગ ૩૮; પૃ.૫૦૧-૨
 • 6
  ‘સ્પિરિચ્યુલ ટ્રેઝર્સ’ – ૧૯૯૪, પૃ.૨૦૪-૫
 • 7
  ‘મહાપુરુષજીર પત્રાવલિ’ – ૧૯૫૩, પૃ.૨૫૩
 • 8
  ‘અ ગાઈડ ટુ સ્પિરિચ્યુલ લાઈફ’-૧૯૮૮, પૃ.૧૪૬-૭
 • 9
  ‘પરમાર્થ પ્રસંગ’ – ૧૯૪૯, પૃ.૨૩૪
 • 10
  ‘ગોસ્પેલ’ – પૃ. ૧૯૦